Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ઍનકાઉન્ટર : 19-07-2015

$
0
0
૧. બા ખીજાય ત્યારે તમે એમને શાંત કેવી રીતે પાડો છો ?
- વાઇફ કરતાં બિલકુલ ઊલટી પધ્ધતિ !....બાના કૅસમાં મગજ દોડાવવું પડે છે !
(પિયુષ ભટાસણા, ટંકારા)

૨. એક તરફના પ્રેમ અંગે તમારૂં શું માનવું છે ?
- એ તો કોક મને એક તરફનો પ્રેમ કરે, પછી ખબર પડે !
(પ્રતિક ગોહેલ, માણાવદર)

૩. સ્વ. જ્યોતીન્દ્ર દવે અને અશોક દવે વચ્ચે શું ફરક છે ?
- મારા નામની આગળ હજી 'સ્વ.'ચોંટાડવાનું બાકી છે.
(સુનિલ ચૌહાણ, પાલિતાણા)

૪. તમે અમિતાભ બચ્ચન હોત, તો કોની સાથે લગ્ન કરત... રેખા, હેમા માલિની કે શ્રીદેવી ?
- તમારે એમ પૂછવું જોઇતું હતું કે, અમિતાભ અશોક દવે હોત તો કોની સાથે લગ્ન કરત... બેન ગોદાવરી, બેન સવિતા, બેન ચંપા...કે છેલ્લું નામ તો આ કૉલમના બધા વાચકો જાણે છે...હાહાહા !
(દિપક દવે, ભાવનગર)

૫. ગામ ખોબા જેટલું હોય, પણ આજકાલ ગામડાંઓમાં મોટાં મોટાં પ્રવેશદ્વારો મૂકાવવાની ફૅશન થઈ પડી છે, ભલે પછી ગામમાં નળ, ગટર કે રસ્તા ન હોય...સુઉં કિયો છો ?
- આખું ગામ એમના બાપનું થઈ ગયું...પોતાના બાપ કે સંસ્થાના નામે પ્રવેશદ્વાર બનાવી ને !
ખર્ચો લાખ-દોઢ લાખનો માંડ ને પોતાના વિસ્તારના ધારાસભ્યશ્રીને રાજી કરી દેવાના !
(હિમાંશુ ભીન્ડી, તળાજા)

૬. પ્રેમ થવો ગુન્હો છે ?
- એનો બાપ શું કહે છે...?
(અક્ષય રાઠોડ, ભાવનગર)

૭. દીકરો ને વહુ રોજ સવારે ભગવાનની પૂજા કરે ને મા-બાપને તરછોડે... એનું શું કારણ ?
- ભગવાનની પૂજા પણ મા-બાપ માટે જ કરતા હોય છે...કે, એ પાછા ન આવે !
(મેહૂલ રાજપરા, જામનગર)

૮. અન્ના હજારે પાછા મેદાનમાં કેમ આવ્યા હતા ?
- કાકાને વગર મેહનતે ગાંધીજી ભાગ-બીજો બનવું હતું...ને બેવકૂફ મીડિયાએ સાથ આપ્યો !
(દેવેન્દ્ર સોલંકી, અમદાવાદ)

૯. ક્યારેક કોઇનો સવાલ વાંચીને તમને હસવું આવે છે ખરૂં ?
- ઘણી વાર... કે, લોકો મને કેવો બેવકૂફ સમજે છે !
(કોમલ પિત્રોડા, રાજકોટ)

૧૦. તમારાં પત્ની અચાનક તમને કોઈ સ્ત્રી સાથે વાતો કરતા જોઈ જાય તો એ શું કરે ?
- રોજરોજ તો એ ય બિચારી શું કરે ?
(નીતિન વાલા, રાજકોટ)

૧૧. પ્રેમીઓ પ્રેમના વહેમમાં હોય, એવું તમને નથી લાગતું ?
- આવું છેલ્લી વાર ૩૮-વર્ષ પહેલાં લાગ્યું હતું... સાલો, મારો વહેમ સાચો પડયો ને લગ્ન કરી લેવા પડયાં !
(અરસી બેરીયા, બાલોચ-પોરબંદર)

૧૨. અમેરિકામાં ટૉયલેટને 'રેસ્ટ-રૂમ'કેમ કહે છે ?
- યસ...ખરેખર તો Waste room કહેવો જોઈએ !!!
(ભૂપેન્દ્ર સી. શાહ, અમદાવાદ)

૧૩ હિંદુસ્તાન પહેલાં 'સોને કી ચીડીયા'કહેવાતું....હવે ?
- આપણો દેશ પહેલાં ય સોનાનો હતો ને પૃથ્વીના અંત સુધી ય એ સોનાનો જ રહેશે.
(કલ્પેશ જે. પટેલ, વલસાડ)

૧૪. નીલગગન કી છાંઓ મેં, દિન રૈન ગલે સે મિલતે હૈ...' (ફિલ્મ 'આમ્રપાલી'માં વૈજ્યંતિ માલા) અને 'મોસે છલ કિયે જાય...'ફિલ્મ 'ગાઇડ'માં વહિદા રહેમાન....બેમાંથી નૃત્યની દ્રષ્ટિએ કયું ગીત ઉચ્ચતર કહેવાય ?
- એનો આધાર ફિલ્મ જોતી વખતે તમારી નજર ક્યાં અટકેલી રહે છે, એની ઉપર છે.
(મહેશ રાવલ, અમદાવાદ)

૧૫. તમે ફિલ્મોમાં જવાનો ટ્રાય કેમ નથી કરતા ?
- બે જેલસ માણસોને કારણે...! વર્ષો પહેલાં દિલીપ કુમાર અને હવે અમિતાભ બચ્ચન મારાથી ગભરાય છે ને મારા માર્ગમાં રોડા નાંખે છે...સાલો સીધા માણસોનો જમાનો જ નથી. (અહીં 'સીધો માણસ'મને ગણવો... પેલાબે ને નહિ... (સૂચના પૂરી).
(નિપુણ ઠાકર, મુંદ્રા-કચ્છ)

૧૬. ઇ.સ. ૧૯૩૧-પહેલાં હિંદી ફિલ્મો સાયલન્ટ આવતી હતી...આજકાલની ફિલ્મો સાયલન્ટ 'કરીને'જોવી પડે છે !
- તમારી આ સરખામણી વહુ ઘરમાં નવી પરણીને આવે ત્યારની અને આજની વચ્ચે થાય !
(નંદ રાજગોર, મુંદ્રા-કચ્છ)

૧૭. સફળ થવા માટે શું ના કરવું જોઇએ ?
- કમ-સે-કમ...આવો સવાલ કોઈ નિષ્ફળ માણસને તો ન જ પૂછવો જોઇએ !
(સૅન્કી મેહતા, ગાંધીધામ-કચ્છ)

૧૮. કઈ ચીજ ગૉળ ના બની શકે ? શેરડી કે રબ્બર ?
- ધો. ૬-ના વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે, આવા પ્રશ્નો ધો. ૭માં આવ્યા પછી પૂછવા.
(બાકરઅલી અસામદી, અંકલેશ્વર)

૧૯. અન્ના હજારેએ શહીદ ભગતસિંહના ગામમાં જઇને આંસુ સાર્યા. શું માનો છો ?
- હવે તો તમારા ગાંમાં કોઈ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ ગુજરી જાય તો ય અન્ના આવે એવા છે... હવે મીડિયાવાળા ય એમની પાછળ પાછળ જતા નથી.
(મયૂર વાળંદ, ભુજ-કચ્છ)

૨૦. હવે તો ઝૂંપડાઓમાં ય સ્પ્લિટ-ઍસીઓ આવી ગયા છે...ને તમે હજી 'પંખો ચાલુ કરવાની'વાત કરો છો ?
- એમ..? તમે સ્પ્લિટ-ઍસી નંખાવી ય દીધું...?
(કિશોર યાજ્ઞિક, અમદાવાદ)

૨૧. એવી કઈ ચીજ છે, જે અમીરો ખિસ્સામાં રાખે છે ને ગરીબો ફેંકી દે છે ?
- નેતાઓ.
(જયસુખ સોલંકી, નિકોલ)

૨૨. ધર્મ માણસને મજબૂત બનાવે છે કે નબળો ?
- આજના સમયની વાત કરીએ તો ધર્મો દેશને માયકાંગલો બનાવી રહ્યા છે. એકે ય ધર્મ રાષ્ટ્રભક્તિની વાત પણ નથી કરતો !
(રવિ સૂરેજા, ઉંબરગામ)

૨૩. મારી ગર્લફ્રૅન્ડ 'તમને''આઇ લવ યુ'કહે તો તમે શું કરો ?
- સચ્ચીઇઇઇઇ....??? તો હું એને પણ 'આઇ લવ યૂ, બેટા'કહું.
(તેજસ શર્મા, વીરપુર-મહિસાગર)

૨૪. તમે 'ઍનકાઉન્ટર'ન લખતા હોત તો શું કરતા હોત ? તમને અભિનેતા બનવાની ઇછા ખરી ?
- કોઈ પણ અભિનેતો ૫-૧૦ વર્ષ ચાલે છે... 'ઍનકાઉન્ટર'ટાઇમલૅસ છે. (અને હવે પછી અટક પહેલાં ને નામ પછી ન લખશો...માલિની હેમા, કૈફ કૅટરિના કે કાપડિયા ડિમ્પલ સારૂં લાગે ?)
(સ્વાતિ ડી. ભાખર, સુરત)

૨૫. વાહિયાત સવાલોના જવાબો આપવામાં તમારે કેટલું વિચારવું પડે છે ?
- સવાલો વાહિયાત હોવાનું તો સાંભળ્યું નથી...હા, જવાબો માટે ઘણા કહે છે !
(જીતેન્દ્ર પરમાર, પોરબંદર)

૨૬. મારે બાલ-દાઢી સિવડાવવા છે. કોક સારો દરજી હોય તો કહેજો ?
- તમારૂં કામ તો કોઇ ટાયર-ટયૂબના પંકચરવાળો ય કરી આપશે.
(કુલદીપ પટેલ, વીરપુર)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>