Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ઍનકાઉન્ટર : 24/07/2016

$
0
0
* આપણો ભારત દેશ કઇ શ્રધ્ધા ઉપર ટકેલો છે ?
- એ જ કે... સરહદ પર આપણા રોજના સરેરાશ દસ જવાનો શહીદ થાય છે... મોદી એટલા ગરમ થાય કે, દસ-પંદર વર્ષમાં આપણે ય એમનો એક સૈનિક મારીશું !
(અલકેશ એમ. શાહ, સુરેન્દ્રનગર)

* ધૂળેટીમાં કોઇએ ખોટું બોલીને તમને પાક્કો રંગ લગાડયો છે ખરો ?
- કોઇની મજાલ નથી. સહુ જાણે છે કે, આનાથી વધુ કાળો રંગ તો આપણી પાસે ય નથી.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* તમે 'બાઈ'પાસ કરાવી આવ્યા પછી હવે, 'અસોક'સંભળાય છે કે 'અશોક' ?
- ઘેર આવ્યા પછી ખબર પડી કે, એની એ જ પાસ થઇને આવી છે !
(કિરણ લાંઘણોજા, સુરેન્દ્રનગર)

* વિજય માલ્યા જેટલું દેવું તમારા માથે હોત તો ?
- તોય ભારત સરકાર શું કરી શકવાની છે ?
(તુલસી ગોંડલીયા, રાજકોટ)

* એવી કઇ હકારાત્મક વાત છે જે આપણે વિજય માલ્યા પાસેથી શીખવી જોઇએ ?
- કોઇની પૅન્સિલ પણ મારી લીધી હોય તો ય લંડનનો વિઝા તૈયાર રાખવો.
(પ્રતિક ડી. આચાર્ય, બોટાદ)

* તમને 'તારક મેહતા કા ઊલટા ચશ્મા'નું કયું પાત્ર સૌથી વધુ ગમે ?
- આખી સીરિયલ જ ખડખડાટ હસાવે છે... ટીમવર્ક સૌથી વધુ ગમ્યું.
(સુરેશ દરજી, વડોદરા)

* તમે એક સાથે બે વ્યક્તિને એક સરખો પ્રેમ કરી શકો ?
- વર્ષોથી કરૂં છું... મારા મા-બાપને.
(બીજલ ભરવાડ, લીમડા હનુભાના)

* પ્રેમ એટલે શું ?
- વહેમ
(મોહમદ મન્સુરી, વિજાપુર)
* દર વખતે 'એનકાઉન્ટર'માં આપણો જ સવાલ પહેલો રાખવાનું શું લેશો ?
- ગઢ નહિ... વિશ્વ જીતી લાવો.
(વિશ્વજીત ગઢવી, અમરેલી)

* તમારી હમણાંની મનપસંદ ફિલ્મ કઇ છે ?
- અમિતાભ બચ્ચન-ફરહાન અખ્તરની 'વઝિર'
(સોહમ ભાસ્કરરાય દવે, અમદાવાદ)

* ઇંગ્લિશ મીડિયમમાં ભણવા છતાં સપનાં ગુજરાતીમાં જ કેમ આવે છે ?
- તમારે તો એમ કહો હજી ય સારૂં છે... ઘણાને તો મૂંગી ફિલ્મો જેવા આવે છે.
(ધૈર્ય પી. પટેલ, અમદાવાદ)

* આ વખતે ગરમીથી બચવાનો કોઈ ઉપાય બતાવશો...? પંખો ચાલુ કરવા સિવાયનો ?
- એ.સી. ચાલુ કરો.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* ઉતાવળે આંબા ન પાકે... તો જલ્દી કેમ પકવવા ?
- ભૂગર્ભમાં રહેવા જતા રહેવું.
(મીરા ગોહેલ, ભાવનગર)

* તમારા મતે લગ્ન માટે પુરૂષોની યોગ્ય ઉંમર કઇ કહેવાય ?
- છોકરાઓ માટે ૨૫ની આસપાસ...! પુરૂષોની ખબર નથી.
(ઋષિકેશ જોશી, પાલનપુર)

* સરકારી કર્મચારીઓની જેમ સાધુસંતોની નિવૃત્તિની ઉંમર ન હોવી જોઇએ ?
- સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા પછી સાધુસંત બની શકે છે...
(વિક્રમ-જયમીન પટેલ, ગોરાદ-મહેસાણા)

* આ કોંગ્રેસ જાતિવાદને બદલે દેશવાદ ક્યારે અપનાવશે ?
- જૉક્સ માટે આપણા અખબારનું જૉક્સ-જંકશન વાંચો.
(અજય મોદી, ભાવનગર)

* તમે કેટલું ભણ્યા છો ?
- દેશના રાષ્ટ્રપતિ થઇ શકાય એટલું.
(પ્રતિક મરડીયા, મુંબઇ)

* આપને સાહિત્યનો સુવર્ણ ચંદ્રક ક્યારે મળશે ?
- એને માટે સાહિત્ય સિવાય પણ ઘણી લાયકાતો જોઇએ.
(ભોલાનાથ રિંડાણી, જામનગર)

* 'વોટ્સઍપ'અને 'ફૅસબુક'વિશે શું માનો છો ?
- સાયન્સનો સર્વોત્તમ આવિષ્કાર છે... પણ ૯૮ ટકા લોકો એને બેવકૂફીથી વાપરે છે.
(હાર્દિક કોટેચા, રાજકોટ)

* માણસે વિવેક શીખવા શું કરવું જોઇએ ?
- રાજકારણમાં જોડાવું જોઇએ... ત્યાં હાથ જોડયા વિનાનો કોઈ માણસ નહિ મળે !
(વિવેક નાયક, સુરત)

* તમારા ઘણા જવાબો ઉપરથી તમે નાસ્તિક હો, એવું લાગે છે...
- ભારતમાતાની પૂજા કરૂં છું, એને તમે નાસ્તિક કહેતા હો તો... એમ !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* પહેલું સુખ તે જાતે નર્યા... તો બીજું, ત્રીજું કે ચોથું કયું ?
- બીજાથી બસ્સો સુધી બસ... ખિસ્સા છલોછલ હોય, એમાં બધું આવી ગયું.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* સંજય દત્ત કહે છે, જૅલની રસોઇ ગધેડાઓ પણ ખાઈ ન શકે એવી હોય છે...
- આપણે બચી ગયા...!
(મિતુલ પ્રજાપતિ, અરોડા-ઇડર)

* અમેરિકાના પ્રમુખ ક્યુબાના પ્રવાસે ગયા ત્યારે ક્યુબાના પ્રમુખ રાઓલ કાસ્ટ્રો એમને રીસિવ કરવા પણ ગયા નહોતા... આ અમેરિકન પ્રમુખનું અપમાન કહેવાય કે નહિ ?
- હું અમેરિકા ગયો ત્યારે અમેરિકાના પ્રમુખે ય મને લેવા નહોતા આવ્યા.. બધે ખોટું થોડું લગાડાય છે ?
(ધીરજલાલ દવે, ચીતલ-અમરેલી)

* સાધુ-સંતો ભગવા કપડાં જ કેમ પહેરે છે ?
- જટાઓ સાથે જીન્સ અને જર્સીમાં તો સારા ન લાગે ને ?
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>