Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

Article 0

$
0
0

ફિલ્મ : 'ઝૂમરૂ'('૬૧)
નિર્માતા    :    અનુપ શર્મા
દિગ્દર્શક    :    શંકર મુકર્જી
સંગીત    :    સચિનદેવ બર્મન
ગીતકાર    :    મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ    :    ૧૮ રીલ્સ- ૧૭૧ મિનિટ્સ
થીયેટર    :    પ્રકાશ (અમદાવાદ)
કલાકારો    :    કિશોર કુમાર, મધુબાલા, અનુપ કુમાર, જયંત, ચંચલ, લલિતા પવાર, સજ્જન, એમ. કુમાર, ભગવાન સિન્હા, જયંત એસ. કે. સિંહ, નિમ્મો, મીનુ, રાજરાની, ખુરશીદ બેગમ, સરલા, પૉલસન, રતન ગૌરાંગ, હરબન્સ દર્શન.      

ગીતો
૧. મૈં હૂં ઝૂમઝૂમ ઝૂમરૂં, ફક્કડ ઘુમુ બન કે ઘુમરૂ    કિશોર કુમાર
૨. ઠંડી હવા યે ચાંદની સુહાની, અય મેરે દિલ    કિશોર કુમાર
૩. બાબુ આના, સુનતે જાના, મંહેગે સૌદા હૈ    આશા- કિશોર- સાથી
૪. મતવાલે હમ મતવાલે તુમ, ચલતે ચલે યૂં હી    કિશોરકુમાર
૫. હે ઝૂમેરે ઝૂમેર ઝૂમે મેરા દિલ ઝૂમે...    આશા- કિશોર
૬. રૂક રૂક થમ થમ ધીરે સે જરા સમ        આશા ભોંસલે
૭. આજા તુ આઝા, અજી ના અજી ના, અરે    આશા- કિશોર- ઉષા
૮. એ ય ભોલાભોલા મન મેરા કહીં રે સજન    આશા- કિશોર
૯. એ બાબાલૂ, બાબાલૂ, બાબાલુબાઆઆ    આશા- કિશોર
૧૦ ગોરી જરા બતીયાં સૂનો જી મોરી મોરી    કિશોર- સાથી
૧૧ કોઇ અલબેલા મસ્તાના, બન બન કે દીવાના    આશા- કિશોર
૧૨ કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા    કિશોર કુમાર 

ગીત નં.-૧ લખ્યું હતું પણ કિશોર કુમારે.

કિશોર કુમાર માટે બધા ગૂન્હા માફ. આપણને એ કોઈ પણ રોલમાં- મુંબઈની ભાષામાં કહીએ તો - 'ઝક્કાસ'ગમતો હતો. એનું સૂરિલું ગળું, કંઠની મીઠાશ અને ગીતના અંતિમ ચરણ સુધીની એની પહોંચ જોયા પછી અફસોસ થાય કે, વચ્ચેના પંદરેક વર્ષો સુધી એ ફિલ્મ સંગીતથી અતડો રહ્યો. એક દેવ આનંદને બાદ કરતા ભાગ્યે જ કોઈ હીરો માટે એણે ગાયું. દેવ આનંદ માટે તો એ શ્વાસનો પ્રાણ હતો, પણ એને માટે ય ભ'ઇ સચિનદેવ બર્મન આગ્રહ કરે તો જ પ્લેબૅક આપે, બધા જ ગીતો માટે નહિ.

યસ. પોતાની ફિલ્મો માટે એ બેશક ગાતો, પણ એમાં ય સંગીતકારે કોઈ કઠિન તર્જ બનાવી હોય તો આ ખેલદિલ માણસ સામે ચાલીને કહી દે, 'યે ગાના રફી સા'બ સે ગવા લીજિયે.. મૈં નહિ ગાઉંગા...'કેટલા બધા ગીતોમાં મુહમ્મદ રફીએ કિશોર માટે ગાયું છે ! આપણે ય, પેલા બહુ જાણીતા શબ્દો વાપરીએ, 'હવે આવા ગાયકો જ નહિ, આવા માણસો પણ નહિ થાય !'

પણ આવી 'ઝૂમરૂ'જેવી ફિલ્મો તો બહુ થઈ ગઈ... અને હજી થયે રાખે છે. 'ઝૂમરૂ'થી વધારે બકવાસ ફિલ્મો તમે ય જોઈ છે, પણ કિશોરના બચાવમાં એટલું કહી શકાય કે, આટલા પરફેક્ટ એક્ટર- કોમેડિયન માટે એ જમાનામાં ન કોઈ સારી વાર્તા આવી, ન કૉમેડીના જાણકાર દિગ્દર્શક કે ન સંવાદ-લેખક. એ તો સલામ કિશોરની કૉમિક માટે પોતાની સૂઝને કે, એની તમામ બકવાસ ફિલ્મોમાં એ કદી પણ બકવાસ નહોતો.

પ્રેક્ષકોને તો એ 'તો ય'હસાવતો રહ્યો. મેહમૂદ કે જ્હૉની વૉકરને મોટો ફાયદો કૉમિકના જાણકાર લેખકો અને દિગ્દર્શકોનો થયો. કિશોરને આવી જાહોજલાલી મળી ત્યારે એ સર્વોત્તમ સાબિત થયો જેમ કે, 'ચલતી કા નામ ગાડી', 'પ્યાર કિયે જા'કે 'પડોસન'બ્રાન્ડની ફિલ્મો, જેના સર્જકોએ કિશોર પાસે ઠેકડા ન મરાવ્યા કે ગમે તેવા ચાળા કરી પ્રેક્ષકોને હસાવવાને બદલે સાચી કૉમેડી આપી.

આ ફિલ્મના દિગ્દર્શક શંકર મુકર્જીએ જેટલી ફિલ્મો બનાવી, એ બધીઓનો હીરો દેવ આનંદ હતો, સરહદ, બારીશ, પ્યાર મુહબ્બત, બનારસી ઠગ, બાત એક રાત કી અને મહલ. વચમાં જરા હવાફેર માટે કિશોર કુમારની આ ફિલ્મ 'ઝૂમરૂ'અને છેલ્લી ફિલ્મ 'ફરાર'માં અમિતાભ બચ્ચનનો લીધો હતો.

ફિલ્મોની યાદી જોઈને તમે ય કહી શકશો કે અતિ સામાન્ય કક્ષાનો એ દિગ્દર્શક હતો. એ કેવો સ્ટુપિડ દિગ્દર્શક હશે કે, કિશોર જેવો ઑલટાઇમ ગ્રેટ કૉમિક હીરો એને મળવા છતાં પૂરી ફિલ્મોમાં એની પાસે લેવાદેવા વિનાના ઠેકડા મરાવ્યા છે, ચાળા કરાવ્યા છે. અને એક સંવાદ એવો નથી લખાવી શક્યા કે, પ્રેક્ષકોને હસવું આવે ! મજરૂર સુલતાનપુરીએ આ ફિલ્મ માટે લખેલા કોઈ પણ ગીતના શબ્દો વાંચો... માની નહિ શકાય કે આટલા મોટા ગજાનો ગીતકાર આવા ફાલતુ શબ્દો લખે ?

'ઝૂમરૂ'ની સૌથી પ્રભાવશાળી સિદ્ધિ એનું દિલડોલ સંગીત હતું એક એક ગીત મન ઝૂમી ઉઠે, એવું બન્યું છે, ખાસ કરીને કિશોર કુમારના કંઠની કમાલોને કારણે. હિંદી ફિલ્મ સંગીતની પ્લેબેક ગાયકીમાં પરફેક્ટ ગાયકો બે જ, એક મુહમ્મદ રફી અને બીજી આશા ભોંસલે. લતા મંગેશકરે કદી આવા તોફાની અને અવાજની બેશુમાર હરકતોભર્યા ગીતો નથી ગાયા. કિશોરના યૉડૅલિંગ જેવું ગાઈ શકતી કોઈ વિદેશી નાનકડી છોકરીનો વિડિયો આજકાલ વોટ્સએપમાં બહુ ફરી રહ્યો છે.

અલબત્ત, યૉડૅલિંગની અસલી કમાલ હોલીવૂડના ગાયક ડૅની કેની હતી. અનુપ કુમારનો ફૅવરિટ ગાયક હોવાથી એ ડૅની કેની રૅકોર્ડસ લઈ આવીને કબાટમાં છાનીમાની મૂકી દેતો. કિશોર જોઈ જતો અને પેલો ન હોય ત્યારે વગાડતો. અનુપ પોતાની રૅકોર્ડસ માટે બહુ પઝેસિવ હતો ને આ ભ', એમ કોઈના ઝાલ્યા ઝલાય એવા નહોતા... એમાં ફાયદો તો હિંદી ફિલ્મ સંગીતને જ થયો.

'ઝૂમરૂ'ના તમામ ગીતો કર્ણપ્રિય હતા, પણ બે વાતો વિવાદાસ્પદ લાગે એવી છે. એક તો કિશોર પહેલેથી દાદા બર્મનના ખૂ..બ્બ લાડકો. એ બીજા કોઈની પણ સાથે વાંકો ચાલે, દાદા પાસે નહિ. ફિલ્મના ટાઇટલ્સમાં સંગીતકાર તરીકે કિશોરે નામ લખાવ્યું છે, પણ વાસ્તવમાં ફિલ્મનું પૂરું સંગીત દાદા બર્મને આપ્યું હતું.

દાદા બર્મને પણ ઇંગ્લિશ ગીતોમાંથી ઊઠાંતરી કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું અને આ ફિલ્મના મોટા ભાગના ગીતો, 'ચોરી કા હૈ માલ ઇસકા, ધોખા ન ખાના...'અલબત્ત, ફિલ્મી ગીત- સંગીતમાં ચોરી કોને કહેવાય અને કોઈને (inspiration) પ્રેરણા, એ આખી જ જુદી ચર્ચાનો વિષય છે. આપણે તો મધુરા ગીતોથી મતલબ અને એ મતલબ અહીં તગડા સ્વરૂપે પૂરો થાય છે. કમનસીબે, કિશોરનું ખૂબ મીઠું ગીત 'મતવાલે હમ, મતવાલે તુમ'ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.

એ જમાનામાં ય કેવી ચોરીચપાટીઓ ચાલતી હતી. મૂળ રચનાની ગમે તે નકલ કરી લે, 'ક્રેડિટ'તો દૂરની વાત છે... એ બધું પોતાને નામે ચઢાવી દેવામાં કોઈ શરમ નહિ. આપણા બધાનું ખૂબ વહાલું ગીત, 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા'કિશોરે પોતાના નામે ચઢાવી દીધું. મજરૂહ સુલતાનપુરીએ એના ગીતકાર હોવાનો દાવો કર્યો, (મૂળ ગીતના શબ્દો લખ્યા હતા,જમુના સ્વરૂપ કશ્યપ 'નાતવા'એ !) જ્યારે મૂળ ગીત તો ઠેઠ ૧૯૩૬-માં બૉમ્બે ટોકિઝે બનાવેલી ફિલ્મ 'જીવન નૈયા'માં ખુદ કિશોરના જ મોટાભાઈ અશોક કુમારે પોતાના કંઠે ગાયું અને પરદા પર ભજવ્યું હતું. બહુ વર્ષો પછી મુંબઈમાં એક પ્રાયવેટ જલસામાં આ ફિલ્મના સંગીતકાર સરસ્વતિદેવીને કિશોરની આ ઉઠાંતરી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એ ભલી બાઈ એક શબ્દ પણ ન બોલી, પણ સ્માઇલ એ ભાષામાં આપ્યું, જેનો સીધોસાદો અનુવાદ એ થાય કે, 'આ બધું તો ચાલ્યા કરે... કેટલાને આવું કહેવા જશો ?'

ફિલ્મની પૂરી વાર્તા ધોરણ-૪ના બાળકોને હસાવવા લખાઈ હોય તેવું દેખાઈ આવે છે. પહાડી બસ્તીમાં બન્જારોની એક નાનકડી કૌમનો કિશોર સરદાર બને છે. એ પહેલા વર્ષોથી શહેરમાં રહેતી મધુબાલા એના કરોડપતિ, અત્યંત ક્રૂર અને ઘમંડી બાપ (જયંત)ની જોહૂકમીનો સામનો કરતા એ થરથરે છે, પણ એના પ્રેમી કિશોરને તો પહાડ નીચેની બસ્તીમાં જઈ જઈને મળી આવે છે. કિશોરની મા લલિતા પવાર છે, જેને દાયકાઓ પહેલા જયંતે પ્રેમમાં દગો કરીને પ્રેગનન્ટ બનાવીને છોડી દીધી હતી. વાસ્તવમાં એ જ એની મા છે, જેનો ખુલાસો 'કુમાર'કરે છે ('મુગલે-આઝમ'નો સંગતરાશ (શિલ્પી) જયંત જ્યાં ને ત્યાં બંદૂકલઈને જ ફરે રાખે છે પણ ફોડતો નથી.

વાર્તાના ગરબડગોટાળાને કારણે આપણને જાણ કરવામાં આવે છે કે, મધુબાલા લલિતા પવારની પુત્રી છે અને કિશોર આ કુમારનો પુત્ર છે. જયંતના ૂબેવકૂફ સેક્રેટરી અનુપ કુમાર મધુબાલાની (સગી) બહેન ચંચલને પામતા પહેલા મધુબાલા પાસે વટાણા વેરી જુએ છે. છેવટે બંદૂકોના ધડાકા અને ભડાકાઓ પછી મધુ-કિશોર અને ચંચલ-અનુપ  એક થાય છે.

ત્રણે ભાઈઓ દેખાવમાં જ નહિ, ચાલવામાં કે સંવાદો બોલવામાં ઘણા સરખા લાગતા. ચાલ તો દાદામોનીની જેમ કિશોર પણ બન્ને હાથ ફૂલ-સ્વિંગમાં લટકતા રાખીને દાદાની ઘણી યાદ અપાવે. યોગાનુયોગ, દાદામોનીના તમામ સંતાનોમાં એમના ચેહરાની સમાનતા દેખાતી. એમનો દીકરો અરૂપ કુમાર આજે પણ અશોક કુમારની બેઠ્ઠી પ્રતિકૃતિસમો દેખાય છે. રૂપા, ભારતી (અને સ્વ. પ્રીતિ ગાંગુલી)ને જોતા તમારે કાઠીયાવાડીની ઘૉડે પૂછવું ન પડે,''તે તમે... કોના દીકરી?'ત્રીજો ભાઈ કૉમેડિયન અનુપ કુમાર પરદા ઉપર પરફેક્ટ બફૂનરી (ગાંડાવેડા) કરતો, પોપટલાલ ઉર્ફે રાજીન્દરનાથની જેમ, પરિણામે હું એ બન્નેને જોઈને ખડખડાટ હસી શકું છું. કોઈને હસાવવા માટે, જરૂરી નથી કે કૉમેડી બૌધ્ધિક જ હોવી જોઈએ... જ્યાં સુધી કોઈના ભાગે હસાવવાનું ન હોય, ત્યાં સુધી એ સ્વીકાર્ય જ હોય. કિશોરની જેમ અનુપને પણ મોટા ચોકડાવાળા શર્ટ પહેરવાનો ક્રેઝ હતો.

મધુબાલાની બહેન ચંચલની જેમ બાકીની બધી બહેનો હિંદુઓને પરણી હતી, એમાંના એક સંગીતકાર બ્રીજભુષણ કાબરાનું નામ મોટું ગણાતું, જેણે મધુબાલાના ફાધર અતાઉલ્લાહ ખાને બનાવેલી ફિલ્મ 'પઠાણ'માં સંગીત આપ્યું હતું. અલબત્ત, આ ફિલ્મનો વર્લ્ડ-રૅકોર્ડ છે કે, બ્રીજ ઉપરાંત એમાં બીજા આઠ સંગીતકારો હતા.

હિંદી ફિલ્મોનો એક તબક્કો એવો હતો કે જ્યારે સુંદરતામાં નરગીસ, મધુબાલા, નિમ્મી કે અન્ય કોઈ હીરોઇન કરતા નલિની જયવંતનું નામ મોખરે હતું. મોટા ભાગે 'ફિલ્મફૅરે'હિંદી ફિલ્મોની સર્વોત્તમ સુંદર હીરોઇનનો વાચકો પાસે સર્વે કરાવ્યો, એમાં મધુબાલા કે મીના કુમારી નહિ, નલિની જયવંતને પ્રથમ નંબર મળ્યો હતો. આજની ફિલ્મ 'ઝૂમરૂ'માં લલિતા પવારની દુકાનમાં લટકતા બધા કૅલેન્ડરોમાં નલિની જયવંતના ફોટા છે. આજની દીપિકા પદુકોણની હાઇટની સરખામણીમાં નલિની સાવ બટકી લાગે, પણ એ વખતે બહુધા ચેહરાની સુંદરતા વધુ જોવાતી. એ જમાનામાં 'પનામા'સિગારેટ અને સૉફ્ટ-ડ્રિન્ક 'ગોલ્ડ સ્પૉટ'ની બોલબાલા હતી. ફિલ્મમાં એના પોસ્ટરો ય જોવા મળે છે.

માનવામાં તો જલ્દી નહિ આવે. પણ સાયલન્ટ અને પછી થોડીઘણી ટૉકી ફિલ્મોમાં લલિતા પવાર હીરોઇન અને તે પણ સેક્સી હીરોઇન ગણાતી હતી. કૅન યુ બીલિવ..?

એ જમાનામાં એણે પરદા ઉપર ચુંબનના દ્રષ્યો પણ આપ્યા હતા. કમનસીબે, ચંદ્રકાંત કદમ નામના હીરો સાથે કોઇ ફિલ્મના દ્રષ્યમાં લલિતાને કદમના હાથે તમાચો ખાવાનો હતો અને દ્રષ્યમાં વાસ્તવિકતા લાવવા લલિતાએ સાચો તમાચો મારવાની ફર્માઇશ કરી. આનાકાની પછી એક પહાડી તમાચો પડયો એમાં એને ઘણું વાગ્યું, બેભાન થઈ ગઈ અને એક આંખ કાયમ માટે ત્રાંસી થઈ ગઈ. (ઘણા વાચકો, આ તમાચો માસ્ટર ભગવાને માર્યો હતો,એવું સમજે છે, એ ગલત છે.) યસ. એક ઍક્ટ્રેસ તરીકે લલિતા પવારને તમે સંપૂર્ણ અભિનેત્રી કહી શકો, એટલા વૈવિધ્યસભર કિરદારો એણે સેંકડો ફિલ્મોમાં કર્યા છે. 'શ્રી.૪૨૦'ની કેલેવાલી બાઇ હોય, અનાડીની મિસીસ ડી'સા હોય કે પ્રોફેસરની 'બુઢ્ઢા'શમ્મી કપૂરના પ્રેમમાં પડીને 'પ્રેમનગર મેં બનાઉંગી ઘર મેં, તજ કે સબ સંસાર'ને હલકથી ગાતી વૈભવશાળી સીતાદેવ વર્મા હોય. એને બધા રોલ સ્યૂટ થતા હતા.

એવો જ ખૂંખાર વિલન જયંત હતો. એના જેવી 'ઈમ્પ્રેસ થઈ જવાય તેવી'પર્સનાલિટી પ્રાણ સિવાય કોઈ વિલનમાં નહિ. હાઈટ-બૉડી અને પ્રભાવશાળી સુંદર ચેહરાને કારણે એક જમાનામાં આ ઝકરીયા ખાન ફિલ્મોમાં 'જયંત'ને નામે ઓળખાયો. મેહબૂબ ખાનની 'સન ઑફ ઈન્ડિયા'માં જયંત મને ખૂબ ગમ્યો હતો. એટલે એના રોલને ખૂબ ધિક્કાર્યો હતો. અમજદ ખાનના એ પિતા થાય, એ તો સહુને ખબર છે.

જયંત મધુબાલાને પહાડ પર લઈ જાય છે, ત્યાં કિશોર પોતાને વિશ્વવિખ્યાત એવરેસ્ટ પર્વતારોહક તેનસિંઘ નૉર્ગેને બદલે પોતાને 'તેલસિંઘ'બતાવે છે. નેપાળી ઍક્ટર રતન ગૌરાંગ અને 'બો'ત પુરાના શેરપા'હોવાનો દાવો કરે છે. એની બાજુમાં-તમે જેને મોટા ભાગે શરીરે સશક્ત બાંધાના પોલીસ ઈન્સ્પૅક્ટર તરીકે અનેક ફિલ્મોમાં જોયો છે, તે એક્સ્ટ્રા કલાકાર 'હરબન્સ દર્શન'છે. કુમાર પ્તાના નામની આગળ એમ. લખાવતો, 'એમ.કુમાર'એટલે મીર મુજ્જન. સાચું અને આખું નામ 'સૈયદઅલી હસન ઝૈદી'. એ લખનૌના શિયા સૈયદોના અત્યંત સન્માનપાત્ર ખાનદાનમાંથી આવતો હતો. એની પુત્રી નકી જહાન 'મિસ ઇન્ડિયા' ('૬૭) કૉન્ટૅસ્ટ જીતી ગઈ હતી.

નકીએ રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ (એના પોતાના દાવા મુજબ) 'આખરી ખત'માં નાનકડો રોલ કર્યો હતો. બીજી અને છેલ્લી ફિલ્મ 'એક ખિલાડી, બાવન પત્તે'માં ચમકી અને એ પછી વિક્રમ કામદાર સાથે પરણીને એણે હિંદુ ધર્મ સ્વીકાર્યો અને નામ 'નંદિની'રાખ્યું હતું.    

ફિલ્મને આટલી સામાન્ય કહેવા છતાં મેં ત્રણ વખત જોઇ છે... ના મધુબાલા માટે નહિ... પૂરી કિશોર દા માટે!

ઍનકાઉન્ટર : 29-04-2018

$
0
0

* 'હમ્મઅઅઅઅ...'નો મતલબ શું ?
-કોઇનું બી કપાળ !
(
કેયૂર કાનપરીયા, સુરત)

* દેશની પરિસ્થિતિ જોયા પછી, આપણા ધર્મગુરૂઓ ધર્મને બદલે સ્વચ્છતા, શિસ્ત કે પાણીનું મહત્વ જેવા વિષયો ઉપર જ્ઞાન આપતા હોય તો ?
-એવા વિષયોના જ્ઞાનની દેશને જરૂર હોય તો એ લોકો બેશક આપે.
(
શારદા મકવાણા, ચકલાસી)

* તમે 'બૅબી', 'ઍરલિફ્ટ'કે 'રૅઇડ'જેવી ફિલ્મોના વખાણ કરો છો, એવી સુંદર ફિલ્મો વિશે લખતા કેમ નથી ?
-'૭૦-'૮૦ પહેલાની ફિલ્મોનો તબક્કો પૂરો થઇ જાય, પછી આવી સુંદર ફિલ્મો માટે લખાશે.
(
હિમા શુક્લ, ભાવનગર)

* બૅન્કોને નવડાવવાનું ક્યારે બંધ થશે ?
-'નહાવા-ધોવા'પૂરતી બૅન્કો પગભર થશે ત્યારે.
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* દેશમાં કૌભાંડોની હારમાળા સર્જાણી છે... સુઉં કિયો છો ?
-પ્રાર્થના કરો કે એકાદામાં આપણું ય નામ બોલાતું થાય !
(
અનંત ત્રિવેદી, ગોરડકા-ગઢડા)

* નરેન્દ્ર મોદી ગુજરાતનો હવે વિકાસ કરી શકે એમ લાગે છે ?
-યૂ મીન... એમાં સવર્ણોનો વિકાસ આવે ?
(
જનમ પટેલ, ભાવનગર)

* હાલમાં જીવંત ટૉપ નંબરે કયા ગુજરાતી કવિ અને ેલેખક છે ?
-કવિઓમાં તો આપણે સહેજ બી નહિ.. હોં !
(
મુકુંદ પટેલ, સુરત)

* ઉખાણું પૂછી શકું ?
-એવા બધા કામો રાહુલને સોંપ્યા છે.
(
આનંદ કણસાગરા, ઊપલેટા)

* હકારાત્મક અને નકારાત્મક  વિચારો વિશે તમારૂં શું કહેવું છે ?
-થૅન્ક્સ ! હું વિચારી પણ શકું છું, એવું સ્વીકારો છો.
(
મીરા ગોહેલ, ભાવનગર)

* આત્મજ્ઞાન, હરિભક્તિ અને રાષ્ટ્રપ્રેમમાં સર્વોત્તમ શું ?
-એ જે હોય તે... ત્રણે સાથે વાપરવામાં કોઇ બચકું ભરી જાય છે ?
(
હરૂભાઇ કારીઆ, મુંબઈ)

* આશ્રમોમાં ઋષિમુનીઓ ભણાવતા અને આજના શિક્ષણમાં શું ફેર ?
-વાલીઓ એટલું નથી સમજતા કે શિક્ષણ તમારા માટે છે... સ્કૂલના ટ્રસ્ટીઓ  માટે નહિ !
(
સુધીર પરમાર, રાખેજ-ગીરસોમનાથ)

* સોની-મૅક્સ પર વારંવાર  'સૂર્યવંશમ'જ કેમ બતાવાય છે ?
- ધરપત રાખો. આજે 'સૂર્યવંશમ'બતાવ્યું... પછી 'ગાંધીવંશમ'પણ ફ્રીમાં દેખાડશે.
(
મિતેશ ચૌહાણ, વડોદરા)

* કૉંગ્રેસ માટે સૉફ્ટ-કોર્નર રાખનાર મીડિયાને શું કહેવાય ?
- '૧૯ની ચૂંટણીઓ કૉંગ્રેસના પરિણામો પછી બાપુનગર, સરસપુર કે ચમનપુરામાં નાનકડી ઑફિસો ખોલી પણ શકે.. આઇ મી, એટલા ત્રણેક સંસદ સભ્યો ચૂંટાવા જોઇએ.
(
સિધ્ધાર્થ ધોળકીયા, ભાવનગર)

* શ્રીદેવી અને શંકરાચાર્યના અવસાન એક જ દિવસે થયા, પણ રાષ્ટ્રીય-સન્માન કેવળ શ્રીદેવીને મળ્યું..
-વહેલું નામ લખાવવાની આટલી ઉતાવળે ના કરો.
(
ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)

* ઈન્કમટૅક્સની  રૅઇડો નેતાઓને ત્યાં કેમ પડતી નથી ?
-ઉપરથી કોક પકડી ન રાખે  તો માલમુદ્દો હેઠે આવે ને !
(
ધવલ જે. સોની, ગોધરા)

* 'ઍનકાઉન્ટર'નું  નામ તમે બદલાવવાના છો ?
-આપણે સામસામુ રાખી દઇએ.
(
ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* બધુ સરકારી અસરકારી કેમ નથી હોતું ?
-ઘેર જઇને પતંગ ફાટી જાય તો દુકાનવાળાનો વાંક ?
(
ડૉ. મયંક કે છાયા, અમદાવાદ)

* 'આક્રોષ'માં સ્મિતા પાટીલે આવો છીછરો રોલ કર્યો ?
-કડક દિગ્દર્શકે આથી આગળ જવાની ના પાડી હોય !
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* બાબા રામદેવની દવાઓ લેવાય કે નહિ ?
-વિદેશી દવાવાળા આપણને લૂટી જતા હતા. આ ય લૂટતા હશે, પણ ઘરનો પૈસો ઘરમાં તો રહે છે ને ?
(
પ્રિયાંક ત્રિવેદી, ભાવનગર)

* સાધુબાવાઓ રાજકારણમાં જોડાય છે, એ મારી કૉલમો છે, તમારો શું પ્રતિભાવ ?
-એ મારી કૉલમો છે. લખી આપતા હોય તો મને વાંધો નથી.
(
રાજેન્દ્ર મનજી પઢારીયા, ડૉમ્બિવલી)

* પ્રજા પાસે ગેસ-સીલિન્ડરો છોડવાની અપીલો કરતા, પ સાંસદો પોતાનો ગેસ કયાં છોડે છે ?
એવી જગ્યા મારાથી તમને ન લઇ જવાય... બા ખીજાય !
(
યોગીન ડોબરીયા, ભાવનગર)

* સોશિયલ મીડિયા ન હોત તો ?
-તો પ્રજા  પોતાની બુધ્ધિથી ચાલતી હોત !
(
જીગ્નેશ પરમાર, વડોદરા)

* નેતાઓ એકબીજાનું ખરાબ બોલવાનું બંધ કરી દે તો ?
-આપણને શું વાંધો છે... છોને ઝગડી મરતા !
(
ભવ્ય મેહતા, સુરત)

બુઢ્ઢા મર ગયા

$
0
0

આ તો સોસાયટીમાં કોક બંગલા પાસે ધોળા કપડાં પહેરીને બધા ઊભા હોય, એટલે વળી ખબર પડે કે, 'કોક ગયું લાગે છે !'બાકી તો કોઈના કામમાં માથું મારવાની આપણને ક્યાં પડી હોય ? એ તો કોકને જરાક અમથું પૂછીએ કે, 'કોણ ગયું ?'ત્યારે વળી પેલાને ખબર હોય તો કહે, 'ઓ.. મને ખબર નથી... પણ કોઈ ગયું છે ખરું !'

ઓહ સ્ટુપિડ... ખબર ના હોય તો ધોળા કપડા પહેરીને, એક પગ લંબાવીને બધા ધોળીયાઓની સાથે શેનો ઊભો છે ? એનો જવાબ પણ ઇન્ટરેસ્ટિંગ હોય. ''આપણને એવું કંઈ નહિ, બોસ ! ધોળા કપડાં તો આખું વીક પહેરી જ રાખવાના ! સોસાયટીમાં રેગ્યુલરલી કોકને કોક ટપકતું જ હોય છે... વારે ઘડીએ કપડાં બદલવા કોણ નવરું છે ?''

એની જેમ ૩-૪ જણા તો બસ, આમ જ સફેદ ઝભ્ભા-લેંઘા પહેરીને - એક પગ આગળ લંબાવીે ઊભા રહી ગયા હતા. એમાંના બે જણા પાસે બાતમી હતી કે, કોક ઘરડું માણસ ગયું છે ! ડોહો છે કે ડોહી, એની બહુ ખબર નથી... એ તો હવે 'કાઢે'ત્યારે ખબર !

એ તો, એક વળી મૃતદેહની આગળ હાથમાં ફૂલ પકડીને ચકરડું મારી આવ્યો હતો. એણે કીધું ''ખાસ કંઈ નથી, બોસ ! સાત નંબરવાળા કોક ડોહા હતા. ઉંમર-બુમ્મર થઈ હશે, એમાં સાફ થઈ ગયા. આપણે તો ડેડ-બોડીની ફરતે ચકેડું મારી દીધું બે હાથ જોડીને 'જે સી કૃષ્ણ'કરતા બહાર આઈ ગયા... આપણને કોઈની પર્સનલ લાઇફમાં બહુ રસ જ નહિ !''

પણ આ તો પર્સનલ-ડેથ હતું, એટલે સ્વર્ગસ્થનું નામ-બામ તો અમે ય જાણતા નહોતા, ને તો ય નવા આવેલા એક વડીલે અમારી સાથે જોડાતા પૂછ્યું, ''અલ્યા, આખે આખો માણસ ઊપડી જાય છે ને તમે લોકો કહેવડાવતા ય નથી...? આપણી જ સોસાયટીમાં આ છઠ્ઠું ડેથ છે...''

''છઠ્ઠું નહિ...પાંચમું ! હજી તમે તો અડીખમ છો !''આવું કોઈ બોલ્યું નહિ, પણ અમારામાંથી ૪-૫ના મનમાં આ અફસોસ ઊગ્યો હતો ખરો. એટલું ખરું કે, અમારા આ ટોળામાં વક્તાઓ સારા હતા. એમાંનો એક બોલ્યો, ''સાલુ... આ મનખા દેહનો કોઈ ભરોસો નથી. આખેઆખું માણસ ક્યારે ઊપડી જાય છે... કાંઈ ખબર પડતી નથી... અરે હાં, કાલે આઇપીએલમાં ધોનીની બેટિંગ જોઈ 'તી ? શું સિક્સરો...''

ધીમે ધીમે પબ્લિક વધતું જતું હતું. નવો આવનાર શોકાકૂળ ચેહરે હાથ જોડીને અમને બધાને 'જે શી કૃષ્ણ'કહે, એટલે અચાનક ભાનમાં આવીને કોકે કહેવું પડે, ''જય શ્રીકૃષ્ણ બોસ... પણ કાકા અમારા કોઈના સગાં નથી... તમે 'જે શી કૃષ્ણ'ત્યાં જઈને કહો.''

હવેના અવસાનોમાં પહેલા જેવી રડારોળ જોવા મળતી નથી. ખાસ કરીને ૬૦ની ઉપરનું કોઈ ખાલી થયું હોય. ખુદ એના ઘરવાળાઓ ય નોર્મલ બેઠા હોય છે. ''કાકા ગયા કેવી રીતે ?'એની સ્ટોરીઓ બધાને કહી કહીને એ લોકોય કંટાળ્યા હોય, પણ મોંઢા તો દુ:ખી રાખવા પડે ! એ વાતેય સાચી કે, કોઈ મરી ગયું હોય, એમાં હવે પહેલા જેવી મઝાય નથી રહી, એવું માનનારાઓ પાસે, મર્યા પછી પૂછવાના થતા સવાલો ય નથી રહ્યા. પહેલા તો કેવું હતું કે, ''કાકા ખરેખર ગયા ?''એવો આઘાત વ્યક્ત કર્યા પછી બીજું આશ્ચર્ય વ્યક્ત કરવાનું, ''સાલું ગજબ કહેવાય ! હજી હમણાં તો - અરે, બે દહાડા પહેલા મારા ઘેર આવ્યા'તા... ખૂબ વાતો કરી, બે-ચાર વખત નાક છીંકવા અમારા વોશ-બેઝીન પર ગયા... અને વાઇફે મરીવાળાં ખમણ બનાવ્યા'તા...એ ય ખાધાં...!''

ત્યારે શંકાનું નિવારણ થાય કે, કાકાએ જતા પહેલા ચોક્કસ આવા ખમણ-બમણ ખાધા હશે... બે દહાડામાં તો કાકા પતી ગયા... નહિ તો, કીલો-દોઢ કીલો ખમણ તો કાકા ઊભા ઊભા ખાઈ જાય એવા હતા.

''આ કાકો ગૂજરી ગયો, એમાં કાંઈ ખાવા-પીવામાં તો નહિ આવી ગયું હોય ને ?''એક શોકાકૂળે અમસ્તો સવાલ કર્યો, એમાં એક સાથે બધા બચાવમાં આવી ગયા, ''ના ગુરુ, હોં ! અમારા ઘેર તો ખમણ-ઢોકળાં બનતા જ નથી... બહારથી જ લાવવાના !''તો બીજો કહે, ''અરે મારા ફાધર આજે પણ પંચ્યાશીના થયા...ને છેલ્લા ૩૫ વરસથી મારા વાઇફે બનાવેલી રસોઈ જ ખાય છે... એમને કાંઈ નથી થતું...''

''આની વાઇફે બનાવેલા ખમણ ખવડાય...''એવું આંખ મારીને કોઈ મનમાં બોલ્યું.

અમારી સોસાયટી રોડ ઉપર પડે છે, એટલે ડાઘુઓના ટોળાં જોઈને ઘણાં પોતાની ગાડી-સ્કૂટર ઊભી રાખીને ક્રિકેટનો સ્કોર પૂછતા હો, એમ પૂછે, ''કોઈ ગૂજરી ગયું, બોસ ?''કેમ જાણે આટલા બધાને સફેદ કપડાં પહેરાવીને અમે ધ્વજ-વંદન માટે બોલાવ્યા હશે ? એમાંય, કોક બાતમી આપે કે, 'એ તો કોઈ વડીલ હતા... ઉંમર બી થઈ ગઈ'તી !''એટલે પેલા પૂછનારના ચેહરા પર ઠંડક દેખાય, ''ઓહ... તો તો ઠીક. મને એમ કે-''થોડીવાર થઈ એટલે અમારામાંથી એક બોલ્યો, ''... ઓકે, તો હું નીકળું હવે ? મારે હજી બે-ત્રણ કામો પતાવવાના છે...''કેમ જાણે બે ત્રણ બેસણાં પતાવવાના હોય, એવી લિજ્જતથી એ નીકળ્યો એમાં બીજાઓ પાછા જવા માટે આગળ આવ્યા. ''હું નીકળું, પ્રભુ... હજી 'કાઢી જતાં નહિ નહિ તો ય કલાક નીકળી જશે... કાંઈ કામકાજ હોય તો કહેવડાવજો.''

અમે બાકી બચેલાઓમાંથી બધાને પછી યાદ આવ્યું કે, આપણે હજી શેના ઊભા છીએ ? આપણે તો સ્વર્ગસ્થને ઓળખતાય નથી. અને પેલો સાલો કહી શેનો જાય કે, ''કાંઈ કામકાજ હોય તો કહેવડાવજો ?''આપણી પાસે મરવાપાત્ર ડોહા-ડોહીઓનો એવો સ્ટોક થોડો પડયો હોય કે, રોજ આને ફોન કરીને ખબર આપીએ કે, ''કામકાજ પડયું છે, 'ઈ ધન્નુ કાકી ગયા... ! ...ને બીજું કાંઈ હશે તો પાછું બુધવાર સુધીમાં કહેવડાવીશું !''

આમ તો છેલ્લે ઘટનાસ્થળે કોઈ હાજર નહોતું, પણ કાકા ગૂજરી ગયા એમની ત્રીસેક વર્ષની અપંગ અને પ્રજ્ઞાચક્ષુ દીકરી કમ્પાઉન્ડમાં ઊભી, ધ્રૂસકે ધ્રૂસકે રડતી, ભીખ માંગવાની લાચારીથી બૂમો પાડતી હતી, ''સાહેબો... કાકાઓ... વડીલો... હાથ જોડીને પગે લાગું છું... કોક તો મારા બાપુના દેહને શબવાહિની સુધી લઈ જવા ટેકો  આપો... પ્લીઝ, બાપુને ઊંચકાવો, પ્લીઝ !''

બધા નીકળી ગયા હતા, ખાસ કામો હશે એટલે ! એ શબની પાસે જનાર આખી સોસાયટીમાં એક પણ વ્યક્તિ હાજર નહોતી... છોકરી એના ઠૂંઠા-હાથ-પગથી પિતાના દેહ પાસે તો ગઈ, પણ આંખે સંપૂર્ણ દ્રષ્ટિહીન હતી...

અમે નાલાયકોએ બીજે દહાડે કોઈને પૂછ્યું ય નહિ, ''... પછી કાકાને કેવી રીતે કાઢી ગયા ?''છોકરીની ભૂલ એક જ હતી કે એ અપંગ અને પ્રજ્ઞાચક્ષુ હતી. એણે આખા શહેરની સૌથી સુંદર સ્ત્રી તરીકે જન્મવા જેવું હતું...!  

સિક્સર
-
સોરી મેડમ. આ તમારા નામની પાછળ ત્રણ-ત્રણ અટકો કેવી રીતે ? 'બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ ?'
- એમાં ખાસ કોઈ સસ્પેન્સ નથી. મારી પિયરની અટક બ્રહ્મભટ્ટ. છૂટાછેડા ય બ્રહ્મભટ્ટ સાથે લીધા... અને હવે સેકન્ડ મેરેજ પણ એક બ્રહ્મભટ્ટ સાથે કર્યા છે.

શાહજહાં'(૧૯૪૬)

$
0
0

ફિલ્મ : શાહજહાં'(૧૯૪૬)
નિર્માતા-નિર્દેષક : અબ્દુલ રશિદ કારદાર
સંગીત : નૌશાદ
ગીતકાર:ખુમાર બારબંકી-મજરૂહ
રનિંગ ટાઈમ : સૅન્સર સર્ટિફિકેટ અવાચ્ય
થીયેટર : સૅન્ટ્રલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો :કુંદનલાલ સેહગલ, રાગિણી, કંવર, નસરિન, જયરાજ, હિમાલયા, નઝીર બેદી, કેસરબાઈ, નવરી,
મુનિર સુલતાના, રહેમાન, પિરજાન.

ગીતો
૧. મેરે સપનોં કી રાની, રૂહી રૂહી રૂહી... સાયગલ, મુહમ્મદ રફી
૨. જબ ઉસને ગેસુ બિખરાયે, બાદલ આયા ઝૂમ કે... શમશાદ બેગમ
૩.ગમ દિયે મુશ્તકિલ,કિતના નાઝુક હૈ દિલ યે ન...     સાયગલ
૪.જવાની કે દામન કો રંગી બના લે...     શમશાદ બેગમ
૫. આગ લગી વો દિલ મેં પ્યારી, ગાને લગી...    નસીમ અખ્તર
૬.કર લીજિયે ચલકર મેરી જન્નત કે નજારે...     સાયગલ
૭.જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે...    સાયગલ
૮.અય દિલે બેકરાર ઝૂમ, અય દિલે બેકરાર...     સાયગલ
૯.ચાહ બર્બાદ કરેગી હમેં માલૂમ ન થા...     સાયગલ
૧૦.બર્બાદ ન કર દે કહીં બેદર્દ જમાના...     નસીમ અખ્તર

ફિલ્મનું નામ 'શહજહાં'વાંચીને હરકોઇને એમ થાય કે, આ ફિલ્મમાં સાયગલ શાહજહાં બન્યા હશે. ગલત...! એમનો રોલ સાવ ટુંકો અને એમનું મહત્ત્વ વધારનારો સહેજ પણ નહોતો. યસ. ગીતોમાં એ હંમેશની જેમ છવાઈ ગયા હતા... ખાસ કરીને, 'જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે ?'ગીત તો સ્કૂલની કવિતાની જેમ એ જમાનાથી શરૂ કરીને આજના જમાનામાં સંગીતશોખિનોને કંઠસ્થ છે. આપણને આનાથી જુદા વિશેષણો ન આવડે કે, સાયગલ સાહેબ 'મહાન'કલાકાર હતા. આ ફિલ્મના એમના છ એ છ ગીતો એમના તમામ ચાહકોને જુબાની યાદ છે.

ફિલ્મના બધા ગીતો હિટ થયા, એમાં મોટો ફાળો સંગીતકાર નૌશાદનો. શંકર-જયકિશનની માફક ફિલ્મના લગભગ તમામ ગીતો કાયમી પોપ્યુલર થયા હોય. એમનો સ્ટ્રાઇક-રેટ ઓપી નય્યર અને શંકર-જયકિશનની જેમ ઘણો ઊંચો રહેતો. ભાગ્યે જ કોઈ ગીત અછુતું રહી ગયું હોય.

સંગીતકાર નૌશાદનો રૂતબો પૂરી ફિલ્મનગરીમાં સન્માન્નીય અને હિંદી ફિલ્મોમાં એમના પ્રદાનને એકેને છોડયા સિવાય તમામ શાસ્ત્રીય રાગો અને લોકસંગીતની તમામ હિંદુસ્તાની ઊંચાઈઓ સુધી લઇ જઇ શકાય. લતા મંગેશકર અને મુહમ્મદ રફીને સંગીતના હિમાલય સુધી ઊંચે લઇ જવામાં નૌશાદનો ફાળો અનેકગણો વધારે.

બીજી બાજુ, એ મહાન સંગીતકાર ઉપરાંત ચાલાક વેપારી પણ હતા. પોતે વર્ષમાં એકાદી ફિલ્મમાં સંગીત આપતા, એ વાતમાં વેપાર ન આવે, (જો કે, '૫૦ના દશકમાં એ સૌથી વધુ પૈસા લેતા સંગીતકાર હતા.) પણ અન્ય સંગીતકારો કરતા એમનો રૂતબો કેટલો ગગનચૂંબી છે, એવી હવા વેચવામાં એ પાછા ભોળા નહિ, પાક્કા બિઝનૅસમેન ! મુહમ્મદ રફીને પહેલીવાર એમણે ચમકાવ્યા, એવું અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે, એ છુપાવીને કે 'ગાંવ કી ગોરી'માં મુહમ્મદ રફીને પહેલી વાર ફિલ્મમાં ગવડાવનાર શ્યામસુંદર હતા, નૌસાદ નહિ.

બીજું, જે હવા પહેલેથી એમણે વહેતી મૂકી હતી કે, ધી ગ્રેટ સાયગલ સા'બ એમની ફિલ્મ 'શાહજહાન'ના ગીતો-ખાસ કરીને 'જબ દિલ હી તૂટ ગયા...'સાયગલ સા'બે પોતાની સ્મશાનયાત્રામાં વગાડવાની જીદ જેવું વસીયતનામું કર્યું હતું અને તે મુજબ, સ્મશાનયાત્રામાં ગ્રામોફોન સાથે રાખીને જ ગીત વગાડવામાં આવતું રહ્યું હતું.

નૌશાદે કીધેલી આ જૂઠ્ઠી વાત છે, ઊપજાવી કાઢેલી વાત છે. ને એનો હિસાબ પણ મળે એવો છે. ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ જલંધરમાં એમનું અવસાન થયું, ત્યારે તો પૂરા જલંધરમાં ભાગલાના તોફાનોને કારણે આગજની ને લૂંટફાટ ફૂલ-સ્વિંગમાં ચાલતી હોવાથી સ્મશાનયાત્રા કાઢવાની વાત તો બહુ દૂરની છે... છાપાની પસ્તી કાઢવા જાઓ તો ય લોકો મારે-ફટકારે એવા ઝનૂનો ફાટી નીકળ્યા હતા. સાયગલ સા'બ પરના અભૂતપૂર્વ પ્રેમને કારણે ચલતી-ચલતીમાં આ વાતે ય ચલતી થઇ જાય, એ મનસૂબા ઉપર આવી વાત ઊડાવવામાં આવી હતી.

મૅગેઝીન ને એનું પાનું તો યાદ ન હોય પણ સાયગલ સાહેબના સગા મામાના દીકરા થતા ખલનાયક મદનપુરીએ (કે ચમનપુરી અને છેલ્લે બહુ જાણિતા બન્યા એ અમરીશ પુરી સાયગલના સગા મામાના પુત્રો હતા.) આ વાતને કદી ય સમર્થન આપ્યું નથી. એક હવા તો એવી ય ચાલી હતી કે, મૂકેશને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નહોતું ને એ એણે પોતે પણ સ્વીકારેલું હતું. ફિલ્મ 'અંદાઝ'માં મૂકેશે ગાયેલા છ ગીતોમાં એક એક ગીતદીઠ મૂકેશને વરલીથી સાન્તાક્રૂઝ લોકલ-ટ્રેન પકડીને દરેક ગીત માટે સરેરાશ ૨૫ ધક્કા રીહર્સલોના ખાવા પડતા. 'અંદાઝ'માં એકલા મૂકેશના જ છ ગીતો હતા... (૨) ઝૂમઝૂમ કે નાચો આજ (૨) તૂ કહે અગર જીવનભર (૩) તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છુટેના (૪) હમ આજ કહીં દિલ ખો બૈઠે (૫) સુનાઉં ક્યા મેં ગમ અપના, ઝુબાં પર લા નહિ સક્તા અને (૬) ક્યું ફેરી નજર, આઓના સિતમ ઢાઓ ના... આમાંના છેલ્લા બે ગીતો ફિલ્મમાં લેવાયા નહોતા. કારણ એ હતું કે, લતા-રફીની સરખામણીમાં મૂકેશને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ન હોવાથી વધુ રીહર્સલો કરાવવા પડતા. આ વાત નૌશાદ બડા ફખ્રથી કહેતા.

લતા મંગેશકરે કોઈ ૨૫ હજાર ફિલ્મી ગીતો ગાયા છે, એ સિધ્ધિનો 'ગીનેસબૂક ઓફ રેકોર્ડસ'માં સન્માન્નીય નોંધ લેવાઈ. નૌશાદ સાહેબના ઘરે ગીનૅસ માટે બીજો એક ડ્રાફ્ટ તૈયાર થયો, રફીએ ૨૯ હજાર ગીતો ગાયા હોવાનો... છેવટે, બન્ને મહાન કલાકારોની આવી બદમાશીઓને કારણે બન્ને 'ગીનેસ'ની બહાર આવી ગયા, ને જે શાંત હતી, દાવાઓ નહોતી કરતી ને જેમાં કોઈ જૂઠ્ઠાણું નહોતું, તે આશા ભોંસલેનું નામ 'ગીનેસ'માં ચમક્યું. રફી વતી પત્ર લખી આપનાર નૌશાદ હતા.

બટ વિથ ઓલ સૅઇડ ઍન્ડ ડન... નૌશાદ સા'બની સિધ્ધિઓ સામે ગૌરવપૂર્વક જ મસ્તક ઊંચું કરવું પડે. સાયગલ સાથે એમની આ પહેલી ફિલ્મમાં કેવા મદમસ્ત ગીતો બનાવ્યા છે ! નૌશાદ સાયગલ સાથે પૂરી અદબથી વાત કરતા. સાયગલ શરાબ પીધા વગર રેકોર્ડિંગમાં આવી નહિ ને આવે તો હાર્મોનિયમ પર બેસી ન શકે. બહાનું એક જ, 'કાલી પાંચ કે બગૈર ગાના નહિ ગાયા જા સક્તા...'એમની 'કાલી પાંચ'એટલે હાર્મોનિયમની કાળી પાંચ નહિ...

શરાબ એટલે કાળી પાંચ ! નૌશાદના કહેવા મુજબ, એમણે સાયગલને આ કાળી પાંચથી દૂર રહેવા વ્યર્થ સમજાવ્યા હતા.

એ હિસાબે, હિંદી ફિલ્મોમાં કોઈ પણ વિવાદ વગરના બે જ સાધુઓ થઇ ગયા, સાયગલ સા'બ અને રફી સા'બ ! એ જ્યારથી ફિલ્મોમાં આવ્યા, ત્યારથી એમને નામે એક પણ વિવાદ નોંધાયો નથી. પોતાના માટે કોઇ ઊંચા ખયાલો નહિ. બન્ને જરૂરતમંદોને અઢળક દાન આપતા. રફીનું કેવું નસીબ કે, નૌશાદે આ જ ફિલ્મ 'શાહજહાન'માં સાયગલની સાથે છેવટે અંતિમ અને અડધી લાઇન પણ રફી પાસે ગવડાવીને મોટું માન આપી દીધું, જેને માટે લતા મંગેશકરથી માંડીને મૂકેશ, કિશોર કે અન્ય કોઇ પણ ગાયકો તરસતા હતા. 'રૂહી મેરી રૂહી મેરે સપનોં કી રાની'... ગીતની અંતિમ અને અડધી પંક્તિ રફીએ ગાઇ છે.

તો આ રૂહી કોણ ? ફિલ્મનું નામ 'શાહજહાં'છે, મતલબ સાયગલ એમાં શાહજહાં બન્યા હશે ? ના. સાયગલનું નામ તો આ ફિલ્મમાં 'સોહૈલ'છે, જે રૂહી (રાગિણી) નામની રાજપુતાણીને એક વાર જોઇને પ્રેમમાં અંધ બની જાય છે. સાયગલ જ શું કામ, આખા દેશમાં હૂલ્લડો ફાટી નીકળે છે કે, આવી સુંદર છોકરીને જો કોઇની પણ સાથે પરણાવી છે તો આખું શહેર તબાહ કરી નાંખીશુ અને રૂહીના રૂપના લાખો ચાહકો એવું કરી પણ બતાવે છે.

રૂહીને ક્યાંય પરણવા દેતા નથી. 'અમારામાંથી જ કોઇને રૂહી પરણે', એવા દાવા ય નહિ, પણ એને બીજે પરણવા નહિ દેવાની, કારણ કે ભારતદેશમાં હજી સુધી રૂહી જેવી પૂર્ણ સૌંદર્યવાન સ્ત્રી જન્મી નથી. આ રૂહીના સપના જોતા સાયગલ એની પ્રશંસાના ગીતો ગાવામાં શાયર બની જાય છે, પણ રૂહીને ખબર નથી. બીજે પરણાવવામાં રૂહીના પાંચ ભાઇઓ આવા છમકલાંમાં માર્યા જાય છે. છેવટે બાદશાહ શાહજહાન અને બેગમ મુમતાઝને આ વાતની જાણ થતા રૂહીને પોતાના શાહી મહેલમાં મેહમાન તરીકે રહેવા થોડા દિવસ બોલાવે છે.

મહેલની એક બાંદી (દાસી)ને ડર લાગે છે કે, શાહજહાં જો રૂહીને જોઇ લેશે તો એ ય પાગલ થઇને બેગમને છોડી દેશે એટલે રૂહી મહેલમાં આવે જ નહિ, એના પેંતરા કરતી રહે છે, પણ રૂહીને આવવું પડે છે. દરમ્યાનમાં ઈરાનથી મેહમાન બનીને આવેલા સંગતરાશ-શિલ્પી શીરાઝી (પી.જયરાજ)ને આ રૂહી સાથે પરણાવી દેવાના પેંતરા પેલી દાસી કરતી રહે છે. પણ સાયગલ બાદશાહને પોતાના કંઠના જાદુથી ખૂબ પ્રભાવિત કરીને ઈનામમાં રૂહી સાથે જ એને પરણાવવાની બક્ષિસ લેતા જાય છે.

...અંતે, રૂહી કોના હિસ્સામાં આવે છે, એ તો ફિલ્મનો અંત કહેશે, અમે નહિ.

બહુ ઓછાને જાણ હશે કે, વિશ્વના કલાના અપ્રતિમ નમૂનારૂપ તાજમહલ શાહજહાંએ બંધાવ્યો હતો પણ બાંધ્યો હતો કોણે ? આ ફિલ્મમાં દર્શાવ્યા મુજબ, રૂહીના પ્રેમમાં પાગલ શીરાઝી (જયરાજે) તાજમહલ બાંધ્યો હતો. અલબત્ત, મરહૂમા મુમતાઝ બેગમની યાદમાં શાહજહાં કોઇ અપ્રતિમ સ્થાપત્ય બનાવવા માંગતા હતા, એમાં હાલના તાજ મહલ પહેલા શીલાજીએ અન્ય ૧૫-૧૦ મૉડેલ્સ બનાવવા પડયા હતા.

આ ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદાર ઉઘાડેછોગ નવીનવી છોકરીઓનો શોખીન હતો. પોતાની ફિલ્મોમાં હીરોઇન બનાવવાની લાલચ આપીને છોકરીઓના કપડાં કઢાવીને પોતાની ખાનગી ઑફિસમાં પરેડ કરાવતો. ઈ.સ. ૧૯૦૪ની બીજી ઓકટોબરે લાહૌરમાં જન્મેલા કારદારે અઢળક ફિલ્મો બનાવી. પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટર અબ્દુલ હાફીઝ કારદારનો ભાઇ થાય અને મેહબૂબ ખાનની પત્ની સરદાર અખ્તર કારદારની પત્ની બહાર અખ્તરની સગી બહેન થાય.

આજની ફિલ્મમાં બે ગીતો નસિમ અખ્તરે ગાયેલા છે, એ નસિમ પણ કારદારની સાળી થાય, પણ કામ પતી જતા કારદારે એને ય છોડી દીધી ને નસિમ ઑલમૉસ્ટ ભિખારણની અવસ્થામાં મૃત્યુ પામી. શરૂઆતની લગભગ બધી જ ફિલ્મો કારદારે નૌશાદના સંગીતમાં બનાવી ને એમાં ય, ફિલ્મ 'જાદુ'અને 'દોસ્તાના'ના સંગીતમાં વૅસ્ટર્ન-નૉટેશન્સનો ઉપયોગ કરાવીને સંગીતને ઝળહળતું કર્યુ.ં જો કે, એ પછી જ કંઇ બગડયું અને નૌશાદને પડતા મૂકીને સી.રામચંદ્ર, ઓ.પી. નય્યર કે ઈવન વસંત દેસાઇને પણ લીધા.

દિલીપ કુમાર અને નૌશાદ સાથે પૈસા બાબતનો કોઇ વાંધો પડતા કરદારે એ બન્નેને 'જોઇ લેવાની'ધમકી આપી અને પાળી પણ બતાવી. બન્ને કમાયા છે, એટલો ઈન્કમટૅક્સ ભર્યો નથી, એની ઈન્કમટૅક્સને કારદારે જાણ કરી દેતા દિલીપ-નૌશાદ બન્ને મુશ્કેલીમાં આવી ગયા હતા, પણ દિલીપ કુમાર નામના પ્રચંડ પ્રભાવને કારણે બન્ને બચી પણ ગયા. મરિન લાઇન્સના દરિયા કિનારા સામેના આલિશાન મકાનમાં રહેતા કારદારનું ૮૫ની ઉંમરે મૌત થયું.

યસ. કારદારની સ્ત્રી-પરસ્તીમાં એની સુંદરતા પરખવાની દ્રષ્ટિ પણ હતી. આ ફિલ્મની હીરોઇન રાગિણી બેફામ વખાણ કરવા પડે એવી સુંદર હતી. એનું અસલી નામ તો 'શમશાદ શાદાબ'હતું અને 'એક થી લડકી'વાળા રૂપ કે.શૌરીએ એને હિંદી ફિલ્મોમાં ચમકાવ્યા પછી રાગિણીએ થોડી ફિલ્મોમાં કામ કર્યું પછી પાકિસ્તાન જતી રહી હતી. ત્યાંની ફિલ્મોમાં પણ એ ઍક્ટ્રેસ બની ગઇ હતી. ગુજરાનવાલા-પાકિસ્તાનમાં ઈ.સ. ૧૯૨૨માં જન્મેલી આ સુંદરીને 'શાહજહાં'માં કામ કરવા માટે કારદારે (એ જમાનામાં) રૃા.  એક લાખ આપ્યા હતા.

દુઃખ એ વાતનું થાય કે, સાયગલ જેવા મહાન કલાકારે આવી ફિલ્મ કેમ સ્વિકારી ? એક તો, ફિલ્મમાં એમનો રોલ નગણ્ય છે અને એમાં ય, ટીપિકલ હિંદી ફિલ્મોની વાત કહીએ તો, હીરોઇન આ હીરોને નહિ, ઑલમૉસ્ટ વિલન (પી.જયરાજ)ને પ્રેમ કરે છે અને સાયગલને ધિક્કારે છે. આ ફિલ્મના સાયગલના ઑલટાઈમ ગ્રેટ ગીતોને બાદ કરતા એમને તો રોલ પણ કોઇ ઍક્સ્ટ્રાથી વધારે મોટો નથી મળ્યો. શાહજહાં બનતો કલાકાર 'કંવર'છે, સાયગલ નહિ.

ગીતકાર મજરૂહ સુલતાનપુરીની આ પહેલી ફિલ્મ હતી. એ પછી રાજ-નરગીસ-દિલીપની 'અંદાઝ'માં એમણે ગીતો લખ્યા અને છેલ્લે વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સાથી'માં. બન્ને એકબીજાના વેવાઇ થતા હતા.

ફિલ્મ એ જમાનાની હોવા છતાં આભાર માનવો પડે એના ખૂબ ફૅમસ કૅમેરામૅન દ્વારકાનાથ દિવેચાનો કે માત્ર સ્વચ્છ દ્રષ્યો જ નથી ઝડપ્યા, પણ કૅમેરાની કેટલીક  કમાલો પણ બતાવી છે.

ફિલ્મ જોશો તો ગમશે... કંટાળો નહિ આવે.

ફૂલ ફરવા નીકળ્યું...

$
0
0

એક ફૂલ ફરવા નીકળ્યું. ચાલતું.

BRTSમાં જવા માટે રસ્તો ક્રોસ કરવો પડે, ચગદાઇ જવાય. તાજો પવન કરી લેવો મોંઘો પડે. આ ઉનાળાના બફારામાં ઠંડી હવા કરતા ઉબેર અને ઓલાના ભાવ ફૂલોને કચડી નાંખે, ત્યાં માણસની શી વેલ્યુ? વળી, પવનો આજકાલ મીટર મુજબ આવતા નથી. શરીર સંપત્તિમાં ચાર પાંદડી અને જીન્સ જેવી એક કળી. ઇન્ડિયામાં જન્મ લેવા છતાં સ્કીન એની ગુલાબી અને મુલાયમ હતી. એ તો પોતે ફૂલ હતું, છતાં મમ્મીએ પરફ્યુમ છાંટી આપ્યું હતું. ભાઇલોગની માફક રસ્તા પર છુટા ફરતા પતંગીયાઓને મામુ બનાવવાનો આ જ એક રસ્તો હતો.

બસ, ઠાઠઠઠારામાં એટલું જ. ફૂલ ફરવા નીકળ્યું હતું, પણ એ કોઇ હવા નહોતું કે, ઘરમાં હોય એ બધી એકસાથે બહાર નીકળી પડે. અને બધી હવાઓ કાંઇ ફરવા નથી નીકળી પડતી... કેટલીક તો હવાફેર માટે ય નીકળી હોય છે. ફૂલોને ચેહરા પર મેઇક-અપની જાહોજલાલી અને વૈભવ નથી મળતા  તો ડાળખી અને પાંદડા જેવા ભાઇ-ભાંડુ વગર ઉંમરે ખરી પડવા પાત્ર!

બગીચાનું કલર કામ કરાવવા દેશીયન પેઇન્ટસના કારીગરોને બોલાવવાનુ પોસાય નહિ. ફૂલો તો ચીઝ-બટર પણ ખાય નહિ, એટલે વજનમાં જુઓ ને, કેવા પતલા- પતલા હોય છે? શક્તિ બધી પવન આધારિત. સ્કૂલ- રીક્ષા- ડ્રાઇવરો જેવા પવનના બહુ ફટવેલાં ઝોંકાઓ લઇ જાય ત્યાં જવાનું ક્યારેક નાજુકાઇથી ઉચકેલી સોનાની થાળીમાં મખમલના વસ્ત્ર ઉપર તો ક્યારેક, કલકત્તી ૧૨૦ના પાન ઉપર એક પાંખડી રૂપે ચોંટીને પડયું હોય. 'યે જીના ભી કોઇ જીના હૈ, લલ્લુ..?'

આપણાવાળા ફૂલને તો વૃક્ષ ખાનદાનના મમ્મી-પપ્પાથી છુટા પડીને ભગવાન શંકરના ચરણોમાં કોઇ અડધી કલાક માંડ બેસવા મળ્યું હતું, ત્યાંથી સીધું બહાર આવી ગયું,એ પછી મ્યુનિસિપાલિટીની સરહદો કે ઇ-મેઇલ આઇડીમાં એનું સરનામું નહિ. જેમને સ્વયં પરમેશ્વર ત્યજી દે છે, એમને તો ઘરડાંના ઘરમાં ય આશરો મળે નહિ. રહી આવ્યા હો તો ખબર પડે કે વૃદ્ધાશ્રમોમાં નામનું ય એક ફૂલ કે ફૂલના હાર કદી જોવા ન મળે... જે રહેતા હોય, એમના ઘરમાં એમના ફોટા ઉપર હાર ચઢાવવામાં બધા ફૂલો વપરાઇ ગયા હોય! ફોટા કે કબર પર ચઢાવવાના ફૂલોનો કોઇ ભાવતાલ કરતું નથી... ક્યાં રોજરોજ લેવાના હોય છે?

આ ફૂલ તો સાવ એકલું જ ફરવા નીકળ્યું હતું. ઓર્કિડ અને ટુલિપ સાથે કદી ન હોય. ગુલાબ અને રજનીગંધા સાથે શોભે ય નહિ. આનો મૂડ પણ નહતો. છેલ્લા બે-ત્રણ કલાકથી બાળસખી સુગંધ પણ એને છોડીને જતી રહી હતી. સ્વભાવગત કુંડળીગત કે લક્ષણગત... સુગંધો વેશ્યા જેવી હોય છે અને હંમેશા મોટો મીર જ મારતી હોય છે.

બેન્કના કે એસ.ટી.ના કારકૂનના કપડે તો એ રહે ય નહિ. એને તો કોઇ અમીરજાદો, શાહજાદો, નવાબજાદો કે હરામજાદો જ જોઇએ. એ ગંધાતાની બગલમાં ઘૂસી જતા ય એને કોઇ શરમ નહિ. ફૂલની સંગતમાં એને કમાવાનું શું? ફૂલોને ઇગો-પ્રોબ્લેમ નડે છે. એ પોતાના રંગોની સીરિઝ પર મુસ્તાક થવામાં સુગંધને શીડયૂલ્ડ- કાસ્ટમાં મૂકી દે છે... ! આ જ એક કારણ હશે કે, રૂપ, રંગ અને સુગંધ જેવા થ્રી- ઇડિયટસના પ્રીમિયર- શોમાં ફૂલો એક સ્વાદના સબ્જેક્ટમાં માર ખાઇ ગયા. સ્વાદની સ્પર્ધામાં તો ફૂલો, પિસ્તા, હાફૂસ, સ્ટ્રોબેરી કે દાળવડાં સામે ય હારી ગયા.

કેવળ જહાંગીર આર્ટ ગેલેરીના પેઇન્ટિંગમાં જ શોભે એવી એક સુંદર યુવતીએ નીચા વળીને એને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો, પણ સુંઘ્યા પછી મોઢું બગાડીને બેરહેમીથી જમીન પર ફેંકી દીધું. સ્ત્રીઓનું તો તમે જાણો છો. મનભાવન ચીજ લેતી વખતે જમીનની આરપાર ઝૂકી જાય... પણ એને છોડી દેવામાં એ છોડી દીધેલાને ઝૂકાવે. ફૂલની જેમ હાથમાંથી છોડી દીધેલી ચીજો સ્ત્રીઓને એમના પગ પાસે પડેલી જોવી ગમે છે... મસળવા માટે એકજ કદમ કાફી!

આ ફુલ દેખાવમાં હેન્ડસમ, લેગસમ કે શોલ્ડરસમ... બધું હતું. સેક્સી પર્સનાલિટી, એટલે છોકરીઓ બહુ મરતી. પણ પ્રેમ પૂરો થઇ ગયા પછી, કેટલીક છોકરીઓ, પોતાની ડાયરીના બે પાના વચ્ચે સનમની લાશને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે જાળવી રાખતી હોય છે. મનુષ્યમાંથી હવે ચીમળાયેલું ફૂલ બની ચૂકેલા એના સ્વ. ગોરધનને ડાયરીના બે પાનાની વચ્ચે આણે ફ્લેટ અપાવ્યો હોય છે. ઘણી પ્રેમિકાઓના તમામ ફ્લેટો પૂરા ભરાઇ ગયા હોય છે. પાને- પાને ફૂલના પત્તાં! કેટલાક પ્રેમો મર્યા પછી આ રીતે અમર રહે છે.

'આશિક કા જનાજા હૈ બડી ધૂમ સે નીકલે...!'દર મહિને મકાન- માલિક ભાડું ઉઘરાવવા આવે, એમ યુવતીઓ ય પોતાનો ચીમન યાદ આવે ત્યારે ડાયરીનું એ ગોઝારૂં પાનું ખોલીને એકાદ આંગળી અડાડી જુએ છે. પેલો વર્ષોથી ચીમળાયેલો પડયો હોય, તો ય આ પાછી ગાય, ''ક્યૂં ઝૂઠે સે પ્રિત લગાઇ, ક્યું છલીયે કો મિત બનાયા, ક્યું આંધી મેં દીપ જલાયા...?''જે લાઇનો પેલાએ મહીં પડયા પડયા ઓછા ઓક્સિજને ગાવાની હોય, એ આવી આ, ''થૂપ્પીસ... હવે મારો દાવ...!''કરતી ગાવા માંડે, એમાં પેલો મહીં પડયો પડયો ચીમળાઇ લીધા પછી ય ચીમળાયે રાખે છે.

ફરવા નીકળેલું આ ફૂલ થોડું થાક્યું હતું. ફૂલો બગીચામાં સવારે ચાલવા નથી નીકળતા, એટલે આના ય શરીરમાં કળતર શરૂ થઇ ચૂકી હતી, જેને મનુષ્યો 'ઘડપણ'અને ફૂલો 'ફૂલપણ'એટલે કે 'કરમાવાનું'નામ આપે છે. એક પાંદડીની ધાર છોલાઇને સહેજ કાળી પડી ગઇ હતી ને બીજી-ત્રીજી-ચોથીનો કોઇ ભરોસો નહિ. જીવન સાંજ સુધીનું કન્ફર્મ્ડ હતું...સિવાય કે, મોર્નિંગ- વોકરોની હડફેટે ન ચઢે...! એને ભય એ હતો કે, ''પ્રભો મને જ્યારે મારવું હોય ત્યારે મારજે...પણ તારે એટલે કે ઇશ્વરને ખાતર પણ મને 'લાફિંગ-ક્લબ'ના 'હાહાહિહિહૂહૂ'વાળાઓના પગ નીચે ન ચગદાવતો. હું મરતું હોઉં ને ઉપર આ લોકો હાથ ઊંચા કરી કરીને 'હાહા-હિહિ-હૂહૂ'કરતા હોય, એ તો ઇન્સલ્ટ થયું ને, ભોળાનાથ?

બીજી બાજુ, આડે રસ્તે ચડી ગયેલા અને પીળાં પડી ગયેલા સુકા પાંદડા ફક્ત ચાલવાના જ નહિ, દોડવાના ય શોખિન. ગાર્ડન એમના પિતાનું હોય એમ પવનને ઝપાટે- ઝપાટે ઘાસને અડી અડીને દોડાદોડ કરતા હોય. ઘસડાવાનો અવાજ બહુ કરે. સૂકા પાંદડા ઉપર જરા અમથો પગ મૂકી જૂઓ, 'કડડડડ...કટ'બોલશે. ફુલ તો ચગદાઇને પણ ઉફ્ફ...નથી કરતા, ત્યાં ઘસડાઇને પણ હરવા-ફરવાનું તો ક્યાં નસીબમાં હોય?

એક વખત તો પપ્પાના ઘરે ઝાડ ઉપર પાછા ફરવાની એને ઇચ્છા થઇ આવી, પણ પપ્પાને જગત ઝાડ કહે છે અને જગતભરના ઝાડો પર્વત જેવા હોય છે. એક વખત નદી નામની દીકરીને વળાઇ દીધા પછી એની સામે ય જોતા નથી.... (સંદર્ભ: જલન માતરી) ('કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરેથી નીકળી નદી પાછી વધી નથી.') વૃક્ષો રોજ સવારે પોતાના ફૂલોને સ્કૂલે મૂકવાના હોય એમ છુટાં મૂકી દે છે.. મૂકી દીધા પછી છોકરૂં સ્કૂલે પહોંચ્યું કે નહિ.. દઇ જાણે...!

એમને તો આના જેવા કેટલાય ભાઇ-ભાંડુઓને રોજ સવારે છુટા મુકવાના હોય એ સ્વભાવે ય એમનો આકરો. એક વખત ઘરમાંથી ફેંકી દીધા પછી પપ્પા ક્યારેય પોતાના સંતાનોને પાછા ઉપર બોલાવી લેતા નથી. ફૂલ અને નદી - બંનેના જન્માક્ષર ભલે જુદાં હોય, પણ ભાગ્ય બંનેના સરખા. પિતાનું ઘર છુટયું પછી પાછું જવાય નહિ. એમને રસ એમનો મત-વિસ્તાર વધારવા પૂરતો. ફૂલ અને નદીને તો જીવે ત્યાં સુધી 'સર્વાઇવલ'નો સવાલ હોય છે - એટલે કે તૂટી- છુટી ગયા પછી અસ્તિત્વનો કોઇ ભરોસો નહીં. નદીને તો સાગરસમું સાસરૂં મળી જાય છે, પણ ફૂલનું બેસણું પરમેશ્વરના ચરણો કે માણસોના જૂતાં સુધી! વૃક્ષ કે પહાડને આ પ્રોબ્લેમ નહિ. શ્રદ્ધા ગમે તેટલી હોય, કોઇ ઇશ્વરભક્ત આખું ઝાડ પ્રભુને ધરાવવા લઇ જતો નથી. પહાડ પોતે કદી કોઇના બ્લેઝર કે કોટના બટનમાં ટીંગાતો નથી. સુઉં કિયો છો?

..ને આ ફૂલ તો પપ્પાનું ત્યજી દીધેલું અનૌરસ સંતાન હતું. 'હરે કૃષ્ણ... હરે કૃષ્ણ'કરતા કોઇ દાદીમાં કારમાં બેસીને આવ્યા... એને ઠાકોરજીના માથે ચઢાવવું હશે તે ડાળીમાંથી એવું ખેંચી કાઢ્યું કે... શીટ...! કોઇ તમારા કાનનો વાળ ખેંચી કાઢે તો કેવી વેદના થાય? પણ એમની અશક્ત હથેળીમાં એ સચવાયું નહિ અને પડી ગયું.. !આ ક્યાં નોર્મલ ડીલિવરી હતી...! સિઝેરિયન હતી, એટલે સીધું પેટમાંથી ખેંચી કાઢવામાં પ્રેમ કરતા સાયન્સનો ફાળો મોટો હતો. દાદીમાના હાથમાંથી ભોંય પર પડીને એ એમની સામે જોતું રહ્યું.. એમનું તો ધ્યાને નહોતું. એમણે એને પડતું મૂકીને બીજુ ખેંચી કાઢ્યું. આ બચી ગયું તો એનો ભાઇ મર્યો...!

આપણી આ સ્ટોરીના હીરો એવા આ ફૂલને અફસોસ એ થતો હતો કે હમણાં વેલેન્ટાઇન-ડે ગયો અને કોઇએ એને છાપેલા ફૂલવાળું કાર્ડ પણ ના મોકલ્યું ! આજે એ બા ઉપર ખીજાયું...! સાચી વાત એ હતી કે એને એક ડાળી સાથે પ્રેમ થઇ ગયો હતો. કમનસીબે ડાળી બેવફા નીકળી. એ તો કોઇ વોટ્સએપ મેસેજ ફૂલના હાથમાં આવી ગયો ત્યારે ખબર પડી કે, ભલીભોળી લાગતી ડાળી કોઇ ઝાડના થડના પ્રેમમાં પડી ગઇ છે.

ફૂલ અકાળે કરમાઇ ગયું. જગતમાં ફૂલ-ઝાડની જોડી હોય, થડ ને ડાળખીની જોડી હોય કદી? ખૂન્નસમાં ને ખૂન્નસમાં એણે મોર્નિંગ- વોકમાં નીકળેલા એક કાંટા સાથે લગ્ન કરી લીધા.

આ ફૂલ અને કાંટામાં સાઉથ કોણ હતું અને નોર્થ કોરીયા કોણ હતું, તેની ટીવી- ન્યૂસ ચેનલોવાળાઓને ય ખબર નથી.

...એટલી ખબર છે કે, આમાના ફુલ અને કાંટા જે દિવસે વિફર્યા, એ દિવસે દુનિયાના બાગ-બગીચા ઉજડી જશે !

સિક્સર
-
મોદી જે કાંઇ બોલે/કરે છે, એનો આંખ મીંચીને રાહુલ વિરોધ કરે રાખે છે.
- એક વાર મોદીએ નિવેદન આપવું જોઇએ, ''રાહુલજી બહુ ઇન્ટેલીજન્ટ માણસ છે..!'
- બોલો! રાહુલજી ઇન્ટેલિજન્ટ હોવાનો વિરોધ કરશે કે માણસ હોવાનો?

'કહીં દિન, કહીં રાત' ('૬૮)

$
0
0

ફિલ્મ : 'કહીં દિન, કહીં રાત' ('૬૮)
ફિલ્મ    :    'કહીં દિન, કહીં રાત' ('૬૮)
નિર્માતા-દિગ્દર્શક    :    દર્શન સભરવાલ
સંગીત    :    ઓપી નૈયર
ગીતકાર    :    શમ્સ-ઊલ-હુદા બિહારી
રનિંગ ટાઇમ    :    ૧૫ રીલ્સ - ૧૬૫ મિનિટ
થીયેટ    :    અશોક (અમદાવાદ)
કલાકારો    :    વિશ્વજીત, સપના, પ્રાણ, જ્હૉની વૉકર, હેલન, નાદિરા, વીણા, મોહન ચોટી, રામ અવતાર, રિડકુ, અસિત સેન, બી.એમ. વ્યાસ, મનમોહન, મુરાદ, હબીબ, બિપીન ગુપ્તા.

ગીતો
૧.    કમર પતલી, નજર બીજલી,     મહેન્દ્ર કપૂર
૨.    તુમ્હારા ચાહનેવાલા,     આશા ભોંસલે-મહેન્દ્ર
૩.    ઓ યારોં કી તમન્ના હૈ,     મહેન્દ્ર કપૂર
૪.    હમ પે ઈલ્ઝામ યે ક્યૂં હૈ કિ      આશા ભોંસલે
૫.    જબ આ હી ગયે હૈં દર પે તેરે,    મહેન્દ્રકપૂર-આશા-શંકરદાસ
૬.    મુહબ્બત હો ગઇ જીનસે શિકાયત    આશા ભોંસલે
૭.    તુમ્હારે યે નખરે, તુમ્હારી શરારત,     મહેન્દ્ર કપૂર
(
ગીત નં. ૩ : અઝીઝ કાશ્મીરી - બાકીના બધા એસ.એસ. બિહારી)

એ જમાનામાંય સિનેમાઘરોમાં દરેક પ્રેક્ષકને એક જ રીવૉલ્વર નહોતા આપતા, કે પૂરી ફિલ્મ ફરજીયાત જોવા બદલે પ્રેક્ષકોના કોરા બરડાં ઉપર મીઠાંમાં બોળેલી ચાબુકો કે હન્ટરો ફટકારવામાં નહોતા આવતા. જુલ્મો-સિતમભર્યા એ થીયેટરો હતા. રીવૉલ્વર આપી હોય તો પહેલી ગોળી ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક દર્શન સભરવાલની છાતીમાં વાગત.

બીજો પ્રેક્ષક ફિલ્મનો હીરો વિશ્વજીતને ભડાકે દેત. મહિલા-વર્ગ (તમે પૂરી જીંદગીમાં જોઇ ના હોય એવી કદરૂપી હીરોઇન સપનાને, ખલનાયિકા નાદિરાને અને વીણાને ઠાર મારત. સાહિત્યનો શોખિન થીયેટરમાં ભરાઇ ગયો હોત, તો ફિલ્મના બન્ને ગીતકારોના ઘેર જઇને પથ્થરબાજી કરી આવત...! જ્હૉની વૉકરે પણ કૉમેડીના નામે નાકમાંથી ગૂંગણા અવાજો કાઢ્યા છે.

સાલી, ફાલતુ ફિલ્મો તો આપણે જીંદગીભર જોઇ હોય - ટેવાઇ ગયા હોઇએ, પણ ફિલ્મ જોતાં જોતાં લેવા દેવા વગરની મોટે મોટેથી ગાળો બોલવા માંડીએ, એવું આપણું વર્તન તો લાઇફ ટાઇમમાં આપણા શ્વસુર-પક્ષે પણ ન જોયું હોય !  પણ ધ ગ્રેટ વિલન પ્રાણ સાહેબ, અદભુત શરીરના વળાંકોની માલકીન હેલન (સી-બ્લ્યૂ કૉન્ટેક્ટ લૅન્સ તો ખરા જ !) અને શત શત શત (હજી બીજા ૫૦ વાર શત શત શત) પ્રણામ આપણા ફૅવરિટ સંગીતકાર ઓમકાર પ્રસાદ નૈયરને. વાત નાની નથી. ફિલ્મ ઠેઠ ૧૯૬૮ની સાલની છે.

એ વખતે આપણા જમાનાના (બર્મન દાદાને બાબદ કરતા) તમામ સંગીતકારો વખારમાં નંખાઇ ચૂક્યા હતા. એકાદી ફિલ્મનું એકાદ ગીત માંડ જાણીતું થયું હોય, ત્યારે '૬૦ના આ દાયકાના અસ્તાચળમાં ઓપી નૈયરના સંગીતનો ઠસ્સો એવો જ તરોતાઝા રહ્યો હતો. એ જમાનામાં રેડિયો-સીલોન, વિવિધ ભારતી કે ઑલ ઈન્ડિયા રેડિયો નિયમિત સાંભળનારા શોખિનો પણ હતા. એક વાર ગીતોનું બૉન્સ જોઇ લો.  ઓપીના સંગીતનો 'સ્ટ્રાઇક-રેટ'શંકર-જયકિશનની બરોબરીએ હતો, એટલે કે, આવનારી એક એક ફિલ્મનું એક એક ગીત લોકપ્રિય થયું હોય. (એમાંય, આ લખનારનું ફૅવરિટ આશા ભોંસલેનું 'મુહબ્બત હો ગઇ જીન સે, શિકાયત ઉન સે ક્યા હોગી ?'તો અંતરાઓમાં ય જગમગે છે.)

ઓપીના સંગીતની બાદશાહત મુહમ્મદ રફી વગર પણ બરકરાર રહી છે. આ એ ગાતો હતો જ્યારે ઓપી-રફી વચ્ચે સંબંધો તૂટયા હતા. બન્ને મહારથીઓ ઘડિયાળને ખોટી પાડી શકે... પોતે મોડા ન પડે, એવા પરફેફ્ટ. ટાઇમો સાચવવા છતાં ક્યારેક તો અપવાદ આવે ને ? - આવ્યો !

રફી સા'બને શંકર-જયકિશનના કોઇ ગીતના રૅકૉર્ડિંગમાંથી ઓપી પાસે પહોંચતા લગભગ અડધો કલાક મોડું થઇ ગયું. ખલાસ ! આ તો 'ઓમકાર'એટલે ભગવાન શંકરનું રૌદ્ર સ્વરૂપ ! ઓપીએ આવતા વ્હેંત રફીને પૂછ્યું - ગુસ્સાથી, ''આટલું મોડું ?''પેલા તો અમથા ય નમ્ર અને વિવેકી માણસ હતા. સાચી વાત કહી દીધી, 'શંકર જયકિશનના રૅકૉર્ડિંગમાં જરા વાર થઇ ગઇ !'

''
બસ... તો હવે પછી તમારા શંકર-જયકિશન માટે જ ગાજો. અહીં ફરી આવવાની જરૂર નથી.''
બસ. એ સંબંધ તૂટયો, એ સાડા ત્રણ વર્ષ તૂટયો. એમાં વચ્ચે એક ઉંબાળીયું ઓપીએ પણ કર્યું હતું. શર્મીલા-વિશ્વજીતની ફિલ્મ 'યે રાત ફિર ના આયેગી'નું રફીનું એક જ ગીત રૅકૉર્ડ કરવાનું બાકી હતું, ''મેરા પ્યાર વો હૈ કિ, મરકર ભી તુમકો જુદા અપની બાંહોં સે હોને ન દેગા.'રફી હજ પઢવા ગયા હતા ને ઓપીને ઉતાવળ હતી. ફિલ ક્યા ? મહેન્દ્ર કપૂર પાસે એ ગીત રૅકૉર્ડ કરાવી લીધું. પાછા આવીને રફી બગડયા, સંબંધોની જેમ !

પણ પેલા સાડાત્રણ વર્ષના વનવાસ કે 'રફીવાસ'પછી એક દિવસ ઓપી ચમક્યા. ઘરના આંગણામાં જુએ છે તો સાક્ષાત રફી - એમના એ જ બાળકસમા સ્માઇલ સાથે - ભેટવા માટેના બન્ને હાથ ખુલ્લા રાખીને ઓપી પાસે આવે છે... શબ્દો કે ઔપચારિકતાની કોઇ ગૂંજાઇશ નહોતી. બન્ને આંખમાં હર્ષના આંસુ સાથે ભેટયા.. ને પાછું સમાધાન ! ઓપીએ આ ઘટના પછી કહ્યું હતું, ''આવો પવિત્ર માણસ બીજો જોયો નથી. અમારી વચ્ચે બોલવાના ય સંબંધ નહોતા. છતાં ખેલદિલીથી રફી સાહેબ સામે ચાલીને મારા ઘેર આવ્યા.''

એ વાત જુદી છે કે, મહેન્દ્ર કપૂર માટે પૂરો આદર બરકરાર રાખીને ઓપીએ કબુલ કર્યું હતું, ''રફીને પડતા મૂકવા, એ મારી કારકિર્દીની મોટી ભૂલ હતી.''

હા, રફી સાથે અબોલાના સમયગાળામાં ઓપી નૈયરે ખાસ કાંઇ ગૂમાવ્યું નહિ. માણસ સોલ્લિડ સર્જક હતો એટલે આજની ફિલ્મની જેમ 'માઇનસ-રફી'ના ગીતો ય સુંદર બન્યા હતા, પણ એક વખત જૂની પ્રેમિકા આશા ભોંસલે સાથે સંબંધ તૂટયો, પછી ઓપી ક્યાંયના ન રહ્યા. આશાની અવેજીમાં દિલરાજ કૌર કે પુષ્પા પાગધરે તે ઈવન  રૂના લૈલા ય ઓપીને ડૂબતા બચાવી ન શક્યા.

પણ, શંકર-જયકિશન, નૌશાદ, બર્મન દાદા, મદન મોહનની જેમ ઓપી પણ સંગીત ચાહકોમાં સાશ્વત રહ્યા છે. કોઇ બે-ચાર ફિલ્મોના સંગીત પર આ લોકો મોહતાજ નથી રહ્યા. નહિ તો વખત એવો હતો કે, ઓપીને હાંકી કાઢવા માટે એક જમાનામાં બધા ભેગા થયા હતા (એકાદ નામ આઘુંપાછું હોઇ શકે !) લતા મંગેશકર વિના આખી કરિયર ચલાવવી, આમાંના કે એમાંના કોઇની તાકાત બહારની વાત હતી. બિનાકા ગીતમાલા કે વિવિધ ભારતી પર ઓપીનું એકે ય ગીત ન આવે, એ માટે ઑલમોસ્ટ તમામ સંગીતકારો ગંદી રમતો રમ્યા છે.

એ જમાનામાં રૅકૉર્ડિંગ માટે પૂરા મુંબઇમાં ૩-૪ સ્ટુડિયો માંડ હતા. બધા સંગીતકારો - જરૂર હોય કે ન હોય - સોલ્ઝરી કરીને આખા મહિનાના બધા સ્ટુડિયો બૂક કરાવી લેતા એટલે ઓપીને પોતાના ગીતા રૅકૉર્ડ કરાવવા સ્ટુડિયો ન મળે. એમાં ય, લતા મંગેશકરનો આ બધા સંગીતકારોને છુપો ટેકો. કાવતરાં એટલે સુધી ઘડાયાં કે, એકાદ શમ્મી કપૂર જેવા ઓપી-ભક્તોને બાદ કરતા ફિલ્મી હીરો ય ઓપીના સંગીતવાળી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દે... છેવટે, વિશ્વજીત, જૉય મુકર્જી કે મનોજ કુમાર જેવા ક્લાસ-થ્રી હીરોની ક્લાસ-ઝેડ ફિલ્મો ઓપીને માંડ મળે. પણ ઓપી જેનું નામ ! હીરો કે ફિલ્મની ક્વૉલિટી ભલે તદ્દન તળીયાની હોય, ઓપીનું સંગીત કોઇપણ ફિલ્મ માટે 'ફિર વોહી દિલ લાયા હૂં'લૅવલનું જ હોય !

બહુ વર્ષો પછી સંગીતકાર શંકરે (જયકિશન) પૂરી ગ્રેસ સાથે પરાજય સ્વીકારીને 'ફિલ્મફેર'ના '૬૮ની સાલના જાન્યુ.ના અંકમાં આપેલા ઈન્ટર્વ્યૂમાં કબુલ્યું હતું, ''ઓપી ગ્રૅટ છે. અમે એમના જેવું (ફિર વોહી... જેવું) સંગીત કેમ ના આપી શક્યા, એ જ અફસોસ છે.''

આજની ફિલ્મ 'કહીં દિન, કહીં રાત'ઓપીના સંગીતને કારણે જ એના નામ સાથે આપણને યાદ રહી ગઇ - ભલે ફિલ્મ જોઇ ન હોય પણ વાર્તા લેખકથી માંડીને દિગ્દર્શકની બેવકૂફીઓ જોઇને આઘાત લાગે કે, ફિલ્મ બનાવતી વખતે કોઇને ભનક નહિ આવી હોય કે, કેટલી બેવકૂફીભરી ફિલ્મ બની રહી છે ! સાવ સામાન્ય બુધ્ધિની વાત છે. ફિલ્મની શરૂઆતમાં વિલનનું પ્રાયવેટ પ્લેન બતાવે છે, એ તરત બીજા દ્રશ્યમાં ટચુકડું બની જાય. રન-વેને બદલે રણની ધરતી પર સડસડાટ ઉતરી કેવી રીતે શકે ?

છેલ્લે આખું વિમાન સળગતું બતાવાય ત્યારે નાનું છોકરૂં ય સમજી શકે કે, લાકડાના પાટીયાનું ખોખું વિમાનના આકારનું બનાવ્યું છે. ફિલ્મના સૅન્સર-સર્ટિફિકેટમાં ફિલ્મની ભાષા 'ઉર્દૂ'જણાવાઇ છે, પણ પૂરી ફિલ્મમાં ઉર્દૂનો છાંટો ય ઊડતો નથી. વિશ્વજીત પાસેથી મોહન ચોટીના લૅવલનું જ કામ લેવાનું હતું, તો મોહન ચોટીને શું કામ હીરો ન બનાવ્યો ? કઇ કમાણી ઉપર વિશ્વજીતને તાંબાના કલરની માથે વિગ પહેરાવાઇ છે ? આમે ય, '૬૦ના દાયકાની સમાપ્તિ વિશ્વજીતનો ય અસ્તાચળ હતો, અને માથેથી વાળ ગાયબ થવા માંડયા હતા, એટલે 'ફોરેનર'લાગવા માટે પીળા વાળની વિગ ઉતાર્યા પછી ય કાળા વાળની એને વિગ જ પહેરવી પડે છે.

હસવું આવવા કરતા ખૂન્નસ વધારે ચઢે, એ એક જમાનામાં વિશ્વજીતનો દાવો સાંભળીને કે ફિલ્મોમાં સફેદ શૂઝ પહેરવાની શરૂઆત એણે કરી હતી. સફેદ-ટાઈટ પૅન્ટ નીચે સફેદ શૂઝના રવાડે આપણા જીતુભ'ઈ ય (જીતેન્દ્ર) ચઢ્યા હતા... પણ 'કૌવા ચલા હંસ કી ચાલ...'ના ધોરણે અસલી હંસ રાજકુમાર 'જાની'થી એક દોરો ય વધારે પર્સનાલિટી કયા હીરોની પડે છે ? આમે ય, વિશ્વજીત 'સૉફ્ટ'હીરો હતો.

દેખાવડો ચોક્કસ કહેવાય પણ ચાલ અને ચેહરામાં ''સ્ત્રૈણ્યપણું''દેખાયા વિના ન રહે એમાં ય ભ', પ્રાણ જેવા સ્નાયુબધ્ધ વિલન સાથે ફેંટમબાજી ઉપર ઉતરી આવે, એટલે વટસાવિત્રીના વ્રતમાં બહેનો વડની આસપાસ ફરતી હોય એવું લાગે ! ફિલ્મ 'ગુડ્ડી'માં શૂટિંગ જોવા આવેલી જયા ભાદુરીને સમજાવતા પ્રાણ કહે છે, ''ધર્મેન્દ્ર તો વૈસે ભી હટ્ટાકટ્ટા હૈ, લેકીન મૈંને તો ઐસે ઐસે (ખેંખલી) હીરોં સે માર ખાયા હૈ, જીસ કો મૈં ફૂંક ભી મારૂં તો-'' !

પણ દર્શક તરીકે વારંવાર જોવાને કારણે જોવી ન ગમે, એવી માથે પહેરાતી વિગોનું છે. પ્રાણ કે હેલનને કોઇ ફિલ્મમાં વિગ પહેર્યા વિના ચાલ્યું નથી. '૭૦ના દાયકાની તો તમામ હીરીનોને પણ વિગ વિના ચાલ્યંન નથી. નારીયેળની સાઇઝની બનાવટી અંબોડા, જીંથરા જેવા ચોટલાં, ખોટા વાળ, સ્વિચ અને ચીતરી ચઢે એવી હૅટ-સ્ટાઇલોમાંથી છુટકો એક માત્ર પરવિન બાબએ અપાવ્યો. ખભા પાછળ છુટા અને સરખા કાપેલાં વાળની ફેશન પરવિને શરૂ કરી, તે આજની હીરોઇનો સુધી ચાલુ છે.

ફિલ્મનું નામ 'કહીં દિન, કહીં રાત'મજાક ખાતર જ પાડયું હશે. ફિલ્મની વાર્તામાં ક્યાંક સુખ ને ક્યાંક દુ:ખ - જેવી વાત આવતી નથી. ફિલ્મને જેમ્સ બૉન્ડ જેવી થોડીકે ય લાગે, એવો હાસ્યાસ્પદ પ્રયત્ન કરવામાં આવ્યો છે. હીરો વિશ્વજીત સી.આઇ.ડી.છે અને દેશના ગદ્દારોને ફક્ત એકલે હાથે પહોંચી વળે છે. એની મદદમાં કોઇ ફોર્સ નથી. દેશનો ગદ્દાર પ્રાણ છે, પણ એ તો ગદ્દારી બાજુ પર રાખીને, હીરઇનનાં બાપુને વર્ષો સુધી પૂરી રાખી. એની પ્રેમિકા નાદિરાની મદદથી હીરો ભરેલી થેલી ક્યાં મૂકી છે, એ ડોહા પાસે ઓકાવવા મેહનત કરે છે.

વચમાં જહૉની વૉકરને મૂક્યો છે, પણ એ કોણ છે, ફિલ્મમાં એનું શું કામ કરે ને કઇ જાતની કૉેમેડી કરે છે, તે તો કોઇ હસ્યું હોય તો ખબર પડે એની બુધ્ધિની લઠ્ઠ જેવી પ્રેમિકા મલ્લિકા (મુમતાઝની બહેન) મૂળ તો અસલી જીવનમાં કૉમેડિયન મેહમુદની (વન ઑફ ધ) પ્રેમિકાઝ હતી, પણ એણે ભૂલ કરી મુમતાઝ સાથે મેહમુદની ઓળખાણ કરાવવાની 'ફિર ક્યા ?'મેહમુદે ઘટના સ્થળે જ મલ્લિકાને પડતી મૂકીને મુમતાઝને અપનાવી લીધી. (બનતા સુધી, મલ્લિકા દારાસિંઘના ભાઇ રણધાવાને પરણી હતી !)

સાલ ૧૯૬૮ની હતી અને અમારૂં એસ.એસ.સી. (મેટ્રિક)નું વર્ષ. યાદ છે, છેલ્લી પરીક્ષા પતી કે તરત અમે ફિલ્મ જોવા નીકળી પડયા હતા, ને બીજે ક્યાંય ટિકીટ ના મળી એટલે અશોક ટૉકીઝમાં 'કહીં દિન, કહીં રાત'જોયું હતું, નહિ તો નૉવેલ્ટીમાં દિલીપ કુમારનું 'આદમી'જોવું હતું, જેના ઉતરી ગયા પછી ધર્મેન્દ્ર-માલા સિન્હાનું 'આંખે'આવ્યું હતું. પ્રકાશમાં દાદામોનીનું 'આશીર્વાદ', લક્ષ્મીમાં નંદા-સંજયનું 'અભિલાષા', એ પછી ત્યાં જ જીતુ-બબિતાનું 'ઔસાદ'. એલ.એન.માં વહિદા-ધર્મેન્દ્રનું 'બાઝી', અલંકારમાં મીના-ધર્મેન્દ્રનું 'બહારોં કી મંઝિલ', રીગલમાં શમ્મી કપૂરનું 'બ્રહ્મચારી', રૂપાલીમાં કિશોરકુમારનું 'દો દૂની ચાર', રીલિફમાં 'દો કલીયાં', 'નૉવેલ્ટીમાં દેવ આનંદ-વૈજુનું 'દુનિયા'', લાઇટ હાઉસમાં જૉય મુકર્જીનું 'એક કલી મુસ્કાઇ'ને ત્યાં જ શશી કપૂરનું 'હસિના માન જાયેગી', ને ત્યાં જ એ જ જૉયનું 'હમસાયા', રૂપમમાં 'ઈઝ્ઝત', રૂપાલીમાં 'ઝૂક ગયા આસમાન', પ્રકાશમાં નંદા-શશીનું 'જુઆરી', લાઇટ હાઇસમાં શશી-આશાનું 'કન્યાદાન', કૃષ્ણમાં સુનિલ દત્તે તેના ભાઇ સોમ દત્ત માટે બનાવેલું 'મન કા મીત' (જે વિનોદ ખન્ના, લીના ચંદાવરકર અને સંધ્યા રાનીની પહેલી ફિલ્મ હતી.) એલ.એન.માં ધરમ-શર્મીલાનું 'મેરે હમદમ મેરે દોસ્ત', રીલિફમાં 'જાની'રાજકુમારનું 'મેરે હુઝુર', રૂપમમાં એનું જ 'નીલ કમલ', રૂપાલીમાં મેહમુદનું 'પડોશન', રીગલમાં 'રાજા ઔર રંક', પ્રકાશમાં 'સાધુ ઔર શૈતાન', હેમા માલિનીની પહેલી ફિલ્મ અને એ ય રાજ કપૂર સાથે 'સપનોં કા સૌદાગર'કઇ ટૉકીઝમાં આવ્યું હતું, તે પાકું યાદ નથી.

એનકાઉન્ટર : 13-05-2018

$
0
0

* ડોક્ટરોએ લખી આપેલી દવા કેમિસ્ટો જ વાંચી શકે છે, આપણે કેમ નહિ ?
- ડોક્ટરો એમની દુકાનની જ દવા લખી આપે, એ માટે કેમિસ્ટોએ ડોક્ટરોને ઘણું બધું 'ધરાવવું'પડે છે. દવા બનાવતી કંપનીઓ પણ ડોક્ટરોને ફેમિલી સાથે વિદેશ- પ્રવાસથી માંડીને બીજું બધું ઘણું ધરાવે છે,ત્યારે એમની દવાઓ ડોક્ટરો પેશન્ટ્સને લખી આપે છે.
(
રવિ સુહંદા, ભાવનગર)

* ઘણા લોકો પશુ જેવી હરકતો કેમ કરતા હોય છે ?
- એમાં આપણને શું વાંધો હોય ?
(
મનિષ નિરંજન વર્મા, ગોધરા)

* દિવસમાં કેટલી વાર વાઈફને 'આઈ લવ યૂ'કહેવું જોઈએ ?
- વાઈફ સાથે આવી મજાકો નહિ કરવાની.
(
મૌનિષ અરવાડીયા, સુરત)

* હાસ્યના એક પ્રોગ્રામમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની એન્ટ્રી ફી વધુ હતી... કાંઈ કારણ?
- હા, પણ ચાલુ પ્રોગામે ઘેર જવાનું ફક્ત પુરૂષો માટે જ ફ્રી રખાયું હતું !
(
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

* રૂ. ૨,૦૦૦ ની નોટો બંધ થાય એ પહેલાં બેન્કો બંધ થાય એવું લાગે છે !
- જરા મોટું મન રાખતા શીખો. ઘેર હજી હજાર-હજારની તો પડી છે ને ?
(
મધુકર મેહતા, વિસનગર)

* રીમિક્સ ફિલ્મી ગીતો સાંભળ્યા પછી એવું નથી લાગતું, આજના ગીતલેખકો પોતાની ઓળખ ગુમાવી બેઠા છે ?
- ઓહ... તમે ગીતના શબ્દો ય સાંભળો છો.. !
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* જમાઈ ઉંમરમાં ગમે તેટલા નાના હોય, છતાં એમને 'તમે'કહીને જ કેમ બોલાવાય છે ?
- જગતની સર્વશ્રેષ્ઠ ચીજ આપણે એને આપી દીધી છે, માટે !
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ધરપકડ થતાં જ નેતાઓ ને બદમાશ સાધુઓને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવે છે ?
- સારા માણસો હોસ્પિટલોમાં દાખલ થવાનું નામ ન લે, માટે !
(
પ્રભુદાસ એમ.વાયા, મુંબઈ)

* 'બેટી બચાવો'... અને હવે 'બેન્ક બચાવો'.. બન્ને પારકી થાપણ છે માટે ?
- સદનસીબે, બેન્કમાંથી થાપણ પાછી ઉપાડી શકાય છે. સાસરેથી બેટી નહિ !
(
ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* 'કોમલ'અને 'કોમળ'માં શું ફરક ?
- કોમલને પરણાય.
(
સંયમ વઘાસિયા, સુરત)

* અંગ્રેજી સારું કે કોઠાસૂઝવાળું ગુજરાતી સારું ?
- બન્નેમાં કોઠા સૂઝવાળું મૌન સારૂં.
(
જયપાલ ગોહિલ, લવરડા-સિહોર)

* ભારત-પાકિસ્તાનનું યુધ્ધ ક્યારે ?
- ઇ.. ૨૦૧૯ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ભારત- પાકિસ્તાન કરતાં વધારે મહત્ત્વની છે.
(
જય કણાવીયા, સુરત)

* મોદીની સામે પડેલો શંભુમેળો કાશીએ પહોંચશે કે એકબીજાને લઈને ડૂબશે ?
- એકબીજાને ખતમ કરવા માટે ય, એ લોકોને મદદ મોદીની માંગવી પડશે !
(
મૂકેશ ડી.ઠક્કર, રાજકોટ)

* 'એનકાઉન્ટર'લખવાનું ભાડું ક્યાં સુધી લીધે રાખશો ?
- આપવું ન પડે ત્યાં સુધી.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* એકબીજા સાથે ઝઘડતા રહેતા ભાજપ-કોંગ્રેસ દેશની સેવા ક્યારે કરશે ?
- એના તો ઝઘડા ચાલે છે, કે કોણ કરશે ?
(
પ્રફુલ્લ દવે, ભાવનગર)

* 'લીક્યોર' (LIQUEUR) અને 'લીકર' (LIQUOR)  વચ્ચે  શું ફરક ?
- એકદમ સ્ટ્રોંગ, તગડી ફ્લેવરવાળો મીઠો 'લીક્યોર'જમ્યા પછી પિવાય.. ને જે કાંઈ 'લિંક'થતું હોય, એ બધું ગટગટાવી ન જવાય !
(
કુણાલ સોનીઅમદાવાદ)

* ટ્રાફિકનો સરળ ઉપાય ?
- ઘોડા પાળો.
(
સુધીર પરમાર, રાખેજ- ગીરસોમનાથ)

* કોંગ્રેસને તો હરગિજ લાવવી નથી પણ મોદીએ પણ આમજનતા માટે કાંઈ કર્યું નથી.
- પાકિસ્તાનને બે થપ્પડ મારી આવે, તો ફરી એક વાર દુનિયાભરમાં 'મોદી.. મોદી'ના નારા લાગે !
(
નીલેશ પ્રેસવાલા, ભરૂચ)

* સાઉથ ઇન્ડિયામાં ટૂંકાં કપડાં પહેરનાર સ્ત્રીઓને ટકોર કરનારા પ્રોફેસર વિરુધ્ધ મહિલાઓએ દેખાવો કર્યા. આ વિરોધ તો પુરૂષોએ નોંધાવવાનો હોય !
- એ બહાને ય પુરુષોને 'ઊંચું'જોતા કરી નાંખ્યા ને ?
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* તમે ફિલ્મલાઈનમાં પી એચ.ડી.કર્યું છે ?
- એસ.એસ.સી. સુધી ખરું !
(
રિયાઝ આર. જમાણી, મહુવા)

* દીકરી જન્મે તો લક્ષ્મી આવી કહેવાય, પણ દીકરો જન્મે તો શું કહેવાય ?
- ગૌરીશંકર, દુર્ગાપ્રસાદ, નટવર કે પછી ચીન્ટુ કહેવાય !
(
ધવલ જે.સોની, ગોધરા)

દીનિયાની વાઈફ

$
0
0

એણે 'વિક્સ ઈનહૅલર'નાકના ભૂંગળામાં ભરાવી હાથી કૂંડીમાંથી પાણી ખેંચતો હોય, એટલા જોરે શ્વાસ લીધો, એમાં ફોર્સને કારણે ઈનહૅલર નાકમાં ભરાઈ ગયું. વધુ પડતું ઊંચે જતું રહ્યું. એ હૂંહૂંહાહૂંઉઉઉ... કરતો રહ્યો, નીચેથી ખેંચી પણ જોયું પણ નીકળ્યું નહિ. પૂરા જોશથી એણે શ્વાસ પાછો કાઢ્યો. એમાં તો નાકનું એક જ ફોયણું કામ કરવાનું હતું. પાણી ઘણું નીકળ્યું, ઈનહૅલર નહિ. એમ તો પાછી આ કોઇ કોમિક-સ્ટોરી નથી. એટલે મહિને-બે-મહિને એ નીકળી પણ ગયું.... બે-ચાર દહાડા ઓછા હશે, પણ આટલા ઝનૂનથી આટલો ઊંડો શ્વાસ લેવાની એને જરૂર કેમ પડી, એ જાણવું જરૂરી છે.

ક્લબ રવિવારે તો ફૂલ હોય અને પબ્લિક પણ ઘણું હતું. આની વાઈફ વળી બે ઘડી જોવી ગમે એવી... અને 'હૅલ્લો'ના જવાબમાં સ્માઈલ આપે તો આપણી વાઈફ સાથે હોય તો ય હિમ્મત કરીને, એ જ્યાં સુધી કરવા દે ત્યાં સુધી વાતો કરીએ, એવી સોહામણી ય હતી. 'ભાભી'નો સ્વભાવ બહુ સારો. મળતાવડો. બધાની સાથે હસી હસીને વાતો કરે. કેટલાક 'દિયરીયાઓ'એ તો હૅન્ડ-શૅક કર્યો હોય પછી ભાભી છોડે ત્યારે જ છોડવાનો. ને એમાં, અમારામાંના એક સાથે ભાભીએ 'હગ'કર્યું.

હગ એટલે આલિંગન-ભેટવાનું. એ બધા દ્રષ્યો આપણા ભ', એટલે કે ભાભીના હસબન્ડ એટલે કે દીનિયાએ જોયા. એણે દૂરથી આપણા ભાભી-જે એની વાઇફ પણ થાય, એને અમારા રિશીને ભેટતા જોયો, એ જ ક્ષણે એના નાક પાસે ઈનહૅલર હતું, એ પ્રચંડ ક્રોધમાં મહીં ખેંચાઈ ગયું. 'મારી વાઇફને બીજો કોઈ હગ કરી જાય..?'એ વાતે જ એને ગુસ્સો આવ્યો અને ગુસ્સો ય કેવો? નાકમાં ઇનહૅલર ખેંચાઈ જાય એવો. બે-ચાર સેકન્ડ તો એણે ત્યાં જ ઊભા ઊભા કાઢી, પણ પછી કાંઈ રહેવાય? એ સીધો ઘટનાસ્થળે પહોંચ્યો, જ્યાં અમે બધા લાઇનમાં ઊભા હતા કે, રિશીયો હટે તો અમારો નંબર લાગે!

પત્નીઓ વહેમીલી હોય તે તો સમજ્યા હવે... who cares..? પણ ગોરધનો વહેમીલા હોય એ સહન નથી થતું. જરાક અમથી એની વાઇફ આપણી સાથે વાત કરવા શું ગઈ, એમાં તો એવી બીહામણી નજરે આપણને જુએ કે, સનસનસનસન કરતો આવીને ખભે બચકું ભરી લેશે, એવી બીકો લાગે. કેમ જાણે આપણા ઘરમાં વાઇફ જ નહિ હોય! (હોય પણ ભેટવા દે, એવી તો ન હોય ને?)

અલબત્ત, એ કાંઈ બોલી ન શક્યો, પણ અમને એવી રીતે જોતો'તો કે, કેમ જાણે આપણે એની વાઈફને ભેટવા આવ્યા હોઈએ! આ તો એક વાત થાય છે.

દીનિયો અમારા ગૂ્રપનો ખરો, પણ બધાનો ખાસ દોસ્ત એના મેરેજ પછી થયો. દીનિયા પાસે પરાણે હા પડાવીને એના ઘેર ડિનરો રાખીએ... વખાણો ભાભીની રસોઈના તો આડેધડ કરીએ. એ તો એ પોતે કહે ત્યારે ચાટ પડવાનું થાય કે, રસોઈ એમના મહારાજે બનાવી છે.

દીનિયાને વાઇફ સાથે અમારા ઘેર ડિનર પર બોલાવવાનો ફાયદો એ કે, વાઇફ કિચનમાં જ હોય ને અમને નયનસુખ તો મળે. અમે દીનિયા સાથે વાત કરતા હતા, 'બરોબર ને, ભાભી?'પૂછપૂછ કરીએ એમાં જવાબ દીનિયો આપવા જાય ને 'હા, બરોબર... હા બરોબર'એ નિવેદન ભાભી સામે જોઈને આપીએ. બે-ચાર મિનીટમાં દીનિયો બધું સમજી ગયો હોય કે આ લક્ષ્મણોની દાનત સારી નથી, એટલે સાલો જમ્યા પહેલા, 'ચલો જઈએ...?'એવું ભાભીને (એટલે કે, અમારી ભાભીને પૂછે.... એની ભાભીને નહિ!)

વધારે ખતરો એ હતો કે, અમારા બધાની વાઇફોને દીનિયાની વાઇફ આટલી ય ગમે નહિ. અમારા બધાનો સ્ટાન્ડર્ડ જવાબ એક જ હોય, 'અરે ભ', એવું ના હોય!'પણ 'કેવું ના હોય?'એની અમને કે અમારી વાઇફોને ખબર પડતી નહોતી. ભાભી સિવાયની આ બધી વાઇફો ભેગી થાય એટલે બધીઓ કૂથલી કરે જ. 'એના ડ્રેસીઝ તો જુઓ... યલો ટી-શર્ટની નીચે જીન્સ પહેરે... કોઈ દહાડો જોયું છે?'તો બીજી કહે, 'તમે કોઈએ માર્ક કર્યું? એવી એ બોલે છે ત્યારે કેવું ગુંગણું બોલે છે અને 'મારા હસબન્ડને બદલે 'હંસ-બન્ડ'બોલે છે... હાહાહાહા'. બધીઓ જાણતી હોય કે આવી ફાલતુ પીસીમાં કોઈ દમ નથી, પણ ભાભી ઉપરની કોઈ પણ પીસીમાં જેટલું મોટેથી ખડખડાટ હસીએ,એટલું વેર વાળ્યું કહેવાય! મજબુર અને નિ:સહાય હસબન્ડો તરીકે અમારે બધાને ભાગે પડતી અને નાનકડી ગુસ્સીઓ ભાભી વિરૂધ્ધમાં સાંભળવી પડે. ''તમે ય તે.... એને જોઈને ટાયલાવેડાં બહુ કરો છો... શું મને બધી સમજ નથી પડતી?? હું જરાક અમથી આઘીપાછી થઉં એટલે તમારા ડોળાં પેલી ઉપર ડબકવા માંડે છે...! (આપણને વાગે એવા સણસણતા ચાળા પાડીને) 'દીનુભ'ઇ... આવતા છનિ-લવિ લજા આવે છે તો માઉન્ટ આબુનું ગોઠવો...'વાહ, મને લઇને તો મણીનગરે ય નથી જતા. હવે, મારે એ લોકોને બોલવવા ય નથી ને એમને ઘેર આપણે ય જવાનું નથી... જસ્ટ શટ અપ.... ઈવન બીફોર યૂ સે ઍનીથિંગ... ઓકે?''

એ વાત જુદી છે કે, અમારે બધાએ અમારે ભાગે પડતી આવેલી વાઇફો કરતા સાલા ખડ્ડુસ દીનિયાથી વધારે સાચવવાનું હતું. એ એકલો મળે તો ય વહેમાય રાખે, બોલો! ''કેમ ભ'ઈ... કાલે ક્યાં હતા?''એવું એવી આંખો ઝીણી કરીને પૂછે કે, આપણાથી સાચું બોલાઈ જાય કે, ''કાલે તો... કાલે તો આખો દહાડો ઘેર જ હતો...'' (ગિલ્ટી-કૉન્શ્યસ) આના ડરથી ઘેર ના હોઈએ તો ય ઘેર હતો, એવું જૂઠ્ઠું બોલાઈ જાય! ઘણી વાર તો ઘરે હોઇએ તો ય ઘરે હતા, એવું સાચું કહી દેવું પડતું. ચિંતા એ વાતની થતી હતી કે, ભાભી સાથે અમે કાંઇ કર્યું નહોતું, છતાં દીનિયાથી અને અમારી વાઇફોથી ફફડતા રહેવું પડતું. ભાભી બિચારી બધાની સાથે હસીબોલીને વાતો કરે, એટલું જ... બાકી અમારામાંથી કોઈના ચણા ય આવતા નહોતા. દીનિયો વહેમી હતો, એનો અમને વાંધો નહતો,પણ એ અમારા બધા ઉપર વહેમાતો હતો, એ સહન નહોતું થતું... એક તો હાથમાં કાંઈ આવતું ન હોય ને વહેમાય! એક સંતોષ હતો કે એ અમને ય ભાભી પાસે ફરકવા દેતો નથી તો બીજા સાલાઓને તો હડધૂત કરીને ભગાડતો હશે... આપણે કમ્પીટિશન ઓછી!

ચિંતા અને ટૅન્શનને કારણે અમે બધા વાઇફો વગર ક્લબમાં મળ્યા. સેવ-મમરા અને કૉફીનું બિલ કોના ખાતામાં લખીશું, એના કરતાં તગડું ટૅન્શન આ લેવા-દેવા વગરના દુ:ખી થઈએ છીએ એનું હતું. એક તો વાઇફો વિશ્વાસ કરે નહિ ને પેલા નિર્દોષ દીનિયાને ટૅન્શનો કરાવીને એનું લગ્નજીવન બગાડીએ છીએ. ભાભી આપણને ગમે છે અને આપણે થોડાઘણા ફ્લર્ટ છીએ એટલું જ,બાકી બધાના ઘરમાં એકએક-બબ્બે બાળકો હોય પછી ભાભીને છોડો... આપણે ક્યાં વળી ડિમ્પલ કાપડીયા સાથે ય એવાએવા સંબંધો રાખવાના હતા! વળી, આપણામાંથી કૅરેક્ટર બધાના સારા છે, તો પછી શું કામ નજરો બગાડવી..? બસ. હવે કદી નહિ. ભાભી હોય કે એની બહેન હોય... આપણે 'એવી'નજર મનમાં ય નહિ રાખવાની! (જો કે, ભાભીની બહેનને કોઈએ જોઈ નહોતી...!) છતાં, સદ્બુધ્ધિઓ કામમાં આવી અને હવે ભાભી માટે ફ્લર્ટ નહિ બનવાનું, એ પાકો નિર્ણય કરી લીધો.

બીજા બુધવારે ચોંકાવનારા સમાચાર આવ્યા. 'ભાભી દીનિયાને પડતો મૂકીને એમના કોક ફ્રૅન્ડ સાથે ભાગી ગઇ...!'

સિક્સર
વ્હિસ્કીના ભાવ હતા એના કરતા ડબલ થઈ ગયા....  
હવે બધા દોસ્તો કહે છે, 'દાદુ, ચા-પાણી પીવા તો આવો!'

કંગન(૧૯૩૯)

$
0
0
ફિલ્મ : કંગન(૧૯૩૯)    
નિર્માતા : બોમ્બે ટોકીઝ- મુંબઈ
દિગ્દર્શક : ફ્રાન્ઝ ઓસ્ટીન
સંગીતકાર : સરસ્વતી દેવી
ગીતકાર : પ્રદીપજીનરોત્તમ વ્યાસભક્ત કબીર
રનિંગ ટાઈમ : ૧૪- રીલ્સ
કલાકારો : અશોક કુમારલીલા ચીટણીસમુબારકવી.એચ.દેસાઈપી.એચ.પીઠાવાલાપ્રોતિમા દેવીસરોજબોરકરનાના પળશીકરનરેન્દ્રનાથ તુલીકરૂણા દેવીઅરૂણ કુમારરાનીબાલાસરલાકુમારી અને બલવંત સિંહ.

ગીતો
૧. જલ ભરને કો ચલી રી ગુઇયાં,  ચંચલ ધારા.. લીલા ચીટણીસ
૨. મૈં તો આરતી ઊતારૂં રાધેશ્યામ કી રે, ..લીલા- પ્રદીપજી
૩. રાધારાધા પ્યારી રાધા,  લીલા ચીટણીસ- અશોકકુમાર
૪. હવા તુમ ધીરે બહોમેરે આતે હોંગે  લીલા ચીટણીસ
૫. સૂની પડી રે સિતાર મીરાં કે જીવન કીલીલા ચીટણીસ
૬. કયું બજે હૃદયવીણા કે તારલીલા ચીટણીસ- અશોકકુમાર
૭. અરે રે કબીરસુન લે કબીરરમૈય્યા કી જોરૂને લૂંટા... પ્રદીપજી
૮. મારે રામજીલાવે રામમાર ન સકતા કોઈ... પ્રદીપજી
૯. રાધેબંશી રહી પુકારમથૂરા જાતે નંદકુમાર... અરૂણકુમાર- સાથી
૧૦. બંદેનાંવ કા લંગર છોડઉમડી તેરી નૈન કી  ... અરૂણ કુમાર
૧૧. જોગન ભટક રહી હૈ બન બન, .. લીલા ચીટણીસ
૧૨. મરણ રે તુ હી મેરો શ્યામ સમાનઘોર ઘટા કા મોર... કાંતિલાલ
(
કવિવર રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી ગીત પર આધારિત)
ગીત નં.૨ કવિ પ્રદીપજીએ ફિલ્મો માટે લખેલું પ્રથમ ગીત
ગીત નં.૧૨ ગાયક કાંતિલાલ પચ્ચીગર સુરતના ગુજરાતી હતા.

ન્યૂ થીયેટર્સ- કલકતાની ખૂબ જામેલી ફિલ્મ 'કપાલ કુંડલા' (પિયામિલન કો જાના... અને 'યૂં દર્દભરે દિલ કી આવાઝ સુનાયેંગે.. બન્નેના ગાયક પંકજ મલિક.. સંગીત પણ એમનું જ !અને મુંબઈમાં એ જ વખતે મુંબઈની 'બોમ્બે ટોકીઝ'ની આ ફિલ્મ 'કંગનરીલીઝ થઈ. પ્રેક્ષકોને બન્ને ફિલ્મો સરખે હિસ્સે ગમેલી. એ જમાનામાં હિંદી ફિલ્મો બનાવતી વાડિયા મૂવિટોન.

હિંદુસ્તાન સીનેટોનમોહન પિકચર્સ- મુંબઈપ્રકાશ પિકચર્સ- મુંબઈમિનરવા મૂવિટોન- મુંબઈરણજીત મૂવિટોન- મુંબઇપૂનાની પ્રભાત ફિલ્મસભવનાની પ્રોડક્શન્સ- મુંબઈમિનરવા મૂવિટોનમુંબઈપૂનાની સરસ્વતી સીનેટોન અને કલકત્તાનું માદન થીયેટર્સ (હજી ૭-૮ મોટી કંપનીઓના નામ રહી જાય છેએની મને ખબર છે.)

પણ જમાનો અને તંદુરસ્ત હરિફાઈમુંબઈ- કોલકાતાના અનુક્રમે 'બોમ્બે ટોકીઝ'અને 'ન્યૂ થીયેટર્સવચ્ચે જ વધુ જોરમાં હતી. આ બાજુ દેવિકારાણી અને હિમાંશુ રોય ને પેલી બાજુ સરકાર-રાજ... બી.એન.સરકાર ! બન્ને સ્ટુડિયો સ્વચ્છ અને સામાજીક ફિલ્મો બનાવતા... એ જમાનામાં મશહૂર થયેલ ધાર્મિકમારધાડ કે કહેવાતી ઐતિહાસિક ફિલ્મો નહિ ! ૧૯૩૧માં ભારતમાં સૌથી પહેલી 'બોલતી ફિલ્મટોકી... મુંબઈના જ પારસી નિર્માતાઓએ 'ઇમ્પીરિયલ મૂવીટોન'નામની કંપની શરૂ કરી ભારતની પહેલી 'ટોકીફિલ્મ 'આલમ આરા'બનાવી. માસ્ટર વિઠ્ઠલ એનો હીરો હતો અને હીરોઈન ઝૂબૈદા ( જે વર્ષો પછી ફિલ્મ 'રામ ઔર શ્યામમાં દિલીપ કુમારની માં કે માસી-બાસીના રોલમાં આવી હતી. ૧૪ માર્ચ ૧૯૩૧ના દિવસે મુંબઈના મેજેસ્ટિક સિનેમામાં આ ફિલ્મ આવી હતી.'

પ્રજા એ દિવસોમાં કેવી ફિલ્મોથી ખુશ થતી ! ૧૯૩૧ થી ઓલમોસ્ટ ૧૯૫૦ સુધી બનેલી અનેક ફિલ્મોના નામો આજે હાસ્યાસ્પદ લાગે... 'જેન્ટલમેન ડાકૂ','કલકત્તા આફટર મિડનાઈટ', કે 'સિપાહી કી સજનીજેવા નામો રખાતા. વ્હી. શાંતારામે ૧૯૩૯માં ફાયરબ્રાન્ડ હીરોઈન શાંતા આપ્ટેને લઈને 'દુનિયા ના માનેબનાવ્યુંજેમાં શાંતાએ પૂરા બ્રિટિશ- ઉચ્ચારો સાથે ઇંગ્લિશ કવિ લોંગફેલોની કવિતાin the worlds broadfiled of battle ગાયું હતું.

પણ બોમ્બે ટોકીઝની આ ફિલ્મ 'કંગન'માટે ખાસ લખવું પડે કેફિલ્મ ૧૯૩૯માં બની હોવા છતાં આ બ્લેક-એન્ડ- વ્હાઈટ ફિલ્મની પ્રિન્ટ ફોટોગ્રાફી અને સાઉન્ડ હજી ગઈ કાલે જ લેબોરેટરીમાંથી આવી હોયએટલી નયનરમ્ય છે. બોમ્બે ટોકીઝની મોટાભાગની ફિલ્મો જર્મનીના દિગ્દર્શક ફ્રાન્ઝ ઓસ્ટીને દિગદર્શિત કરી હતી. દાદામોની ઇ.સ.૧૯૧૧માં જન્મ્યા હતાએટલે આ ફિલ્મમાં ૨૮- વર્ષની ઉંમરના જોવા મળે. ફિલ્મ 'ગાઈડજેવી અનેક ફિલ્મોમાં બારમાસી રોતડ મા બનતી લીલા ચીટણીસ આ ફિલ્મની યુવાન હીરોઈન છે.

લીલા હોય કે નાના પળશીકર હોયએ બન્ને જનમજાત ગરીબ અને રોતડાં જ લાગેનવી એકટિંગ કરવાની જરૂર જ નહિ ! જોકેઆ જમાનામાં તો એ યુવાન હતી 'સિનેતારીકાઓનો મનપસંદ 'લક્સસાબુમાં આજ સુધી સેંકડો હીરોઈનોએ નાહી નાંખ્યું હશેપણ 'લક્સ'ની સૌથી પહેલી એડ.ની મોડેલ લીલા ચીટણીસ હતી. એનો દીકરો માનવેન્દ્ર ચીટણીસ યોગ્યપુત્ર સાબિત ન થતા લીલા કાયમ માટે અમેરિકા જતી રહી અને ત્યાંના 'ડેનબરી- કનેકિટકટ'માંજ ૧૪ જુલાઈ૨૦૦૩માં અવસાન પામી. 

દાદામોનીથી ઉંમરમાં એ દસ મહિના જ નાની હતી.) એનું અસલી નામ 'લીલા નગરકરહતું ને બે વાર પરણી હતી. યસ. એ ખૂબ બ્રિલિયન્ટ હતી. સ્પોકન-ઇંગ્લિશ ઉપર એના પ્રભાવની સરખામણી 'ધી ગ્રેટશાંતા આપ્ટે સાથે થતી. એના ચહેરાનો પ્રભાવ એવો હશે કેનાના પળશીકર કે મનમોહન કિશ્નની જેમ કાયમી રોતડ ચેહરાને કારણે લીલા ચીટણીસને કાયમ દુ:ખીયારીગરીબ અને રડતીમાં ના રોલ જ વધારે મળ્યા. અલબત્તએના જમાનાની તમામ અભિનેત્રીઓમાં શાંતા આપ્ટે જ સુપર- સ્ટાર હતી. અભિનયમાં લલિતા પવારનો નંબર કદાચ પહેલો મૂકવો પડે.        

ફિલ્મ 'કંગનબોમ્બે ટોકીઝની ફિલ્મ હોવાથી એનું બધે બધું સ્વચ્છ અને સંસ્કારી તો હોય જવાર્તા કે અભિનયમાં આછકલાઈ તો ન્યુ થીયેટર્સની ફિલ્મોમાં ય જોવા ન મળે. યસઅભિનય અને સંવાદો બોલવાની ઢબ પુરૂષ એકટરોની ય થોડી સ્ત્રૈણ્ય લાગે. સંવાદ- લેખનમાં વપરાતી હિંદી ક્યારેક વધુ પડતી કાવ્યમય અને વ્યાકરણાચ્છાદિત લાગે.  

'
જા ન સકોગી મુઝે યહાં મઝધાર મેં ડૂબો કે...!ક્યારેક તો પુરૂષ કલાકારો ય પ્રેમના સંવાદો સ્માઈલ સાથે દાઢી ઉપર પહેલી આંગળી અડાડીને બોલેઅશોક કુમાર તો ગ્રેટ અને પછી 'ધી ગ્રેટેસ્ટએક્ટર તો બહુ પછી થયો. એ પણ સાચું કેએના જમાનામાં હીરોના મેદાનમાં ભાગ્યે જ કોઈ હરિફાઈ હતી. કુંદનલાલ સાયગલ 'ધી બેસ્ટગાયક હતા. પણ 'ધી વર્સ્ટ એકટર હતા. પૃથ્વીરાજ કપૂર હીરોના વ્યકિતત્વમાં સર્વોત્તમ અને આલમ આરા'માં પણ એ ઓલમોસ્ટ હીરો હતા.)         

ફિલ્મ 'કંગન'ની વાર્તા આજે તો તદૃન સરળ અને સપાટ લાગે. ગામના જમીનદાર (મુબારક)નો એકનો એક દીકરો અશોક કુમાર શહેરમાં ભણીને પાછો આવે છે. એ નાનકડા ગામના મંદિરના પૂજારી (પી.એચ.પીઠાવાલા) ને એક ત્યજાયેલી બાળકી (લીલા ચીટણીસ) મળે છેજે મોટી થઈને અશોક કુમારના પ્રેમમાં પડે છે. સ્વાભાવિક છેએના જમીનદાર બાપને આ સંબંધ મંજૂર નથી. 

અશોકે લીલાને પ્રેમની ભેટસ્વરૂપે સોનાના બે કંગન આપ્યા હોય છે. ( જેનું આઘાતજનક રીતે ફિલ્મમાં કોઈ મહત્વ નથી.) એ દરમ્યાન જમીનદાર પૂજારીને ધમકાવીને એક મહિનામાં લીલાના લગ્ન બીજે કરાવી દેવાની ધમકી આપે છે. અશોક કુમાર લાચાર છેએને શહેરમાં મોકલી દેવામાં આવે છેજ્યાં એ પોતાની આ પ્રેમિકાના નામ ઉપરથી 'રાધા'નામની નોવેલ લખે છેજેના ઉપર શહેરની એક ધનવાન યુવતી(સરોજ બોરકર) મોહિત થાય છેપણ અશોકને એવો કોઈ ઇન્ટરેસ્ટ નથી. છેવટે થોડા ઘણા નાટકીય અખાડા પછી ફિલ્મનો ધાર્યા મુજબનો સુખદ અંત આવે છે.           

જમીનદાર બનતો મુબારક 'અનારકલીજેવી થોડી ઘણી ફિલ્મોમાં શહેનશાહ અકબરના કિરદારમાં આવ્યોપણ સોરી...'મુગલ-એ-આઝમ'ના જીલ્લે ઇલાહી પૃથ્વીરાજ કપૂરને અકબર તરીકે સ્વીકાર્યા પછી જગતભરનો કોઈ અકબર આંખમાં વસે નહિ. કોમેડિયન આગા ઉઘાડે છોગ મા-બેનની ગાળો ભલભલી હીરોઈનો કે હીરોના બોલતો આ મુબારક અને પૃથ્વીરાજ કપૂરને 'આદર્શ માનીનેથયેલો. સાયલન્ટ ફિલ્મોના જમાનામાં સ્ટુડિયોમાં શૂટિંગ વખતે કલાકારોએ ફક્ત હોઠ ફફડાવવાના. બોલે તોય અવાજ રેકોર્ડ ન થાય.        

નવો નવો શૂટિંગ જોવા ગયેલા આગા આ બન્ને એક્ટરોના 'સંવાદોસાંભળીને ચોંકી ગયેલો. પૃથ્વીરાજ- મુબારક એક બીજાના મજાકીયા ગયેલા આગા ઉપર આ દ્રશ્ય- શ્રાવ્ય કાર્યક્રમની કાયમી અસર રહી ગઈ. ગાળો બોલવી એને ગમવામાંડી ને પછી તો ગાળો એની જીવનશૈલી થઈ ગઈ. નરગીસ એકવાર આવી ગાળો સાંભળીને નારાજ થઈ ગઈપણ મીના કુમારી કે માલા સિન્હાની ય આગા પરવાહ ન કરતો. એક માત્ર નૂતન હાજર હોયત્યારે આગાએ જીભડો સંભાળી રાખવો પડતો. નૂતન તાબડતોબ સ્ટુડિયો છોડીને નીકળી ગઈ ને હજાર મનામણાં અને આગાની માફી પછી નૂતન પાછી આવી.     

એવો જ બીજો કોમેડિયન વી.એચ.દેસાઈ હતો. આપણો પાક્કો ગુજરાતી. ફિલ્મ 'કિસ્મત'માં એ લોકોને બહુ ગમી ગયો. એ ગાળો તો નહોતો બોલતો પણ દર મિનિટે સંવાદો ભૂલી જતો. એકનું એક દ્રશ્ય શૂટ થયા પછી ફરી ફિલ્માવવું પડેએને 'રીટેકકહેવાય. દેસાઈ સાહેબને આવા રીટેક્સની વણઝારો ચાલતી. બે શબ્દોનો સંવાદ હોય તો ય દેસાઇ ભૂલી જાય.  

એક એક રીટેક ફિલ્મના નિર્માતાને ખૂબ મોંઘો પડે- ખાસ કરીને ફિલ્મની પટ્ટી વેડફાતી રહે. દેસાઇ પોતે પણ સમજતો પણ યાદશક્તિ એના હાથની- સોરીમગજની વાત નહોતી. અશોકકુમાર અને અગનજવાળાસમો લેખક સઆદત હસન મન્ટો વી.એચ.દેસાઈના જીગરી દોસ્તોપણ આમાં તો એ ય શું કરી શકે ? સ્વ. ગુજરાતી હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનાને હાઈટ-બોડી , ચહેરો અને બોલવાની સ્ટાઈલ દેસાઈને હૂબહૂ મળતા આવે. વી.એચ.દેસાઈ વલસાડ- નવસારી બાજુના અનાવિલ બ્રાહ્મણ હતા- અલબત્તઆ બાબતે હું શ્યૉર નથી !

તમે વિચાર કરો ૧૯૬૯માં આવેલી ફિલ્મ 'જવેલથીફ'માં પીઢ બંગાળી એકટ્રેસ પ્રોતિમાં દેવી દેવ આનંદની મા બને છેએજ પ્રોતિમા આ ૧૯૩૯માં બનેલી 'કંગન'માંય ઘરડી ડોસીનો રોલ કરે છે. સવાલ એ થાય કેનઝીર હૂસેનની માફક ઘણાં લોકો જન્મથી જ વૃધ્ધ કેમ હશે ? નાના પળશીકર( આ ફિલ્મમાં વૃધ્ધનો જ રોલ કરે છે) મનમોહન કૃષ્ણશિવરાજયાકુબમુબારકએસ.એન.બેનર્જી કે પહાડી સન્યાસ અને આ બાજુ લીલાલલિતા (પવાર) નિરૂપા રોયજીલ્લોબાઈ કે એવી ઘણી બધી ચરીત્ર- અભિનેત્રીઓ જન્મથીજ ઘરડી લાગતી હશે !( પાછા આ બધા રોતડાં..) યસ.જોવી ગમે એવી ચરીત્ર- અભિનેત્રીઓ પણ હતી. અચલા સચદેવસુલોચના લાતકરવીણા કે છેલ્લે છેલ્લે રિમા લાગૂ જોવા ગમતા.

ફિલ્મનું સંગીત સરસ્વતી દેવી નામની મૂળ પારસી ખુર્શિદ મીનોચર- હોમજીએ આ હિંદુ  નામ રાખવાનું કારણ એ હતું કેએ સમયના અત્યંત રૂઢિચુસ્ત પારસી સમુદાયને પોતાની કોઇ સ્ત્રી નાટક- સિનેમામાં કામ કરેતે મંજૂર નહોતું. એની બહેન માણેક મીનોચર હોમજી પણ શાસ્ત્રીય ગાયિકા હતી. હવે તો બધાને ખબર છે કેકિશોરકુમારેકોઈ હમદમ ન રહા... પૂરેપૂરું ગીત અને ધૂન સરસ્વતીદેવીની ફિલ્મ 'જીવનનૈયા'માંથી સીધી ઉઠાંતરી હતીજેની ક્રેડિટ કિશોરે આપી નહોતી. ફિલ્મના પરદા ઉપર આ ગીત દાદામોનીએ ગાયું હતું અને એમણે જ ટીવી- ઇન્ટવ્યૂમાં આ વાત જાહેર કરી હતી. ગુજરાતને તો ગર્વ થાય કેહિંદી ફિલ્મોની સર્વ પ્રથમ સ્ત્રી- સંગીતકાર એક ગુજરાતી હતી.

ઍનકાઉન્ટર : 20-05-2018

$
0
0

* વિધાનસભામાં ગાળાગાળી, છુટ્ટા હાથની મારામારી... ! શું શીખવાનું ?
-સામસામા ગોળીબાર કે છુટ્ટા હૅન્ડગ્રેનૅડ્સ ફેંકે, તો કાંઇ ટૅમ્પો આવે ! આટલામાં તો 'નવા છોકરાં'શું શીખે ?
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

*
તમારા મતે સુખી જીવનની વ્યાખ્યા શું ?
-
તમે ટીવી-ન્યૂસ ન જોતા હો, છાપાં ન વાંચતા હો, વૉટ્સઍપ ફાડફાડ કરતા ન હો કે ફૅસબૂક ખોલતા ન હો, એ સુખી જીવન.
(
શશીકાંત દેસલે, સુરત)

*
આ બધા બે કોડીના નેતાઓએ, ભારત મહાસત્તા બને એ માટે કાંઇ કાર્ય કર્યું છે ?
- '
મહાસત્તા'તો બહુ અઘરો શબ્દ પડશે.... એમને કેવળ 'ભારત'નો અર્થ તો પૂછી જુઓ !
(
મોહિત જનોડીયા, નડિયાદ)

*
મોરચા ઉપર રોજના આટઆટલા જવાનો શહીદ થાય છે.. મોદી કર્ણાટકમાં ફરે રાખે છે !
-
ઇ.સ. ૨૦૧૯ની ચુંટણીઓ પછી એમને પોતાને શહીદ થઇ જવું ન પડે, માટે આવા મામુલી પ્રવાસો તો કરવા પડે.
(
તેજસ હરિપ્રસાદ પંચાલ, અમદાવાદ)

*
ઇ.સ. ૨૦૧૯ની ચુંટણી કોણ જીતશે ?
-
જે જીતે, એમાં પ્રજાને કોઇ ફાયદો નથી.... હા, કૉમેડી જોવા મળશે. રાહુલબાબાએ તો અત્યારથી પોતાને વડાપ્રધાન માની લીધા છે... એ થાય (!) તો રોજ દેશમાં કેવી કૉમેડીઓ ઊભી થશે !
(
દર્શન સુતરીયા, સુરત) અને (ઋષિ વૈષ્ણવ, જામનગર)

*
ભારતની જ કંપનીઓ ભારતમાં કમાય, એવું સરકાર કેમ નથી કરતી ?
-
પહેલા પતંજલી, પછી શ્રીશ્રી... અને હવે રાહ જુઓ રાધેમા, રામરહીમ, આસારામ બાપૂની કંપનીમાં બનેલી બૅન્કો, રેલ્વેના પાટા બનાવતી કંપનીઓ, બુગાટી-ફેરારી જેવી કારો... આ પૂજનીય લોકો તો વિદેશથી નવા બાબાઓ કે માઓ પણ નહિ આવવા દે...
(
હેલી સુનિલ પટેલ, અમદાવાદ)

*
સ્ત્રી સ્ત્રીની જ દુશ્મન કેમ હોય છે ?
-
પુરૂષ સામી ચોપડાવી શક્તો નથી, માટે !
(
જીજ્ઞા દમા, ગાંધીનગર)

*
શ્રીદેવીએ દેશના એવા કયા કામો કર્યા હતા કે, એના પાર્થિવ દેહને તિરંગો ઓઢાડવો પડયો ?
-
એણે નહિ, દેશના બધા પક્ષોએ સાઉથની ચુંટણીઓમાં જંગી વૉટ શ્રીદેવીની 'આવી'વાહવાહીથી જ મળે, એવી પવિત્ર શ્રીદેવી... આઇ મીન, ભાવના રાખી હતી. એક પણ પક્ષે વિરોધ કર્યો ?
(
ભરતકુમાર ઠક્કર, વડોદરા)

*
તમને ખડખડાટ કોણ હસાવી શકે છે ?
-
કપિલ શર્મા, તારક મેહતા અને રાહુલ ગાંધી.
(
સીમા સુબંધુ ત્રિવેદી, અમદાવાદ)

*
હાઇ-વે પર દોડતી ગાડીઓ વિશે કાંઇ કહેશો ?
-
ગાડી ચલાવનારના હાથમાં બાજુમાં બેઠેલાઓની જીંદગી એના હાથમાં ગીરવે છે, એટલો ખ્યાલ એણે રાખવો.
(
રાકેશ ભાવસાર, ભરૂચ)

*
ચિદામ્બરમને હવે ઍરપૉર્ટની રૂ. ૧૩૫/-ની કૉફી મોંઘી લાગે છે..!
-
દેશને આખેઆખો ચિદુ મોંઘો પડયો છે !
(
મધુકર મેહતા, વિસનગર)

*
હવે ચાલુ ડ્રાઇવિંગે વાહન ચલાવનારાઓનું લાયસન્સ જપ્ત થશે...!
-
ફાંસીની સજા કેમ ન થાય ? આવો બેવકૂફ તો અનેકના જીવન દાવ પર લગાવે છે !
(
પ્રકૃતિ જયમલ શાહ, વડોદરા)

*
રોજ સરહદે આપણા આટલા જવાનો શહીદ થવા છતાં, આંતરરાષ્ટ્રીય ફલક પર છવાઇ જવા, મોદી મોંઢા પર કેવળ શાંતિભર્યું સ્માઇલ આપે છે... શાંતિનું 'નૉબેલ'લેવા માટે ?
-
જમ્મુ-કાશ્મિરની સરકાર સાથે હજી ભાજપે ભેટવાનું ચાલુ રાખ્યું છે... બીજું શું જોઇએ ?
(
અશોક જમોડ, જૂનાગઢ)

*
તમારે કોઇ બૅન્કમાં ઓળખાણ છે ? લોન લેવી છે. પાસપૉર્ટ તૈયાર છે...
-
શાહ અટક ના ચાલે... મોદી કે ચોક્સી કરાવો.
(
દેવાંગ આર. શાહ, ગોધરા)

*
તમે પીએમ હો તો પાકિસ્તાનને નાથવા શું કરો ?
-
અત્યારે જે કરૂં છું એ જ....! ''કાંઇ નહિ.''
(
કેતન મનુભાઇ મોદી, પાટણ)

*
તમને ખાખરા ભાવે કે પાસ્તા ?
-
એ કોણ ખવડાવે છે, એના ઉપર બધો આધાર છે.
(
આમરિન અને સલમાન, વડોદરા)

*
ભારતમાં અમેરિકા જેવી મૅડિક્લૅમની સરળતા ક્યારે શરૂ થશે ?
-
તે હશે, પણ એનો લાભ લેવા મરવા માટે અમેરિકા તો ન જવાય ને ?
(
સંકેત કે. વ્યાસ, બાલીસણા)

*
ફેબ્રુઆરીમાં ૨૮-દિવસ જ કેમ હોય છે ?
-
બે દહાડા પગાર વહેલો આવે, એ તમારાથી નથી ખમાતું ?
(
હિતેશ તળપદા, અલીણા-ખેડા)

* બધાને આટલો બધો પ્રેમ અંગ્રેજી ભાષા ઉપર રાખવાનું શું કારણ ?
-
છોકરાને ભણાવી-ગણાવીને પરદેશ મોકલવો હોય તો ની વાત છે.
(
રાજેશ ડી. લુખ્ખા, જૂનાગઢ)

*
આપના મત મુજબ હાલનો 'ભદ્રંભદ્ર'કોણ છે ?
-
કલ્પનાને બદલે 'પરિકલ્પના'કે 'સંકલ્પના'જેવા શબ્દો સાથે સાહિત્ય રચનાર બધા ભદ્રંભદ્રો છે.
(
અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ-તલોદ)

* અમારી સોસાયટીના વૃક્ષ પર બેઠેલી કોયલ રોજ ૪ વાગ્યામાં સતત ટહૂકે રાખે છે...ઉપાય ?
-
એ ટહૂકા રૅકૉર્ડ કરીને રોજ સવારે એની સામે વગાડો...સોસાયટીવાળાનું જે થવું હોય એ થાય !
(
દમન પુરોહિત, મુંબઇ)

ઉપવાસ એટલે કે...

$
0
0

કહે છે કે, ઉપવાસ કરવો, એ કોઈ નાની માના ખેલ નથી. સાંજ સુધીમાં તો મોંઢું લબૂક થઈ જાય છે. ભૂખો તો વાતવાતમાં લાગી જાય છે, તે એટલે સુધી કે, ગાડીમાંથી ઉતરીને ટ્રાફિક-પોલીસના ખભે બચકું ભરી આવવાના ઝનૂનો ઉપડે છે. ભૂખ્યો તો ગમે ત્યાં કરડી આવે. ન રહેવાય તો માણસ કરે શું ?

અરે, બધું કરે પણ ઉપવાસ ન કરે. ઉપવાસો ભલભલાને તોડી નાંખે છે, જીવતા જાગતા મનુષ્યને લાચાર બનાવી દે છે અને ખાસ તો, ઘરની બહાર નીકળ્યા પછી ખાવા-પીવાનું ક્યાંય જોયું ન હોય, એવી ભીખારી જેવા હાવભાવથી દિવસ કાઢે છે. લોકેશ ઉર્ફે લોકુને કહ્યું હશે કોક જ્યોતિષીએ કે, ૨૪-કલાકનો નકોરડો ઉપવાસ કરવો. ભ'ઇ તાનમાં આવી ગયા...'ઓહ...ઈસ મેં કૌન સી બડી બાત હૈ...!'કર લેંગે, યાર.'

બુદ્ધિશાળી માણસ કદી ઉપવાસ કરતો નથી, બીજા પાસે કરાવે છે. સ્માર્ટ મનુષ્ય ઉપવાસનો નિર્ણય ભરેલા પેટે લે છે, એ જ એની ભૂલ. પૂરા વિશ્વમાં ભૂખ્યા માણસે ઉપવાસનો નિર્ણય જાહેર કર્યાનું યાદ નથી... કર્યો હોય તો એ બેવકૂફ કહેવાય, સ્માર્ટ શેનો ? લોકેશ તો સ્માર્ટ-બેવકૂફ હતો એટલે ઉપવાસ જાહેર કરવાનો પણ લાલચ ખરી કે, વચમાં કોઇને ખબર ન પડે એમ કાંઇ ને કાંઇ ખાઇ લઇશું ? આપણે ત્યાં માણસ કરતા ઈશ્વરને ઉલ્લુ બનાવવાનું કિફાયત ભાવે પડે છે. લોકેશને તો આજે નકોરડો ખેંચવાનો હતો. નકોરડો એટલે ખાવા-બાવાનું કુચ્છ નહિ, પીવામાં એકલું પાણી જ...ડ્રિન્ક્સ-ફિન્ક્સ તો નહિ જ !

ઘરમાં ય બધાને ખબર કે આજે લોકેશે ઉપવાસ રાખ્યો છે, એટલે ભૂલમાં પણ એને નાસ્તા-પાણી અપાઇ ન જાય, એનું બધાએ ધ્યાન રાખવાનું હતું. સવારે તો ઉઠીને લોકેશે બન્ને ઊલટા હાથની આંગળીઓ એકબીજા સાથે ભરાવીને બન્ને હાથ ઉંચા કરીને આઆઆ...મોટ્ટું બગાસું ખાધું તો વાઇફ ખીજાણી, 'કાંય શરમ જેવું છે કે નંઈ ?'આજ તો તમારે નક્કોડો ઉપવાસ કરવાનો છે...।આમ બગાસાં ખાઇને ઉપવાસું તોડાતા હશે ?'

લોકેશને પોતાની ભૂલ સમજાઇ પણ ખાધેલું બગાસું પાછું ખેંચાય એમ નહોતું. તો ય સવાલ અકળાવનારો હતો કે, બ્રશ કરવા માટે ટુથપૅસ્ટ વાપરીએ, તો એ ઉપવાસ તૂટયો ગણાય કે નહિ ? એ બિચારાએ ધ્યાન રાખ્યું કે, ભલે બ્રશ કરે, પણ અજાણતામાં ય પૅસ્ટ ગળી જવાય નહિ ! ચૂસવા જાઓ તો ટુથપૅસ્ટ લાગે તો મીઠી, નહિ ? બપોર સુધી લોકેશને વાંધો આવ્યો નહિ, પણ ઑફિસમાં લંચ-બ્રૅક આવ્યો, ત્યારે મનમાં અને વધારે તો પેટમાં કચરપચર થવા માંડયું. સ્ટાફમાંથી ઘણા ટીફિન કે લંચ-બૉક્સ લઇને આવે, ને નફ્ફટો આપણા દેખતા ખાય, એ લોકેશને ગમ્યું નહિ. આપણે ફૂટપાથ પર સુતા હોઇએ ને સામે તાજમહલ બનતો હોય, એવા જીવો બળ્યા. એમ તો એક-બે જણાએ ફૉર્મલી કીધું પણ ખરૂં કે, 'આવો ને...થોડું થોડું શૅર કરો....વાઇફે મસ્ત ઢોકળાં બનાઇને મોકલ્યા છે...'

ઓહ, ઢોકળાં લોકેશની વીકનૅસ ! એમાં ય, તેલ ને ઢોકળાં તો એની સાસુને ય બહુ ભાવે. એક તો કકડીને ભૂખો લાગી હોય ને સામે બેઠું કોઇ તેલ નીતરતું ઢોકળું ખાતું હોય, એ તો શેં સહેવાય ? નહોતું સહેવાતું, પણ મજબુરીથી યાદ આવ્યું કે, આજે તો નકોરડો ખેંચવાનો છે. લોકેશને ઢોકળાંનો સૅક્સી મજાનો યલો-કલર અને ઉપર ભભરાવેલું લાલ મરચું અત્યારે બહુ તરસાવતું હતું.

ગુજરાતીઓ ઢોકળાં ઉપર તેલ ચોપડતા નથી, તેલની વાડકીમાં બોળી બોળીને ઢોકળાં ખાય છે...તેલના ટીપાં પડવા જોઇએ ! પંડયાએ નામ પૂરતી ઑફર કરી હતી કે, 'લેશો એકાદ પીસ...?'તો અત્યારે પંડયા એને પૂરી ઑફિસનો સૌથી વધુ વિવેકી માણસ લાગ્યો, એ જાણવા છતાં કે, 'મારૂં હાળું પંડયુ...અમથું બોલવા ખાતર જ બોલ્યું હતું કે, 'લેશો એકાદ પીસ...?'મનથી કીધું હોત તો કોઇ માણસ ના શેનો પાડી શકે ?

લંચ પછી કલાકમાં બધા માટે ચા-કૉફી આવે. સાથે ખારી પણ ખરી. હવે લોકેશ અકળાયો હતો. ભૂખનો એહસાસ પૂરજોશ થવા માંડયો હતો. આમ આપણે ચા ને ખારી રોજ ખાતા હોઇએ પણ ગુજરાતીઓ આગળ વાંકા વળી વળીને ખારીને ચામાં બોળીને ખાય, એ સહન કરવું જરા વધારે પડતું હતું. 'આવતી કાલે વહેલા ઉઠીને પહેલું કામ ચા ને ખારી બીસ્કીટ ખાવાનું કરવું છે... આ તો નથી રહેવાતું !''માંડ માંડ સાંજે છ વગાડયા ને એ છુટયો.

આમ એ ચોળાફળીનો જરા ય પ્રેમી નહિ, પણ ઑફિસથી નીકળતી વખતે એક લારીવાળાને ઊભેલો જોયો. મન લલચાયું, પણ થૅન્ક ગૉડ....લારીવાળો નવરો ઊભો ઊભો કાનમાં સ્ક્રૂ-ડ્રાયવરની જેમ ટચલી આંગળી ફેરવતો હતો, એ આનાથી ન જોવાયું. છીઇઇ...લોકુએ અકળાઇને કાર આગળ જવા દીધી.

ભૂખ હવે સટાસટ તમાચા ચોડી રહી હતી. શેના આ બધા ઉપવાસો કરવાના હોય ને બૉ'ન પૈણાવવા ગયો ઉપવાસ, યાર ! ભૂખ્યા રહીને સાબિત શું કરવાનું ? જરાક અમથી ચીઝ-ચીપિયા સૅન્ડવિચ ખાઇ લેવાથી ક્યા મોટા પાપ નોંધાઇ જવાના છે ? અફ કૉર્સ, સંયમ નડતો હતો, પણ પાપી પેટને ખાતર તોડવા પડે તો એવા સંયમો તોડવાના, યાર...! એમાં ય ચાર રસ્તે પાણી-પુરીવાળાને જોયો. સાલો કન્ટ્રોલ રાખી રાખીને માણસ કેટલો રાખે ? એણે ગાડી સાઈડમાં લીધી. જાણે ચોરી કરવા નીકળ્યો હોય ને કોઇ જોઇ ન જાય એનું ધ્યાન રાખીને ઉતર્યો. પકોડીવાળા પાસે પહોંચી ગયો. જગત આખામાં ચીનાઓને બાદ કરતા કોઇ માણસ પેદા થયો નહિ હોય, જેના મ્હોંમાં પાણી-પુરી જોઇને પાણી ન આવે ! સુઉં કિયો છો ? એમાં ય લોકુને હવે તો ઊંચી-બ્રાન્ડની ભૂખો લાગી હતી. રોડ ઉપર સાયકલના ટાયરનો ટુકડો પડયો હોત તો એ ય ખાઇ જાત. એને બદલે પોતાની ફૅવરિટ પકોડી આંખ અને જીભ સામે પડી હતી. 'મીસ વર્લ્ડો'ની માફક લોકુને લલચાવતી હતી ...એક તો ભૂખ અને બીજી ધી મોસ્ટ ફૅવરીટ પકોડી-મસાલાવાળી ! જીભને કાબુમાં રખાય, પણ મનને કેમ કરીને રાખવું, દીનાનાથ ? (સુધારો : જીભને ય શેની કાબુમાં રખાય...આ કાંઇ ગાળો બોલવાની છે, તે એને કાબુમાં રાખવી પડે ? પાપી પેટને ખાતર તો માણસ ચોરીચપાટીએ ચઢી જાય છે...શું કરવા કાબુ-બાબુમાં રખાય ? સુધારો પૂરો) લોકેશ હચમચી ગયો. એની પાસે હચમચવા માટે હાર્ડલી દોઢેક સેકંડ હતી. નિર્ણય તાબડતોબ લઇ લેવાનો હતો, પાણી-પુરી ખાવી કે ઉપવાસનું સન્માન કરવું ? ''ભૈયાજી...જરા...આલુ ઔર કાંદા જ્યાદા ડાલના...થોડી-''અને અચાનક લોકુએ રાજીનામું આપી દીધું. 'નહિ લોકેશ નહિ...તારો સંયમ ક્યાં ગયો...તું આટલો બધો ઢીલો...હવે તો બસ, રાત જ કાઢવાની છે...અટકી જા લોકેશ...તું અટકી જા...'મોંઢું તો વિલાઇ ગયું પણ એણે કદમ પાછા ખેંચી લીધા. 'ઓહ....હું કેવું પાપ કરવા જઇ રહ્યો હતો..આટલો કન્ટ્રોલ ન રહે ? શીટ...!'સાંજે ઘેર આવ્યો, ત્યારે સ્માર્ટ વાઇફે જાણી જોઇને એના વહાલા લોકુને સહેજ પણ નથી ભાવતા, એ પાઉં-ભાજી બનાવ્યા હતા, જેથી એનું મન લલચાઇ ન જાય. લોકેશને બ્રેડની કોઇ આઇટમ ન ભાવે અને એમાં ય 'પાંવ-ભાજી....માય ફૂટ ! અડું પણ નહિ.'આમ તો સીમુ રોજ ભંગાર રસોઇ બનાવી બનાવીને લોકેશને ભૂખ્યો મારતી હતી..આજે લોકુ એના 'પાપે'ભૂખ્યો રહેવાનો હતો...તમામ તહોમતોમાંથી સીમુ આજે નિર્દોષ જાહેર થવાની હતી.

''સીમુ...જો ને કાંઇ...સવારનું પડયું છે ?''લોકુએ લાચારીથી કિચનમાં જોઇને સીમાને પૂછ્યું. ''ઓહ ન્નો.....આજે તો મારે ઉપવાસ છે....અઅઅઅ...બાય ધ વે, શું બનાવ્યું છે આજે ?...ઓકે, પાંવ-ભાજી છે...થૅન્ક ગૉડ....હું તો અડું પણ નહિ....પ...પ...પણ સીમુ, એકાદ બાઇટ લેવામાં ઉપવાસ તૂટી જાય ખરો ?''તાબડતોબ ઘરના બધા ભેગા મળીને ધસી આવ્યા, ''પાપા, આટલે સુધી દબાવી રાખ્યું છે તો હવે થોડા માટે શું કામ તોડો છો ?....કાંઇક મેળવવા માટે કાંઇક ગૂમાવવું પડે છે, પાપા. પ્લીઝ...ડૉન્ટ લૂઝ ! સવારે સૂર્યોદય સુધી તો ખેંચવાનું છે... પછી તમારે જે ખાવું હોય એ ખાજો ને....!''

રોજ રાત્રે મોડામાં મોડો ૧૧-૧૨ વાગે સૂઇ જનારો લોકેશ અડધી રાત્રે કિચનના પ્લૅટફોર્મ પર લાંબો થઇને સુતો હતો, પણ એ સુતો હતો...ઊંઘતો નહોતો. ત્યાં તો પડખાં બદલાય એટલી જગ્યા ય ન હોય, પણ કિચનના કબાટોમાંથી બધી સુગંધો તડપાવી તડપાવીને મારી નાંખે એવી હતી. બારીમાંથી તો એ બબ્બે મિનિટે જોયા કરતો હતો કે, સૂરજ ઊગ્યો કે નહિ.

ગમે તેવી ઓળખાણો હોય તો ય સૂરજ કાંઇ રાત્રે ત્રણ વાગે ન ઊગે....આ તો એક વાત થાય છે. તડપ વધતી જતી હતી ને ભૂખ મારી નાંખતી હતી. ફેંકી ફેંકીને કિચનના બધા કબાટોમાંથી નાસ્તા ફર્શ પર ઢોળાયે જતા હતા, એમાંથી પૉપ-કૉર્નનો એકાદ દાણો ય ઉઠાવીને મોંઢામાં મૂકી દેવાની ગજબનાક ઈચ્છાઓ થઇ...પણ કન્ટ્રોલ કામ કરી ગયો...

પેટના પાપે ભૂખ્યા મરવું એના કરતા જે થવું હોય એ થાય, એ નિર્ણય લઇનેલોકેશે ન છુટકે ફ્રીજમાંથી દૂધની તપેલી કાઢી.....ગૅસ પર ગરમ કરવા મૂક્યું અને મેથીના થેપલાં ઉપર ઘી ચોપડીને સીધા બચકાં ભરવા માંડયો....પલભરમાં તો એ આઠ-દસ થેપલાં તો એમને એમ ચાવી ગયો...

બધું પતી ગયા પછી પસ્તાવો થયો. ''ઓહ માય ગૉડ....આટલું ખેંચ્યું... ને આટલા માટે તોડયું ?''એ અચાનક નર્વસ થઇ ગયો. પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો...

પણ, ચિંતા કરવા જેવું નહોતું. કિચનની બારીમાંથી બહાર જોવાનું એ છેલ્લા કલાકથી ભૂલી ગયો હતો...સૂરજ તો ક્યારનો-એના નાસ્તા પહેલાનો ઊગી ગયો હતો !

સિક્સર
-
ઓહ...આ લિફટ લૅફટ-હૅન્ડ ડ્રાઇવ છે ને....? ઓહ, પ્લીઝ...જરા આઠમા માળે શૉર્ટ-કટથી લઇ લો ને ! મારે બહુ મોડું થાય છે...

બંધન (૪૦)

$
0
0

ફિલ્મ : બંધન (૪૦)
નિર્માતા : શશધર મુકર્જી (બૉમ્બે ટૉકીઝ)
દિગ્દર્શક : એન.આર. આચાર્ય
સંગીતકારો : સરસ્વતિદેવી-રામચંદ્ર પાલ
ગીતકાર : કવિ પ્રદીપજી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ-૧૫૬-મિનિટ્સ
કલાકારો : અશોક કુમાર, લીલા ચીટણીસ, પી.એફ. પીઠાવાલા, વી. ઍચ. દેસાઈ, શાહનવાઝ, સુરેશ, પૂર્ણિમા દેસાઇ, જગન્નાથ, અરૂણ કુમાર.

ગીતો
૧. ચને જોર ગરમ બાબુ મૈં લાયા મજેદાર.....    અરૂણ કુમાર
૨. મનભાવન મનભાવન, લો સાવન આયા રે.....    લીલા ચીટણીસ
 
૩.ચલ ચલ રે નૌજવાન, કહેના મેરા માન.....    સુરેશ
૪.અપને ભૈયા કો નાચ નચાઉંગી.....     લીલા ચીટણીસ-સુરેશ
૫.કૈસે છીપોગે, કૈસે છીપોગે, ઓ સલોને સાજના.....લીલા ચીટણીસ
૬.ચલ ચલ રે નૌજવાન, ચલો સંગ.....અશોક કુમાર-લીલા ચીટણીસ
૭.હમ તો અલબેલે મજદૂર, ગજબ હમારી જાદુગરી.....પ્રદીપજી-કોરસ
૮.ચલ ચલ રે નૌજવાન, કહેના મેરા માન.....અશોક કુમાર-સુરેશ
૯. રૂક ન સકો તો જાઓ, તુમ જાઓ, એક મગર.....અરૂણ કુમાર
૧૦.ચલ ચલ રે નૌજવાન, ચલ ચલ રે નૌજવાન.....અશોક કુમાર-કોરસ
૧૧. ચને જોર ગરમ બાબુ મૈં લાયા મજેદાર ચને જોર.....અરૂણ કુમાર

'ફિલ્મ ઇન્ડિયા'લખનાર કે વાંચનાર તો એ વખતે કોઇ જન્મ્યું પણ નહિ હોય ! (મારી ખબર છે... હું નહોતો જન્મ્યો !- માહિતી પૂરી) એ વખતે એટલે ૧૯૪૦-ની આસપાસના ગાળામાં. આઇ મીન, જન્મ્યા તો ઘણા હોય, પણ આ ફિલ્મ પણ જોઇ હોય ને આ લેખ પણ વાંચતા હોય, એવું કદાચ ન બને ! ફિલ્મના હીરો અશોક કુમાર અને હીરોઇન લીલા ચીટણીસ પોતે જ અનુક્રમે ૨૯ અને ૨૮-વર્ષની ઉંમરોના હતા (અને બંને... મિનિમમ... ૪૫-૫૦ના તો એ વખતે ય લાગતા હતા !) મારી ઉંમરના નવજવાનોને પહેલા તો એ માનવામાં નહિ આવે કે, લીલા ચીટણીસ હીરોઇન હતી, બોલો ! કારણ કે, આપણે ફિલ્મો જોતા થયા ત્યારે લીલાબાઇ ઑલરેડી મા કે દાદીમાના રોલ કરવા માંડી હતી. આપણે ઘણી વાર કહ્યું કે, કેટલાક ફિલ્મવાળાઓ તો (એમના) જનમથી બુઢ્ઢા લાગતા હશે ! એ કદી જવાન થયા જ નહિ હોય ? આપણી ફિલ્મોમાં તો આવી સૉસાયટીના સભ્યોનો ખજાનો પડયો છે. નાના પળશીકર, મનમોહન કૃષ્ણ, શિવરાજ, કૃષ્ણકાંત, બ્રહ્મ ભારદ્વાજ, લલિતા પવાર, લીલા ચીટણીસ, નિરૂપા રૉયએ.કે. હંગલ, મદન પુરી... અરે, હજી બીજા વીસ-પચીસ નામો બાકી છે... આપણે ક્યાં વસ્તીગણત્રી-પત્રક લઇને આ લેખ વાંચવા બેઠા છીએ ! આ તો એક વાત થાય છે.

પારંપરિક સુંદરતા એટલે કે ટ્રેડિશનલી હૅન્ડસમમાં તો દાદામોનીને ય ન મૂકાય. નેહરૂ બ્રીજના ઢાળ જેવું ઢળતું કપાળ, બંને નેણો લમણા સુધી ખેંચાયેલી, જડબું 'ચીઝલ'આકારનું...એટલે કેવું...??? યસ, આપણી ગાડીમાં ડ્રાયવરની સીટ સામે પાછળ જોવાનો અરીસો નથી હોતો ? બસ, એના નીચેના બંને કૉર્નરો પહોળા થતા હોય એવો ! મોટર-બાઇક પર ઍક્સપ્રેસ-હાઇવે જેવું જોર બતાવીને રમરમાટ જતા હો ને સૂસવાટા મારતો પવન તમારા પહેલા તમારા વાળ સીધા કરી નાંખે, એવું ઊભું માથું ઓળ્યું હોય.

એની ઉપર સાગર કી લહેરેં જેવા વાંકડીયા વાળ તો જુદા ! જોવો ગમે જ રાખે એવો ચેહરો તો બાય ઑલ મીન્સ હતો, પણ ચેહરાની સુંદરતા આપણા શશી કપૂર કે દેવ આનંદો જેવી ન લાગે ! દાદામોની અઢારે મેદાન મારી ગયા હોય તો એમની અનપૅરેલલ-ઍક્ટિંગને કારણે ! એ જ લિમિટેડ ચેહરા ઉપર એ છવ્વીસ લાખ હાવભાવ લાવી શક્તા... (વધારે લખાઇ ગયું હોય તો મહીંથી દોઢેક લાખ ઓછા કરી નાંખવા !) એમના જેવું નૅચરલ ખડખડાટ હસતા તો એક ય હીરોને જોયો નથી. ગુસ્સામાં સિગારેટ ફર્શ પર પછાડે, એમાં આપણે ચારેક મિનિટ સિનેમાની બહાર (ત્યાં...) જઇ આવીએ કે, આપણને તો નહિ કહેતા હોય ને ? દાદામોનીના ડરથી 'ત્યાં'ગયા પછી આપણી કોઇ મેહનત કે આવડત વગર 'થઇ જાય...!'સુઉં કિયો છો ?

બસ. અભિવ્યક્તિમાં દાદામોની તમામ રાજ કપૂરો, દિલીપ કુમારો કે દેવ આનંદો કરતા જોજનો આગળ નીકળી ગયા. અહીં સરખામણી નથી થઇ રહી. એક દાદામોની ને બીજા અમિતાભ બચ્ચનને એટલી બધી વૅરાયટીના કિરદારો કરવા મળ્યા છે કે, ફિલ્મોમાં ભજવાયેલું કોઇ પાત્ર એવું નહિ હોય જે આ બંનેએ ભજવ્યું ન હોય ! રાજ, દિલીપ કે દેવને ફિલ્મોના કિરદારોમાં બહુ વિવિધતા નથી મળી.

અને તો ય, કમ્પૅરિઝન કરવા જ બેઠા છીએ તો બચ્ચનને આગળ મૂકવો પડે, દેખાવ, અવાજ અને પર્સનાલિટીમાં પણ ! 'ચીની કમ', 'પા'કે 'વઝિર', 'શરાબી'જેવા કેવા નોખા નોખા રોલ બચ્ચને કર્યા છે !... પેલા લોકોએ મોટા ભાગે પ્રેમલા-પ્રેમલીના રોલ જ કર્યા. દાદામોનીએ હીરો, વિલન, ચરીત્ર-અભિનેતાથી માંડીને એમની પહેલી જ સફળ ફિલ્મ 'કિસ્મત'માં તો ઍન્ટી-હીરોનો રોલ સ્વીકારીને એ જમાનામાં હડકંપ મચાવી દીધો હતો કે, સારા ઘરનો હીરો- ભલે ફિલ્મ પરદા ઉપર ય ચોર ઉચક્કાનું કામ કરે ?

પણ દાદામોની ફિલ્મોમાં આવ્યા ત્યારે એક્ટિંગ કે 'અશોક'નો ''ય નહોતો આવડતો. દેવિકા રાનીએ પૂરેપૂરા ઠમઠોરીને દાદાને મોની બનાવ્યા. (બંગાળી ઉચ્ચારો પહોળા હોવાને લીધે 'મણી'નો ઉચ્ચારી 'મોની'થાય !) બસ, પ્રારંભની આઠ-દસ ફિલ્મો જવા દઇએ તો ફિલ્મ 'કિસ્મત'થી એ સુપર હીરો તરીકે બહાર આવ્યા. એમણે પ્રેમી કરતા નિષ્ફળ પ્રેમીના રોલ વધારે કર્યા. કપડાં તદ્દન સાદા, એટલે જુઓ ને... કાંડાના બટનો બંધ અને બુશ-શર્ટ ઇન્સર્ટ કર્યા વિનાનો. આજની ફિલ્મ 'બંધન'માં તો એ સમયની તાસિર પ્રમાણે એમણે ધોતીયું અને બાંડીયા જેવા શર્ટ કે ઝભ્ભા પહેર્યા છે.

પણ એક વાર 'ફિલ્મ'જોવા સિનેમા હૉલમાં ઘુસ્યા, એટલે દાદામોની ગમવાના જ. દિલીપ કુમારની જેમ સ્ક્રીન પર આવતા જ છવાઇ જાય. એમનો સાહજીક અભિનય, સંવાદો બોલવાની ઢબ, કાંઇ પણ ન બોલ્યા વિના કોઇની તરફ અમથું જોવું... આ બધામાં પ્રેક્ષકો કન્વિન્સ થઇ જતા કે 'સાલું... એમની જેવું આટલું ખસતા ય આપણને ન આવડે...!'

નહિ તો આજની ફિલ્મ 'બંધન'કોઇ ગ્રેટ ફિલ્મ નહોતી. લીલા ચીટણીસને એ '૩૦ કે '૪૦ના દાયકાની ફિલ્મ પૂરતી સારી ગણવાની હતી. બંને વચ્ચે બરોબરી તો કોઇ હતી જ નહિ. એ ભરજુવાનીમાં ય લીલા ખભેથી જરાક અમથી સંકેલાઇ ગઇ હતી. આવો ને, આપણે સીધી ફિલ્મની વાર્તાની જ વાત કરીએ :

સ્વતંત્રતા પહેલાના ગ્રામ્ય ભારતના એક નાનકડા ગામમાં હૅડમાસ્તર (અશોક કુમાર) અત્યંત લોકપ્રિય છે. સ્કૂલ ગામના જમીનદાર (પી.એફ. પીઠાવાલા)ની માલિકીની છે. એમની દીકરી લીલા ચીટણીસ અશોક કુમારના પ્રેમમાં છે, પણ જમીનદારનો દોસ્ત હોવાના બનાવટ કરતા જગન્નાથને લાલચ એના ઇંગ્લિશ-તહેઝીબથી કપડાં પહેરતા નાલાયક દીકરા (શાહનવાઝ)ને લીલા સાથે પરણાવીને સારી જમીન હડપ કરી લેવી છે. સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તરની નોકરી કરતા કૉમેડિયન વી.ઍચ. દેસાઇની દીકરી મીરા ઉપર શાહનવાઝની નજર બગડે છે.

એણે નજરો બગાડવાનો કૉર્સ કરેલો હોવાથી પહેલી જાળ લીલાબાઈ માટે નાંખી જુએ છે. નવાઝ પરદેશથી આવ્યો હોવાથી... પેલું ખાડીયાની ભાષામાં કહીએ તો, 'વહેમો બહુ મારતો હોય છે...! ઘરમાં ય બારેમાસ થ્રી-પીસ શૂટ-ટાઇ પહેરતો હોવાથી આ બધા ટુણિયાતોને તો એ 'દેસી'ગણે છે, અશોક કુમારને ખાસ, કારણ કે લીલા અશોકને પ્રેમ કરે છે. એ બંનેને છુટા પાડવા નવાઝ મીરાને એક ખાલી બંગલામાં લઇ જઇને મારે છે, એમાં વધુ વાગી જાય છે ને મીરા બેભાન (અથવા) મરી જાય છે. વિલન છટકું એવું ગોઠવે છે કે, મીરાની હત્યાનો દોષ હેડમાસ્તર ઉપર આવે અને એને જૅલ જવું પડે છે.

એ જ ઘડીએ શાહનવાઝ અને તેના બદમાશ બાપા તાબડતોબ લગ્ન કરાવી નાંખવાની ઉતાવળ કરે છે, પરંતુ ભારત દેશમાં આજ સુધી આવેલી બે-લાખ, બૉંતેર-હજાર છસ્સોને પિંચીયાશી ફિલ્મોમાં હીરોઇન તો આખરે હીરોને જ મળે, એવી વ્યવસ્થા બસ, આધાર-કાર્ડમાં કરાવવાની બાકી છે. વિલન શાહનવાઝ અશોક કુમારને જૅલ ભેગો કરી દે છે, પણ આ બાજુ વિલન અને હીરોઇનના લગ્નની છેલ્લી ઘડી બાકી હોય છે ત્યાં કૉમેડિયન દેસાઇ વિલનનો ભાંડો ફોડી હીરોને બચાવે છે. પ્રેમી પંખીડાઓ વચ્ચેનું સામાજીક બંધન તૂટે છે અને લગ્નનું બંધન શરૂ થાય છે.

બૉમ્બે ટૉકીઝ અને કલકત્તાના ન્યુ થીયૅટર્સ વચ્ચેની સંસ્કારી હરિફાઇ છતાં સંગીતને મામલે કલકત્તાની ફિલ્મો વધુ સફળ હતી. મુંબઇની ફિલ્મોમાં ગીત-સંગીત મોટા ભાગે સામાન્ય રહેતા. આ ફિલ્મના બે-ત્રણ ગીતો તો નાનપણમાં અમને ય આવડતા, રૂક ન સકો તો જાઓ,''ચલ ચલ રે નૌજવાન,'અને 'પિયુ પિયુ બોલ. પ્રાણ પપિહા પિયુ પિયુ બોલ...'સમજણા થયા ત્યારના યાદ છે.

ન્યુ થીયેટર્સમાં ધી ગ્રેટ સાયગલ અને પંકજ મલિક જેવા ધૂરંધરો હતા. અહીં તો સાયગલની કૉમ્પીટીશનમાં સુરેન્દ્રનાથથી કામ ચલાવવું પડતું, જેને માટે તો ત્યાંના ઍક્ટર-ગાયક પહાડી સાન્યાલ જ કાફી હતા. આ જ ફિલ્મ 'બંધન'માં અશોક-લીલા તો ઠીક, સુરેશ પાસે ગવડાવવું પડયું. એ વખતે સુરેશ કિશોરાવસ્થામાં  હતો.

આ સુરેશ એટલે જેના ઉપર ફિલ્મ 'દુલારી'નું મુહમ્મદ રફીનું અપ્રતિમ ગીત 'સુહાની રાત ઢલ ચૂકી...'ફિલ્માયું હતું. જન્મે મુસલમાન સુરેશ (નસિમ એહમદ) દેવ આનંદ-વૈજ્યંતિમાલાની ફિલ્મ 'દુનિયા'માં પણ હતો. એમ કહેવાય છે કે, સુરેશ હોમોસૅક્સ્યુઅલ હતો અને 'દુલારી'ના જ સૅટ પર મૅક-અપ રૂમમાં ખુદ મધુબાલા એને આવી દશામાં જોઇ ગઇ હતી અને પછી ક્યારેય સુરેશ સાથે કામ કર્યું નહોતું. હિંદી ફિલ્મોમાં હીરોઇનો માટે 'કાસ્ટિંગ-કાઉચ'નિયમિત થતું રહે છે, પણ હવે હીરો બનવા ચૉકલેટી ચેહરો લઇને આવતા સારા ઘરના નવા હીરોને પણ આ ગંદકીનો ભોગ બનવું પડે છે.

અલબત્ત, એ જમાનાના લગભગ બધા મુસલમાન ફિલ્મ કલાકારો અહીં થોડા ઘણા સફળ થાય, પછી ભારતને ગાળો દેતા દેતા પાકિસ્તાન જતા રહે... અને ત્યાં મૃત્યુ પામેલાઓને બાદ કરતા લગભગ બધાને, ત્યાં બે-ત્રણ વર્ષ કાઢીને ભારત પાછા આવતા રહેવું પડયું છે અને કહેવું પડયું છે કે, 'ભારત જેવો કોઇ દેશ નથી. પાકિસ્તાનના મુસલમાનો ભારતથી આવેલા મુસલમાનોને જ હડધૂત કરતા હોવાના બળાપા આ લોકોએ કાઢ્યા છે, જેમાં મોટું નામ શેખ મુખ્તારનું હતું.

છ ફૂટ ઉપરની હાઇટવાળો આ કદરૂપો હીરો અહીં મારધાડની ફિલ્મોમાં નામ અને પૈસા કમાયો, છતાં ભારતને ભાંડતો ભાંડતો પાકિસ્તાન જતો રહ્યો...છેવટે, 'બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...'ના ન્યાયે ભ'ઇ એ બેહાલી અને હડધૂતીયામાં મરતા પહેલાં સ્વીકાર્યું કે, ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા એક મિસાલ છે, પાકિસ્તાનમાં તો નામની પણ નહિ. ભારતનો મુસલમાન પાકિસ્તાનના મુસલમાન કરતા સુખી અને સલામત છે. એની વે, 'બંધન'જોશો તો કંટાળો તો નહિ આવે.... દાદામોનીને કારણે ગમશે ય ખરૂં..

ઍનકાઉન્ટર : 27-05-2018

$
0
0

* તમને હાસ્યલેખોની પ્રેરણા ક્યાંથી મળે છે?
- હમણાં ઘણા વખતથી પ્રેરણા મળી નથી... મળે તો છૂટક છૂટક મળે!
(
અશોક દિ. જોશી, વડોદરા)

* જનરલ નૉલેજનાં પુસ્તકોનું વેચાણ આટલું બધું શાથી?
- મેં તપાસી જોયું. આ માહિતી જનરલ નૉલેજના એકે ય પુસ્તકમાં ન મળી.
(
રીયા પી. જોષી, તલોદ)

* માની લો કે, નરેન્દ્ર મોદી 'ઍનકાઉન્ટર'માં સવાલ તો પૂછે, પણ સરનામું ફોન નં. લખવાનું ભૂલી જાય તો એમને ય જવાબ ન મળે?
- એ પૂછે ત્યારે હું મારું નામ- સરનામું ય ભૂલી જઉં છું.
(
ખુશ્બુ માલવ મારૂ, રાજકોટ)

* મારો દોસ્ત મલયાલમ ભાષામાં સવાલ પૂછવા માંગે છે. પૂછી શકે?
- ગુજરાતીમાં તોતડાય છે...?
(
વંદિત નાણાવટી, રાજકોટ)

* આટલી ગરમીમાં લાઇટો જાય તો પંખો ચાલુ કરવા તમે શું કરો?
- બધા ગુજરાતીઓની જેમ બેવકૂફ સવાલ પૂછું, ''આપણા એકલાની ગઇ છે કે બધે..??''
(
અલી અસગર, સાઇગર, માંડવી- કચ્છ)

* જન્મદાતા મા- બાપને અગ્નિસંસ્કાર પુત્ર દ્વારા જ કેમ આપવામાં આવે છે?
- બીજા બધાને તો કામધંધા હોય કે નહિ?
(
શાહ ઓચ્છવલાલ મૂળજીભાઈ, કરીઆવી)

* મોદીએ  મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું, તે ઘટતી કેમ નથી?
- તમે રાહુલજીના સગામાં થાઓ છો?
(
કામિની પરમાર, ગલતેશ્વર)

* સોહરાબ મોદી અને નરેન્દ્ર મોદીમાં કોઈ સમાનતા ખરી?
- અશોક કુમાર અને અશોક દવે જેટલી.
(
સી.કે. પટેલ, રાજકોટ)

* ગુજરાતની દારૂબંધી અંગે શું માનો છો?
- દારૂબંધી ખાતાના પ્રધાનશ્રીને હું પિતાતુલ્ય ગણું છું.
(
યશપાલસિંહ વાઘેલા, થરા- કાંકરેજ)

* શું બળાત્કારની પ્રેરણા ફિલ્મોને લીધે મળે છે?
- ફિલ્મો તો હું ને તમે ય જોઇએ છીએ...!
(
હસમુખ વેદલીયા, ડીસા)

* સારી કન્યાને સુકન્યા કહેવાય તો સારા વરને શું કહેવાય?
- તમે સુવર છો?
(
રોહિત બી. જોશી, ખંભાત)

* સલમાન ખાન કેસમાં ભીનું સંકેલાયું?
- એણે દેશ માટે ઉપયોગી કામો ય ઘણાં કર્યાં છે.
(
વિસનજી ઠક્કર, મુંબઈ)

* રાહુલબાબાને નરેન્દ્ર મોદી ઉપરાંત કંઈ આવડે છે?
- ઉપરાંત તો શીખવા જેવું ય શું છે? એટલું શીખે તો ય કાફી છે.
(
ડૉ. દિનેશ પાઠક, અમદાવાદ)

* બબિતાજી અને જેઠાલાલ પોતાના પ્રેમનો એકરાર ક્યારે કરશે?
- પોપટલાલ પરણશે ત્યારે.
(
મહેશ એમ. મહેરીયા, અમદાવાદ)

* શું આપના ઍકાઉન્ટમાં રૂ. ૧૫- લાખ જમા થયા?
- કોઈના બેન્ક એકાઉન્ટ વિશે કદી પુછાય નહિ.
(
ભાવુભા ઝાલા, ભાવનગર)

* હું પૉસ્ટમેન છું. આવી કાળઝાળ ગરમીમાં 'કૂલ'રહેવાનો કોઈ ઉપાય?
- લોકોને કહી દો, ટપાલ તમારા ઘેર આવીને લઈ જાય.
(
લખમણ પંપાણીયા, લોઢવા- ગીરસોમનાથ)

* શું માનવજીવન અશુધ્ધ થઈ ગયું છે?
- એટલે તો કહું છું... બહારનું ખાવાનું બંધ કરો! ...પીવાનું પણ નહિ!
(
નૂર મુહમ્મદ ઈબ્રાહિમ, મુંબઈ)

* ગુસ્સામાં તમે કોઈનું અપમાન કરી બેસો, પણ વાસ્તવિકતા સમજાતાં 'સૉરી'કહો ખરા?
- હું તો કોઈ વગર ગુસ્સે મારું અપમાન કરે, એને ય 'સૉરીઓ'કહેતો ફરૂં છું.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* 'કાગડો દહીંથરું લઈ ગયો,'એ વિધાન ડિમ્પલ કાપડીયા- રાજેશ ખન્નાના સંદર્ભમાં તમને ગમે?
- રાજેશ ખન્ના હંસ હતો... અને મારે ક્યાં કન્યાદાન કરવાનું હતું, તે મને ગમે કે ન ગમે?
(
દિનેશગીરી ગોસ્વામી, પોરબંદર)

* સાંભળ્યું છે, તમે ગુજરાતના ગામેગામની છોકરીઓના પ્રેમમાં પડી ચૂક્યા છો!
- ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા...
(
કજરી સુરેન્દ્ર મેહતા, રાજકોટ)

* સગા હોય તે વહાલાં... કે વહાલા હોય તે સગાં નથી હોતાં... કેમ?
- સગાં બનવામાં વિજ્ઞાાનની જરૂર પડે.
(
નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* 'ઊલટા ચશ્મા'ના એકે ય પાત્રની સાસુ દેખાતી નથી...
- સમગ્ર ભારતના તમે પહેલા પુત્ર છો, જે હીરોઇનોને પડતી મૂકીને સાસુઓ ગોતવા નીકળ્યા છો...
(
જે.જે. લાખાણી, મુંબઈ)

* શ્રી શંકરાચાર્ય દેવ થયા ત્યારે કોઈ મોટી ઘટના ન ગણાઇ... ને શ્રીદેવી માટે આટલું બધું?
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને સાઉથનું વધારે ધ્યાન રાખવું પડે એમ છે.
(
રોહિત આઈ. દવે, હાલોલ)

* જીવન સાર્થક થયું ક્યારે કહેવાય?
- બોલો... હવે ખુશ ને?
(
ઝંખના અંધારીયા, ભાવનગર)

* વિજય માલ્યા જેવા હજી કેટલા મગરમચ્છ બાકી છે?
- મારું નામ તો ગણતા જ નહિ... (આપણે સમજી લઈશું!)
(
મણીલાલ પારેખ, રાજકોટ)

* આપના મત મુજબ હાલનો 'ભદ્રંભદ્ર'કોણ છે ?
- કલ્પનાને બદલે 'પરિકલ્પના'કે 'સંકલ્પના'જેવા શબ્દો સાથે સાહિત્ય રચનાર બધા ભદ્રંભદ્રો છે.
(
અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ- તલોદ)

* અમારી સોસાયટીના વૃક્ષ પર બેઠેલી કોયલ રોજ ૪ વાગ્યામાં સતત ટહૂકે રાખે છે...ઉપાય ?
-  એ ટહૂકા રૅકૉર્ડ કરીને રોજ સવારે એની સામે વગાડો...સોસાયટીવાળાનું જે થવું હોય એ થાય !
(
દમન પુરોહિત, મુંબઇ)

કૂતરૂં કઈડયું...

$
0
0

'વાઉ...તમને કૂતરૂં કઇડયું...? હ...હાહાહા...એ ચોક્કસ 'બુધવારની બપોરે'વાંચતું હશે...હાહાહાહા...!'આવું પાછું મારી પાસેથી તાળી લઇને એમણે પૂછ્યું...

'ના. કૂતરાઓ જ 'બુધવારની બપોરે'નથી વાંચતા...!'

'તમને કૂતરૂં કઇડયું...?'ના ત્રણે શબ્દો ઉપર લોકોએ જુદો જુદો ભાર મૂકીને પોતાની મસ્તી મુજબ મને કૂતરાં કરતા વધારે અકળાવ્યો હતો. આજકાલના ફાટલા જીન્સ જેવો પગે આટલો મોટો પાટો બંધાવીને હું ફરતો હતો, એટલે કૂતરૂં મને જ કરડયું હોય, છતાં 'તમને'ઉપર એ લોકો ભાર એવો મૂકતા હતા કે, કૂતરૂં કરડયું બીજાને હશે ને સાત-સાત ઈન્જૅક્શનો ઠોકાવવા હું જતો હોઇશ ! મારી ફ્રૅન્ચ-યલો જર્સીની પાછળના ભાગમાં કોઇ આજકાલની ફૅશન મુજબ ઇંગ્લિશમાં લખાવ્યું નહોતું કે, 'માણસ હોય કે કૂતરૂં...મને કરડવું નહિ.'ઈન શૉર્ટ, મને કૂતરૂં કરડે, એમાં 'મારા'ઉપર ભાર મૂકવાની શી જરૂર ?

અલબત્ત, પ્રજાની પૂછપરછમાં કદાચ લાગણીનો ભાવ હોય એમ સમજીને મેં આત્મચિંતન કર્યું. અમદાવાદની આટલી વસ્તીમાં કૂતરૂં મને જ કેમ કરડયું ? ઘરની બહાર નીકળ્યા પછી મોટા ભાગે તો મારા લક્ષણો સારા હોય છે. કોઇને કાંઇ ડાઉટ પડે, એવું મારૂં વર્તન ન હોય. ઉપરાંત મારી સંપૂર્ણ જીવનગાથા દરમ્યાન એકે ય કૂતરાને મેં હળી કરી નથી. મારા ક્યા લક્ષણે એણે કરડવા માટે મને પસંદ કર્યો હશે, એ નથી જાણતો ! મને તો એ ય ખબર નહિ કે, એ કૂતરો હતો કે કૂતરી હતી... માટે 'કૂતરૂં'શબ્દ વાપર્યો છે.

અફ કૉર્સ, આનાથી એ પણ સાબિત થાય છે કે, હું જાતિવાદી નથી. દુ:ખ એક વાતનું થાય કે, માણસ તો સમજ્યા કે, માણસને ઓળખવામાં થાપ ખાઇ જાય... પણ મારા હાળા કૂતરાઓ ય માણસને ઓળખવામાં ગોટે ચઢી જાય ? એક જ એનો ઈરાદો સમજવા માટે, આત્મચિંતન પડતું મૂકીને મેં 'કૂતરા-ચિંતન'કરી જોયું. એક તારણ તો સાહજીકતાથી બહાર આવ્યું કે, 'મર્દ'કૂતરો નહિ હોય. મર્દનો મારો મતલબ એના સ્ત્રી-લિંગ કે પુલ્લિંગ હોવા બાબતે નથી, પણ આપણામાં જેમ 'મર્દાનગી'હોય, એવી એનામાં 'કૂતરાનગી'સહેજ બી નહોતી... કારણ કે, એણે પાછળથી ઘા માર્યો હતો.

પાછળથી કાયરો ઘા મારતા હોય છે. પૉસિબલ છે કે, એ પાકિસ્તાનથી રખડતું રખડતું અહીં આવી ગયું હોય ! એ સામી છાતીએ ઘા કરે, એવું બહાદુર નહોતું. (એ વાત જુદી છે કે, બચકું એણે સામી છાતીએ મને ભરી લીધું હોત તો ય હું શું કરી લેવાનો હતો...? આપણાથી કાંઇ સામા બચકાં ભરવા જવાય છે ? આ તો એનામાં થોડા સંસ્કાર બાકી રહ્યા હશે કે, બચકું મને પાછળ ભર્યું હતું, છાતી ઉપર નહિ ! આ તો એક વાત થાય છે!)

સવાલનું બીજું વજન 'કૂતરાં'ઉપર હતું. 'તમને 'કુતરૂં'કઇડયું ?'એ ઈન્કવાયરીઓમાં વજન કૂતરા ઉપર હતું. રાત્રે ઊંઘતી વખતે સાવ ઝીણી-ઝીણી કાળી મસીઓ કરડતી હોય અને બોચી ઉપર ખટાક દઇને આપણે સપાટ મારતા હોઇએ છીએ, પણ એમાં કાંઇ ડૉક્ટર પાસે પાટા બંધાવવા ન જઇએ. સાપ-વીંછી કરડે, તો હું આમ સીજી રોડ ઉપર ફરતો ન હોઉં...દાખલ થયો હોઉં ! કરડવા જેવું કોઇ પ્રાણી હોય તો એ કૂતરૂં જ હોય. એમાં 'કૂતરૂં'શબ્દ ઉપર ભાર મૂકવાની શી જરૂર ?

'કૂતરૂં કરડયું ?'એ સવાલ જ બેબુનિયાદ છે. કોઇને હાથી કરડયો હોય એવું સાંભળ્યું નથી. ઘોડો કે ઊંટ કરડી જાય, એવું યૂ-ટયૂબમાં જોયું છે, પણ આ લોકો કરડે, પછી એ લોકોનું શું થયું, એ યૂ-ટયૂબમાં જોયું નથી. કહે છે કે, ઊંટ તમને કરડી જાય, એ માટે તો તમારે જીવનમાં ઘણી ઉંચાઇઓ સિદ્ધ કરવી પડે. ઊંટલોકો તો પોતાના સમકક્ષ લોકોને જ કરડે, જેવા તેવાને નહિ. ઘોડા તો અમદાવાદમાં હવે વરઘોડામાં ય જોવા મળતા નથી. એ મોટા ભાગે કોઇને કરડયા હોય એવું ન્યુસમાં જોયું સાંભળ્યું નથી. લાત મારે, બચકાં ન ભરે.

અને છેલ્લે, મારા કે કૂતરા ઉપર વજન દેવાને બદલે 'કરડવા'ઉપર ભાર મૂકનારા ઓછા નહોતા. એ લોકો કૂતરૂં કરડવાની પધ્ધતિ, સ્થળ, એ વખતનું ટૅમ્પરેચર, કૂતરાના જન્માક્ષર, એ નર હતું કે માદા કૂતરું હતું અને સદરહૂ કૂતરા વચ્ચેનું અંતર (મીટરમાં) અને શક્ય હોય તો કૂતરૂં પાળેલું હતું કે રખડુ, એ બધું જાણવા માંગતા હતા. ''બૉસ, કઇડયું કઇ રીતે ?...આઇ મીન, આખો લચકો તોડી લીધો કે જસ્ટ...એ કિસ ઓન્લી ?...ઍક્ઝૅક્ટ કઇ જગ્યાએ કરડયું ?''હું કરડેલો પગ બતાવતો હતો, એટલે મારી ભૂલ સુધારીને કહે, ''જગ્યા એટલે તમારી નહિ...કૂતરાની...આઇ મીન, રસ્તા ઉપર, ગાર્ડનમાં કે ઘેર આઇને કઇડી ગયું?...અલ્યા ભ', આવું હોય તો એ વખતનો મોબાઇલમાં વીડિયો ના ઉતારી લઇએ...!''

કૂતરૂં મને કરડી ગયું હતું, એટલે લોકોના સલાહસૂચનો તો સાંભળવાના જ હતા. વીમો મળે, એટલે પોલીસ-ફરિયાદ કરવી જ જોઇએ-થી માંડીને જે સ્થળે કૂતરૂં કરડી ગયું, એ સ્થળના (અને જો પાડયા હોય તો  કૂતરાના) ફોટા વૉટ્સઍપમાં બધાને મોકલી દેવાના, જેથી બીજું કોઇ એ બાજુ જતાં વિચાર કરે.

''દાદુ...પહેલા તો કૂતરૂં કરડે એટલે ૧૪-ઈન્જૅક્શનો લેવા પડતા...હવે સાત જ કેમ ?''એવા સવાલો પૂછનારા ઓછા નહોતા. મારે કહેવું પડયું કે, 'હવે બાકીના સાત કૂતરાને ય અપાવવા પડે, માટે ! એ ય માણસ છે...આઈ મીન, કૂતરૂં છે...એને હડકવા નહિ પણ 'માણસવા'લાગુ ન પડે, માટે જીવદયાના ધોરણે સરકારે સાત ઈન્જૅક્શનો કૂતરાને ય અપાવવાનું ફરજીયાત બનાવ્યું છે....!'

યસ. પૂછનારા કૂતરાંને બદલે વાંદરાનો ઉપયોગ કરી શકે. દેશમાં વાંદરૂં માણસને કરડે, એવી ઘટનાઓ રોજ બનતી હોય છે. માણસ વાંદરાને કરડયો હોય, એ જોવાની મજા આવે, પણ એવું કાંઇ જોવા મળતું નથી. હવે તો ગુજરાતના શહેરે-શહેરમાં કૂતરાની જેમ વાંદરાઓની વસ્તી અઢળક વધતી જાય છે. પણ પૂરા ગુજરાતમાં દેશભક્તો કરતા ધર્મભક્તો કરોડોની સંખ્યામાં છે, એટલે વાંદરા-કૂતરાંને મરાય તો નહિ જ...! ગાયો મરતી હોય તો મરવા દેવાય, એની સ્પષ્ટ સૂચનાઓ આપણા ધર્મોમાં આપી ન હોવાથી એ વિશે અમે હોબાળો કદી કરતા નથી. દેશભરમાં રખડતા કૂતરાં માણસોને આડેધડ કરડે રાખે છે.

આપણે ત્યાં દેશભક્તિ કરતા ધર્મોની હૂકુમત વધારે છે, એટલે આમપ્રજાને કરડતા કૂતરાઓને મારી નાંખવાની વાત તો દૂરની છે, એમની 'ખસી'કરાવવામાં પણ ધર્મો વચ્ચે આવે છે. રોજ પોતાના ઘરથી બહુ દૂર કૂતરાને ખવડાવવું, જેથી એમની વસ્તી આપણા ઘર પાસે ન વધે. ઍટ લીસ્ટ, આપણા છોકરાઓને તો કૂતરા ન કરડે.

આપણે અહીં ગુજરાતમાં ને ભારત સરકાર કાશ્મિરમાં કૂતરાં ખવડાવી ખવડાવીને તગડાં કરે છે...જે દિવસે કૂતરાં કરતા દેશના સૈનિકોની સંખ્યા પૂરી ખલાસ થઇ જશે, ત્યારે બસ, 'બે મિનિટનું મૌન'...ને વાર્તા પૂરી!           

સિક્સર
પોરબંદર જિલ્લાના રાણાવાવ પૅન્શનર સમાજના ૧૫૦-થી વધુ જે કોઇ કાર્યક્રમમાં ભેગા થાય, ત્યારે પહેલું કામ બધાએ ભેગા મળીને રાષ્ટ્રગીત ગાવાનું, 'ભારત માતા કી જય'નો બુલંદ નારો લગાવવાનો.... અને પછી પૅન્શન લેવાનું !

એકલા અમદાવાદમાં જ રોજના સરેરાશ અઢીસો કાર્યક્રમો થાય છે...સૉરી, કાંઇ બોલવા જેવું નથી !

'ઝૂલા' (૪૧)

$
0
0

ફિલ્મ : 'ઝૂલા' (૪૧)
નિર્માતા : શશધર મુકર્જી (બોમ્બે ટોકીઝ)
દિગ્દર્શક : જ્ઞાન મુકર્જી
સંગીતકાર : સરસ્વતિદેવી
ગીતકાર : પ્રદીપજી
રનિંગ ટાઈમ : ૧૮- રીલ્સ- ૨ કલાક- ૫૦- મિનિટ્સ.
કલાકારો : અશોકકુમારલીલા ચીટણીસવી.એચ.દેસાઈશાહ નવાઝમુમતાઝ અલીકરૂણા દેવીરાજકુમારી શુક્લાનાના પળશીકરદુલારીમીનુ કપૂર અને જ્યોતિ.
ગીતો
૧... હિંડોલે કૈસે ઝૂલુંમેરા જીયા ડોલે રે...     લીલા ચીટણીસ
૨... ના જાને કિધર આજ મેરી નાંવ ચલી રે...     અશોક કુમાર
૩... ઝૂલે કે સંગ ઝૂલોઝૂલો મેરે મન...     લીલા ચીટણીસ
૪... આજ મૌસમ સલૌના સલૌના રે...     અશોક કુમાર
૫... મૈં તો દિલ્હી સે દુલ્હન લાયા રે... અરૂણ કુમાર-રહેમત બાનુ
૬... મુઝે મત ભૂલનામેરે ચિતચોર.. લીલા ચીટણીસ- અશોક કુમાર
૭... દેખો કહે દૂંગીતુમ્હારે મન કી... લીલા ચીટણીસ- અશોક કુમાર
૮... હમને કિસી સે સુની કહાનીએક સફર હૈ... અશોક કુમાર
૯... દેખો હમરે રાજા કીઆજ સગાઈ હૈ... અરૂણ કુમાર- રહેમત બાનુ
૧૦... મેરે બિછડે હુએ સાથીતેરી યાદ સતાયે.. પ્રદીપજી
૧૧... એક બાત બતાઓ હમેં ગોરી... લીલા ચીટણીસ- અશોક કુમાર
ગીત નં.૪ના ગીતકાર પન્નાલાલ ઘોષ છેબાકીના પ્રદીપજી

બોમ્બે ટોકીઝની આ ફિલ્મ 'ઝૂલા'ની કહાની કંઈક આવી હતી:

યુવાન અને ખૂબસુરત વિધવા કમલા (અરૂણાદેવી) પોતાની લગાન માફ કરાવવા દુષ્ટ જમીનદાર (શાહનવાઝ)ના બંગલે જાય છે. જમીનદાર મહેશ એને ઓળખી જાય છે. કમલા એની જૂની તરછોડાયેલી પ્રેમિકા હતી. એ વિધવા નહોતી પણ જોશોજૂનુનમાં એ મહેશ સિવાય કોઈની બનવું ન પડે, માટે સમાજમાં વિધવા તરીકે રહે છે. ઘેર પાછા ફરતા એક બગીચાના ઝૂલા ઉપર ખુશી ખુશી ગીત ગાતી ગીતા (લીલા ચીટણીસ) ઉપર તેની નજર પડે છે ને મોહિત થઈ જાય છે.

સૌજન્યપૂર્વક ગીતાને સમજાવીને હિંચકે ઝૂલતી ગીતાનો એ ફોટો પાડે છે અને ખાત્રી આપે છે કે, આ ફોટો હું કોઈ મેગેઝિનના કવર પર ચમકાવીશ... અને ખરેખર ચમકાવે પણ છે. ઘરે પાછા ફરતા એને ખબર પડે છે કે, મરણપથારીએ એના પિતા અડધી મિલ્કત એમના દત્તક લીધેલા પુત્ર સતીષ (અશોક કુમાર)ને નામે કરી છે. મહેશે પિતા ઉપર અપમાનજનક ઘાંટા પાડતા પિતા મૃત્યુ પામે છે, પણ સતીષ પોતાના ભાગે આવેલી મિલ્કત મહેશને આપી દઈ ઘર છોડી દે છે.   

એક ટ્રેનમાં વગર ટિકિટે જતા સતીષ મેગેઝિનના કવર ઉપર ગીતાનો ફોટો જોઈને જ પ્રેમમાં પડી જાય છે. અજાણતામાં એ એ જ ગામના સ્ટેશને ઉતરી જાય છે, જ્યાં ગીતા એના પોસ્ટમાસ્ટર કાકા (વી.એચ.દેસાઈ)ને ત્યાં રહેતી હોય છે. કમલા પોસ્ટમાસ્તરની જ દીકરી હોવાથી ગીતા સાથે એને સારી દોસ્તી છે. સતીષને પોસ્ટમાસ્તરનો આસિસ્ટન્ટ રહેમત ખાન (મુમતાઝ અલી) ઘેર લઈ આવે છે.    

ગીતાને આ જ ગામમાં જોઈને સતીષ રાજી થઈ જાય છે. એનું વાસ્તવિક નામ સતિષ છે, પણ પેલા મેગેઝિનના કવર-પેજ પર ગીતાની તસ્વીર ચમકાવવા રમેશ નામનો ઉપયોગ કરે છે.) પછી તો છોકરીને ઇમ્પ્રેસ કરવાના ફિતૂરો રમેશ અજમાવે રાખે છે, જેમાં પોતે જ ઝૂલા ઉપર બેઠેલી ગીતાનો ફોટો પાડીને છપાવ્યો હોય, એ બધા ગપગોળામાં એ પોતે ભરાઈ પડે છે, પણ થોડી ઘણી ગોલમાલ પછી વિલન જમીનદાર મહેશ (જે રમેશનો સાવકો ભાઈ પણ છે) એની 'વિધવા'પ્રેમિકાને અપનાવે છે અને આ બન્ને પ્રેમીપંખીડાઓ પણ એક થાય છે.    

આજે તો બહુ સામાન્ય જ નહિ, ફાલતુ પણ લાગે એવી સ્ટોરી ઉપરથી બનેલી આ ફિલ્મે એ જમાનામાં દેશની તમામ ફિલ્મોમાં ચોથા નંબરનો તગડો બિઝનેસ કર્યો હતો. આમ તો અશોક કુમાર અગાઉ થોડી ઘણી ફિલ્મોમાં આવી ગયો હતો, પણ કારણ સામાન્ય એક્ટિંગ અને થોડો સ્ત્રૈણ્ય ચહેરો, એમાં એ ફિલ્મોની સેન્ટ્રલ- કેરેક્ટર હીરોઈનો હતી, પણ આ ફિલ્મમાં પ્રારંભથી અંત સુધી અશોકે કોમેડી કરી છે.   

અને ફિલ્મનું મૂળ પાત્ર પણ એ છે. અલબત્ત, આપણે જે અશોક કુમારને અદભુત અને સર્વોત્તમ એક્ટર તરીકે ઓળખીએ છીએ, એવો એક્ટર હજી તે બન્યો નહોતો, સિવાય કે આ જ ફિલ્મના દિગ્દર્શક જ્ઞાન મુકર્જીએ બોમ્બે ટોકીઝની તે પછીની બ્લોક-બસ્ટર ફિલ્મ 'કિસ્મત'માં એની પાસે હિંદી ફિલ્મોનું પહેલી વારનું એન્ટી-હીરોનું કામ લીધું, એ પછીની ફિલ્મોમાં આપણને સર્વશ્રેષ્ઠ અભિનેતા મળ્યો.     

આ જ્ઞાન મુકર્જીની અંગત કહાણી ઉપરથી ગુરૂદત્તે ફિલ્મ 'કાગઝ કે ફૂલબનાવ્યું હતું. ગુરૂદત્તની ફિલ્મ બકવાસ હતી અને ગુરૂદત્ત એમાં સારી પેઠે ધોવાઈ ગયો. બહુ લાગવગો દોડાવીને રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને આ ફિલ્મ જોવાની વિનંતી કરી અને એના કમનસીબે વિનંતી માન્ય રહી. ખાસ શો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો પણ વીસેક મિનિટ ફિલ્મ જોયા પછી ગુસ્સાથી રાજેન્દ્રબાબુ લાલધુમ થઈ ગયા, આવી કચરાછાપ ફિલ્મ જોવા ટાઈમ બગાડયો. એમણે તાબડતોબ શો બંધ કરાવ્યો. મુંબઈમાં ય એ સમયમાં રાષ્ટ્રપતિઓ બહુ રહેતા હશે કે 'કાગઝ કે ફૂલ'અડધી જોઈને કોપાયમાન થયેલા પ્રેક્ષકોએ સિનેમાઘરોમાં તોફાનો મચાવી દીધા, ખુરશીઓ તોડી, વગેરે વગેરે.  

આ ફિલ્મ ગુરૂદત્તે જ્ઞાન દાને 'અર્પણ'કરી હતી, તે આજની ફિલ્મ 'ઝૂલા'અને કલકત્તામાં કોઈ સાડા ત્રણ વર્ષ ચાલેલી અશોક કુમારની ફિલ્મ 'કિસ્મત'ના દિગ્દર્શક હતા.ઘણી કરૂણ કહાણી છે જ્ઞાન દાને આ ફિલ્મ 'અર્પણ'થવા પાછળ. દુનિયાભરની ફિલ્મોના બોક્સ- ઓફિસ રેકોર્ડો તોડનારી આ ફિલ્મ 'કિસ્મત'જ્ઞાન દા એ દિગ્દર્શિત કરી હોવાથી નિર્માતાઓ તૂટી પડયા.   

'
અમારા માટે ફિલ્મ બનાવો... પૈસા જોઈએ એટલા લઈ લો, પણ 'કિસ્મતજેવી ફિલ્મ અમને પણ બનાવી આપો.'બસ. જ્ઞાન દાએ પણ થોડી ઘણી ફિલ્મો સ્વીકારી, પણ 'કિસ્મત'તો શું, સાવ સામાન્ય હિટ ફિલ્મ પણ એકે ય ન બની (એનું નામ 'કિસ્મત'!) પછી તો એ પૈસા ભૂખ્યા નિર્માતાઓ છોડે ? જ્ઞાન મુકર્જીએ તરછોડી, અપમાનિત, કરી અને હડધૂત કરી કરીને એ જ લોકોએ પાયમાલ કરી નાંખ્યો. બહુ અપમાનિત થઈને દુર્દશામાં એ ગૂજરી ગયા. બસ, એ જ ફિલ્મ 'કાગઝ કે ફૂલ''દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી ...!'   

જોવાની ખૂબી નહિં પણ તકલીફ એ છે કે, મેહમુદ-રાહુલદેવ બર્મન અને કિશોર કુમારે બેધડક આ ફિલ્મમાં દાદામોનીએ ગાયેલું ગીત 'એક ચતુર નાર બડી હોશિયાર...'સીધેસીધું ઉઠાવ્યું હોવા છતાં કબુલાત કોઈની નહિ. એ તો હવે જગજાહેર છે કે, 'ઝૂમરૂ'નું 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા..'પણ આ 'ચતુરનાર'ની જેમ પારસી- ગુજરાતી મહિલા સંગીતકાર સરસ્વતિદેવીનું જ કમ્પોઝિશન... જેને આજ સુધી કોઈએ ક્રેડિટ નથી આપી. આ ફિલ્મ 'જીવનનૈયા'તો ઇ.સ.૧૯૩૬માં બની હતી, જેને અશોક કુમારે જ પરદા ઉપર કે પ્લેબેક પણ પોતે આપ્યું હતું... છે ને, 'માલ કિસી કા , કમાલ કિસી કા..!'એ વાત જુદી છે કે, હસતા હસતા આ બન્ને ચોરીઓનો પર્દાફાશ દાદામોનીએ જ ટીવી- ઇન્ટર્વ્યૂમાં કર્યો હતો.

સરસ્વતિદેવીને પ્રણામ કરવા પડે, એટલા માટે નહિ કે એમનું તો નામ જ 'સરસ્વતિ'હતું. પણ આ ફિલ્મના ઓલમોસ્ટ તમામ ગીતો સુપરહિટ થયેલા. ખાસ તો મેહમુદના ફાધર મુમતાઝ અલી અને સાઈડ રોલમાં કામ કરતી રાજકુમારી શુક્લા ઉપર ફિલ્માયેલા 'મૈં તો દિલ્હી સે દુલ્હન લાયા રે...'દેશની ગલીગલીએ ગવાતું હતું. (અલબત્ત, આ રાજકુમારી શુક્લા અને હીરોઈન- ગાયિકા રાજકુમારી દૂબે જુદા.) સરસ્વતિદેવી બોમ્બે ટોકીઝની ફિલ્મો માટે એ 'મસ્ટ'સંગીતકાર હતા.      

પણ તદ્દન સામાન્ય માણસો પણ ગાઈ શકે, એવી શાસ્ત્રીય કસરતો વગરની ધૂનો બનાવવામાં માહિર આ સંગીતકારે કમાલ દાદામોની પાસે કરાવી, 'ના જાને કિધર આજ મેરી નાંવ ચલી રે...'વર્સ્હો સુધી દેશભરના છઓક્રે- છોકરાઓ ગાતા થઈ ગયેલા. ખુદ અમે પણ નાનપણમાં આવડે એવું આ ગીત લલકારતા...( પછી અશોક કુમારને આવડે, એમાં શી નવાઈ!)     

એ જમાનામાં લોકો ફિલ્મસ્ટાર્સના નામે નહિ, ફિલ્મ સ્ટુડિયોનું નામ જોઈને ફિલ્મો જોવા જતા. ઇવન, ધી ગ્રેટ સાયગલને પોતાની ફિલ્મમાં લેવા નિર્માતાઓની કોઈ પડાપડી નહોતી થતી, પણ કલકત્તાના ન્યુ થીર્યેટર્સના નામે સાયગલ કે પંકજ મલિકની ફિલ્મો જોવા પડાપડી થતી અને ફિલ્મો ય (એ સમય પ્રમાણે) દર્શકોને ખૂબ ગમતી. મુંબઈમાં હિમાંશુ રોય અને એના પત્ની દેવિકા રાણી 'બોમ્બે ટોકીઝ'ના નામે ફિલ્મો બનાવતા અને કલકત્તામાં ન્યુ થીયેટર્સનો દબદબો ભારતભરમાં હતો, એ બધી વાતો બહુ વાર કહેવાઈ ચૂકી છે, એટલે આપણે એમાં નહિ પડીએ. કહેવાનો ટૂંકસાર એટલો કે ફિલ્મો સ્ટુડિયોની પ્રતિષ્ઠા ઉપર ચાલતી. રાજ-દિલીપ- દેવના તો ફિલ્મી જન્મો ય નહોતા થયા, પણ વ્હી, શાંતારામ, સરદાર ચંદુલાલ શાહ, સોહરાબ મોદી અને પછીથી બિમલ રોયના નામો કોઈ સુપરસ્ટાર્સથી કમ નહોતા.

મુમતાઝ અલી મેહમુદના પિતા હતા, પણ બોમ્બે ટોકીઝની એ પછીની લગભગ બધી ફિલ્મોમાં એમને લેવા પડે એવી લોકપ્રિયતા હતી. મૂળ એ ડાન્સર અને ડાન્સ-ડાયરેક્ટર હતા. મેહમુદે પોતાની ફિલ્મ 'કુંવારા બાપ'માં એના પિતા પાસે ભિખારી- અવસ્થામાં સાચા હીજડાઓને લઈને 'સજ રહી ગલી મેરી મા, સુનેહરી ગોઠે મેં...'માં ડાન્સ પણ કરાવ્યો. આ ગીતે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી.   

એ સમયના વિલનો ઉંચા-પહોળા, કાયમ શૂટ-બૂટમાં ફરતા પૈસાપાત્ર હતા. શાહનવાઝ પણ એ જ બ્રાન્ડનો ખલનાયક હતો. બહુ નહિ, થોડો ય ચાલ્યો નહિ... વિલનના હાઈટ-બોડી અને અભિનય હોવા છતાં ! આ જ સ્ટુડિયોની ફિલ્મ 'બંધન'માં પણ એ હીરો અશોક કુમારનો દુશ્મન બને છે, પણ એ જમાનાના હીરો વિલનને અમારા ખાડીયાની ભાષામાં 'ધોઈ નહોતા નાંખતા'... ફિલ્મોનો ઝોક સામાજીક વધુ હોવાથી વિલનો એટલે કે દુષ્ચરીત્રનો અંજામ એને સત્યનું ભાન થવાથી આવે, મારામારીથી નહિ.

અશોક કુમાર હોય એટલે એના બેવકૂફ દોસ્ત વી.એચ.દેસાઈ તો હોય જ. આ ફિલ્મમાં દેસાઈ એડોલ્ફ હિટલરના લિબાસ અને હેરસ્ટાઈલમાં આવે છે. આજે જુઓ તો એના કિરદારો તમને હસાવી ન શકે, પણ એ જમાનામાં દેસાઈના નામના સિક્કા પડતા. 

ફિલ્મની હીરોઈન લીલા ચીટણીસનું પરણ્યા પહેલાનું નામ તો 'લીલા નગરકર'હતું અને મરાઠી કુટુંબમાં કર્ણાટકના ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી. 'લક્સ'સાબુની ભારતની સૌ પ્રથમ મોડેલ હતી. એ ૧૫-૧૬ વર્ષની હતી, ત્યારે જ એનાથી ઉંમરમાં ઘણા મોટા ડો.ગજાનન ચીટણીસ સાથે પરણી અને ચાર સંતાનોની માતા બની. લીલા ખૂબ શિક્ષિત પરિવારમાંથી આવેલી અને પોતે ખૂબ ભણેલી હીરોઈન હતી. એ જમાનાની ગ્રેજ્યુએટ હતી અને પોતાના નાટય ગુ્રપમાં એ ઇબ્સેન, બર્નાર્ડ શો અને સ્તાનિસ્લાવ્સ્કીના નાટકો મંચસ્થ કરતી.     

અશોક કુમાર એટલો ઇમ્પ્રેસ્ડ હતો કે, એણે જાહેરમાં કબુલાત કરી કે, આંખોથી અભિનય કરવાનું એ લીલાબાઈનો અભિનય જોઈને શીખ્યો હતો. અલબત્ત, '૪૦-ના દાયકામાં ઉંમર એનાથી વધુ ઝડપે ભાગતી હતી અને એણે ચરીત્ર અભિનેત્રીના રોલ સ્વીકારવા માંડયા. સહુને ખબર છે કે, રાજ કપૂરની 'આવારા', દેવ આનંદની 'ગાઈડઅને દિલીપ કુમારની 'ગંગા જમુના'માં એનો દર્શકોને ઇમ્પ્રેસ કરવાની અભિનય કાયમી અસર છોડી ગયો છે. સંગીતકાર નૌશાદે કમ્પોઝ કરેલું સર્વપ્રથમ ગીત ફિલ્મ 'કંચન'માં લીલા ચીટણીસે ગાયું હતું, જો કે, એ એક જ ગીત હતું. નૌશાદની સૌથી પહેલી ફિલ્મ 'પ્રેમનગર'હતી. જે ઇ.સ.૧૯૪૦-માં બની હતી.      

અફ કોર્સ, ફિલ્મ 'બોમ્બે ટોકીઝ'ની હતી, એટલે જોશો તો ડીવીડી-ના પૈસા નહિ પડી જાય.

ઍનકાઉન્ટર : 03-06-2018

$
0
0
* પિત્ઝા ગોળ હોય છે, પણ એનું ખોખું ચોરસ કેમ હોય છે ?
- ઓહ...નોકરીના ઇન્ટર્વ્યૂમાં એ લોકો આવા સવાલો પૂછે છે ?
(
અમરીશ દરજી, આણંદ)

* પબ્લિક-ટૉયલેટ્સમાં લાઇટ હોતી નથી. લોકોએ અંધારામાં જવાનું ?
- ', વાત સ્વચ્છતાની થઇ હતી... અંધારાની નહિ !
(
પ્રફૂલ દવે, ભાવનગર)

* આપણે જેટલા ધાર્મિક છીએ, એટલા ઇમાનદાર કેમ નથી ?
- એ બન્ને ચીજો પબ્લિકને દેખાડવા માટે બની છે, અમલ માટે નહિ !
(
વિનેશ ચૌહાણ, ગાંધીનગર)

* આપણાથી મોટાનું સન્માન કેમ કરવું જોઇએ ?
- કરો, પછી જવાબ આપું.
(
ધ્રૂવ બારોટ, હિંમતનગર)

* 'મહાભારત'ના સમયમાં અમિત શાહ હોત તો ? કુરૂક્ષેત્રના યુધ્ધ વિના હસ્તિનાપુરમાં યુધિષ્ઠીરની સરકાર બનાવી આપત !
- તમારા વિશ્વાસ ઉપરથી લાગે છે કે, કાશ્મિરને પાકિસ્તાન મુક્ત પણ એ જ કરાવશે!
(
દીપક આશરા, ગાંધીનગર)

* 'મોદી પછી કોણ ?'એવું ભાજપ વિચારશે ખરૂં ?
- અત્યારે તો પાકિસ્તાન વિચારી રહ્યું છે કે, 'સાલું... મોદી પછી મોદી જ છે...!'
(
સંદીપ પંડયા, અમદાવાદ)

* 'ગુજરાત સમાચાર'ઉત્તમ છે, માટે તમે લખો છો કે તમે લખો છો માટે ઉત્તમ છે ?
- આ લોકો નબળું કાંઈ ચલાવી લેતા નથી.
(
સરફરાઝ શેખ, અમદાવાદ)

* આજકાલ લવ-મેરેજનું પ્રમાણ કેમ વધતું જાય છે ?
- મોટું મન રાખીને ચલાવી લો... પી જાઓ ગુસ્સો !
(
હિતેશ સોન્દીગડા, મુંબઇ)

* રેણુકા ચૌધરીના હાસ્ય વિશે આપના બે શબ્દો...
- એ જે રીતે હસે છે, એ જ વૉલ્યૂમમાં રોવાના દિવસો શરૂ થઇ ગયા છે. બસ, ઇ.સ. ૨૦૧૯...!
(
ચેતન મેઘાણી, અમદાવાદ)

* દુનિયામાં કોની જરૂરત વધારે છે... માણસોની કે જાનવરોની ?
- આપ સલામત રહો.
(
અલ્પેશ ગુંસાઈ, ભૂજ-કચ્છ)

* અક્ષયકુમારની ફિલ્મો વિશે આપનો શો અભિપ્રાય છે ?
- 'એન્કાઉન્ટર'વિશે જેવો એનો, એવો મારો એની ફિલ્મો વિશે.
(
વિવેક માલવી, રાજકોટ)

* ઇ.સ. ૨૦૧૯ની ચૂંટણી પછી મોદી સામે લડવા બધી પાર્ટીઓ એક થઇ છે અને બધાને નવો પ્રાઈમ મિનિસ્ટર પોતાનો જોઇએ છે... તમારો મત શું છે ?
- એમાંના એકે ય ની પાસે બોલવા માટેમોદી સિવાય એક મુદ્દો જ નથી...દેશ માટે, પાકિસ્તાન માટે, આતંકવાદ માટે, મોંઘવારી માટે... ! કમનસીબે, મોદી પાસે ય લાગતો નથી.
(
હરૂભાઈ કારીઆ, મુંબઇ)

* આ જીંદગીભર તલાટી-મંત્રીનો નોકરો કરવાને બદલે દેશનો દરેક બેકાર આગામી ચૂંટણીમાં કેમ ઊભો રહેતો નથી ?
- યસ. બધા રાજકીય પક્ષો સીધા થઇ જાય !
(
હિતેશ જી. પટેલ, કલોલ)

* 'અચ્છેદિન'આનેવાલે હૈં... રાહ જોવામાં આંખે મોતીયો આવી ગયો... હવે ક્યારે?
- આવા સપના હાલમાં કોંગ્રેસ જોઈ રહી છે.
(
નીલેશ પ્રેસવાલા, ભરૂચ)

* ગુમનામીની જીંદગી જીવવા માંગુ છું.. બસ, એક વાર નીરવ મોદીની જેમ લોન મળી જાય !
- મામો મેહૂલ ચોક્સી જેવો છે ?
(
આબાદ ડેરૈયા, આણંદ)

* આજના સમયમાં તમારી દ્રષ્ટિએ સૌથી વધુ પ્રામાણિક ઍન્કર કોણ છે ?
- અર્ણવ ગોસ્વામી.
(
આર્જવ પારેખ, ભાવનગર)

* કેવા સવાલોને તમે બારોબાર ઊડાડી દો છો ?
- જે વાચકબધા મૅગેઝીનો/છાપાઓમાં ચારે બાજુ ચીતરી મૂક્તો હોય !
(
પ્રકૃતિ શિવ મેહતા, વડોદરા)

* પંજાબ નૅશનલ બૅન્ક માટે શું કહેવું છે ?
- એ લઇ ગયા... ને આપણે રહી ગયા !
(
ભાવિક એ. શાહ, ગોધરા)

* આપણા પૂર્વજો વિશે તમારૂં શું માનવું છે ?
- એ જ કે, આપણા બન્નેના જુદા જુદા હતા.
(
ઉમંગ કંસારા, માધવપુર-ઘેડ)

* 'ઍનકાઉન્ટર'પહેલા પાને કેમ નથી આવતું ?
- સિંહની ઍન્ટ્રી છેલ્લી હોય !
(
જય ચુડાસમા, રાણાવાવ)

* આ ચારે બાજુ શું થઇ રહ્યું છે ? આપણે ક્યાં જઇ રહ્યા છીએ ?
- ડ્રાયવરને પૂછવું પડે.
(
પી.એમ.જોશી, નેત્રામલી-ઇડર)

* તમે કદી મુહમ્મદ રફીસાહેબને રૂબરૂ મળ્યા છો ?
- એ જ તમન્ના પૂરી ન થઈ...
(
કંદર્પ જાની, કૅન્સસ-યુઍસએ)

* આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ નાબુદ થશે તો બીજો કયો પક્ષ ભાજપ સામે લડશે ?
- શું કામ નાબૂદ થાય ? હસવા માટે કાંઈક તો પાસે રાખો.
(
અશોક જોશી, શિરવાડા-કાંકરેજ)

સ્ટેજ-ફંકશન

$
0
0

આપણા ભોગ લાગ્યા હોય છે કે, ક્યારેક ને ક્યારેક કોઈ સ્ટેજ-ફંકશનમાં જવું પડે અને ગયા પછી બેરહેમ મૂઢમાર ખાવો પડતો હોય છે. આવા ફંકશનોની લાક્ષણિકતાઓ વિશે અહીં નિરીક્ષણો રજૂ કરવામાં આવ્યા છે.

આમંત્રણ
જે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આપણને અપાયેલું આમંત્રણ ભાવભીનું હોય છે - ભાવગરમ કે ભાવસુકું નહિ ! આટલો બધો ભીનો ભાવ આપણા ઉપર ક્યાંથી ઉભરાઈ આવ્યો, તેની ખબર તો હૉલ પર પહોંચ્યા પછી પડે કે, ભીનો તો જાવા દિયો, આવી પ્રચંડ ગરમીમાં ઉકળતો કે સરેરાશ તાપમાનવાળો ભાવે ય કોઈ પૂછતું નથી.

ત્યાં પહોંચીએ એટલે આપણને બોલાવનારો લેવાદેવા વગરની દોડાદોડી કરતો હોય ને સામે મળે ને આપણે બોલાવીએ ત્યારે ભાગતા ભાગતા અધ્ધર શ્વાસે પૂછે, 'આવી ગયા...!'આપણાથી એમ તો કહેવાય નહિ કે, 'હજી અમે નથી આવ્યા... હૉલની બહાર જ ઊભા છીએ...!'એ ખૂબ કામમાં હોય, એવી છાપ પડતી હોય, બાકી ભ'ઇને સ્ટેજ પર જઇને ખુરશીઓ વ્યવસ્થિત કરવાનું કામ સોંપાયું હોય.

કાર્યક્રમનો સમય
સમય સાંજે ૭ વાગ્યાનો લખ્યો હોય ને આપણે બુધ્ધિના લઠ્ઠ હોઇએ કે, ટાઈમસર પહોંચીએ ત્યારે હૉલનો વૉચમેને ય હજી ન આવ્યો હોય. લેવાદેવા વિનાના આટલા વહેલા ભરાઈ પડો એટલે હૉલના કમ્પાઉન્ડમાં વાઇફ સાથે અદબ વાળીને શિસ્તબધ્ધ ઊભા રહીએ. આપણી ઊભા રહેવાની આ સ્ટાઇલ ઑલમોસ્ટ 'કોઇને કાઢી જવાના હોય ત્યારે'બે-ચારના ટોળામાં ઊભા હોઈએ, એને મળતી આવે છે. આપણે શું રહી ગયા'તા, તે આટલા વહેલા ગુડાણા, એવા ક્રોધો પોતાની ઉપર પડે, ને એમાં પાછી પેલી દોઢડાહી થતી હોય, 'હું તો હવાર-હવારની કે'તી'તી કે, તીયાં વેલ્લા પોંચીને કામ સુઉં છે ? બધા પ્રોગ્રામું તો કલાક-દોઢ કલાક મોડા જ સરૂ થાતા હોય !'

એક તો ગાડી દોડાવી દોડાવીને માંડ હૉલનું સરનામું ગોત્યું હોય ને ત્યાં ગયા પછી ખબર પડે કે, આપણાવાળો પ્રોગ્રામ તો ઠેઠ દીનદયાળ હૉલમાં છે ને આપણે ટાઉનહૉલ સમજીને આવી ગયા છીએ. એ વાંક આપણી ઉતાવળને લીધે થયો કહેવાય, આપણો નહિ ! ગુજરાતના કોઈપણ કાર્યક્રમમાં કાર્ડમાં લખ્યા મુજબનો સમય આપણે ઘેરથી નીકળવાનો સમય સમજવો. ખોફનાક ગુસ્સો તો ત્યારે આવે કે, 'મોડા પડીશું'ની બીકને કારણે ઘરમાં દોડાદોડ કરીને મારમમાર નીકળ્યા હોઈએ ને હૉલ પર પહોંચીએ ચાટ પડીએ કે, કાર્યક્રમ શરૂ થવાને હજી તો કલાકની વાર છે.

મુખ્ય મેહમાનો
સાતનો કાર્યક્રમ સવા-સાડા આઠે શરૂ થાય, ત્યાં સુધીમાં કોઈ કારણ વગરની બસ્સો રૂપિયાની પૉપ-કૉર્ન ખાઈ ચૂક્યા હોઈએ. ખુરશીમાં બેઠા એવા કંટાળ્યા હોઇએ કે, પડદો ખુલે, એ જાણે આપણા ભાગ્ય ખુલ્યા હોય, એવી 'હાશ'સાથે વધાવી લઇએ. મોટા ભાગે, ઑડિયન્સ ભરાય, એ પહેલા સ્ટેજ ભરાવવા માંડે છે. આમાં તો, આયોજકોએ રોકડી કરી લેવાની હોય એટલે એકને મુખ્ય મેહમાન, બીજાને અતિથિ વિશેષ, ત્રીજાને સમારંભના પ્રમુખ, ચોથાને વિશેષ ઉપસ્થિતી, પાંચમો મુખ્ય વક્તા, છઠ્ઠો અધ્યક્ષશ્રી, સાતમો મુખ્ય યજમાનશ્રી...

ઓહ, હૉલના આદરણીય મુખ્ય વૉચમેનશ્રીનું નામ કાર્ડમાં છપાયું ન હોય, પણ સ્ટેજ આખું પહોળું કરાવવું પડે, એટલા મેહમાનો ઠસોઠસ ભર્યા હોય. ઓડિયન્સને બીવડાવી મારવા માટે મુખ્ય મેહમાનોની આટલી સંખ્યા કાફી છે. હૂલ્લડમાં પકડાયેલા તોફાની તત્ત્વો પોલીસ-ચોકીમાં બેઠા હોય, એમ ડાહ્યાડમરાં થઇને મેહમાનો બેઠા હોય. ફોટોગ્રાફરને જુએ, એટલે લેવાદેવા વગરની બાજુવાળા મેહમાન સાથે ગંભીરતાથી હળવે કંઠે વાતો કરવા માંડે.

ફોટોગ્રાફર
સમારંભમાં ભલભલાને સીરિયસ કરી નાંખતો એક જ માણસ હોય છે - ફોટોગ્રાફર. લશ્કરના જવાને ભરી બંદૂક તાકી હોય એમ સ્ટેજ કે ઑડિયન્સમાં બેઠેલાની સામે કૅમેરા ફેરવે, એમાં ભલભલા 'પોઝ'આપવા માંડે. મોટા ભાગના ઝીણકા સ્માઇલ સાથે દાઢી ઉપર એકાદ-બે આંગળી અડાડીને જવાહરલાલ નેહરૂ જેવો પૉઝ આપે.

સ્થિર થઇ જાય પાછા... હલીએ તો ફોટો બગડે. વિડીયોવાળો બધાને ટાઈટ કરી નાંખે. ખેતરમાં જંતુનાશક દવા છાંટવા આવ્યો હોય, એમ ખભેથી ઑડિયન્સ ઉપર કૅમેરા ફેરવે, એમાં ભલભલા સજ્જન બની જાય. હવે તો ઑડિયન્સ ઉપર લાઈવ-કૅમેરા ફરતો હોય ને હૉલના મોટા સ્ક્રીન ઉપર બતાવતા હોય, એમાં પોતે ઘડીકભર દેખાય એમાં તો એવા રાજી થઇ જાય. ભારે ઉત્સાહથી બાજુવાળાને બતાવે, એમાં 'અલી, હું કેવી દેખાઉં છું, જો તો ખરી !'એટલું જ ફ્રીમાં બતાવવાનો નિર્દેશ હોય... એની બાજુમાં બેઠેલો (કે લી) એના માટે સહેજ પણ મહત્ત્વના ન હોય !

આમાં ઘણા ફોટોગ્રાફરો તો સ્ટેજ નીચે ઊભા, બેઠા કે આડા પડીને જિમ્નેશિયમના અદ્ભુત દાવ પણ તદ્દન ફ્રીમાં બતાવતા હોય છે. સુઇને ફોટા પાડશે, ભોંય પર બેસીને કે એમનું ચાલો તો હૉલના કોક લટકતા દોરડે એક હાથે લટકીને ફોટા પાડી બતાવશે, ', કૉમ્પિટિશન વધી ગઇ છે... લોકોને કાંઈક નવું આપવું પડે !

કાર્યક્રમનો સંચાલક છતાં સૌથી વધુ સમય કાર્યક્રમનો સંચાલક ખાઈ જતો હોય. સંચાલક શબ્દ જરા તોછડો લાગે, એટલે લાયન્સ-રોટરીવાળા નવું ઉપાડી લાવ્યા છે, 'એમ.સી.'એટલે કે 'માસ્ટર ઓફ સેરેમની.'આવા દરેક 'એમસી'ના મનમાં ઠસી ગયું હોય છે કે, ઑડિયન્સને ગમે તેમ કરીને હસાવવું. એ પોતે પોતાની જોક ઉપર પહેલા ધૂમધામ હસી લે અનેઍક્સપેક્ટ કરે કે આપણે બધા ય હસીએ. એ વાત જુદી છે કે, સ્ટેજ પર એની સાડા ત્રણ કલાકની ઉપસ્થિતિ દરમ્યાન શ્રોતાઓને જો હસવું આવતું હોય તો નાકમાંથી નીકળતા એના અવાજ અને ભ', બહુ ત્રાસદાયક ખોટા ઉચ્ચારો ઉપર ! 'આજના પોગરામમાં આપણે પ્રફિધ્ધ હાફ્ય લેખક અફોક દવેને બોલાયા છે, એ બહુ હાફ્યાફફદ લખે છે ને બહુ હફાવે છે...'આપણને હૉલમાં બેઠા બેઠા અંદાજ આવી જાય કે, ઘેર આ માણસને કોઈ બોલવા દેતું નહિ હોય, એટલે અહીં ફાટયો છે.

આ સંચાલક પાસે આપણને ફટકારવા માટે નેતરની સોટી નથી હોતી, એનો બદલો દર ત્રીજી સેકંડે, આપણી પાસે લેવાદેવા વગરની '... ઓર એક બાર જોરદાર તાલીયાં હો જાય...!'એમ તાળીઓ પડાવી પડાવીને ક્યારેક તો આપણા પુરૂષાતન ઉપર આપણને જ શંકા થાય, એવા અધમૂવા કરી નાંખે છે.

દીપ-પ્રાકટય
સમારંભનું મુખ્ય આકર્ષણ હોય, દીપ-પ્રાકટય... શ્રોતાઓ માટે નહિ, વક્તાઓ માટે. બધાને આકર્ષણ હોય, મીણબત્તી પકડીને સાત-આઠમાંથી એકાદી જ્યોતમાં ભડકો કરવાની, એટલે કે આગ ચાંપવાની એટલે કે, મંગલ-જ્યોત પ્રગટાવવાની. ઘણાને દીવા પાસે પહોંચ્યા મીણબત્તો હળગતો નથી, આઠ-દસ તો દીવાસળીના ખોખા પૂરા કરી નાંખે ને સ્ટેજ પર પોતાના માટે આવું કોમિક ઊભું ન થાય માટે ઘણા સૌજન્યશીલ મેહમાનો પોતાના ખિસ્સામાં દિવાસળી અને મીણબત્તી લેતા આવે છે.

આ લાલચનું કારણ પોતાનો દીપ-પ્રાકટય વખતનો હસતો ફોટો આવે. મોટા ભાગના દીપ-પ્રાકટયકરોનું ફોટોગ્રાફરો સામે જોઇને સ્માઇલો આપવા જતા ધ્યાન મીણબત્તી ઉપર રહેતું નથી અને દિવેટને બદલે આગળવાળા મેહમાનના ઝભ્ભાના ખૂણીયાને જ્યોત અડાડી દે છે.

અલબત્ત, આવા ભડકા પતાવીને પોતપોતાની ખુરશી ઉપર પાછા જતા, ભલભલા મેહમાનો પોતાની શોભામાં અભિવૃધ્ધિ કરેલી ખુરશી ભૂલી જાય છે અને સંગીત-ખુરશીની માફક સ્માઇલપૂર્વક ફાંફા મારે રાખે છે. તમે એમના ઘેર જાઓ તો દિવાલ પર એમની પત્ની કરતા ય મોટી સાઇઝનો એમનો આવો 'દીપ-પ્રાકટય'કરતો ફોટો લટકતો હોય... જોનારને થોડી શ્રધ્ધા રહે કે, આજે ફોટો લટકે છે...'

સ્ટેજ પર નાનકડું ગામ
સ્ટેજ ઉપર બધું મળીને ૨૦-૨૫-વક્તાઓ હોય. પ્રોગ્રામ લાયન્સ-રોટરીનો હોય તો સો-બસ્સો વધુ ગણી લેવાના. હજી ચાર જ પત્યા હોય ને ૧૯ બાકી હોય, એમાં શ્રેતાઓ પાસે વિરાટ લેવલની ધીરજ જોઇએ. એ બધાને બોલવાનું બાકી હોય.

શ્રોતાઓને ઉલ્લુ બનાવવા સ્ટેજ પરથી જાહેરાત થાય કે, દરેક માનનીય વક્તાશ્રી વધુમાં વધુ ચાર મિનીટ બોલશે, એટલે બાકીનાઓ પાસે હજી ઓગણીસ-ચોકુ છોંતેર મિનીટો વપરાયા વિનાની પડી હોય. પેલા ચાર-પાંચની ઍવરેજ વપરાઈ ગયેલી ૭૦ મિનિટ ગણીએ તો ઉપસ્થિત શ્રોતાઓ હવે તો કોઈ પણ લેવલનો મૂઢમાર ખાઈ/પચાવી શકે. બધાને એટલીપ્રેક્ટિસ ન હોય, પણ બધાની હાલત 'મુગલે-એ-આઝમ'ના સલિમ જેવી હતી, '...ઔર તુમ કર ભી ક્યા સકતે હો ?'વખત સ્વાતંત્ર્ય-સંગ્રામવાળો હોત તો હજી ય ઑડિયન્સમાંથી હૅન્ડ-ગ્રેનેડ જેવું કાંઈ ફેંકી શકાત... આમાં તો મેક્સિમમ ગાળો બોલી શકાય... અને એ ય, મનમાં !

વક્તાને વહેલો ટપકાવવાના ઉપાયો
અસલ બાપૂઓના જમાનામાં બબ્બે ભડાકા થાય એવી બંદૂકો શ્રોતાઓના હાથમાં પકડાવી દેવામાં આવતી. વક્તો જરાક અમથો ડાહ્યો થવા જાય ને બેસવાનું નામ ન લે, ત્યારે ગીરના સાવજોની જેમ બંદૂકો ધણધણી ઉઠતી. પહેલા હવામાં ગોળીબારૂં થાય...છતાં ય પેલો ન માન્યો હોય તો---
હવે પહેલા જેવી રાયફલો મળતી નથી ને પહેલા જેવા બાપુઓ પણ રિયા નથી. પણ રાયફલને ય ઓર્ડિનરી ગણાવે, એવા સૅલફોનો(મોબાઇલ)દરેક શ્રોતાના હાથમાં આવી ગયા છે, જે બંદૂકના ભડાકાથી ય મોટું કામ કરે છે.

ભલભલા ચોંટુને બેસાડવા માટે મોબાઈલ આદર્શ હથિયાર મનાયું છે. પેલો માઇકને વળગ્યો હોય ત્યારે એની નજર સામે આપણે મોબાઈલને વળગવાનું. આમ તો, હૉલ હોય, ઘર હોય કે સ્મશાન હોય, આપણો મોબાઈલ તો ચાલુ જ હોય... દુનિયા જખ મારે છે. બસ, પેલાના દેખતા ઑડિયન્સમાં બધા મોબાઈલ પર મંડી પડે, એ જોઇને આવનારા વક્તાઓના મોરલ પણ ડાઉન થવા માંડે.

ભોગ લાગ્યા હોય ત્યારે આવા સમારંભમાં તમારે જવું પડે. ઈશ્વર સહુનો છે, શ્રોતાઓનો નહિ !

સિક્સર
- આ શત્રુઘ્ન સિન્હુ વર્ષોથી આટલું બડબડ કરે છે, છતાં મોદી એને પક્ષમાંથી કાઢી કેમ મૂક્તા નથી ?
- પહેલા તો મેહબૂબા મુફ્તીને તો સીધી કરે... ! કાશ્મિરના પથ્થરબાજોને એ હીરો ગણે છે.
- અર્થાત...ઇ.સ. ૨૦૧૯-પહેલા ઘણી સાફસૂફી બાકી છે.

'કચ્છે ધાગે' ('૭૩)

$
0
0

ફિલ્મ : 'કચ્છે ધાગે' ('૭૩) 
નિર્મતા-દિગ્દર્શક : રાજ ખોસલા  
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : આનંદ બખ્શી   
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ - ૧૪૫ મિનિટ્સ     
થીયેટર : અલંકાર (અમદાવાદ)  
કલાકારો : વિનોદ ખન્ના, મૌસમી ચૅટર્જી, કબીર બેદી, ત્રિલોક કપૂર, એ.એન. સિંઘ, મુરાદ, સોના, નિરૂપા રૉય, દેવ કુમાર, ભગવાન, ટુનટુન, જગદિશ રાજ, રત્નમાલા, પૂર્ણિમા, રણધિર, રિતેશ મુકર્જી, નવાબ હબિબ, નર્મદા શંકર, ગુરબચન અને ઝેબ રહેમાન.     

ગીતો
૧. જારે જા ઓ દીવાને, તૂ ક્યા જાને, બાત કરતે હૈં... લતા-હેમલતા
૨. મેરે બચપન તૂ જા, જા જવાની કો લે આ... લતા મંગેશકર     
૩. કચ્ચે ધાગે કે સાથ જીસે બાંધ દિયા જાય... લતા મંગેશકર     
૪. હાય હાય એક લડકા એક મુઝકો ખત લિખતા હૈ... લતા મંગેશકર     
૫. જરા સે અગર બેવફા હમ ન હોતે... લતા મંગેશકર

રાજ ખોસલા નામના દિગ્દર્શકનું પૂરેપૂરૂં ચસકી ગયું હોય, ત્યારે એ બે કામ ખૂબ પ્રભાવિત થઇને કરી શકતો, એક દારૂ પીવાનું અને બીજું, ફિલ્મો બનાવવાનું ! દારૂ તો એ ભરઉનાળાની ગરમીમાં ખેડુત છાશ પીએ, એટલો ગટગટાવી જતો. પોતાને કે.એલ. સાયગલના સંન્નિષ્ઠ ચેલા માનતા રાજ ખોસલાએ ગાવા અને પીવા - બન્નેમાં ગુરૂ સાયગલની બેઠ્ઠી નકલો કરી અને બન્ને પીવામાં જ ઉકલી ગયા.

મુંબઇની ફિલ્મનગરીમાં કહે છે કે, તદ્દન બેવકૂફીભરી ફિલ્મ બનાવવા માટે ય ચપટી બુધ્ધિ તો જોઇએ જ...! પણ એટલી ચપટીભરી બુધ્ધિ પણ ન હોય તો માણસ 'કચ્ચે ધાગે'જેવી ફિલ્મ બનાવે.   

રાજ નામનો આ ખોસલો આટલી હદે સ્ટુપિડ ફિલ્મ બનાવે, એ માનવામાં એટલે ન આવે કે, આ જ 'ખોસલા સાહેબે''મેં તુલસી તેરે આંગન કી', 'સી.આઇ.ડી.', 'કાલાપાની', 'એક મુસાફિર, એક હસિના', 'વો કૌન થી', 'દો રાસ્તે', 'મેરા ગાંવ, મેરા દેશ', 'મેરા સાયા'કે 'દોસ્તાના'જેવી સુંદર ફિલ્મો બનાવી હતી. 'મૈં તુલસી...'જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મો તો ભારતમાં ય એકાદ હજારે માંડ એક બને ! સ્ત્રીને કેન્દ્રમાં રાખીને સ્ત્રીની ગરિમા ઊંચી રાખીને ફિલ્મો બનાવવામાં રાજ ખોસલાએ આવી ત્રણ-ચાર ફિલ્મોમાં બેશક પ્રણામયોગ્ય કામ કર્યું હતું. પણ આ તો કેવું થયું કે, તાજમહલ બનાવનાર ફૂટપાથ ઉપર ચાની પતરાંની કિટલી બનાવે !    

આ ફિલ્મ બનાવતા પહેલા ખોસલાના મનમાં એક ચોક્કસ તોફાન ધૂમ મચાવી ગયું હશે કે, ડાકૂની ફિલ્મ બનાવવી હોય તો ફિલ્મમાં જેટલા બને તેટલા ઘોડા દોડાવો, બંદૂકના આડેધડ ભડાકા કરાવો, નાચનારીને ઉઠાવી જાઓ અને ગમે ત્યાંથી ઉઠાવીને 'ગાંવવાલોં ને લઇ આવો... ડાકૂ ફિલ્મ પૂરી. સૉરી, એમ પૂરી ન થાય.

ફિલ્મનો હિરો ડાકૂ હોય તો પ્રેક્ષકો એની સાથે હોવા જોઇએ અને છેલ્લે ડાકૂ દેશની એક 'મહાન વ્યક્તિ'સાબિત થવો જોઇએ. ફિલ્મનો હીરો ડાકૂ બન્યો હોય ને પ્રેક્ષકોએ એને નફરત કરી હોય, એવી આજ સુધી એક પણ હિંદી ફિલ્મ બની નથી. 

આઘાતની વાત તો એ છે કે, પોતાના ગુરૂ ગુરૂદત્તની જેમ ફિલ્મમાં ગીતોના ટૅકિંગનો એ બાદશાહ ગણાતો, પણ અહીં તો એવી ય એકે ફ્રેમ નહિ ! એમ કહેવાય છે કે, બપોર પછી આડેધડ ઢીંચવાનું શરૂ કરી દેતો હોવાથી બાકીનું શૂટિંગ એના આસિસ્ટન્ટો સંભાળે... ગુસ્સામાં ખૂબ ગાળો બોલતો હોવાથી પીને સુઇ ગયેલા ખોસલાને જગાડવાની કોઇ હિંમત ન કરે.      

આવી ફિલ્મની વાર્તા તો ઠીક, એનો ટુંકસાર લખતા ય પૅન તોતડાઇ જાય, છતાં આ કૉલમના વાચકો આ ફિલ્મના પ્રેક્ષકો જેટલા બદનસીબ નથી, માટે સાર જોઇ લઇએ :    

મધ્ય પ્રદેશના બીહામણા કોતરોમાં એક જમાનામાં માત્ર ડાકૂઓનું રાજ હતું. એ કહે એ જ હૂકમ. પોલીસ, સરકાર કે પ્રજાનું કાંઇ ઉપજે નહિ. એવી અનેક ડાકૂ ટોળકીઓમાં સૌથી વધુ ખતરનાક ઠાકૂરો અને બ્રાહ્મણોની ડાકૂ ટોળીઓ હતી. ('બ્રાહ્મણ અને ડાકૂ...???' ...સાઉન્ડ્સ ઈન્ટરેસ્ટિંગ, ના ?) અહીં બ્રાહ્મણ ડાકૂ રૂપાસિંઘના બાપે અદાલતમાં જુઠી ગવાહી આપીને ઠાકૂર ડાકૂ બહાદુરસિંઘને ફાંસીને માંચડ લટકાવે છે. એના દીકરા વિનોદ ખન્નાને એની મા નિરૂપા રૉય (રામ જાણે કેમ પણ ફિલ્મે ફિલ્મે નિરૂપા રૉયે આવા જ છોકરા જણ્યા હતા. કોઇ મોટો થઇને 'ભાઇ'બને, કોઇ મવાલી તો કોઇ ડાકૂ !) તગડું ડૉનેશન આપીને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણવા મૂકવાને બદલે ડાકૂ બનાવવાનો ફૂલ-ટાઇમ કૉર્સ કરાવે છે. જેથી મોટો થઇને આ બ્રાહ્મણ ડાકૂ કબીર બેદીના મૌતથી બદલો લઇ શકે. ફિલ્મ પૂરી થતા સુધીમાં બન્ને સુધારવા તો પડે, એટલે 'ગાંવ કી ભોલી ગોરી'મૌસમી ચૅટર્જીને લઇ આવે છે, જેને માટે આ બન્ને ડાકૂઓ નજર બગાડે તો છે, પણ ફિલ્મ પૂરી થયા સુધીમાં નજર સુધારે નહિ, તો પ્રેક્ષકો જાતે ડાકૂગીરીમાં પડવા માંડે. એવું પાપ ન થાય માટે મૌસમી એ બન્નેને સુધારી પોતાના પ્રેમી ભોલા (વાસ્તવિક જીવનમાં એનો ગોરધન) સાથે 'ગોલીયોં કી બૌછાર કે બીચ મેં...'પરણી જવાય!    

ફિલ્મનું સૌથી ઘાતક પરિબળ ફિલ્મના એકેએક નબળા ઍકટરો ! વિનોદ ખન્નાને 'મેરે અપને', 'અચાનક', 'ઇન્કાર', 'ઈમ્તિહાન'કે બહુ બહુ તો 'અમર, અકબર, ઍન્થની'માં ઍક્ટર તરીકે મૂલવવાનું મન થાય, પણ આપણને એ 'સ્ટાર'વિનોદ ખન્ના ગમતો ને આજે ય ગમે. પણ ઍક્ટિંગમાં અમિતાભ કે રિશી કપૂરથી બસ્સો બસ્સો માઇલ દૂર રાખવો પડે.   

વિનોદ ખન્નાના ફિલ્મો પૂરતા એના બન્ને નિષ્ફળ પુત્રો અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના (નામ આવું પડે, પછી એને નિષ્ફળ કહેવાની જરૂરત પડે ?) એની પહેલી પત્ની 'ગીતાંજલી તાલ્યારખાન'ના હતા. બીજી પત્ની કવિતા દફ્તરી ફિલમોમાં આવી નહોતી.

બહુ ઓછાને ખબર હશે કે, આ બન્ને સ્ત્રીઓ પહેલા વિનોદ ખન્નાની સગાઇ કોમેડિયન-ઍક્ટર આઇ.એસ. જોહરની દીકરી અંબિકા (નીલમ) જોહર સાથે થઇ હતી. અંબિકા જોહરની 'ફાઇવ રાઇફલ્સ'જેવી ૩-૪ ફિલ્મોમાં આવી હતી. ચોંકતા નહિ... વિનોદ ખન્નાની સગાઇ સ્મિતા પાટિલ સાથે પણ થઇ હતી. બન્ને વચ્ચે લાંબુ અફૅયર હતું. 'ડૂંગરે ડૂંગરે, કાદુ તારા ડાયરા..'!   

કબીર બેદી સારો જ નહિ, નબળો કહી શકાય એટલી ફિલ્મોમાં ય ઍક્ટર તરીકે ઝળક્યો નથી. આવી અદભુત પર્સનાલિટીનો માલિક કબીર અભિનયમાં કાંઇ ઉકાળી ન શક્યો, પણ ઈ.સ. ૧૯૯૮માં ઈટાલીમાં બનેલી ટીવી-સીરિઝ 'સૅન્ડોકન'માં એ  ખૂબ ખીલ્યો અને સોનિયા ગાંધી કરતા ઈટાલીમાં આજે ય કબીર બેદીનું નામ મોટું ગણાય છે.     

બહેન મૌસમીનું કામ એના તૂટેલા કે આઘાપાછા દાંતને કારણે એટલી જ જગ્યા પૂરતું વખણાય. અનેક હિંદી-બંગાળી ફિલ્મો કરવા છતાં ઍક્ટ્રેસ તરીકે બેનજી મહાન ગણાયા નથી. એનો ગોરધન રિતેશ મુકર્જી (સાચું નામ 'જયંત') એના ગ્રેટ ફાધર સંગીતકાર હેમંત કુમારનું કદાચ સૌથી નબળું કમ્પોઝિશન હશે ! રિતેશ મુકર્જી વધારે પડતો સ્ત્રૈણ્ય લાગે છે. ફિલ્મના એક દ્રશ્યમાં ડાકૂ કબીર બેદીના સાથી તરીકે એણે હાથમાં બંદૂક પકડી છે કે મેળામાં કોક ગ્રામીણ સ્ત્રીએ છોકરૂં તેડયું છે, એની ખબર ન પડે.      

ફિલ્મમાં વિનોદ ખન્ના 'વડીલ'ડાકૂ બનતો ત્રિલોક કપૂર પૃથ્વીરાજ કપૂરનો સગો ભાઇ થાય. અસલી પંજાબી હાઇટ-બૉડીને કારણે મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં એણે ભગવાન શંકરનો રોલ કર્યો અને પાર્વતી તરીકે અચૂક નિરૂપા રૉય હોય. બન્નેએ આ જ જોડીની ૧૮ ફિલ્મો કરી.    

ફિલ્મના મુજરા 'જા રે જા ઓ દીવાને તુ ક્યા જાને..'માં અત્યંત ખૂબસુરત ઝેબ રહેમાન અને સોના છે. ઝેબમાં મધુબાલાના ચેહરાને મળતી આવતું રૂપ ઠાંસી ઠાંસીને ફર્યું હતું. માલા સિન્હા-ધર્મેન્દ્રની ફિલ્મ 'આંખે'માં એનું સેક્સી રૂપ ઝગારા મારતું ઊઠી આવ્યું હતું, ત્યારે તો સાહિર લુધિયાનવીએ લખવું અને માલાને ગાવું પડયું હતું, 'ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ, અય જાને વફા, યે ઝૂલ્મ ન કર...'જેમાં ગૈર એટલે કે પારકી સુંદર સ્ત્રી આ ઝેબ રહેમાન હતી.     

કેદાર શર્માએ મધુબાલાના ચેહરાને ધ્યાનમાં રાખીને ઝેબને 'પ્રીતિબાલા'નામ આપીને ફિલ્મ 'ફરિયાદ'ની હીરોઇન બનાવી હતી. યાદ તો હશે સુમન કલ્યાણપુરનું લાજવાબ સોલો, 'હાલે દિલ કો સુનાના થા, સુનાયા ન ગયા..' 

પણ જે તવાયફને ડાકૂ વિનોદ ખન્ના ઊઠાવી જાય છે, એ અભિનેત્રી સોના તો સાચ્ચે જ મધુબાલાને ઘણી મળતી આવતી હતી. એ જમાનાના માફિયા-ડોન હાજી મસ્તાન પહેલેથી મધુબાલાના પ્રેમમાં હતા, પણ મધુ ગૂજરી ગઇ, એટલે હાજીએ મનુની હમસકલ આ સોના સાથે નિકાહ પઢ્યા. સોનાનું સાચું નામ ઉર્ફે  શાહજહાન  બેગમ છે. 

યસ. ન હસવું હોય તો ય ખડખડાટ હસી પડાય, એવા કામો ખોસલાને આ ફિલ્મમાં ઘણા કર્યા છે. જેમ કે, ખરી ઘડીએ જ, કૅબીનમાં દુધની કોથળી ખલાસ થઇ જાય એમ ડાકૂ ફિલ્મોમાં હીરો મરવાનો થવા આવે, ત્યાં એની રાયફલ કે રીવૉલ્વરમાં છેલ્લી ઘડીએ ગોળીઓ  ખાલી થઇ જાય ! અહીં ખોસલાએ જબરૂં ડીંક ચલાવ્યું છે. વિનોદ ખન્ના અને કબીર બેદી બન્ને ડાકૂઓ મૌસમી-રીતેશના લગ્ન પોલીસ-પાર્ટને રોકવા બંદૂકબાજીથી સંગીતના સૂર પેદા કરે છે.

વાંચો જરા, ગમ્મત પડે એવું છે. 'આખીર એક ઠાકૂર કી શાહી હૈ..'એમાં બાજાં-નગારા તો જોઇએ ! વિનોદ પોતાની મશિનગનમાંથી શેહનાઇ અને નગારાનો અવાજ કાઢી બતાવે છે.. (અફ કૉર્સ, બારણું બંધ થવાનો કિચૂડ-કિચૂડ અવાજે ય નથી આવતો, પણ રાજ ખોસલા પ્રેક્ષકોને આ બેવકૂફીથી પણ મામુ બનાવવાનો મૂરખ પ્રયાસ કરે છે.)     

એકબીજાનો જાન લેવાની પ્રતિજ્ઞાા સાથે જીવી રહેલા આ બન્ને 'ખેલદિલ'ડાકૂઓ એમના જીવનની છેલ્લી ગોળી એકબીજાની છાતીમાં મારીને જ મરવાની વાતો, કૉલેજ-કૅન્ટીનમાં બે વિદ્યાર્થીઓ એકબીજાને 'વૉટ્સઍપ'કરતા હોય, એટલી આસાનીથી કરે છે. વિનોદ-કબીરે એકબીજાના ખૂન કરીને જ ઠાકૂરોં કી અને બ્રાહ્મણોકી શાન બચાવવાના હોય છે, પણ ફિલ્મમાં એવો 'ઍન્ડ'કેવી રીતે લાવવો, એની ઝાઝી સમજ ન પડતા ખોસલાએ, ''...પછી એ બન્નેનું શું થયું ?''એનો જવાબ અધ્યાહાર જ રાખ્યો છે.

ફિલ્મમાં સર્વોત્તમ કામ થયું હોય તો એ સંગીતનું છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલે તમામ ગીતો લતા મગેશકર પાસે ગવડાવીને સાચ્ચે જ મધુરૂં કામ કર્યું છે. એમાં ય, 'મેરે બચપન તૂ જા, જા જવાની કો લે આ'અને 'હાય હાય એક લડકા મુઝકો ખત લિખતા હૈ'બહુ સૂરિલા ગીતો છે. મુજરા લગતા તો ભાગ્યે જ ગાતી, છતાં અહીં 'જા રે જા ઓ દીવાને'એના રિધમ-સૅક્શનને કારણે દિલડોલ બન્યું છે.

આ ગીતની કોરિયોગ્રાફી સાઉથના ડાન્સ-ડાયરેક્ટર નાયડૂએ અદભુત કરી છે. ખાસ તો, બન્ને ડાન્સરો ઝેબ રહેમાન અને સોના સ્પેશિયલાઇઝડ ડાન્સરો ન હોવા છતાં રિધમ પ્રમાણે બન્નેના સ્ટૅપ્સ  મનોહર બન્યા છે.

ગુજરાતીઓનો પેલો સ્ટાન્ડર્ડ અને સલામત જવાબ છે ને, 'એક વાર જોવા જેવું ખરૂં...'પણ આ ફિલ્મ માટે તો ભોગ લાગ્યા હોય તો ય એકે વાર નહિ જોવાની અપીલ છે.

એન્કાઉન્ટર : 10-06-2018

$
0
0

* પહેલાના જમાનામાં લોકોને વાસણો ઉપર નામ લખાવવાનો શોખ હતો..!
- શોખ નહોતો, મજબુરી હતી. ખબર પડે કે, ક્યું વાસણ કોના ઘેરથી લાવ્યા છીએ.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* ઉપવાસ શરૂ કરતા પહેલા નાસ્તામાં શું લઈ લેવું સારૂં ?
- ઉપવાસ કરવાનો ન હોય.. જાહેર કરવાનો હોય !
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

* કચરાપેટી હોવા છતાં કચરો બહાર નાંખનારાઓને શું કહેશો ?
- કોંગ્રેસ.
(
જયેશ સુથાર, કણજરી-  નડિયાદ)

* રૂ.૨,૦૦૦/- ની નોટ વિશે શું કહેશો ?
-  મારી પાસે તો ગણીને ૫૦૦- ગ્રામ પણ નથી.
(
કિસ્મત તળપદા, વાંઠવાળી- ખેડા)

* આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગુજરાતી કહેવત કઈ ?
-  જમીને સુઈ જવું અને મારીને નાસી જવું.
(
અજય જોશી, નાસિક-  મહારાષ્ટ્ર)

* ટીવી-સિરિયલોમાં કામ કરવા છતાં ઘણા કલાકારોના દાંત કાળા કેમ હોય છે ?
-  ફિલ્મોમાં કામ કરતા હોત તો બોખા હોત !
(
જ્યોતિકા પંડયા, વલ્લભ વિદ્યાનગર)

* જીએસટી અને પત્ની વચ્ચે શું સામ્ય ?
- આખા દેશમાં બધાને સરખે ભાગે નડે અથવા ફળે છે.
(
રાહુલ ડી. ચૌહાણ, નડિયાદ)

* 'એન્કાઉન્ટર'નો સુવર્ણકાળ કયારથી ગણવો ?
- દર રવિવારે.
(
શૈલેષ શુક્લ, કડી)

* દેશમાં વધી રહેલ બળાત્કારો સામે સરકારની કામગીરી કેવી જણાય છે ?
- આ વિષય આપણા બધાના મનને દુ:ખી કરે છે. એના વિશે સવાલો ન પૂછવા.
(
ધવલ જે. સોની, ગોધરા)

* જે સમારંભમાં તમે મુખ્ય મહેમાન હો ને વોચમેન તમને અટકાવે તો શું કરો ?
- ભાષણ કરવા એને મોકલું. પણ.. ગેટ પર કોને ઊભો રાખવો, એ સવાલ અઘરો પડે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* દેશના કરૂબાજો માટે લંડન સ્વર્ગસમું નથી લાગતું ?
- એવું ના બોલશો. મારૂં સગું સાસરૂં લંડનમાં છે.
(
રહીમ મલકાણી, ભાવનગર)

* ધર્મો જોડવાનું કામ કરે છે કે તોડવાનું ?
- ધર્મોને કારણે જ દેશભક્તિ નામની રહી છે.
(
બલવંતસિંહ સોલંકી, વડોદરા)

* 'થેન્ક યૂ'અને 'સોરી'નું કોઈ મહત્વ ?
- સોરી. મને જવાબ આવડતો નથી, પણ મને આવું પૂછવા માટે 'થેન્ક યૂ'!
(
રવિકુમાર ધાડવે, સુરત)

* મોટા ભાગના મંત્રીઓ અંગૂઠાછાપ!
- એ આપણા માટે સારૂં થયું છે. વગર ભણે દેશની (............), તો ભણ્યા હોત તો ? (કૌંસમાં ઇચ્છો તે ભરી દેશો.)
(
અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ-  તલોદ)

* પેટ્રોલના ભાવો... ઉફ, હવે તો ટુ- વ્હિલરે ય પોસાતું નથી..
- સરકાર હવે પેટ્રોલથી ચાલતી સાયકલો ફરજીયાત કરવાની છે.
(
નીલેશવાળા, સરખડી-  ગીરસોમનાથ)

* લેખક બનવા માટે શું કરવું જોઈએ ?
- આપણું લખેલું બીજાને ગમવું જોઈએ.
(
સંકેત વ્યાસ, રાલીસણા- વિસનગર)

* 'એનકાઉન્ટર'માં સવાલ તમે પૂછો અને જવાબ અમે આપીએ, તો કેવું ?
- લગ્નમંડપમાં કોઈ વરરાજો ગોરમહારાજને આવી અદલાબદલીનું પૂછે છે ?
(
જોય કાનાબાર, જોધપુર-  રાજસ્થાન)

* 'વંદે માતરમ'. શું ઇ.સ.૨૦૧૯- માં મોદી સાહેબ ફરી વડાપ્રધાન બનશે ?
- એમની બરોબરીનો તો બીજો એકે ય ભારતીય દેખાતો નથી.
(
ચેતન પટેલ, નાસિક-  મહારાષ્ટ્ર)

* 'એનકાઉન્ટર'નો ગુજરાતી અનુવાદ શું થાય ?
- ઢેખાળાબાજી.
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* સાસુ- વહુ માટે કોઈ કાયમી સોલ્યુશન ?
- એમાં સોલ્યુશન ના હોય.. બન્ને સ્ત્રીઓ છે.
(
સુધીર પરમાર, રાખેજ-  ગીરસોમનાથ)

* આપણા ધાર્મિક સ્થાનો પર તિરંગો ક્યારે જોવા મળશે ?
- જ્યારે ઇશ્વર કરતા રાષ્ટ્ર મહાન લાગશે ત્યારે.
(
મનિષ રામાવત, મીઠાપુર- દ્વારકા)

* રામરહિમ, આસારામ, રાધેમા... તમને નથી લાગતું, પ્રજાએ હવે બાબાઓનો સંગ છોડી દેવો જોઈએ ?
- પ્રજા છોડે, તો ય રાજકીય પક્ષો બાબાઓને ના છોડે... મોટી વોટબેન્કો કહેવાય!
(
ગંગા મોડેદરા, કુતિયાણા)

* આપનું સૌથી વધુ મનગમતું ગીત કયું ? કારણ જણાવશો.
-  મુહમ્મદ રફીએ ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'માટે રવિના સંગીતમાં ગાયેલું 'જાને બહાર હૂસ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ..'કારણ બતાવીને માણસ ગમાડવાનો હોય, ગીત નહિ !
(
શૈલેષ દરજી, અમદાવાદ)

સૅલ્ફી મૂકીને શીખો સાયકલ સજનવા....

$
0
0

દુનિયાભરની વાઇફોને સાયકલ રોડ ઉપર ચલાવવા માટે શીખવી હોય છે, મારી વાઈફને ઘરમાં ઍક્સરસાઇઝ માટે લાવેલી સાયકલ ચલાવતા શીખવી હતી. પડી જવાની બીક અને ઘરના ય બધા સહમત કે કોઇને અથડાવી મારે એના કરતા શીખવાડી દેવી સારી ! શીખવવાનું નેચરલી, મારા ભાગે આવ્યું, પણ એ પહેલા મારે ય શીખવી પડે એમ હતી. રસ્તે ચલાવવાની સાયકલ ઉપર આપણી માસ્ટરી. સ્પીડ પણ પકડું અને ગમે તેવી પતલી ગલીમાંથી કાઢી લઉં, એમાં તો ૩-૪ વાર રસ્તે ચાલતા નિર્દોષ વટેમાર્ગુઓના પગ વચ્ચે ભરાઈ ગયેલી...

મારી આવડત કે ઇરાદા વગર ! પણ ઍક્સરસાઇઝ-બાઇક નહિ શીખવાનું એક માત્ર કારણ સીધેસીધું સામે જોઇને, માણસ ગાંડો થઇ ગયો હોય એમ મંઝીલ વગર બેવકૂફીપૂર્વક ચલાવે જવાનું. બુધ્ધિનો કોઇ ઉપયોગ નહિ. રસ્તે જતા આપણે કંઇ જોવું હોય એ ય જોવાય નહિ. ટુંકમાં સફરની કોઇ મંઝિલ નહિ ને સુહાના દ્રષ્યો નહિ.

લેવાદેવા વગરના પૅડલો મારે જવાના અને ભીંત પર લટકતો ક્રોધિત સ્વ. દાદાજીનો ફોટો જોયે રાખવાનો...! આવી કસરતી-સાયકલમાં શું લાટા લેવાના ? આ તો એક વાત થાય છે.પણ રોડ પર ચલાવવાની સાયકલમાં પ્રોબ્લેમ શું હોય છે કે, આપણે ચલાવતા હોઇએ ને પાછળથી સાયકલને પકડી રાખનારૂં કોઇ હોતું નથી. 'હોવું પણ ન જોઇએ,'એ નિશ્ચય મેં વાઇફને સાયકલ શીખવવાના સંદર્ભમાં લીધો હતો.

આપણું કામ, એ સીટ પર બેસી જાય ને રગડતી થાય, ત્યારે બે-ત્રણ ડગલાં સાયકલ સાથે દોડવા પૂરતું હોય.... સાયકલની પાછળ પાછળ કાગળીયું ઘસડાતું જાય, એ સારૂં લાગે, એનો ગોરધન ઘસડાય એ નહિ ! ઘેર બેઠા કસરત માટેની બાઇકનો ફાયદો એટલો કે, એ એકલી બેઠી બેઠી પૅડલો મારે રાખે ને આપણે છાપું વાંચતા રહીએ. એ વાત જુદી છે કે, રસ્તાના ટ્રાઇકને જોતી હોય, એનાથી ઇન્સ્પાયર થઇને ઍક્સરસાઇઝ-બાઇક પર બેઠી બેઠી ય હાથ બતાવીને સાઇડ આપે !

રૂ. ૨૫-હજારની બાઇક પાછળ એને માટેના ખાસ સ્પૉર્ટ્સ-શૂઝ, ટ્રૅક-પૅન્ટ, રિસ્ટ-બૅન્ડ, કૅલરી માપવાની વૉચ (ઘડીયાળ) અને એનાથી ય આજકાલ મોંઘા પડતા લિંબુના જ્યુસના ખર્ચા...! ખાસ તો, એ સાયકલ ચલાવતી હોય ત્યારે કેવી લાગે છે, એ જોવા માટે ફૂલ-સાઇઝનો અરીસો નંખાવવામાં આવ્યો. એ ઘરમાં સાયકલ ચલાવતી હોય ત્યારે ઘણીવાર નીચેના ફ્લૅટવાળા બૂમો પાડતા આવે કે, 'તમારા ઘરમાં કોઇ મોટું કબાટ-બબાટ હેઠું પડયું લાગે છે... નીચે મોટા ધમાકા સંભળાય છે !'
....
ને તો ય, મોટું મન રાખીને આ બધું અમે સહુએ ચલાવી લીધું, પણ વાઇફ કોકવાર તાનમાં આવી જાય તો સ્પીડ વધી જાય અને બૅલેન્સ રહે નહિ, એમાં ભમ્મ... થઇ જાય....

કોઇકે સૂચન કર્યું, 'ભાભીને બૅલેન્સનો પ્રોબ્લેમ રહેતો હોય તો સાયકલને બદલે પગરીક્ષા શીખવો... એમાં પડી નહિ જવાય !... થોડા ઘણા પૈસા ય કમાવાશે...સાઇડમાં થોડી ઇન્કમ થશે. છેવટે, લાખ દુઃખોં કી એક દવા....એને રસ્તે ચલાવવાની સાયકલ જ શીખવવાનું અમે નક્કી કર્યું. ઘરમાંથી કોઇકે સૂચન કર્યું કે, 'ભાભીને સાયકલ શીખવી હોય તો આપણે નારણપુરા છોડીને કોઇ નજીકના વસ્તી વિનાના ગામે રહેવા જતા રહીએ. કોઇ મરે તો નહિ. આપણા ઍરીયામાં રોજેરોજની મારામારીઓ ના પોસાય !

એક નવી સાયકલ ખરીદવામાં આવી. ખરીદી હશે એને ખબર હશે કે, જે કિંમત ઉપર પહેલા ગાડી (કાર) મળતી હતી, એટલા ભાવે આજે સાયકલ મળે છે. મારી ઉંમરના તો દરેક યુવાનોએ આપણા જમાનામાં ભરપુર સાયકલ ચલાવી છે. ગાડી તો દૂરની વાત છે, સ્કૂટરો બહુ ઓછા પાસે હતા. સાયકલ ઉપર ડબલ-સવારીની મઝા, ટયુબમાં હવા ભરાવવાની યાદો, બહુ ઘંટડી વગાડવાની આવે તો જમણા હાથનો અંગૂઠો દુઃખી જાય, પાછળ કૅરિયર ઉપર સામાનને બદલે યારદોસ્તોને બેસાડવાની થ્રિલ....પણ બહુ ઓછાને યાદ રહ્યું હશે કે, સાયકલના ગવર્નરની આગળ ઘાસલેટનો રીતસર દીવો સળગાવવો પડતો. પાવર-સૅલ (બૅટરી) કે ડાયનૅમો તો બહુ પછી આવ્યા, પણ પોલીસની ભાષામાં એ 'લાઇટ'વગરની સાયકલ ચલાવવી ગૂન્હો ગણાતો.

આગળના ડાંડા ઉપર કોઇ ગર્લ-ફ્રૅન્ડને બેસાડવી તો બહુ દૂરની વાત હતી, દોસ્તને બેસાડયો હોય એ ય પોલીસથી ન ખમાય ને ચાર-પાંચ રૂપીયાનો આકરો દંડ થતો. એ જમાનાની અનેક ફિલ્મોમાં હીરો-હીરોઇન પોતપોતાની સાયકલો જાહેર રસ્તા ઉપર અથડાવે પછી પ્રેમ થતો. કોઇ અમદાવાદીએ પોતાની સાયકલને સાયકલ કીધી નથી, 'ગાડી'કહે. '...ગાડી પાર્ક કરીને આવું છું...!'મજાની વાત એ હતી કે, પુરૂષોને સાયકલ પર બેસવા માટે આખો જમણો પગ ફંગોળી, પાછળ લઇ જઇને બીજી બાજુના પૅડલ પર સૅટ કરવો પડતો. સ્ત્રીઓ મોટા ભાગે સાડીઓ પહેરતી એટલે એમને આવી છલાંગ મારીને બેસવું ફાવે નહિ.

આગળ તો સીટથી ગવર્નર સુધીનો ડાંડો હોય ! કેવી રીતે બેસે ? માટે એ જમાનામાં સ્ત્રીઓ માટે ખાસ 'લૅડીઝ સાયકલો'બનતી, જેમાં આગળ ડંડો ન હોય અને પૅડલ પર એક પગ મૂકીને બીજો સીધો બીજા પૅડલ પર લઇ જઇ શક્તો.

આને-અમારાવાળીને આવા સ્વાવલંબી રાજ્યાભિષેકની તો ચિંતા નહોતી. એ બધું મારે કરાવી આપવાનું હતું. ગોર મહારાજ મૅક્સિમમ પરણાવી આપે...! ફ્લૅટની બહાર સાયકલ પકડીને એક બાજુ હું ઊભો રહ્યો. એ ફૂલ યુનિફૉર્મમાં આવી. સફેદ ટી-શર્ટ, ટાઇટ પૅન્ટ, સફેદસ્પૉર્ટ્સ-શૂઝ, અને હાથમાં સૅલફોન. સાયકલ શીખતા પહેલાનો સૅલ્ફી લેવો અગત્યનો હતો, કારણ કે ફૅસબૂક પર મૂકવો પડે. એનો સૅલ્ફી લેવાનું મને ન કીધું, એટલો એનો આભાર, પણ બીજા ૨૯-સૅલ્ફી સાયકલ પર બેઠા પછીના લેવાયા, જેમાં હું ન દેખાઉં, એનું ધ્યાન રાખવાનું હતું, નહિ તો 'ઍફબી'માંબધાને ખબર પડી જાય કે, કોકે આને સાયકલ શીખવી છે. મારો ફોટો ન આવે, એનું ધ્યાન મેં વધારે રાખ્યું હતું... કાલ ઉઠીને પ્રજા તો વાતો કરવાની જ છે કે, કયા ડોબાએ આને આવી સાયકલ શીખવાડી હતી
 !
''
નાથ...સવથી પેલ્લા સુઉં કરવાનું હોય છે ?'' (આમ કોક સાંભળતું હોય તો એ મને 'નાથ'કે 'સ્વામીનાથ'કહીને બોલાવે છે... બાકી 'નાથુ' !)

''
પહેલા તો---''''હું એમ કે'તી'તી કે... આંઇ બા'ર શાયકલ શીખતા થાકોડા લાગે તો કૉમ્પ્યૂટર ઉપર શાયકલું હલાવતા નો શીખાય ? ઇ મને વધારે શેલું પડે...કમ્પ્યૂટર પર શાયકલું હલાવવાની ઓલી વિડીયો ગૅઇમું નથ્થી હોતી...?''એના સાયકલ પર આરૂઢ થતા પહેલા મેં લગભગ બૉંતેર સવાલોના જવાબો આપ્યા હશે...!
(
વધુ આવતા અંકે)

સિક્સર
- આ અહીં ભાડુતી ઘોડાઓ કેમ પાર્ક કર્યા છે ?
- ચાલનારાઓ માટે ઘોડાઓ અમદાવાદનો સી.જી. રોડ પાર્ક કરી આપે છે.
Viewing all 894 articles
Browse latest View live