Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ચોળાફળી ખાવા છરીકાંટા ન જોઈએ !

$
0
0
જ્યારે જઈએ ત્યારે એમના ઘેર એક જ નાસ્તો હોય... ચોળાફળી. બારે માસ ચોળાફળીઓ ખાઈ ખાઈને એમનું આખું ઘર પીળું પડી ગયું હતું. ડર એ લાગે કે, એ લોકોએ બાર મહિનાની ભેગી ચોળાફળી મંગાવી ન રાખી હોય કારણ કે, ડિશમાં આપણને ચોળાફળી આપે, એની સાથે સોપારી કાતરવાની સૂડી આપણે માંગવી પડે... તો એમની ચોળાફળી કપાય અથવા કતરાય... ચાહે ભૂકોકરીને ખાઓ કે કટકા કરીને ! એની સાથે ચણાના લોટની પીળી ચટણી અને પપૈયાની છીણ હોય. એ તો ખાવ ત્યારે ખબર પડે કે, ચટણી ભાંગી ભાંગીને ખાવાની હોય-બોળીને નહિ.

પપૈયાની છીણ ગમે એટલું સાચવીને ખાઓ, બે-ચાર દોરાં મોંઢાની બહાર લટકતા મળે જ ! આઘાત એ વાતનો લાગે કે, આપણી નજર સામે એમનું આખું કુટુંબ એ જ ચોળાફળી મસ્તીથી ખાતું હોય ! આપણે ક્યાંક ઘરની બહાર નીકળ્યા હોઈએ ને ચાર રસ્તાના કોર્નર પર ચોળાફળીની લારીવાળો ઊભો હોય ત્યાં આ કુટુંબનું કોઈને કોઈ હોય જ... વેચવા માટે નહિ, ખાવા માટે !

ગુજરાતીઓમાં હવે ફાફડા કરતા ય ચોળાફળીનું માર્કેટ ઉચકાતું જાય છે. લગ્નના રીસેપ્શનોમાં એ હજી કેમ નથી આવી, એ નથી ખબર, પણ સગાસંબંધી અને ગ્રાહકોને દિવાળીના ગિફ્ટ-પેકેટો મોકલવામાં હવે ચોળાફળી દેખાઈ ગઈ છે.

એક તો, સાઇઝના ધોરણે પેકેટ બને મોટું અને ખોલ્યા પહેલા ખુશ પણ થઈ જવાય કે, 'વાહ... મોકલનારે દિવાળીની કેવી મોટી ગિફ્ટ મોકલી છે !'ગુજરાતીઓએ હજી જમવાને બદલે ચોળાફળી શરૂ કરી નથી, એટલું જ, બાકી ઝાપટે છે તો જમવાની માફક જ ! જેમાં GSTન લાગતો હોય, એ બધી ચીજો ગુજ્જુભાઈઓને બહુ ભાવે.ગુજરાતના બીજા શહેરોની તો ખબર નથી, પણ અમદાવાદ આખું ધમધમે છે, ચોળાફળીની લારીઓથી. આ એક લારી એવી છે જે ખાલી ન હોય. ત્યાં ગ્રાહકોની ભીડ હોય જ !

લારી પર ઊભા ઊભા ચોળાફળી ખાવાની ય સ્ટાઈલ હોય છે. સાઇઝમાં તગડી હોવાને લીધે એ ડિશમાં નથી પિરસાતી, છાપાના કાગળ ઉપર પિરસાય છે. એની બાજુમાં નિર્વાસિતોની માફક પપૈયાની છીણ પડી હોય. પીળી ચટણી ડિશમાં હોય. ચોળાફળી એક જ એવી ડિશ છે, જેને ભાવકો એક થાળીમાં-આઈ મીન, એક છાપામાં વહેંચીને ખાય છે.

એમ તો દાળવડાં કે ભજીયા પણ છાપામાં પિરસાય, પણ લુચ્ચા અમદાવાદીઓ સોલ્જરીમાં એ ખાતી વખતે, સલામતિ ખાતર ડાબા હાથમાં બે દાળવડાં પકડી રાખે અને જમણા હાથે એક એક ઉપાડતા જાય. ચોળાફળીમાં કોઈ એવું કરતું નથી. આ તો પંખીનો માળો છે. બધા સરખું ચણે. ખવાઈ ગયા પછી પૈસા, ''હું આપું છું... હું આપું છું...''એવું ૪-૫ વાર બોલવાનું હોય છે, પણ આપવાના હોતા નથી. આમાં તો નવો ગુડાણો હોય, એ મરે.

તેલમાં તળેલી કોઈ પણ વાનગી ગુજરાતીઓ માટે અન્નકૂટ છે. ફાફડાથી માંડીને ચોળાફળી ગુજરાતીઓને પાગલ કરે છે, બશર્તે કોઈ પણ વાનગી તળેલી હોવી જોઈએ.

દુનિયાભરના ભગવાનોને અન્નકૂટમાં થાળા ભરીભરીને મીઠાઈઓ ચઢાવાય છે, પણ એમાં ભગવાનનું પેટ બગડે નહિ એટલે તળેલી વાનગીઓ મુકાતી નથી. આજ સુધીના કોઈ અન્નકૂટમાં પ્રભુને ચોળાફળી ધરાવાઈ હોવાનું જાણ્યું નથી. એ પણ પોસિબલ છે કે, અન્નકૂટમાં મોંઘીદાટ મીઠાઈઓ ધરાવી હોય તો મંદિરના ટ્રસ્ટિઓ અન્નકૂટ પતે એટલે બધી મીઠાઈઓ ઘરભેગી કરી લે... ચોળાફળીમાં ઘરભેગું કેટલું કરવું?

ઈન ફેક્ટ, ફરસાણોની અન્ય પેદાશોમાં ચોળાફળી દેખાવમાં સેક્સી છે. કેબરે-ડાન્સરો એક ડાન્સ પૉલ-ડાન્સ કરતી હોય છે. મસ્ત રંગીન ડ્રેસ પહેરીને ડાન્સર તે પોલ (થાંભલાને) વળગીને મનોહર ડાન્સ કરે છે, એ ડાન્સર યાદ કરો તો ઊભેલી ચોળાફળી યાદ આવે. સરસ મઝાનો પીળો ડ્રેસ અને બન્ને હાથ ઊંચા કરીને આખું બોડી મરડાયેલું હોય, એવું ફિગર ચોળાફળીનું હોય.

આવું દાળવડાં માટે તમે વિચારી ય ન શકો. આઘાત લાગે છે કે, ક્લબો કે ફાઈવ-સ્ટાર હોટેલોમાં હજી સુધી આ મીઠડી ડિશે પ્રવેશ નથી કર્યો, પણ કેમ નથી કર્યો ? એક કારણ એ લાગે છે કે, ધોળીયાઓમાં હજી એવી છાપ છે કે, ઈન્ડિયામાં લોકો હાથેથી ખાય છે. એ લોકો એને ગંદુ ગણે છે. (સાઉથમાં ઈડલી-ઢોંસા ખાનારાઓને જુએ તો ખબર પડે !) ચોળાફળી ફૉર્ક અને સ્પૂન (એટલે કે, છરી-કાંટાથી) ન ખવાય... ભલે બા ખીજાય ! કોઈ માઈનો લાલ પૈદા થયો નથી જે ચોળાફળીને છરી-કાંટાથી ખાઈ શકે ! કેમ બિના ચમચી આઇસક્રીમ ખાઈ શકાતો નથી, એમ ચમચી સાથે ચોળાફળી પણ ખાઈ શકાતી નથી.

સમાજનો એક વર્ગ ચોળાફળી કરતા એની પીળી ચટણી વધુ પસંદ કરે છે. માલ પતી ગયા પછી ય આ લોકો પતરાનો વાડકો ઉપાડીને ચટણી પી જવાનું ચૂકતા નથી. વચ્ચે વચ્ચે ચપટી ભરીને છીણ ખાવાની લજ્જત ઓર છે. ચટણી અને છીણ ચોળાફળીની બહેનો છે. એને મીષ્ટાનની કોઈ ગરજ નથી. એની સાથે દૂધનો હલવો કે રસમલાઈ કોઈ મંગાવતું નથી. એ તો બસ... એકલી જાય છે. સાથે આ બન્ને બહેનો હોય એટલે બહુ થયું. ચોળાફળીનું ફિગર દીપિકા પદુકોણ જેવું હોવાથી માર્કેટમાં એના ભાવ રોજેરોજ ઉચકાતા જાય છે.

એક જમાનામાં પચ્ચી-પચ્ચા રૂપિયે કિલો મળતી (દીપિકા નહિ... ચોળાફળીની વાત થાય છે !) આ મીઠડી વાનગી આજકાલ ચારસો રૂપિયે કિલો વેચાય છે. (ગૉડ નૉવ્ઝ... આ લેખ છપાય ત્યાં સુધીમાં ચારસો રૂપિયે સો ગ્રામ થઈ ગઈ ન હોય !) ગુજરાતી ટીવી ઉપર 'રસોઈ-શો'ઘણા આવે છે, પણ એક માત્ર ગુજરાતના આ ગૌરવસમી વાનગી બનાવતા કોઈ કૂકિંગ-એક્સપર્ટ શીખવાડતી નથી.

કદાચ એવું ય હોય કે, એ લોકો ઈટાલિયન કે ફ્રેન્ચ ડિશો ફટાફટ બનાવી શકે, પણ 'ચોળાફળીમાં તે શું બનાવવાનું હોય', એવા મિથ્યાભિમાનને કારણે એનો જેટલો ઉપાડ લારીઓ ઉપર છે, એટલો ટીવી પર નથી. એ તો જેવું દર્શકોનું નસીબ !

આજ સુધી ગુજરાતીઓ ઢોકળા અને ફાફડાથી ઓળખાતા હતા. કેમ જાણે ઢોકળા ગુજરાતીઓનું 'આધાર-કાર્ડ'હોય ! હવે ઉન્નત મસ્તકે ચોળાફળીનું નામ લેવાય છે. જેમ પાણી-પુરી ખાનાર ટટ્ટાર ઊભો રહી શકતો નથી, એને નીચા નમવું જ પડે છે, એમ ચોળાફળી પણ એની પીળી ચટણીને કારણે કોઈનું અભિમાન ટકવા દેતી નથી. એને તમારે વાંકા વળીને જ ખાવી પડે છે. વળી એ હખણી રહેતી નથી અર્થાત, એને ચોરીછુપી ખાઈ શકાતી નથી.

ખાતી વખતે કચડકચડ અવાજ બોલે છે, એવો ધ્વનિ કચોરી કે સમોસા ઉત્પન્ન કરી શકતા નથી. ગુજરાતી હોવાને નાતે, આપણે માત્ર ગૌરવ લેવાનું ન હોય, ચોળાફળીને દિલોજાનથી અપનાવવી જોઈએ, એટલે કે, એને લારીઓમાંથી ઉચકીને વિરાટ શૉપિંગ-મોલમાં લઈ જવી અને તમામ રાજકીય સમારંભોમાં વિદેશી મેહમાનોનું સ્વાગત ચોળાફળીથી કરવું જોઈએ...

અને અસલી ગૌરવની વાત તો ત્યાં છે કે, આ એવી પવિત્ર વાનગી છે જે, દારૂ પીનારાઓને સપોર્ટ કરતી નથી. મન્ચિંગમાં ચણા કે પાપડ હોય છે... કદી ચોળાફળી જોઈ ? એની ખરી કદર તો ત્યારે થઈ ગણાશે, જ્યારે છાપાના પડીકાંમાંથી એ શૉપિંગ-મોલના આકર્ષક પેકેટોમાં વેચાશે અને એની ય હોમ-ડિલિવરીઓ થશે.

બસ. આવી પવિત્ર અને પીળી ગુજરાતી વાનગીને સો સો સલામ.

સિક્સર
એ પ્લીઝ... મને મારો સેલ્ફી લઈ આપો ને !

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>