Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)

$
0
0

ફિલ્મ: 'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)
નિર્માતા-દિગ્દર્શક    :    બાસુ ચેટર્જી
સંગીત    :    બાસુ ચક્રવર્તી
રનિંગ ટાઈમ    :    ૧૫ રીલ્સ-૧૧૭ મિનીટ્સ
થીયેટર    :    માહિતી નથી
કલાકારો    :    પંકજ કપૂર, કે.કે.રાયના, દીપક કાઝિર, અનુ કપૂર, સુબિરાજ, એમ.કે.રાયના, અમિતાભ શ્રીવાસ્તવ, એસ.એમ.ઝહીર, સુભાષ ઉદગતે, હેમંત મીશ્ર, શૈલેન્દ્રગોયલ, અઝીઝ કુરેશી, સી.ડી.સિંધૂ

અદાલતમાં આખરી નિર્ણય ન્યાયાધિશ આપે છે, પરંતુ ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોમાં 'જ્યુરી-સીસ્ટમ'હતી - ઘણા દેશોમાં હજી છે, જેનો અર્થ ન્યાયાધિશ સમાજના જુદા જુદા ક્ષેત્રોના લગભગ ૧૨ પસંદીદા સજ્જનોને શપથ લેવડાવી આરોપીના ગૂન્હાને સંપૂર્ણ નિષ્પક્ષ થઇને પોતાનો ચુકાદો આપવા સૂચન કરે છે કે, આરોપી ગુન્હેગાર છેકે નિર્દોષ ! ઇ.સ. ૧૯૫૯ના અત્યંત વિવાદાસ્પદ બનેલા 'કે.એમ.નાણાવટી વિ.મહારાષ્ટ્ર રાજ્ય સરકાર'ના કેસમાં જ્યુરી ખૂબ ટીકાપાત્ર બની હતી, કે, ન્યાય જાહેર કરવામાં જ્યુરી અખબારી અને અન્ય અહેવાલોથી દોરવાઈ ગઇ હતી પરિણામે, આ છેલ્લા કેસ પછી ભારતમાં જ્યુરી-સીસ્ટમ નાબૂદ કરવામાં આવી હતી.

ન્યાય-પ્રણાલી મુજબ, જ્યુરીના તમામ સભ્યોનો નિર્ણય સર્વાનુમત હોવો જોઇએ, એક પણ અપવાદ ન ચાલે. અલબત્ત, આ કેસના આરોપી કાવસ માણેકશા નાણાવટી પારસી હતા. જ્યુરીએ આપેલા ચુકાદા મુજબ, આ કેસ ઇ.પી.કો. ૩૦૨ મુજબ બેૅનચમની ર્રસૈબૈગી નો બનતો નથી. આના ઉપર સેશન્સ જજ નારાજ થયા હતા કેસ હાઈકોર્ટને મોકલાવ્યો હતો અને આ જ વિવાદને કારણે ભારતમાં જ્યુરી-સીસ્ટમ નાબુદ થઇ હતી. જો કે, ભારતમાં એક માત્ર પારસી-કૌમના લગ્નસંબંધી વિવાદો ઉકેલવા તેઓ ઇચ્છે તો જ્યુરી-સીસ્ટમ અપનાવી શકે, છે. આ કાયદો 'પારસી લગ્ન અને છુટાછેડા ધારો-૧૯૩૬'(જે ૧૯૮૮માં સુધારવામાં આવ્યો હતો.) ઉપર આધારિત છે.

ઇન્ડિયન નૅવીના નૅવલ-કમાન્ડર કાવસજી માણેકશા નાણાવટીની ગૅરહાજરીમાં ઇંગ્લિશ પત્ની સીલ્વિયાને કાવસજીના જ જીગરી સિંધી દોસ્ત પ્રેમ આહુજા સાથે અવારનવાર શરીર સંબંધ સાથે ગેરકાયદેસર પ્રેમ થઇ ગયો હતો. આહુજા મોટો ફ્લર્ટ હતો અને કાવસની ઇંગ્લિશ વાઇફને લગ્ન કરવાની લાલચો આપતા એમ પણ ઉશ્કેરતો કે સીલ્વિયા ડિવોર્સ લઇ લે તો એ લગ્ન કરે. સીલ્વિયાને ખબર હતી કે, આહુજા સ્ત્રીઓનો ભારે શોખિન હતો અને અનેક છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો.

પરદેશ ગયેલા કાવસજીને ઘેર પાછા ફરતા આ 'લફરા'ની ખબર પડતા તેમણે આહુજાને પોતાની રીવૉલ્વરથી ઢાળી દીધો હતો. અદાલતમાં કેસ તો ચાલ્યો પણ જ્યુરીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨-હેઠળ અપરાધી ગણાવ્યો નહોતો, જેનાથી સેશન્સ-જજ નારાજ થઇને આ ચુકાદાને મનસ્વી ગણાવીને હાઈકોર્ટમાં મોકલી આપ્યો હતો. હીરોઇન સાધનાના પતિ આર.કે.નૈયરે ૧૯૬૩માં લીલા નાયડુ, સુનિલ દત્ત અને રહેમાન સાથે બનાવેલું 'યે રાસ્તે હૈં પ્યાર કે'ગુલઝારે આ જ નાણાવટી ખૂન કેસ પરથી સર્જેલું વિનોદ ખન્ના-લીલી ચક્રવર્તીનું 'અચાનક', પૂજા ભટ્ટનું 'લવ અફેર'અને હજી હમણાં આવી ગયેલું અક્ષય કુમરનું 'રૂસ્તમ'આ જ 'નાણાવટી ખૂન કૅસ'પર આધારિત હતા.

વાર્તા કંઇક આમ હતી :
એક સામાન્ય પરિવારના ૧૯ વર્ષના એક છોકરા ઉપર એના પિતાની છાતીમાં ખંજર મારીને હત્યા કરવાનો આરોપ છે. કોર્ટમાં કેસ ચાલે છે,પણ ન્યાયની પ્રણાલી જાળવવા કોર્ટ સદરહૂ કેસનો ફેંસલો કરવા ૧૨-સભ્યોની જ્યુરીને સોંપે છે. જ્યુરીના સભ્યોને એક બંધ ઓરડામાં આ કેસનો નિર્ણય આપવા મોકલવામાં આવે છે. જ્યુરીને છોકરો નિર્દોષ જણાય તો છોડી મૂકવાની અને દોષિત જણાય તો ફાંસીની સજા અપાવાની સત્તા પાસે છે.

કેસ તદ્દન ઉઘાડો અને સાફ હોવાથી છોકરાને દોષિત ઠરાવવાનું સ્વાભાવિક લાગે છે. જ્યુરી સમાજના શિક્ષિતઅને સન્માન્નીય સભ્યોની હોય, છતાં આ કેસમાં ૧૨-માંથી એકને બાદ કરતા બધાને નકામો ટાઈમ બગાડવા જેવું લાગે છે અને તે પણ નિશ્ચિત તૌર પર ! નિયમ મુજબ, સહુનું વોટિંગ કરાવવામાં આવે છે, જેમાં૧૧-ની સહમતિ છે કે, છોકરાએ એના બાપનું ખૂન કર્યું છે અને તમામ પુરાવા એને અપરાધી સાબિત કરવા માટે પર્યાપ્ત છે.

આઘાતની વાત એ છે કે, ભલે એ તમામને ખાત્રીપૂર્વક છોકરો દોષિત લાગતો હોય, છતાં આવા ઉઘાડા કેસની ચર્ચામાં ટાઈમ બગાડવા જેવો લાગતો નથી. એમાંના એક (એમ.કે.રાયના)ને તો દિલીપ કુમારની ફિલ્મ 'મશાલ'ની બ્લેકમાં ટિકીટો આવી હોવાથી મોડું થાય છે ને એ 'આ બધું જલ્દી પતાવવા'બેબાકળો થાય છે. ચર્ચા કરવાનો કોઈને અર્થ લાગતો નથી,સિવાય એક માત્ર સભ્ય કે.કે.રાયનાને. એ પણ છોકરાને નિર્દોષ જ માને છે, એવું નથી પણ આડેધડ ચુકાદો આપી દેવાને બદલે કેસનું પુન:મૂલ્યાંકન થવું જોઇએ,એવું દ્રઢતાપૂર્વક માને છે. સ્વાભાવિક છે, બાકીના અગિયાર એના ઉપર ખફા થાય છે. એ સહુની દલીલો અને ગુસ્સાનો સામનો એ વિનયપૂર્વક કરતો જાય છે અને એક પછી એક અગીયારે સભ્યોને ક્રોસ કરીને પોતાની દલીલો રજૂ કરે છે.

એ સફળ થાય છે કે નહિ, એ સસ્પેન્સનો સબ્જેક્ટ હોવાથી અહીં વાત અટકાવીએ છીએ.

હૉલીવૂડની જૂની ફિલ્મોના જાણકારોને ખબર છે કે, આ ફિલ્મ '૫૦-ના દાયકામાં બનેલી હૅનરી ફોન્ડાની ફિલ્મ 'ટ્વેલ્વ એન્ગ્રી મેન'પરથી બનવવામાં આવી હતી. ફોન્ડાને તમે 'વૉર એન્ડ પીસ', 'ધી લોન્ગેસ્ટ ડે'અને '૬૨માં બનેલી અમદાવાદમાં ખૂબ ગમેલી ફિલમ 'હાઉ ધ વેસ્ટ વૉઝ વન'માં જોઈ હશે, જ્યારે બીજા હીરો લી જૅકબ્સને 'ધી એક્સોર્સિસ્ટ', અને 'મેકેનાઝ ગોલ્ડ'માં જોયો હોય.

આમે ય, આપણી ફિલ્મોમાં આપણું કશુંક જો કાંઈ હોય તો એ ઓડિયન્સ હોય છે, બાકી તો માલ અહીંથી ઉઠાવ્યો ને પોતાના નામે સીલ કરાવ્યો. હોલીવૂડમાં બનેલી ફિલ્મ હોય કે સંગીત, આપણાવાળાને ઉઠાંતરી કરવામાં મહેનત તો ઘણી પડે છે - પડી હતી... પણ હવે 'ગૂગલ'કે 'યૂ-ટયૂબ'આવી ગયા પછી ચોરી-ઉઠાંતરીઓ ઘેર બેઠા આપણે પકડી શકીએ છીએ.

બીજાની ધૂનમાં નામના ફેરફારો કરીને પોતાના નામે ચઢાવવામાં નૌશાદઅલી, શંકર-જયકિશન કે ઓપી નય્યર જ નહિ, એકે ય સંગીતકાર બાકી નહતો ને નથી. મનમાં હસી પડાય એવો સવા એ ઊભો થાય કે, આપણા ફિલ્મસર્જકો કે સંગીતકારો જેમના સર્જનો ઉઠાવીને પોતાને નામે ચઢાવે છે, એ સર્જકોએ કોની પાસેથી માલ તફડાવ્યો હશે ? કોઇક તો મૌલિક હશે ને, જેણે પૂર્ણપણે નવું જ સર્જન કર્યું હોય ! જો એ લોકો આવા અદ્ભુત સર્જનો કરી શક્તા હોય તો આપણાવાળા કેમ નહિ ? બાત સોચને જૈસી હૈ...!      

નાનકડા અપવાદને બાદ કરતા પૂરી ફિલ્મ ૧૨ કલાકારો પુરૂષો છે બાસુ ચેટર્જી તો અમોલ પાલેકર-ઉત્પલ દત્ત બ્રાન્ડની કોમેડી ફિલ્મો અને તે પણ ભારતના મધ્યમવર્ગના પ્રેક્ષકો માટે બનાવતા. વચમાં હવાફેર ખાતર આવી પ્રયોગાત્મક ફિલ્મો બનાવી. ફિલ્મમાં ગીત તો જાવા દિયો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક નામનું જ છે. આખી ફિલ્મ મકાનના એક ઓરડામાં પૂરી થઇ જાય છે, પણ જેને હૅનરી ફોન્ડાનું '૧૨-ઍન્ગ્રીમેન'ન જોયું હોય, એમને માટે બેશક આકમાલની ફિલ્મ બની છે.   

કોઈ નિર્દોષ ફાંસી પર ચઢતો ને તમે બચાવી શકો એવી અવસ્થામાં હોય, ત્યારે માણસ, 'આમાં આપણું કંઇ નથી ને ?'એવો ઘટીયા વિચાર કરીને કોઈ નિર્દોષ ફાંસી પર લટકાવી દેવાય, તે માટે એને હૃદયમાં નાનકડી ખટકી ય આવતી નથી. નજરે જોયેલું કે કાને સાંભળેલું ક્યારેક તદ્દન આભાસી હોઈ શકે, પણ તેથી કોઇને માંચડે ચઢાવી ન દેવાય... અને એ પણ. 'પોતે તો આવા બધા બહુ કૅસો જોઇ નાંખ્યા'છાપની બૂમરાણી મચાવીને ! '૮૦ના દશકમાં સસ્પેન્સ-કોમેી 'કરમચંદ'દૂરદર્શન પર આવતી. બીજી કોઈ ચેનલો હતી નહિ,એમાં આ સીરિયલે ઘરઘરમાં લાડ મેળવી લીધા. પંકજ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાઝનો નંબર-વન સ્ટાર હતો... બસ,એક હાઇટ નડી ગઈ, એમાં મળવા જોઇએ એવા ફિલ્મી કિરદારો કદી ન મળ્યા. પંકજ કપૂર આજના સ્ટાર શાહિદ કપૂરના પિતા થાય અને ગુજરાતનો નસિરૂદ્દીન શાહ પછીનો જમાઈ.

એના પછીનો સૅકન્ડ-લીડનો કિરદાર કે.કે.રાયનાને મળયો છે. દીકરી કોઈને મળીને આવી છે, તે પરફ્યૂમ સુંઘીને નારાજ થઇ જતો પ્રેમાળ પિતાની કોક જાહેરખબર આવે છે, તેમાં કેકે રાયના ઘણો જોવા મળે છે. અનુકપૂર ઘણો સારો એક્ટર છે, એ તો એણે આજથી ૩૫ વર્ષો પહેલા બતાવી આપ્યું હતું.     

દિગ્દર્શકનું એક સરસ મજાનું અડપલું અહીં જોવા મળે છે.   

જેના ઉપર પૂરી ફિલ્મ ગૂંથાઈ છે, તે આ ફિલ્મની વાર્તાનો ખૂની છોકરો ફિલ્મમાં એક દ્રષ્ટ માટે પણ દેખાતો નથી. એ જ રીતે, ફિલ્મ તો ગીત વિનાની છે, પણ આર.ડી.બર્મનના સહાયકો બાસુ-મનોહારી પૈકીના બાસુ ચક્રવર્તીએ ફિલ્મનું સંગીત આપ્યું છે, પણ દાદ એમના સંયમને દેવી પડે કે, પૂરી ફિલ્મમાં ન છુટકે જ બૅકગ્રાઉન્ડ-મ્યુઝિક વગાડયું છે.

એકંદરે ચોક્કસ જોવા જેવી ફિલ્મ.

ઍનકાઉન્ટર : 17-06-2018

$
0
0

* કાશ્મિર સમસ્યાનો શું કોઈ ઉકેલ નથી?
- રક્ષામંત્રી નિર્મલા સીતારામને પ્રેમભરી ચેતવણી આપી છે કે, 'અમને ઉશ્કેરશો તો અમે સહન નહિ કરીએ. પાકિસ્તાની પથ્થરબાજો આપણને ઉશ્કેરતા નથી, તો સાલું આપણે સહન શું કરવાનું? એકે ય પાકિસ્તાની મરતો નથી ને આપણા રોજના સરેરાશ બબ્બે-ત્રણ ત્રણ જવાનો શહીદ થાય છે, એટલામાં શું ઉશ્કેરાવાનું?
(
હસમુખ રાજાણી, રાજકોટ)

* વિશ્વના સૌથી વધુ શક્તિશાળી નેતા તરીકે નરેન્દ્ર મોદીનું સ્થાન ત્રીજા નંબરે છે... રાહુલ ગાંધીનું?
- તમે કોઈ કૉગ્રેસી સ્થાનિક નેતાને ય ઓળખતા હોય, તો ખાનગીમાં એને પૂછવા જેવું ખરૂં!
(
વંદિત નાણાવટી, રાજકોટ)

* સારી કન્યાને સુકન્યા કહેવાય, તો સારા વરને?
- હસનૈન.
(
હસનૈન મણિયાર, વિરમગામ)

* ભારત-પાક વચ્ચે શાંતિ ક્યારે?
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી તો ખરી જ!
(
યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

* 'રસ્તા રોકો'આંદોલનમાં કેટલા દર્દીઓ કે વૃધ્ધો હેરાન થાય છે..!
- એવા એલાનો આપનાર નેતાઓને પ્રજા સીધા કરતી નથી, પછી આમ જ ચાલવાનું!
(
અમૃતલાલ છાટબાર, રાજકોટ)

* હવે તો કહો, આ કૉંગ્રેસનું નાટક કેટલા અંકી છે?
- 'ગઠબંધન'ને કારણે કોંગ્રેસનું પોતાનું અસ્તિત્ત્વ જ ક્યાં રહ્યું છે?
(
માવજી એમ. સંગોઈ, મુંબઈ)
 
* એક વ્યક્તિ (મહાત્મા ગાંધી)એ સાચું બોલીને દેશને આઝાદી અપાવી ને બીજી વ્યક્તિ (નરેન્દ્ર મોદી) જુઠ્ઠૂ બોલીને વડાપ્રધાન બની ગઈ. શું કહેશો?
- તમારી દ્રષ્ટિએ ત્રીજી વ્યક્તિ (રાહુલ ગાંધી) તો મહાત્મા ગાંધી કરતા ય સત્યની મોટી  પૂજારી હશે ને?
(
ચૈતન્ય એલ. સેવક, અમદાવાદ)

* વર-કન્યાના જન્માક્ષર મેળવવાને બદલે સાસુ-વહુના કેમ મેળવાતા નથી?
- ભારત સિવાય એકે ય દેશમાં કોઈના ય જન્માક્ષર મેળવીને કામ થતા હોય એવું સાંભળ્યું?
(
સી.કે. પટેલ, રાજકોટ)

* 'ઍનકાઉન્ટર'વાંચવું પડે, એવું હોવાનું કારણ?
- કરવા જેવું નથી, માટે!
(
હરિ બકરાણીયા, અમદાવાદ)

* સ્વચ્છ ભારત માટે ટૉઇલેટની સબસિડી... કેટલી સફળ?
- આવી સબસિડીનો વિચાર આવવો, એ જ મોટી વાત નથી?
(
વસંત જોષી, કોઠારા-કચ્છ)

* શું રાહુલ ગાંધી નેહરૂ-ખાનદાનના આખરી વારસદાર છે?
- નેહરૂ-કુટુંબના રસોઇયાઓ, ડ્રાયવરો કે ઘરઘાટીઓ હજી જીવે છે.
(
ચીમનલાલ લાલકીયા, સુરત)

* આઝાદીના ૭૧-વર્ષ બાદ ભારતના ગામેગામમાં વીજળી પહોંચી ગઈ...
- અત્યારે અમારા ફ્લેટમાં વીજળી ગઈ છે... આવે પછી જવાબ આપું.
(
અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* 'અરીસો'અને 'પડછાયા'વચ્ચે શું તફાવત?
- પડછાયો કાળો ધબ્બ હોય... કેટલાકના અરીસા પણ!
(
પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* આ 'છાશવારે'એટલે શું?
- થૅન્ક ગૉડ... તમે કાયમ નહિ, છાશવારે જ સવાલો પૂછતા હો છો!
(
ટી.એસ. પરમાર, આણંદ)

* રાહુલ ગાંધી ઠોકી-વગાડીને કહે છે, '૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસ વિજયી થઇને આવશે'...!
- બાબાને મજાક કરવાની ટેવ છે એ તો!
(
રજનીકાંત ભૂંડીયા, દ્વારકા) અને (ઈન્દ્રવદન પંડયા, હરસોલ)

* 'અધિક માસ'માં જમવાનું ય અધિક હોય?
- આપણે ગુજરાતીઓ છીએ... અધિક જમવાનું તો બારે માસ હોય!
(
શૌનક રોહિત દવે, હાલોલ)

* પાકિસ્તાની ટીવી પર ક્રિકેટરો ય ભારત વિરૂદ્ધ બોલવામાં બાકી રાખતા નથી...!
- એક પણ ભારતીય એવો બતાવો, જે પાકિસ્તાન વિરૂધ્ધ બોલ્યો હોય! મૂળ સંસ્કાર તો ક્યાં જવાના?
(
પ્રતિક પી. શાહ, સુરત)

* આપણા બદમાશ પ્રધાનોને સંગમતીર્થમાં ડૂબકી મારવાની મોદીજી મનાઈ ફરમાવે, નહિ તો એ પવિત્ર સ્થાન અપવિત્ર થશે!
- ગડકરીએ બાંહેધરી આપી છે, ગંગા નદીને સાફ-સ્વચ્છ બનાવાશે. બને પછી તમારી ચિંતા દૂર કરીશું.
(
પ્રવિણ શાહ, વણાકબોરી)

* 'બુરી નજરવાલે, તેરા મુંહ કાલા', માત્ર ટ્રકો-રીક્ષાઓ પાછળ લખ્યું હોય છે, મર્સીડીઝ કે બીએમડબલ્યુ પાછળ કેમ નહિ?
- એ ગાડીઓ ભાડે ફેરવવા માટે લીધી હોતી નથી.
(
સાધના નાણાવટી, ગાંધીનગર)

* હવે મધ્યમ વર્ગનું કોણ?
- એને અનામતો મળે તો દિલ્હીવાળો... નહિ તો ઉપરવાળો!
(
મયંક આચાર્ય, જામનગર)

* સરહદે રોજ મરતા આપણા જવાનોની રક્ષા કરવાનો કોઈ ઉકેલ નથી?
- દેશનો એકે ય રાજકીય પક્ષ એક અક્ષરે ય આતંકવાદ કે પથ્થરબાજો વિરૂધ્ધ બોલે છે? બસ, ભગવાન બચાવે આ દેશને!
(
પ્રદ્યુમ્ન સી. પંડયા, અમદાવાદ)

* નોકરી કરતા કર્મચારીનું આ દેશમાં ભાવિ શું?
- નવયુવાન શાયર ભાવિન ગોપાણીનો શે'ર કાબિલ-એ-ગૌર છે:
'
વિતાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, વિતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં.'
(
નિમિષા ગી. શાહ, વડોદરા)

વાઈફને પણ સાયકલ શીખવો, સજનવા

$
0
0

ઍટ લીસ્ટ, તમને પોતાને ! બાકી તો રસ્તા ઉપરના માણસો એમનું ફોડી લેશે. સ્ટાર્ટિંગથી જ બે પૈડાંવાળી સાયકલ શીખવવા જશો તો, તમારા વાઈફને સાયકલ પર બેઠેલી જોયા પછી આર.ટી.ઓ.વાળા ગામ આખા માટે સાયકલનું ય લાયસન્સ શરૂ કરાવશે. અત્યારે સ્કૂટર-ગાડીની નંબર-પ્લેટો માંડ મળે છે, ત્યાં સાયકલની ક્યાંથી લાવવી ? તમે તમારી વાઈફને શીખવો, એ ભલે હુંશીયારીનું કામ હશે, પણ એમને સાયકલ ચલાવતા અને તમને શીખવાડતા જોઈને બીજી બધી વાઈફો એમના ગોરધનોના લોહીઓ પીશે, 'અમારે શીખવી છે... અમારે શીખવી છે !'

એના સાયકલ શીખવા અંગે પડોસીઓનો વાંધો એ હતો કે, આમ કરવાથી એ લોકોની વાઈફો ય સાયકલ શીખવા માટે જીદો કરશે અને... સાલું, એ બધીઓ તમારી પાસે શીખવા આવે, એ મોટો વાંધો નહિ ? મહિલા સશક્તિકરણના આ વિશ્વમાં મારે સ્ત્રીઓને સાયકલ શીખવાડવાની હોય, એનો હું બહુ વાંધો લઉં એવો નથી. નમ્ર સ્વભાવ... પહેલેથી જ ! પણ આવી જ લોકપ્રિયતા મળવાની હોય તો બેટર છે, 'વીમેન્સ સાયકલ-ડ્રાયવિંગ સ્કૂલ'શરૂ કરી દેવી. જો કે, સાયકલ માટે તો 'રાઇડિંગ'સ્કૂલ હોય... પણ એ તો ઘોડો શીખવાડવા માટે ય એ જ પદ્ધતિ છે. મને પર્સનલી,ઘોડો ચલાવતા આવડતો નથી, ને એ ચલાવવા માટે કાચું લાયસન્સ કઢાવવું પડે કે ચાલે, એની ખબર નથી, પણ એમ તો સાયકલ ચલાવતા ય ક્યાં પૂરી આવડે છે ! અફ કોર્સ, ચલાવતા ભલે ન આવડતી હોય... પણ શીખવાડતા તો આવડે ને ? આપણે તો પાછળથી ફક્ત સીટ પકડી રાખવાની હોય છે. આ પ્રક્રીયામાં મોટો ફાયદો એ થાય છે કે, એક વાર સીટ પકડી રાખ્યા પછી એને રગડતી મૂકી દેવાની. વિશ્વ મોટું છે. ગુરૂ નૌકા શીખવાડે, મંઝિલ ક્યાં મળશે,એ જોવાનું કામ એમનું નથી. આ તો એક વાત થાય છે.

વાઇફને સાયકલ શીખવવા પાછળ મારો એક ફાયદો હતો કે ગાડીની માફક સાયકલને રીવર્સ લેવાની આવતી નથી. કેટલાક કાર-ચિંતકોનું માનવું છે કે, જગતભરની તમામ સ્ત્રીઓ માટે કારનું અડધું એટલે કે ફક્ત આગળનું જ બોડી બનાવવું જોઈએ, જેથી પાછળ અથડાય-કૂટાય તો વાંધો નહિ. દેશમાં કરોડો સ્ત્રીઓ સેલ્ફ-ડ્રાયવિંગ કરે છે, પણ એમાંની મોટા ભાગનીઓને ગાડી રીવર્સમાં લેવાની આવે, એ ઘડીથી ઉપસ્થિત નાગરિકોમાં પરમેશ્વરનું સ્મરણ શરૂ થઈ જાય છે.

ભારતના લોકોને ઈશ્વરની વધુ નજીક લઈ જવામાં કાર ચલાવતી સ્ત્રીઓનો જંગી ફાળો છે. થેન્ક ગૉડ, રીવર્સમાં લેવાય એવી સાયકલો હજી બનતી નથી, ત્યાં સુધી આપણો ટ્રાફિક સલામત છે.

રેલ્વેના સેકન્ડ એ.સી.માં ઉપરના બન્ક ઉપર કેરી ભરેલો કોથળો ચઢાવવાનો હોય એ ઓછો વજનદાર હોય, એવું કૂલી-વિશ્વ માને છે. મારે તો આને સાયકલ પર ચઢાવવાની હતી. કામ કઠિન તો હતું, પણ આમાં આમજનતાની મદદ લેવાય એમ નહોતું. સૌથી અઘરૂં કામ એ હતું કે, સાયકલની આ બાજુથી એને ચઢાવું ને બીજી બાજુથી એ ઉતરી ન જાય... આઈ મીન, ગબડી ન જાય ! એને જમીન પરથી ઉઠાવતા મને આધ્યાત્મિક સવાલ થયો, 'રે માનવી, તારી તાકાત કેટલી ? તું માઉન્ટ એવરેસ્ટ ઉઠાવી શકવાના સપના જુએ છે... પણ આ નાનકડું પોટલું કેમ ઉઠાવી શકતો નથી, રે... ?'સાયકલ એના સ્ટેન્ડ ઉપર ચઢાવીને ઊભી રાખી હતી, છતાં મેં એને પકડી તો રાખી હતી (સાયકલને !). મેં શીખવ્યું કે, ગાડીને રોડ ઉપર લેતા પહેલા તું એમ ને એમ હવામાં બે-ચાર પેડલ મારી જો... અને આ એટલે શીખવું છું કે, પેડલ મારતી વખતે રસ્તા ઉપર સામે જોવાનું... પેડલ મારતી વખતે પગ કેવા લાગે છે, એ બધું અત્યારે નહિ જોવાનું... અત્યારે સેલ્ફીઓ તો નહિ જ ખેંચાવાની... બા ખીજાય !

પહેલો તબક્કો શરૂ થયો ત્યારે ગભરામણ મને હતી, એને નહિ ! એ જાણતી હતી કે, જે કાંઈ ચિંતા કરવાની છે, એ તો સામેથી આવનારાઓને કરવાની છે.

પ્રારંભમાં સાયકલનું કેરિયર પકડી રાખીને બે-ચાર વાર મેં એને રગડતી મૂકી, ત્યાં એણે પહેલો પ્રશ્ન કર્યો, ''નાથ, મારે સીટ-બેલ્ટું પે'રવા નંઈ પડે ? ગાડી હલાવતી વખતે તો પે'રવો પડે છે !''મેં એને સમજાવી કે, એ તો તું ચલાવીશ એટલે વટેમાર્ગુઓ પહેરશે... તારે કાંઈ જરૂર નથી. અડધા કલાકના કોચિંગમાં માસ્તરે ય કંટાળ્યા અને શિષ્યા પણ ! ''આમાં કાંઈ મજો પડતો નથ્થી, નાથ... તમને ય હરખું સીખવાડતા આવડતું નથ્થી ને મારૂં ધિયાન આગર ને આગર હોય ને તમે બીજી બધીઓને જોયે રાખો છો... એમાં મારૂં ધિયાન બીજે વયું જાય છે... આમ કાંય શાયકલું નો સીખવાય. હઇમ્જ્યા ?''

મેં સહેલો રસ્તો કાઢ્યો. હું ય કાચીપાકી જ જાણતો હતો, છતાં મેં સાયકલના ડાંડા ઉપર એને બેસાડીને ડબલ-સવારીમાં ફેરવી. ફિલ્મ 'પેઇંગ ગેસ્ટ'માં દેવ આનંદ નૂતનને સાયકલના આગળના ડાંડા પર બેસાડે છે, એમ મને પણ થોડી ક્ષણો માટે એને નૂતન બનાવી દેવાનો વિચાર આવ્યો. એ સલાહ સાથે કે, હવેથી તારે જાતે સાયકલ નહિ ચલાવવાની. મને કહેજે, 'તારે જ્યાં જવું હશે, ત્યાં હું તને આમ ડબલ-સવારીમાં લઈ જઇશ...'

''
એમ જ હોય તો મારી શાયકલ માટે એક ડ્રાયવર રાખી લિયો ને... તમારા ટાઇમું નો બગડે ને શોશાયટીમાં મારો માભો પડે કે, 'બહેને તો સાયકલ હાટું ય ડ્રાઇવર રાયખો છે...''

મારો ફફડાટ એટલો કે, એની આ માંગ પૂરી કરૂં તો લોકો તો એમ જ સમજે ને કે, 'બહેને ઘરમાં 'ડ્રાય-વર'રાખ્યો છે... !'

એવું નથી કે, ઘરમાં કાર કે ટુ-વ્હિલર્સ નથી, પણ કલબમાં જતી દરેક ભારતીય નારીને હવે ૧૦-૧૫ લાખની 'ફાલતુ'કાર નથી ગમતી. હવે મર્સીડીઝ કે બીએમડબલ્યૂ પણ કોમન થઈ ગઈ... જ્યાં સુધી હું એને 'ફેરારી'કે 'લેમ્બર્ગિની'લઈ ન આપું, ત્યાં સુધી એ સાયકલ જ ફેરવશે. મારે તો એ જ જોઈતું હોય ને... છતાં એક પ્રેમાળ ગોરધનને છાજે એમ મેં કહ્યું, ''ડાર્લિંગ... મારી ભૂલ થતી ન હોય તો... લાટીવાળા પેલા સુરૂની વાઇફ 'બુગાટી'લઈને આવી હતી...''

'તીઇઇઇ... આપણાથી 'બુગાટી'નો લવાય ?'

'
લવાય... શું કામ ન લવાય... ફક્ત રૃા. ૨૫-કરોડની 'બુગાટી'આવે છે... છેલ્લા ૧૦૦-વર્ષો અને આવનારા બીજા ૫૦-વર્ષો દરમ્યાન આપણા કુટુંબમાં જે કોઈ થઈ ગયું હોય-દાદા, દાદી, મમ્મી-પાપા, આપણા છોકરાઓ... અને એ બધાને આવનારા બાબા-બેબીઓ કોઈ શોપિંગ-મોલના ગેટ પર ઊભા રહીને આખો પરિવાર વેચાવા બેસીએ તો ય આંકડો ૨૫-કરોડ સુધી પહોંચતો નથી. હાલમાં જે રીતે તું રોડ પર આપણી કાર લઈને નીકળે છે,એ જોયા પછી આપણને હાથલારી સસ્તી પડશે. એમાં ય કારની માફક ચાર સવારી બેસાડી શકાય... મારે તો લારીને ધક્કા જ મારવાના !'

આ બધી જફાઓમાં પડવાને બદલે, છેવટે મેં એને વીડિયો-ગેમ પર સાયકલની રેસ શીખવી દીધી... આજ સુધી રમે રાખે છે ! ઘણા ગોરધનો સાયકલ શીખવવામાં પણ બહારના ઓર્ડરો પૂરતું જ ધ્યાન રાખે છે... કોક વાર વાઇફને પણ સાયકલ શીખવવી જોઈએ... સુઉં કિયો છો ?

સિક્સર
કેમ રેઇનકોટ-છત્રી લેવા નીકળ્યા ? આપણે ત્યાં તો તુલસી-ક્યારામાં છાંટીએ, એટલો ય વરસાદ પડતો નથી !

ના. અમે તો શિયાળામાં નહાતી વખતે બાથરૂમમાં પહેરવા રેઇનકોટ-છત્રી લીધા છે!

સજેશનોતો ઘણા આવ્યા હતા કે, વાઈફને સાયકલ શીખવવી હોય તો પહેલા પગરીક્ષા શીખવો. એમાં ત્રણ પૈડાં આવે. બેલેન્સનો પ્રોબ્લેમ નહિ...

'મંગળફેરા' ('૪૯)

$
0
0

ફિલ્મ: 'મંગળફેરા' ('૪૯)
નિર્માતા-દિગ્દર્શક : રતિલાલ પુનાતર
ગીત-સંગીત : અવિનાશ વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૩૯-મિનિટ્સ
કલાકારો : નિરૂપા રૉય, મનહર દેસાઇ, દુલારી, બાબુ રાજે, છગન રોમીયો, શાન્તિ મધોક, મારૂતિ, ભગવાનદાસ, બરકત વીરાણી.

ગીતો
૧.તાળીઓના તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે...    ગીતા રૉય-સાથી
૨.સનમ તારી કસમ મારી, ઉઘાડી રાખજે બારી...    ચુનીલાલ પરદેસી
૩.રાખના રમકડાંને રામે રમતા રાખ્યા રે... ગીતા રૉય-એ.આર. ઓઝા
૪.ગોઝારી ધરતીની... આ પગથારે ક્યાં જવું મારે...ગીતા રૉય
૫.મારા મનડાં કેરા મોર... જાગીને જોઉં તો...ગીતા રૉય-એ.આર. ઓઝા
૬.દીવાના તમારી દીવાની બની છું...    જોહરાજાન અંબાલેવાલી
૭.તારા નયનકેરા બાણ, હો બાલમ કાઢે મારો...જોહરાજાન અંબાલેવાલી
૮.અમે મુંબઇના રહેવાસી, ચર્ની રોડ પર...ગીતા રૉય - ઓઝા-ચુનીલાલ
૯.ભૂલું ભૂતકાળ તો ય, કાળ જેવો યાદ આવે છે...ગીતા રૉય

બહુ વર્ષોની દોડધામ અને આકરી તપાસ પછી ૧૯૪૯-માં ઉતરેલી ગુજરાતી ફિલ્મ 'મંગળફેરા'મળી. મારે તો એ જમાનાની 'ગાડાનો બેલ', 'દીવાદાંડી', 'ગુણસુંદરી', 'નણંદ-ભોજાઇ'કે શાંતા આપ્ટેના સૂરમધુરા ગુજરાતી ગીતોની 'મૂળુ માણેક'પણ જોઇતી-જોવી હતી. એવું નહોતું કે, આ બધી ફિલ્મો બહુ સારી હશે માટે જોવી હતી, પણ એક ગુજરાતી તરીકે એવી ઈચ્છાઓ ઘણી થાય કે, એ જમાનામાં આપણી ગુજરાતી ફિલ્મો સુંદર બનતી હતી, અવિનાશ વ્યાસના ગીતો મન અને કાનને ગમે એવા હતા અને ખાસ તો મારી મનગમતી ગીતા રૉય મોટા ભાગની ફિલ્મોમાં એકચક્રી શાસન ભોગવતી હતી.

આશા ભોંસલે તો પછી આવી (૧૯૫૦માં ફિલ્મ 'લગ્નમંડપ'ના 'મને સાંભરે મારૂં બાળ...'આશાનું પહેલું ગુજરાતી ફિલ્મી ગીત 'રાતું નીરખું ફૂલ રતુંબલ... મને સાંભરે મારૂં બાળ...'લખ્યું હતું અવિનાશ વ્યાસે પણ સંગીત અજીત મર્ચન્ટે આપ્યું હતું.) પણ મૂકેશના થોડા ગુજરાતી ગીતો પૉપ્યુલર થઈ ચૂક્યા હતા, 'મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે...' (ફિલ્મ : નસીબદાર, ગીત-સંગીત: જગદીપ વીરાણી) અને મૂકેશનું જ બીજું મધુરૂં ગીત 'ભમરા સરખું મારૂં મનડું, જુએ ના હાય વનવગડું, ભટક્યા કરે છે શાને દિવસ ને રાત બેલી, શું રે કરૂં...'કોઈ ફિલ્મનું છે કે એક્સ્ટ્રા તે ગુજરાતી ફિલ્મોના ૬૨-વર્ષોનો ઈતિહાસ લખનાર હરીશ રઘુવંશીને પૂછવું પડે.   

અનિલ બિશ્વાસના બીજી વારના ઘેરથી મીના કપૂરે પણ 'પૂમડું પાછું નહિ દઉં નાહોલિયા'જેવા થોડાઘણા મીઠા ગીતો ગાયા છે. ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોમાં દિલીપ ધોળકીયાનું ફિલ્મ 'દીવાદાંડી'નું 'તારી આંખનો અફીણી...'રાજ્યગીતની માફક અચૂક ગવાય છે અને હરકોઈને કંઠસ્થ છે, પણ આ જ ફિલ્મનું રોહિણી રૉય (મૂળ નામ 'રંજન જોશી') - દિલીપ ધોળકીયાનું યુગલ ગીત 'વગડા વચ્ચે તલાવડી ને તલાવડીની કોર, ઊગ્યો વનચંપાનો છોડ'મારી પસંદગીના શ્રેષ્ઠ દસ ગુજરાતી ગીતોમાં આવે, જેના ગીતકાર બાલમુકુંદ દવે હતા. અમારા જમાનાના હિંદી ફિલ્મી ગીતોના ચાહકો માટે શાંતા આપ્ટે એ જમાનાની સર્વોત્તમ ગાયિકા-હીરોઇન (દેખાવમાં પણ અદ્ભુત...!) હતી, એ શાંતાએ ગુજરાતી ફિલ્મોમાં પણ મધુર ગીતો ગાયા છે.     

એ સમયની ગુજરાતી ફિલ્મો યાદ કરવાનું એક બીજું આકર્ષણ થોડા ઘણા હિંદી ફિલ્મોના હીરો-હીરોઇન ગુજરાતી ફિલ્મોમાં કામ કરે, ગુજરાતી બોલે (તદ્દન ખોટા ઉચ્ચારોમાં) અને ખાસ તો આપણા અમદાવાદના બે-ચાર દ્રષ્યો એ ફિલ્મોમાં જોવા મળી જાય, એટલે રંગા ખુશ!     

દુધના ઊભરાની જેમ અચાનક ક્રોધ ચઢી જાય એવી એક જ વાત હતી કે ઈ.સ. ૧૯૩૨-માં શરૂ થયેલી ગુજરાતી ફિલ્મોમાંથી કોઈને માટે એક ગુજરાતી તરીકે ગૌરવ લઇએ, એવી તો ઇવન આજની તારીખ સુધીમાં ટોટલ દસ ફિલ્મો ય નથી થતી. ૧૯૭૫- પછી આજ સુધી (અર્બન ફિલ્મો-કેટલીક જ-ને બાદ કરતા) તમામ ગુજરાતી ફિલ્મો એ વખતની મોટા ભાગની હિંદી ફિલ્મોની જેમ ઘણા નીચલા સ્તરની હતી. આપણે તો ચોરી કરીને ફિલ્મો બનાવીએ એમાં ય છાંટ હિંદી ફિલ્મોની હોય.      

હીરો-હીરોઇન વચ્ચે પ્રેમ, વચ્ચે એક વિલન, બંને કુટુંબોમાંથી એક ગરીબ ને બીજું અમીર હોય, જાતિવાદના ઝગડા હોય... વગેરે વગેરે. બંગાળી કે મરાઠી ફિલ્મો એ સમયની હોય કે આજની, એમાંની મોટા ભાગની આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેસી શકે એવી. કંઈ બાકી રહી જતું હોય એમ આપણી જૂની કે નવી ગુજરાતી ફિલ્મો સતિ, સૌરાષ્ટ્રના બહારવટીયા, શૂરવીરો કે હિંદુ તહેવારોને અંધશ્રધ્ધાથી બદનામ કરતી ફિલ્મો હોય... એટલે સુધી કે ગુજરાતની અનેક નદીઓને ધાર્મિક હીરોઇન બનાવીને ફિલ્મો બને.     

આજની ફિલ્મ 'મંગળફેરા'એ જનામામાં (૧૯૪૯)માં ટિકીટબારી ઉપર ઠીકઠીક ચાલી હતી, પણ આજે જુઓ તો ગુસ્સે થઈ જાય! ફિલ્મ એ જમાનાની ટીપિકલ હિંદી સામાજીક ફિલ્મો જેવી જ. પત્ની સતિ સાવિત્રીસમી હોય, પતિ દારૂડીયો, જુગારી અને આવારા હોય ને પવિત્રતાની મૂર્તિસમી હીરોઇન અસંખ્ય ત્યાગો કરીને પતિ પાછો લાવે, એવી ચીલાચાલુ વાર્તા પરથી બની હતી. 

નાનપણમાં નિરૂપા રૉય અને મનહર દેસાઈના પિતાશ્રીઓ એકબીજાની દોસ્તીની ખાત્રી આપવા એ બન્નેને નાનપણમાં જ પરણાવી દેવાના કૉલ આપે છે. પણ મોટી થયેલી નિરૂપાને એનો ધનવાન અને દંભી બાપ પોતાના વચનમાંથી ફરી જાય છે અને એક ધનિક મૂરતિયા સાથે પરણાવી દેવા જીદ કરે છે. નિરૂપા ઘર છોડીને જતી રહે છે અને રખડતા-ભટકતા એક નાનકડા રેલ્વે-સ્ટેશનની બહાર કૂલીનું કામ કરતા તોતડા, ગરીબ, લંગડા અને ઠૂંઠા માણસના સંપર્કમાં આવ્યા પછી ખબર પડે છે કે, આ તો મારો નાનપણમાં સગાઈ કરેલો પતિ છે! અચાનક એનામાં આદર્શ ભારતીય હિંદુ નારી જાગૃત થઈ જાય છે અને ભિખારી અવસ્થામાં જીવતા એ મંગળની પરાણે પત્ની બને છે.

અચાનક બરફના તોફાનમાં આ ગરીબ દંપતિ બરફ નીચે દટાઈ તો જાય છે, પણ હેમખેમ બહાર આવ્યા પછી અચાનક એનો અપંગ પતિ એકદમ સાજો નરવો થઈ જાય છે. એ તો ઠીક, પણ એ અચાનક સુશિક્ષિત અને અબજો રૂપિયાની ધનસંપત્તિનો માલિક પણ થઈ જાય છે અને એના દોસ્તો એને વેશ્યા પાસે લઇ જાય છે, જેને કારણે મનહર એની પત્ની નિરૂપાને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે.     

નિરૂપાની જેમ એની બહેન દુલારીને પણ એના પિતાએ ઘરમાંથી કાઢી મૂકી છે, જેને પરણવા માટે કૉમેડિયનો બાબુ રાજે અને છગન રોમીયો પૂરી ફિલ્મના ૧૫-રીલ્સ સુધી મહેનત કરે છે, પણ છુટી પડેલી બહેન નિરૂપાનું લગ્નજીવન પાછું ઘરભેગું થાય, એ પ્રતિજ્ઞા લઇ ચૂકેલી દુલારી, પત્નીને છોડીને તવાયફ (શાંતિ મધોક)ના શરણે ગયેલા મનહર દેસાઇને ભાન કરાવીને પાછો લાવે છે.  

એ જમાનામાં નિરૂપા રૉય અને મનહર દેસાઇની જોડીની ઘણી ફિલ્મો આવી. 'ગુણસુંદરી', 'નણંદ-ભોજાઈ', 'મંગલફેરા', 'સતી સુકન્યા', 'ગાડાનો બેલ'અને 'પરણેતર'માં એ બન્ને સાથે આવ્યા. પાછું, એમાંની ઘણી ફિલ્મોમાં બાબુ રાજે અને છગન રોમીયો લગભગ હોય જ. બાબુ રાજે તો માત્ર એ સમયની જ નહિ, ઉપેન્દ્ર ત્રિવેદી બ્રાન્ડની ફાળીયા ફિલ્મો શરૂ થઈ ત્યારે પણ દરેક બીજી ફિલ્મો હોય જ, એવો સારો ઍક્ટર હતો. મારા ખ્યાલથી બાબુ રાજે ગુજરાતી નહિ, પણ મરાઠી હતો.  

પણ ગુજરાતી પ્રેક્ષકોમાં છવાઇ ગયો હતો છગન રોમીયો. કૉમેડિયન માટે જરૂરી હાસ્યાસ્પદ દેખાવ તો ખરો, પણ અવાજ અને અભિનયમાં પણ એ ખૂબ સારો હતો. 'સનમ તારી કસમ મારી, ઉઘાડી રાખજે બારી'કે પછી 'ગણિત ગણતા, માથું દુ:ખે મારૂં, મને ફિલમની ટિકીટ અપાવો કોઇ...'જેવા હાસ્યરસિક ગીતો એ જમાનામાં બહુ ચાલ્યા હતા. છગન રોમિયો હિંદી ફિલ્મોમાં કેમ આવ્યો કે ચાલ્યો નહિ, તેની જાણ નથી.      

પણ હીરોને અનુરૂપ હોઇટ-બૉડી અને દેખાવ ધરાવતા આ ફિલ્મના હીરો મનહર દેસાઇ કમનસીબે અત્યંત નબળો ઍક્ટર હતો ને તો ય, મીના કુમારી સાથે ફિલ્મ 'મદહોશ'માં એ હીરો તરીકે આવીને તલત મેહમુદનું-એના જ સંગીતકાર મદન મોહનને પોતાને ખૂબ ગમતું 'મેરી યાદ મેં તુમ ન આંસુ બહાના'પરદા ઉપર એને ગાવા મળ્યું હતું.

મૂકેશના ડાયહાર્ડ ચાહકોએ જ સાંભળ્યા હોય એવા ફિલ્મ 'જય ભવાની'ના બે ગીતો 'યહાં રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે'અને સુમન કલ્યાણપુર સાથેનું યુગલ ગીત 'શમા સે કોઇ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા, કે તુમ હો વહાં, તો મિલને કો યહાં, પતંગા રો રહા...'પણ મનહર ઉપર ફિલ્માયા હતા. આવા થોડા મશહૂર ગીતો બનાવીને હોલવાઇ ગયેલા સંગીતકાર હતા સરદાર મોહિંદરસિંઘ સરના... (ઍસ.મોહિન્દર). મનહર દેસાઇ ગુજરાતી ક્રિશ્ચિયન હતો, 'માલ્કમ આલ્ફ્રેડો દેસાઇ'એનું સાચું નામ.

એનો નાનો ભાઇ મહેશ દેસાઇ પણ '૬૦-ના દશકની ઘણી ગુજરાતી ફિલ્મો 'મઝીયારા હૈયા' ('૬૯) કે 'વિધિના લેખ', 'મારે જાવું પેલે પાર'કે આશા પારેખ સાથેની ખૂબ સફળ ગુજરાતી ફિલ્મ 'અખંડ સૌભાગ્યાવતી'નો મહેશ દેસાઇ હીરો હતો. મુકેશ દેખાવડો તો હતો, પણ ચેહરો મર્દાનગીસભર ન લાગે ને કદાચ એટલે જ ફાળીયા-પાળીયાની વીરરસની ફિલ્મો શરૂ થઈ, ત્યારે એને ખોવાઇ જવું પડયું.

'
મંગળફેરા'ની હીરોઇન નિરૂપા રૉય જેવી કંટાળાજનક અને બોરિંગ અભિનેત્રીઓ મેં જવલ્લે જ જોઇ છે, છતાં આટલું કેમ ચાલી? એ સવાલ પૂછવા જેવો નથી. કંઇક બાકી હતું તે જતા-જતા અમિતાભ બચ્ચનની માના રોલ મળવા માંડયા, પણ એની પણ એક ખૂબી હતી. '૪૬-માં એ એની પ્રથમ ગુજરાતી ફિલ્મ 'રાણકદેવી'ના નાનકડા રોલમાં આવી ત્યારથી એ ગૂજરી ગઇ ત્યાં સુધીને તમામ ફિલ્મોમાં એ નબળીમાંથી વધુનબળી ન બની શકી... 'નબળા'નું એકનું એક સ્તર એણે મેહનતપૂર્વક જાળવી રાખ્યું.

યસ. આ 'મંગળફેરા'કોઇ ગ્રેટ ફિલ્મ તો નહોતી જ-બલ્કે, આજે જોઈએ તો 'ભરાઈ પડયા'જેવી હાલત થાય, છતાં એ સમયમાં એણે ધૂમ મચાવી અવિનાશ વ્યાસના સંગીતને કારણે, ગીતા રૉયના ગીતો, છગન રોમિયોની 'ચાલે...'છતાં ગમે એવી કૉમેડીને કારણે! અવિનાશ ગીતકાર કરતા સંગીતકાર તરીકે વધુ દમદાર હતા, છતાં એમના લખેલા ગીતો આજ સુધી ઘેરઘેર ગવાતા હોય તો કારણ એ ખરૂં કે, મૂળ એ અમદાવાદના ખાડીયાના હતા-ગોટીની શેરી.   

પોળોમાં ઉછરેલા સાહિત્યકારોમાં સામાન્ય જનસમુદાય સુધી પહોંચવાની સાહજીકતા હતી. એમના લખેલા અનેક ગીતોને તો 'લોકગીતો'માની લઈને રસિકજનો સાંભળે છે... કોઈ ગીતનું 'લોકગીત'બની જવું એ નાનીસૂની સિધ્ધિ નથી. એમના પ્રતિભાસંપન્ન પુત્ર ગૌરાંગ વ્યાસ ગીતો લખતા નથી, પણ સંગીતમાં પિતાના નામને વધુ ગૌરવ બખ્શે એવું કામ આજ સુધી કરતા આવ્યા છે.

સાપ નીકળ્યો

$
0
0

'એ એએએ... સાપ નીકળ્યો... સાપ નીકળ્યો... ઓ મ્મા રે..! મારો... કોઈ મારો...'આખી સોસાયટીમાં

''સુઉં વાત કરો છો... ઈ તો હવારના ઘરમાં જ છે... બા'ર નીકર્યા જ નથી''મારી પત્ની મારૂં સમજીને ખુલાસો કરવા ગઈ. પહેલા તો કોઈએ એનું માન્યું નહિ કે, 'ભાભી જુઠ્ઠું બોલે છે... એમનો ગોરધન ચોક્કસ બહાર નીકળ્યો હશે...  એ વિના આટલી હોહા...!'

ગામડાં તો ઠીક, હવે શહેરની બહાર ફાર્મ-હાઉસીસ લઈને રહેનારાઓ માટે સાપ નીકળવો મોટી વાત નથી. લગભગ રોજ નીકળતા હોય ને એમની મેળે જતા રહે.

મારતું કોઈ નથી. પણ શહેરમાં ક્યાંક સાપ નીકળે, એ લોકોના ટોળા ભેગા કરવાની મોટી ઘટના છે. આમે ય, ફિલ્મો સિવાય રૂબરૂ તો સાપ ભાગ્યે જ જોયો હોય. જેણે જોયો હોય, એ ઑથોરિટીથી વાત કરે.

''અરે... આઠ-નવ ફૂટ લાંબો હતો... મેં સગ્ગી આંખે જોયો...!''બીજો એનો રંગ પૂછે, ''બ્લૅક હતો? બ્લૅક હોય તો એ સાપ ના હોય, કોબ્રા એટલે કે નાગ હોય!''ત્રીજો વળી ત્રીજી જ વાત લાવે, ''એને મોંઢા કેટલા હતા? પૂંછડી ઉપર ખંજરી જેવું કાંઈ વાગતું હતું?''

''મને તો આમાં મોદીનો હાથ લાગે છે... ભાજપના રાજમાં સાપ ના નીકળે તો શું હજાર-હજારની નૉટો નીકળે?''

''
'ઈ હવે જરા છાનું રહે... તારા ફ્લૅટમાંથી રાહુલ જેટલું બચોળીયું ય નીકળતું નથી... છાનું રહે...!''

''
અલ્યા મારી રાયફલ લાય તો...!''બધામાં એક કાઠીયાવાડી બાપૂ ય હતા.

એ વાઇફ સિવાય કોઈની ય ઉપર ગુસ્સે થાય, ત્યારે રાયફલ કાઢવાની લુખ્ખી આપે. કારગિલ વખતે ય સોસાયટીની બહાર ઊભા ઊભા રાડું પાડતા હતા, ''કોઈ મારી રાયફલ લાવો.... પાકલાઓના (પાકિસ્તાનીઓના) ઢીંઢા ભાંગી નાંખુ...!''કોઈકે વળી એમને શાંત પાડયા કે, ઘરમાં રાયફલ તો ઠીક, દૂધી છોલવાની છરી ય નથી, ત્યારે એ શાંત પડયા ને એમાં આખું પાકિસ્તાન બચી ગયું.

અમારા દસ-બાર બંગલાની સોસાયટીમાં ૩-૪ તો ફ્લૅટ્સ છે. સાપ એક બંગલાના કમ્પાઉન્ડના ખૂણામાં દેખાયો હતો. દેખાવમાં એ બંગલાના બધા મૅમ્બરો બિલકુલ માણસ જેવા દેખાય છે, પણ સાપ નીકળ્યો, એમાં બધા મદારી જેવા બની ગયા.

મદારી પણ માણસ હોય, પણ આ લોકોના લક્ષણો ય મદારી જેવા થવા માંડયા. ઘરમાં મદારીઓવાળી ડૂગડૂગી તો હોય નહિ, એટલે ઘરના વડીલ વેલણથી થાળી વગાડવા માંડયા. કાકીને પરણે ૫૦-પૂરા થયા આવ્યા હતા, એટલે લાઇફમાં આવા તો હજારો સાપો જોઈ લીધા હોય. એ ડર્યા નહિ અને ઉપરથી કાકા ઉપર ખીજાયા, ''આમ શું ઊભા ઊભા થાળા વગાડો છો... જાઓ ને કાળોતરાને પકડી લો...''ઘરનો યુવાન પુત્ર તદ્દન પતલો અને ઊભો હોય તો સાપના આકારના લાગે, પણ હિંમતવાળો બહુ! એણે કમ્પાઉન્ડના ઝાંપે આવીનેબૂમો પાડવા માંડી, ''એ સાપ નીકળ્યો છે... બધા જલ્દી આવો... કોઈ પકડી લો...!''

''
કોઈના ઘેર બિન છે? બિન વગાડો તો ભલભલો સાપ બહાર આવે ને ડોલે યખરો...''

''
અરે ભ', તારા માટે સાપનો ટોપલો મંગાઉં? ફૂટપાથો ઉપર ફરીફરીને ખેલ બતાવવા છે? અહીં કોઈને બારણું ખખડાવતા ય આવડતું નથી ને તારે બિન વગડાવવું છે? ... સીધો 'સુંદરવન'ફોન કરો. એ લોકો પકડી જશે.''

ગભરાયેલા બધા હતા. કહેવા કોઈ માંગતું નહોતું. કોક ચપ્પુ લઈ આવ્યું તો કોઈ ધારીયું! આ જમાનામાં ચપ્પા ને ધારીયો તો ક્યાંથી કાઢવા, પણ બે-ત્રણ શસ્ત્રો મહત્ત્વના હતા. અમારી સામેવાળા બા'મણ ભ'ઈ બૉક્સિંગ-ગ્લૉવ્ઝ પહેરીને, ''ક્યાં છે...? ક્યાં છે..?''કરતા બન્ને પગે ઠેકડા મારતા આવ્યા, તો એમના ધર્મમાં હિંસાનો બાધ હોવાથી શાહ સાહેબ ફક્ત નવકાર મંત્ર બોલતા બોલતા આવ્યા. ત્રિવેદી-અન્કલ પાસે શસ્ત્રોનો એવો કોઈ જથ્થો નહિ, એટલે એ સાયકલની જૂની ટયુબ હવામાં ઘુમાવતા આવ્યા.

પબ્લિક ભેગું થતું જતું હતું. ઠક્કર સાહેબ એમના ઘરના માળીયામાંથી તાબડતોબ શોધીને 'સાપ પકડવાની સરળ પધ્ધતિઓ'નામની કાચા પૂંઠાની ચોપડી લઈ આવ્યા.

વાય.વાય. યાજ્ઞિકે સહેજ ચીડાઈને કહ્યું, 'મેં તો સોસાયટીની કારોબારીમાં પ્રસ્તાવ મૂક્યો જ હતો કે, 'સૉસાયટીમાં કૉમન-ખર્ચે ત્રણ-ચાર નોળીયા પાળો... સાપ-નોળીયાને બાપના માર્યા વેર હોય... નોળીયો ભલભલા સાપને પકડી પાડે, પણ મારૂં કોઈ સાંભળે તો ને?'

''યૅક્ઝૅક્ટ કિદર છીપા હૈ?''નાયરે પૂછ્યું. આર.કે. પટેલે પોતાના ખિસ્સા ફંફોસતા કહ્યું, ''જો ભ', મારી ઉપર ડાઉટ નહિ લાવવાનો... જોઈ લો ખિસ્સા!'' (આર.કે. એટલે 'રાજ કપુર'જેવું કોઈ જાણિતું નામ નહિ... આર.કે. એટલે રૂઘનાથભ'ઈ ખોડાભ'ઈ!) દુનિયાભરના 'રમેશ પટેલો'આવા છસ્સો વર્ષ પુરાણા નામના બદલે 'આર.પી.', 'આર.એલ.'કે 'આર.જી'નામોથી ઓળખાવવાનું પસંદ કરે છે... આ તો એક વાત થાય છે!)આખી સોસાયટીની ભેગી થયેલી સ્ત્રીઓ સાપ પકડવાને બદલે લવારા બહુ કરતી હતી.

''આ સાપ લોકો રહેતા ક્યાં હશે?''એક મહિલા જેવી દેખાતી મહિલાએ પૂછ્યું. જવાબમાં ભીડમાંથી કોક બોલ્યું ય ખરૂં, 'આપણી પાસે સાપનું બિઝનેસ-કાર્ડ નથી... સૉરી!'બીજીએ બધાને બીવડાવતા કહ્યું, 'અલી, આમાં તો બહુ ધ્યાન રાખવું પડે... મોટા ભાગે તો આવા સાપો શાકસબ્જીની થેલીઓમાંથી નીકળતા હોય... થેલી દૂરથી જ ખાલી કરવી!'એ બધીઓ પાછી પોતપોતાના ભાગે આવેલા ગોરધનોની કોણી ખેંચીને છપછપ અવાજે કહે ય ખરી, ''જો, તમે બહુ ડાહ્યા થવા ના જતા... મૂવો પકડાવાનો હશે તો પકડાશે... તમને તો પાછો સાપ પકડવાની પ્રૅક્ટિસ બી નથી..!''

એ બંગલાના જે ખૂણામાં સાપ છુપાયો હોવાની દહેશત હતી, ત્યાં બધા વાંકા વળી વળીને જોતા હતા. કેટલાક દૂર ઊભા ઊભા સાપ સાંભળે નહિ, એમ એને બીવડાવવા 'છુછ... છુછ'કરતા હતા. એવામાં પાણીની ટાંકી પાછળ સાપની પૂંછડી દેખાઈ. 'એ રહ્યો... એ રહ્યો... મારો સાલાને..!'કોણ બોલ્યું એ ખબર નથી, પણ કોક બોલ્યું ખરૂં. સ્ત્રીઓમાં ચીસાચીસ થઈ. બાળકો એમ કાંઈ ઘેર જાય? પણ એમના પપ્પાઓ (ભાગે પડતા આવેલા પપ્પાઓ) ધીમે રહીને એક પછી એક રવાના થવા માંડયા.

બંગલાવાળા ડોહાએ ખીજાઇને બધાને ખખડાવવા માંડયા, 'એરે ભાગો છો શું? જુઓ... પેલો બહાર નીકળ્યો છે... ઓહ... કોઈ પકડો એને... જલ્દી... જલ્દી!'

રસ્તા ઉપર કોઈ લારીવાળો જતો હતો, એને વહાલથી બોલાવીને 'રીલાયન્સ'માં ઑર્ડર મૂકતા હોય એમ શાહભાઇએ ઓફર મૂકી, ''ઓ ભ'ઈ... આ જરા સાપ પકડીને બહાર ફેંકી દે ને... પાંચ રૂપીયા આપીશ...'આવી તોતિંગ ઑફર સાંભળવા પણ લારીવાળો ન રોકાયો. શાહે સોસાયટીના સેક્રેટરી ત્રિવેદીને પૂછી જોયું, ''...ખર્ચો સોસાયટીમાં નાંખવાનોહોય તો પેલાને પચ્ચી રૂપિયામાં પટાવી દઉં...''

''બોલો... પચાસ મને આપશો, તો હું પકડી લઉં?''ત્રિવેદીએ ઉદાર પ્રસ્તાવ મૂક્યો આટલામાં તો મારામારી થઈ જાત... ન થઈ!

સદરહૂ સાપ ગભરાઈને ટાંકી પાસે પડયો રહ્યો હતો. એમાં પહેલી વાર ગભરાયા વગર મારી વાઇફે ઝાંપા પાસે જઈને સાપ સાથેની દસ-પંદર સૅલ્ફીઓ ખેંચી નાંખી. બીજી બધીઓ ય જોડાઈ, 'એ આપણે સાપ સાથે ગ્રૂપ ફોટો લઈએ... 'ફેસબૂક'માં આજે જ મુકી દઈશું...'અલબત્ત, સૅલ્ફી લેવામાં સાપ પાછળ હોય ને બેનનું મોઢું આગળ હોય, એટલે ગભરામણના માર્યા સ્માઈલ કોઈ આપી ન શક્યું.

સાપને તો ઝૂ વાળા લઈ ગયા... પણ શાહ સાહેબને નાનકડો આઘાત ચોક્કસ લાગ્યો કે, 'આમ મફતમાં એ લોકો સાપ લઇ જાય, એને બદલે આપણને વ્યાજબી ભાવ ના આલવો જોઈએ?'

સિક્સર
આખી દુનિયામાં ઇંગ્લિશ બોલતો સૌથી મોટો દેશ અમેરિકા છે... ચોંકતા નહિ, બીજા નંબરે ભારત છે... પણ ભારતમાં ગુજરાતનો નંબર કયો આવે, એ તમારે હસ્યા વિના ધારી લેવાનું!

મૈં આઝાદ હું ભાગ - 1

$
0
0

ફિલ્મ  : 'મૈં આઝાદ હૂં' (૮૯)            
નિર્માતા : એચ.એ. નડિયાદવાલા  
દિગ્દર્શક  : ટીનુ આનંદ        
સંગીત  : અમર-ઉત્પલ (બિશ્વાસ) 
ગીત : કૈફી આઝમી  
રનિંગ ટાઇમ    :૧૮-રીલ્સ-૧૬૦ મિનિટ્સ           
થીયેટર        : નટરાજ (અમદાવાદ)          
કલાકારો    :અમિતાભ બચ્ચન, શબાના આઝમી, મનોહરસિંઘ, અનુપમ ખૈર, અનુ કપૂર, અજીત વાચ્છાણી, અંજન શ્રીવાસ્તવ, મુસ્તાક મર્ચન્ટ, રામગોપાલ બજાજ, કે.કે. રૈના, અવતાર ગીલ, રાજા બુંદેલા, આભા પરમાર, સચિન ખેડેકર, મુસ્તાક ખાન, સુધીર પાંડે, દીપક કાઝીર, આકાશ ખુરાના.

ગીતો
ઈતને બાઝુ ઈતને સર, ગીન લે દુશ્મન જાન સે... અમિતાભ બચ્ચન

તમારા હાથમાં છે, એ અખબારથી માંડીને દુનિયાભરના છાપાઓને પોતાનો માલ વેચવા રોજ કાંઈ ને કાંઈ ગતકડાં શોધતા રહેવું પડે છે, જેમાં વાચકો હેબતાઈ જાય, ચમકી જાય કે ખુશ થાય. સનસનાટી વિનાના સમાચારોથી છાપાં ન ચાલે અને આવી સનસનાટી સાચી બનેલ ઘટનાઓ ઉપર આધારિત હોવી જોઈએ.

જે ઘટના બની જ ન હોય, એના સમાચારો ઊભા કરી શકતા નથી અને કરવા જાય તો છાપું બંધ કરવાનો વખત આવે. સરેરાશ વાચકોને ખૂન, લૂંટ, કૌભાંડો, બળાત્કાર કે કોઈ તોતિંગ દુર્ઘટનાના સમાચાર વાંચવાની મોટી તાલાવેલી હોય છે, પણ છેલ્લાં દસેક વર્ષથી આવી જ ઘટનાઓ ઉપર બધા છાપા અને ટીવી-ન્યૂસ ચેનલો મચી પડી હોવાથી વાચકો અને દર્શકો હવે ઉબાઈ ગયા છે... કેમ જાણે, પૂરા દેશમાં કોઈ સારી ઘટના બનતી જ ન હોય !

એ ઈંગ્લિશ નોવેલનું નામ તો અત્યારે યાદ આવતું નથી, પણ અમેરિકાના કોઈ બે મોટા છાપાઓ એકબીજાની કાતિલાના હરિફાઈમાં સનસનાટી લાવવા એવી ચડસમાં ઉતર્યા હતા કે, કોઈ ભારે ગમખ્વાર દુર્ઘટના સાચ્ચે જ ઊભી કરીને પોતાના છાપામાં એના સૌથી પહેલા અને એક માત્ર સમાચારો છાપવાની બદમાશીમાં, એવી દુર્ઘટના ઊભી કરવામાં આવે છે અને એના માસ્ટરમાઈન્ડ છાપાનું સર્ક્યુલેશન રાતોરાત વધી જાય છે.

એ જ અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સને આચરેલા 'વોટરગેટ-કૌભાંડ'નો પર્દાફાશ અમેરિકાના બે પત્રકારો પોતાના જીવના જોખમે પોતાના અખબારમાં કરીને કેવળ સનસનાટી મચાવતા નથી, નિક્સનને રાતોરાત અમેરિકાનું પ્રમુખપદ છોડવું પડે છે, જે વિષય પર માર્વેલસ ફિલ્મ બની હતી, 'ઓલ ધી પ્રેસિડેન્ટ્સ મેન' (૭૬), જેના બે આવા ગ્રેટ પત્રકારોના રોલમાં ડસ્ટિન હોફમેન અને રોબર્ટ રેડફોર્ડ દુનિયાભરમાં મશહૂર થઈ ગયા હતા. રોજેરોજ આવી જ સનસનાટીઓ પોતાના અખબારમાં લાવવા માટે આમાદા એક છાપાના માલિક ગોકુલદાસ (મનોહરસિંઘ) એના છાપાની તેજાબી પત્રકાર સુભાષિની (શબાના આઝમી)ને સોંપે છે, નહિ તો છાપામાંથી એ છુટી થાય.

નોકરી બચાવવા નોકરીના છેલ્લા લેખ તરીકે શબાના મ્હોં-માથાં વિનાની અને તદ્દન કાલ્પનિક વાત ઊભી કરીને છાપી દે છે, જેમાં દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ નહિ થાય તો એક બહુમાળી બીલ્ડિંગના ધાબેથી કૂદી પડવાની જાહેરાત કોઈ અજાણ્યા 'આઝાદ' (અમિતાભ બચ્ચને) નામના માણસે લખેલા પત્રમાં કરી છે. આવા ખૌફનાક સમાચાર છપાવવાથી ગોકુલદાસનું છાપું તો એ દિવસે ભારે નકલો સાથે વેચાઈ જાય છે, પણ પછી બીજા દિવસનું શું ? શબાનાને આવો માણસ શોધી લાવવાની અને ન મળે તો આવો બનાવટી માણસ ઊભો કરવાની જવાબદારી સોંપાય છે.

એના સદનસીબે, તદ્દન બેકાર અને પેટનો ભૂખ્યો એક માણસ (બચ્ચન) મળી આવે છે, જેને ગરજ પોતાનું પેટ ભરવાની હોવાથી થોડા પૈસાની લાલચે આવી ઓફર સ્વીકારી લે છે. જાહેરાત મુજબ, સાચો આપઘાત તો કરવાનો ન હતો, એટલે બચ્ચનને એમાં કાંઈ ખોટું લાગતું નથી. ભ્રષ્ટ નેતાઓ અને સીસ્ટમ સામે વિરોધ બતાવવા કૂદવાની જાહેરાતની તારીખ ૨૬-મી જાન્યુઆરી રખાઈ છે. બચ્ચનનું નામ 'આઝાદ'રખાય છે અને એના પ્રભાવશાળી અવાજ અને ભાષણ કરવાની બેનમૂન ક્ષમતાનો લાભ ઉઠાવી ગોકૂલદાસ શબાના દ્વારા આઝાદને હીરો બનાવી દે છે, જે દેશના ઘરઘરમાં લોકપ્રિય થઇ જાય છે.

સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન આઝાદ ગરીબો, કિસાનો, મજૂરો અને વિદ્યાર્થીઓના ભ્રષ્ટ રાજકીય નેતાઓ દ્વારા થતું શોષણ જોઇને ભાવુક થઇ જાય છે. એને એ પણ ખબર પડે છે કે, એને દેશભરનો હીરો બનાવીને એનો ગેરલાભ લેવામાં આવ્યો છે, જેમાં ગોકુલદાસને મુખ્યમંત્રી બનવું હોય છે, સુગરમિલના માલિક અનુપમ ખેર, મુખ્યમંત્રી સુધીર પાંડે અને ગેરકાયદે બહુમાળી બીલ્ડિંગ ઊભા કરનાર બિલ્ડર જેવા કંઇક આમાં શામેલ છે.

આઝાદ ભાવુક થઇ જાય છે અને 'આઝાદ'હોવાનું નાટક છોડીને સાચ્ચે જ 'આઝાદ'બની જાય છે. જો એની જાણ બહાર અગાઉ એણે કરેલી જાહેરાત મુજબ, ૨૬ જાન્યુઆરીએ એ ઊંચી બીલ્ડિંગ પરથી કૂદી પડીને પોતાનો જાન આપી દે તો પોતે મરશે પણ ભ્રષ્ટ લોકોને ખુલ્લી કરી શકશે, એ નિર્ણયે એ સાચેસાચ આપઘાત કરે છે...

આજે આ ફિલ્મને ૩૦ વર્ષ થવા આવ્યા છતાં ફિલ્મનો વિષય આજે પણ પ્રસ્તુત છે એ તો ઠીક, પણ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એ દિવસોમાં હતી, એના કરતા ય અનેકગણી આજે થઇ છે. આ કૉલમ લખનારની જે કાંઈ સમજ/આવડત છે, એ મુજબ આજ સુધી હિંદી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનજેવો એકે ય અભિનેતા પેદા થયો નથી. તમારી સોચ મુજબ, હિંદી ફિલ્મોનો સર્વોત્તમ એકટર મનોજકુમાર કે વિશ્વજીતે ય હોઈ શકે, એ તમારો મત છે ને એમાં મારો ઇન્કાર હોઈ શકે નહિ.

એક 'ઍક્ટર'તરીકે આજ સુધી અમે રાજકપૂર, દિલીપકુમાર કે દેવ આનંદ કરતા ય દાદામોની-અશોકકુમારને ઊંચા સ્કૅલ પર મૂક્તા હતા અને હજી મૂકીએ છીએ, પણ પોતાની અઢળક ફિલ્મોમાં જે વિભિન્ન વિષયો ઉપર અલગ અલગ કિરદારો બચ્ચને નિભાવ્યા છે, એ હિંદી ફિલ્મોના એકે ય હીરોએ નિભાવ્યા નથી. અલબત્ત, બચ્ચન જેટલી જુદા જુદા પાત્રો ભજવવાની વૅરાયટી પણ કોઇને મળી નથી. આજ સુધી આપણે જેને હિંદી ફિલ્મોનો સર્વોત્તમ હીરો માનતા હોઈએ, એમાંના કોઇને પણ કિરદારોની વેરાયટી કરવા મળી નથી. બહુ બહુ તો ઍન્ટી-હીરો બન્યો હોય ! અફ કોર્સ, એ લોકોએ જે કાંઈ ફિલ્મો કરી હતી, એ બધીઓમાં એમા અભિનય માટે કોઈ ફરિયાદ હોઈ ન શકે... તફાવત કેવળ જુદા જુદા લૅવલના પાત્રો ભજવવાનો છે, જે બચ્ચને બતાવ્યો છે.

આ બાજુ, અમિતાભે અનેક ફિલ્મોમાં ચીલાચાલુ પ્રેમલા-પ્રેમલી, ઍન્ગ્રી યંગમેન કે ઢિશૂમઢિશૂમ-છાપની ફિલ્મો ઉપરાંત બીજા કોઈ હીરો સ્વીકારી પણ ન શકે, એવા અલગ અલગ કિરદારો અનેક ફિલ્મોમાં એણે નિભાવ્યા છે. સાદો દાખલો 'ચીની કમ'નો લઇએ કે 'ઝંજીર'અને 'શરાબી'નો લઇએ. 'પા', 'વઝિર', 'પિન્ક', 'સિલસીલા', '૧૦૨-નોટ આઉટ', 'અગ્નિપથ', 'ભૂતનાથ', 'સરકાર', 'પિકુ', 'ત્રિશૂલ'કે આજની ફિલ્મ 'મૈં આઝાદ હૂં'માં અમિતાભે ભજવેલા રોલ કોઈ ચીલાચાલુ પ્રેમલા-પ્રેમલીની ફિલ્મોવાળા નહોતા, જેના વિના હિંદી ફિલ્મો ચાલે જ નહિ.

એમાં ય, ઉમેરવાનું કાંઈ બાકી રહી જતું હોય એમ એનો મર્દાના અવાજ, ભારતમાં ખાસ જોવા ન મળે એવા હાઈટ-બોડી, હેન્ડસમ દેખાવ, માથે વાળનો ભરપુર જથ્થો, વગર બોલે સેંકડો સંવાદો બોલી શક્તી ભાવવાહી આંખો, સોફા ઉપર બેઠો હોય ત્યારે પગનો એક ઢીંચણ એવો ઊંચો હોય, જેનાથી ઊભી થતી પર્સનાલિટી અન્ય કોઈ હીરોમાં જોવા મળી નથી.

ખાસ તો, એક માનવી તરીકે એ દેશભરમાં છવાઈ ગયો, 'કૌન બનેગા કરોડપતિ'થી, જેમાં સ્ત્રીઓ પ્રત્યે એનો પિતાતુલ્ય સાહજીક આદરભાવ અન્ય ફિલ્મી હીરોમાં જવલ્લે જોવા મળ્યો છે. ક્યાંય મર્યાદા વટાવવાની નહિ. અને ઉંમર તો ઘણી થઇ ગઇ હોવા છતાં, આજે પણ એ હૅન્ડસમ દેખાય છે. ઈવન, આ જ ફિલ્મ 'મૈં આઝાદ હૂં'માં રામ જાણે એ કયો બ્લૅક લોન્ગ-કોટ લઇ આવ્યો છે કે, એના પહોળા ખભા અને હાઇટને કારણે કેવળ એને જ શોભે !

જોવાની વાત એ છે કે, જે 'ઍન્ગ્રી યંગમૅન'ની ઇમેજ અને ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોને કારણે એ ભારત ભરમાં છવાઈ ગયો, એવી ફિલ્મો તો વર્ષોથી એણે કરવાની બંધ કરી દીધી-ઈવન, આજની ફિલ્મ, છતાં એની લોકચાહના અમર જ રહી. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ આપણા રાજકોટમાં થયું હતું અને એની લોકપ્રિયતા જુઓ. ફિલ્મની ક્લાયમૅક્સના દ્રષ્ટો માટે દિગ્દર્શક ટીનુ આનંદને હજારો માણસોનું ઓડિયન્સ જોઈતું હતું, તે એક માત્ર એના નામ પર મળી ગયું. રાજકોટમાં એ સ્ટેડિયમ તરફ હજારોના ટોળેટોળા ધસતા દેખાયા હતા. ફિલ્મના શૂટિંગ દરમ્યાન ગુજરાતભરના અખબારો આ ફિલ્મના શૂટિંગના રોજેરોજના અહેવાલો પાણી-પુરીની માફક વહેંચતા હતા. રાજકોટવાળા આજની તારીખે ગૌરવ અનુભવે છે.

અમિતાભે એની ઍન્ગ્રી-યંગમેન અને મારામારીવાળી સફળ ફોર્મ્યૂલાને તરછોડીને આવી હેતુપૂર્ણ ફિલ્મમાં કામ કર્યું, એ કદાચ પ્રેક્ષકોને ગમ્યું નહિ, એટલે આવી સુંદર ફિલ્મ ટિકીટબારી ઉપર પિટાઇ ગઈ. દિગ્દર્શક ટીનુ આનંદ પોતે બચ્ચનજેવા અવાજનો પ્રભાવશાળી એક્ટર અને દિગ્દર્શક હતો. 'કાલીયા', 'અગ્નિપથ', 'મેજર સા''અને 'શહેનશાહ'જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચને દિગ્દર્શિત કર્યા પછી બચ્ચનનો કિરદાર આ ફિલ્મમાં પ્રેક્ષકોને અહિંસક અને અશોકકુમાર જેવો લાગ્યો હશે... ફિલ્મ ન ચાલી.

પણ ફિલ્મ આટલી અર્થપૂર્ણ બની, એમાં મૂળ ફાળો, જેના ઉપરથી આ હિંદી ફિલ્મ બની, તે હોલીવૂડની ફિલમ 'મીટ જોહ્ન ડો' ('૪૧) હતી, જેના વિશ્વવિખ્યાત નિર્માતા-દિગ્દર્શક ફ્રેન્ક કાપરાએ (અમિતાભવાળો રોલ) ગૅરી કૂપર અને બાર્બરા સ્ટૅન્વિક (શબાના આઝમી) પાસે આ કિરદારો કરાવ્યા હતા. આ ફિલ્મે તો દુનિયાભરમાં ધૂમ મચાવી હતી. વિજય આનંદ એના પરથી ફિલ્મ બનાવવા માંગતો હતો, પણ બચ્ચનવાળો રોલ એને પોતાને કરવો હતો, એમાં કોઈ માન્યું નહિ. બચ્ચનને લઇને નડિયાદવાલાએ આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે ફિલ્મનું નામ 'સચ'રાખવાનું હતું, જે ટાઈટલ અગાઉથી બૂક હોવાથી ફિલ્મનું નામ 'મેરા ઇન્સાફ'રાખ્યું, પણ છેવટની મોહોર 'મૈં આઝાદ હૂં'પર લાગી.

એક સુંદર કિસ્સો આ ફિલ્મ સાથે જોડાયેલો છે. રાજકોટમાં આ ફિલ્મના શૂટિંગ વખતે અમિતાભ સંસદ સભ્ય હતો અને શબાના આઝમીએ પૂછ્યું કે, બચ્ચને સંસદ સભ્ય તરીકે કોઈ સુધારા કરાવ્યા છે ? ત્યારે અમિતાભે કહ્યું કે, એક વાર રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર હતું અને હું હેબતાઈ ગયો કે, જમવાની ડિશો ઉપર ભારતીય તિરંગાનું પ્રતિક લગાવ્યું હતું. 'મને એ ગમ્યું નહિ. આપણા રાષ્ટ્રના પવિત્ર ચિહ્નનો આવો ઉપયોગ સહન ન થાય ને એ પછી મેં પાર્લામેન્ટમાં એ મુદ્દો ઉઠાવ્યો અને જમવાની પ્લેટો કે કોઈ પણ આવી ચીજો પર તિરંગાના ચિહ્ન ઉપર કાયમી પ્રતિબંધ આવી ગયો.'

શબાના આઝમી આપણા દેશની બહુ સન્માન્નીય અભિનેત્રીઓ પૈકીની છે. ફિલ્મની પટકથા અને સંવાદ એના પતિ જાવેદ અખ્તરે અને ફિલ્મનું એક માત્ર ગીત એના પિતા કૈફી આઝમીએ લખ્યું હતું. ફિલ્મના એક માત્ર ગીત માટે સંગીત ધી લેજન્ડરી અનિલ બિશ્વાસના સુપુત્રો અમર-ઉત્પલે આપ્યું હતું.

અમિતાભ બચ્ચન આજે પણ '૧૦૨-નોટ આઉટ'જેવી અર્થપૂર્ણ ફિલ્મોમાં પોતાનું હીર બતાવી રહ્યો છે. હીરો તો યુવાન જ હોવા જોઇએ, એ ભ્રાંતિ એણે એકલાએ તોડી છે. કમનસીબે, હમણાં હમણાંથી આડેધડ ટીવી-જાહેરાતો કરીને એ બૉર પણ કરવા માંડયો છે. જે હાથ આવે, એ બધી એડ એ કરે છે, એમાં પૈસા ભરપુર મળે, એ વાત સ્વીકાર્ય છે... છતાં પણ હમણાં હમણાંથી આવતી એની એકે ય ઍડ ફિલ્મમાં એ પોતાના કેલિબરને ન્યાય નથી આપતો. પરોઢીયે ટોપલો લઇને કાગળના ડૂચા વીણવા નીકળતી બાઈની માફક એ જે મળે એ ફાલતુ જાહેરાતોમાં કામ કરીને પોતાનું સ્તર નબળું પાડી રહ્યો છે... પૈસા હવે એનો પ્રોબ્લેમ નથી, પણ એની ક્વૉલિટી આપણી ચિંતા છે...!

ઍનકાઉન્ટર : 01-07-2018

$
0
0

*  કર્ણાટકમાં કોંગ્રેસે મોદી અને અમિત શાહનું 'ઍનકાઉન્ટર'કરી નાંખ્યું ?
હા. એ કોંગ્રેસ માટે સારૂં કહેવાય.
(
વસંત મોરથાનીયા, મુંબઈ)

*દેશના મધ્યમ વર્ગ માટે મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં કાંઇ કર્યું ?
કરૅક્ટ. હજી સુધી તો એવું કાંઇ દેખાતું નથી... હજી એકાદ વર્ષ છે કાંઇ કરી બતાવવા માટે.
(
રાકેશ ધૈર્યકાંત દેસાઈ, વડોદરા)

*ચૂંટણી પ્રજાલક્ષી લડાવી જોઇએ કે સત્તાલક્ષી ?
ભાજપ-કોંગ્રેસ સહિત એક પણ રાજકીય પક્ષ પ્રજાના કલ્યાણ માટે એક શબ્દ ય બોલ્યો હોય તો કહો !
(
સુશીલ વાઘેલા, મંજુસર-સાવલી)

*સબસિડી જેવું જે કાંઇ જતું કરવાનું તે પ્રજાએ જ કરવાનું ? સત્તાધિશોએ કાંઇ નહિ છોડવાનું ?
સત્તાધિશોને છોડવા હોય તો આવતા વર્ષે તક તમારા હાથમાં આવી રહી છે... પણ જે કોઇ આવશે, એ પોતાનું કાંઇ જતું નહિ કરે.
(
રાજેશ ડી. લુખ્ખા, જૂનાગઢ)

*સૅલ્ફીનો વધુ પડતો વપરાશ કરનારાઓને 'સૅલ્ફિશ'કહેવાય ?
ના. 'સૅલ્ફ-ઈશ.'ઈશ એટલે ઈશ્વર. પોતાના માટે પોતે બની બેઠેલા ઇશ્વર.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

*સાહિત્ય જગતમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ છે ? તમને ગર્વ થાય ?
હવે જે સમય આવી રહ્યો છે, એ જોતા વાણીયા-બ્રાહ્મણના અહંકારો છોડીને કેવળ 'ભારતીય'હોવાનું ગર્વ રાખવું પડશે... નહિ રાખો તો બીજો છુટકો ય નથી.
(
દિપક મહેશ પંડયા, બિલિમોરા)

*આપ આ સવાલોના જવાબો ક્યાંથી શોધો છો ?
એ જ શોધવાનું બાકી છે.
(
પ્રમોદરાય કાટબામણા, ધોરાજી)

*'કૅરી'એટલે ?
કૅરી એટલે કણસાગરા.
(
આનંદ કણસાગરા, ઉપલેટા)

*પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે શું કરવું જોઈએ ?
સાયકલ
(
હિતેશ દેસાઈ, તલીયારા)

*ગાડી સ્ત્રી ચલાવે છે ને પુરૂષ બાજુમાં બેઠો હોય છે...
ઘણાના ઘરનું ય એવું જ છે.
(
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

*પાકિસ્તાનને જવાબ...?
બરોબરનો અપાઇ રહ્યો છે.
 (
નીલેશ પ્રેસવાળા, ભરૂચ)

* 'ઍનકાઉન્ટર'છેલ્લા પાને જ કેમ ?
- '
'ને બદલે ''ન મૂકાય, માટે !
(
નીરા સરાડવા, હિંમતનગર)

*સોનિયા માયાવતિને ભેટી પડયા...છોકરાને સૅટ કરવા માએ શું શું કરવું પડે છે ?
હા, પણ આમાં જે કાંઇ ગૂમાવવાનું હતું, સોનિયાએ ગૂમાવવાનું હતું ને ?
 (
કુલદીપસિંહ જાડેજા, આણંદ)

*પુરૂષોના વાળ વધારવાની કેમ કોઇ જા.ખ. નહિ ? સ્ત્રીઓ માટે અનેક હોય છે.
-
પુરૂષોને આવક વધારવાની જરૂરત હોય છે, વાળ વધારવાની નહિ !
(
કિરીટ બી. રાવલ, નાલાસોપારા)

*સ્વચ્છતા માટેના બોર્ડની કોઇ અસર થાય છે ખરી ?
-
ના. બોર્ડ ડાઘાડૂઘીવાળું બની જાય છે.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

*રાજકારણમાં પ્રવેશવા માટે કઇ લાયકાત જોઇએ ?
-
ના'લાયકી.'
(
ચિરાગ સુથાર, કડી)

*તમને બીજા લગ્નની ઓફર મળે તો ?
-
સારૂં કહેવાય.
(
ભાવેશ ત્રિવેદી, જૂનાગઢ)

* તમને કઈ ભેટ મળે તો ઉત્તમ કહેવાય ?
-
આપવી હોય તો આપી દો... મજાક ના કરો !
(
યશ રૈયાણી, સુરત)

*વૈજ્ઞાનિકની ભૂલ 'રીસર્ચ'કહેવાય, દરજીની ભૂલને 'ફૅશન'કહેવાય તો નેતાઓની ભૂલ...?
-
હજી સુધી તો એકે ય નેતાની ભૂલ પકડાઇ નથી.
(
હિમાંશી સવડીયા, ભાવનગર)

*એક માણસની લાગણી બીજો માણસ કેમ નથી સમજતો ?
-
એને સાલાને મોકલો મારી પાસે !
(
નિર્મલ જે. દાતણીયા, ખંભાત)

*  હાસ્યને સૂકા આંસુ કેમ કહેવાય છે ?
તમારે ત્યાં કહેવાનું હશે... અમારે ત્યાં તો હાસ્યને હાસ્ય જ કહેવાય !
(
આફિયા ખાન, જેતપુર)

*તમે બધા સવાલના જવાબ ક્યાંથી શોધો છો ?
-
કોણી ખંજવાળીને.
(
શરદ ગોરાસવા, ટોડા-અમરેલી)

*બી.ઍડ.વાળાની રોજગારી ક્યારે દૂર થશે ?
-
એકાદ અઠવાડીયું રાહ જુઓ ને !
(
બીના ગોરાસવા, ભાણવડ)

* ઘણા કવિ-લેખકો આટલા જથ્થામાં દાઢી-મૂછ ને માથે વાળ કેમ લાંબા રાખે છે ?
-
તમે એમના કાન જોયા લાગતા નથી !
(
નવીન ત્રિવેદી, અમદાવાદ)

ભરબપ્પોરે વરઘોડો

$
0
0

આવી પ્રચંડ ગરમી અને પરસેવા નીતરતા લ્હાય-બાળુ બફારામાં હમણાં અમારા નારણપુરામાં ભરબપોરે વરઘોડો નીકળ્યો, ઘોડો એકલો નીકળ્યો હોય તો ય આપણને દયા આવે, એને બદલે એ તો વર સાથે નીકળ્યો હતો.

ધૂમધામ તોતિંગ અવાજના બૅન્ડ-વાજાં સાથે. ગરમી એ હદની કે, માણસનું ચાલે તો પૂરા શરીર ઉપર હાથ-રૂમાલ પહેરીને ઘરની બહાર નીકળે, એવા ધૂમ તડાકામાં વરરાજો ઘોડે ચઢી 'પૈણવા'નીકળ્યો હતો. સાજન-મહાજન કઈ કમાણી ઉપર વરઘોડામાં જોડાયું હતું, એ દઇ જાણે !

આવા ઉકળાટમાં વરરાજાએ 'શૂટ'પહેર્યો હતો, પણ સમજુ ઘોડો નાગો હતો... એનામાં 'ઘોડાઈ'હતી, પણ વરરાજામાં માણસાઈ નહોતી કે પોતાની ઉપરે ય દયા ખાય ! આપણને દૂર ઊભા ઊભા જીવો બાળીએ કે, શું રહી ગયો હશે શૂટ પહેર્યા વિનાનો ! 'વર'અને 'ઘોડા'વચ્ચે તફાવત સમજાવવા આવો પ્રયાસ ? આપણને તો બન્નેના મોંઢા જોઇને ખ્યાલ આવી જાય ! વરઘોડામાં સ્ત્રીઓ પાછી ભારે સાડીઓમાં ને એમના ગોરધનો પણ શૂટ-બૂટમાં, બોલો ! કેવો ઉકળતો નજારો હશે કે, એ લોકોના મોંઢા ઉપર જબરદસ્તીના સ્માઇલો અને રૂમાલ વડે બોચી ઉપરથી પરસેવો લૂછતા રહેવાનું ! વરરાજાનું ચાલે તો ઘોડો ઠેકાવીને દૂર દૂર કચ્છ કે સહરાના રણ બાજુ ભગાવી મૂકે પણ નારણપુરાની લૂ ઝરતી સડકો ઉપરથી વરઘોડો ન કાઢવા દે ! પાછું, એમાંનું કોક ને કોક બોલતું રહે, '', હવે તો વરસાદ પડે તો સારૂં... જરા ય પવન જ નથી !'

એ લોકો નવા જમાનાના નહિ હોય, નહિ તો વર-ઘોડાને બદલે 'વર-ઍક્ટિવા'કે 'વર-બુલેટ'લઇને સરઘસ કાઢ્યું હોત ! એ.સી. ગાડીઓમાં તો વરઘોડા નીકળતા હોય છે, પણ આખે આખો વરઘોડો એ.સી. ક્યાંથી કરાવવો ? ઘોડા તો આ જમાનામાં આમે ય કોઈ કામના રહ્યા નથી, છતાં લોકો વર-ઘોડામાં એમનો જ ઉપયોગ કરે છે. 'આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે...'!

પણ આવા શુભ-પ્રસંગે જાનવાળાઓ હાથી કે ઊંટનો ઉપયોગ કરવા કેમ નહિ માંગતા હોય... ઘોડો જ કેમ ? એ એમનો વિષય છે, પણ સાયન્સ આટલું આગળ વધ્યું છે, છતાં વરઘોડો તો એ જ જરીપુરાણો ! આ કત્લેઆમના નજરે જોનારા સાથીઓના મનમાં એ સવાલ ભટકતો હતો કે, વરઘોડામાં શોભાની અભિવૃધ્ધિ કરવાનું જેમને આમંત્રણ મળ્યું હશે, એ ય બોલ્યા નહિ હોય કે, 'ભલે વરઘોડા કાઢો... પણ સમીસાંજના-જરી ઠંડક થાય પછી કાઢો... પરણે તમારો લાલકુંવર અને આવા બફારામાં સીમેન્ટના કારખાનાના મજૂરો જેવા અમે લાગીએ ? અલબત્ત, આ વરઘોડાના માલિકોના આદેશ મુજબ, આવી બળબળતી બપોરમાં વૃધ્ધ કે સાજામાંદા એમના ઘરોમાં માંડ સૂતા હોય ને પેલો લાઉડ-સ્પીકર્સ ઉપર 'જોર લગા કે હૈ...સા'ની તાકાત ઉપર બૂમબરાડા સાથે ફિલ્મી ગીતો તાણી તાણીને આખું નારણપુરૂં હલાવી માર્યું. ભરબપોરે ખરા તડકામાં આવા વરઘોડા કાઢવાની પરવાનગી આપનારા પોલીસ-અધિકારીઓને ય નિરાંત હોય છે કે, 'ક્યાં આપણા ઘર પાસેથી વરઘોડો કાઢવાનો છે ?'કાન ફાડી નાંખે એવા લાઉડ-સ્પીકર્સ વગર તો પરવાનગી અપાય નહિ... એ બધાની બાઓ ખીજાય ! આમે ય, લગ્નપ્રસંગ હોય કે ધાર્મિક-સરઘસો માટે આજે ય વિશ્વમાં અમારા નારણપુરાનું મોટું નામ છે.

થૅન્ક ગૉડ... ભારતનું ગામડું શહેરમાં ય આવા લિબાસમાં જીવે છે. અમને દયા પણ આવે છે કે, આવા ધૂમધડાકાવાળા સરઘસો રાત્રે બે-ત્રણ વાગે કેમ નહિ નીકળતા હોય ! માંડ સૂતેલ બિમાર અને જઉં-જઉં કરતા વૃધ્ધો ઘોંઘાટના માર્યા રાત્રે જ પતી જાય, તો એમને કાઢી જવાનો ઘરવાળાઓને રાત્રે બહુ પ્રોબ્લેમ ન થાય, જેટલો બપોરના વરઘોડા માટે થાય ! વખત છે ને, સ્મશાનયાત્રા માટે પૂરતી સંખ્યામાં ડાઘુઓ ભેગા થતા ન હોય તો ચાલુ વરઘોડામાંથી ય ૮-૧૦ ને રીકવૅસ્ટ કરીએ કે, '', જરા જોડાઈ જાઓ ને !... શુટ પહેરેલો રાખો, વાંધો નથી...! અહીં જૂના વાડજ સુધી જ જવાનું છે...!'રાત્રે કોઈ મદદમાં ય આવે !

આજની તો ખબર નથી, પણ જૂના જમાનામાં વરઘોડા એટલા માટે કાઢવામાં આવતા કે, છોકરાનું માંડ માંડ ઠેકાણે પડયું હોય ને બધી આશાઓ મૂકી દીધી હોય ને માંડ ગોઠવાયું હોય એટલે ભ'ઇનું ખાનદાન જ નહિ, એનું આખું ગામ નિરાંત લેતું હોય કે, 'હાશ, છુટયા...!'

આ વરરાજા માટે સહાનુભૂતિ એટલે થાય કે, બપોરનો આ વરઘોડો કેવળ નારણપુરામાં જ નાનકડું ચકરડું મારીને ઘરભેગો થઇ જવાનો હતો.

એના ફાધરને બહુ ઉમંગ-ફૂમંગ નહિ હોય નહિ તો, નારણપુરાથી પ્રહલાદનગર-બોપલ, સરખેજ અને આ બાજુ નરોડા સુધીનું ચક્કર મરાવે તો છોકરો મજબુતે ય બને !

ભારતના લોકો પાસે પૈસો છે કારણ કે, એમને મેક્સિમમ બે બાળકો હોય છે. એકનો નોકરી મળી, બીજાને... ઈન કૅસ, ન પણ મળી તો ઘર ચલાવવામાં વાંધો આવતો નથી.

મકાન નાનું હોય તો પણ આખા કુટુંબને રહેવાના કામમાં આવે છે, પડયા રહેવાના નહિ ! પણ મધ્યમ વર્ગવાળો પર્મેનૅન્ટલી મધ્યમ જ રહી જતો હોય છે, એનુંકારણ લગ્નનાખર્ચા. આજે ઇ.સ. ૨૦૧૮ના જમાના પ્રમાણે ઘરમાં લગ્નપ્રસંગનો ખર્ચો મિનિમમ ૨૫ લાખનો આવે છે.

સામેવાળાનો એટલો જુદો. મિડલ-ક્લાસ કાયમ માટે મિડલીયો રહી જતો હોય તો આવા ખોટા દેખાડા કરવામાં ! તોતિંગ ખર્ચો જમણવારનો આવે છે ને અનુભવ બધાનો છે કે, આટલો ખર્ચો કર્યા પછી આપણા ને આપણા સગા-સંબંધી-દોસ્તો પેટ ભરીને જમી લીધા પછી ઓડકારો ખાતા ખાતા ડિનરની ટીકા કરીને કન્યાવાળાને રોવડાવી નાંખે છે. આવી ધૂમધામને બદલે વર-કન્યા બન્નેના મમ્મી-પાપા એમને ખર્ચવાના થતા ૨૫-૨૫ લાખદીકરીના ખાતામાં જમા કરાવી દે કે મર્સીડીઝ-વૉલ્વો લઇ આપે તો પેલા બન્ને તમે જીવશો ત્યાં સુધી થૅન્કફૂલ રહેશે અને એમની લાઇફ બની જશે.

અહીં તો એકલો ઘોડો જ દસ હજારનો પડે છે ને એના માલિક-રખેવાળના ખર્ચા જુદા ! ચાલુ વરઘોડો એના મનમાં આવે ત્યારે આપણા કપડાં બગાડી નાંખે... પાપ એના મનમાં નથી હોતું, પેટમાં હોય છે. સ્વચ્છતા-અભિયાન ઘોડાના પેટમાં નથી હોતું.

મોટા ભાગના વરરાજાના ફાધરોમાં વરઘોડાના વિષયે અક્કલ હોતી નથી. બૅન્ડ-વાજાં તો વ્યવહાર ખાતરે ય જોઇએ જ, પણ એમાં વિરાટ અવાજો કાઢી શકે એવા લાઉડ-સ્પીકરો સાથે ઓરકેસ્ટ્રાવાળા જોડાયા હોય.

નારણપુરા જેવા શિક્ષિત વિસ્તારોના રહીશો પાસેથી માંગે તો દસ-દસ રૂપિયા ઉઘરાવીને વરઘોડાનો ટોટલ ખર્ચોઆપવા તૈયાર થાય, શર્ત એટલી કે, અવાજ વિનાનો વરઘોડો કાઢો ! એક વિડીયો-વાયરલ થયેલો જોયો હશે કે, આપણી ગુજરાતણોએ 'ધી ગ્રેટ'યોગ દિવસ નિમિત્તે યોગમાં પણ ગરબા ઘુસાડયા હતા, એ હિસાબે વરઘોડામાં તો ગરબા હોય જ ! પણ હવે જમાનો આગળ વધ્યો છે. ખરેખર તો આ લોકોએ ગરબાની સાથે સાથે ચાલુ વરઘોડે રસોઇ-શો, હાઉસી, તીનપત્તી, વીમેન્સ-ક્રિકેટ કે ખાસ તો ડમ્બ-શૅરડ જેવી ગેમ્સ રમાડવી જોઇએ, જેથી વરરાજાનું ધ્યાન ઘોડામાં રહે.

યસ. આવા વરઘોડાવાળાને છુટ મળે તો ઘરની સ્મશાનયાત્રાઓમાં ય ધૂમધામ બૅન્ડવાજાં વગાડે.

ઓહ યા... એક પણ લગ્ન કે એના સમારંભમાં રાષ્ટ્રગીત ગવડાવવાનું એકે ય ભારતીય ને યાદ આવે ?

સિક્સર
- તમે માર્ક કર્યું ? હવે સિગારેટ પીનારાઓ ક્યાંય દેખાતા નથી...
- એમ તો, દારૂ પીનારાઓ ય ક્યાં દેખાય છે !

'ચંદન કા પલના' ('૬૭)

$
0
0

ફિલ્મ : 'ચંદન કા પલના' ('૬૭)
નિર્માતા : ખૈરૂન્નિસા ઇસ્માઈલ
દિગ્દર્શક : ઈસ્માઇલ મેમણ
સંગીતકાર : રાહુલદેવ બર્મન
ગીતકાર : આનંદ બખ્શી
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૬૬-મિનીટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : મીના કુમારી, ધર્મેન્દ્ર, મેહમુદ, મુમતાઝ, શબનમ, દુર્ગા ખોટે, નઝીર હૂસેન, ધૂમલ, બિપીન ગુપ્તા, મુકરી, અભિ ભટ્ટાચાર્ય, અસિત સેન, જૅરી, કમલ મોહન, નઝીર કાશ્મિરી
 
ગીતો
૧.    કિસ કારન, કામિની શરમાયેં,      લતા-ઉષા મંગેશકર
૨.    ઝૂલ્ફોં કો, આપ યૂં ના સંવારા,     આશા ભોંસલે-રફી
૩.    તુમ્હેં દેખા હૈ મૈંને ગુલસિતાં સે, કે      મુહમ્મદ રફી
૪.    નીરતત ઢંગ, કાન્ત ટેઠેટેઠે કૌન કૌન,      મન્ના ડે-રફી
૫.    બાત કરતે હો, બાત કરના નહિ આતા,      મન્ના ડે-આશા
૬.    મસ્તાના હોએ, પરવાના હોએ,     આશા-મન્ના ડે-કોરસ
૭.    શરાબી શરાબી, મેરા નામ હો ગયા,      લતા મંગેશકર
૮.    ઓ ગંગા મૈયા, પાર લગા દે મેરી     લતા મંગેશકર
(
ગીત નં. ૪ની રચના સ્વ. બિન્દાદીન મહારાજની છે.)

કોઈ પર સારી કે તદ્દન થર્ડ ક્લાસ હિંદી ફિલ્મ ઉતારવાની પાછળ સમાજને કોઈ ને કોઈ સંદેશો આપવાનો હેતુ હોય છે. ઢિશુમ-ઢિશુમવાળી ફિલ્મ ભલે હોય બકવાસ, પણ એમાં ય મૅસેજ હોય છે કે, અચ્છાઇની સામે બુરાઇનો પરાજય થાય છે. આ બ્રાન્ડનો સંદેશ સમજો ને, ઑલમોસ્ટ તમામ હિંદી ફિલ્મોમાં આવતો રહે છે.

પણ બેવકૂફી નામની પણ કોઈ ચીજ ફિલ્મી બજારમાં મળે છે. આજની ફિલ્મ 'ચંદન કા પલના'પૂરી થયા પછી ફિલ્મ દ્વારા આ લોકો કયો મેસેજ આપવા માંગે છે, એ તમે જાણવા જાઓ તો ખાટી ઊલટીઓ થાય, ચક્કર આવે અને નારાજ-ગુસ્સે તો ઠીક... મોટા ભાગે તો પાગલ થઈ જાઓ! જાણવો છે, કયો મેસેજ આ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે? લગ્નના ૪-૫ વર્ષો પછી ય એક યુગલ નિ:સંતાન રહે, તો ખૂબ પ્રેમ કરતા પતિદેવ પત્નીને છુટાછેડા આપી બીજા લગ્ન કરી લે, જેથી બીજી દ્વારા સંતાન પ્રાપ્તિ થાય, ઇ હેતુથી પત્ની નફ્ફટ બની જાય, પાર્ટીઓમાં ઉઘાડેછોગ દારૂ ઢીંચતી રહે, એના ગોરધનના દેખતા પરમ પૂજનીય સાસુ ઉપર હાથ ઉપાડે અને આડાઅવળા કપડાં પહેરી બદતમીઝીની કોઈ લિમિટ બાકી ન રાખે... ખરેખર, વૉમિટ થાય એવી વાત તો એ છે કે, ચીડાઇને ગોરધન આને છૂટાછેડા આપી દે, એ માટે આવા નફ્ફટ વર્તનો કરવાની સલાહ કુટુંબના આધ્યાત્મિક ગુરૂજીની જ આવી ખતરનાક સલાહો ઉપર 'બહુ'કામ કરતી રહે છે. છેવટે છુટાછેડા મળી જાય.

નવી વાઇફને બાળક આવે ને આપણી હીરોઇન સવા-સો દિવા ગંગા નદીમાં પધરાવે... હીરોને હીરોઇન સાથે રીપિટ મિલન તો કરાવવું પડે, એટલે સુવાવડમાં જ હીરો ધર્મેન્દ્રની પત્ની અવસાન પામે, બાળક જીવતું રહે અને, 'યે સબ તો બહુને ઘર મેં ચંદન કા પલના ઝૂલતું રહે એટલા માટે આવો ભવ્ય ત્યાગ કર્યો હતો, એનો સસ્પૅન્સ 'ગુરૂજી' (બિપીન ગુપ્તા, જેને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો ગૅટ-અપ આપવામાં આવ્યો છે) ભરી મેહફીલમાં ખોલે અને સરેઆમ નફ્ફટાઈ કરતી, શરાબોમાં ડૂબેલી રહેતી બહુ (મીના કુમારી)ને આદરપૂર્વક ઘરમાં પાછી લાવવામાં આવે!

તારી ભલી થાય ચમના. આવી ફિલ્મ દ્વારા તું પ્રેક્ષકોને મૅસેજ શું આપવા માંગે છે? ...કે, સંતાન ન થતું હોય એવી વાઇફોએ પતિદેવની હાજરીમાંથી ઉતરી જવા દારૂ, નફ્ફટાઇ, અશોભનીય કપડાં અને માથે બૉયકટ વાળ કપાવીને છુટાછેડા લેવડાવીને પોતાના પૂજનીય ગોરધન પાસે બીજા લગ્ન કરાવવા? કહેવાતી સામાજીક ફિલ્મ બનાવીને ભ', તું આવો સંદેશ આપવા માંગે છે? આ ભ'ઈ એટલે ઈસ્માઇલ મૅમણ! એની વાત પછી કરીએ છીએ. પહેલા ફિલ્મ વિશે થોડુંક થોડુંક...! (અલબત્ત, ફિલ્મ એટલી ફાલતુ હતી કે, એના વિશે 'થોડુક'કાંઇ કહીએ, તો ય ગાળ બોલતા હોય એવું લાગે!) પણ, આ ફિલ્મ 'ચંદન કા પલના'માં થોડીક નહિ, એક-બે સારી બાબતો હતી, તેના ય વખાણ કરી લઈએ.

આજ સુધીની તમામ હિંદી ફિલ્મોનો સર્વોત્તમ કૉમેડિયન મેહમુદ આ ફિલ્મમાં પણ ખૂબ વહાલો લાગે છે. બહુ ઓછા વાચકો સ્વીકારશે કે, ફિલ્મના હીરો કે વિલન કરતા કૉમેડી કરવી ખૂબ અઘરી છે. અભિનયની સમજ મોટા ભાગના હીરો કરતા કૉમેડિયનમાં વધારે હોવી લાઝમી છે ને મેહમુદ તો સાદ્યંત પરફૅક્ટ અભિનેતા હતો. એના જમાનાના કોઈ પણ હીરો કરતા એની ફી વધુ હતી, એ બતાવે છે કે, એ કેટલી હૅવી-ડીમાન્ડમાં હશે! આ ફિલ્મમાં તે કલકત્તાથી ઘર છોડીને ભાગેલા બંગાલી યુવાનનો કિરદાર કરે છે અને તમારે હસવું જ પડે, એવી આહલાદક કૉમેડી કરી છે, હિંદી સંવાદો બાંગ્લા ઉચ્ચારો સાથે કરીને! 'યે પાની તો ઠોન્ડા ઠોન્ડા હાય...'એમ ટીપિકલ બંગાળી ઉચ્ચારો મુજબ, મોટા ભાગના શબ્દોનો પહેલો અક્ષર ''થી કરે છે, 'ઓશોક દોવે...''નોરિન્દર મોદી'... ફિલ્મની બીજી ઉજળી બાબત સિનેમેટોગ્રાફર ડી.સી. મેહતાની આંખને ઠંડક આપતી સુંદર રંગીન ફોટોગ્રાફી. ફિલ્મની વાર્તા મુજબ, તમામ દ્રષ્યો કરોડૉ રૂપીયાના તોતિંગ અને ભવ્ય બંગલામાં થયા હોવાને કારણે એક એક દ્રષ્ય જોવું ગમે છે.

અને ત્રીજું મનગમતું ફૅક્ટર મુહમ્મદ રફી અને મન્ના ડેએ સ્વ. બિંદાદીન મહારાજ નિર્મિત, 'નીરતત ઢંગ, કાન્ત ટેઠેટેઠે કૌન કૌન, બહે પવન મંદ સુગંધ...'નું સ્વરાંકન, રફીએ ગાયેલા તરાનાના બોલ, મન્ના ડે ની શાસ્ત્રોક્ત ઊંચાઈઓ ધરાવતો કંઠ અને રાહુલદેવ બર્મનનું આ ગીતમાં સંગીત. છલકાઇ તો જવાય છે, મેહમુદ અને ધૂમલની શાશ્વત જોડી દ્વારા કરવામાં આવેલું શાસ્ત્રીય નૃત્ય. (અંગત રીતે, મને હસાવવા માટે પોપટલાલ (રાજેન્દ્રનાથ) કે ધૂમલનો કેવળ ફોટો બતાવો, તો ય હું ધૂમધામ હસી પડું... ત્યારે અહીં તો ધૂમલ શાસ્ત્રીય નૃત્ય કરે છે. મેહમુદ નૃત્યની આ ઊંચાઈ સુધી પહોંચી શકે, એની નવાઈ નથી. એના પિતા મુમતાઝ અલી '૪૦-ના દશકની બૉમ્બે ટૉકિઝની ફિલ્મોના કાયમી અને સફળ ઍક્ટર-ડાન્સર હતા.)

અલબત્ત, મેહમુદે પોતાની શરૂઆતની તમામ ફિલ્મોમાં સંગીતકાર તરીકે પંચમ એટલે કે આર.ડી. બર્મનને જ સંગીતનો હવાલો સોંપ્યો હોવા છતાં, કેટલાક કર્ણપ્રિય અપવાદોને બાદ કરતા પંચમ દા મેહમુદનું કે પોતાનું નામ ઉજાળી શક્યા નહોતા. મેહમુદે પોતે બનાવેલી ફિલ્મો 'છોટે નવાબ', 'પતિ-પત્ની' ('કજરે બદરવા રે. મરઝી તેરી હૈ ક્યા જાલમા-લતા', દો ફૂલ, બૉમ્બે ટુ ગોવા, ભૂત બંગલા અને 'પડોસન'માં 'પડોસન'ને બાદ કરતા ભાગ્યે જ કોઇ ફિલ્મે પંચમના નામને સાર્થક કર્યું હતું.

પણ ફિલ્મ 'ચંદન કા પલના'નો સૌથી મોટો આઘાત ખુદ મીના કુમારી છે. એક ઍક્ટ્રેસ તરીકે, જૂનાઈ ફિલ્મોમાં આટલું પવિત્ર નામ કમાયેલી મીના કુમારી અને કોઈ હૉરર ફિલ્મની ખતરનાક ચેહરાવાળી હીરોઇન લાગે છે. છેલ્લે આપણે જોયેલી 'સાહિબ, બીબી ઔર ગુલામ'જેવી ફિલ્મોમાં એ કરૂણાની મૂર્તિ લાગતી અને એનો અભિનય સર્વોપરી રહેતો. અહીં તો એ બીક લાગે ભારે મેક-અપ અને એથી ય વધારે ડરામણ અભિનયથી 'પોતે મીના કુમારી છે,'એ બતાવવામાં જોનારને ય ગુસ્સો ચઢાવે, એવી પૂઅર ઍક્ટિંગ કરી છે.

કંઈ બાકી રહી જતું હોય, એમ શિયાળામાં ડોહા પહેરે એવી બુઢીયા ટૉપી જેવા વાળની નકલી વિગ પહેરીને આખી ફિલ્મને ચૂંથી નાંખી છે. બહુ વધી ચૂકેલી ઉંમરને એ સ્વીકારી શકી નહોતી અને હદ ઉપરાંતનો રોજીંદો શરાબ અને પુરૂષો સાથેના અનેક લફરાંઓને કારણે એ ડોસી બની ગઈ હતી. ઉષા ખન્નાની જૂના પતિ અને ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સાવન કુમાર ટાંક અને ગુલઝાર સાથેના લફરાઓ પહેલા ધર્મેન્દ્રનું નામ મીના કુમારી સાથે વધુ પડતું વગોવાયેલું હતું, પણ જાણકારોના મતે ધર્મેન્દ્ર મીના કુમારીની લોકપ્રિયતા વટાવીને પોતાના માટે ફિલ્મો ભેગી કરતો હતો. વાસ્તવમાં ધરમે મીના સાથેના લફરાંનો કદી એકરાર કર્યો નથી.

આ ફિલ્મમાં ધરમ દેખાવમાં ચોક્કસ હૅન્ડસમ અને જોવો ગમે એવો લાગે છે, પણ ઍક્ટિંગમાં ભ'ઇનું ક્યારેય કોઈ મોટું નામ થયું નથી. મુમતાઝ પછી તો હિંદી ફિલ્મોની સૌથી મોંઘી અને લોકપ્રિય ઍક્ટ્રેસ થઈ, પણ એના જેટલી સ્ટ્રગલ અને ધીરજ હિંદી ફિલ્મોની કદાચ એકે ય હીરોઇને કરવાની આવી નથી. સાવ સામાન્ય બાળ-કલાકારથી ઍક્સ્ટ્રા, પછી આ ફિલ્મની જેમ અર્થ વગરની, સાઇડ-હીરોઇન, પછી દારાસિંઘની હીરોઇન અને છેવટે સંજીવ કુમારની 'ખિલૌના'પછી હિંદી ફિલ્મોની સર્વોચ્ચ હીરોઇન બની ગઈ. ફિલ્મમાં ધર્મેન્દ્રની બીજી વારની પત્ની બનતી ઍક્ટ્રેસ શબનમ છે. ઋષિકેષ મુકર્જીની ૧૯૬૬-માં આવેલી ફિલ્મ 'બીવી ઔર મકાન'માં શમ્મી કપૂરની ફિલ્મ 'પ્રોફેસર'વાળી કલ્પના પછીની એ સેકન્ડ હીરોઇન હતી, એમાં ય, એ મેહમુદની સાથે હોય છે.

આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ઈસ્માઇલ મેમણ મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (શાનો) સાથે પરણ્યો હતો. એ ઑલરેડી પરણેલો જ હતો. (મેમણો મોટા ભાગે આપણા પોરબંદરના ગુજરાતીઓ હતા... યાકુબ મેમણ કે ટાયગર મેમણ જેવા અન્ડરવર્લ્ડના ખેરખાં સહિત!) ઈસ્માઇલના અચાનક મૃત્યુ પછી શાનો ફિલ્મ 'પડોસન'ના દિગ્દર્શક જ્યોતિ સ્વરૂપને પરણી ગઇ. જ્યોતિએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો.

(
યોગાનુયોગ, એણે પણ પોતાનું નામ 'ઈસ્માઇલ'રાખ્યું હતું.) પણ એ ય ગૂજરી ગયો. એ પહેલા ૧૯૫૨-માં શાનો માટે ફિલ્મોના ગીતકાર હસરત જયપુરીએ માંગુ મોકલ્યું હતું અને બન્નેની સગાઈ પણ થઈ ગઈ. કમનસીબે, સમાચાર એવા વહેતા થયા કે, હસરત જયપુરીની મા વેશ્યા હતી, એ સાંભળીને મેહમુદના ફૅમિલીએ સગાઇ તોડી નાંખી. ખૈરૂને સહુ 'શાનો'નામથી બોલાવતા. એ શાનોનો દીકરો નૌશાદ સ્વ. ગુરૂદત્તની પુત્રી નીના સાથે પરણ્યો છે.

આ દરમ્યાન મેહમુદના પિતા મુમતાઝ અલી આટલા મોટા પરિવાર છતાં એકલા પડી ગયેલા ને તેમને કંપની આપવા સઇદ અલી અકબર આજની ફિલ્મ 'ચંદન કા પલના'ના દિગ્દર્શક ઈસ્માઇલ મેમણનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર) નામના ચાલુ માણસે મુમતાઝ અલી અને મહેમુદનો પ્રેમ જીતી મેહમુદની ઍક્ટ્રેસ બહેન મીનુ મુમતાઝ સાથે લફરૂં શરૂ કર્યું. મેહમુદ કે પરિવારને એનો વાંધો નહતો, પણ કોઇ જાણતું નહતું કે, અકબર મીનુ/મેહમુદની નાની બહેન ઝૂબૈદાના ય પ્રેમમાં હતો, જેને કારણે ઝૂબૈદાએ પોતાની સગાઈ તોડી નાંખી અને આ બાજુ અકબરે મીનુ મુમતાઝ માટે લગ્નની ઑફર મુકી. મેહમૂદને આમ કોઇને ઘરમાં ઘુસાડવાનો અફસોસ થયો.

મેહમુદે કોઈની શેહશરમ વિના ચોખ્ખું લખ્યું છે, એની કરિયર તોડવા માટે રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારે કાંઈ બાકી રાખ્યું નહતું. બન્ને પોતાના નિર્માતાઓ પાસે શરત મૂકાવી જોતા કે, અમારી ફિલ્મમાં મેહમુદ ન જોઈએ. એ વાત જુદી હતી કે, સિતારો મેહમુદનો ચમકતો હતો, એટલે આ બન્નેની શર્ત માન્ય નહોતી રખાઈ.

મેહમુદે એના ઈન્ટરવ્યૂમાં કેટલીક સ્ફોટક વાતો કહી છે : 'હું કેવળ ઈસ્લામનો જ નહિ, સર્વ ધર્મોનો આદર કરું છું. (મેહમુદ ગુજરાતના મોટા અંબાજીના દર્શને નિયમિત જતો.) મારી ફિલ્મ 'કુંવારા બાપ'હિટ જશે તો હું વૈષ્ણોદેવીના દર્શને જઈશ અને ગયો પણ ખરો. કોઈ પણ ધર્મ માણસને બીજા ધર્મ પ્રત્યે ઘૃણા કરતા નથી શીખવતો.

હું પાકે પાયે શિવભક્ત છું અને શુભા ખોટેના સજેશન પછી મારી અનેક ફિલ્મોમાં મારૂં નામ 'મહેશ' (મહાદેવનું જ એક નામ) રાખ્યું હતું. 'છોટી બહેન, લવ ઈન ટોક્યો, ઝીદ્દી, તુમ સે અચ્છા કૌન હૈ, દો કલીયાં, નયા ઝમાના, ચંદન કા પલના અને 'કુંવારા બાપ'માં મારૂં નામ 'મહેશ'છે. મેહમુદના ખરતા વાળ જોઇને 'દાદામોની'અશોક કુમારે કહ્યું હતું, 'મેહમુદ, તારા માથે ટાલ પડી છે, એમાં શિવજીના ત્રિશૂળનો આકાર છે.'એના પરથી શોભા ખોટેએ કહેલી વાત યાદ આવી અને હું કાયમ માટે શિવભક્ત બની ગયો. મારો ધર્મ ઇસ્લામ કોઈ મંદિરને લૂંટવા કે તોડવાની મંજૂરી નથી આપતો. મારો દેશ હિંદુસ્તાન સૌથી પ્યારો દેશ છે. પાકિસ્તાન એવો દેશ છે, જ્યાં જવાનું મન જ ન થાય. જે મુસલમાન પાકિસ્તાન પ્રત્યે સહાનૂભુતિ રાખે છે, એને હિંદુસ્તાનમાં રહેવાનો કોઈ હક્ક નથી.'

મેહમુદ મીના કુમારીની બહેન મધુને પરણ્યો હતો, જેને એ 'મકડી'કહીને બોલાવતો. બન્ને વચ્ચે સંતાન 'પક્કી'દીકરો હતો. પણ છુટાછેડા પછી મધુ કિશોર શર્મા નામના પારિવારિક દોસ્ત સાથે પરણી ગઈ અને મેહમુદ ટ્રેસી ફિલ્મના મોટા ભાગના કલાકારો તો જાણિતા છે.

પ્રથમ દ્રષ્યમાં દુર્ગા ખોટે આરતીનો પ્રસાદ જે કામવાળી ડોસીને આપે છે, તે 'મેહરબાનુ'અત્યંત કદરૂપી હતી, પણ ગરીબ કે ભિખારણના રોલમાં ફિટ બેસતી, એટલે એના જમાનાની અનેક ફિલ્મોમાં આવા એકએક-બબ્બે દ્રષ્યો માટે કામ મળતું. નઝીર હૂસેનના ઘરનો નોકર બનતો વૃધ્ધ નઝીર કાશ્મિરી છે.

ફિલ્મનગરીની આ જ ખૂબી છે. એ જમાનામાં સૅકન્ડ-લીડના રોલ કરતી મુમતાઝ અહીં મેહમુદની પ્રેમિકા બને છે, પણ ધર્મેન્દ્રની બહેન બને છે. મીના કુમારીના ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી હતી, જે એણે દરેક ફિલ્મમાં દુપટ્ટા કે સાડીમાં સિફતપૂર્વક છુપાવી રાખી હતી.

બારમાસી રોતડ-ક્લબના બે મહત્વના કૅરેક્ટરો નઝીર હૂસેન અને અભિ ભટ્ટાચાર્ય અહીં મૌજૂદ છે. એમાં ય, અભિ તો ગાયનૅકોલોજીસ્ટ (પ્રસૂતિ નિષ્ણાત) છે. દરેક હિંદી ફિલ્મોની માફક શરીરના કોઇ પણ રોગ માટે આખી ફિલ્મમાં ડૉક્ટર એક જ હોય છે, જે ફિલ્મના પાત્રોને થતા કોઇ પણ રોગ કે ઍક્સિડૅન્ટમાં મરૂન-રંગની ચોરસ પેટી લઈને હાજર જ હોય.

રોલ ડૅન્ટિસ્ટનો હોય તો પણ કાને સ્ટૅથોસ્કૉપ લટકાવેલું હોય, પણ અહીં તો અભિ ભટ્ટાચાર્ય પ્રસૂતિનો ડૉક્ટર હોવા છતાં ધર્મેન્દ્રની મા બનતી રોતડ-ક્લબની મહિલા પાંખની પ્રમુખ દુર્ગા ખોટે જરાક અમથી માંદી પડે છે, એમાં ય આ કાકો મરૂન પેટી લઈને હાજર થઈ જાય છે... ૮૦-વર્ષની વિધવાને ગાયનૅકોલોજીસ્ટની શી જરૂર પડી, એ તો સાલો મજાકનો વિષય પણ નથી, બેવકૂફીનો વિષય છે.

ઍન્કાઉન્ટર : 08-07-2018

$
0
0

* કપિલ શર્માના શોમાંથી નવજ્યોતસિંઘ સિધ્ધુનો ત્રાસ ક્યારે બંધ થશે ?
ખુશીના સમાચાર છે. સિધ્ધુ કોંગ્રેસમાં જોડાયો છે.
(
ડૉ. નવીન કેવલીયા, જામનગર)

* સંતો-મહંતો કે ડાયરાના કલાકારો ખભે શૉલ કેમ રાખે છે ?
- 
લોકો ફ્રીજ કે ટીવી ઓઢાડે તો ખભે લટકાવવાનું ના ફાવે !
(
હરપાલસિંહ ગોહિલ, અમદાવાદ)

* અમારે ત્યાં એક ભૂવો ફક્ત સ્ત્રીઓના જ દુ:ખ દૂર કરે છે... મને એની ઈર્ષા આવે છે...
-    
ઈર્ષા કરવી સ્ત્રી-સ્વભાવ છે.
(
પ્રકાશ દેઢીયા, મુંબઈ)

* મા ના પગ નીચે જન્નત છે, તો બાપના પગ નીચે શું ?
-     
ચપ્પલ... એ જન્નતમાં જવા માટે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* રાહુલ ગાંધી વડાપ્રધાન ક્યારે બનશે ?
-    
કૉંગ્રેસને આવી શુભેચ્છાઓ.?
(
અલકા મૂકેશ ચંદારાણા, મીઠાપુર)

* માયાવતી કે અખિલેશ યાદવ... સરકારી બંગલા ખાલી કરતા કેમ જોર આવે છે ?
-     
બાપાનો માલ છે, ને ?
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* અમેરિકા હતા, છતાં તમે ભારત પાછા કેમ આવી ગયા ?
-     '
સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'
(
ભરત ડી. સાંખલા,ડીસા)

* બાળમજૂરી ગૂન્હો છે, પણ એ બાળકના ઘરમાં ખાવાનું અન્ન છે કે નહિ, એ તપાસ કેમ નહિ ?
-     
બાળમજૂરી માટે એની પાસે વધારે પડતું અને અનૈતિક કામ કરાવનારા બદમાશ હોય છે... એ ગૂન્હો છે.
(
અમૃતલાલ છાટબાર, રાજકોટ)

* શરાબનો વરસાદ ક્યારે ?
-     
એટલો બધો ઢોળાઇ જાય, એ તમને પોસાશે ?
(
દિનેશગીરી ગોસ્વામી, પોરબંદર)

* કઇ પળે માણસ એકલો અટૂલો પડી જાય છે ?
-     
લખી લો. બરોબર ૧૨ વાગે.
(
ઝૂલ્ફિકાર અલીહુસેન, મુંબ્રા)

* કુદરતની ગોદમાં કોણ આસાનીથી જીવે છે ? માણસ કે પશુ ?
-    
જરા જોઇ લેજો... બાજુમાં કોઇ ઊભું નથી ને ?
(
નૂરમુહમદ સુમરા, મુંબઈ)

* રાષ્ટ્રગીતનો પ્રચાર અને પ્રસાર સફળ થયો ?
-     
ધાર્મિક કાર્યક્રમો સિવાય બધે જ સફળ છે.
(
હરિશ મણિયાર, જેતપુર)

* હીરોઇનો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, હીરો કેમ નહિ ?
-     
એમને બ્રૅઇનની કરાવવી પડે છે.
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* આવો ને ક્યારેક, એવું કહેવું, ને જાવ ત્યારે ઘરે ન રહેવું. આવા માણસોને શું કહેવું ?
-     
હા. આવા નસીબદાર અને હિમ્મતવાળા લોકો ય હોય છે.
(
પી. એમ. પરમાર, ગાંધીનગર)

* આ જ્યોતિષીઓ પોતાને 'ગોલ્ડ-મૅડલિસ્ટ'ગણાવે છે, પણ એમને મૅડલો આપે છે કોણ ?
-     
દૂધની તપેલી પર ઢાંકવાની તાસકને એ લોકો ગોલ્ડ મૅડલ ગણે છે...
(
હીરાભાઇ સિંધી, વડોદરા)

* સ્ત્રીઓ મંદિરના સ્વામી-ગુરૂઓના ફંદામાં ફસાઇ કેમ જાય છે ?
-     
પોણીયા પતિ મળ્યા હોય, એવી સ્ત્રીઓને ગુરૂઓનો આશરો લેવો ગમે છે.
(
વંદિત નાણાવટી, રાજકોટ)

* આવી મોંઘવારીથી ત્રાસેલી પ્રજા ઇ.સ. ૨૦૧૯-ની ચૂંટણીઓમાં કેવો જવાબ આપશે ?
-    
સારો.
(
હસમુખરાય રાજાણી, રાજકોટ)

* તમે પ્રશ્નકર્તાના નામ-સરનામા પૂછો છો, ઉંમર કેમ નહિ ?
-     
આ કૉલમ કેવળ પુરૂષો માટે નથી.
(
ચંદ્રકાંત જાની, જામનગર)

* ભૂલમાં મારૂ દિલ કોઇને દેવાઇ ગયું છે. શું કરવું ?
-     
ઘડપણમાં આવું તો થવાનું જ !
(
ભરત અંજારીયા, રાજકોટ)

* પાકિસ્તાની પથ્થરબાજોને આપણા ગૃહમંત્રી રાજનાથસિંહ ક્યાં સુધી ચલાવે જશે ?
-     
બસ. હવે ૨૦૧૯-ની ચૂંટણીઓ સુધી તો એ ય મર્દાનગી બતાવશે.
(
જી.એન. પરીખ, વડોદરા) અને (રજાહુસેન બચુભાઇ, મહુવા)

* કૉલમનું નામ 'ઍન્કાઉન્ટર'રાખવાનું કારણ ?
-     
પથ્થરબાજો માટે આનાથી ઉત્તમ નામ કયું હોઇ શકે ?
(
ધવલ પંચાલ, વૅડ-સમી)

* અમિત શાહ અમદાવાદ આવ્યા ત્યારે તમને ખાસ બોલાવ્યા હતા ?
-
ના અમારા બન્નેના ટેસ્ટ ઊઁટચા છે.
(
પ્રેમાબેન મેહતા, અમદાવાદ)

* ફિલ્મોમાં હીરોની બહેન એને માટે ખીર અને 'મૂલી કે પરોઠે'જ કેમ લાવતી હશે ?
-     
ઘરમાં એ જ વધ્યું હોય !
(
અજીત બી. શાહ, અમદાવાદ)

*શ્રીકૃષ્ણે હવે અવતાર લેવો જોઇએ એમ નથી લાગતું ?
-     
હમણાં તો તમે છો ને ? તમારા ઉપર વિશ્વાસ છે.
(
મયંક આચાર્ય, જામનગર)

* 'ઍનકાઉન્ટર'માં રાજકીય નેતાઓ સવાલ કેમ નથી પૂછતા ?
-     
એ લોકોનું કામ સવાલો ઊભા કરવાનું છે... પૂછવાનું નહિ !
(
પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

નૈન ફટ ગઈ હૈ

$
0
0

'સનમની આંખમાં ફૂલું, ને બસ ડોક વાંકી છે,      
સનમને ક્યાં ખબર છે કે, બંદા તો હાવ ખાખી છે'
('ફૂલું'એટલે આંખની વચ્ચે એક ગ્રે-ડાઘો હોય !)

પોળમાં રહેતા ત્યારે આવી આવી ફાલતુ શાયરીઓ ગોખીને એકબીજાને હસાવતા.

ક્યારેક આવી પાર્ટીને LLTT (Looking London,Talking Tokyo)કહીને આવી આંખોવાળાની છુપી મશ્કરી કરતા,અમારી આંખો તો કેમ જાણે ભગવાન શ્રીકૃષ્ણ જેવી માદક હોય !

પણ સાંભળનારો ઇન્ટેલિજેન્ટ છે કે નહિ, એની પરીક્ષા કરવા જરા અઘરી શાયરી કહેતા, 'તમારી આંખો બહુ આકર્ષક છે.. બંને એકબીજાને આકર્ષે છે.'આવી અઘરી વાત સમજી શકે, તો માનતા કે, ''ઇ છે તો બુધ્ધિશાળી...! સાવ આપણા જેવું નથી...!'

બીજાના શરીરના કોઇ પણ હિસ્સામાં તકલીફ હોય તો એ હસી પડવાનો વિષય નથી, હસી કાઢવાનો વિષય બની શકે. આ એ ગૂન્હો છે, જે વ્યક્તિએ પોતે કર્યો નથી અને છતાં ન્યાયાધીશ બનીને જોનારાઓને સોટો ચઢે છે, મશ્કરી કરે છે અથવા દયા ખાય છે. ઑન ધ કૉન્ટ્રારી, આવી સહેજ મ્હાલી આંખોવાળા વધારે ખૂબસૂરત લાગે છે.

(આ જાહેરખબર નથી. મારે તો સીધી છે.) મ્હાલાઓને બાંડા ન કહેવાય. એક આંખ, સ્લાઇટ બારીમાં વાંકુ થઇને છોકરૂં નીચે જોતું હોય, એમ ઝૂકેલી દેખાય, એને મ્હાલો કે મ્હાલી કહે છે.

હિંદી ફિલ્મોમાં જેટલા ગીતો આંખો ઉપર લખાયા છે, એટલા શરીરના એકે ય અંગ ઉપર લખાયા નથી. 'યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈં...'પણ ગયા સપ્ટૅમ્બરથી મારા સાઇઠ રૂપિયા આલવાના બાકી છે, એટલું ભૂલતો નહિ, 'ઇ !

બીજા નંબરે વાળ આવે પણ, એ ફક્ત સ્ત્રીઓના. યુવતીના વાળ એની સુંદરતાનો માપદંડ ગણાતો. લાંબા, લિસ્સા અને સીધા વાળ બહુ ઓછી છોકરીઓના જોવા મળતા. ઈવન, અત્યારે પણ ૫૦-૬૦ ની આસપાસ પહોંચેલી કોઇ સ્ત્રી પાસે આ વિષય છેડો તો ઘણા ગૌરવપૂર્વક પગની પાછળની એડી બતાવીને કહેશે, 'અરે, એક જમાનામાં મારા વાળ આ...ટલા લાંબા હતા'. આવી છોકરીઓને ખબર હતી કે, લોકો એના કરતા એના વાળને વધુ જોવાના છે, એટલે ચાલે એવી રીતે કે ચોટલો ઝૂલે રાખે. કોઇ વખાણ કરે ત્યારે આવી સ્ત્રી દંભ પણ શક્તિ મુજબનો કરે, 'અરે.... મારે તો કપાવી નાંખવા છે.... પણ ગોટુ ના પાડે છે...' (ગોટુ એના બાબાનું નહિ, ગોરધનનું નામ છે.) પરવિન બાબીએ ખભા પાછળ છુટા વાળની ફૅશન શરૂ કરી, ને ચોટલા બંધ થયા.

પુરૂષના વાળ ગમે તેવા ભરપુર જથ્થામાં અને લિસ્સા હોય, કોઇ પૂછતું નથી.

હવે તો છોકરાઓ ય કાઠીયાવાડી સ્ત્રીઓની માફક અંબોડી વાળે છે પૉની રાખે છે અને જોયા પછી જમવાનું ન ભાવે, એવા બંને લમણેથી છોલી નાંખીને માથાની ઉપર ઝંડા લટકતા રાખે છે.

પુરૂષ બિચારો હૅર-સ્ટાઇલ બદલી બદલીને કેટલી બદલે ? હિસાબ સીધો છે. ૩૫-૪૦ વટાવ્યા પછી પુરૂષના માથાના વાળ ઉતરીને કાનમાં આવે છે.

એ જોઇને જગતની કોઇ સ્ત્રી કાંઇ આકર્ષાય નહિ કે, બગીચામાં ખોળામાં સુવડાવીને પ્રેમિકા આવા પ્રેમીના કાનના વાળમાં મંદ મંદ સ્માઇલો સાથે ગલગલીયા કરતી નથી.

પુરૂષો વાળની દુનિયામાં બધેથી ધોવાયા છે.

મૂછો ગમે તેવી લલચામણી રાખી હોય, વિજેતા મૂછમુન્ડાઓ જ જાહેર થાય છે. સજની એની મૂછોમાં આંગળા ફેરવી કદી ગાતી નથી, 'હોઠોં પે ઐસી બાત મૈં દબાતી ચલી આઇ...'પુરૂષો પાસે હૅન્ડસમ દેખાવવાના બહુ ઑપ્શનો નથી.

મૂછો રાખી રાખીને કેટલા કટની રાખે ? અરે, ગમે તેવી મર્દાનગી બતાવવા રાખી હોય, એક વાર પેલીની ઝપટે ચઢી ગઇ કે, 'આ બહુ વચમાં આય આય કરે છે...'તો અડધી રાતે હૅરકટિંગ સલૂનવાળાના ઘેર જઇને એને ઊંઘતો ઉઠાડીને હાથમાં કાતર આપે, ''લે ભ'ઇ...આને તું અત્તારે ને અત્તારે જ છોલી નાંખ... હવે સહન નથી થતી... (પેલીથી...!)''સ્ત્રીઓને મૂછો ઊગતી નથી ને ઊગે તો ખબર પડવા દેતી નથી. એને પોતાના જ પ્રેમમાં પડી જવા માટે પ્રભુએ અનેક અંગો આપ્યા છે, જેને કારણે પુરૂષો આકર્ષાય છે.

પણ એમાં એને પોતાને સૌથી વધુ ગમતી હોય તો પોતાની આંખો. કમનસીબે, આંખોની કીકીઓ કરતા વધુ જતન ભ્રમરો (નેણ)નું કરવું પડે છે. એક આ જ કૅસમાં સ્ત્રી કેટલી લાચાર છે, એની ખબર પડી જાય છે.

૩૦-૩૫ની ઉંમરે પહોંચ્યા પછીની તો લગભગ એકેએક છોકરીની ભ્રમરો છોલાઇ ગઇ હોય છે, રોજેરોજ કાળી પેન્સલ લગાવવાની કિંમત તો ચૂકવવી પડે ! એ જ સ્ત્રીને એનું મોઢું ધોયા પછી જુઓ તો બિહામણી લાગે ! અસલી ભ્રમરો ઉપર પૅન્સિલના લીટાડા કરી કરીને છોલી નાંખી હોય.

રોજ પૅન્સિલ (કે સ્ટિક) લગાવવાથી ભ્રમરના છિદ્રો કાર્બનથી પૂરાઇ જાય છે અને બેન ભ્રમર વગરના થઇ જાય છે, એમાં દોષ કાઠીયાવાડી કવિઓનો છે, જે સદીઓથી 'અણીયારી આંયખું'ના વર્ણનો કરી કરીને આ લોકોને ઊંધી આંખે ચઢાવી મારી છે.

આ તો માતાઓને ઘણી ખમ્મા કે, સૌરાષ્ટ્રના મર્દ પુરૂષોની માફક કાનના થોભીયા (સાઇડ-લૉક્સ) અને મૂછો એકબીજાને અડાડી દઈ અડધાં મોઢાં ચીતરી મ્હેલે, એમ સ્ત્રીઓ ભ્રમરોને કાનની લટો સાથે ભેગી કરતી નથી. જો કે, વાત પૂરી થઇ જતી નથી. હજી કોઇના મનમાં આવ્યું નથી...આવે પછી જોજો...! બધી અજમાયશો કરી જોઇ, એટલે સુધી કે સ્ત્રી અને પાછી કૂંવારી હોવા છતાં માથે બોડીયું કરાવવાની ફૅશન ચાલી છે.

દાવો એટલો જ કે, અમારી સુંદરતા વાળને આધીન નથી. વગર વાળે ય અમે સૅક્સી લાગીએ છીએ...! તારી ભલી થાય ચમની...

સ્ત્રીઓને સુંદરતાનો એક મોટો ફાયદો. અરીસામાં જોઇને પોતાની ઉપર પોતે જ ખુશ થઇ જવાનું. સ્ત્રી કદી પરાવલંબી હોતી નથી.

કાંઇ બાકી રહી જતું'તું, ત્યાં સૅલ્ફી આવ્યા, એમાં ફૅસબૂકવાળા મરી ગયા. બેનના રોજેરોજના નહિ, દર કલાકના વિવિધ અદાઓમાં ફોટા જોવાના ! એના ગોરધન સિવાય ગામ આખું એ ફોટા જોતું હોય ! નવાઇ લાગે કે, એમના એકે ય સૅલ્ફીમાં આંખો દેખાતી ન હોય, એવો એકે ય ફોટો ન મળે ! કોઇ પંખો ચાલુ કરો...!

કમનસીબે, વર્ષો પછી ય ઉંમર તો વચ્ચે આવે ને ? સ્ત્રી ૫૦-ની આસપાસની ઉંમરે પહોંચે, પછી દુ:ખના દહાડા શરૂ થાય છે. આ એ ઉંમર છે, જ્યાં સ્વાભાવિક સુંદર દેખાવાના દિવસો પૂરા થવા આવ્યા કહેવાય...હવે સુંદર દેખાવાના પ્રયત્નો શરૂ કરી દેવા પડે.

હવે એને જોવાની પડતી મૂકનારા પુરૂષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધવા માંડે છે, એ નથી પોસાતું. ધગધગતી યુવાનીએ પહોંચેલી એની દીકરી સાથે ચાલે, ત્યારે બેનને પહેલી વાર જ્ઞાન થાય છે કે, લોકો મારા કરતા મારી ડૉટરને વધારે જુએ છે. દીકરીની તો કોણ ઇર્ષા કરે ? છતાં, બેનને પહેલી વાર ખબર પડે છે કે, 'હવે મારા દિવસો પૂરા થવા આવ્યા...'કોઇ એની દીકરીના રૂપના વખાણ કરે એટલે આની પાસેથી જવાબ તાબડતોબ અને પરાણે મોઢું હસતું રાખીને નીકળી આવે, 'ઓહ યસ...હું ય એની ઉંમરની હતી, ત્યારે ફક્ત બ્રાન્ડેડ ડ્રૅસીઝ જ પહેરતી....બિલકુલ મા ઉપર ઉતરી છે...'

આ વખતે રાક્ષસ જેવો દેખાતો એનો ગોરધન મૂછ ના હોય તો ય મૂછમાં હસે રાખે...એને એનો દીકરો દેખાવમાં નહિ, ધંધામાં એનાથી આગળ નીકળી જાય, એ જ તમન્ના હોય.
સુંદર દેખાવ કરતા તગડો ધંધો વધારે કામમાં આવવાનો છે...!

સિક્સર
ગયા બુધવારની સિક્સર પછી એક અદ્ભુત જોડાણ આવ્યું છે. ''ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ઇંગ્લિશ બોલાય છે ?'
-
રાત્રે આઠ પહેલા કેરલા....અને આઠ પછી પંજાબ !

'જવાબ' ('૪૨)

$
0
0
ફિલ્મ : 'જવાબ' ('૪૨)
નિર્માતા    :    એમ. પી. પ્રોડક્શન્સ, કલકત્તા
દિગ્દર્શક    :    પ્રથમેશ બરૂઆ
સંગીત    :    કમલ દાસગુપ્તા
ગીતકાર    :    મધુર- બેકલ
રનિંગ ટાઇમ    :    ૧૫ રીલ્સ- ૧૫૭ મિનિટ્સ
કલાકારો    :    કાનન દેવી, પ્રથમેશ બરૂઆ, જમુના, અહિન્દ્ર ચૌધરી, જહૂર ગાંગુલી, દેવબાલા, તુલસી ચક્રવર્તી, ટંડન અને         વિક્રમ કપૂર.
 
ગીતો
૧.    તુફાન મેલ, દુનિયા યે તુફાન મેલ...    કાનનદેવી
૨.    આજ સસુર ઘર જઇબે રે ભીખુ...    ?
૩.    બલાએં લૂં મૈ ઉસ દિલ કી જો દુનિયા કે લિયે રો દે    ?
૪.    છૂપ ના જાના, અય ચાંદ છૂપ ન જાના    કાનનદેવી
૫.    રોના હૈ બેકાર પગલી રોના હૈ બેકાર...    ?
૬.    કુછ યાદ રહે તો સુનકર જા, તુ હાં કર જા યા    કાનન દેવી
૭.    લૂટ રહા હૈ કોઈ, શાયદ લૂટ રહા હૈ કોઈ    ?
૮.    યે મુઝ સે કહા દિલને ચૂપ કે બારબાર    ?
૯.    દૂર દેશ કા રહનેવાલા, આયા દેસ પરાયે    કાનન- આસિત બરન
૧૦    દુલ્હનિયા છમછમાકર ચલી...    ?
અન્ય ગાયકોમાં રણજીત રોય અને અનિમા સેનગુપ્તા છે. અલબત્ત આ ફિલ્મના કયા ગીતોમાં એમનો કંઠ છે, તે માહિતી પ્રાપ્ય નથી.

ફિલ્મ 'જવાબ'૧૯૪૨ની ફિલ્મ છે, એ જોતાં આજે એના વિશે જાણતા કે જાણવા માંગતા ભાગ્યે જ કોઈ ૧૫- ૨૦ વાચકો મળી રહે. ૬૫- ૭૦ની ઉંમરે પહોંચેલા વાચકો માટે ય સાયગલ- પંકજ મલિક જરા 'આઉટડેટેડ'કહેવાય, પણ વડિલો એ ઉંમર પણ વટાવી ચૂક્યા હોય તો એમને માટે કાનનદેવી ઘણું વિરાટ અને મીઠડું નામ હતું. સાયગલની સાથે સાથે કાનન દેવી પણ પૂરા ભારતના સંગીત ચાહકોમાં એટલા જ સમાયા હતા.

આ ફિલ્મ 'જવાબ'ના ગીતો ૧૯૩૯માં આવેલી ફિલ્મ 'જવાની કી રીત'માં કાનનબાલા (દેવી)એ ગાયેલા, 'લૂંટ લિયો મનધીર, કૌને રસિયા મોરે મનભાયા...''ચલી પવન હરસૌં, મહેંક રહી સરસોં'કે 'કૌન મન લૂભાયા, કૈસે મન મેં આયા...'જેવા ગીતો એ જમાનામાં આપણા વડીલોને કંઠસ્થ હતા. એમ તો બધાને હવે યાદ પણ રહ્યું ન હોય પણ ૧૯૪૦માં આવેલી ફિલ્મ 'હારજીત'માં રાયચંદ બોરાલબાબુના સંગીતમાં કાનને ૩- ૪ ગીતો ગાયા હતા, એમાંનું 'કૈસે સુંદર ફૂલન કે હાર, નારી કે ગુણ પિયુ કા સિંગાર...'અમારા ઘરમાં ય મધર ગુનગુનાવતા. આપણા સન્માન્નીય વડિલ ગાયિકા ઉમા ઓઝાને કાનન દેવીનો કંઠ આત્મસાત હતો.

આ કાનન દેવીની તો લતા મંગેશકરે ય આજીવન પ્રશંસક રહી છે. એની શ્રદ્ધાંજલિ ડિસ્કમાં કાનનનું 'તુફાન મેલ'લતાએ પોતાના કંઠમાં પૂરી મધુરતા સાથે ગાયું છે. યસ, એક જમાનામાં સાયગલ સાહેબના કાનન દેવી સાથેના પ્રેમ સંબંધોની હવા ચાલી હતી, પણ સાયગલને ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ સ્ત્રી સાથે એવો સંબંધ નહોતો, છતાં ય એમના લગ્ન(ની થોડા પહેલા અથવા થોડા પછી) સાયગલને કાનપુરની એક સ્ત્રી સાથે પ્રેમ હતો અને એક દિવસ એ અચાનક કાનપુરની ટ્રેનમાં બેસી ગયા. સ્ટેશન આવ્યું ત્યારે સાયગલ ધૂ્રસ્કા મૂકીને રડતા હતા. પ્રેમિકાનો મિલાપ થાય એ પહેલાં જ એના અવસાનના સમાચાર સાહેબને સ્ટેશન પહોંચ્યા પહેલા જ મળી ગયા હતા.           

નૌશાદને ઘણી સિદ્ધિઓનો યશ પોતાને નામે કરવાની આવડત હતી. ચારેકોર કહી ચૂક્યા હતા કે, 'સ્વ. સાયગલ સા'બને મારી ફિલ્મ 'શાહજહાં'મા ગાયેલું 'જબ દિલ હી તૂટ ગયા...'એટલી હદે પસંદ આવ્યું હતું કે, એમની સ્મશાનયાત્રામાં પણ ગ્રામોફોન સાથે રાખીને એ ગીત સળંગ વગાડાયું હતું.'સાયગલની ભાણી દુર્ગેશ મહેતા તત્સમયે ઉપસ્થિત હતા એમણે આઘાત સાથે કહ્યું, 'માય ગૉડ.. જાલંધરમાં એ સમયે તો અંગ્રેજ સરકાર સામે વિરાટ તોફાનો ચાલતા હતા, કરફ્યુ હતો, લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નહોતા અને સાયગલ સા'બની સ્મશાનયાત્રાની પરવાનગી માંડ મળી હતી, ત્યાં ગ્રામોફોન સાથે રાખીને આમ કરવું નિહાયત અશક્ય હતું અને એવુ કાંઈ થયું જ નહોતું.       

સૈગલના સગા મામાના દીકરાઓ થતા મદન પુરી, ચમન પુરી, અમરીશ પુરી કે હરિશ પુરી... કોઈએ નૌશાદના દાવાને સમર્થન નથી આપ્યું. મુહમ્મદ રફીએ સૌથી પહેલું ગીત નૌશાદના સંગીતમાં ગાયું હતું, 'હિંદુસ્તાં કે હમ હૈ, હિંદુસ્તાન હમારા...'એવો દાવો નૌશાદે પકડાવાય નહિ એવી સ્માર્ટનેસ સાથે કર્યો હતો, પણ ગામ આખું જાણે છે કે, મુહમ્મદ રફી પાસેથી સૌથી પહેલું ગીત સંગીતકાર શ્યામ સુંદરે ફિલ્મ 'ગુલ બલોચ'માં ગવડાવ્યું હતું. આ પંજાબી ગીત હતું 'સોનિયે ની હીરિયે...'રફીએ ઝીનત બેગમ સાથે ગાયું હતું, જ્યારે પહેલું હિંદી ફિલ્મનું ગીત ફિલ્મ 'ગાંવ કી ગોરી' ('૪૫) ગાયુ હતું... 'ગુલ બલોચ'ના એક વર્ષ પછી !

એ સમયે મુહમ્મદ રફી લાહૌરના નૂર મહોલ્લામાં ભાટી દરવાજા પાસે રહેતા હતા, જ્યાં એમના ભાઈની હેર કટિંગ સલૂનની દુકાન હતી. આ લાહૌરમાં 'હીરા-મંડી'નામનું તવાયફ-બજાર હતું, જે થોડા દિવસોમાં વેશ્યા બજારમાં ફેરવાઈ ગયું. એમ કહેવાય છે કે, ધી ગ્રેટ સંગીતકારો ડો. ગુલામ હૈદર અને અનિલ બિશ્વાસ આ યાત્રાધામની નિયમિત મુલાકાત લતા હતા. હીરા મંડીનું નામ રાજા રણજીતસિંહના શેહજાદા હીરાસિંઘ ઉપરથી પડયું હતું.        

ધી ગ્રેટેસ્ટ ઑફ ધેમ ઓલ... વિશ્વોત્તમ શાસ્ત્રીય ગાયક બડે ગુલામઅલી ખાન ગાયક બનતા પહેલા માત્ર સારંગી વગાડતા, ત્યારે આ હીરામંડીની તવાયફ 'ઇનાયત બાનુ'ના પ્રમમાં હતા, જેમણે ખાં સા'બ પાસેથી સારંગી છોડાવી શુદ્ધ ગાયકી પર ધ્યાન આપવાનું સૂચન કર્યું (બાય ધ વે, તવાયફ અને વેશ્યામાં લાખ, ગાડાનો ફર્ક છે. તવાયફો શરીર નથી વેચતી. એ શે'રો-શાયરી, ગઝલ- નઝમ, કે શાસ્ત્રીય નૃત્યની ઉસ્તાદ જાણકારો હોય છે.) ખાં સાહેબના નાના ભાઈ ઉસ્તાદ બરકતઅલી ખાં શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસીઓના માનવા મુજબ ઠુમરી ગાયકીમાં પોતાના મોટા ભાઈ બડે ગુલામઅલી કરતા ય વધુ જાણકાર હતા. એમના સિવાયના બીજા બન્ને ભાઈઓ મુબારકઅલી ખાં અને અમાનતઅલી ખાં બધા પંજાબના પતિયાલા ઘરાનાના ગાયકો હતા.

આ લખાઈ રહ્યું છે ત્યારે તો આસમાનમાંથી શકોરું ય વરસતું નથી, પણ ૩- ૪ સપ્તાહમાં આ લેખ છપાશે, ત્યારે મહાદેવજીની કૃપાથી વરસાદ વરસશે, એવી આશા શાસ્ત્રીય ગાયકીમાં કજરી ગાવાનું માહાત્મ્ય મોટું છે, હિંદી શબ્દ 'કજરા'ઉપરથી બનેલા આ શબ્દ 'કજરી'ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારની પેદાશ છે. આકાશમાં ગીચોગીચ કાળા વાદળો છવાયા હોય ત્યારે કુંવારિકા એના પ્રિયતમની પ્રતીક્ષામાં ગાય એને કજરી કહેવાય. પંડિત ચુન્નુલાલ મિશ્રા, ગિરીજાદેવી, શોભા ગુર્તુ, રાજન- સાજન મિશ્રા, શારદા સિન્હા અને ખાસ તો શહેનાઈના ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન સાહેબે કજરીમાં વિરાટ પ્રદાન કર્યું છે.

ખાન સા'બ બનારસના બાલાજી મંદિરની બહાર શ્રી સરસ્વતી વંદના પણ કરતા જતા જતા એમને ખૌફ એક જ રહ્યો. ભારત સરકારે એમને સર્વોચ્ચ ભારતીય નાગરિકનો 'ભારત-રત્ન'એવોર્ડ આપ્યો પણ સાથે એક રૂપિયો ય નહિ. આપણે ત્યાં 'પદ્મશ્રી, પદ્મભૂષણ કે વિભૂષણ'કેવા અનેક નાગરિક સન્માનના પ્રતિષ્ઠાત્મક એવોર્ડ સરકાર એનાયત કરે છે, પણ બસ.. એટલું જ ! ત્યાંથી ઘેર જવાનું આ રીક્ષાભાડા જેટલી રકમે ય નહિ !         

કાનનદેવી કે કમલ દાસગુપ્તાને સરકારે તો શું, 'ફિલ્મફેર'જેવો ય કોઈ એવોર્ડ એનાયત થયો ન હતો. જેમ મેં ધારણા અને ડર રાખેલા જ છે કે, આ ફિલ્મ વિશેનો આ લેખ ભાગ્યે જ કોઈ વાંચશે, પણ એ સમયના તમામ વડિલોને કાનન દેવી કરતા ય વધુ પ્રેમ આદર તો આ ફિલ્મના સંગીતકાર કમલ દાસગુપ્તા (બોંગોલી ઉચ્ચાર મુજબ 'કોમોલ દાશોગુપ્તો') માટે હતો.

એ સમયના એ શ્રેષ્ઠ નહિ સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતા, રાયચંદ બોરાલ પછીના નંબરે ! કમલ દાસગુપ્તાએ બંગાળી ગૈરફિલ્મી ગીતોના સંગીત ઉપર વઘુ ફોકસ કર્યું, એમાં ફાયદો જગમોહન ('સુરસાગર') અને તલત મેહમુદને ખાસ થયો. કમલને સૌથી વધુ નિકટતા જ્યુતિકા રોય સાથે રહી. કહે છે કે, બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો, પણ કમલે અચાનક ઇસ્લામ અંગીકાર કરી લેતા બન્ને વચ્ચે સંબંધો પૂરા થઈ ગયા હતા અને જ્યુતિકા આજીવન અપરિણીત રહ્યા હતા. બે- ત્રણ હિંદી ફિલ્મોના ગીતોને બાદ કરતા જ્યુતિકાએ પણ કેવળ ભજનો જ ગાયા હતા. ખાસ કરીને મીરાંબાઈના ભજનો માટે જ્યુતિકા આજે પણ એક ઓથોરિટી કહેવાય છે.

સંગીત ઉપર બંગાળનો પ્રભાવ એ હદે હતો કે, સ્વયં સાયગલ પણ પ્રારંભના વર્ષોમાં કલકત્તા જ સેટલ થયા હતા, બોરાલબાબુના એ લાડકા ગાયક હતા. પંકજ મલિક, પહાડી સાન્યાલ, હેમંતકુમાર, તોપોન કુમાર (તલત મેહમુદ), કાનનદેવી, કૃષ્ણચંદ્ર ડે જેવા ગાયકોએ માત્ર કલકત્તામાં નહિ, પૂરા દેશમાં ધુમ મચાવી હતી.

એક નાનકડી ધૂમ તો આજની ફિલ્મ 'જવાબે'પણ મચાવી હતી. આમ તો, પ્રાંતવાદ બધે એ વખતે ય નડતો હતો અને બંગાળની હિંદી ફિલ્મોનો પણ બાકીના ભારતમાં ખાસ કોઇ લેવાલ નહિં, પણ સંગીતને તો મૂકવા ક્યા જાય ? ફિલ્મ 'જવાબ'માં કમલબાબુનું સંગીત અને કાનન દેવી અને આસિત બરનના ગીતો મુલ્કમશહૂર એવા થઇ ગયા કે, સંગીત જાણતો ઇવન આજની પેઢીનો છોકરો હોય તો માની જવું પડે કે, ગીતોમાં મેલડી (મધૂરતા) મોટા ભાગે કલકત્તાનો ઇજારો હતો.

એ વાત જુદી છે કે, એ સમયની સમજો ને તમામ... ફિલ્મો આજે આપણને ય ગળે ઉતરે નહિ એવી ફાલતુ હતી... આજની આ 'જવાબ'પણ સુપર- ફાલતુ હતી. સ્વ. મોતીલાલ જેવો અવાજ અને ચહેરો ધરાવતા હીરો- દિગ્દર્શક પ્રથમેશ (બાંગ્લા ઉચ્ચાર 'પ્રોથોમેશ બોરૂઆ'બરૂઆએ ખૂબ મહેનત કરીને શક્ય એટલી કચરો ફિલ્મ બનાવી છે.

વાર્તામાં ઢંગધડા કે ગળે ઉતરે એવી તો કોઈ વાત હોય નહિ, પણ એ વખતના પ્રેક્ષકો પાસે આથી વધુ ખરાબ ફિલ્મોનો સ્ટોક પણ નહોતો, એટલે ખાસ તો સંગીતના દમ પર આવી ફિલ્મો ચાલી જતા. એક મહામાનવ જેટલી ધીરજ અને હિંમત રાખીને મેં પૂરી ફિલ્મ જોઈએ અને સળંગ ત્રણ કલાકનો યોગ કરીને અહીં આ ફિલ્મની વાર્તા નહિ પણ એના અંશ પણ કહેવાની કોશિષ કરી જોઉં છું.. મને હિંમત આપજો અને આ અંશોમાં ય સમજ ન જ પડે તો દોષ પ્રોમોથેશ બોરૂઆ બાબુનો કાઢજો.

હીરો તો એ પોતે જ છે અને હીરોઇન કાનન દેવી એક ગરીબ સ્ટેશન માસ્તરની દીકરી. હીરો દર ત્રીસમી સેકંડે કાં તો યાદદાસ્ત ગુમાવી બેસે છે ને કાં તો ડાહ્યો હોય ત્યારે પાગલો જેવી હરકત કરે છે. એમાં હીરોઇન જ નહિ, સાઇડ હીરોઇન જમના (જે સાયગલની ફિલ્મ 'દેવદાસ'ની હીરોઇન અને અસલ જીવનમાં પ્રથમેશની પત્ની) પણ ગોટાળે ચડી જાય છે. આ બન્ને અનુક્રમે મીના અને રેવા આ ગાંડિયાને પ્રેમો કરે છે, પણ ફિલ્મ પૂરી થતા સુધીમાં એ નક્કી કરી શકતો નથી કે, બેમાંથી એકે ય એને પ્રેમ કરે છે કે નહિ ! વાર્તાની જરૂરત મુજબ, વચ્ચે એક વિલન બારીન બાબુ (જહુર ગાંગુલી) વિલાયતથી આવે છે અને મીનાને નહિ, વેમ્પ સમી રેવા (જમુના)ને પ્રેમજાળમાં ફસાવવાના હવાતિયા મારે છે ને પેલી એનું આડેધડ અપમાનો કરે રાખે છે. વચમાં બન્ને ડોહાઓ અકળાયે રાખે છે કે આ લોકોનું કાંઈ પતે તો અમે છૂટીએ. ફિલ્મ શરૂ થવાની બરોબર ૧૫૭ મી મિનિટે દિગ્દર્શકના હૈયે પ્રભુ શ્રી રામ વસે છે અને ફિલ્મ પૂરી થાય છે.. ડર તો એવો પેસી ગયો હતો કે, ૧૯૪૨માં શરૂ થયેલી આ ફિલ્મ આજે ઇ.સ. ૨૦૧૮માં ય પૂરી થશે કે નહિ થાય !

સાચું પૂછો તો આ ફિલ્મનું જૉનર કોમેડીનું છે અને પ્રેક્ષકોને હસાવવા ફિલ્મના દરેક કલાકારો ઉંધા પડી ગયા છે. શક્ય છે કે એ જમાનાના પ્રેક્ષકોને ક્યાંક હસવું આવતું હશે, પણ વાર્તા લેખક કે દિગ્દર્શકના ઇરાદા વગરે ય કેટલાક કૉમિકો ઉભા થતા રહે છે, જેમ કે, ફિલ્મનો વિલન વિલાયત રિટર્ન છે. આજના છોકરાઓને વિલાયત એટલે શું, તેની સમજ નહિ પડે પણ ગાંધીજીના સમયથી લંડનને વિલાયત કહેવામાં આવતું.

હિંદી ફિલ્મોમાં વિલાયતથી મોટા ભાગે વિલન જ પાછો આવે, જેણે ઇંગ્લિશ-સ્ટિચિંગનો દેશી થ્રી-પીસ સૂટ પહેર્યો હોય. માથે ફૅલ્ટ હેટ કે પિથ ટોપો (આપણી ગુલામીના સમયમાં અંગ્રેજ પોલિસ અધિકારીઓ ખાખી ટોપો પહેરતા એને પિથ-હેટ કહેવાય.) પહેરે. હાથમાં લેવાદેવા વગરની એક લાકડી (સ્ટિક) રાખે અને ઘરમાં ય હૉલ-શુઝ પહેરીને ફરતો હોય. તારી ભલી થાય ચમના.. આવા વાઘા પહેરીને તારે વૉશરૂમ જવું હોય તો કેટલા દિવસે પાછો આવે ?

આપણી એ ફિલ્મોમાં બધી જગ્યાએ એ પુરવાર કરવાનો પ્રયત્ન થતો કે દુનિયાભરનું જે કાંઈ બધુ સારૂં, એ ભારતનું અને દુષ્ટ અને પાપી હોય એ બધું આ ધોળિયાઓનું ! એટલે આપણો ઇન્ડિયન હીરો- ટેબલ ખુરશી પર જમવા નથી બેસતો અને ભોંય પર થાળી- વાડકા પિરસાવીને બેસે છે. આજે આ દ્રષ્ય ધરી જોઈએ કે, આપણી હોટલ કે ક્લબોમાં ટેબલ- ખુરશીને બદલે બધાએ જમવા તો જમીન પર જ થાળી- વાટકા મુકીને બેસવાનું બા કેવા ખિજાય ?

બીજી ગમ્મત એ આવે કે, ગીતના ચિત્રાંકનમાં હીરો કે હીરોઇન ગીતો ગાતા હોય ત્યારેે આખુ મુખડું કે અંતરો પૂરો ગવાઈ ન રહે, ત્યાં સુધી મજાલ છે કે કેમેરાની કે પોતાના સ્થાન ઉપરથી ખસે ? અંતરો પૂરો થઈ જાય એટલે હીરોઇન પોતે કેમેરાની ફ્રેમની બહાર નીકળી જાય તો ભલે, બાકી કેમેરા તો અઘોરી બાવાની જેમ ત્યાં જ ખોડાયેલો રહે. વાત મજાની ત્યાં બને કે, ગીતમાં 'ઑબ્લિગેટો'આવે ત્યારે પરદા પર ગાનારો નીચું કે આડું જોઈ જાય 'ઑબ્લિગેટો''નો સાદો અર્થ એ છે કે, મુહમ્મદ રફીએ ફિલ્મ 'દિલ એક મંદિર'માં ગાયેલા 'યાદ ન જાયે, બીતે દિનોં કી...'માં યાદે ન જાયે.

પછી તરત જ વાયોલિનના- ઓરકેસ્ટ્રાનો પિસ વાગે તે.) ગાયકના કંઠમાં શબ્દો વચ્ચે ખાલી પડતી જગ્યા પુરવાના એ કામમાં આવે ! એ વખતની ફિલ્મોમાં ગીતોનું આવું 'ટેકિંગ'સ્થૂળ કક્ષાનું હોવાથી આવા ઑબ્લિગેટો વખતે કાંઈ સૂઝ ન પડવાથી ગાનાર હીરો- હીરોઇન પણ લાચાર થઈને કેમેરાની સામે જોયે રાખે. તોડફોડની વાત એ છે કે, 'અય ચાંદ છૂપ ન જાના...'જેવા મધુર ગીતોને ફિલ્મના ચિત્રાંકનના મામલે કોઈ લેવાદેવા જ ન હોય. હીરોઇન જે બારીમાંથી ગાતી હોય, એની પાછળ ચાંદ દેખાતો હોય... એ પછી પૂરા ગીત દરમ્યાન એ જ્યાં જ્યાં ફરે, ત્યાં આકાશમાં ચાંદ પણ હવાફેર કરતો રહે. ઘચરકો આપણને આવી જાય કે, હજી હમણાં તો ચાંદ આ બારીમાં હતો ને એટલી વારમાં આ બાલ્કનીમાં ક્યાંથી આવી ગયો ? થૅન્ક ગોડ, ગીતના શબ્દોમાં ચંદા અને સૂરજ- બે ય સાથે નથી આવતા...!

એ વખતની મોટા ભાગની ફિલ્મોમાં સર્વોત્તમ સિદ્ધિ એક જ હોય છે કે... ફિલ્મ પૂરી થાય ને પ્રેક્ષકો ઘેર જઈ શકે.

એનકાઉન્ટર : 15-07-2018

$
0
0

* મળવામાં પહેલી પ્રાયોરિટી કોને ? અક્ષય કુમાર કે શાહરૂખ ખાન... ?
-
અક્ષય ડિમ્પલનો જમાઈ છે... એટલે એને ! અમારે ય વ્યવહારમાં રહેવું પડે!
(
નિકુંજ આર. ગોર, મોડાસા)

* '
નવરો બેઠો મોબાઈલ મચડે...'નવી કહેવત ?
-
નવરી બેઠી સેલ્ફી પાડે!
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* સાચા ધર્મની વ્યાખ્યા શું ?
હજી સુધી એક પણ ઘર્મ પેદા થયો નથી , જે બીજા ઘર્મનું પોતાના ઘર્મ જેટલું સન્માન કરે.
(
હિતેશ કે. વ્યાસ, ભાવનગર)

* નજર સામે ખોટું થતું જોઈ રહેનારાઓ શું સાબિત કરે છે ?
-
આપણા બાપનું શું જાય છે?
(
સંકેત કે. વ્યાસ, રાલીસણા)

* 'એનકાઉન્ટર'માટે સવાલ પસંદ થયો છે, એની જાણ કરવામાં આવે છે ?હા. જે રવિવારે સવાલ પસંદ થયો ન હોય, તેનાથી ખબર પડે !
(
જગદિશ કપૂરીયા, જૂનાગઢ)

* જગતનું સૌથી મોટું જૂઠ ક્યું ?
-
એ ફક્ત પાકિસ્તાનીઓને આવડે છે, કે 'કાશ્મિર અમારૂં છે.'
(
વિશાલ માધડ, અમરેલી)

* ભાજપ કેટલા વર્ષો સુધી રાજ કરશે ?
-
એ લોકોને ભાજપ-ફાજપમાં રસ નથી. મોદી કેટલા વર્ષ રાજ કરશે, એની ચિંતા  છે.
(
ગોપાલ સોલંકી, પડોદર-કેશોદ) અને (દીપક પંડયા, બિલિમોરા)

* ગાયક-સંગીતકાર હેમંત કુમાર વિશે કાંઈ નહિ કહો... ?
-
લતા મંગેશકરે કહેવાનું એવું મધુરૂં કહી દીધું છે કે, બીજાને બોલવાનું રહેતું જ નથી. હેમંત દા ના પવિત્ર સ્વર માટે લતાએ કીધું હતું, 'હેમંત દા ગાતા હોય ત્યારે કોઈ ટેકરી ઉપરના મંદિરમાં પૂજારી સ્તુતિ ગાતા હોય એવું લાગે !'
(
નિલેષ પ્રેસવાળા, ભરૂચ)

* ભારતને સાચા અર્થમાં આઝાદી ક્યારે મળશે ?
-
આઝાદી તો ચાલે જ છે, ગુલામી નો આવે એ જોવાનું ?
(
મુકેશ ખંડોર, મુંબઈ)

* આજના જમાનામાં સુપરમેન ન હોય ?
-
મારા ખોટા વખાણ ન કરો... !
(
મનિષ નિરંજન વર્મા, ગોધરા)

* કોઈ છોકરીને ક્યાં સુધી પ્રેમ કરવો જોઈએ ?
-
એના બાપા બોચી પકડે નહિ ત્યાં સુધી.
(
શૈલેષ લશ્કરી, ભાવનગર)

* ઈ.સ. ૨૦૧૯-ની ચૂંટણીનો શંભુમેળો સફળ થશે ?
-
સફળ થાય તો પણ એ લોકો એકબીજા સાથે ટકે છે કેટલા કલાક... એ જોવાનું!
(
અશ્વિન મોરે, વડોદરા)

* પોતાનું નામ 'ગુજરાત સમાચાર'માં છપાવવા માટે 'એનકાઉન્ટર'કરીને રાહ  જોવાની ?
-  
તમે આનાથી વધુ સારૂં કામે ય કરી શકો છો.
(
સરફરાઝ શેખ, અમદાવાદ)

* કેવા સવાલોને તમે ઊડાડી મારો છો ?
-  
જસ્ટ... પોતાનું નામ છપાવવા ચારે બાજુના છાપાં-મેગેઝીનોમાં નિયમિત સવાલો મોકલતા રહે, એ અહીંથી પોતાનું સ્થાન ગૂમાવે છે.
(
શ્રેયા કે. પટેલ, વડોદરા)

* જો તમને રીયલ લાઈફમાં કોઈનું એનકાઉન્ટર કરવાનો મોકો મળે તો કોનું કરો ?
-
ભગવાને શબ્દો આપ્યા છે, શસ્ત્રોની જરૂર ના પડે.
(
કરણ સોની, રાજકોટ)

* ભારતમાં અભણો રાજ કરે ને શિક્ષિતો બેકાર રહે, એનું કારણ શું ?
-
ભારતમાં તો એ બન્ને રાજ કરે છે.
(
શેહજાદ આઈ. શેખ, લુણાવાડા)

* આપણે શ્રીફળ વધેરીએ, એ બલિદાન છે કે સમર્પણ ?
-  
અંધશ્રધ્ધા.
(
ઉમંગ કંસારા, માધવપુર-ઘેડ)

* કાશ્મિરની સમસ્યાનો ઉકેલ કોણ લાવી શકશે ?
-
ઉકેલ આવી જાય તો ભલભલી રાજકીય પાર્ટીઓ ઘેર બેસી જાય... ઉકેલમાં કોને   રસ છે ?
(
જગદિશ સભાડ, શેઢાવદર-ભાવનગર)

* શુક્રવારની તમારી 'ફિલ્મ ઈન્ડિયા'કોલમમાં ગુજરાતી ફિલ્મો વિશે કેમ લખતા  નથી ?
-  
કોલમનું નામ 'ફિલ્મ ગુજરાત'કરીએ, ત્યારે એવું થશે !
(
વિનોદ ની. શુકલ, વડોદરા)

* સલૂનમાં દાઢી કરાવતી વખતે પરમ શાંતિનો અનુભવ કેમ થાય છે ?
-  
અમને તો છોલાય છે... !
(
નીતિન જોશી, વડોદરા)

* 'યૂ-ટયૂબ'ના નિર્માતા પહેલા ટાયર-ટયૂબનો ધંધો કરતા હતા ?
-
અજમેરમાં તપાસ કરો... નહિ તો પછી આણંદમાં !
(
આદિલ શકીલ એહમદ અજમેરી, આણંદ)

* રોટલીનો આકાર ગોળ જ કેમ વણવાનો ? બીજો કોઈ આકાર કેમ ન ચાલે ?
-  
ધેટ્સ ફાઇન... દાળ છરી-કાંટા વડે પીવાનું રાખી શકાય !
(
અપર્ણા ભદ્રેશ દેસાઈ, નાલાસોપારા)

* 'ખુશ્બૂ તેરે બદન સી, કિસી મેં નહિ નહિ...'આમાં ભાઈસાહેબના સુધરવાના  ચાન્સ કેટલા ?
-  
સંબંધિત બહેનજી પણ આવી સામી ખુશ્બુઓથી ટેવાઈ ગયા હોય !
(
મયૂર અંજારીયા, રાજકોટ)

* સવાલ વાંચતી વખતે જવાબનો વિચાર કરવા બેસવું પડે છે કે, જવાબ સ્વાભાવિક સૂઝી જાય છે ?
-
પરણ્યાને ૪૨-વર્ષ થયા.
(
જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* બ્રાહ્મણ ગમે તેટલો ધનવાન હોય, છતાં આજીવન ગરીબ જ કેમ ?
-  
મારે તો હજી સુધી એકે ય ગરીબ બ્રાહ્મણને મળવાનું થયું નથી.
(
ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)

અમારી ફલાઇટ સાડા સાતની છે

'આલાપ' ('૭૭)

$
0
0

ફિલ્મ : 'આલાપ' ('૭૭)
નિર્માતા : એન.સી.સિપ્પી
દિગ્દર્શક : ઋષિકેષ મુકર્જી
સંગીતકાર : જયદેવ
ગીત- સંવાદ : ડો. રાહી માસુમ રઝા
રનિંગ ટાઈમ : ૧૪- રીલ્સ : ૧૬૧- મિનીટ્સ
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, રેખા, છાયાદેવી, ઓમપ્રકાશ, લીલી ચક્રવર્તી, અસરાની, વિજય શર્મા, ફરિદા જલાલ, બેન્જામિન ગીલાણી, મનમોહન કૃષ્ણ, એ.કે.હંગલ, યુનુસ પરવેઝ, મા.રવિ, લલિતા કુમારી, ઝૂમુર અને સંજીવ કુમાર ( મેહમાન કલાકાર)

ગીતો
૧... માતા સરસ્વતી શારદા, વિદ્યાદાની દયાની.. લતા મંગેશકર- દિલરાજ
૨... માતા સરસ્વતી શારદા, વિદ્યાદાની.. મધુરાની, દિલરાજ કૌર, યેસુદાસ
૩... બિનતી સુન લે તનિક નટખટ ગોરી મોરી... અસરાની
૪... ચાંદ અકેલા જાય સખી રી, કાહે અકેલા જાય.. યેસુદાસ
૫... હો રામા ડર લાગે અપની ઉમરીયા સે... અસરાની
૬... આઈ ઋતુ સાવન કી, પિયા મોરા જાય રે... ભૂપિન્દર- ફૈયાઝ
૭... આઈ ઋતુ સાવન કી, પિયા મોરા જાય રે.. કુ. ફૈયાઝખાન
૮...નઇ રી લગન ઔર મીઠી બતીયાં, પિયા.. ફૈયાઝ, મધુરાની, યેસુદાસ
૯... જીંદગી કો સંવારના હોગા, દિલ મેં સૂરજ ઉતારના... યેસુદાસ
૧૦... કાહે મનવા નાચે હમરા, સખી રી કોઈ ઇસે.. લતા મંગેશકર
૧૧... કોઈ ગાતા મૈં સો જાતા (ડો. હરિવંશરાય બચ્ચન)... યેસુદાસ
ફિલ્મના પાર્શ્વગીતમાં ઉસ્તાદ બડે ગુલામઅલીખાંની રચના 'રૈના અંધિયારી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તમારા શહેરમાં તમારા લેવલના બસ કોઈ.. ૧૫-૨૦ ટકા લોકો રહે છે, જેમને આ જ અમિતાભ બચ્ચનની 'અમર, અકબર, એન્થની'કરતા ફિલ્મ 'આનંદ'કે 'બ્લેક'જેવી ફિલ્મો ગમે છે. અમિતાભની ઢિશૂમ ઢિશૂમવાળી ફિલ્મો સામે એમનો કોઈ એતરાજ નહિ, પણ પરિવાર સાથે બેસીને આવી અર્થપૂર્ણ ફિલ્મો જોઈને પ્રસન્ન થનારા ગુજરાતીઓનો એક ચોક્કસ વર્ગ છે. એવા પરિવારોને ઋષિકેશ મુકર્જીની સમજો ને, તમામ ફિલ્મો ગમે. એમાં મારામારી તો ઠીક છે, પર્વત પરથી ગબડતા ગબડતા ગીત ગાતા હીરો-હીરોઈનો ય જોવા ન મળે, પણ આવી સંસ્કારી- સંસ્કારી ફિલ્મો જોયા પછીની પ્રસન્નતા એમના માટે રામાયણ- ભગવત ગીતાના પાઠ કર્યા જેવી શાંતિમય લાગે છે.        

આવી જ એક ફિલ્મ 'આલાપ'છે. ઋષિ દા ની અન્ય સુંદર ફિલ્મો જેવી અને જેટલી તો આ ફિલ્મ સફળ નહોતી, અને થીયેટરોમાં ક્યારે આવી અને ક્યારે ઉતરી ગઈ, તેની ય ઇવન.. આ લોકોને ય ખબર પડી નહિ.

ફિલ્મ અમિતાભની (અને પાછી રેખા !) હોવા છતાં પિટાઈ ગઈ, એના કારણોમાંનું પહેલું પકડાયું છે એ... ફિલ્મ ઋષિ દા ની હોવા છતાં આટલી હદે મેલોડ્રામેટિક ! મહીં હ્યૂમરનું નામ પણ નહિ ? ફિલ્મના બન્ને સેન્ટ્રલ કેરેક્ટરો- બચ્ચન અને રેખાના કિરદારો અત્યંત ઢીલા બની ગયા.

કોઈ સેન્સેશન કે વાર્તામાં ઉભાર લાવે એવા નહિ ! બીજું, શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ ઘણી ઊંચાઈઓ સુધી પહોંચેલું જયદેવનું આ ફિલ્મનું સંગીત થોડું ય લોકભોગ્ય ન બન્યું. (મોટા ભાગે, ટિકીટબારી ઉપર ફિલ્મો ચાલતી હોય છે, દિલડોલ સંગીતથી. એવું અહીં કશું સાંભળવા ન મળ્યું... ભલે આખી ફિલ્મ ધી ગ્રેટ કુંદનલાલ સેહગલ અને મૂકેશને અર્પણ કરવામાં આવી હોય.. ઘેર બેઠા આપણે ય કાંઈ ગુનગુનાવી શકીએ, એવું કાંઈક તો હોવું જોઈએ ? નહોતું.)

બીજું, સાબિત થઈ ન શકે એવું કારણ એ પણ હશે કે, બચ્ચને ફિલ્મ ઋષિકેશ મુકર્જીની છે, માટે પરાણે સાઈન કરી હોય. એક તો ભારતના પ્રેક્ષકો માટે બચ્ચન હી-મેન હીરો બની ચૂક્યો હતો, જેમાંનું અહીં કાંઈ જોવા ન મળે અને બીજું, રાજેશ ખન્નાની જેમ અમિતાભ બચ્ચન માટે પણ ઋષિ દા પિતાતુલ્ય હતા ને એમને ના પડાય નહિ. (પ્રોફેશનલ કારણ એ પણ હોય જ કે, બચ્ચનની કરિયરમાં પાયાનો પથ્થર ઋષિ દાએ મૂક્યો હતો અને બચ્ચન સુપરસ્ટાર બની ગયો, એ પછી પણ ઋષિ દા એ જ જૂના ભાવે એની પાસે કામ કરાવવા માંગતા હોય ! પ્રેક્ષકો સાદી છતાં ઝૂલાવી મૂકે, એવી સનસનાટી ય ફિલ્મમાં ઇચ્છતા હોય, જેને બદલે અહીં ફિલ્મ મંથર ગતિએ, ઝાઝી કોઈ ઘટનાઓ બન્યા વિના ચાલતી રહે છે, જે પ્રેક્ષકોને પસંદ આવ્યું ન હોય!

અને એમાં ય, વાર્તાનું (કે ફિલ્મનું) સેન્ટ્રલ-કેરેક્ટર ચરીત્ર અભિનેતા ઓમપ્રકાશ છે, જેણે પોતાની ફિલ્મ કરિયરના દસ- પંદર સર્વોત્તમ કિરદારો ભજવ્યા હોય, એમ અહીં અદ્ભુત અભિનય કર્યો છે. ફિલ્મમાં રેખા કરતા ય જેનું મહત્વ ઘણું વધારે છે, એ બંગાળી વૃધ્ધ ચરીત્ર અભિનેત્રી છાયાદેવી ધાર્યા કરતા વધુ કદરૂપી છે અને પ્રેક્ષકોને એ જ ચેહરો વારંવાર જોયે રાખવાનો ક્યાંથી પોસાય ? આ લખનારનું એક નિરીક્ષણ એવું છે કે, છાયાદેવીના મૃત્યુ પછીના હારતોરા માટેના ફોટામાં વાળ કાળા- ધોળા છે, પણ પૂરી ફિલ્મમાં કાળી ભમ્મર વિગ પહેરી રાખી હોવાથી શ્રધ્ધાંજલિના એ ફોટોગ્રાફર ઉપર શક જાય કે, 'આવી કમાલ એણે કેવી રીતે કરી હશે કે, જીવતે જીવત કાળા ભમ્મર વાળ અને અવસાન પછી ઘરડી ડોસીના વાળ.. ?'

આવું આપણું મોઢું ચઢી જાય છે, બારમાસી રોતડ કલબના આજીવન સભ્ય મનમોહનકૃષ્ણના વાળ જોયા પછી ! એક તો કાકાને માથે ભારે જથ્થામાં વાળ પહેલેથી હતા, પણ શક એ જાય કે, એનાથી વધારે વાળ તો કાકાના કાનમાંથી નીકળતા હતા.. એ કદાચ વધીને માથે ચોંટાડયા હશે ! તમારે ફિલ્મ માટે શોટ આપવાનો છે, તો એટ લીસ્ટ.. પ્રેક્ષકોને આવું બધું જોવું ન પડે એનો ખ્યાલ એ એકટર અને ડાયરેક્ટરે તો રાખવો જોઈએ ને ? આ તો પ્રેક્ષકો ઘેરથી મોઢું શુકનવંતુ કરીને નીકળ્યા હશે કે, રોતડ- કલબના બીજા સન્માન્નીય સભ્ય અભિ ભટ્ટાચાર્યને એકાદ-બે દ્રષ્ય સિવાય વધુ જોવા પડતા નથી, પણ મહેમાન- કલાકાર તરીકે કામ કરતા સંજીવ કુમારે હિંદુ ફિલ્મોમાં અનેક ચમત્કારો કર્યા છે.

એક ચમત્કાર તો એના હેર-ડ્રેસરનો છે કે, ફિલ્મે ફિલ્મે સંજીવ કુમારને માથે અલગ-અલગ વિગ પહેરાવી છે. કોઈ ડિરેક્ટર ધ્યાન નહિ રાખતો હોય કે શું, ભગવાન જાણે પણ ફિલ્મમાં યુવાનીમાં સંજીવને માથે જે કાંઈ બાલબચ્ચા હોય.. આઈ મીન, બાલ હોય એ પછી બુઢાપામાં સફેદ ચમકતા વાળનો જથ્થો, ઘેર શાકભાજી લઈને આવતી ગુજરાતણ જેટલો હોય ! નવાઈઓ લાગે કે, ઉંમર વધે એમ વાળ ઘટે, પણ ફિલ્મોમાં હીરો ઘરડો થાય એટલે વધારાનો માલ બજારમાં વેચી શકાય એટલા જથ્થામાં એની વિગમાં વાળ ખોસ્યા હોય ! અહીં સંજીવ ફિલ્મ 'શોલે'ના ઠાકૂર સા'બવાળા ગેટ-અપમાં છે. એજ લટકતી શોલ, એ જ કપાળ પર ઝૂલતી સફેદ વાળની લટો અને એ જ અદાયગીમાં આ ફિલ્મમાં સંવાદો બોલવાના !

આ ફિલ્મમાં અમિતાભની ભાભી બનતી લીલી ચક્રવર્તીને તમે વિનોદ ખન્નાની ફિલ્મ 'અચાનક'માં જોઈ છે. એનો ગોરધન બનતો વિજય શર્મા ઋષિકેષની એ વખતની લગભગ બધી ફિલ્મોમાં હતો, જેમ કે ફિલ્મ 'મિલી'કે 'ગુડ્ડી'. દરેક ફિલ્મ દિર્ગદર્શકની મોટા ભાગે એક ટીમ રહેતી જેમ કે, ઋષિ દા ની હરએક ફિલ્મમાં રસોઈયો મહારાજ હોય જ અને એ રોલ દેવકિશન નામનો કલાકાર (ફિલ્મ 'આનંદ') ભજવતો. આ ફિલ્મમાં એના જેવો જ દેખાતો બીજો રસોઈયો ઋષિ દા પકડી લાવ્યા છે.       

ફરિદા જલાલ બટકી પણ એ જમાનામાં ખૂબસુરત દેખાતી, પણ એનો ગઢ એની સ્વાભાવિક એક્ટિંગ હતી. જો કે, બાળકલાકાર તરીકે એની ફિલ્મ ગુરૂદત્તની 'ચૌદહવી કા ચાંદ'હતી. ફિલ્મ 'આરાધના'માં રાજેશ ખન્નાની સેકન્ડ હીરોઈન બનવાનું ભાગ્ય એને મળ્યું હતું, પણ બેન બટકા અને શરીર ગોળમટોળ એટલે જીંદગીભર બહેન, બેટી કે સખીના રોલથી આગળ વધી ન શક્યા. બેન્જામિન ગીલાણી તો પોતાના જમાનામાં ય ખીલ્યો નહતો. નામ ચગ્યું હતું, એ વખતે શબાના આઝમી સાથે નામ જોડાવાને કારણે !

ઓમપ્રકાશ અંગત જીવનમાં ઘણો ભલો માણસ હતો. જીંદગીમાં કમાયેલું ઘણું બધું એની પ્રેમિકા અનિતા ગૂહા ખાતર વાપરી નાંખ્યું. જુગારના શોખે એને બર્બાદ કરી નાંખ્યો. મનમોહનકૃષ્ણ ચરિત્ર અભિનેતા કહેવાય અને ૨૫૦- થી વધુ ફિલ્મોમાં એણે કામ કર્યું. બી.આર.ચોપરા સાથેના અંતરંગ સંબંધોને કારણે ચોપરાની લગભગ બધી ફિલ્મોમાં એને કામ મળતું. એનો એક જ પ્રોબ્લેમ હતો. એક સેકન્ડમાં એ ચહેરા ઉપર છવ્વીસ હજાર (!) હાવભાવો લાવી શકે પણ એકે ય ભાવ ટકે નહિ. લલિતાકુમારી ઋષિકેષની ફેવરિટ બંગાળી એકટ્રેસ હતી, જે ફિલ્મ 'મિલી'માં તાજા પરણેલા અમિતાભ-જયાને અડધી રાત્રે ફેન-ફોન કરે છે.

યસ. બધાને એ જાણવાની તાલાવેલી હોય કે, ફિલ્મમાં સંજીવ કુમારની પ્રેમીકા બનતી યુવતી ( જે મોટી થઈને છાયાદેવી બને છે) નું નામ શું ? 'ઝુમુર'હતી, ઝૂમુર ગાંગુલી. થોડી ઘણી બંગાલી ફિલ્મોમાં આવીને હોલવાઈ ગઈ હતી. ફિલ્મની નામ પૂરતી હીરોઈન રેખા છે. અમિતાભ બચ્ચન સાથેના એના 'સંબંધો'ને કારણે આ જોડી આમે ય ખૂબ ચર્ચામાં હતી.. આજે ય ચર્ચામાં તો છે જ!

ફિલ્મ 'આલાપ'નો સૌથી વધુ સમૃધ્ધ પાર્ટ હોય તો તેનું પૂજનીય કક્ષાએ પહોંચેલું સંગીત હતું. સ્ટેજ પર ગાવા માંગતી યુવતીઓએ આ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલું, 'કાહે મનવા નાચે હમરા, સખી રી કોઈ ઇસે..'ફક્ત એક વાર સાંભળી લેવા જેવું છે, ત્યારે ખબર પડશે કે, લતા મંગેશકર શું ચીજ છે ! ગાવાની તો બહુ દૂરની વાત છે, સાંભળવામાં ય તરડાઈ જઈએ એવું આ ગીતનું કમ્પોઝિશન છે. એની સામે ઘણી લોકપ્રિય થયેલી આ ફિલ્મની સ્તુતિ 'માતા સરસ્વતી શારદા, વિદ્યાદાની દયાની...'સંગીતની કલાનો એક ઉત્તમ પીસ છે.         

સંગીતકાર જયદેવની રચના ગાવાની આવે. તે પહેલા મંગેશકર- સિસ્ટર્સને ઘેર ઘણો રિયાઝ કરીને જવું પડતું. એવું એ બન્નેએ જાહેરમાં કીધું છે. દેવ આનંદની ફિલ્મ 'હમદોનોં'કે સુનિલ દત્તની 'મુઝે જીને દો'ના એક એક ગીતો આપણે જીવીશું, ત્યાં સુધી તો ભૂલવાના નથી, પણ સ્વયં જયદેવને તો આ બન્ને મહાનુભાવો ય ભૂલી ગયા હતા.. સૃષ્ટિના ઉતમોત્તમ સર્જનો જેવા ગીતો બનાવવા છતાં દેવ આનંદે પણ 'હમદોનોં'પછી જયદેવને પોતાની ગ્રેટનેસ સાબિત કરી દીધો.          

એ ફિલ્મના અવિસ્મરણીય ગીતોથી. બધાએ તો ન સાંભળ્યું હોય પણ, અમોલ પાલેકરની એક ફિલ્મ 'રામનગરી'માં જયદેવે એક ભજનથી પણ સંગીતની ઊંચાઈઓને પોતાની ઊંચાઇ બનાવી દીધી હતી, એ ભજન હતું નીલમ સાહની અને હરિહરનના કંઠમાં, 'મૈં તો કબ સે તેરી શરન મેં હું, મેરી ઓર તું ભી તો ધ્યાન દે..'     

મારી પસંદગીના આશા ભોંસલેના દસ ગીતો મૂકવાના હોય તો, 'મુઝે જીને દો'નું 'ક્યા બ્બાત હૈ'કોરસ, 'માંગ મેં ભર લે રંગ સખીરી આંચલ ભર લે તારે, મિલન ઋતુ આ ગઈ...'આવે જ. બધાને 'પ્રેમપરબત'નું લતાનું 'યે દિલ ઔર ઉનકી નિગાહેં કે સાયે..'ગમતું જ હોય, પણ મને સ્પર્ષી ગયું આ જ ફિલ્મનું રાગ તિલક કામોદ પર આધારિત લતાનું જ, 'યે નીર કહાં સે બરસે હૈં યે બદરી કહાં સે આઈ હૈ...'ગીતાના પદ્મા સચદેવે લખેલા શબ્દો ય કેવા કાવ્યમય છે ! 'પંછી પગલે કહાં ઘર તેરા રે, ભૂલ ન જઈયો અપના બસેરા રે,કોયલ ભૂલ ગઈ જો ઘર વો લૌટ કે ફિર કબ આઈ હૈ...'      

કેન્યા- નાયરોબીમાં જન્મેલા જયદેવે '૪૦- ના દશકમાં ૭-૮ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં નાદિયા-જોન કાવસની 'મીસ ફ્રન્ટિયર મેલ'માં એ ખાખી પોણીયા પહોળી ચડ્ડી અને લૂઝ શર્ટમાં કિશોરાવસ્થામાં દેખાય છે. રૂબરૂ જઈ આવનારાઓ કહેતા હતા કે, આવો ગ્રેટ સંગીતકાર પરણ્યો નહતો અને મુંબેઈના ચર્ચગેટ રેલ્વે-સ્ટેશન પાસે એક નાનકડા રૂમના મકાનમાં રહેતો હતો, જેની ઘરવખરીમાં નાનકડું ફ્રીજ, વેરવિખેર પડેલી થોડી કેસેટો, એકાદું ટેબલ અને એક- બે ખુરશીઓ. એ ગુજરી ગયો ત્યારે સ્મશાને ફિલ્મનગરીની એક પણ વ્યકિત હાજર નહોતી.

ઍનકાઉન્ટર : 22-07-2018

$
0
0

*પ્રચંડ ગરમીથી બચવાનો કોઇ હાથવગો નુસખો ખરો ?
-  
બાથરૂમમાંથી બહાર જ નહિ નીકળવાનું.
(
ફાતેમા મીયાજીવાલા, અમદાવાદ) અને (જીતેન્દ્ર કેલા, મોરબી)

*'બુધવારની બપોરે'ના લોકપ્રિય પાત્રો જેન્તી જોખમ અને પરવિણ ચડ્ડીને પાછા લાવી શકાય એમ નથી ?
-  
એમના કરતા આપણા નેતાઓ વધુ હસાવે છે.
(
નિલેશ પ્રેસવાળા, ભરૂચ)

*'મન હોય તો માંડવે જવાય', પણ મન ન હોય તો ક્યાં  જવાય ?
-  
ગોધરા.
(
ધવલ જે. સોની, ગોધરા)

*આજનો માણસ ભીતરથી આટલો અશાંત કેમ છે ?
-
નો આઇડીયા. કોઇને પણ ભીતરથી જોવાનો મને ચાન્સ મળ્યો નથી.
(
જયેશ અંતાણી, ભાવનગર)

*ગુજરાતના પેલા ત્રણ આંદોલનકારીઓ કેમ નથી દેખાતા ?
-  
મોદીને જુઓ. બધા દેખાઇ જશે.
(
શૌનક પુરોહિત, કેશોદ)

*કૉંગ્રેસ ગમે તેવી હતી, પણ એના વખતમાં કાશ્મિરમાં આટલો ઉપદ્રવ નહોતો... શું કહો છો ?
-  
સારૂં વાંચન છે તમારૂં.
(
ડૉ. શૈલજા એ. ઠક્કર, અમદાવાદ)

*ગુજરાતમાં હવે આવતા વર્ષે તો ૪૮-ડીગ્રી ગરમી પડે એવું લાગે છે !
-  
બે ડીગ્રી માટે ચૂકી ગયા...?
(
ભાવિક શાહ, ગોધરા)

*ખેડૂત આંદોલન વિશે શું માનો છો ?
-  
હું જે માનું છું, એ ખેડૂતો નથી માનતા. અમે જે માનીએ છીએ, એ સરકાર નથી માનતી.
(
હરૂભાઇ કારીઆ, મુંબઇ)

*સ્ટેજ-ફંકશન વિશે તમારા લેખમાં, અદબ વાળીને સ્ટેજની આજુબાજુમાં ઊભા રહેનારાઓ વિશે શું કહો છો ?
-  
એમાંના મોટા ભાગનાઓને કારણે પ્રોગ્રામો શક્ય બને છે.
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

*દીપડાની માફક લાગ જોઇને શિકાર ઉપર તરાપ મારતા મોદીજી વિશે શું માનો છો ?
-  
લાગ જોયા વગર તરાપો મારવાનો કોઇ મતલબ ખરો ?
(
રાજેન્દ્ર પઢારીયા, ડૉમ્બિવલી)

*'જેવા સાથે તેવા'કહેવત છે.... તમે શું માનો છો ?
-  
જુઓ... મેં ય જવાબ આપ્યો ને ?
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

*રાહુલ ગાંધીના લગ્ન ક્યારે ?
-  
એમને તો બીજા કોઇ કામધંધા હોય કે નહિ ?
(
મનિષ નિ. વર્મા, ગોધરા)

*આપણા દેશમાંથી અનામત ક્યારે નાબૂદ થશે ?
-  
વાણીયા-બ્રાહ્મણને આની કાંઇ ખબર ન હોય !
(
નીરવ પટેલ, અમદાવાદ)

*અખિલેશ યાદવે સરકારી બંગલો ખાલી કરતા પહેલા બંગલામાં ઘણી તોડફોડ કરાવી !
-
પથ્થરબાજોમાંથી છોકરૂં કાંઇક તો શીખે ને ?
(
ટી.વી. બારીઆ, વડોદરા)

*આજની જનરેશન પ્રેમને શું માને છે ?
-  
પ્રેમ.
(
આશ્કા આચાર્ય, મુંબઈ)

*'હળી કરવી'એટલે શું ?
-
એટલે.... હજી સુધી ગ્રામરમાં જ પડયા છો.... પ્રૅક્ટિકલ નહિ ?
(
મિહિર પટેલ, નડિયાદ)

*તમને ગદ્ય કે પદ્યમાં રસ છે ?
-  
સદ્ય હોય તો મદ્યમાં પણ ખરો !
(
અજય જોશી, નાસિક)

*સાંસદો-ધારાસભ્યોને સબસિડીઓ છોડી દેવા માટે મોદી ક્યારે આદેશ આપશે ?
-  
શું કામ ગરીબોના પેટને બદલે પાછળ લાત મારો છો ?
(
વિપુલ ચૌહાણ, સિધ્ધપુર)

*વિરાટ કોહલીની જેમ તમે ફિટનૅસ-ચૅલેન્જ સ્વીકારશો ?
-
અમારામાં માનસિક-ચૅલેન્જો હોય !
(
રવિકુમાર ધાડવે, સુરત)

*મોદીને હરાવવા વિપક્ષો ભેગા કેમ થયા છે ?
-  
મોદીને હરાવવા !....બસ, બીજું કોઇ કારણ મળશે તો તમને જણાવી દઇશું.
(
ગોપાલ પરમાર, ભૂજ-કચ્છ)

*બાઇક ઉપર બેથી વધુ સવારીની છુટ કેમ નથી અપાતી ?
-  
બાઇકને આગળ ઘોડાથી નથી ખેંચાતી, માટે.
(
કલ્પેશ તળપદા, ખેડા)

*આપણા હવે પછીના વડાપ્રધાન તરીકે કોનું નામ સૂચવો છો ?
-  
ઉત્તરસંડાનો કોઇ રાજકુમાર મળી આવે તો આગળ વધું..!
(
પ્રકાશ લિમ્બાચીયા, ઉત્તરસંડા)

*સંઘનું આમંત્રણ પ્રણવ મુકર્જીએ સ્વીકાર્યું, એ વાત ઘણાને તીખી લાગી..!
-  
સંઘે ૩૧ ડીસૅમ્બરવાળી પાર્ટી આપી હોત તો ય એ લોકોને તીખી લાગત !
(
ઋષિકેષ જે. મહેતા, મુંબઈ)

* તમે સહમત છો, આપણો દેશ બદલાઈ રહ્યો છે ?
-  
ના. આનો આ જ રહેવાનો.
(
ભાણા કેશવાલા, જૂનાગઢ)

રીમોટ ચલાવવું ઘર ચલાવવા જેટલું સહેલું નથી

$
0
0

સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઈ રીસ્પોન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર માર્યું, કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય ! ખખડાવી/ હલાવી પણ જોયું.ત્યારે ખબર પડી કે, રીમોટ ઊંઘું પકડયું છે.

રીમોટનો એક ખૂણો કાનમાં ખંજવાળ્યો. મીઠું લાગતું હતું ને મજો ય પડતો હતો. થોડી વધારે મજા લીધી. રીમોટને સોફાની ધાર ઉપર લૂછીને ફરી એક વાર બટન દબાવ્યું. કાંઈ ન થયું.

બાજુમાં વેફર્સની ડિશ પડી હતી, એ મન્ચિંગ ચાલુ હતું. એમાં તો એક વખત વેફર્સનું પેકેટ પણ રીમોટ સમજીને કચડ્ડડ્ડ... દબાવાઈ ગયું, પણ એનો ય રીસ્પોન્સ આવતો નહતો.

એણે ફરીથી બટન દબાવ્યું, આ વખતે જરા ભાર દઈને.. ટીવીએ જવાબ ન આપ્યો. આદત મુજબ, સુભીએ રીમોટને ડાબી- જમણી બન્ને તરફ લઇ જઈ હાથમાં આવ્યા એ બધા બટનો દબાવી જોયા. માથાની ઉપર અને સોફાની નીચે જમીનને અડે ત્યાં સુધી રીમોટ નીચું કરી જોયું. છેલ્લે છેલ્લે તો, શ્રીનાથજીની આરતી ઉતારવાની હોય એમ ગોળ ગોળ હલાવી જોયું.

ગુસ્સો એવો આવી ગયો કે, રીમોટને બદલે આખું ટીવી ઉપાડીને હલાવી જોઉં ! જો કે, આ વાંચતી વખતે તમને જે સવાલ થયો, એ એને ય ટાઇમસર થયો કે, રીમોટને ડાબે- જમણે ફેરવવાનો શું અર્થ ? રીમોટને ટીવીની દિશામાં રાખો ને બટન દબાવો, પછી આડુંઅવળું ફેરવવાની જરૂર ન હોય.

નજીક લઇ જવાની તો સહેજે જરૂર ન હોય, આપણા સહુની સ્ટુપિડીટીની આ પહેલી નિશાની છે. કઈ કમાણી ઉપર રીમોટને આપણે હાથ આગળ લંબાવીને ટીવીની નજીક લઈ જઈને દબાવીએ છીએ ? એ તો રેન્જમાં હોય તો ખોળામાં મૂકેલા રીમોટથી ય ટીવી ચાલુ થાય કે ચેનલો બદલાય.. આ તો એક વાત થાય છે.

'સુલુઉઉઉ.. આ જો ને, ટીવી નથી ચાલતું ! સુલુ એના પોમરેનિયન ડોગીનું નામ નહોતું. એના ગોરધનનું નામ હતું. ડોગીઓના નામો તો ઉત્તેજ હોય છે, આવા સુલુ- ફૂલુ જેવા નહિ.

સલિલ જરા લાંબુ પડતું હતું. ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી જવાથી માંડીને ધૂળજી કેમ નથી આવ્યો, એ તમામ વાતોમાં સુલુ જરા કિફાયત ભાવે પડે.

ખાલી સુલુ સારૂં. મ્હોંવગું તો ખરૂં.

સુલુ મોંઢું બગાડતો આવ્યો. અકળાવાની તો હિમ્મત ન હોય, છતાં હિમ્મત ભેગી કરી થોડું અકળાઈને એ સુભીની બાજુમાં બેસતા બોલ્યો, 'સું છે, '?'

'સુલીયા...જો ને, આ રીમોટ કામ કરતું નથી.'નાદાન સુલુને પત્નીની બધી વાતોના જવાબ આપવા પડતા, એ ઘટનાને ગુજરાતી ભાષામાં 'સુભીપણું'કહેવાય છે ને સુલુએ બધા કામો કરવા પડે, એ સિધ્ધિને ઇંગ્લિશમાં 'હસબન્ડીઝમ'કહે છે !

(બાય ધ વે, હજી ૩-૪ મિનિટ પહેલા જ આ રૂપાળો શબ્દ શોધાયો છે...!)

'ઓહ..'સુલુએ એકાદ સેકન્ડ ટીવી સામે જોઈને કહ્યું, 'ડાર્લિંગ, ટીવીની મેઇન- સ્વિચ ચાલુ કરવી પડે.'સુભી ભોંઠી ચોક્કસ પડી ગઈ પણ સ્વિચ ચાલુ કરવા તો સુલુએ જ ઉઠવું પડે. સ્વિચ ઓન કરી. ટીવી ગરમ થાય ત્યાં સુધી થોડી વાર રાહ જોવી પડે. જોઈ જોઈ. રીમોટથી આ વખતે સુલુએ દબાવ્યું. એણે ય સુભીની માફક રીમોટને ચારેબાજુથી દબાવી મચડી જોયું.

હઠીલું હતું. ચાલુ ન થયું. મત્સ્યવેધ કરતા પહેલા બાણાવળી અર્જુન તીરના ભાથાને જરા ખખડાવી જુએ, એમ સુલુએ રીમોન્ટને એક-બે વાર હળવેથી હથેળીમાં ખખડાવી જોયું. પણ રીમોટમાં ય સુભીનો સ્વભાવ ઉતરી આવ્યો હતો. તાબડતોબ તો માને કાંઈ ? પ્રોબ્લેમ હાથમાં હશે, એમ સમજીને બીજા હાથમાં પછાડી જોયું. 'યે હાથ મુઝે દે દે ઠાકૂર,..'ના અંદાજથી એણે સુભીનો હાથ માંગ્યો અને એના હાથમાં વારાફરતી હળવે હળવે પછાડયું.

'..અઅઅ..સુબલા, આ બહાને ગલીપચી ના કર...'સુભી રોમેન્ટિક સ્માઈલ સાથે બોલી.

'
હું ગાંડો થઈ ગયો છું... ?'તે ગામ આખામાં વાપરવાની ગલીપચીઓ ઘરમાં વાપરી નાખું.., એવું તે કેવળ મનમાં બોલ્યો. બહાર તો એવું બોલ્યો કે, 'ઓહ ડાર્લિંગ... હું તો હજી તને અડયો પણ નથી.. કાશ..આવતા જન્મે હું તારૂં રીમોટ થાઉં.. કેમ, રીમોટની માફક રોજ સુતા તારા પગ દબાવી આપતો નથી ? સુલુને જોક કરવાની બહુ આદત. અફ કોર્સ, કાયદો સાથ નથી આપતો, નહિ તો એ પગ શું કામ... સુભીનું ગળું ન દબાવે ? એ કાયમ માનતો કે, દુનિયાભરના રીમોટ- કન્ટ્રોલ વાઈફોના ગળા દબાવવાથી ઓપરેટ થવા જોઈએ.

'યૂ નોટી..આઈ'લ કિલ યૂ.. ઘણીવાર મશ્કરીમાં ય હૃદયની વાત હોઠો પર આવી જતી હોય છે.
અલબત્ત, હવે બન્ને મૂંઝાણા હતા. બન્ને આવડે એ મુજબ રીમોટ દબાવે જતા હતા. ઘણી વાર તો, લગ્ન વખતે બન્નેએ હાથ સાથે પકડયા હતા (જેને બેવકૂફીની ભાષામાં 'હસ્તમેળાપ'કહે છે),એમ રીમોટ સાથે પકડીને દબાવ્યું. મેઇન- સ્વિચ પણ બરોબર હતી.. કામમાં નિષ્ફળતા. સુભીએ ટટ્ટાર ઉભા થઈને રીમોટ ટીવીને અડાડી જોયું.

'એ સુભલી...ઓહ સિલી..! અરે, રીમોટ- કન્ટ્રોલમાં બેટરીના સેલ પૂરા થઈ ગયા હશે.. લાય લાય, જોવા દે જરી !'સુબુએ થાઈલેન્ડની ખાણ હોનારતમાંથી છોકરાઓને બહાર કાઢવાના હોય એમ રીમોટનું પાછલું બારણું ખોલીને સેલ હળવેથી બહાર કાઢ્યા. મહીં કચરો બહુ ભરાયો હતો, જે એણે ફલોરની કાર્પેટ પર લૂછ્યો, એ સુભીને ન ગમ્યું.

થાઈલેન્ડના છોકરાઓને તો ફરીથી મહીં નાંખવાના નહોતા. આણે સેલ પાછા નાંખ્યા.

બહુ બટનો દબાવવાની આદતને કારણે સુબુ લિફ્ટ પાસે ઉભો હોય ત્યારે ય લિફટના બટન ઉપર આંગળા ઘોંચ ઘોંચ કરે. આમ તો એને ય ખબર કે, બટન એકવાર દબાવો તો ય ચાલે. લિફટ પાસે ઉભેલાઓને ઘણીવાર તો નવરા ઉભા ખાસ કાંઈ કરવાનું હોતું નથી એટલે, 'આવો ત્યારે એકાદું બટન દબાવી લઈએ..'એવા મનોરથ સાથે ઓરતા પૂરા કરે છે. ઘણીવાર કેવળ મઝા પડતી હોય માટે બટનો દબાવાય ને કેટલાક તો ત્યાં નવરા ઊભા ઊભા બીજું કરવું શું, એનો ખ્યાલ ન આવવાથી આવા વર્તનો 'છડેલિફ્ટ'કરે છે.. (ઓહ.. છડે ચોક !)

સુભી હવે કંટાળી હતી અને ચોક્કસ માનવા માંડી હતી કે, સુલીયાથી શેક્યું રીમોટે ય ભંગાવાનું નથી..પાપડ તો બહુ દૂરની વાત છે.અચાનક એને પોતાની ભૂલ સમજાઈ કે, પાપડને બદલે 'રીમોટ'શબ્દ મૂકીને આવો મહાવરો ન મૂકાય. પાપડ શેકવાની ચીજ છે. રીમોટ નહિ, એ જ ઘડીએ તેને યાદ આવ્યું હતું કે, એની કોઈ સખીએ મોકલેલા વોટ્સએપમાં રીમોટ ચાલતું ન હોય તો ગેસ ચાલુ કરીને ઉપર ઉપરથી થોડું થોડું શેકો તો રીમોટ ચાલુ થઈ જશે. વરસાદની આ સીઝનમાં તો ભલભલું રીમોટ હવાઈ જાય, એને થોડું તપાવવું પડે, એવો મેસેજ હતો.

આવો બેવકૂફીભર્યો આઈડિયો સાંભળીને સુલુ સખ્ત ખીજાયો અને ઘેર બેઠા રીમોટથી સુભીની સખીનું ગળું દબાવી દઈ શકાતું હોય તો દબાવી જ નાંખુ, એવો ગુસ્સો ચઢ્યો. પણ પેલી ય સખી તો સુભીની જ હતી ને ? લાંબી કેટલી હોય. એમ માનીને સુલુએ પેલીને જીવતેજીવતા માફ કરી દીધી. હિંદુઓમાં દાટવાની પ્રથા નથી !

હવે આ બન્ને મરણીયા થઈ ચૂક્યા હતા. રીમોટ વગર ટીવી પર ચેનલો બદલતા કે અવાજ નાનો મોટો કરતા ન આવડે. એ લોકોએ ઇન્ટરનેટ પર, બંધ રીમોટ ચાલુ કરવાના કોઈ ઉપાયો હોય તો શોધી જોયા.

ટીવી લીધું હતું એ ડીલરને ફોન કરી જોયો. આપણા કરતા આજકાલના છોકરાઓ આવા ઇલેકટ્રોનિક્સ મામલે વધુ સ્માર્ટ હોય છે. એમ સમજીને સોસાયટીના છોકરાઓને બોલાવી જોયા. એ લોકોએ પણ રીમોટ મચડે રાખ્યું. કાંઇ કાંદા ય ના નીકળ્યા.

વાર્તા પૂરી કરવાની હતી, એટલે છેલ્લા અંકમાં ધૂળજી પ્રગટ થયો. એ આમ તો ઘરમાં આડુંઅવળું ક્યાંય જુએ નહિ, પણ આ બન્ને રીમોટ મચડતા જોઈને કાંઈ બોલ્યા વગર સામેના ટેબલ પરથી ટીવીનું રીમોટ- કન્ટ્રોલ લઈ આવ્યો...

આ લોકો ક્યારના મચડતા હતા, એ એ.સી.નું રીમોટ- કન્ટ્રોલ હતું.

સિક્સર
નથ્થુરામ ગોડસેની બાયોપિક બનાવી હોત તો હજી માફ કરી શકાય ! ઇવન, સલમાન ખાને ય દેશ માટે કાંઈક તો સારૂં કર્યું છે. હવે આ લોકો ગેન્ગ-રેપના હલકટો ઉપર ફિલ્મો બનાવીને એમને નિર્દોષ સાબિત કરશે.

'શમા પરવાના '('૫૪)

$
0
0

ફિલ્મ : 'શમા પરવાના '('૫૪)
નિર્માતા-દિગ્દર્શક    :    ડી.ડી. કશ્યપ
સંગીતકાર    :    હુસ્નલાલ-ભગતરામ
ગીતકાર    :    મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ    :    ૧૬-રીલ્સ
કલાકારો    :    શમ્મી કપૂર, સુરૈયા, રૂપમાલા, ઉલ્હાસ, મુબારક, સુંદર, બિબ્બી બાઈ, રેણુબાલા, શમીમ ચૌધરી અને બૅબી નાઝ

ગીતો
    ઉલ્ફત કે જામ પિલા દો, મેરે સાકી....    નિર્મલા-સાથી
    સરે મેહફીલ જો જલા પરવાના...    રફી-સુરૈયા
    તૂને મેરા યાર ના મિલાયા, મૈં ક્યા....    મુહમ્મદ રફી
    મૌજ ખામોશ હૈ..જા કે લાગે નૈના...    સુરૈયા-આશા
    બેકરાર હૈ કોઇ અય મેરે દિલદાર આ...    રફી-સુરૈયા
    અલવિદા, ઓ જાને તમન્ના અલવિદા...    સુરૈયા-સાથી
    તૂ હી ભરોસા, તૂ હી સહારા, પરવરદિગારા...    સુરૈયા
    તેરી કુદરત તેરી તબદીર...તૂને મેરા યાર...    સુરૈયા
    શામે બહાર આઇ, કર કે સિંગાર આઇ....    રફી-સુરૈયા
૧૦    વો મરને સે નહિ ડરતે....    મુહમ્મદ રફી
૧૧    ઓ પરવાને શમા કો અપની રૂસ્વા ન કરના...    સુરૈયા

શમ્મી કપૂર રાજ કપૂરનો ભાઇ ઍન્ડ, ધી ગ્રેટ પૃથ્વીરાજ કપૂરનો દીકરો હોવા છતા કપૂર-ખાનદાનના શિરસ્તા મુજબ, બધાએ પોતપોતાનું જાતે ફોડી લેવાનું. ત્રીજો શશી હતો. ત્રણે ભાઇઓએ પૂરી ફિલ્મ કરિયરમાં કોઇની તો ઠીક, એકબીજાની નકલ કરી નથી. શમ્મી તો મહેશ કૌલની ફિલ્મ 'જીવન-જ્યોતિ' ('૫૪)માં પહેલીવાર ફિલ્મોમાં આવ્યો (હીરોઇન હતી, ચાંદ ઉસ્માની) એ પછી સળંગ ૧૮-ફિલ્મો ટિકીટબારીઓ ઉપર પિટાઇ ગઇ...તુંમ સા નહિ દેખા'એ એનું ભાગ્ય, દેખાવ અને સ્ટાઇલો બદલી નાંખી, એ પછી ભારતનો મોસ્ટ વૉન્ટેડ રીબેલ-સ્ટાર બની ગયો. એની નકલો ઉઘાડેછોગ કરનારા હીરો આજે ય પડયા છે, પણ જસ્ટ... દેખાવના સામ્યને કારણે લોકોએ એને ઍલ્વિસ પ્રેસલીની ઇન્ડિયન આવૃત્તિ બનાવી દીધો.

આમ તો, શમ્મીની પહેલી ફિલ્મ 'રેલ કા ડિબ્બા'હતી. વિખ્યાત ડાન્સર-હીરોઇન હૅલન જેના આંધળા પ્રેમમાં હતી ને જેણે હૅલનથી છૂટા પડયા પછી એના ૧૦૦-થી વધુ પ્રેમપત્રો ખિસ્સામાં લઇને ફરતો ને હૅલનને બદનામ કરતો. એ પ્રાણનાથ અરોરા (પી.ઍન.અરોરા)એ શમ્મી કપૂરની પહેલી ફિલ્મ ૧૯૫૩-માં બનાવી હતી, પણ પહેલા રીલિઝ થઈ 'જીવન જ્યોતિ'આ પહેલી ફિલ્મ 'રેલ કા ડિબ્બા'માં મધુબાલા હીરોઇન હતી અને સંગીતકાર ગુલામ મુહમ્મદે કમ્માલ કરાવી હતી શમશાદ બેગમ અને મુહમ્મદ રફી પાસે, 'લા દે મોહે બાલમા આસમાની ચૂડિયાં'ગીતમાં આ બન્ને ગાયકોએ બ્રેથલૅસ ગાયું છે. અલબત્ત, રફી તો શ્વાસ તૂટે છે, પણ શમશાદ સળંગ ગાય છે.

ફિલ્મની વાર્તા મોગલ જમાનાની છે. ગુલ મિર્ઝા (શમ્મી કપૂર) શાયર છે અને અર્કત-ઊલ-દૌલા (ઉલ્હાસ)ના મહેલમાં પોતાની શાયરી-ગઝલો પેશ કરીને એમની પુત્રી સાહેબજાદી આલમનું દિલ જીતી લે છે. ગુલ એકદમ હૅન્ડસમ અને શૂરવીર પણ હતો એટલે લશ્કરમાં નોકરી મળી જાય છે. પણ કહે છે ને કે, રાજા, વાજાં અને વાંદરા... કોઇ ભરોસો નહિ, એમ બાદશાહ અર્કત ગુલ મિર્ઝાને લશ્કરમાં ભરતી કર્યા પછી એની દિલેરી માપવા ૧૦૦૦-સિપાહીઓના લશ્કર સાથે ત્રણ દિવસમાં દૂરના એક પ્રદેશનું અંતર કાપી આપવાનો પડકાર ફેંકે છે, જે એ પૂરૂં તો કરે છે, પણ એમાં એની જીંદગી જોખમમાં આવી જાય છે.

પાછા આવ્યા પછી બાદશાહ એની શેહજાદીનો હાથ ગુલને આપવા સહમત થાય છે. પણ એ કાવતરૂં છે અને ગુલ અને તેની મા નો જીવ જોખમમાં મૂકાય એવું યુદ્ધ એને બાદશાહના સિપાહીઓ સાથે કરવું પડે છે. એનો મતલબ એણે બાદશાહ સામે બંડ પોકાર્યુ કહેવાશે. આ પરિસ્થિતિમાં એને બળવાખોર જાહેર કરી સજા આપવામાં આવે, જેથી ગુલ શેહજાદીને ક્યારેય મળી ન શકે. ક્રૂર બાદશાહ ગૂલ મિર્ઝાને ઉકળતા પાણીમાં જીવતો ભૂંજી નાંખે છે અને શમા-પરવાનાનું મિલન થતું નથી.

તમે ય જોઇ-વાંચી શકો છો કે, વાર્તામાં કોઇ દમ નહતો. ફિલ્મનું નબળું પ્રોડક્શન અને રજુઆત પણ સામાન્ય કક્ષાના હોવાને કારણે એ જમાનામાં ફિલ્મ રીલિઝ થઇ એવી જ પિટાઇ ગઇ. શમ્મી કપૂર માટે એની ફિલ્મોનું પિટાઇ જવું કોઇ નવી વાત નહોતી, પણ સુરૈયા એ સમયની સ્ટાર હતી. સુંદર, શિક્ષિત અને અદ્ભૂત ગાયિકા હોવાને કારણે એ ખૂબ મશહૂર અને લોકલાડિલી હોવા છતાં આ ફિલ્મ પિટાઇ ગઈ.

ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ડી.ડી. કશ્યપ (ધરમદેવ કશ્યપે) છેલ્લી ફિલ્મ નૂતન-ધર્મેન્દ્રની 'દુલ્હન એક રાત કી'બનાવી હતી. એ પહેલાં એનો પ્રિય ઍક્ટર દેવ આનંદ હતો અને ઍક્ટ્રેસ સુરૈયા. દેવની સાથે 'દો સિતારે', 'આરામ'અને 'માયા'બનાવી. સુરૈયા ઘણી ફૅવરિટ એટલે '૪૮-માં મોતીલાલને હીરો ફિલ્મ 'આજ કી રાત'બનાવી. '૪૯માં બનેલી 'બડી બહેન' (ગીતા બાલી પણ હતી)ના ગીતોએ કશ્યપને સંગીતકારો હૂસ્નલાલ-ભગતરામની નજીક લાવી દીધા. 'કમલ કે ફૂલ'માં ખૂબ ગુણી સંગીતકાર શ્યામસુંદરના સંગીતમાં સુરૈયાના ગીતો વખણાયા. પ્રાણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'હલાકૂ'ય કશ્યપની.

હૂસ્નલાલ-ભગતરામના સુરીલા સંગીતમાં આ ફિલ્મ 'શમા-પરવાના'માં મુહમ્મદ રફી અને સુરૈયાના ગીતો ખૂબ વખણાયા. સમજ એક વાતની ન પડે કે, આ બન્ને ભાઈઓનું સંગીત તો ઉત્કૃષ્ટ કક્ષાનું હતું પણ મુહમ્મદ રફી પાસે ઘણા ગીતોમાં એમણે રડવાના ડૂસકાં શેના માટે કઢાવ્યા હશે, 'ભગત'નહિ પણ 'રામ'જાણે ! યાદ છે ને, 'એક દિલ કે ટુકડે હજાર હુએ કો યહાં ગીરા કોઇ વહાં ગીરા...'અહીં 'શમા-પરવાના'ના ગીતોમાં ય રફીને રડાવ્યા છે, 'તૂને મેરા યાર ના મિલાયા...' (મહાત્મા ગાંધી માટે લખાયેલું સુનો સુનો અય દુનિયાવાલોં બાપુ કી યે અમર કહાની...'આ બન્ને ભાઇઓએ કમ્પૉઝ કર્યું હતું.) ફિલ્મ 'પ્યાર કી જીત'પણ આ લોકોનું. કમનસીબે '૬૦-ના દશકમાં બન્ને ભાઈઓ વચ્ચે બન્યું નહિ અને હૂસ્નલાલ દિલ્હીમાં અને ભગતરામ મુંબઇમાં સૅટ થયા.

ગરીબી તો હતી જ, એટલે છેલ્લે છેલ્લે તો હૂસ્નલાલ લક્ષ્મીકાંત-પ્યારેલાલની ઑરકેસ્ટ્રામાં વૉયલિન-પ્લૅયરોના ટોળામાં બેસીને વગાડતા. સંગીતકાર ખય્યામને મેં અમદાવાદમાં પૂછ્યું હતું કે, 'ભગતરામનું ફૅમિલી નવી દિલ્હીના રેલ્વે સ્ટેશનની સીડી નીચેના ખૂણામાં પડયું રહે છે, ત્યારે એમણે ચોંકીને જવાબ આપ્યો હતો કે, 'અરે હોય...? એ બન્ને તો મારા ગુરૂઓ હતા અને ગુરૂઓને અમે આમ કાંઇ રખડવા દેતા હોઇશું ?'જો કે, ભગતરામનો પુત્ર અશોક શર્મા દિલ્હીમાં વિખ્યાત સિતારવાદક છે. (એ વાતની સમજ ન પડી કે, બન્ને ભાઈઓની અટક તો 'બાતિશ'હતી તો દીકરાની અટક 'શર્મા'કેવી રીતે હોય ? હૂસ્નલાલનો મોટો પુત્ર 'દિનેશ પ્રભાકર'ફિલ્મ્સ ડિવિઝન-મુંબઇનો ભૂતપૂર્વ ડાયરેક્ટર હતો. એ ગાયક-સંગીતકાર પણ છે.'

મૂળ તો કાબિલ સંગીતકાર પંડિત અમરનાથના આ બન્ને નાના ભાઈઓની અટક બાતિશ હતી, એ વાંચીને ગાયક શિવદયાલ બાતિશ યાદ આવે તો તમે ખોટા નથી. શિવદયાલ આ ભાઇઓની નજીકના સગા હતા. ૧૯૪૪-માં એમની પહેલી ફિલ્મ 'ચાંદ'માં મંજૂએ ગાયેલું, 'દો દિલોં કો યે દુનિયા, મિલને હી નહિ દેતી'આમ તો ઉમાદેવી (ટુનટુને) ગાયું હોય એવો ભ્રમ થાય, પણ વૉયલિનના આ માસ્ટર હુસ્નલાલ અને હાર્મોનિયમના ખાં-સાહેબ ભગતરામને બીજા બે-ત્રણ કારણોસર બહુ અદબથી યાદ કરવા પડે.

૧૯૫૩-માં આવેલી ફિલ્મ 'ફર્માઇશ'માં લતા મંગેશકરની બહેન મીના મંગેશકર (ખડીકર...કે ખાડિલકર...!)ને એની કરિયરમાં મુહમ્મદ રફી સાથે બે ગીતો ગવડાવ્યા છે, 'આપને છીન લિયા દિલ ઇસે ક્યા કહેતે હૈં, અજી સાહબ, દિલવાલે ઇસે અદા કહેતે હૈં...'પણ ભાગ્યે કોઇએ સાંભળેલું. આ બન્નેનું 'ખુશિયોં કે જમાને આયે, દિલ પ્યાર કે ગાને ગાયે...'વધુ મીઠડું છે. એમાં મીના મંગેશકરે મુરકીઓ લઇને ઘણું શાસ્ત્રોક્ત ઢબે ગાયું છે. (આ બન્ને ગીતો હીરો ભારત ભૂષણ અને હીરોઇન વિજયાલક્ષ્મી ઉપર ફિલ્માયા છે.)

પણ કિશોર કુમારના ડાય-હાર્ડ ચાહકો પાસે પણ જવલ્લે જ હોય, એવું ફિલ્મ 'કાફિલા' ('૫૨)નું 'વો મેરી તરફ યૂં ચલે આ રહે હૈં...'સંગીતના જાણકારો ય કહેશે કે, કિશોરનું આ ગીત પૂર્ણપણે શાસ્ત્રોક્ત છે અને ગાવામાં ઘણું અઘરું પડે એવું છે. આ જ ફિલ્મનું લતા મંગેશકર સાથેનું 'લહેરોં સે પૂછ લો યા કિનારે સે પૂછ લો'તો હજી ય જાણીતું છે.

આજની ફિલ્મ 'શમા-પરવાના'માં, હવે ખલાસ થવા આવેલા હીરો ગોવિંદાની મમ્મી નિર્મલા અરૂણે પણ ગાયું હતું. 'ઉલ્ફત કે જામ પિલા દો, મેરે સાકી...'ઇવન, આશા ભોંસલે હજી ખાસ જાણિતી નહોતી થઇ. આ ફિલ્મમાં સુરૈયા સાથે એણે 'જા કે લાગે નૈના...'આપણું ધ્યાન ન પડે એવું ગાયું છે. હૂસ્નલાલ-ભગતરામ માટે પણ મુહમ્મદ રફી લાડકા ગાયક હતા. લતા મંગેશકર સાથે એમનું 'સુન મેરે સાજના...'આવતી કાલ સુધી અમરત્વ પામેલું છે.

શમ્મી કપૂર માટે આ ફિલ્મે કોઇ ઉપાડ નહોતો કર્યો. પતલી મૂછો તો એને ફિલ્મની શહેનશાહી વાર્તાને કારણે એ રાખવી પડી હતી, છતાં એક પછી એક નિષ્ફળ જતી ફિલ્મોને કારણે એને બહુ તાના સાંભળવા પડતા કે, રાજ કપૂર સાથે મળતા આવતા ચહેરાનો લાભ લે છે. યસ, શરૂઆતની લગભગ બધી ફિલ્મોમાં એણે મૂછો રાખી હતી, પણ 'તુમ સા નહિ દેખા'પછી કઢાવી, એ કઢાવી અને ભારતનો સર્વોત્તમ રીબેલ-સ્ટાર થઇ ગયો.

સુરૈયાનું નામ આપણે તો ફક્ત દેવ આનંદ સાથે જ સાંભળ્યું છે. વાસ્તવમાં બહેનજીએ પણ મૂડીરોકાણમાં બહુ બાકી રાખ્યું નહોતું. દેવ આનંદ સાથે સંબંધ તૂટયા પછી એ તરત ફિલ્મોમાં સાઉન્ડ-રૅકૉર્ડિસ્ટનું કામ કરતા બંગાળી હૅન્ડસમ યુવાન ઇશાન ઘોષ સાથે ખુલ્લેઆમ ફાઈવ-સ્ટાર હોટેલોની રેસ્ટરાંમાં અવારનવાર જોવા મળતી હતી. ધેટ્સ ફાઈન...ફિલ્મોમાં તો કોણ કોરૂં રહેતું હતું ? પણ એ જમાનાની મોટા ભાગની ફિલ્મી હસ્તિઓની સરખામણીમાં સુરૈયા ઘણી સંસ્કારી અને શિક્ષિત લાગતી હતી. કન્વૅન્ટમાં ભણેલીહોવાને કારણે ઇંગ્લિશ અસ્ખલિત બોલતી. એના જેટલા ઘરેણાં ભાગ્યે જ કોઈ હીરોઇને પહેર્યા હશે.

મુંબઇના મરિન લાઇન્સ પર 'કૃષ્ણ મહલ'ના એના ઘરમાં તમે મળવા જવું હોય ને એ હા પાડે તો કલાક તો એના ડ્રૉઇંગ-રૂમમાં એની રાહ જોતા બેસી રહેવું પડે... કારણ, 'બહેનજી લથબથ ઘરેણાં પહેર્યા વગર ક્યારેય મેહમાનોની સામે ન આવે. એને તમે પત્ર લખો તો ઇંગ્લિશમાં અને તે પણ કૅપિટલ અક્ષરોમાં લખવો પડે. આ બિલ્ડિંગમાં એના ગુજરાતી પડોસીઓને એ પોતાના સગા કરતા ય વધુ પસંદ કરતી.

એ તો કેવળ ગાયિકા જ નહિ, હીરોઇન પણ હતી અને કેવું મધુરૂં આશ્ચર્ય કે, એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો જવા મુંબઇના ટ્રાફિકમાં એને મુશ્કેલી પડતી હોવાથી હીરોઇન તરીકે ફિલ્મો લેવાનું એણે ઑલમોસ્ટ બંધ કર્યું હતું. સ્વાભાવિક છે, મંગેશકર-સિસ્ટર્સ તરફથી એને ભાગ્યે જ કોઇ આવકાર મળ્યો છે, એ જ રીતે, નૂરજાહાં પણ સુરૈયાનું રૂપ અને કંઠ બર્દાશ્ત કરી શકતી નહોતી, એના દાખલાઓ છે.'ફિલ્મ 'શમા પરવાનાન જોવાય તો જીવ બાળવા જેવો નથી.

એનકાઉન્ટર : 29-07-2018

$
0
0

* હરએક વ્યક્તિ પૈસાના માપતોલથી કેમ જીવે છે?
-
એને જીવવું હોય છે, માટે.
(
હરિભાઈ બકરાણીયા, અમદાવાદ)

* બ્રહ્માંડની સફરે તમારે મોદીજીની સાથે જવાનું હોય તો?
-
મોદી તો જઈને પાછા ય આવતા હોય છે... મારૂં ય એવું નક્કી થાય તો વાંધો નથી.
(
કાજલ એચ. ત્રિવેદી, રાજકોટ)

* 'ચિત્રલોક'માં સવાલ પૂછવાનું સરનામું શું?
-
ડાબેથી સીધા જઇને થાંભલો આવે ત્યાં વળી જાઓ.
(
મંગલસિંહ દરબાર, વડોદરા)

* સરકારી બંગલો ખાલી કરતા પહેલા અખિલેશ યાદવે મોટી તોડફોડ કરી...
-
એના બાપનું રાજ હતું.
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* 'એનકાઉન્ટર'માં ત્વરિત જવાબ મેળવવા શું કરવું જોઈએ?
-
ત્વરિત રાહ જોવી જોઈએ.
(
ગૌરી વી. કાચા, અમદાવાદ)

* ખાડે ગયેલી 'એર ઈન્ડિયા'ને બચાવવા કોઈ ઉપાય?
-
તમે સવાલ પૂછવાને બદલે બે મોટા નિબંધો લખ્યા છે... પૂરા વંચાઈ જશે, પછી જવાબ આપી શકીશ.
(
અરવિંદ શાહ, અમદાવાદ)

* 'લવ મૅરેજ'કેટલે અંશે સફળ થાય?
-
મેં તો એક જ વાર કર્યા છે, એટલે મને ઝાઝી ખબર ન પડે. કોઈ મોટા અનુભવીને પૂછો.
(
પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* ભણતર અને ઘડતર વચ્ચે શું તફાવત?
-
હજી બીજા ઘણા 'તર'બાકી રહી ગયા. લખો, ચણતર, પડતર, લખતર, માસ્તર... હવે તફાવત સમજાયો?
(
દિલીપ આર. વોરા, અમદાવાદ)

* 'બીટકૉઈન'માં કાંઈ સમજણ પડતી નથી...
-
ધોલેરામાં ઘણા બચી ગયા કહેવાય!
(
રાજેન્દ્રસિંહ વી. ચુડાસમા, ધોલેરા)

* તમે સ્કૂલ-કૉલેજે જતા કે સિનેમા જોયે રાખતા? તમારૂં ફિલ્મોનું જ્ઞાાન જોઈને પૂછ્યું છે.
-
એવું કાંઈ ન હોતું. સિનેમામાંથી ટાઈમ મળે ત્યારે સ્કૂલે ય જતો!
(
કિરીટ જે. શાહ, રાણાવાવ)

* તમને ગોરપદું આવડે છે?
-
બોલો, કોને 'પઈણાવવાના'છે?
(
મણીલાલ રૂઘાણી, રાણાવાવ)

* ન્યાયી શું? લૅડીઝ ફર્સ્ટ કે સૅફ્ટી ફર્સ્ટ?
-
લેડીઝ સાથે હોય પછી 'આપણી'સેફ્ટીની ચિંતા જ નહિ કરવાની!
(
કિશોર રાજપરા, રાણાવાવ)

* ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં કયા પક્ષનું બાળમરણ થશે?
-
જે પક્ષમાં બાળકોનું ચલણ હોય..!
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* આપણી યુવાપેઢી સ્વચ્છતા અને સમયપાલન ક્યારે શીખશે?
-
યૂ મીન... હવે તમે યુવાન નથી?
(
જયેશ અંતાણી, ભાવનગર)

* અરીસાની શોદ કોણે અને ક્યારે કરી?
-
દરિયો કે નદી કામમાં ન આવ્યા... તળાવે અરીસો બતાવ્યો.
(
ડી.જી. વ્યાસ, જૂનાગઢ)

* 'હું ખાતો નથી અને ખાવા દેતો નથી', એવું કહેતા મોદીસાહેબ ખાનારાઓને કહેતા ય નથી... સાચું?
-
આપણા બેમાંથી કોઈને કીધું?
(
પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

* સરકારી કર્મચારી લાંચ લીધા વિના કામ કરી આપે, એવા દિવસો ક્યારે આવશે?
-
હું સરકારી કર્મચારી નથી... જે આપવું હોય તે સમજીને આપી દો..!
(
સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

* નૌટંકી કેજરીવાલને સરહદ પર મોકલી ન અપાય?
-
સરહદ શું કામ ગંદી કરવી છે?
(
મણીબેન પટેલ, ઊંટડી)

* વડાપ્રધાનના નિવાસસ્થાને પંચકર્મ બગીચો બનાવાયો છે... આપના બંગલામાં આવી કોઈ સુવિધા ખરી?
- '
અચ્છે દિન આયેંગે'.
(
લખમણ પંપાણીયા, લોઢવા-ગીર)

* રૂ. ૧૫-લાખનું સપનું...?
-
પગલે! સપને ભી કભી સચ હોતે હૈં ક્યા?
(
મહેશ માંકડ, અમદાવાદ)

* હમણાં ડિમ્પલ કાપડીયાનો જન્મદિન ગયો... કોઈ ઉજવણી કરી હતી કે નહિ?
-
એ જરા મોંઘી પડે... અમારો જન્મદિન ચાર વર્ષે આવે... આપણે વધારાની ત્રણ કરવી પડે!
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* ભારતમાં દુબાઇ જેવા કડક કાયદાઓ કેમ નથી?
-
દુબાઇવાળા આપણું પૂછે છે, ''દુબાઇમાં ભારત જેવા સીધાસાદા કાયદા કેમ નથી?'
ડૉ. રાજેન્દ્ર કે. હાથી, વડોદરા)

* સાચો ભારતીય કોને કહેવાય?
-
અત્યારે તો આપણા બે ના નામો સંભળાય છે!
(
રસિકલાલ એસ. વ્યાસ, ભાવનગર)

* ફિલ્મસંગીતના કાર્યક્રમોમાં વચ્ચે હવે મિમિક્રી-આર્ટિસ્ટ્સ કેમ નથી આવતા?
-
શ્રોતાઓને હસાવવાનું કામ ઘણી વાર ગાયકોના કંઠ કરી લેતા હોય છે.
(
મીના નાણાવટી, રાજકોટ)

* કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યથી બન્ને પક્ષોને કેટલું નુકસાન કે ફાયદો?
-
પક્ષોને ફાયદો થાય કે ન થાય... એમને થયો છે... ડૂબતી નૈયા કિનારે..!
(
હસમુખરાય રાજાણી, રાજકોટ)

લાગી છૂટે ના

$
0
0

એરપોર્ટ જતા દાબી દાબીને બેગમાં કપડાં ભરવાના હોય, એમ એ બન્ને હાથે પોતાનું પેટ દબાવતો હતો... એક વાર નહિ, અનેકવાર! સૉલ્લિડ-લૅવલની ચૂંકો ઉપડી હતી. વાત સહનશક્તિની સરહદો પાર કરી ચૂકી હતી. કોઈ પણ ક્ષણે મહા-બ્લાસ્ટ થઈ શકે એવી પરિસ્થિતિ કાબુ બહાર હતી.

વડોદરાના એક્સપ્રેસ હાઈ-વે પર ૧૨૦-ઉપર દોડતી એની 'આઉડી'ની સ્પીડ નીચે ય લવાય એમ નહોતી... જરાક મોડું થાય તો જરાક માટે નિશાન ચૂકી જવાય! દર વખતની જેમ એક્સપ્રેસ-હાઈવે પર ઝીણા ઝીણા ફોરાં પડે રાખે, એના લીધે સડક લિસ્સી થઈ ગઈ હતી ને અચાનક બ્રેક મારવાની આવે તો ગાડી લાંબે સુધી સ્લિપ થઈ જાય, એટલે બહુ સ્પીડે ય ન વધારાય! પેટની ચૂંકો વધતી જતી હતી.

હાલનું લક્ષ્ય તો કોક હોટલ આવે તો કમ્પાઉન્ડમાં ઝટઝટ ગાડી પાર્ક કરીને વહેલી તકે પ્રાણપ્રતિષ્ઠા કરવા પહોંચી જવાનું હતું. 

(અહીં 'પ્રાણ'ને બદલે 'પેટ'શબ્દ વાંચવો... સૂચના પૂરી... 'પેટ'ની ઘટના સ્થળે પહોંચીને પ્રતિષ્ઠાનો સવાલ હતો.) ઉતાવળ એટલી હતી કે, ગાડીનો દરવાજો ખોલવાનો ય ટાઇમ ન રહે ને સીધું બારીમાંથી કૂદકો મારવો પડે.

કમનસીબે, ઍક્સપ્રેસ-હાઈ વે વચમાંથી કપાતો નથી, એટલે એકાદી હોટલ માંડ આવે અને એ ય તમે ચૂકી ગયા, તો પછી ઠેઠ વડોદરા જઈને  વાત!

ગાડીમાં સાથે માહી તો હતી, પણ માહી આમાં શું હૅલ્પ કરી શકે? હસ્તમેળાપ સમયે વચનો ચોક્કસ અપાય છે કે, 'એકબીજાના સુખદુ:ખમાં ભાગીદાર થઈશું', પણ આ દુ:ખમાં એને કયા રસ્તે ભાગીદાર બનાવવી? ગાડી પોતે ચલાવતો હતો એટલે માહીને એમ પણ ન કહેવાય કે, 'આ બાજુનું પેટ તું દબાયે જા..! મારે સ્ટીયરીંગ સાચવવાનું છે...'આમાં તો પૂર્ણ કક્ષાએ સ્વાવલંબન જ જોઈએ.

લચ્છુથી રહેવાતું નહોતું. કોઈ પણ ક્ષણે ગોળીબાર થઈ જાય, એ ઘડી નજીક હતી. માહી ટૅન્શનમાં હતી. લચ્છુનું મોંઢું વાંકુચૂકુ અને વધારે દયામણું બને જતું હતું. માનવજીવનમાં આ એક જ તબક્કો આવે છે, જે વખતની 'સૅલ્ફી'ન લેવાય. સુઉં કિયો છો?

ગોરધનોના ટૅન્શનો વખતે ભારતભરની વાઇફો ગોરધનના બરડા ઉપર હાથ ફેરવે રાખે છે, પણ આ કૅસમાં બરડાનું કોઈ કામ નહોતું. લચ્છુના પેટ પર ગોળગોળ હાથ ફેરવાય એમ નહોતું. એમ કરવા જવામાં સાલું રીઝલ્ટ વહેલું આવી જાય તો..! પણ હવે લચ્છુથી રહેવાતું નહોતું.

એ વાંકો વળી વળીને ઓયવૉય કરે જતો હતો. આ પાછો ઍક્સપ્રેસ-હાઈ વે, એટલે એમાં તો વચ્ચે ક્યાંક ઊભી રાખીને ય અભિષેકો કરાય એવા નહોતા. લચ્છુ ઑલમોસ્ટ રોવા જેવો થઈ ગયો હતો, ''માહી... માહી... કાંઈ કર, ડાર્લિંગ... હવે નહિ રહેવાય... નહિ રહેવાય... ઓય રે...!''

ઝરમર વરસાદને કારણે સ્ટીયરિંગ ઉપર કાબુ રાખવો નિહાયત જરૂરી હતો. એમાં એક-બે વખત કાબુ ન રહ્યો અને ગાડી લિસોટા સાથે સ્લિપ થઈ. કાચી સેકન્ડમાં તો થથરી જવાય. બન્નેના જીવો અધ્ધર થઈ ગયા... થૅન્ક ગૉડ, લચ્છુનું પેટ અધ્ધર ન થયું. આવું બચી જવાય ત્યારે અમથો ય કન્ટ્રોલ ન રહે... પણ ઈશ્વર સહુનો છે. ગાડીની બહાર કે અંદર કોઈ હોનારત ન થઈ..!

આ લોકો સિંધી હતા, છતાં ય ગાડીમાં સાથે મન્ચિંગ માટે પાપડ નહોતા રાખ્યા. આમાં તો પાપડોથી દૂર રહેવું સારૂં. ખોટું નહિ બોલું, પણ માહીને તો ભૂખ લાગી હતી. ગુજરાતીઓ-પછી એ સિંધી હોય કે ક્રિશ્ચિયન... હાઈ વે પર નીકળ્યા એટલે મોંઢું ચાલુ રહેવું જોઈએ. માહીને ય મોંઢું ચાલુ રહેવું જોઈએ, પણ અત્યારે કાંઇ બોલાય..? આમ કાંઈ ભૂખો-ખોકો ન લાગી હોય, પણ કહ્યું ને, ગુજરાતણોનું મોંઢું ચાલુ રહેવું જોઈએ! ચાવતી ન હોય ત્યારે બોલતી હોય! આ તો એક વાત થાય છે.

''લચ્છુ... લચ્છુ ડાર્લિંગ... સૉરી, પણ થોરી... આઇ મીન, થોરી ભૂખ લાગી છે, તો જરા કોઈ હૉટ્ટલ આવે તો...''હું અહીં લખી પણ નહિ શકું, એટલી ઝડપથી લચ્છુ ગાડી ચલાવતા સ્ટીયરિંગ કઠણ પકડીને સીટ પર જ કૂદ્યો ને માથું ઉપર ભટકાયું. ચીસ તો પાડી અને ગાળ પણ બોલ્યો.

કોઈ મહાપ્રતાપી મહારાજા એની ભૂલાયેલી મહારાણીનું બાળક સ્વીકારવાનો ઇન્કાર કરી દે, એમ લચ્છુએ કોપાયમાન થઈને નાસ્તાનો ઇન્કાર કરી દીધો, પ્રચંડ ગુસ્સા સાથે, ''અહીં હું પેટ દબાવી દબાવીને લાંબો થઈ ગયો છું ને તને અત્યાડે ભુખ્ખો લાગી છે...? શડમ નથી આવતી?''

માહી રોજ તો સામો ગુસ્સો ફટકારતી પણ અત્યારે બેમાંથી એકે ય બહુ લાંબુ ખેંચી શકે એમ નહોતા. દુ:ખતા મોંઢે પેટ દબાવવાના પ્રોગ્રામો ચાલુ હતા એટલે પ્રાયોરિટીના ધોરણે નાસ્તાની વાત ઊડી ગઈ. ગાડી સ્પીડ પકડી રહી હતી. પકડયા વગર છુટકો ય નહતો. લચ્છુ સાથે કુદરત વધુ પડતો અન્યાય કરી રહી હતી. એનાથી રહેવાતું નહોતું, બોલાતું નહોતું અને મંઝિલ જેમ જેમ નજીક આવતી જતી હતી, એમ એની ત્રાડો વધતી જતી હતી.

''બસ લચ્છુ... હવે થોરૂં ક જ છે... બહુ થોરૂં જ છે...''

''હું ય એ જ કહું છું, માહીઇઇઇઇઇ... બહુ થોરૂં જ છે... હવે નહિ રહેવાય...! ઓહ... કોઈ બચાવો...''

વડોદરાનો નકશાગત પ્રોબ્લેમ એ છે કે, મોડું થતું હોય ત્યારે એ જલ્દી નથી આવતું. નહિ તો, ૧૦૦-કી.મી.ના ડિસ્ટન્સ માટે સવા કલાકમાં પહોંચવું કાંઈ નાની માના ખેલ નથી.

આટલી સ્પીડની કમાલ 'આઉડી'ની નહોતી, પાપી પેટની હતી. જેવો ઍક્સપ્રેસ-હાઈ વે પૂરો થયો ને પહેલી હોટલ દેખાઈ, એ હૉટલ લૂંટવા આવ્યા હોય, એટલી ઝડપથી બન્ને અંદર પહોંચ્યા. વૅઇટરે કોઈ જાતના સ્માઈલ વગર 'સાહેબ'ને મૅન્યુ હાથમાં પકડાવ્યું. ક્રોધથી લચ્છુએ એને ટેબલ પર પછાડયું ને, એ બદનસીબ ક્રોધ છતાં કેવળ ઈશારાથી પેલાને ખભેથી ખસેડીને પૂછી બેઠો, ''...કઈ બાજુ?''

વૅઇટર આકાશમાં ચંદ્રનુંસરનામું બતાવતો હોય એમ ફક્ત હાથ લંબાવીને દિશા બતાવી. લચ્છુ કૉલેજમાં હતો ત્યારે પાણી-પુરીવાળાને પૈસા આપ્યા વિના ભાગ્યો હતો ને ભૈયો કડછો લઈને એની પાછળ દોડયો હતો, એ પછી આવું ભાગવાનું આટલા વર્ષે પહેલી વાર આવ્યું. માહી કાંઈ બોલ્યા વિના એને જોતી રહી ને ખુરશી પર બેસવા જાય ત્યાં જ લચ્છુની તોતિંગ બૂમ સંભળાઈ... ''સાઆઆઆ...પ. સાપ... ટૉઈલેટમાં સાપ છે...!''લચ્છુ બન્ને હાથે પેન્ટ પકડીને ઘટનાસ્થળે જ ઊભો ઊભો કૂદે રાખતો હતો. ટૉઈલેટની વચ્ચોવચ કાળો ડીબાંગ કોબ્રા બેઠો હતો.

એ ક્ષણે કે એ પછીની ક્ષણે શું થયું, એ કશું કહેવાની જરૂરત નથી... કંઈ થયું હતું કે નહિ, એ પણ વાચકોની ધારણાઓ ઉપર છોડીએ છીએ.

સિક્સર
- અમદાવાદના કમિશ્નરે પાર્કિંગની ધડબડાટી બોલાવી દીધી.
-
હા. કેટલા કલાકો આ ધડબડાટી ચાલુ રહે છે, એ જોવાનું.
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>