Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

વીજળી એટલે ઈશ્વરનો ઑટોગ્રાફ

$
0
0

સુનિલ ગાવસકર અને અમિતાભ બચ્ચનને એમના ચાહકોને ઑટોગ્રાફ આપતા જોઇને એણે ય એક સપનું સાચવી રાખ્યું હતું કે, મોટા તો એવા મોટા માણસ બનવું કે, ચાહકોને ઑટોગ્રાફ્સ આપી શકાય. એ લોકોને કેવી થ્રીલ ઉપડતી હશે ઑટોગ્રાફ આપતી વખતે ! ને એમાં ય, બે-ચાર બીજા ચાહકો આવી જાહોજલાલીમાં આપણને જોતા હોય, એનો ય મજો છે. યુવતીઓ હોય તો વધુ સારૂં... ન હોય તો યુવાનોને ય આપવા તો ખરા જ. આપણે આંગણે આવેલો માંગણ પાછો જવો ન જોઇએ. એ આખા દ્રશ્યનો કોઇ ફોટો પાડીને આપણને મોકલાવે તો આત્મકથાના પૂંઠા ઉપર એ ફોટો મૂકવો, ત્યાં સુધી એની તૈયારી હતી. 
 
ક્યાંક વળી ફંક્શન-બંક્શનમાં ગયા હોઇએ અને વાચકોના ટોળેટોળા આપણને વળગી પડે, ત્યારે હાવભાવ કેવા ગંભીર રાખવા, સૅલ્ફી કેવી રીતે પડાવવી, મૅસેજમાં શું લખવું, આપણી પૅન વાચકના હાથમાં રહી ન જાય, એનોખ્યાલ કેવી રીતે રાખવો તેમ જ, ફોટોગ્રાફરો ઉપસ્થિત હોય ત્યારે કઇ બ્રાન્ડના સ્માઇલો આપવા, એ બધા રીહર્સલો એ રોજ કરતો. 
 
આમ પાછું, સૅલિબ્રિટીઓ ફૅન્સ-લોકોને ઑટોગ્રાફ્સ આપતી વખતે-જાણે'આ તો અમારા માટે રોજનું છે. ઠીક છે,આપી દઇએ બાકી... ઑટોગ્રાફ્સ આપવા બહુ ગમતા નથી', એવા સ્થિર કચકડાંના મોંઢાં રાખે, એ પાછું આને ન ગમે. પહેલી વાર આણે એ જ ભૂલ કરી હતી. એક સમારંભમાં એક સુંદર યુવતી એનો ઑટોગ્રાફ લેવા આવી. માંગે અને તરત આપી દઇએ તો જરા ચીપ લાગે, એટલે નાનો અમથો'પો પાડવા એણે મોંઢું સ્થિર કરીને કહી દીધું, ''સૉરી... હું હસ્તાક્ષર નથી આપતો...!''પેલી એની ય માં નીકળી. ડૂંગળીના દડાને બચકું ભરતી હોય એવું કાચેકાચું હસીને જતા જતા બોલી, ''ઓ હીરો... હું ઑટોગ્રાફ લેવા નથી આવી... તમારી પૅન પડી ગઇ'તીતે પાછી આપવા આવી'તી...!''એમાં તો યુવતી અને પૅન બન્ને ગયા. 
 
એની સમસ્યા એ હતી કે, હાલમાં તો કોઇ એને ઓળખતું નહોતું... ને આમ જોવા જઇએ તો પહેલા ય કોઇ ઓળખતું નહોતું... એટલી શ્રધ્ધા કે ગૂજરી ગયા પછી ઘણા બધા ઓળખતા થઇ જાય છે, પણ... એ અવસ્થામાં તો ઑટોગ્રાફો ન આપી શકાય ને ? એટલે શક્ય હોય ત્યાં સુધી જીવતેજીવત જ લોકો આપણો ઑટોગ્રાફ લેવા આવે એવા મોટા માણસ બનવું. 
 
કવિ-લેખકોનો આ પ્રોબ્લેમ છે. બૅન્કમાં ચૅક વટાવવા ગયા હોય ને ત્યાંનો ક્લાર્ક એમની પાસે સહિ કરાવે, એમાં કવિ ઑટોગ્રાફ સમજે અને ચૅકની પાછળ મૅસેજ'બૅસ્ટ વિશીઝ'... લખીને સ્માઇલ સાથે પાછો આપે. તારી ભલી થાય ચમના, કઇ કમાણી ઉપર તું એને ઑટોગ્રાફ સમજી બેઠો છું ? પેલો તારી સામે ઊંચું ય જોતો નથી ને તું એને ચાહક સમજીને તારો મોબાઇલ તૈયાર રાખીને ઊભો છે કે, 'હમણાં સૅલ્ફી પડાવવો પડશે... ઓહ, કેટલાને ના પાડીએ ?' 
 
ટીવી-આર્ટિસ્ટ કે સાહિત્યકાર બન્યા પછી પહેલી તમન્ના કોઇ ઑટોગ્રાફ માંગવા આવે એની હોય છે અને આ બાજુ, સાલી ચાહકોને ખબર હોય છે કે, કોના ઑટોગ્રાફ કે સૅલ્ફી લેવાય ! 
 
તો બીજી બાજુ, સાવ નવેનવા કલાકાર કે સાહિત્યકાર બન્યા હોય ને ભલે કોઇ ગેરસમજથી ચાહક એનો ઑટોગ્રાફ લેવા ગયો અને નૉટ-પૅન ધર્યા... ભ'ઇને ઑટોગ્રાફ આપવાનો કોઇ અનુભવ ન હોય, એમાં તો હલવઇ જાય અને સામું પૂછે, ''ક્યાં સહિઓ કરવાની છે...?''પેલાને સમજણ તો પડી જાય અને ઘડીભર પસ્તાવો પણ થાય પણ સમય સાચવીને એ કહી દે, ''બસ જી... આપનો ચાહક છું... ઑટોગ્રાફ આપશો ?'' 

જરા ધૂંધવાઇ જઇને આવડો આ પેલાની સામે દયામય ભાવમુદ્રાથી જોશે, પછી નૉટ-પૅનની સામે જોશે અને ભારે ચીવટથી લખશે, ''મોદી હરિશકુમાર જશવંતલાલ-સોજીત્રાવાળા''.... અને મૅસેજમાં લખ્યું હોય, 'સ.દ. પોતે'. 
 
આના કમનસીબે, પેલો પાછો લેખકશ્રીએ મૅસેજમાં શું લખી આપ્યું છે, એ જોવા મૂન્ડી નીચી કરે એ જ ક્ષણે ઝાટકા સાથે ઊંચી કરી નાંખે, ''...આ...આઆ...આ શું ? ઓ સૉરી, તો તમે... સાહિર લુધિયાનવીજી નથીઇઇઇ...? ઓહ, મોંઢે શીળીના ચાઠાં જોયા, એટલે મને એમ કે તમે સાહિર સાહેબ છો... સૉરી !''એટલું કહીને, બાલ્કનીની પાળે સૂકવેલા લેંઘા ઉપર બેઠેલો કાગડો ચરકીને પલભરમાં ઊડી જાય એમ, ઘટનાસ્થળે પાનું ફાડી, ડૂચો કરી ત્યાં જ નાંખીને જતો રહે. 
 
ઑટોગ્રાફ્સ માંગવા આવનારાઓ ય ઓછા નથી. કવિ-લેખક એમ સમજે કે, આવનારી સદીઓની સદીઓ સુધી એમનો ઑટોગ્રાફ આ વાચકના પટારામાં જીવની જેમ સચવાઇ રહેવાનો છે. બીજા બસ્સો લોકોને એ બતાવશે અથવા જગતભરની મોટી હસ્તિઓના એણે ઑટોગ્રાફ્સ લીધા હશે, એમના ભેગો મને ય ગણાવી દેશે. શક્ય છે, આવા હસ્તાક્ષરોનું કોઇ પુસ્તક બહાર પડે અને એમાં જાજરમાન બનીને આપણો ઑટોગ્રાફ ઝવેરીની શૉપના શૉ-કૅસમાં ગોઠવાયેલા નૅકલૅસની જેમ ઝગમગતો પડયો હશે ! 
 
માય ફૂટ્ટ...! ૯૮ ટકા ચાહકો એમના માનિતા સ્ટાર્સ કે સાહિત્યકારોના ઑટોગ્રાફ્સ લઇને ખિસ્સામાં મૂકી દે છે, જે શર્ટ બીજે દિવસે ધોવાઇ જાય છે-પેલા'નૅકલૅસ'ની સાથે ! ફૅન્સ-લોકોને ઑટોગ્રાફ લેતી વખતે જે ઉમળકો હોય છે, એ લીધા પછી ઝાઝો ટકતો નથી કારણ કે, 'મહામૂલ્યવાન'ચીજ બજારમાં વેચવા નીકળે તો કોઇ એના આઠ આના ય ના આલે ! (આ'આના'અને'આલે'શબ્દો આજની પેઢીના વાચકોને સમજાવવા !) હા, કેટલાક જુદી ઑટોગ્રાફ-બૂક રાખે છે, એમાં થોડા મહિના સચવાય છે. એ તો એમ કહો કે, લેખકના બદલે એનો ઑટોગ્રાફ વાચકો સાચવી રાખે છે, બાકી લેખકને આગ્રહ કરીને ચાહક પોતાના ઘેર લઇ જાય તો, ભઇ બે કલાકે ય સચવાય એવા હોતા નથી ! ઘરના લોકો એમને જોઇને ડઘાઇ જાય ! ફ્રીજ મંગાયું હોય ને ઘરઘંટી આવી ગઇ હોય એવું લાગે. કેટલાક દ્રશ્યો તો પરિવારજનો માટે ય પચાવવા મુશ્કેલ હોય છે. 
 
એમ કહે છે કે, ઑટોગ્રાફની શોધ આકાશમાં થઇ હતી. વીજળી એ ઈશ્વરનો ઑટોગ્રાફ છે. એનો અર્થ એ પણ નહિ કે, બાઘાની જેમ ઘરના ઈલેક્ટ્રિક-પ્લગમાં આંગળી નાંખી દીધી હોય ને ચમકારા સાથે જે સટાકો બોલે એને, 'દિવાલનો ઑટોગ્રાફ'કહેવાય ! ઝાટકો લાગ્યા પછી આખા શરીરે તોતિંગ ઝણઝણાટીઓ સાથે મોંઢાની ડીઝાઇન ફર્શ સાફ કરવાના ભીનાં પોતાં જેવી થઇ જાય તો એ ધૂળજીના ઑટોગ્રાફ જેવું લાગે ! 
 
અંગત રીતે મેં પહેલો ઑટોગ્રાફ ધી ગ્રેટ રાજ કપૂરનો લીધો હતો. એમાં એક ગમ્મત થઇ ગઇ. આપતા પહેલાં એમણે મને જરા બેકાળજીથી પૂછ્યું, ''શું લખું ?''મેં કીધું, ''આપનું વિલ...!''બસ. કામ બહુ ઉમળકાથી થઇ ગયું. આટલી જરા-સી હ્યૂમરે એમણે મને દોઢ કલાક ઈન્ટરવ્યૂ આપ્યો. વર્ષો પહેલા મનોજકુમારની ફિલ્મ'ક્રાંતિ'ના ગોરેગાંવ પાસે તુલસી-લૅક ખાતે શૂટિંગમાં મનોજની સાથે શશી કપૂરને મળવાનું થયું હતું. મારી સાથે પત્ની હતી. શશી કપૂરની ફ્લૅમબૉયન્ટ સ્ટાઇલ હતી, ખુલ્લા સ્માઇલ સાથે હથેળી મસળતો મસળતો બોલતો આવે, ''હાય... આઈ ઍમ શશી કપૂર...''એમ કહીને અમારી સામે આંખ મારી હાથ મિલાવ્યા. વાઇફે એનો ઑટોગ્રાફ તો લીધો પણ એને આજ સુધી યાદ નથી રહ્યો...'આંખ મારી'એ બખૂબી યાદ રહી ગયું છે. એ પછી તો એ અડધા ગુજરાતને કહી ચૂકી છે કે, ''સસી કપૂરે મને આંયખ માયરી...!'' 
 
એનો ઘા રૂઝવવા ઘેર આવ્યા પછી મેં એને આજ સુધી બે કરોડઆંખો મારી આપી હશે, પણ એની  એને  કિંમત હોય ? 

હા. વાઇફ મારા ઑટોગ્રાફ્સ ભૂલ્યા વિના દર પંદર દિવસે માંગે છે, ચૅકબૂકમાં સાઇન કરાવવા ! 
 
સિક્સર 
- દાદુ... હમણાં તમે ફિલમની કોઇ ચોપડી-બોપડી બહાર પાડી છે ને કંઇ...? લાવજો ને, ટાઇમ-બાઇમ મળે ત્યારે વાંચી નાંખીશું ! બાકી તો તમારા લેખો વાંચવા ક્યાં નવરા હોઇએ છીએ, 'ઈ ! 
- ક્યારેય એક પણ લેખ ન વાંચનાર'દોસ્તો'ને અપેક્ષા રહે છે કે, હું એમને આવું મોંઘુ પુસ્તક ગિફ્ટમાં આપું !   

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>