Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'દુશ્મન' (1971)

$
0
0
આ '૭૦ના આજુબાજુના દાયકાઓમાં બનેલી ફિલ્મો ભારે નિરાશાજનક હતી. અપવાદોને બાદ કરતા એકે ય ફિલ્મમાં એકે ય કિસ્મના ઢંગધડા જોવા ન મળે, ત્યારે આ 'દુશ્મન'એની વાર્તા, દિગ્દર્શન અને રાજેશ ખન્નાના અર્થપૂર્ણ અભિનયને કારણે જોવી-માણવી ગમે એવી ફિલ્મ બની હતી.

ફિલ્મ – દુશ્મન
નિર્માતા - પ્રેમજી
દિગ્દર્શક -દુલાલ ગુહા
સંગીત - લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર -આનંદ બક્ષી
રનિંગ ટાઈમ - ૧૭-રીલ્સ – ૧૭૭મિનિટ્સ
થીયેટર -અલંકાર (અમદાવાદ)
કલાકારો - રાજેશ ખન્ના, મુમતાઝ, મીના કુમારી, રહેમાન, નાના પળશીકર, અનવર હુસેન, ગુરનામ, કન્હૈયાલાલ, સજ્જન, કે.એન. સિંઘ, અભિ ભટ્ટાચાર્ય, તિવારી, અસિત સેન, કુલજીત, લીલા મીશ્રા, નાઝ, માસ્ટર ટીટો અને માસ્ટર દીપક, નર્મદા શંકર, શેખર પુરોહિત, હબીબ, બિહારી, મૂલચંદ, મારૂતિ, મુરાદ અને ખાસ ભૂમિકામાં 'બિંદુ'અને જ્હૉની વૉકર.



તમારા છોકરાને કોઈ પણ ફીલ્ડનો સુપરસ્ટાર બનાવવો હોય, તો એને અમિતાભ બચ્ચનના નક્શ-એ-કદમ પર ચાલવાનું કહેજો, રાજેશ ખન્નાના નહિ! ફિલ્મોના સુપરસ્ટાર તો બન્ને હતા, પણ ખન્નો 'હતો'કહેવાય છે અને બચ્ચન 'છે'કહેવાય છે. એક માત્ર ડીફરન્સ નમ્રતા. (છોકરાને કોમેડીયન કહેવડાવવો હોય તો શત્રુઘ્ન સિન્હા બનાવજો.... આજે ભ'ઈને કોઈ ઓળખતું ય નથી, છતાં પોતાના પ્રિન્ટિંગ-પ્રેસમાં છપાવેલા સર્ટિફિકેટ મુજબ, હજી આજેય એ પોતાને હિંદી ફિલ્મોનો સુપરસ્ટાર કહેવડાવે છે. એની દીકરી સોનાક્ષી સિન્હાએ ઉઘાડેછોગ બફાટ કર્યો હતો કે, 'મારા ડેડી એ જમાનામાં ય સુપરસ્ટાર હતા અને આજે ય એ જ છે...' તારી ભલી થાય ચમની... કાલ ઉઠીને તો તું ય તારી જાતને 'મધર ટૅરેઝા'કહેવડાવવા માંડીશ, એટલે અમે બધા શું અલીબાગથી આવ્યા છીએ... જા, ઘેર જઈને પંખો ચાલુ કર, બહેન!

રાજેશ ખન્ના તો બાકાયદા સુપરસ્ટાર હતો ને એમાં ય છોકરીઓને એણે પાગલ બનાવી દીધી હતી. 'આરાધના'પછી તો એણે દેશભરમાં ફિલ્મોની આખી તાસિર બદલી નાંખી હતી. સળંગ ૧૫-ફિલ્મો સિલ્વર જ્યુબિલી આપવાનો નવો રેકોર્ડ છે. પણ આજે એનો કોઈ ભાવ પૂછાતો નથી એનું એક જ... ના, એક જ નહિ, ઘણા કારણો નીકળી આવ્યા. એક તો, દેવ આનંદની જેમ ખન્નાએ પણ ઍક્ટિંગને બાજુ પર રાખીને 'મેનરિઝમ્સ'પર વધારે ધ્યાન આપ્યું. ચેહરાના આપણા ગળે ન ઉતરે એવા લાઉડ હાવભાવ, જમણો ખભો ઢળતો રાખીને ચાલવું, બોલવામાં મર્દાનગીને બદલે ક્યારેક સ્ત્રૈણ્યવેડાં, મુમતાઝના ભાઈ રૂપેશ કુમારથી માંડીને સુજીત કુમાર જેવા ચમચાઓથી ઘેરાયેલા રહેવું અને એમના રીપોર્ટર્સ (ખાસ કરીને, ખન્નાના ધરખમ હરિફ અમિતાભ બચ્ચનને હવે કોઈ પૂછતું નથી, એવા મ્હોં-માથાં વગરના રીપોર્ટ્સથી ખુશ થઈ જવાનું) સ્ટુડિયોમાં નાના સ્ટાર્સ કે સેટ પરના માણસો સાથે બદતમીઝી અને ખાસ તો, અમિતાભ બચ્ચન માટે જન્મજાત દુશ્મનાવટ એને બહુ મોંઘી પડી. ખન્નો સ્વીકારવા ય તૈયાર નહતો કે, બચ્ચન હોય કે દાદામોની હોય કે દિલીપ કુમાર... એનાથી વધુ સારા ઍક્ટરો હોઈ શકે. એક્ટિંગમાં ધ્યાન આપવાને બદલે ફિલ્મી કાવાદાવાઓ શરૂ કર્યા ને એકવાર પતન શરૂ થયું અને 'ઝંજીર'પછી અમિતાભ બચ્ચન નામનું ત્સુનામી આવ્યું, એમાં બહુ શરમજનક રીતે ખન્નો ઘસડાઈ ગયો... ને મર્યો ત્યાં સુધી સ્વીકાર્યું ન હિ કે, પોતાનાથી બચ્ચન હવે વધુ ચલણમાં છે કે વધુ સારો ઍક્ટર છે. નહિ તો, આ જ રાજેશ ખન્ના સાચા અર્થમાં અદ્ભુત 'ઍક્ટર'હતો. એને કન્ટ્રોલમાં રાખી શકે, એવા દિગ્દર્શકો પાસે એણે ઉત્તમોત્તમ કામ કર્યું છે, ખાસ કરીને બી.આર. ચોપરાની ઈત્તેફાક, આપ કી કસમ, આનંદ, માલિક... ઓહ, અનેક ફિલ્મોમાં એ હીરો નહિ, 'ઍક્ટર'તરીકે ઝળક્યો કારણ કે, દિગ્દર્શક મજબુત હોય તો અઢી સેકન્ડના દ્રશ્ય માટે ખન્નો ચેહરાના આઠસો અવયવો હલાવી શકતો... લેવાદેવા વગરના! (દવે સાહેબ, જરા મોળા પડો... ચેહરાના આઠસો અવયવો ક્યાંથી ગણી લાવ્યા? જવાબ : આપણા બધાના હાવભાવો ખન્નો એકલો ચેહરા ઉપર લાવી શકતો... જવાબ પુરો) ખન્નાએ ૧૬૩-ફિલ્મોમાં કામ કર્યું, જેમાંની ૧૦૬-ફિલ્મોમાં તે એ એકલો હીરો હતો. '૭૪માં બી.બી.સી.એ 'ધ બૉમ્બે સુપરસ્ટાર'નામથી એના ઉપર ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

પ્રેમજી નિર્મિત અને દુલાલ ગુહા દિગ્દર્શિત આજની ફિલ્મ 'દુશ્મન'એવા જ રાજેશ ખન્નાની સુંદર ફિલ્મ છે, જેમાં એને ગુહાએ 'હખણો'રાખ્યો છે, માટે ફિલ્મનો બધો ભાર એણે ઑલમોસ્ટ એકલે હાથે ઉપાડયો છે. ધર્મેન્દ્રને ફિલ્મ 'બંદિની'કે 'અનુપમા'બ્રાન્ડના ઠંડા હીરોમાંથી ગરમ ધરમ બનાવનાર આ દુલાલ ગુહા. ફિલ્મ 'દોસ્ત'પણ એમની જ. બચ્ચનની 'દો અન્જાને'પણ ગુહા સાહેબની કમાલ. થોડી પણ સફળ ફિલ્મો એમણે બનાવી, એમાંની આ એકમાં એમણે એક અસરકારક પ્રયોગ કર્યો છે. રોડ-ઍક્સિડેન્ટમાં ગુન્હેગાર ડ્રાયવરને અદાલત ફાંસીએ લટકાવે કે જનમટીપ આપે, એનાથી જાન ગુમાવનારના પરિવારને કયો ફાયદો? આ પ્રશ્નનું લોજીક સાચું પણ હોય તો ય, દુનિયાભરની અદાલતો જે તે અકસ્માતનું પરિણામ ભોગવનાર પરિવારને કશું આપી/અપાવી શકતી નથી.

ફિલ્મ 'દુશ્મન'માં અખતરો કાયદાના નામ ઉપર કરી જોવાયો છે. શરાબી અને ઐયાશ ટ્રક-ડ્રાયવર (રાજેશ ખન્ના) ગરીબ ખેડૂત ઉપર અજાણતામાં ટ્રક ફેરવી દે છે, જે મીના કુમારીનો પતિ એટલે કે પરિવારનો એક માત્ર રોટલો રળનાર માણસ, જેના ઘરમાં એની બહેન (નાઝ), એક પગે અપાહિજ બાપ (નાના પળશીકર), પ્રજ્ઞાચક્ષુ માતા (લીલા મીશ્રા) અને વિધવા માં મીનાકુમારીના બે બાળકો (માસ્ટર ટીટો અને દીપક) ન્યાયાધીશ (રહેમાન)ની એ દલિલ સાથે સરકારી વકીલ (કે.એન. સિંઘ) નારાજ છે કે, ગુન્હેગારને જેલના સળીયા પાછળ બંધ કરવાને બદલે નુકસાન પામનાર ગરીબ કિસાનના પરિવારનું બે વર્ષ સુધી ભરણપોષણ એ લોકોના ઘરમાં રહીને પૂરું પાડવું. પણ એમ જ થાય છે, એમાં મીના કુમારી ઉપરાંત એનો પૂરો પરિવાર આ ચુકાદો સ્વીકારતો તો નથી, પણ પરાણે એક ખૂનીને પોતાના ઘરમાં રાખવો, સહુની નફરત સાથે સજાના ધોરણે ન છૂટકે રહેતો ખન્નો ધીમે ધીમે એ પરિવારને રોટલો પૂરો પાડવા ઉપરાંત, હિંદી ફિલ્મોના હીરો કરે છે એ બધું - જેમાં 'ઘર કી બહુબેટીયોં કી લાજ બચાના'ય આવી જાય ને જુલ્મી જમીનદાર (અનવર હુસેન) અને તેના સાગરિત (સજ્જન)ને સીધા કરવા માટે ગામના સાધનસંપન્ન ખેડૂત (કન્હૈયાલાલ) અને ફિલ્મની હીરોઈન ફૂલમતી (મુમતાઝ)ની મદદથી ફિલ્મનો સંતોષજનક એન્ડ લાવવો.

આ '૭૦ના આજુબાજુના દાયકાઓમાં બનેલી ફિલ્મો ભારે નિરાશાજનક હતી. અપવાદોને બાદ કરતા એકે ય ફિલ્મમાં એકે ય કિસ્મના ઢંગધડા જોવા ન મળે, ત્યારે આ 'દુશ્મન'એની વાર્તા, દિગ્દર્શન અને રાજેશ ખન્નાના અર્થપૂર્ણ અભિનયને કારણે જોવી-માણવી ગમે એવી ફિલ્મ બની હતી. યાદ ન હોય કે હજી નહિ જુઓ તો કાંઈ લૂંટાઈ જવાય એવી ગ્રેટ ફિલ્મ પણ નહોતી, દુલાલ ગુહાને વાર્તા કહેતા સરસ આવડતી હોવાથી ફિલ્મ જોતી વખતે ઘટનાઓ બદલાયે રાખે છે. દ્રષ્યો લાંબા અને જરૂર વગરના ઉમેર્યા નથી. ફિલ્મના તમામ પાત્રો મારા-તમારા ઓળખીતા છે, એટલે 'આ જમીનદાર બને છે, તે કયો ઍક્ટર?'કે એ સમય પહેલાથી લગભગ દરેક ફિલ્મમાં દેખાતો મોટી ફાંદવાળો મૂલચંદ કયો? 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ રાજ મેહરા જેને મકાનના છાપરે ગોળીએથી વીંધી નાંખે છે, એ વખતે તો એ ફક્ત 'તિવારી'તરીકે ઓળખાતો તો છેલ્લે છેલ્લે એનું નામ 'રામાયણ તિવારી'કેમ થઈ ગયું? વગેરે સવાલો બહુ પૂછવા પડે, એટલા અજાણ્યા કલાકારો નથી. નાના પળશીકરને જેટલી ફિલ્મોમાં જોઈએ, આપણે એની અભિનય પ્રતિભાથી ઈમ્પ્રેસ થયા વિના રહી ન શકીએ. ચોપરાની ફિલ્મ 'કાનૂન'માં કોર્ટના એક દ્રશ્યમાં એ મેદાન મારી જાય છે. એ રોતડો બારે માસ... કબુલ, પણ નઝીર હુસેન કે મનમોહનકૃષ્ણ જેવો બોરિંગ ન લાગે.

ખાસ ઉલ્લેખ, વેમ્પ બિંદુનો કરવો પડે, એની નૃત્ય પરફૉર્મ કરવાની ખૂબીઓને કારણે. એક ખૂબી તો તમે જાણો અને ટગરટગર જુઓ જ છો, એના માદક શરીર અને સુંદર ચહેરાની, પણ ખલનાયિકાઓમાં એ વખતે પણ આટઆટલી હરિફાઈ હોવા છતાં બિંદુએ માર્કેટ આખું સર કરી લીધું, એની ડાન્સ માટેની અનન્ય મેહનતને કારણે. શરીરના આકાર સાથે એનો ડાન્સ પરફેક્ટ જતો હતો, પછી એ 'કટિ પતંગ'નો 'મેરા નામ હૈ શબનમ... પ્યાર સે લોગ મુઝે શબ્બો કહેતે હૈં...'કે પછી દિલીપ કુમાર જેવા ગ્રેટની સામે ફિલ્મ 'દાસ્તાન'માં 'ઓ હાય મૈં કિ કરાં'કે પછી વર્ષો પહેલા શત્રુઘ્નની ફિલ્મ (નામ યાદ નથી આવતું...!)નું 'દર્દે દિલ બઢતા જાયે, સારી સારી રાત નીંદ ન આયે...'હોય... બિંદુ જોવા ગમતી. બહુ ઓછાને ખબર હશે કે, સંગીતકાર લક્ષ્મીકાંત (પ્યારેલાલ)ની એ સગી સાળી થાય. બિંદુ ગુજરાતી છે અને વલસાડ પાસેના હનુમાન ભગડા ગામમાં નાનુભાઈ દેસાઈને ત્યાં જન્મી. દેસાઈ અને વલસાડની એટલે મોટે ભાગે તો એ અનાવિલ હોવી જોઈએ. એની ઑફિશિયલ જન્મ તારીખ લખાવી તો છે, ૧૭ એપ્રિલ, ૧૯૫૧ની, પણ ઈ.સ. ૧૯૬૨માં આવેલી ફિલ્મ 'અનપઢ'માં એ કૉલેજ ગ્રેજ્યુએટ (માલા સિન્હાની દીકરી) બની છે, એ હિસાબે તો એ ફક્ત ૧૧-વર્ષની ઉંમરે 'અનપઢ'માં મદન મોહનની અત્યંત જટિલ છતાં મધુરી રચના 'જીયા લે ગયો જી મોરા સાંવરીયા...'ગાતી હશે? ૪૦-વર્ષની કરિયરમાં ૧૬૦-ફિલ્મોમાં કામ કરનાર બિંદુ સંતાનવિહોણી છે. બહુ મોટી ઉંમરે એને કસુવાવડ (મીસકૅરેજ) થઈ જતાં વર્ષોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. ફિલ્મોમાંથી લગભગ નિવૃત્તિ પછી હાલમાં એ એના પતિ ચંપકલાલ ઝવેરી સાથે પૂનાના કોરેગાંવ પાર્કમાં રહે છે. રેસની બહુ શોખિન હોવાથી પૂનાની ડર્બીમાં (ઘોડાની રેસ)માં એ હરદમ જોવા મળે છે... (ઘોડાની ઉપર નહિ... પ્રેક્ષકોની ગેલેરીમાં!)

બીજી રીતે ય બિંદુ કેવી બદનસીબ કે એને સાત-સાત ફિલ્મો (ઈત્તેફાક, દો રાસ્તે, દાસ્તાન, અભિમાન, હવસ, ઈમ્તેહાન અને અર્જુન પંડિત) માટે 'ફિલ્મફેર'ના 'બેસ્ટ સપોર્ટિંગ રોલ્સ'ના નોમિનેશન્સ મળ્યા, પણ એવોર્ડ એકેયમાં નહિ, તમને નવાઈ અથવા ઝટકો લાગી શકે, પણ ફિલ્મ 'દુશ્મન'ની હીરોઈન મુમતાઝ (જન્મ તા.૩૧ જુલાઈ, ૧૯૪૭) મૂળ ભારતીય નહિ, ઈરાની છે. નામ 'મુમતાઝ અસ્કરી'. (રાજેશ ખન્નાના ચમચાના નામે વગોવાયેલા ખૂબ હૅન્ડસમ વિલન રૂપેશ કુમાર એનો નજીકનો કઝિન થાય.) મુમતાઝ જન્મી હતી તો મુંબઈમાં અને એના પિતા અબ્દુલ સલીમ અસ્કરી ફ્રૂટની લારી ફેરવતા હતા. '૬૦-ના દાયકામાં દારા સિંઘની ફિલ્મોની હીરોઈન બનનાર મુમતાઝની મોટી બહેન મલ્લિકા દારા સિંઘના જ સ્વર્ગસ્થ ભાઈ રણધાવા સાથે પરણી હતી. (ફિલ્મી મેગેઝિનોવાળા 'રંધાવા'નો ખોટો ઉચ્ચાર કરે છે. પંજાબીઓમાં યુધ્ધપ્રેમી દેશભક્ત યુવાનો રણભૂમિમાં દોડી જવા બેતાબ રહેતા, એ હિસાબે 'રણ-ધાવા'નામ પડયું.) બલરાજ સાહની-નૂતનની ફિલ્મ 'સોને કી ચીડીયા' ('રાતભર કા હૈ મેહમાં અંધેરા, કિસકે રોકે રૂકા હૈ સવેરા...')માં પહેલી વાર બાળ કલાકાર તરીકે આવનાર મુમતાઝને કેન્સર થયું હતું, પણ એના કહેવા મુજબ હવે તે કેન્સરથી સંપૂર્ણપણે ભયમુક્ત છે.

ફિલ્મ 'દુશ્મન'ને આ જ વર્ષે તમિલમાં ફિલ્મ 'નિધિ'નામે બનાવવામાં આવી હતી, જેમાં રાજેશ ખન્નાનો રોલ શિવાજી ગણેશને અને મુમતાઝનો તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ કર્યો હતો. તેલગુમાં પણ 'ખૈદી બાબાય' (કૈદી બાબા)ના નામે બની હતી, જેમાં શોભન બાબુએ ખન્નાનો કિરદાર કર્યો હતો. 'દુશ્મન'૧૯૭૧-ની સાલમાં અમદાવાદના અલંકાર સિનેમામાં આવ્યું, ત્યારે અશોક ટૉકિઝમાં વિનોદ મેહરાની પહેલી ફિલ્મ 'પરદે કે પીછે'રીલિઝ થઈ હતી અને સિલ્વર જ્યુબિલી મનાવી હતી. નવાનવા આવેલા રાકેશ રોશન (આપણા ઋત્વિક રોશનના 'ડૅડ'...)ની હેમા માલિની સાથેની ફિલ્મ 'પરાયા ધન'આશ્રમરોડના નટરાજમાં. જેનો હીરો નવિન નિશ્ચલ હતો ને અમિતાભ બચ્ચન વિલન, એ ફિલ્મ 'પરવાના'ફેઇલ ગઈ હતી. સાધના-રાજેન્દ્ર કુમારની 'આપ આયે બહાર આઈ'રૂપાલીમાં, રાજેશ ખન્ના-શર્મીલાનું 'અમર પ્રેમ'લક્ષ્મીમાં, શમ્મી કપૂર-ખન્ના-હેમાનું 'અંદાઝ'રીગલમાં, જીતેન્દ્ર-આશા પારેખનું 'કારવાં'લાઈટ હાઉસમાં, સૅક્સના નામે ખૂબ વગોવાયેલું 'દો રાહા' (રાધા સલૂજા-અનિલ ધવન) એલ.એન.માં, મોડૅલ ટૉકિઝમાં તનૂજા-રાજેશ ખન્નાનું 'હાથી મેરે સાથી', ઓપી રાલ્હનનું 'હલચલ'રૂપમમાં, રીલિફમાં રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરનું 'કલ આજ ઔર કલ', પ્રકાશમાં સંજીવ કુમાર-વહિદા રહેમાનનું 'મનમંદિર', નોવેલ્ટીમાં ફિરોઝ ખાન-મુમતાઝ-સંજય ખાનનું 'મેલા'અને કૃષ્ણમાં દેવ આનંદ-મુમતાઝ-હેમા માલિનીનું 'તેરે મેરે સપને'આવ્યું હતું.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>