Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

કૂત્તા ગદ્દે પે સોયે, માનવ ચાદર કો રોયે...

$
0
0

કૂતરાંઓ પર આ મારો 368મો લેખ છે. કહે છે કે, કૂતરાં ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો માણસ લખતો હોય એવું લાગે છે. એવું નથી કે, કૂતરાં મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારું છું, મેં કદી કૂતરો પાળ્યો નથી. રખડતાં કૂતરાંઓને મેં કદી કાંકરીચાળો કર્યો નથી. બને ત્યાં સુધી હું બધા સાથે ડિસ્ટન્સ રાખીને ચાલું છું, એમાં કૂતરાંય આવી ગયા. આજ સુધી મારી કરિયરમાં મને ચાર વખત કૂતરાં બચકા ભરી ગયાં છે (એ હિસાબે, ચૌદ ચોકું છપ્પન થયા કે નહીં ?) અને એ ચારેમાંથી એકમાં પણ મારો વાંક કાઢી શકાય એમ નથી. હું નિર્દોષ હતો અને આ 369માં લેખમાં પણ મેં એમનું ખરાબ લખ્યું નથી, એ મારી માણસાઈ બતાવે છે, સામે સાપેક્ષભાવે,હું પણ એ લોકો પાસેથી ‘કૂતરાઇ’ ઈચ્છું, તો હું ગલત નથી.

અત્યાર સુધી હું એમના જુલ્મોસિતમ સહી લેતો હતો કે એ મને જ કરડતા હતા, ઠીક છે, એમનાં પૂર્વજન્મનાં પુણ્યોકામમાં આવ્યાં હશે, પણ હવે વાત સહનશક્તિઓની હદો પાર કરતી જાય છે. મને કરડે તો સમજ્યા કે હવે અમે બંને એકબીજાથી ટેવાઇ ગયા છીએ, પણ કૂતરા લોકો હવે તો મારા નિવાસસ્થાનમાં પણ ભાગ માગવા માંડ્યા છે. મારો એ આક્ષેપ નથી કે, હવે એ લોકો પથારીમાં મારી બાજુમાં આવીને સૂઈ જાય છે, પણ મારી પ્રોપર્ટી ઉપર એ લોકો હક્ક જમાવી બેઠા છે, એનાથી હું ધૂંધવાઇ ગયો છું. આપણે રહ્યાં મિડલક્લાસ માણસ અને માંડ માંડ લોનો લઈને એકાદું ગાડું લાવ્યા હોઇએ ને ઇચ્છીએ કે આપણે એમાં બેઠાં હોઇએ ને લોકો આપણને જુએ. અમારા ખાડિયાવાળા તો મોઢે ય બોલે કે, ‘અત્તાર સુધી સાઇકલનું પંક્ચર કરાવવાના પૈસા નો’તા ને હવે ગાડીઓમાં ફરતા થઇ ગયા. નક્કી કોઈનું કરી નાખ્યું લાગે છે.’

પણ (ગંદી ગાળ)... ઓ એમના ફાધરનું કિંગ્ડમ હોય એમ રોજ સવાર–સાંજ મારી ગાડીના છાપરા ઉપર ચઢી બેઠાં–બેઠાં નહીં, સૂતા હોય છે. આપણને એમ કે, કોણ બોલે ને કોણ રોજરોજ ઝઘડાં કરે, પણ રોજ સાંજે હું ગાડી લઈને આવું, એની એ લોકો રાહો જોતા હોય ને મારી નજર સામે ગાડી ઉપર ચઢી જાય છે. મારી પોતાની ગાડી હોવા છતાં, આજ સુધી હું કદી બે પગ લાંબા કરીને ગાડીમાં બેઠો નથી, આપણને એવી આદત જ નહીં, પણ સોસાયટીનાં કૂતરાં ગાડી ઉપર ચઢી બેસે ને આપણાથી કાંઈ બોલાય નહીં. રોજ રોજ કોણ ઝઘડાં કરે ? આ તો એક વાત થાય છે. આમ પાછો હું ફોસી, એટલે કાર ઉપર બેઠેલા કૂતરા સામે ‘હૂડ... હૂડ...’ પણ ન કરું. કરીએ તો સામું વડચકું ભરે. મેં કાળક્રમે એ પણ જોઇ લીધું કે, જેટલી મને એ લોકોની બીક લાગે છે, એટલે એમને મારી નથી લાગતી. ગયા જન્મના સંસ્કાર એ તો. રોજરોજ કોણ ઝઘડાં કરે, એટલે આપણે બોલીએ નહીં. જો કે, બોલીએ તો ય શું તોડી લેવાના છીએ ?

‘એક કામ કર...’ કૂતરાંઓથી બચવાના ઉપાયો બતાવતા મારા સો–કોલ્ડ દોસ્ત રાજિયાએ મને સલાહ આપી, ‘તારી ગાડી ઉપર બ્લૂ રંગના પાણીની એક બોટલ મૂકી રાખ. કપડા ધોવાની બે ચમચી ગળીય ચાલે. કૂતરા નહીં આવે !’

આ રાજુને કૂતરાંઓનો બહોળો અનુભવ હોય એવા ઠાઠથી મને સમજાવવા બેઠો, ‘કૂતરાં લોકોનું શું હોય છે કે, એ લોકો બ્લૂ પાણીથી બહુ બીએ.’

‘કલર બ્લૂ જ કેમ ? રેડ કે ગ્રીન કેમ નહીં ? યલો કેમ નહીં ?’ હું વૈજ્ઞાનિક ઢબે ઉત્તર ચાહતો હોવાથી વિશેષ ટિપ્પણી માંગી.

‘જો અસ્કા, તારે કૂતરાં ભગાડવાથી મતલબ છે કે એનાં સાયન્ટિફિક રિઝનોથી ? અમારી સોસાયટીની તો બધી ગાડીઓ ઉપર બ્લૂ બોટલ હોય જ. એકેય ગાડી ઉપર તમને કૂતરો જોવા નહીં મળે સાહેબ.’

એની વાત મને સાચી લાગી. મારે કામ ગાડી ઉપરથી કૂતરાં ભગાડવાનું હતું, એનાં લોજિકલ કારણોનું નહીં અને આ તો ખર્ચા વગરનો ઉપાય છે. ટ્રાય કરી જોવામાં વાંધો શું છે ? અલબત્ત, એ બ્લૂ પાણી કૂતરાં ઉપર છાંટવાનું કે પીવડાવવાનું એ પૂછવાનું હું ભૂલી ગયો હતો. જોકે, એણે તો બોટલ ગાડીના રૂફ (છાપરા) ઉપર માત્ર મૂકી રાખવાનું કીધું હતું, એટલે મારો ડર ઓછો થયો.

‘આ શું કરો છો ?’ મારા હાથમાં બ્લૂ રંગના પાણીની બોટલ જોઇને વાઈફે પૂછ્યું, ‘આજે કાંઇ જુદું પાણી ?’

અરે ! આ તો ગાડી ઉપર બેસતાં કૂતરાંઓને ભગાડવાની તરકીબ છે.’

‘ઓહ ! તમારી ગાડીની અંદર બેસતી કૂતરીઓને ભગાડવાની કોઇ તરકીબ છે ? હોય તો હું નવેનવ રંગના પાણીની બોટલો ગાડી ઉપર મૂકી આપું.’

સત્યના માર્ગે ચાલવા જતાં મહાત્મા કન્ફ્યુશિયસથી માંડીને મહાત્મા અશોકજીના માર્ગમાં જનતાએ પથ્થરો માર્યા હતા, એ મને યાદ. મારી ગાડીમાં મારી પૂજનીય સાસુ અને વહાલી સાળીઓ પણ બેસે છે, પણ આપણાથી સામો પ્રહાર તો ન થાય ને ? એમાં તો આપણાં બા ખિજાય.

ઘરમાં તો હવે કપડાં કે મને ધોવામાં વોશિંગ–પાઉડરો વપરાય છે. ગળી નહીં, એટલે બજારમાંથી બસ્સો રૂપિયાની ગળી લઈ આવ્યો. લાખ ભેગા સવા લાખ, યાર. પ્રોબ્લેમ એ હતો કે, ભારત સરકારે પ્લાસ્ટિકની બોટલો વાપરવા ઉપર મનાઇ કરી છે, એ ખોફથી બોટલને બદલે ગાડી ઉપર સ્ટીલની તપેલી મૂકવા તો ન જવાય ને ? કૂતરું એમાં મોઢું બોળે, તો રોજ ઘેર આવતા સગા સાળાનેય એ તપેલીવાળી ચા ન પીવડાવાય ! સુઉં કિયો છો ?

અહીં એક ટેક્નિકલ પ્રોબ્લેમ હતો કે, ગાડી ઉપર બોટલ પહેલી મુકાય છે કે કૂતરું પહેલું બેસે છે ? એ બેઠું હોય ત્યારે બોટલ મૂકવા જઈએ ને ભસે તો સંબંધો બગડે. આઇ મીન, એ બધો વિવેક વિનય ભૂલીને ખરાબ રીતે ભસે ને પાંચમી વખત કરડી જાય તો... એક એક ઇન્જેક્શન સાતસો રૂપિયાનું આવે છે ભઇ !

સમી સાંજનો સમય હતો. પૂર્વ દિશામાં ઠંડા પવનની લહેરો વાતી હતી. સૂરજ આથમવા આવ્યો હતો. પંખીઓ કલશોર–બલશોર બધું કરી લીધું હતું, પણ મને કુદરતની આ ત્રણે કારીગરીઓ ઉપર કોઇ રસ નહોતો. એ મારી ગાડી ઉપર બેઠું હતું, એ જ બીવડાવી મૂકે એવું દ્રશ્ય હતું. એ સાલું જરા આઘુંપાછું થાય તો આપણે કોઈ કસબ બતાવીએ.

આખરે સત્યનો સાથ તો ઈશ્વરેય આપે છે. રાતના અંધકારમાં કૂતરું કોઈ કામે બે–ચાર મિનિટ માટે આઘુંપાછું થયું (થેન્ક ગોડ, ગાડી ઉપર થાંભલા હોતા નથી !) એનો લાભ અથવા ગેરલાભ લઈને ઝડપભેર હું બોટલ મૂકી આવ્યો. આજે પહેલીવાર બીક પડોશીઓની નહીં, કૂતરાંઓની લાગતી હતી કે, મને બોટલ મૂકતો એ લોકોએ જોઈ તો નહીં લીધો હોય ને ? મન મૂકીને ઘરભેગો થઈ ગયો અને બાલ્કનીમાં ઊભા ઊભા નીચે જોવા લાગ્યો કે કૂતરું ગાડી ઉપર બેસે છે કે નહીં. આ લોકોમાં સંપ બહુ. પાર્ક કરેલી દરેક ગાડી ઉપર એક એક કૂતરાનો રાજ્યાભિષેક થયો હતો, એક ગાડી છોડીને. હું ઉપરથી બધું જોતો હતો ને એમાં કલાક ખેંચી નાંખ્યો. સાચ્ચે જ આપણે ગાડી ઉપર કોઇ બેઠું નહોતું. ‘હવે તો ગળીની ફેક્ટરીઓ નાખું. હવે આ લોકોને નહીં છોડું !’ એવાં સપનાં જોતો સૂઈ પણ ગયો. અડધી કે પોણી રાત્રે આંખ ઊઘડી જતી તો પાછો બાલ્કનીમાં જઈને જોઇ આવું કે, હવે તો બેઠું નથી ને ? નહોતું બેઠું.

બસ, વહેલી સવારે જોગિંગ કરવા જતા બાજુના ફ્લેટવાળા મસ્તુભઇ ખુશ થતાં ઘરમાં આવ્યા. આજે પહેલી વાર એ ચા સાથે લેતા આવ્યા હતા, એમની જ નહીં, મારી પણ ! ‘દાદુ, તમારા જેવા તો કોઈ પડોશી નહીં થાય. ઓ યાર, પોતાના માટે તો સહુ કરે. તમે તો બીજા માટે મરી પડો એવા નીકળ્યા, એનો મને સોલ્લિડ આનંદ છે.’

‘શું થયું ? કેમ આજે મારા ઉપર આટલા ખુશ...?’

‘થાય જ ને ? પડોશીઓ માટે પોતાનો સ્વાર્થ છોડીને બીજાનું ભલું કરનાર તમે એકલા નીકળ્યા, દાદુ !’

‘હું સમજ્યો નહીં !’

‘અરે ! પહેલાં તો હુંય તમને નહોતો સમજ્યો, પણ તમારી પોતાની ગાડી છોડીને બ્લૂ રંગના પાણીની બોટલ તમે મારી ગાડી ઉપર મૂકી, એ જોઈને મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. આખી રાત મારી કાર ઉપર એક કૂતરું બેઠું નથી. તમે મૂકેલી બોટલના કારણે. જિયો દાદુ જિયો.

ભય અને ફફડાટને કારણે મારાથી સાલી આવી ભૂલ થઈ ગઈ ?’


Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>