Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

સુંદર સ્ત્રીઓને જોવી પાપ છે ?

$
0
0

‘હ’ હથોડાનો ‘હ’ હોય, પણ ઘરમાં અમે ‘હકી’નો ‘હ’ વાપરીએ છીએ. હકી મારી સગ્ગી વાઇફનું નામ છે. લાગે પાળેલી બિલ્લીનું નામ, પણ લક્ષણના ધોરણે બિલ્લી ફિક્કી પડે. મને ચકરવકર જોવામાં, ગુસ્સે ન હોય ત્યારે પણ ઘુર્રાટી બોલાવીને બિવડાવવામાં તેમ જ, હું ગમે તે રૂમમાં હોઉં, બિલકુલ દબાતે પગલે એવી આવે કે, મારાથી પાપનાં કોઇ કામો જ થઇ શકતાં નથી. મને ઊંઘતો ઝડપવો એનું લાઇફ–ટાઇમનું સપનું રહ્યું છે અને આવા ઝડપાઇ જવામાં હું તદ્દન ગબાભ’ઇ જેવો રહ્યો છું. સ્ત્રીઓ સુંદર હોય ત્યારે મને જોવું ગમે છે, પણ એ જોતાં પહેલાં હકી મને જોઇ લે છે, એમાં લાખો અનારકલીઓને મારે વેડફી નાંખવી પડી છે. એ ઐટલું નથી સમજતી, માણસ જુએ તો ખરો કે નહીં ? જોને મેં ક્યા જાતા હૈ ? જોયા પછી થોડા ય આગળ વધવાની એકે ય ગોરધનમાં હિમ્મત હોય કાંઈ ? એટ લીસ્ટ મારામાં તો નથી. એમાં ય, હમણાં હમણાંથી Me Tooના વાયરા ચાલ્યા છે, દસ–દસ, પંદર–પંદર વર્ષો પહેલાંના લફરા આ ‘મી–ટૂ’વાળી સ્ત્રીઓ બહાર લાવવા માંડી છે. વાઇફને અડપલું કરવામાંય હવે તો ફફડી જવાય છે. (એ વાત જુદી છે કે,  સૃષ્ટિ આટલી વિશાળ છે ને પોતાની વાઇફને અડપલું કરવામાં કોઇ ગોરધન પોતાની એનર્જી, ટાઇમ અને દોસ્તોમાં ‘રેપ્યુટેશન’ બગાડતો નથી. ‘ડોબાને વાઇફ સિવાય બીજું કાંઇ દેખાતું ય નથી !’ એવી ખોટી છાપો પડે. એ વાતે ય એટલી સાચી છે કે, હવે વાઇફોને અડતા ય બીક લાગે છે.) (પ્રિન્ટિંગ મિસ્ટેક : ‘વાઇફો’ને બદલે ‘વાઇફ’ વાંચવું.)

ઇંગ્લિશમાં એક કહેવત છે, Man by nature is a polygamist. એટલે કે, ‘પ્રકૃતિથી જ પુરુષ બહુપત્નીત્વની ભાવનાવાળો હોય છે. અલબત્ત, ભગવાન મનુએ આ વ્યવસ્થામાં પુરુષો માટે ઉંમરનો બાધ રાખ્યો નથી. છોકરું 12 વર્ષનું થાય ત્યારથી ડોહો જીવે ત્યાં સુધી આંખને ઠંડક આપવાની વ્યવસ્થા પરમેશ્વરે કરી આપી છે. અહીં તમે સ્ત્રીઓને ભારોભાર અન્યાય થતો જોઈ શકશો કે, ‘સ્ત્રી મેક્સિમમ 60ની... મેક્સિમમ 60ની થાય ત્યાં સુધી જ જોવી ગમે એવી લાગે છે, પછી એનું ‘બા સ્વરૂપ’ જોવા મળે છે, પણ કાકો 80નો થાય તો ય 25 વાળીને પેટ ભરીને જોઈ શકે છે. હાથ કે હૈયામાં કાંઈ મ્હાંય એવું નથી છતાં એને સંતોષ થાય કે, હવે ક્યાં કોઈને ભગાડી જવાની છે ! બે ઘડી આંખને ઠંડક મળે, એટલું પુણ્ય કમાયા ! હાલમાં જેનાં જેનાં નામો પબ્લિકના મોંઢે ચઢ્યાં છે, એ અનુપ જલોટા, મહેશ ભટ્ટ, આલોકનાથ કે નાના પાટેકર... બધા 60ની ઉપરના છે. આ લોકો વડીલ સ્ત્રીઓને કેટલું માન આપે છે કે, આમાંનો કોઇ 6070વાળી ડોસીના લફરાંમાં ઝડપાયો નથી. આ બધા આવી ઉંમરલાયાક કાકીઓને ‘બા’ સમજે છે, જેથી બા ક્યારે ય ખિજાય નહીં.’

પાટેકરો કે આલોકનાથોને ‘મી ટૂ’ વાળી યુવતીઓએ લપેટમાં લીધા છે, એ બધીઓ 25 30વાળી છે. અર્થાત્ એમની સંભવિત દીકરીઓ જેટલી કે એથ ય નાની. ક્યાં સાંભળ્યું કે કોઇ કાકો એક કાકીના પાછળ પડ્યો હતો ? સહુને પોતપોતાનો ટેસ્ટ હોય ! રાજેશ ખન્નાની એક ફિલ્મમાં તદ્દન ઘટીયા છતાં સંપૂર્ણપણે વાસ્તવિક અને સત્ય લાગે ઐવો સંવાદ હતો. વિલનને કોઈ છોકરી ઉપર દુષ્કર્મ કરતો રોકવા રાજેશ ખન્ના એને ફટકારી લીધા પછી આ અર્થપૂર્ણ સંવાદ બોલે છે, ‘લડકી અગર ‘હા’ કહે તો ઉસે છોડના નહીં... ઔર ‘ના’ કહે તો ઉસે છુના નહીં... યે હમારા ઉસુલ હૈ...’ એ વાત જુદી છે કે, લડકી ‘હા’ પાડે તો ય પરિણીત પુરુષે શું કામ પોતાના ફેમિલીની નજરમાં નીચા પડવું જોઈએ. સિવાય કે, ‘કેરેક્ટર’ નામની કોઈ ચીજ પૂરા ફેમિલીમાં હયત રહી ન હોય, પણ છોકરી ‘ના’ પાડે, છતાં રઘવાયો પુરુષ પોતાની જાત બતાડે, ઐને માટે ફાંસીની સજા ય કમ પડે. ખરી શર્ત એ નથી કે, છોકરી હા પાડે છે કે નહીં. પુરુષ કે ઐ યુવતીના ફેમિલીઓ ‘હા’ પાડે તો જાઓ, પહોંચી વળો જેટલીને પહોંચી વળાય એટલીને !

આ તો ‘મી ટૂ’ વાયરામાં હવે છોકરીઓ ખુલ્લે આમ બહાર આવવા લાગી. નહીં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આવી ઘટનાઓ નવી નથી. મેહમૂદ અને દેવ આનંદ બે જ મોટી હસ્તીઓ હતી કે, પોતાની આત્મકથાઓમાં પણ યુવતીઓ માટેનાં શારીરિક આકર્ષણોનો ખુલ્લેઆમ... અને તે પણ આટલા ઊંચા સ્થાને પહોંચ્યા પછી, સ્વીકાર કર્યો અને ક્યાં ય પોતાની એષણાઓનો બચાવ કર્યો નથી. ગુજરાતી સાહિત્યમાં આજથી સો–સવા સો વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદની કક્ષાના વિચારક અને સાહિત્યકાર ‘સ્વ. મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ’ પોતાના લંપટપણાનો લેખિતમાં એકરાર કર્યો છે. આજ સુધીના સર્વોત્તમ ગુજરાતી હાસ્યલેખક સ્વ. તારક મહેતાઓ એમની આત્મકથામાં પોતાના સ્ખલનોના એકરારો પોતાનો બચાવ કે સ્ત્રી ઉપર આક્ષેપો વગર કર્યા છે.

એવું ય નથી કે, કેવળ પુરુષો જ સ્ત્રીઓ તરફ આકર્ષાય છે. સ્ત્રીઓ પાસે એ જ એષણાઓ છે, જે પુરુષ પાસે છે. આક્રમણની રીતરસમ જુદી હોઇ શકે, પણ પુરુષ સ્ત્રી દ્વારા પોતાની ઉપરના ‘બળાત્કાર’ (!)ની જાહેર ખબર કરી શકતો નથી ને કરવા જાય તો લોકો કાં તો એને ‘બાયલો’ કહે ને કાં તો કોઈ માને નહીં.

એવું ય નથી કે, પરિણીત સ્ત્રી–પુરુષ બીજા કે બીજી કોઈ સાથે સંબંધ બાંધે, એ અનૈતિક જ હોય ! અશક્ત, મારઝૂડ કરતાં કે લફરાબાજ પુરુષની પત્ની અન્ય પુરુષના પ્રેમમાં હોય (કે, Vice versa) તો એનું જજમેન્ટ આપનારા આપણે કોણ ? જજમેન્ટની જરૂર ય શું છે ? અને એવી શક્યતા ક્યાં સુધી ટકી રહે કે, પતિ–પત્ની એકબીજાને લગ્નનાં 2535વર્ષો પછી ય શારીરિક રીતે ગમવા જ જોઈએ ? એમનાથી વધુ આકર્ષક જગતમાં એમનાથી બાકીના બધા લાગવા માંડે, તો એનો ઉપાય શું ? ઉપાય શોધવાની જરૂરત ખરી ? પતિ હોય કે પત્ની બંને ઐકબીજાને પોતાની મિલકત સમજે છે ને ત્યાં જ ડખા ઊભા થાય છે.

આ બધામાં મજ્જા પડી ગઇ છે, મીડિયાને, પછી એ સોશિયલ–મીડિયા હોય કે ઈલેક્ટ્રોનિક્સ એટલે કે ટીવી– ન્યુઝ ચેનલો. પ્રિન્ટ મીડિયા હજી સુધી તો સંયમ જાળવીને બેઠું છે, પણ ટીવીવાળા હખણાં રહેતા નથી. એ લોકોને ય બેઠાં બેઠાં ‘હળીઓ’ કરવાની મજા પડે છે. ટીઆરપી વધારવાને બહાને કરોડોની કમાણી થાય છે. આજે જે કાંઈ બની રહ્યું છે, તે સદીઓ પહેલાં ય બનતું હતું. આવું વિરાટ અને કમાણીજન્ય મીડિયા નહોતું એટલે દેશ–વિદેશમાં કોઇ સારી ઘટનાઓ બને, એની પણ નોંધ લેવાતી. રોજ ભાજપ–કોંગ્રેસની એકબીજા માટેની ગાળાગાળી જોવા–સાંભળવાની, રોજ બળાત્કારો અને કાતિલ હિંસાના સમાચારો જોવાના, પેનલ–ચર્ચાઓમાં ઝઘડાથી વિશેષ કહેવા–કરવાનું તો કોઈની પાસે નથી...

બસ, દોષ ટીવી–દર્શકો ઉપર ઢોળાય છે કે, એમને આવા જ સમાચારો જોવા ગમે છે.

સિક્સર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ‘રિયલ મેડ્રિડ’ ક્લબ છોડીને ઇટલીની ‘જુવેન્ટ્સ’માં જોડાયો...
કહે છે કે, આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીને રિયલ–મેડ્રિડવાળા સાચવી ન શક્યા !

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>