Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

કાબુલીવાલા

$
0
0
- અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે... ટાગોરની ભાવવાહી કૃતિ

ગીતો :
૧. ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે... - હેંમતકુમાર
૨. અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન... - મન્ના ડે
૩. ઓ સબા કહેના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ... - મુહમ્મદ રફી
૪. નન્હે મુન્ને ક્યું કુમ્હલાયા તેરા મુખડા પ્યારા... - હેમંતકુમાર,ઉષામંગેશકર, સવિતા બેનર્જી, રાનુ મુકર્જી

 
 
 
ફિલ્મ - કાબુલીવાલા ('૬૧)
નિર્માતા - બિમલ રૉય
દિગ્દર્શક - હેમેન ગુપ્તા
સંગીત - સલિલ ચૌધરી
ગીતો - પ્રેમ ધવન-ગુલઝાર
રનિંગ ટાઈમ - ૧૫ રીલ્સ : ૧૩૪-મિનીટ્સ
થીયેટર - નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો - બલરાજ સાહની, સોનુ, ઉષા કિરણ, અસિત સેન, તરૂણ બોઝ, બેબી ફરીદા, પોલ મહેન્દ્ર અને સજ્જન.
 
હજી હમણાં જ... આઈ મીન, બસ દસ-પંદર દિવસ પહેલા છાપાઓમાં તમે વાંચ્યું હશે કે, કાબુલમાં એક ભારતીય લેખિકા સુષ્મિતા બેનર્જીની તાલીબાનોએ હત્યા કરી નાંખી છે. એ પોતે નસીબ અને સિફતના જોર પર તાલીબાનોના હાથમાંથી છુટી અને જીવતી રહી, એટલે 'કાબુલીવાલાની બંગાળી પત્ની' નામની નવલકથા લખી, જેના પરથી હિંદી ફિલ્મ પણ બની હતી. આ પુસ્તકના પુરસ્કાર રૂપે તાલીબાનોએ એના ઘરમાં ઘુસીને, એના પતિને બાંધી, સુષ્મિતાને ઘરની બહાર કાઢીને ઠાર મારી હતી. તાલીબાનો વિશે કંઈ પણ ઘસાતું લખવાનો આ અંજામ હતો. કવિવર ટાગોરને તો સ્વર્ગમાં ય કલ્પના નહિ હોય, એમની અમરકૃતિ આવો કોઈ રંગ લાવશે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર મૂળ તો કવિ જીવ, પણ એક મહર્ષિ જેવા દાઢી-મૂછ અને આખું શરીર ઢાંકે એવા વિશાળ પહેરવેશની અંદર એક વાર્તાકાર પણ છુપાયેલો હતો. ગુરુદેવે ટૂંકી વાર્તાઓ અનેક લખી છે, એમાંની એક આ, 'કાબુલીવાલા' યાદ હોય તો મારી ઉંમરના નવજવાનોને સ્કૂલમાં ભણવામાં પણ આવતી હતી. લાગણીઓનો આખો દરીયો ખુંદી વળે અને મહીંથી અર્ક સમું સુંદર સાહિત્ય નિપજે, એ સિદ્ધિ આ વાર્તાની. પછી તો પૂછવાનું શું રહે કે, પોતાના બંગાળની ભૂમિને અનહદ પ્રેમ કરતા ફિલ્મસર્જક બિમલ રોયે આ ફિલ્મ બનાવી હોય અને એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રાયવેટ સેક્રેટરી રહી ચૂકેલા હેમેન ગુપ્તાએ આ ફિલ્મ નિર્દેષિત કરી હોય. અને છતાં ય, આ બધાથી ય સર્વોપરી સાબિત થાય એવું અફઘાની સ્પર્ષ ધરાવતું દિલડોલ સંગીત આપણા સલિલ ચૌધરીનું હોય! ફિલ્મ '૬૧ની સાલમાં આવી અને જતી ય રહી, કોઈએ નોંધ પણ ન લીધી, છતાં ય આજ સુધી એના ગીતો પાઠયપુસ્તકની કવિતાઓની જેમ લોકહૃદયે કંઠસ્થ છે અને જૂની ફિલ્મોને લગતો ભાગ્યે જ કોઈ સ્ટેજ પ્રોગ્રામ હશે જેમાં 'અય મેરે પ્યારે વતન' કે 'ગંગા આયે કહાં સે...' ન ગવાતું હોય!

હજી ઉમળકો પૂરો થાય એવો નથી. અફઘાની પઠાણના રોલમાં ધી ગ્રેટ બલરાજ સાહની જેવો અદાકાર હોય, તો ફિલ્મ કેવી પ્રેક્ષણીય બની હોવી જોઈએ...?

... નહોતી બની! ટાગોરની અમરકૃતિને શોભાવે, એ સ્તરનું ફિલ્મનું દિગ્દર્શન નહોતું. એવું પ્રોડક્શને ય નહોતું ફિલ્મ બિમલ રોયની હોવા છતાં દિગ્દર્શક હેમેન ગુપ્તાએ બધો દાટ વાળ્યો હતો. આ તો સારું છે કે, મેઈન લીડમાં બલરાજ સાહની હતા એટલે એક્ટિંગ આપોઆપ નીકળી આવે, પણ બાકીનાઓ પાસેથી એક્ટીંગ તો દૂરની વાત છે, કોઇને કેમેરામાં ય રહેવા દીધા નથી. એક સંવાદ સાંભળતી વખતે બીજું પાત્ર કેવી રીતે રીએક્ટ કરે, એ તો કોઈ દ્રષ્યમાં નથી લેવાયું. આઘાતની વાત તો ખરી જ ને કે, બીજા પાત્રનો ચેહરો પણ દેખાય નહિ. કેમેરામાં ક્લોઝ-અપનું શું મૂલ્ય છે, એ તો રાજ કપૂર કે ગુરુદત્ત જેવા નિર્દશકો જાણે... વગર બોલાયે અનેક સંવાદો એક ક્લોઝ-અપ શોટ બોલી આપે! ફિલ્મ ચાલી જ નથી, એનો સરવાળો એ વાતથી થઈ જાય છે કે, ટાગોરની મૂળ કૃતિને ય ન્યાય થયો નથી. સલિલ દા નું બેનમૂન સંગીત ન હોત, તો કોઈને સ્મરણમાં પણ ન રહેત કે, 'કાબુલીવાલા' નામની કોઈ ફિલ્મ પણ બની હતી.

વિધવા માં (અનવરીબાઈ) અને માં વિનાની દીકરી સાથે અબ્દુલ રહેમાન (બલરાજ સાહની) નામનો ગરીબ પઠાણ કાબુલમાં છુટક સૂકો-મેવો વેચીને માંડ પેટીયું રળે છે. ૪-૫ વર્ષની નાની દીકરી અમીના (બેબી ફરીદા)ની માંદગીના ખર્ચામાં દેવું વધી જતા, પૈસા કમાવા એ હિંદુસ્તાન આવે છે, કલકત્તા. એ જ સૂકો મેવો અને અફઘાની બનાવટની શોલ વગેરે વેચવાનો ધંધો કરે છે. પોતે કલકત્તાના એક સામાન્ય બોર્ડિંગ હાઉસમાં રહે છે, જ્યાં એના દેશના અન્ય પઠાણો રહેતા હોય છે. દરમ્યાનમાં એની પુત્રીની સતત યાદ અપાવે, એવી એક નાની ઢીંગલી મીની (સોનુ) સાથે અકસ્માત ભેટો થઈ જાય છે. મીનીની માં (ઉષા કિરણ) અને નોકર (અસીત સેન) ડરતા રહે છે કે, પઠાણો તો નાની છોકરીઓને ઉઠાવી જાય, પણ એટલું સંકુચિત માનસ મીનીના પિતા (સજ્જન)નું ન હોવાથી, પત્નીથી ડરીને પણ એ કાબુલીવાલા સાથે મીનીને ઘરના કમ્પાઉન્ડમાં હળવા-મળવાની છુટ આપે છે. દરમ્યાનમાં છુટક શોલ વેચવા જતા એક ગ્રાહક ઉધારે માલ લીધા પછી વખત આવે ફરી જાય છે અને અબ્દુલને ગાળો આપતા અબ્દુલ એને છરો મારી દે છે ને દસ વર્ષની જેલ થાય છે. એ પાછો આવીને એક જ ધગશ રાખે છે, એની લાડકી દીકરી અમિનાની યાદ અપાવતી મીનીને મળવાની, પણ એના ઘેર જતા ખબર પડે છે કે, મીની હવે મોટી થઈ ગઈ છે ને અત્યારે એના લગ્ન છે. કમનસીબે મીની એને ઓળખતી નથી, પણ એના પિતા સદભાવથી અબ્દુલને કાબુલ પાછા જવાના પૈસા પરાણે આપે છે. મીની પણ કોઈ અગમ્ય નિર્દેષથી ભલે ઓળખી ગઈ ન હોવા છતાં, કાબુલીવાલાની દીકરી માટે પોતાની સોનાની બંગડીઓ ભેટમાં આપે છે. અબ્દુલ એના વતન પાછો જતો રહે છે.

ફિલ્મનો આવો અંત લાવવા વાર્તાલેખક ટાગોર થોડા ક્રૂર થયા છે. જેલમાંથી પાછા આવેલા કાબુલીવાલાને મીની ઓળખી જઈને થોડી નાઈસ અને ડીસન્ટ થઈ હોત, તો વાર્તાના અંતને નુકસાન થયું ન હોત. વાચકો કે પ્રેક્ષકો ખુશ થાત. દિગ્દર્શક પણ બહુ મોટી જગ્યા ચૂક્યા છે. આટલા વર્ષે પાછા આવેલા કાબુલીવાલાને જોઈએ જે સ્વાભાવિક ઉમળકો આવવો જોઈએ એ તો ઠીક, નથી આવ્યો, પણ કોઈ વાતાવરણે ય ઊભું થઈ શક્યું નથી.

વાતાવરણ તો એકદમ સોફટ ચેહરો ધરાવતા ધી ગ્રેટ બલરાજ સાહની ઊભું કરે છે, એમની સાહજીક એક્ટિંગથી. ખાસ કરીને બલરાજના પશ્તુ ભાષાના ઉચ્ચારોમાંથી કોઈ સાચો અફઘાની પણ ભૂલ કાઢી શકે એમ નથી. નોર્મલી, ગુજરાતમાં તમે મુશાયરામાં જતા હો, ત્યાં આપણા ગુજરાતી ભાષી શાયરો જ્યારે ઉર્દુમાં શે'ર કહેવા જાય છે, ત્યાં ફિલમ ઉતરી જાય છે. ઉર્દુ બોલવાનો ય એક લહેજો છે, તેહઝીબ છે, એ બલરાજને શીખવવો પડયો નથી. પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા બલરાજનું મૂળ નામ યુધિષ્ઠિર સાહની હતું કે હિંદીમાં બેચલર અને ઈંગ્લિશમાં બે વખત માસ્ટર્સ ડીગ્રી મેળવનાર બલરાજે ટાગોરના શાંતિનિકેતનમાં પત્ની દમયંતિ સાથે અને એ પહેલા મહાત્મા ગાંધી સાથે પણ અંગત ધોરણે કામ કર્યું છે. બાપુના જ કહેવાથી બલરાજ બીબીસીમાં એનાઉન્સર તરીકે ગયા હતા, એ બધી વાતો અગાઉ જ બલરાજ સાહનીની કોઈ ફિલ્મના રીવ્યૂમાં આપણે વાંચી ચૂક્યા છીએ. અલબત્ત, લોકો તો એને ફિલ્મ 'વક્ત'માં 'અય મેરી જોહરાજબીં...' ગાનાર લાલાજી તરીકે જ વધુ ઓળખવાના. મૂળ કમ્યૂનિસ્ટ પાર્ટીનો આ માણસ છેવટે ઈંન્દિરા કોંગ્રેસમાં જોડાયો અને મને યાદ છે, અમદાવાદના ગાંધી રોડની ખત્રી પોળમાં હું રહેતો ત્યારે પોળના નાકેથી નીકળેલા કોંગી સરઘસમાં એમને ટ્રક પર ઊભેલા જોયા, ત્યારે રાજી થઈ જવાયું હતું કે, 'કેવા લાલ બુંદ છે!'

ઉષા કિરણ સદનસીબ અભિનેત્રી હતી, જેણે દેવ આનંદ, દિલીપ કુમાર, રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. ડો. મનોહર ખેરની આ પત્ની લતા મંગેશકર કરતા ફક્ત પાંચ જ મહિના મોટી હતી. એના પુત્ર અદ્વૈત ખેરના ઘેર ૭૦ વર્ષની ઉંમરે નાશિકમાં એ ૯ માર્ચ, ૨૦૦૦ના રોજ ગૂજરી ગઈ. અદ્વૈત મોડેલિંગ કરી ચૂક્યો છે. એની વાઈફ મીસ ઈન્ડિયા (૮૨)માં ભાગ લઈ ચૂકી છે. ઉષાની એક દીકરી તન્વી આઝમી શબાના આઝમીના ભાઈ બાબા આઝમી સાથે પરણી, જ્યારે બીજી સંસ્કૃતિ ખેર અને સંયમી ખેર વિશે માહિતી નથી, પણ એટલી માહિતી ચોક્કસ છે કે, ખેર હોવા છતાં આખું ફેમિલી અનુપમ ખેરનું કોઈ સગું નથી. આ ફેમિલી મહારાષ્ટ્રીયન છે, જ્યારે અનુપમ કાશ્મિરી પંડિત છે.

સજ્જન તમને યાદ રહી ગયો હોય તો ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ના વિલન તરીકે. મધુબાલાને પામવા ગળે રૂમાલ વડે પરસેવો લૂછતો આ વિલન બબિતા-જીતેન્દ્રની ફિલ્મ 'ફર્ઝ'માં ય વખણાયો હતો, પણ નિખાલસતાપૂર્વક કબુલ કરે છે, કે આખી ફિલ્મ કરિયરમાં મને કે પ્રેક્ષકોને યાદ રહી જાય એવો એકે ય રોલ મેં કર્યો નથી. સજ્જનની સજ્જનતા એ વાતમાં દેખાય છ કે કોઈ દંભ વગર કબુલ કરી લીધું હતું કે, પોતે બહુ સામાન્ય કક્ષાનો અભિનેતા હતો. રોશનની ફિલ્મ 'હમલોગ'ના મુકેશના ગીત 'અપની નઝર સે, ઉનકી નઝર તક, એક ઝમાના એક ફસાના' ગાઈને ખુશ થઈ જતા અમારા દોસ્ત તુષાર માંકડને એ પણ ખબર છે કે, 'હમલોગ'નો હીરો સજ્જન હતો. આખી મહાબળેશ્વરમાં શૂટ થયેલી મધુબાલાની ફિલ્મ 'સૈંયા'નો હીરો સજ્જન હતો. સજ્જાદ હુસેનના લતા મંગેશકરના ગીતોની જાહોજલાલી કોણ ભૂલવાનું છે?

ફિલ્મના નિર્માતા બિમલ રોય ડેફિનેટલી એક કલાસિક સર્જક હતા. મધુમતિ, સુજાતા કે બંદિની જેવી ફિલ્મોના આ સર્જક દારૂને અડે નહિ પણ સિગારેટ ચાલુ જ હોય. એની દીકરી રિન્કી એમના જ આસિસ્ટન્ટ અને બહુ બદનામ થયેલા બાસુ ભટ્ટાચાર્ય સાથે ભાગીને પરણી ગઈ, ત્યારે કાકા અપસેટ બહુ થઈ ગયેલા. આ બાસુ હવે તો હયાત નથી, પણ 'તનૂજાવાળી ફિલ્મ 'અનુભવ' અને રાજ કપૂરવાળી ફિલ્મ 'તીસરી કસમ' એમણે દિગ્દર્શિત કરી હતી. જીદ્દી રિન્કી માટે બાસુ સિવાય બધા ભાઈ-બાપ હતા નહિ તો નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનનું માંગુ પણ રિન્કીએ પાછું કાઢ્યું હતું.

'કાબુલીવાલા'નું સર્વોત્તમ પાસું એનું સંગીત છે. સલિલ દા આમે ય આપણા જેવા મધુરા ગીતો (મેલડી)ના ચાહકોના લાડકા તો હોય જ. એમની ધૂનો લતા મંગેશકરના શબ્દોમાં કહીએ તો ખૂબ મીઠડી છતાં 'વીયર્ડ' હતી. વીયર્ડ એટલે... સમજો ને, ગાવા/ સાંભળવામાં જરા અઘરી અઘરી પડે એવી ! પણ 'કાબુલીવાલા'ના તો ચારે ય ગીતોમાં બાબુ મોશાયે અરબી વાજીંત્રોનો મનોહર ઉપયોગ કર્યો છે. 'અય મેરે પ્યારે વતન'માં રબાબ કેવું કર્ણપ્રિય લાગે છે, તો બીજી બાજુ 'ગંગા આયે કહાં સે'માં બગલબચ્ચું વગાડીને ગીતને સાધુ-સ્પર્ષ આપ્યો છે. પણ જે ગીતને કારણે હું લાંબો થઈ થઈને મુહમ્મદ રફી સાહેબના ચરણોમાં માથું નમાવી દઉં છું, એ 'ઓ યા કુરબાન... ઓ સબા કહેના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ તેરે દીદાર કો'માં સાહેબે કેવા પરફેક્શનથી બિલકુલ અરબી ઉચ્ચારો કાઢ્યા છે? જાણે કોઈ પઠાણ જ ગાતો હોય! કમનસીબી ફરી પાછી ડાયરેક્ટરના નામની આવે છે કે, ફિલ્મના આવા સુંદર ગીતોનું પિક્ચરાઈઝેશન તદ્ન રદી ઢબથી કરવામાં આવ્યું છે. ઘણી વાર એવું બને છે કે, ગીત આપણે ફ્ક્ત સાંભળ્યું હોય, ફિલ્મમાં કેવુ લાગે છે, એ જાણવા મળ્યું ન હોય... પણ અનાયાસે ફિલ્મમાં જોવાઈ જાય ત્યારે અનેક વખત આપણો રંગ ઉડી જાય છે કે, ફિલ્મમાં તદ્ન બોગસ લાગે છે અથવા આવું સરસ ગીત ફિલ્મમાં કોમેડીયન જગદીપે ગાયું છે?

યાદ છે ને, રફીનું 'પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ટલ જાયેગી' એ ફિલ્મ 'પુનર્મિલન'નું ગીત ફિલ્મમાં જગદીપે ગાયું છે... થીયેટરની બહાર આવીને ખારી સિંગવાળાની જે પહેલી લારી દેખાય, તે આખી ઉછાળી આવવાનો ગુસ્સો ચઢે કે નહિ? અહીં તો ફિલ્મના ત્રણે ય મુખ્ય ગીતો બલરાજ સાહની ઉપર ફિલ્માયા જ નથી. ન જોવાય તો કાંઈ લૂંટાઈ જવાનું નથી, એવી સામાન્ય ફિલ્મ 'કાબુલીવાલા' છે.
 

ઍનકાઉન્ટર - 22-09-2013

$
0
0
* વિશ્વના ઈતિહાસમાં સમ્રાટ અશોક એક જ એવો રાજવી હતો જેણે યુધ્ધ જીત્યા પછી યુધ્ધનો ત્યાગ કર્યો હતો. આપને કેમનું છે?
- પોલીસ કૅસ થાય એવી એકે ય વાતમાં હું પડતો નથી.
(ક્રિષ્ના મૌલીક જોષી, જૂનાગઢ)

* ઘણીવાર તમે સવાલનો જવાબ એક જ શબ્દમાં આપો છો...!
- એમ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આંખ, કાન અને ગળાના ડૉકટરની પત્નીનું ગળું બેસી જાય ત્યારે શું ઈલાજ કરતા હશે?
- એમની પત્ની કહી દે, ''કોક સારા ડૉકટરને બતાવીએ.''
(મધુકર પી. માંકડ, જામનગર)

* તમે આટલા બધા લોકપ્રિય છો, છતાં ફ્લૅટમાં કેમ રહો છો?
- પહેલા તો ઝાડ ઉપર રહેતો હતો...!
(જુમાના જે. ગોરી, પાલીતાણા)

* સ્પૅર-વ્હીલની જેમ, સંકટ સમયે કામમાં આવે, તે માટે પરિણિત પુરૂષ ઉપપત્ની રાખે તો ખોટું શું છે?
- તમારા અનુભવો વિસ્તૃત રીતે મને લખી જણાવશો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મોદી વડાપ્રધાન બને તો ભારતની સવા અબજની વસ્તીનું ધ્યાન રાખી શકશે?
- એ મૂંગા મૂંગા ધ્યાન નહિ રાખે અને જે કાંઇ ધ્યાન રાખશે, એને લોકસભામાં તૂટક તૂટક વાંચવું નહિ પડે!
(કાંતિ ખખ્ખર, રાજકોટ)

* યમરાજાનું વાહન હાથી-ઘોડાને બદલે પાડો કેમ?
- હાથી-ઘોડાના ડ્રાયવિંગ લાયસન્સો લેવા આજે ય RTOમાં બહુ મગજમારી થાય છે, ભ'ઇ!
(ચંદુલાલ રાયઠઠ્ઠા, તરસાઇ-જામજોધપુર)

* સાહિત્યમાં હાસ્યને સ્વતંત્ર રસની માન્યતા નહિ મળવાનું કારણ શું?
- સિંહને તમે રાજા કહો કે ન કહો... એને કોઇ પડી છે?
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* લગ્નની કંકોત્રીમાં વર-કન્યાના ફોટા કેમ મૂકવામાં આવે છે?
- ગોરમહારાજ અને મંડપવાળાના ફોટા સારા ન લાગે, માટે!
(દુષ્યંત કારીયા, મોરબી)

* રાજકારણ વિશે ટૂંકમાં સમજાવશો?
- !
(પી.એ. જોષી, હિંમતનગર)

* કીડીને કણ, હાથીને મણ, તો તમને?
- રમણ... આઈ મીન, રમણલાલ મારા પડોસીનું નામ છે!
(શ્રીમતી ઈંદુ ચંદારાણા, વડોદરા)

* રડતી વખતે માણસો મોંઢું કેમ ઢાંકી દે છે?
- સવારના બ્રશ કર્યા વગરના રોવા બેઠા હોય માટે.
(ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

* પહેલાના રાજવીઓની સંપત્તિને પણ ગૌણ કહેવડાવે, એટલો વૈભવ ભોગવી રહેલા આજના રાજકારણીઓ વિશે તમારે શું કહેવું છે?
- બસ. પરમેશ્વર મને પણ રાજકારણી બનાવે.
(અશ્વિન શાહ, અમદાવાદ)

* ડૉ. મનમોહનની હવે દશા બેઠી હોય, એવું તમને નથી લાગતું?
- બા દસ દિવસ સારવાર માટે અમેરિકા ગયા... એમાં એકલા મનુભ'ઇની નહિ, આખી કોંગ્રેસ ટૅન્શનમાં આવી ગઇ.
(હરસુખ જોષી, રાજકોટ)

* સ્ત્રીઓ માટે મોબાઇલ અને પતિ વચ્ચે શું ફરક?
- હમણાં એક પરિચિત મહીલાને મોબાઇલ કર્યો. ના ઉપાડયો. એટલે લૅન્ડલાઇન કર્યો, તો ઉપાડયો. મેં પૂછ્યું તો કહે, ''અરે, મારો મોબાઇલ તો ક્યાંય ખૂણામાં પડયો હશે, એ ખબર જ નથી!'' મેં કીધું, ''બેન, હું તમારા વરજીનું નથી પૂછતો, મોબાઈલનું પૂછું છું...!''
(શાહાબખાન શમશેરખાન પઠાણ, અમદાવાદ)

* એક સર્વે મુજબ, લંડનમાં પુરૂષો કરતા સ્ત્રીઓનો આઈ-ક્યૂ પાંચ વધુ આવ્યો છે. ઈન્ડિયામાં કેમનું છે?
- તે ચોક્કસ હશે જ. મારી વાઈફ લંડનની બ્રિટીશ સિટિઝન છે.
(ડૉલી કાચા, મોરબી)

* 'ફ્લાઈંગ કિસ'ની વ્યાખ્યા કઇ?
- તમે કોકને માટે આવું ઉડતું ચુંબન ઊડાડયું હશે, તો બીજો કોઇ વચ્ચેથી કૅચ કરી લે, એના કરતા હવે તો બને એટલી ફ્લાઇંગ-કિસો લૂટાવા જ માંડો! 'જો લે ઉસકા ભી ભલા, ના લે ઉસકા ભી ભલા..!' જય અંબે.
(એ.સી. નટુ, વડોદરા)

* દરેક ભગવાનો ક્લીન-શૅવ્ડ જ કેમ હોય છે?
- આપણને જોવા ગમે માટે.
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)

* બળાત્કાર માટે કડક કાનૂન બનશે ખરો?
- બળાત્કાર કરવા માટે તો નહિ બને... પણ બળાત્કાર રોકવા માટે કદાચ બને!
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* એક હાસ્યલેખકના નાતે તમારા ઘરનો માહૌલ કેવો હોય છે?
- શૌર્યકથા જેવો.
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઇ)

* આપણા ભારતમાં એકતા કેમ નથી?
- એ તો મુંબઇમાં રહે છે.
(તૌફિક કાસમાણી, ગારીયાધાર)

* ચણતરની ઈંટોને ગમે તેટલું પાણી પાવા છતાં સમય જતા કોરી કેમ રહી જાય છે?
- તમારે મકાન બનાવવું છે કે હોડી?
(રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદ)

* હિલેરી ક્લિન્ટન એક પ્રવચન કરવાના બે લાખ 'ડૉલર્સ' માંગે છે. આપને કેમનું છે?
- માંગુ છું તો હું ય એટલા જ... પણ કોઇ આપતું નથી!
(કુશલ ત્રિપાઠી, ન્યુયૉર્ક-અમેરિકા)

* લગ્ન પછી કોક બીજી સાથે આંખ મળી જાય તો આગળવાળી ભૂલ સુધારવાનો કોઇ રસ્તો બતાવશો?
- પહેલા હાલની વાઇફને એની આગળવાળી ભૂલ સુધારવાનો ચાન્સ આપવો.
(ચંદ્રેશ કાચા, મોરબી)

* ભૂખ લાગી હોય ત્યારે 'પેટમાં બિલાડાં બોલવા'ની ઉપમા કેમ અપાય છે?
- ઉંદરો સ્ટોરરૂમમાં બીઝી હોય!
(મનુ બી. સોની, મેહસાણા)

* પેટ્રોલ...?
- બળી ગયું...!
(તેજસ હાલાણી, અમદાવાદ)

 

સ્ટેજ પર બેસવું એટલે....

$
0
0
આજે એમની સદીઓ જૂની મહેચ્છા પૂરી થઈ-સ્ટેજ પર બેસવાની. રાહ ઓછા વર્ષો નહોતી જોઈ. એક વખત સ્ટેજ પર બેસવાના સપનામાં તેઓ હજારો વખત શ્રોતાગણમાં બેસી આવ્યા હતા. એક વખત તો, હૉલ ખાલી થઈ ગયા પછી વૉચમેનને પાંચ રૂપીયાવાળું સ્માઈલ આપીને ચીફ ગૅસ્ટની ખુરશી પર જમાવટ કરી દીધી હતી.

આજે જીવનની અભિલાષા પહેલી વાર પૂરી થઈ રહી હતી. જ્ઞાતિના ફંક્શનમાં પ્રમુખશ્રીએ એમને સ્ટેજ પરની છેલ્લી ખુરશી ઉપર હાથમાં નૉટબૂક લઈને બેસવાનું કીધું હતું. સ્વાગત વખતે કોને કયો હાર પહેરાવવો અને કોણ પહેરાવશે, તેની યાદી લઈને! ઉત્સાહમાં પહેલા તો એ વચ્ચેની-ચીફ ગૅસ્ટની ખુરશી પર બેસી ગયેલા. એ તો કોક ઉઠાડવા આવ્યું, ત્યારે ભોંઠા પડવાને બદલે કારણ વગરનું હસતા હસતા છેલ્લી ખુરશી પર બેઠા. હૉલની છત તરફ જોઈને તેઓ સ્વગત બોલ્યા, ''ક્યાં સુધી ઉંચ-નીચના ભેદભાવો ચાલુ રહેશે, હે ઈશ્વર?''. સ્ટેજ પર બેસનાર અન્ય મેહમાનો હજી આવ્યા નહોતા... શ્રોતાઓ પણ નહોતા આવ્યા, પણ છેલ્લી ઘડીના કોઈ ફેરફારો થાય તો સ્થાન ગૂમાવવાનો અવસર ન આવે, એ હેતુથી તેઓ આગોતરી ખુરશી પર બેસી ગયા હતા.

એમને ખૂબ ગમ્યું. કોણી વડે ખુરશીનો હાથો ખણવાની મજા આવી. કોઈને પણ નહિ સંબોધાયેલા બે-ત્રણ સ્માઈલો આપી જોયા. પહેલું હજી નહિ આવેલા શ્રોતાઓને, બીજું બોલનાર વક્તા સામે અને ત્રીજું કોઈ લેવા દેવા વગરનું ખુરશી નીચેની જમીન તરફ હસી જોયું. શિરસ્તો કહે છે કે, અન્ય વક્તા બોલતા હોય, ત્યારે પોતે પ્રભાવિત થયા છે, એ દર્શાવવા એકાદ વખત જમીન તરફ જોઈને હસી પડવાનું હોય છે. (ચોથું સ્માઈલ ઑડિયન્સ એમને જોઈને આંખ મીંચકારીને આપશે!) તદ્દન ખાલી હૉલની ખુરશીઓ તરફ એમણે નવા નક્કોર સ્માઈલ સાથે જોયું. ''બસ... પલભરની વાર છે. આ આખું ભરાઈ ગયું હશે ને સહુ મને જોતા હશે.''

એમને બોલવાનું નહોતું. કેવળ શોભામાં અભિવૃધ્ધિ કરવાની હતી, એટલે લિનનનો નવો ઝભ્ભો ઘેરથી જ પહેરી લાવ્યા હતા. રસ્તામાં ભૂલી-બુલી જવાય, એના કરતા ઘેરથી પહેરી લેવો સારો. કહે છે કે, લિનનના કપડાંમાં બહાર નીકળતી વખતે ગરમ ઈસ્ત્રી સાથે લઈને નીકળવું હિતાવહ છે. તરત ચોળાઈ જાય છે. એ તો ઘરમાં કોકે મશ્કરી કરેલી કે, ''એકલો ઝભ્ભો લિનનનો સારો નહિ લાગે... લેંઘો પણ લિનનનો પહેરતા જાઓ.''

દુઃખ એ વાતનું હતું કે, આમંત્રણ-પત્રિકામાં તેઓશ્રીનું નામ પણ છપાયું નહોતું. કોકને કેવું લાગે કે, આ એમને એમ સ્ટેજ પર ચઢી બેઠા હશે? આની પહેલા બીજા કોક સમારંભમાં નામ છપાયું તો હતું પણ, 'શ્રીકાંત ભાઈ'ને બદલે 'ફ્રીકાંતભાઈ'છપાઈ ગયું હતું. ભારતમાં પહેલી વાર 'શ્રી'સાવ 'ફ્રી'માં મળતું થયું!

અસલના કાઠીયાવાડમાં ગઢ જીતવો એટલે યુધ્ધ જીત્યા બરોબર ગણાતું. આજે તો હવે ગઢો રહ્યા નથી, એટલે પોતાના ગામના ટાઉન હૉલના સ્ટેજને ગઢ ગણીને, જરાક અમથું નોંતરૂં આવે એટલે ચઢી બેસવાનું હોય છે. સ્ટેજ બહુ બુરી ચીજ છે. ભલભલાની હવા કાઢી નાંખે છે. પ્રેક્ષકગૃહથી સ્ટેજ પર જવાનું અંતર તો બસ કોઈ... ૨૦-૨૫ ફૂટનું હોય છે, પણ નીચેથી ઉપર જતા વર્ષોના વરસ લાગી જાય છે... (અને ત્યાંથી ફેંકાઈ જતા કાચી સૅકન્ડ લાગે છે!)

કહે છે કે, સ્ટેજનો બહુ શોખ હોય તો પરદો ખેંચનારાની નોકરી માટે દિન-૭માં અરજી કરવી. રોજ સ્ટેજ પર શોભામાં અભિવૃધ્ધિ કરી શકાશે. માનભેર સ્ટેજ પર દસ મિનીટ બેસવા માટે ૨૦-૨૫ વર્ષની મજૂરી કરવી પડે. સહુ તમને જોતા હોય, એ વૈભવ સ્ટેજ પર બેસીને મળી શકે. જે સ્ટેજ પર ૮-૧૦ મેહમાનો બેઠા હોય, એમાં ૩-૪ તો લેવાદેવા વગરના ચઢી બેઠા હોય છે. ભાષણ તો કરવાનું હોય નહિ, ઊભા કરો ત્યારે ખબર પડે કે, સ્ટેજ પર બોલવામાં દુનિયાભરની સાસુઓ યાદ આવી જાય છે, એક અક્ષર બોલી શકાતો નથી, પગ ધૂ્રજવા માંડે છે અને ઘેર ગયા પછી માંદા પડી જવાય છે ને આવું થાય તો પણ... ડૉ. મનમોહન સિંઘ કરતા તમે સારું બોલ્યા કહેવાઓ... જય હો!

સ્ટેજ પર ભાષણનો સમારંભ હોય ત્યારે શ્રોતાઓ ફફડતા હોય છે. માઇક મળ્યું છે કે મળશે, એ ચૂળને કારણે મોટા ભાગના વક્તાઓ બેશરમ બની જાય છે, એની શ્રીકાંતભાઈને ખબર. એથી જ, તેઓ પોતાના વખાણે ય જાતે કરી લીધા, ''હું કોઈને નડીશ તો નહિ...! મારે ક્યાં પ્રવચન કરવાનું છે?''જો કે, કરવાનું હોત તો કરી લેત...!''

સમારંભ શરૂ થયો. ખુલાસાની જરૂર નથી કે, શ્રીકાંતભાઈ પરદો ખુલ્યા પહેલાના સ્માઈલો આપે જતા હતા. સ્ટેજ પર મોંઢું હસતું રાખવાનું હોય છે. સિવાય શોકસભા... એની એમને ખબર. આઠેક વક્તાઓ શિસ્તબધ્ધ બેસી ગયા હતા, જાણે રસ્તા ઉપર સામસામેના બે બિલ્ડિંગો વચ્ચે ઝૂલતા તાર ઉપર હારબધ્ધ કાગડાઓ બેઠા હોય. કાગડાઓ આખા દેશમાંથી ગાયબ થઇ ગયા છે ને કોંગ્રેસ-ભાજપના સભ્યો થઈ ગયા છે એટલે હવે ક્યાં 'ગૂમ થયા છે'ની એકપણ જા.ખ. અખબારોમાં આવે છે!

વક્તાઓની ફીલસૂફી હોય છે કે, જ્યારે સ્ટેજ પર બોલીએ, ત્યારે વખાણોનો મારો ચલાવવાનો. પ્રમુખશ્રી, સંસ્થા, મુખ્ય મેહમાન જે કોઈ આવ્યું હોય તે, પણ સ્મરણમાં એટલું રહેવું જોઈએ કે, આ બધા વખાણોની વચ્ચે આપણી નમ્રતાના વખાણે ય દેખાવા જોઈએ.

આ વાતની શ્રીકાંતભાઈને ખબર. સમારંભના સંચાલકે પ્રારંભ કર્યો ને આ બાજુ ચાલુ પ્રોગ્રામે શ્રીકાંતભાઈએ પ્રારંભ કર્યો, બાજુમાં બેઠેલા મહિલાશ્રીની પ્રશંસાથી. ''આપનું નામ ઘણું સાંભળ્યું છે...''આ તબક્કે, સ્ટેજ પર બેઠેલી હરએક મહિલા બહુ મોટી વાત સાંભળી હોય તેમ પહોળા સ્માઈલ સાથે ડોકી ઊંચી-નીચી કરીને મૌનથી જવાબ આપે છે. આમણે ય આપ્યો. શ્રીકાંતભાઈએ મહિલાને બીજી સુંદર વાત કરી, ધીમા છપછપ અવાજે, ''તમારા નાકની ચુની સુંદર લાગે છે... બન્ને બાજુ પહેરો તો?''

હવે પેલી બગડી અને થોડા તીખા તેવર સાથે મોંઢું ફેરવી લીધું. દરમ્યાનમાં ફ્રીભાઈ... આઈ મીન, શ્રીભાઈએ ઉપસ્થિત મેહમાનો અને શ્રોતાઓ સમક્ષ સ્માઈલોના વિવિધ પ્રકારો દર્શાવવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો.

કહે છે કે, દીપપ્રાક્ટય વખતે બન્ને હાથ સ્વ. હિતેન્દ્ર દેસાઈની જેમ એક હાથનું કાંડુ પકડીને, મૂન્ડી નીચી રાખીને ધીરજપૂર્વક ઊભા રહેવાનું હોય છે. મીણબત્તો પકડવાનો આપણો ય વારો આવશે. દીપપ્રાક્ટય કરતી વખતે જમણા હાથે મીણબત્તી પકડીને એની કોણીને ડાબા હાથે ઝાલી રાખવાની હોય છે, જેથી હાથ ધૂ્રજતો હોય તો શ્રોતાઓ જોઈ ન જાય. અગાઉના જમાનામાં જેટલા ઊભા હોય, એ બધાના હાથમાં એક એક મીણબત્તી પકડાવી દેવામાં આવતી, એમાં ભ'ઈ માણસ છે... ભૂલ થઈ જાય અને પાછળ ઊભેલો ઑડિયન્સને જોવામાં આગળવાળાની પાછળ ગમે ત્યાં સળગતી મીણબત્તી અડાડી દેતો. હાથ તો નીચો જ હોય ને આગળ વાળો વળેલો હોય!! આવા અકસ્માતો ટાળવા હવે મુખ્ય મેહમાન એકલા દીપપ્રાગટય કરે અને બધા એકબીજાની કોણીઓએ હાથ અડાડીને સમૂહ પ્રાગટય કરવાનો દસ્તૂર અમલમાં છે. શ્રીકાંતભાઈનો વારો આવ્યો ત્યાં સુધીમાં મીણબત્તી બૅકસ્ટેજમાં અંદર જતી રહી હતી, એટલે એમણે ખિસ્સામાંથી લાઈટર કાઢીને અનેક વખત પટપટપટ્પટ કરીને ભડકો કર્યો. બહુ યાદ ન રહ્યું એટલે ભૂલમાં ખિસ્સામાંથી સિગારેટ પણ કાઢીને મ્હોંમાં મૂકી... ભૂલ સુધારી પણ લીધી... સળગેલી સિગારેટ મુખ્ય મેહમાનને વિવેકપૂર્વક ધરી!

મંચ પર બેસવાની ય એક તેહઝીબ હોય છે. ગુજરાતી સાહિત્યકારો બેઠા હોય તો ઘણી શરતોનું પાલન કરવાનું હોય છે. તમે ચિંતક લાગવા જોઇએ. મોંઢું ગંભીર જ રાખવું પડે. તમારું મોંઢું જોઈને શ્રોતાઓને બકારી આવવી જોઈએ, એટલી હદે ગંભીર રાખવાનું... પ્રસન્ન વદને નહિ બેસવાનું. જમણા હાથની પહેલી આંગળી ગાલ ઉપર અડાડી રાખવાથી ફોટા સારા આવે છે અને એક જમાનામાં કવિ નર્મદે આમ આંગળી રાખી હતી, એટલે અમારા કવિ-લેખકો ય આવી આંગળીઓ કરે છે. વક્તા કોઈપણ બોલતો હોય, આપણે સહેજ પણ પ્રભાવિત થયા છીએ, એવું તો લાગવા જ નહિ દેવાનું... બધ્ધાની બાઓ એકસામટી ખીજાય!

શ્રીકાંતભાઈએ આમાંનું થોડુંક ઉઠાવ્યું હતું. આંગળી ચોક્કસપણે ગાલને અડાડી રાખી હતી. એક આંગળી થાકે, એટલે બીજા હાથની આંગળી, એમાં ભૂલાઈ પણ જવાતું અને એક સાથે બન્ને હાથની બન્ને આંગળીઓ બન્ને ગાલો ઉપર સ્થાપિત થઈ જતી.

સમારંભ તો ભ'ઈ લાંબો ચાલ્યો. એક એક વક્તો પચ્ચી પચ્ચી મિનીટ બોલ્યો. ઑડિયન્સના ફોદાં નીકળી ગયા. ઉત્તરાખંડની હોનારત જેવા દ્રષ્યો શ્રોતાખંડમાં દેખાયા. ને એમાં ય પ્રમુખશ્રીની કઈ ભૂલ થઈ ગઈ. છેલ્લે એકલા શ્રીકાંતભાઈ બાકી રહેતા હતા તે એમને ય બોલવા ઊભા કર્યા. આમની તો એવી કોઇ તૈયારી કે ધારણા પણ નહિ. તો ય શ્રીભાઈ મોજમાં આવી ગયા. જમીનમાંથી લોખંડનો સળીયો ખેંચી કાઢવાનો હોય, એવી જબરદસ્તીથી એમણે માઇક પકડી લીધું. એક શબ્દ પણ માઇકની બહાર જવો ન જોઈએ, એ હેતુથી હોઠ માઈકને અડાડી દીધા. શ્રોતાઓ માટે આ કંઈક નવું હતું. એમને જોઈને ગેલમાં આવવા માંડયા. થોડી થોડી હસાહસી પણ શરૂ થઈ. શ્રીભાઈએ ઊચકેલું માઇક લાકડાના સ્ટેજ ઉપર જ પછાડીને એક જ વાક્ય બોલ્યા ને બેસી ગયા.

''મને બોલતા-ફોલતા તો નથી આવડતું, પણ એટલી ખબર છે કે, કોઈ પણ સમારંભમાં સૌથી ઓછું બોલનાર વક્તા સહુને વહાલો લાગે છે... જય હિંદ.''

ને શ્રોતાઓએ ૫૦-સેકન્ડ સુધી તાળીઓ પાડીને શ્રીભાઈને વધાવી લીધા. 
 
સિક્સર

- હવે તમે ડોહા થઈ ગયા છો, એની પહેલી નિશાની કઈ?
- માથેથી ખતમ થઈ ગયેલા વાળ નાક-કાન ને ભ્રમરમાંથી બહાર આવવા માંડે છે!

અમદાવાદના એ થિયેટરો

$
0
0

દર સપ્તાહની જેમ જૂની ફિલ્મોના રીવ્યૂ ચાલુ જ રહેશે. ફિલ્મોની જેમ થિયેટરો ય આપણા અસ્તિત્વનો હિસ્સો હતા, માટે ફોર એ ચેઈન્જ... આજે ફક્ત થિયેટરો વિશે!)

ગુજરાતીઓ સિનેમા કે નાટકના થીયેટરને માટે એક જ શબ્દ વાપરે છે, 'થીયેટર'. જાણકાર તરીકે ઓળખાવવું હોય તો નાટક માટે નાટક-ફાટક નહિ, 'સ્ટેજ'અથવા 'થીયેટર'શબ્દ વાપરો. ગુજરાતીઓ ફિલ્મે ફિલ્મે ફિલ્મની જાતિ બદલે છે. 'છેલ્લી કઈ ફિલ્મ જોઈ?' (સ્ત્રીલિંગ), 'બૉસ, તમે બચ્ચનનું 'મર્દ'જોયું?' (નાન્યતર જાતિ) અર્થાત્, ભલભલા 'મરદ'ને ગુજરાતીઓ નાન્યતર જાતિમાં મૂકી શકે છે. પણ મહારાષ્ટ્રમાં ફિલ્મો માટે પુલ્લિંગ વપરાય છે. 'સુજાતા, બગીતલા' ('સુજાતા'જોયો?') અર્થાત્, એક સીધી સાદી સ્ત્રીને પુરુષ બનાવી દેવામાં મરાઠીઓની માસ્ટરી છે. પણ થીયેટરો માટે ગુજરાતીઓ 'ટાકીઝ'શબ્દ પણ વાપરે છે... એ જ વાપરે છે! ઈન ફેક્ટ, ૧૯૩૧માં ભારતમાં 'આલમઆરા'નામની પહેલી બોલતી એટલે કે ટાકી ફિલ્મ રજૂ થઈ, એ પછી ફિલ્મો માટે ટાકીઝ શબ્દ વપરાયો. અંગ્રેજોના જમાનામાં આપણા લોકોનું ઈંગ્લિશ આજના જેટલું કાચું નહોતું, છતાં ક્યા મેળનું થીયેટર માટે 'ટાકીઝ'શબ્દ વપરાવાનો શરૂ થયો, તે સ્મરણોનો વિષય છે.

પણ આ કોલમ વાંચનારાઓ તો એ ઉંમરના સિનેમા શોખિનો છે, જે લોકોએ મંદિરો કરતા ગુજરાતના જૂના થીયેટરોના વધારે પ્રવાસો કર્યા છે. ક્યા થીયેટરમાં કઈ ફિલ્મ જોઈ હતી, એ બધાને યાદ છે. હું ૧૯૫૨માં જન્મ્યો હતો, એટલે વ્હી. શાંતારામની ફિલ્મ 'નવરંગ'અમારા ગાંધી રોડ પરની મોડેલ ટોકીઝમાં એક વર્ષ ચાલી હતી ને શો કેસમાં મૂકેલા ફોટા જોવા રોજ જવાનું, એટલે સાલ '૫૯ની હોવા છતાં બધું યાદ છે. હું આ કોલમમાં, કઈ ફિલ્મ ક્યા થીયેટરમાં આવી હતી, તે યાદોને આધારે લખું છું. ફિલ્મ, ક્રિકેટ અને છોકરીઓ સિવાય કોઈ વિષયમાં પિચ પડતી નહોતી, એટલે ઘણા વાંચકો મને હિંદી ફિલ્મોના 'ઍનસાયક્લોપીડિયા'કહે છે, પણ અમારા ખાડીયામાં એ વખતના યુવાનો બધા આવા જ 'ઍનસાયક્લોપીડિયાઓ'હતા. શુક્રવારે નવી ફિલ્મ આવે, એ ૩ થી ૬ના 'બીજા'શોમાં જોવી પડે, એનાથી મોટી શરમની બીજી કોઈ વાત નહોતી. આવા બદનસીબોની તો રાત્રે પોળને નાકે ફિલમ ઉતરે. 'હટ... ચીનીયાને તો કોઈ થીયેટરનો લાલો-બાલો ય ઓળખતો નથી. હાળાને ડોરકીપરની છોકરી ય પસંદ નહિ કરે!'ફિલ્મનું એકઝેક્ટ પહેલું દ્રષ્ય કયું હતું કે, ફાઈટીંગના સીનમાં પાછળ દેખાતા ટોળામાં વચ્ચે ઊભેલો માણસ કોણ હતો, એનું નામ જાણી લાવવાની શરતો રમાય. આમ તો, શંકર-જયકિશન એટલે ભગવાન મહાદેવ અને શ્રીકૃષ્ણની જોડી થઈ ને? પણ ધર્મને નામે મરજાદી વૈષ્ણવો ભૂલમાં ય 'શિવ'કે 'શંકર'ન બોલે (કપડું 'સિવડાવવા'નહિ, કપડું 'વેતરાવવા'બોલવાનું. 'સિવડાવવા'માં ય 'શિવ'તો આવી જાય ને? પરિણામે, અમદાવાદમાં ફિલ્મ 'શિવા'આવી ત્યારે મરજાદીઓ ફક્ત '...આ'બોલતા. પણ વાત શંકર-જયકિશનની નીકળે એટલે ધરમ-બરમ બધું બાજુ પર ગયું... ખાડીયા આખું આ સંગીતકારો પર કુર્બાન!

મને એકને જ નહિ, અમદાવાદના સિનેમા થીયેટરો મારા જેવા 'ઍનસાયક્લોપીડિયાઓને'આજે પણ યાદ છે. જામનગર મારું મોસાળ, એટલે વર્ષમાં બે-ચાર વાર જવાનું થાય. ચાલતી હોય એ બધી ફિલ્મો જોઈને જ પાછા આવવાનું. એ જમાનામાં ત્યાંની અનુપમ, જયશ્રી, દીપક, શત્રુશલ્ય, દિગ્વિજય ટોકીઝો યાદ છે ને થાનગઢનું વાસુકી સિનેમા યાદ છે, જ્યાં એક જ પ્રોજેક્ટર હોવાથી રીલ બદલાય એટલા ઈન્ટરવલ પડે. ઈન્ટરવલ વખતે બાકીની ફિલ્મની ટિકીટ અડધા ભાવે ખરીદીને જોનારાઓ બહાર આપણી રાહ જોઈને ઊભા હોય.

એ જમાનામાં શહેરો બધા નાનકડા, ગાડી તો દૂરની વાત છે, સ્કૂટરો કોઈની પાસે નહિ, એટલે પાર્કિંગમાં મોટી માથાફૂટ સાયકલ કાઢવાની આવે. સાયકલની સીટ ઉપર ચોક વડે નંબર લખ્યો હોય, એ ઉતાવળમાં યાદ ન રહે ને સાયકલ મળતા જ ઠેકડો મારીને બેસી જઈએ, એમાં પાટલૂનની પાછળ ખોટી જગ્યાએ ચોકનો ઊંધો નંબર છપાઈ ગયો હોય! શો શરૂ થતા પહેલા રીક્ષામાંથી ઉતરવું જાહોજલાલી ગણાતી. ઉતરતી વખતે કોઈ જુએ, એ અપેક્ષા રહેતી ને જોનારાઓ ય આપણને રીક્ષામાંથી ઉતરતા જોઈને એકબીજાને આંખ મારીને કહે, 'શું વાત છે? દીપકીયો રીક્ષામાં...? દીપકીયો રીક્ષામાં...?'કોઈ મોટાનં કરી નાંખ્યું લાગે છે.'

ફિલ્મની તોતિંગ દીવાલો ઉપર આજના જેવા ફલેક્સના ટુકડા ન માર્યા હોય... મોટા જાયગેન્ટીક હોર્ડિંગ્સ લાગ્યા હોય ને નવી ફિલ્મ આવવાની હોય, એની આગલી રાત્રે એ હોર્ડિંગ્સ જોવા ખાસ જવાનો ય મહિમા મોટો હતો. અમદાવાદમાં હજી સુધી ફિલ્મ 'સંગમ'જેવા વિરાટ હોર્ડિંગ્સ બીજી કોઈ ફિલ્મના બનેલા જોયા નથી. ફિલ્મમાં રાજ કપૂર કેમેરા પરદેશ લઈ ગયો હોવાથી સિનેમાની દીવાલો પર રોમ, પેરિસ, લંડન ને સ્વિત્ઝરલેન્ડના મોટા કટ-આઉટ મૂક્યા હતા. પેરિસના આયફલ ટાવરની પ્રતિકૃતિ મારા જેવા અનેકને યાદ હશે.

આ કોલમના વાચકો માટે અમદાવાદના થીયેટરોનો નાનકડો પ્રવાસ કરાવીને જૂની યાદો ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. જોઈ જુઓ... કેટલે સુધી સાચો છું!

કૃષ્ણ ટૉકીઝ

અમદાવાદ શહેરનું નાક એટલે કૃષ્ણ ટૉકીઝ. શહેરની કૃષ્ણ, નોવેલ્ટી, એડવાન્સ, 'ડીફ્રાન્સ, ઉષા, રીલિફ અને મોડેલ ટૉકિઝો એક જ માલિકની હતી. પણ આ સિનેમા સહુનું લાડકું એટલા માટે હતું કે, અન્ય થીયેટરોમાં કોઈ પણ કલાસની ફિલ્મો આવે, પણ કૃષ્ણમાં તો સ્વચ્છ, સામાજીક અને બધા જોવા જાય જ, એ કક્ષાની ફિલ્મો આવતી. રાજકુમાર, વૈજંયતિમાલા અને રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'જીંદગી', બી. આર. ચોપરાની 'વક્ત'કે 'હમરાઝ', દેવ આનંદની 'તેરે ઘર કે સામને'કે રાજ કપૂરની 'બોબી'અહીં આવી હતી. રીલિફ રોડ ઉપર આજના જેવો ટ્રાફિક તે હોય કાંઈ? ઘીકાંટા ચાર રસ્તેથી કૃષ્ણ સુધીના રસ્તા પર ઉપર માંડ કોઈ પચાસ સો લોકો અવરજવર કરતા હોય. ગાડીઓ તો અમદાવાદમાં હતી ય કેટલી? આજના અમદાવાદની કોઈ પણ સોસાયટીમાં ટોટલ જેટલી ગાડીઓ હોય, એટલી આખા અમદાવાદમાં હતી. રોડ ઉપરના ખૂબ પહોળા આ થીયેટરની વચ્ચે મોટા ચોક જેવું હતું ને એમાં ફૂવારો. ફૂવારાની પાળી ઉપર બેસવું અને વાછટથી છમછમ થોડું થોડું ભીંજાવું એક મનોહર અનુભવ હતો. એ તો આજની પેઢી બધો વૈભવ ભોગવી રહી છે, એટલે ફૂવારાનું એ સમયે મૂલ્ય આમ નાગરિક માટે શું હતું, તે ઝટ નહિ સમજાય. કૃષ્ણના અંદર જવાના દરવાજા બે અને એની વચ્ચે ફિલ્મના ફોટાઓ શો કેસોમાં. ભવ્યતાની ગણત્રીએ તો સિનેમાની અંદર પણ વૈભવી કાંઈ નહોતું. આજની ગણત્રીમાં તો એ સામાન્ય થીયેટર ગણાય. ટિકીટ બારીઓ સીધી રોડ ઉપર. ડાબી બાજુ રૂપિયાવાળી ને જમણી બાજુ અપર અને બાલ્કની. ગાડીબાડી માટે પાર્કિંગનો તો કોઈ સવાલ જ ન હોય! પાર્કિંગ હતું, ગાડીઓ નહોતી.

રીલિફ સિનેમા

આખા ય ગુજરાતનું સર્વપ્રથમ એરકન્ડિશન્ડ થીયેટર એટલે રીલિફ. કૃષ્ણ કરતા સાવ અલગ પડે, એમ એનો દરવાજો તદ્ન નાનકડો. બે-ચાર પગથીયા ચઢીને ઉપર ટિકીટ લેવા જાઓ, ત્યાં ય જગ્યા નહિ, એટલે પગથીયા ઉતરતી લાઈનો ફૂટપાથો જ્યાં સુધી જતી હોય ત્યાં સુધી જઈ આવે. ફિલ્મ 'સંગમ'વખતે ટિકીટ માટેની લાઈન વીજળી ઘરથી ય ઘણી આગળ નીકળી ગઈ હતી, તે મેં પ્રત્યક્ષ જોયેલી ઘટના છે. રાજ કપૂર 'સંગમ'વખતે ને દેવ આનંદ 'ગાઈડ'વખતે રીલિફમાં આવ્યા હતા, ત્યારે બહાર ઊભેલી ભીડમાં એ લોકોની સામે-એ લોકો જુએ કે ન જુએ હાથ હલાવવામાં એક અશોક દવે પણ હતા. વોલ-ટુ-વોલ રેડ કાર્પેટ આખા સિનેમામાં હતી, જેના ઉપર ચાલવા જતા કાર્પેટ બગડી તો નહિ જાય ને, એવો ખૌફ આપણો સૌજન્યશીલ ગુજરાતી ગરીબ પ્રેક્ષક પણ પહેલા કરતો. આવી મોંઘી કાર્પેટ ચાલવા માટે હોય છે, એનું પહેલું જ્ઞાન સામાન્ય અમદાવાદીને રીલિફ ટોકીઝે અપાવ્યું. અહીં થીયેટરમાં અસલ કાબુલી પઠાણો 'લાલા'તરીકે નોકરી કરતા, ઊંચા, કદાવર અને ખૂબ પ્રભાવશાળી લાગતા લાલ બુંદ જેવા લાલાઓનો એક હાકોટો સેંકડોની ભીડને પળભરમાં તહસનહસ કરી શકતો. આપણે ટેબલ પર પડેલા કપ-રકાબીને ઉચકીને બાજુ પર મૂકી દઈએ, એટલા જ બળમાં લાલો લાઈનમાં ઘુસેલા કોક નથ્થુને એક હાથે ઉચકીને નિર્દયતાથી ખદેડી દેતો.

આજે તો સ્મશાન સિવાય સર્વત્ર એર-કન્ડિશન છે, ત્યારે એ ન ભૂલશો કે, એ જમાનામાં આખી ફિલ્મ એસીમાં પૂરી ઠંકડથી જોવાની લજ્જતમાં, લજ્જત કરતા શહેનશાહી દબદબો વધુ લાગતો. હજારો સૈનિકોની કત્લ-એ-આમ પછી છેલ્લે છેલ્લે બે-ત્રણ સૈનિકો વગર દુશ્મને પણ લડે જતા હોય, એમ છેલ્લે છેલ્લે રીલીફ હમણાં ઢળી પડયું... નવા બનેલા નગરમાં પોતાની જીર્ણ ઝૂંપડીઓ સાચવીને બે ડોસીઓ રૂના કાલા ફોલતી હજી બેસી રહી હોય, એમ રીલિફ રોડ પર ગૂજરેલા જમાનાની બે નિશાનીઓ રૂપમ અને અશોક ટોકીઝ હજી વેન્ટીલેટર પર નથી આવી.'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થી...!'

રૂપમ ટોકીઝ

વહુ-દીકરો અંદર રીસેપ્શનના સ્ટેજ પર મેહમાનો સામે ખોટું ખોટું હસીને જોરદાર 'કવરો'ભેગા કરતા હોય, ને બહાર ગેટ પર દીકરીનો બાપ નવા મેહમાનોનું સ્વાગત કરવા ઊભો હોય, બધાને હાથ જોડતો હોય, એમ હજી આજે ય માલામાલ મૂરતીયાઓની જેમ 'કવરો'ભેગા કરતી રતન પોળના આ બાજુના રીલિફ રોડ વાળા નાકે રૂપમ ટોકીઝ ઊભી છે. શહેરભરના થીયેટરો 'હાઉસ ફૂલ'નું પાટીયું લટકાવતા, ત્યારે રૂપમે નવો ચીલો પાડીને 'ભરચક'નું પાટીયું મૂકાવ્યું. રૂપમ ટોકીઝ અન્યની સરખામણીમાં ચેહરે-મોહરે રૂપકડી હતી. જગ્યા સાંકડી પણ જેટલો હતો એ વૈભવ બરકરાર હતો. સાધના મનોજની 'વો કૌન થી?'કે સાધના-સુનિલ દત્તની 'મેરા સાયા'અહીં આવી હતી. આખી કારકિર્દીમાં આ સિનેમાએ ફક્ત એક જ ફિલ્મ મનોજ કુમારની 'ઉપકારે'એક વર્ષ પૂરું કર્યું હતું. મને યાદ છે, બરોબર એ જ સમયે ઘીકાંટા ઉપર આવેલ લાઈટ-હાઉસમાં જીતેન્દ્ર બબિતાની ફિલ્મ 'ફર્ઝ'પણ એક વર્ષ ચાલી હતી. સામે કૃષ્ણ, બાજુમાં અશોક સિનેમા અને બસ કોઈ દસેક પગલા વધુ ચાલો તો પેલી બાજુ રીગલ ટોકીઝ હોવાથી મનવાંચ્છિત ફળ નહિ તો ટિકીટ ઝંખનારા ભક્તો નિરાશ ન થતા.

ઍડવાન્સ સિનેમા

'ઍડવાન્સ'નામ ફિલ્મોને ધ્યાનમાં રાખીને પાડયું હશે કે ઈંગ્લિશ ફિલ્મો જોવા આવનારા ગુજરાતીઓને જોઈને, તે નથી ખબર પણ અહીં માત્ર ઈંગ્લિશ ફિલ્મો જ આવતી... ફૂવારાની સેન્ટ્રલ ટોકીઝની જેમ. બહુ કોમ્પેક્ટ એટલે કે નાનકડું થીયેટર હતું, પણ બાલ્કનીમાં તો બેશક ભણેલો-ગણેલો શિક્ષિત વર્ગ જ થીયેટરની શાન વધારતો. અપર સ્ટોલ્સ અને 'રૂપિયાવાળી'માં આવતી મઝા. મૂળ મુદ્દે ઈંગ્લિશનો આપણે ત્યાં ભરચક વાંધો. બોલવાનું તો જાવા દિયો, સમજતા ય કોઈને ન આવડે. પણ કોમિક કે કરુણ સંવાદો ન સમજાય. યસ, કોક ખૂણામાંથી એક-બે જણા સમજનારા નીકળે ને કોઈ ચોક્કસ સીનમાં હસે એટલે અહીં હસવાનું હશે, એમ 'જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ'ના સૂત્ર હેઠળ ધીમે ધીમે આજુબાજુમાં હસવાનું શરૂ થાય. આખી ફિલ્મ પૂરી થયા પછી કેટલાક ઘેર જઈને મૂંઝાય, 'આપણે હસ્યા'તા કેમ?'ફિલ્મો ઈંગ્લિશ હોવાથી એમાં ગીતો-બીતોની માથાફૂટ ન હોય, એટલે હિંદી કરતા ઈંગ્લિશ ફિલ્મો ટૂંકી હોવાથી બીજા થીયેટરોની જેમ અહીં ૧૨થી ૩ અને ૩ થી ૬નો શો ટાઈમો નહોતા. ઍડવાન્સ સિનેમામાં બપોરે ૨ થી ૪.૩૦ ને ૪.૩૦થી ૭ જેવા ટાઈમ રહેતા. થીયેટર નાનું અને એસી પાવરફૂલ હોવાથી આ ટોકીઝમાં એન્ટ્રી અપર-કલાસની વધુ આવતી. એસી અને ગાડી તો વળી હમણાં હમણાં બધાના ઘેર આવ્યા... પહેલા તો પૈસાપાત્રોના ઘેર કાર હોય, પણ એસી બહુ ઓછાને ત્યાં પોસાતું.

(વધુ આવતા અંકે)

ઍનકાઉન્ટર-06-10-2013

$
0
0
 * જેવો છે તેવો દેખાવાને બદલે આજનો માનવ આડંબર કેમ કરે છે?
- આપણું એવું સહેજ બી નહિ... હું તો જેવો છું, એનાથી ય વધારે ડાહ્યો દેખાવાની હોંશિયારીઓ મારૂં છું. આપણો માલ આપણે જાતે જ વેચવો પડે !
(રમેશ 'ટ્રોવા'સુતરીયા, મુંબઇ)

* સિંહોને ગુજરાતમાંથી ખસેડવાની હિલચાલ છે. તમને ય લઇ જશે?
- ના. એક દિલ્હી જાય છે તો બીજો અહીં રહેવો જોઇએ ને?
(જ્યોતિ શાહ, અમદાવાદ)

* ભારતના ડૉકટરો ઓછા પડયા તે સોનિયાજીને અમેરિકા જવું પડયું?
- ભારતના મોટા ભાગના ડૉકટરો ભાજપ તરફી છે...!
(નસીમા બારીયાવાલા, ગોધરા)

* અમદાવાદમાં ચાની લારીવાળો પહેલી ચા જમીન પર કેમ ઢોળી દે છે?
- તમને મારા વ્યવસાય અંગે કોઇએ ખોટી બાતમી આપી છે.
(ધીમંત ભાવસાર, બડોલી)

* લગ્નના ફેરા સાત હોવા છતાં આજકાલ ચાર ફેરામાં જ કેમ પતાવી લેવાય છે?
- ભ'ઇ, વરરાજા જેટલી શક્તિ બચાવશે, એટલી કામ આવશે!
(વૈભવ રાયચુરા, રાજકોટ)

* સાચા સંતની પરખ શું?
- સ્ત્રીઓ સિવાય કોઇ હાથ બી લગાડી ન શકે એ સાચો સંત.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* સમજદારની વ્યાખ્યા શું?
- કોઇ સમજદારને પૂછો.
(બટુક હીરાણી, ધોરાજી)

* સદભાવના સારી કે સત્કર્મ?
- ઓ ભાઇઓ ને ઓ બહેનો... હું અશોકરામ છું... આસારામ નહિ!
(મહેન્દ્ર ભાટીયા, મુંબઇ)

* અગાઉની સ્ત્રીઓને ૭-૮ બાળકો હોવા કૉમન વાત હતી... હવે એક જ સંતાનથી સંતુષ્ટ કેમ?
- મારાથી તો કોઇને ના સમજાવાય ને!
(વિભૂતિ ઓઝા, રાજકોટ)

* જીંદગીથી થાકેલાઓ માટેનો આખરી વિસામો ક્યાં?
- 'નૂર'પોરબંદરીનો શે'ર છે :
'હું મારા ઘરમાં રહી ખુદ મને મળી ન શકું,
ખુદા કોઇને કદી આમ લા-પતા ન કરે.'
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* તમે સ્ત્રીઓના જવાબ જલદી કેમ આપો છો?
- તમે શેમાં આવો છો?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* અમારે અહીં લીલા લહેર છે, ખાવું પીવું બીજાને ઘેર છે...!
- કોંગ્રેસમાં જોડાઇ ગયા?
(સૈયદ અકબરઅલી, ઈલોલ)

* 'ઍન્કાઉન્ટર'માં સવાલ પૂછનારાના નામો રીપિટ બહુ થાય છે... આપને ત્યાં ય ફિક્સિંગ છે?
- અભિનંદન. સવાલ-જવાબને છોડીને ફક્ત નામો વાંચવાનો આગ્રહ રાખનારા ય છે...!
(કુત્બુદ્દીન ગુલામઅલી વાલા, દાહોદ)

* ચારધામની યાત્રાએ જવાનો તમને વિચાર આવે ખરો?
- હઓ... વિચાર કરવાનો ક્યાં ખર્ચો આવે છે!
(જોગેશ ઘેબાણી, ધ્રાંગધ્રા)

* પેટ્રોલના ભાવોમાં સતત વધારો...?
- કોંગ્રેસને કાઢવા માટે પ્રજા પાસે કોઇ તો કારણ હોવું જોઇએ ને?
(રમેશ પી. શાહ, વડોદરા)

'* બિગ બૉસ'માં રાજેશ ખન્નાની 'ફ્રૅન્ડ'અનીતા અડવાણી... ડિમ્પલ વિશે સીધેસીધું બોલતી નથી...!
- બધા કાંઇ મારા જેવા હિંમતવાળા થોડા હોય?
(સીમા બી. પટેલ, સુરત)

* લેખકો માટે બે પત્નીઓ રાખવી નવાઇ નથી. તમારે કેમનું છે?
- ધારવાનું જ છે, તો મારા માટે રાણીવાસનું આયોજન કરો.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* અશોક દવે અને જય વસાવડા વચ્ચે શું તફાવત છે?
- એ તો સારો લેખક છે.
(રૂપેશ એન. કાચા, ગોંડલ)

* ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, કલીયુગમાં જુઠ્ઠાઓના હાથમાં દેશની સત્તા આવશે. તેઓ સાચા પડી રહ્યા હોય એમ નથી લાગતું?
- તેઓ આવું બોલ્યા ત્યારે અમારે બન્નેને પરિચય ન હતો.
(ઝુબૈદા યુ. પૂનાવાલા, કડી)

* વડાપ્રધાને કહ્યું હતું, 'પૈસા ઝાડ ઉપર નથી ઊગતા.'
- ચલો. એક વાતનું તો એમને નૉલેજ છે!
(જીતેન્દ્ર પટેલ, બ્રાહ્મણવાડા)

* ઘરનું કામકાજ કરવા બદલ પત્નીને પણ પગાર આપવાનો કાયદો ક્યારે અમલમાં આવશે?
- તમે તાબડતોબ બીજા લગ્ન કરી લો. એકમાં પહોંચી વળો, એવું લાગતું નથી!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* આપ ફૅસ-બૂક પર છો?
- સહેજ પણ નહિ. મારા નામે કોક ફૅસબૂક ચલાવે છે, જેની મને જાણ નથી. ટ્વિટર કે વૉટ્સઍપ... વગેરે મારા કામની ચીજો નથી.
(હાર્દિક ભટ્ટ, ભુજ)

* 'ઍન્કાઉન્ટર'માં રાજકોટના ચોક્કસ લોકોના જ સવાલો આવતા હતા, તે બંધ કેમ થઇ ગયા?
- આ કૉલમનો અંગત દુરૂપયોગ કરનારાઓને સ્થાન ન મળે.
(ડી.પી. ત્રિવેદી, રાજકોટ)

* પત્નીને 'અખંડ સૌભાગ્યવતી'કહેવાય તો પતિને એવું કેમ કાંઇ કહેવાતું નથી?
- મારો પૂરો ટેકો છે કે, મારી પત્ની સદા ય 'અખંડ સૌભાગ્યવતી'રહે.
(ધવલ ભાનુશાલી, કડી)

* 'ના કજરે કી ધાર, ના મોતીયોં કે હાર, ફિર ભી સુંદર હો...'સીધું કેમ નથી કહેતો કે, પેલી પાસે મૅઇક-અપના પૈસા લાગતા નથી!
- આવું ગામે ગામ કહેતા ફરવાનું હોય એટલે ભૂલ તો થાય, મારા ભ'ઇ!
(કામિની જયેશ મિસ્ત્રી, સુરેન્દ્રનગર)

બૅન્ક લૂંટાઇ કે...?

$
0
0
એક મોટી ચીસ...અને બૅન્કમાં ઊભેલા અમે બધા સજડબંબ. એક સાથે ૭-૮ લૂંટારાઓ હાથમાં રીવૉલ્વર સાથે ઘાંટાઘાટ કરતા ઝડપ-ઝડપથી ફરવા માંડયા. બૂમાબૂમ સાથે આ લોકોની સ્પીડ આપણને ગભરાવી મારે છે. બધાએ માસ્ક પહેર્યો હતો, એટલે એમાંનો કોણ બ્રાહ્મણ કે કોણ જૈન લૂંટારો હતો તે ઓળખાય એમ નહોતું. જો કે, એ બેમાંથી બ્રાહ્મણ કે જૈન તો કોઇ નહિ હોય કારણ કે, બા'મણભ'ઇને મૅક્સિમમ ઘાંટો પાડતા આવડે... બંદૂકો ફોડવાનું ના ફાવે. જૈનો ધંધામાં પાવરફૂલ હોય એટલે ઘાંટો ય પોતાનો ખર્ચી ન નાંખે... કોઇ કસ્ટમરના લમણે બંદૂક મૂકીને ઘાંટો ય વેચી મારે, ''મારા બદલે તમે ઘાંટો પાડશો? બૅન્ક લુટી લઉં પછી પચાસ રૂપિયા આપીશ... જય જીનેન્દ્ર.''

સ્ટાફ અને કસ્ટમરો થઇને અમે કોઇ ૨૦-૨૫ જણા હતા. મેં તો હજી સુધી છાતી-બાતીમાં એકે ય વાર ગોળી ખાધી નથી, એટલે ગોળીઓ ખઇ લીધા પછી મારા મુખમાંથી 'હે રામ'કેવું નીકળશે, એના તો રીહર્સલો ય ન કર્યા હોય ને?

તાબડતોબ અમને સહુને જમીન પર ઊંધા સુઇ જવાનો હુકમ થયો. હું ઊભો હતો, ત્યાં કોઇએ ચા ઢોળી હતી, એટલે ''જરા બાજુ પર સુઇ જઉં?''એવું પૂછવાની જીગર ચાલી નહિ. પણ હું ચોખ્ખાઇમાં માનું, એટલે ઢોળાયેલી ચા કરતા ત્રણ-ચાર ફૂટના અંતરે જઇને સુઇ ગયો. બૅન્કના કાઉન્ટર નીચેની ખાલી જગ્યામાંથી પેલે પાર સૂતેલી સ્ટાફની એક મહિલાને મેં સ્માઇલ આપ્યું, પણ એણે ન લીધું. એ ગભરાયેલી હતી. એનો ગભરાટ મારી બાજુમાં સુવાને કારણે આવ્યો છે કે લૂટને કારણે, એ તો ઊભા થયા પછી પૂછીશું... આવી શરૂઆતોમાં ઉતાવળો કદી ન કરાય! વળી, હું તો એનો દીકરો થતો હોઉં, એમ હોઠ પર આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ત્યાં બૅન્ક લૂટાઇ રહી હતી ને અહીં હું! બૅન્ક-રૉબર્સ હંમેશા ગ્રાહકોને ઊંધા સુઇ જવાની ધમકી આપે છે. અમે બધા ઊંધા પડયા હતા. પાણી વિનાના ખાલી હૉજમાં અમે તો ટાઇલ્સ ઉપર તરવા આયા હોઇએ, એવું લાગતું હતું.

મારી બાજુમાં સ્કૂલનો કોઇ માસ્તર પડયો હતો. ગાલને જમીન સોતા દબાવીને એ લાચારીથી મારી સામે જોઇ રહ્યો હતો, ત્યાં લૂંટારાઓએ લુખ્ખી આલી દીધી કે, ''અગર કિસી ને હિલને કી કોશિષ કી, તો ભૂનકે રખ દૂંગા...''માસ્તર ધીમા છપછપ અવાજે મને કહે, ''અહીં વ્યાકરણની ભૂલ છે. એ લોકો ઘણા છે અને બધા આપણને ભૂનવા માંગે છે તો, ''...રખ દૂંગા''ના બોલાય.. ''રખ દેંગે''બોલાય!

તારી ભલી થાય ચમના..! અત્યારે ય માસ્તરગીરી? મારા જમાનામાં સરખું ગુજરાતી નહોતું ભણાવ્યું, એમાં મારે લેખક થવાના દહાડા આવ્યા ને હજી તું છાલ છોડતો નથી?

માસ્તર ઝભ્ભો ને લેંઘો પહેરી લાવ્યા હતા. પતલા શરીર ઉપર એ બન્ને કપડાં ટકી કેવી રીતે ગયા હશે, એ ધારણા પૂરતો વિષય છે. શક્ય છે, લેંઘા સાથે નાડું પણ આવ્યું હોય. પાઉં-ભાજીના મોટા પાઉં વચ્ચે આંગળી દબાવો ને જે ખાડો પડે એવા બે ખાડા માસ્તરના ગાલ ઉપર હતા. કાળી ફ્રેમના ગોળ રિમના ચશ્મા વચ્ચેથી નીકળતું અણીયારૂં નાક સ્વિમિંગ-પૂલના ડાઇવિંગ બૉર્ડ ઉપર ઊભેલા છોકરા જેવું લાગતું હતું. ભીની ચાના કાળા દાણા જેવી એમની મૂછો વેરાયેલી પડી હતી. દાઢી આપણને એક વાર અડી આવવું ગમે, એવી ગોળ અને સમોસાના આકારની હતી. ગળાનો હૈડીયો એ થૂંક ગળતા હશે ત્યારે ગટુર-ગટુર બોલતો ઊંચો-નીચો થયે રાખતો હતો. મુંબઇની ચાલીના મકાનની કોક બારી ઉપર સૂકવવા મૂકેલાં કપડાંની જેમ કાનમાંથી એમના વાળ બહાર આવું આવું કરતા હતા, પણ પૂરા આવતા નહોતા. આખા પૅકૅજમાં માસ્તરને લો, તો બધું મળીને સૅકન્ડ-હૅન્ડ સોફા લીધો હોય, એવું લાગે.

''કૌન બોલા, બે?''એક લૂટારાએ માસ્તરના લમણા ઉપર રાયફલનું નાળચું અડાડીને પૂછ્યું...! માસ્તર એવા ફફડી ગયા કે, ચાનો રેલો હજી સૂકાયો ન હતો ને બીજો તાજો રેલો મારા મોંઢા સુધી આવ્યો! નસીબજોગે માસ્તર સવાલ નં. ૧ ઑપ્શનમાં છોડી શક્યા. આ બીજો રેલો જરા સ્પીડમાં આવતો હતો. બન્ને દ્રાવણોની સંયુક્ત સુગંધ મારાથી સહન થતી નહોતી, એટલે મેં મોઢું પેલી તરફ ફેરવ્યું. ત્યાં એક અજગર પડયો હતો... ઍનાકોન્ડાથી એકાદ-બે દોરા મોટો હશે! હતો કોક જાડીયો સાલો. અહીં નિયત કરેલા આયોજન મુજબ, અમારે ઊંધા સુવાનું હતું, એટલે ફ્લૉર પર એનું તોતિંગ પેટ ઢાળ સ્વરૂપે મોંઢા સુધી રગડતું આવતું હતું, એટલે નેહરૂ બ્રીજના ઢાળ જેવો આકાર મળતો હતો. તમારામાંથી કોઇએ રાજકોટ જતા હાઇ-વે પરથી ચોટીલાનો ડુંગર જોયો હોય, તો એ આકાર અહીં ધારી લેવો.

જાડીયો ગોરો ચીટ્ટો તો હતો, પણ માથે લશ્કરી-કટ વાળ કપાઇ લાવ્યો હતો. મૂછો હોઠના બન્ને ખૂણેથી નીચે ફંટાતી હોવાથી વાતવાતમાં ગભરાઇ જવાની આપણી માસ્ટરી ખરી. પહેલા મારે ગભરાવું, એવું હું નક્કી જ કરતો હતો, ત્યાં ફર્શ પર દબાયેલા ગાલે ગચ્ચું દયામણે મોંઢે બોલ્યું, ''તમે મને શૂટ તો નહિ કરી દો ને...?''

સાલા... હું તને ધાડપાડુ જેવો લાગું છું? દેખાવમાં તો હું સારા ઘરનો લાગું છું, એટલે બધા 'બદમાશો'બહારથી તો આવા જ લાગતા હોય...'એવો એને ભ્રમ ટીવી-ન્યુસ જોઇજોઇને થયો હોય!

નીચે સુતેલું એ પોલર બૅર (ધ્રૂવ પ્રદેશનું સફેદ રીંછ) જમીનમાં સીતામાતાની જેમ સમાઇ જવાને બદલે જમીન પર ટકી ગયું હતું. એ મારા સિવાય અન્યત્ર જોઇ પણ શકે એમ નહતો. મને એમ કે, આવા જાડીયાઓ જરાક આડા પડે તો હાલાં કરી જાય, પણ તેમ ન થયું. એણે મને ઈશારે-ઈશારે પૂછ્યું, ''શું થયું?''મેં કહ્યું, 'બૅન્ક લૂટાઇ લાગે છે...!'

પેલી તરફ લૂંટારાઓના હાકોટા અને પડકારા સંભળાતા હતા.

રીંછને જોયે રાખવા કરતા ઝીલ કે ઉસ પાર પડેલી બૅન્કવાળી મહિલા તરફ મોઢું રાખવું સારૂં. સંબંધ રાખ્યા હોય તો કોક 'દિ કામમાં આવે, એ ધોરણે મેં પહેલી વારનું પાછું આવેલું મારૂં સ્માઇલ પાછું મોકલાવ્યું. આ વખતે એ હસી. મને દુનિયાભરની બૅન્કોના સ્ટાફો માટે માનો થઇ ગયા. (આપણી વાક્યરચના જોઇ, બૉસ...? સાહિત્યમાં તદ્દન નવો પ્રયોગ!) પણ એ સ્માઇલ છેતરામણું નીકળ્યું. સ્ત્રીઓ જે કામ એક નાનકડા સ્માઇલ સાથે પતાવી નાંખે છે, એ માઇલું એ સ્માઇલ હતું. મને ઈશારાથી કહે, ''ઊભા થઇને એક-બે ને ઢાળી નાંખો ને...!''

સાલી આ તો લગ્ન પહેલા જ વિધવા થવાની તૈયારીઓ કરીને સુતી છે. મેં ના પાડી કે, મારાથી ન ઢળાય... મારી બા ખીજાય, તો કહે, ''મોબાઈલ પર પોલીસને ખબર આપો...''

મારે પર્મેનેન્ટ લોચા એવા લાગે છે કે, ૧૦૦ અને ૧૦૧ નંબરનું ભાન રહેતું ન હોવાથી પોલીસને બદલે ફાયરબ્રિગેડને ફોન થઇ જાય છે અથવા ઊલટું.

દરમ્યાનમાં લૂંટારાઓએ કૅશિયરને પકડીને ધીબેડયો હતો. બેવકૂફ કૅશીયર હશે કારણ કે, ભારતભરની બૅન્કોમાં એક સૂચના સ્ટાફને મળેલી હોય છે કે, બૅન્ક લૂંટાતી હોય તો લૂંટાવા દેવાની... પણ સામનો નહિ કરવનો. લૂંટ સામે પૂરો વીમો હોય છે. લૂંટની રકમ કરતા ચાલુ ડયૂટીએ ઢળી પડેલા સ્ટાફને નુકસાની ચૂકવવી બૅન્કને વધારે ભારે પડે છે. કોકને માર પડયો છે, એ જાણ્યા પછી અમારા બધામાં ફફડાટ વધી ગયો. માસ્તરે મોંઢેથી 'છીછ...છીછ'ના ઈશારે બોલાવીને એવો સંદેશો આપ્યો કે, ધીબેડવાની આ ઘટના પછી એમના હૃદયને ભારે ચોટ પહોંચી છે. જાડીયાએ પણ 'છીછ...છીછ'કર્યું. મને પૂછ્યું, ''હવે આપણને ય મારશે?''સાલું એ ત્રણે કરતા તો હું વધારે ફફડતો હતો... હું કોને પૂછવા જઉં?

દસ મિનીટમાં તો બધો ખેલ ખતમ થઇ ગયો. લૂંટારાઓ જતા રહ્યા. અમે સહુ તો ગળતેશ્વરની પિકનિકમાં કોક ઝાડ નીચે બે ઘડી આડા પડયા પછી, ધૂળો ખંખેરીને ઊભા થવાનું હોય, એમ ઊભા થયા. યાદ હોય તો આપણે નાના હતા ત્યારે સાવ લાલ-લીલા રંગના પાતળા કાગળનો પહેલવાન બનાવીને હથેળીમાં મૂકીએ, એટલે સૂતેલો પહેલવાન ગૂંચળું વળીને બેઠો થઇ જતો, એમ માસ્તર ઊભા થયા. જાડીયો એમ ઊભો થાય એમ નહતો. એને ઊભો થતા જોવો કોઇ ઍબ્સર્ડ કલાકૃતિ બને એમ હોવાથી અહીં વર્ણન કરૂં છું. એ ઊંધો પડેલો હતો, એ તો તમે જાણો છે. એ પછીનો ઘટનાક્રમ એવો થયો કે, લૂંટારાઓ જતા રહ્યા અને આ બાજુ ગૂંચળું છુટું થવા માંડયું. પહેલા તો એ આડે પડખે થયો. લાદી ઉપર કોઇ ધ્વનિ ન સંભળાયો. એ પછી એક હાથ વડે એણે જમીન ઉચકી જોઇ, જેમ હનુમાનજીએ મેરૂ પર્વત ઉચક્યો હતો, પણ આણે ઊંધો પર્વત ઉચક્યો હતો. હાથના પંજા ઉપર ખાસ્સું વજન આવવાને કારણે એના ગળામાંથી વિભિન્ન પ્રકારના અવાજો નીકળવા લાગ્યા. તાત્કાલિક બીજા હાથની મદદ લેવાઇ અને બન્ને હાથ જમીનમાં ખોડયા પછી ઢીંચણો વડે જોર અપાયું. એક ઝાટકો વાગ્યો અને જાડુ ઊભો થઇ ગયો, પણ ઊભા થયા પછી પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે, ''મારૂં પાકીટ કોઇ મારી ગયું?''

એને પેલા તો મારા ઉપર ડાઉટ પડયો કે, અડધી ઊંઘમાં મારાથી તો આ કરતબ થઇ ગયો નહિ હોય ને? મેં મારા ખિસ્સા તપાસ્યા તો મારૂં પાકીટ પણ નહિ.


બૅન્ક-સીક્યોરિટીએ સહુને બહાર જવા દેતા પહેલા બધાના ખિસ્સાં તપાસ્યા, તો જાડીયાના જૅકેટમાંથી મારૂં ય પાકીટ નીકળ્યું. દસ મિનીટમાં હું બે વાર લૂંટાતો બચી ગયો.

....પણ બૅન્કની પેલી મહિલાએ મારી પાસે આવીને પોતાનું કાર્ડ આપતા ધીમા અવાજે મીઠડા. સ્માઇલ સાથે કહ્યું, ''ક્યારેક ફોન-બોન કરજો...!''

હવે હું લૂંટાયો. 


 સિક્સર

કવિવિશ્વમાં આવતી કાલે જેનું નામ સ્વયં કવિતા બની જવાનું છે, તેવા અમદાવાદના યુવાન કવિ ભાવેશ ભટ્ટની આ ગઝલ જરા તપાસી જુઓ... કોક દિલ્હી જઇ રહ્યું છે, તે સંબંધમાં કેટલી પ્રસ્તુત છે!

 ''ક્યારે કીધું કે હક્ક આપો? અમને એકાદી તક આપો.
માન અમે તલવારનું રાખ્યું, ચાલો પાછું મસ્તક આપો.
જીતીશ જંગી બહુમતિથી, સન્નાટાની બેઠક આપો.
મને ત્રાજવા પર શંકા છે, જે કાંઇ આપો, ઉચ્ચક આપો.
હવા ને દીવાએ ઘર માંડયું છે, આ ઘટનાને શીર્ષક આપો.
સાચુકલા આઝાદ થવું છે, બે-ત્રણ ગાંધી હિંસક આપો.''

અમદાવાદના એ થિયેટરો ભાગ-૨

$
0
0

સેન્ટ્રલ ટોકીઝ - પ્રતાપ ટોકીઝ

ગાંધી રોડના ફૂવારા પરની ફક્ત ઈંગ્લિશ ફિલ્મો રજુ કરતી સેન્ટ્રલ ટોકીઝમાં સ્ક્રીનની આગળ મોટું સ્ટેજ હતું, જેથી નાટક કે કોઈ સભા યોજવી હોય તો યોજી શકાય. પણ ત્યાં કોઈ અપવાદરૂપે નાટક કે સભા થઈ હોય તો મારી જાણમાં નથી. મૂળ તો એ સ્ટેજ એટલા માટે હતું કે, ઇ.સ. ૧૯૩૧ પહેલા મૂંગી ફિલ્મો હતી અને ફિલ્મમાં શું ચાલી રહ્યું છે, તે સમજાવવા મોંઢા પાસે પતરાંનું ભૂંગળું રાખીને એનાઉન્સર મોટેથી બોલતો અથવા ગીત આવે, ત્યારે હાર્મોનીયમ- તબલાં લઇને સ્ટેજ પર કલાકારો વગાડતા. સેન્ટ્રલ અને પ્રતાપ આગળ-પાછળ. 'પ્રતાપ સિનેમાની ગલી'એ શબ્દો મશહૂર હતા. ભરચક એવી કે ગલીને નાકે ચાવાળાની દુકાને ભીડ ઓછી હોય એમ જૂની ફિલ્મોના ગીતોની 'ચોપડી'ઓ વેચતા પાટીયાવાળાને ત્યાં હીરો-હીરોઈનોના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા જોવા માટે ને જોઈને જતા રહેતા 'ગ્રાહકો'ની સંખ્યા નાની નહોતી. આખી ફિલ્મના ગીતોની ચોપડી બાર નવા પૈસામાં મળતી. અંદર થોડી મોટી જગ્યા આવે, ત્યાં સેન્ટ્રલ સિનેમાની 'રૂપીયાવાળી'વેચાય, એટલે ભીડ તો હોવાની. પ્રતાપ હતું તો મોટા મકાનવાળું સિનેમા પણ ફિલ્મો સેકન્ડ-રનની આવતી. આ થીયેટરનો ય એક રેકોર્ડ હશે કે, ઉંમર તો બીજા થીયેટરો જેટલી જ, પણ ત્યાં કોઈ નવી ફિલ્મ રીલિઝ થઈ હોય એ જાણમાં નથી. એક શિરસ્તો જાળવી રખાયો હતો કે, દર દિવાળીએ અહીં શમ્મી કપૂરની ફિલ્મ 'ઍન ઈવનિંગ ઈન પૅરિસ'જ હોય... બીજી કોઈ ફિલ્મ નહિ જ. આ થીયેટર ટેકરા ઉપર હતું ને પગથીયા ચઢીને ઉપર જવું પડતું. સેન્ટ્રલ સિનેમામાં ગ્રેગરી પેક, ડેવિડ નિવેન અને એન્થની ક્વીનની ફિલ્મ 'ધી ગન્સ ઓફ નેવરોન'આવી, ત્યારે એ વખતના ઈંગ્લિશ મુજબ, 'બે બંદૂકો'એવું નામ અપાયું હતું અને પતરાના બે ભૂંગળાને તોપ જેવો આકાર આપી ફિલ્મના હોર્ડિંગ્સ ઉપર બંદૂકોના પ્રતિરૂપે મૂકાયા હતા. ઈંગ્લિશ તો કોઈને આવડતું નહોતું ને અઘરા અઘરા નામો બોલતા ન આવડે, માટે સેન્ટ્રલ થીયેટરવાળાઓ દરેક ફિલ્મના હિંદી નામો કરી આપતા. પ્રતાપમાં The Sons Of Thunder આવ્યું, તેનું નામ 'કફન કી ફિકર નહિ'પાડવામાં આવ્યું હતું. અહીં આવા નામો બહુ ચાલતા, એટલે મને તો ડર છે કે, અમેરિકામાં આ ફિલ્મો ઉતારનારા ધોળીયાઓને પસ્તાવો થતો હશે કે, ફિલ્મ ભલે ઇંગ્લિશમાં બનાવી... નામ હિન્દી રાખવા જેવું હતું!

એલ.એન.અને લક્ષ્મી

ઘીકાંટાની વચ્ચોવચ એલ.એન. અને લક્ષ્મી નામના જોડીયા થીયેટરો આવ્યા હતા. લક્ષ્મીનો અર્થ તો મૂકેશ અંબાણીથી માંડીને રણછોડભ'ઇ મફા'ભઇ પટેલ, બધાને ખબર છે, પણ 'ઍલ.એન.'નો મતલબ શું, એની ખબર અમદાવાદીઓને કદી પડી નહિ. બન્નેના માલિકો તો એક હતા- વિનુભાઇ પંચાલ, પણ બન્ને થીયેટરોની બાંધણી એકબીજાથી વિપરીત હતી. એલ.એન.માં જવા માટે બસ્સો મીટર ચાલવું પડે ને એ પછી થીયેટરે ય ઘણું લાંબુ. લક્ષ્મી ફૂટપાથ ઉપર (આઇ મીન, 'લક્ષ્મી ટૉકીઝ'ફૂટપાથ ઉપર) અને પગથીયા ચઢીને ઉપર જાઓ કે તરત હાઉસ આવે. 'એક ફૂલ, દો માલી'ફિલ્મ એલ.એન.માં આવી હતી અને લક્ષ્મીમાં 'દસ લાખ.'બન્નેમાં સંજય ખાન હીરો અને બન્નેમાં સંગીત રવિનું. આજે નવાઇ લાગે કે, આજના મલ્ટિપ્લેક્સના જમાનામાં એ વખતના તો બધા થીયેટરો ઘણા સામાન્ય હતા, એટલે દેખાવમાં કે ચેહરે-મોહરે કે સગવડ-ફગવડમાં બધા સિનેમા સરખા. રૂપાલી અને નટરાજ સિનેમા શરૂ થયા ત્યારે શહેરની પ્રજા થોડી અંજાઇ હતી, બિલ્ડિંગની ભવ્યતાથી. એટલે એલ.એન. અને લક્ષ્મી પણ અન્ય થીયેટરની જેમ કોઇ રૂપકડા નહોતા. સાચું પૂછો તો પ્રજાએ હજી સુધી ભવ્યતા જોઇ જ નહોતી. રીલિફનું ઍર-કન્ડિશન કે વૉલ-ટ-વૉલ કાર્પેટ પણ જો વૈભવી ઠાઠ ગણાતો હોય, તો સમજી શકો છો કે,બાકીના તો કેવા હશે! એલ.એન. અને લક્ષ્મી પણ એ સમયે મિડલ-ક્લાસ ઠાઠથી ઊભા રહી શકતા.

અલંકાર

અલંકાર સિનેમા એ વખતે રેલ્વે સ્ટેશનની સામે હતું, પણ ફિલ્મોના ક્રૅઝને કારણે રેલ્વે સ્ટેશનનું સરનામું 'અલંકાર'ની સામે કહેવાતું. એ પહેલા તો એ સરસ્વતિ થીયેટર થીયેટર કહેવાતું. નવારૂપ રંગ સાથે મોટા ભાગે ઇ.સ.૧૯૬૦માં શમ્મી કપુરની ફિલ્મ 'જંગલી'થી પ્રારંભ થયો, ત્યારે હજારોની મેદની વચ્ચે શમ્મી કપૂરે ઉપસ્થિત રહીને સિનેમાના પગથીયે ઊભા રહીને 'યા....હૂ'ની ગર્જના કરીને લોકોને ખુશ કરી દીધા હતા. અહીં નંદા-મનોજ કુમારની ફિલ્મ 'ગુમનામ'આવી, ત્યારે અમારી ખત્રી પોળના રિવાજ મુજબ, કોઇ સસ્પૅન્સ ફિલ્મ આવે તો પહેલી જોઇ આવવાની અને બીજાને જોવાની હજી બાકી હોય છતાં , પોકળને નાકે આવીને બધાને બૂમો પાડી પાડીને કહી દેવાનું, ખૂની કોણ છે!

મધુરમ

મૂળ સુરભી થિયેટર વર્ષો પછી લિબર્ટી ટૉકીઝ બન્યું અને એ પત્યું, એટલે મધુરમ ટૉકીઝ બની. માત્ર ઇંગ્લિશ ફિલ્મો લાવીને એક રીતે આ થીયેટરવાળાઓએ અમદાવાદની પ્રજા ઉપર ઉપકાર કર્યો હતો, નહિ તો ગુજરાતમાં એવા શહેરો તો અનેક હતા, જ્યાં ઇંગ્લિશ ફિલ્મો કદી ન આવે. અમદાવાદીઓને બે જ પ્રકારની ઇંગ્લિશ ફિલ્મો ગમે, ફાઇટિંગની અને સૅક્સની. ઇંગ્લિશમાં સમજ પડવી જરૂરી નહોતું. પણ હિંદી ફિલ્મોના હીરાઓ કરતા સાલા ઇંગ્લિશ હીરાઓ અસલી ફાઇટીંગ કરતા, અસલી ચુંબનો કરતા ને બધું અસલી અસલી કરે જતા. જે કૉલેજે મને ગ્રૅજ્યુઍટ બનાવ્યો, તે અમદાવાદ કૉમર્સ કૉલેજની સામે જ આ થીયેટર હોવાથી ભણવા કરતા ઇંગ્લિશ ફિલ્મોની સમજણ વધુ પડતી. ઍડવાન્સની જેમ અહીં પણ દર અઠવાડીયે ફિલ્મ બદલાય. હું અમદાવાદમાં આવેલી તમામ ઇંગ્લિશ ફિલ્મો જોઇ ચૂક્યો છું, એના એક કારણમાં એ પણ ખરૂં કે બન્ને થીયેટરોના માલિકો અને સ્ટાફ આદર આપતા હોવાથી મારી પાસે ક્યારેય ટિકીટના પૈસા લીધા નથી. 'ગુઝર ગયા, વો જમાના કૈસા, કૈસા.....!'

નટરાજ

આશ્રમ રોડ પર લાઇફ ટાઇમ ગમે તે બીલ્ડિંગો બનાવો, એ વિસ્તાર તો 'નટરાજ સિનેમા'ના નામે જ ઓળખાવાનો. વિદ્યાધામ ઉપર કલાધામનું આધિપત્ય જુઓ, એ જમાનામાં છોકરીઓને કારણે અમારા બધા માટે યાત્રાધામ બની ચૂકેલી એચ.કે,કૉલેજ એ વખતે કે આજે પણ 'નટરાજની સામે'વાળા સરનામે ઓળખાય છે. ફિલ્મોનો એ પ્રભાવ હતો. બ્રૂસ લિ ની પહેલી ફિલ્મ 'એન્ટર ધ ડ્રેગોન'નટરાજમાં આવી ત્યારે, 'અહીં ઇંગ્લિશ પિક્ચર....?'વાળું આશ્ચર્ય કોઇને નહોતું થયું કારણ, આ સિનેમાની શરૂઆત જ રૅક્સ હૅરિસન, ઇલિઝાબેથ ટૅલર અને રિચર્ડ બર્ટનની ઇંગ્લિશ ફિલ્મ 'ક્લિઓપૅટ્રા'થી થઇ હતી. 'ધી સાઉન્ડ ઑફ મ્યુઝિક'નો હીરો રૅક્સ હૅરિસન ( જેણે આપણા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક કૃષ્ણા શાહની હિંદી ફિલ્મ 'શાલીમાર'માં પણ કામ કર્યું હતું, તે) નો દીકરો એકાદ ફિલ્મમાં હીરો બન્યા પછી એવો નિષ્ફળ ગયો કે, આજે પણ અમેરિકાની ફૂટપાથ પર છાપા વેચવાનું કામ કરે છે...! જોઇ લો. 'ક્લિયોપૅટ્રા'માં રૅક્સ હૅરિસન મિસરના શહેનશાહના કિરદારમાં ... અને વાસ્તવિકતામાં એનો છોકરો છાપા વેચે!

આખા ગુજરાતમાં એવું તો કોઇ થીયેટર નહોતું જે પાંચ-છ માળોનું હોય ને એમાં અનેક ઑફિસો આવેલી હોય! નટરાજ પહેલું સિનેમા હતું, નવું નક્કોર વૅસ્પા લઇને આવ્યો હોવાથી ઇન્ટરવલમાં ભાગમભાગ નીચે ઉતરીને પાર્કિંગમાં જોઇ આવ્યો હતો કે, 'આપણું સ્કુટર તો સલામત છે ને? મનમાં દુઃખ ખરૂં કે, પાર્કિંગના પચ્ચાસ પૈસા લે છે તો થોડું પૅટ્રોલ પૂરાઇને આ લોકોએ પાછું આપવું જોઇએ ને?

રૂપાલી

નટરાજની જેમ લાલ દરવાજે રૂપાલી થીયેટરના આવવાની સાથે શહેરના થીયેટરોની દિવાલો ઉપર મોટા જાયગૅન્ટિક હૉર્ડીંગ્સ મૂકાવવાનો જમાનો પૂરો થયો. આખા સિનેમાની બહારની મુખ્ય દિવાલ પર બસ એક જ હૉર્ડીંગ એ તે પણ કોઇ ચાર્મ વિનાનુ. નહિ તો રીલિફ, કૃષ્ણ, રીગલ, રૂપમ કે ઇવન મૉડેલ સિનેમાની દિવાલો ઉપર ખૂબ મોટી સાઇઝના બે-ત્રણ હૉર્ડીંગ્સ મૂકાતા અને અંદર કોઇ ફિલ્મ ચાલી રહી હોવાની જાણ બહારથી જોતા અજાણ્યાને પણ થતી. રૂપાલીમાં તો 'શોલે'પણ એક મોટા પોસ્ટરમાં પત્યું હતું. પણ રૂપાલી એના વિરાટ પહોળા પગથીયાવાળા બહારી દેખાવને કારણે દૂરથી પણ મનોરમ્ય લાગતું હતું. આજે એકે ય થીયેટરની બહાર પાણી ેવેચનારી નાનકડી છોકરીઓ દેખાય છે? રૂપાલીની બહાર દસ દસ પૈસામાં પ્રેક્ષકોને પાણીનો ગ્લાસ ભરીને આપતી નાનકડી છોકરીઓ જેવી અન્ય છોકરીઓ લગભગ બધા થીયેટરોની બહાર જોવા મળતી. એ તો આજે પૉપ કૉર્ન અને પૅપ્સી લૂટના ભાવે ખરીદવામાં શાનોશૌક્ત બતાવી શકાય છે, પણ એ વખતે ઇન્ટરવલમાં બહાર ખારી સિંગ કે ચના જોર ગરમ સિવાય બીજું કાંઇ મળે નહિ. અહીંના લાલગુલાબી લાલાઓ અસલ કાબુલ ના પઠાણો હતા.ગુજરાતભરમાં સૌથી પહેલો ૭૦ એમ.એમ.નો પડદો રૂપાલીમાં લાગ્યો હતો, એટલે રાજ કપુરની ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વર્લ્ડ'આવ્યું, ત્યારે ૭૦ એમ.એમ એટલે શું હશે, તે જોવાની તાલાવેલી હતી. કમનસીબે એ ફિલ્મને કારણે ભારતમાં સર્વપ્રથમ ૭૦ એમ. એમ.ના કૅમેરામૅન જી.સિંઘથી જે કાંઇ લોચો વાગી ગયો હશે, તે મોટા પરદે પહેલીવાર ફોટોગ્રાફી કરવામાં ઍક્ટરોના માથા કપાઇ જતા અને કપાળથી નીચેનો ચેહરો જ જોઇ શકાતો. આ સિનેમાની બરોબર બાજુમાં, એ વખતના સ્ટાઇલિશ કૉલેજીયનો માટે 'બાંકુરા'નામની હૉટેલ હતી, જ્યાં પરવિન બાબી નિયમિત કૉફી પીવા આવતી.

રૉઝી- વસંત

અમારી પેઢીમાં જીવી ગયેલાઓમાંથી પણ ઘણાને આજે ય ખબર નહિ કે સારંગપુર દરવાજાની સામે પાર કોઇ રૉઝી ટૉકીઝ હતી. કોઇ માંદલી ડોસીને ગામલોકોએ ગામની બહાર ઝૂંપડી બાંધીને રહેવા આપી હોય, એમ અહીં મિલમજૂરોને ધ્યાનમાં રાખીને ટૉકીઝ બનાવાઇ હશે, નહિ તો આટલી હદે અમદાવાદમાં કોઇ સિનેમા 'નીગ્લૅક્ટેડ'ન રહે! રૉઝી ટૉકીઝ પાસે બહુ વિશાળ મેદાન હતું અને તેનો કાંઇ પણ ઉપયોગ કરવાનો હોય, એની એના માલિકોને ચિંતા નહોતી. અહીં પ્રેક્ષકો બાલ્કનીના હોય કે લૉઅર સ્ટૉલ્સના, સ્તર બધાનું સરખું. સખ્ત તાપમાં ટૉકીઝની અંદરના પંખા ઇવન માલિકોની મરજીના પણ મોહતાજ નહિ. ચાલવા હોય તો ચાલે! પરિણામે પ્રેક્ષકોને શર્ટ કાઢીને બેસવાની ફાવટ આવી ગઇ હતી. લોકલાજ જેવું ય કાંઇ હોય છે, નહિ તો....?

તો બીજી તરફ ઇદગાહ ચૉકીની પછવાડે વસંત નામની પણ એક ટૉકીઝ હતી. સિનેમા બાંધવાનો ખર્ચો દારા સિંઘે આપ્યો હોય,એમ એની બહુ ફિલ્મો અહીં આવતી... અફ કોર્સ, નવી નક્કોર નહિ.... સેકન્ડ-રનમાં જ! ગોમતીપુરની ઉષા ટૉકીઝ હોય કે શાહેઆલમ પાસેની શાલીમાર, આરાધના કે મીરા ટૉકીઝ હોય, શહેરના પ્રેક્ષકો અહીં સુધી પહોંચી શકતા નહિ અને આજ વિસ્તારના જે લોકો પહોંચી શકતા, એમને આપણે પહોંચી શકીએ તેમ ન હોવાથી શહેરના લોકો શર્ટ પહેરવાનું વધુ પસંદ કરતા.

આશ્રમ રોડ પરની અદ્યતન અને શહેરનું નામ રોશન કરે એવી ટૉકીઝો, શ્રી અને શિવ, દીપાલી શહેરમાં બહુ મોડી મોડી ચાલુ થઇ. એમાં આપણા જમાનાની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો આવતી ન હોવાથી અહીં ઉલ્લેખ ટાળ્યો છે. ગુજરાતના અન્ય શહેરોમાં મેં ફિલ્મો જોઇ નથી, એટલે જ ભવ્ય ઇતિહાસ હોવા છતાં જામનગર, રાજકોટ, સુરત વડોદરા કે ભાવનગરના સિનેમા ઘરો વિશે હું ન જાણતો હોઉં. જેમ કે સાબરકાંઠામાં પહેલું કાયમી થીયેટર વિનાયક ટૉકીઝ બન્યું, તેમાં હોમી વાડીયાની ફિલ્મ 'બુરખેવાલી'થી પ્રારંભ થયો. બહુ ભાગ્યે જ બને, તેમ જોન કાવસ વિનાની આ ફિલ્મમાં નાદીયા, સરદાર મનસુર અને હબીબ 'સૅન્ડો'હતા. આ સિનેમાના માલિક શ્રી. બાબુભાઇ કોઠારી (૯૦)એ મને આ માહિતી આપી છે. આ કૉલમમાં અગાઉ આપણે વાંચી ગયા તેમ નાદીયા-જોન કાવસની ફિલ્મ મીસ ફ્રન્ટીયર મૅઇલ'અમદાવાદના રીગલ સિનેમામાં આવી હતી.

બચપણ લૉકરમાં નહિ મૂક્યું હોય તો એ જમાનામાં અમદાવાદમાં આ બધા પાકા થીયેટરોની સામે એક લારી થીયેટર પણ ચાલતું હતું. એની લોકપ્રિયતા ય કમ નહોતી. અશોક કુમાર જેવા ચેહરો, સફેદ વાળ, કાયમ સફેદ ખમીસ અને લેંઘો પહેરતા એક ચાચા દસ દસ પૈસામાં ફિલ્મના ટૂકડા બતાવે. ચાર પૈંડાની લારી ઉપર આજની ભાષામાં હૉમ-થીયેટર ગોઠવ્યું હોય. આજુબાજુ છ છોકરાઓ જોઇ શકે, એટલી કાચની બારીઓ હોય, દેસી પ્રોજૅક્ટર ઉપર કોઇપણ ફિલ્મનું એક રીલ હાથ વડે ફેરવીને મૂંગી ફિલ્મ બતાવાતી. માંડ ત્રણ મિનીટ એ ફિલ્મ ચાલતી. દરમ્યાન ચાચા બીડી પીતા પીતા છોકરાઓના માથે હાથ ફેરવી અચાનક બીડી ગૂમ કરવાનું જાદુ બતાવી અમને ખુશ કરી દેતા.

એક એક ફિલ્મ જોવા માટે આપણે કેટલો ભોગ આપ્યો છે, તે આજની પેઢીના છોકરાઓને અણસારો પણ નહિ આવે, જ્યાં માત્ર રૂ.૨૦/-માં નવી ફિલ્મની ડીવીડી મળી જાય અથવા તો ઇન્ટરનૅટ પરથી તદ્દન ડાઉનલૉડ કરી શકાય, જ્યાં ઇચ્છા ત્યાં પૉઝ કરી શકાય કે રિવાઇન્ડ કરીને જોયેલું દ્રષ્ય અનેક વખત ફરી જોઇ શકાય. મને યાદ છે. 'યે દિલ ન હોતા બેચારા, કદમ ન હોતે આવારા....'ગીતમાં દેવ આનંદની ફક્ત ચાલ જોવા મેં ફિલ્મ 'જ્વૅલ થીફ'પંદર કે સોળ વખત જોઇ હતી ને પૈસા ખૂટી ગયા એટલે આગળ જોઇ ન શક્યો આજે એજ ફિલ્મની ડીવીડી ઉપર દેવ આનંદની એ જ ચાલ ફરી ફરી જોઇને યાદ કરૂં છું, 'ગુઝર ગયા, વો જમાના કૈસા, કૈસા...?'

(આવતા અંકથી જૂની ફિલ્મોના રીવ્યૂ ચાલુ રહેશે.)

ઍનકાઉન્ટર : 13-10-2013

$
0
0
* પતિ જો પત્નીને સંપૂર્ણ સમર્પિત થઈ જાય તો ઘરમાં શાંતિ રહે ખરી ?
- તમારૂં દુઃખ સમજી શકું . સંસારમાં આજે ય એવા ગોરધનો પડયા છે, જેમને પત્નીને સંપૂર્ણ સમર્પિત થઇને આયખું પૂરૂં કરવું પડે છે... બિચારાને શાંતિ સિવાય તો બીજું કોઇ સુખ જ નહિ ને?
(પ્રણવ અને રીટા દવે, ન્યુજર્સી-અમેરિકા)

* લગ્ન માટે તમારા પત્નીએ તમને જ કેમ પસંદ કર્યા?
- એ વખતે આખી બ્રાહ્મણ જ્ઞાતિમાં મારાથી વધારે સ્ટુપિડ બીજો કોઇ દેખાતો નહતો!
(જ્યોતિ બા/દર્શના બા/નમ્રતા બા, જામનર)

* 'બા તો ખીજાય,'પણ 'પપ્પા ખીજાય'એવી કોઇ વ્યવસ્થા થાય એમ નથી?
- એ તો તમને ય પપ્પાને મળ્યા એવા (વાઇફજી...) બા મળ્યા હોત તો ખબર પડત કે, બા ઉપર ખીજાવાનું તો ગોયરૂં .....મોંઢા ય ચઢાઇ શકાતા નથી!
(અશ્વિન એ. દેસાઇ, હ્યુસ્ટન, અમેરિકા)

* શેરીનાં કુતરાં પાસેથી વફાદારીના પાઠ સિવાય બીજું શું શીખવા જેવું છે?
- ચોખ્ખાઇના પાઠ. જ્યાં જાઓ ત્યાં થાંભલો પહેલા ગોતી લેવો.
(અમરસિંહ વાઘેલા, ન્યુયૉર્ક-અમેરિકા)

* સ્મશાનના લાકડાં હોળી માટે વેચાયા... બ્રેકિંગ ન્યૂજ....!
- એનાથી ઊલટું ન થાય ત્યાં સુધી આપણે સહુ નસીબદાર.
(રમેશ સુરતીયા- ટ્રોવા, મુંબઇ)

* પ્રશ્ન પૂછનારે પોતાનો મોબાઇલ નંબર લખવો ફરજીયાત છે, તો જવાબ આપનારે કેમ નહિ?
- જવાબ આપનારો એની પર્સનલ લાઇફમાં બહુ બૉરિંગ માણસ છે.
(મયુરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* યમરાજાનું વાહન પાડો હોવા છતાં કોઇના મૃત્યુ વખતે કૂતરૂં કેમ રડતું હોય છે?
- જેની જેની ટેવ... આપણે શુ કામ કોઇની પર્સનલ લાઇફમાં પડવું?
(મધુકર માંકડ, જામનગર)

* સુખની વ્યાખ્યા શું?
- સવારે ખુલાસો ચોખ્ખો આવે એ.
(હરીશ કે. અસવાર,જામનગર)

* દવે સાહેબ. સાચું કહેજો. આપ આસ્તિક છો કે નાસ્તિક?
- ઇશ્વર સાથે ડાયરૅક્ટ- ડાયલિંગ હોવું જોઇએ. વચમાં સ્વામીજી, ગુરૂજી, બાપાજી કે મહારાજશ્રીઓ ન જોઇએ.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* 'સુનો સુનો અય દુનિયાવાલોં , બાપુ કી યે અમર કહાની...'ગીત હવે કેમ સંભળાતું નથી?
- તમારૂં સીડી પ્લૅયર રીપૅર કરાવી લો. પિન-બીન બગડી હશે !
(જગદિશ આર. શાહ, રાજકોટ)

* સ્ત્રીના આંસુઓનો તમને કેવો અનુભવ થયો છે?
- હું તો તરત 'નિર્જીવદયા નેત્રપ્રભા'ની બાટલી લાવી આપું છું.
(નિરંજન વૈષ્ણવ, જુનાગઢ)

* રડતી સ્ત્રીઓ આંસુ લૂછવા માટે રૂમાલ નાનો કેમ રાખે છે?
- ટુવાલ તો બહુ મોટો પડે!
(પ્રબોધ જાની, વસઇ - ડાભલા)

* સ્ત્રીઓમાં તોતડાપણું કેમ નથી હોતું?
- તોતડાઓ બોલે ત્યારે એક-બબ્બે અક્ષરો કપાતા હોય છે..સ્ત્રીઓને એટલો લૉસ ના પોસાય!
(ધીમંત ભાવસાર, બડોલી)

* તમને પૂછતાં સવાલોનું સ્ટાન્ડર્ડ કેવું લાગે છે? કેટલાક તો ગતકડાં કાઢે છે...!
- ક્રિકેટમાં કહેવત છે, 'A captain is as good as his team...'!
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

* 'મુહબ્બત કી જૂઠી કહાની પે રોયે...'સુઉં કિયો છો?
- અમે તો સાચીમાં ય ભરાઇ ગયા છીએ, બોન...!
(જ્યોત્સના ગુલાબ હિંડોચા-રાણાવડવાળા)

* દાદુ, તમે ગરીબ બ્રાહ્મણ ખરા?
- ખાલી બ્રાહ્મણ કહો ને... એમાં બધું આવી જશે!
(દિપક આશરા, ગાંધીનગર)

* શું આજની સ્ત્રીઓ બહુ ભોળી હોય છે?
- કાલે ખબર
(શંકર પંચાલ, લુદરા- દિયોદર)

* આપના જેવા લેખકે ચૂંટણીમાં ઝંપલાવવું જ જોઇએ?
- ઓકે .... મતલબ કે, જામનગરમાં મારી છાપ બહુ સારી નથી...!
(અરવિંદ આર. પટેલ, જામનગર)

* ઇશ્વર મોદીને મૌન અને મનમોહનને વાણી આપી દે તો શું થાય?
- મોદીને મૌન રાખવું પડે, એટલું બોલતા સાંભળ્યા નથી ને મનમોહનને વાણી ....? લંગડો લાત મારે, એવી વાત ન કરો!

* વાઇફ વગરની લાઇફ નહિ...સુઉં કિયો છો?
- એ તો વાઇફનો જોઉં, પછી ખબર પડે!
(સતીષ એચ. મેહતા, મુંબઇ)

* ભગવાન કામ પતાવી આપે, પછી ભક્તો ભૂલી કેમ જાય છે?
- તે ક્યાં સુધી યાદ રાખે જવાનું હોય...? આપણે બીજો કોઇ કામધંધો હોય કે નહિ ?
(ફાલ્ગુન મહેરીયા, કઠલાલ)

* શું ભાજપ અને કોંગ્રેસ એક થઇ જાય તો દેશનું વધારે ભલું ન કરી શકે?
- એ બન્નેમાં તમને આટલું સારૂં તત્વ ક્યું દેખાયું?
(હરિભાઇ ભીમાણી, ગોંડલ)

* સાચી ફીલિંગ્સ ગુજરાતી ગાળો બોલવામાં આવે છે, છતાં લોકો ઇંગ્લિશ ગાળો કેમ બોલે છે?
- ગાળો તો મૂંગી ય બોલાય ..... મૂંગો ગાળ દેતો હોય તો એના હાથ બાંધી રાખવા પડે!
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* લગ્ન વખતે તમે ઘોડે ચઢ્યા હતા કે ગાડીમાં બેઠા હતા?
-અમારા વખતમાં ટારઝન જેવી દોરડા-પધ્ધતિ હતી...લટકી લટકીને માંડવે પહોંચવાનું?

* WWF ચૅમ્પિયન ધી ગ્રેટ ખલી અને ડૉ. મનમોહન શું કદી ય કાંઇ બોલી શકશે ખરા?
- ખલી એક વાર બૉક્સિંગ રીન્કમાં બોલ્યો હતો, ''વોય માડી રે...મરી ગયો!''મનુભ'ઇને યાદ કરીને દેશનો નાગરિક આવુ બોલે છે!
(ધર્મેશ ગોસ્વામી, આમોદ-જૂનાગઢ)

* રાહુલ ગાંધી વિશે કહેશો?
- બાળકોને લગતા સવાલો અમારી 'ઝગમગ'પૂર્તિમાં પૂછવા.
(શ્વેતા રાહુલ પટેલ, સુરત)

એક અનોખી પ્રેમકથા

$
0
0
લતા પટેલ : ઉંમર ૮૨ વર્ષ પૂરા.

મસ્તુ મેહતા : ઉંમર ૮૩ વર્ષ પૂરા.

દરજ્જો : એક જમાનામાં પઇણતા- પઇણતા રહી ગયેલા. પ્રેમ પણ થઈ જ ગયેલો વળી. બીજા બે મરવાના થયેલા એટલે આ બન્ને લગ્ન કરી શકેલા નહિ. આજે ૬૦ વર્ષો પછી બન્ને અચાનક પરિમલ ગાર્ડનમાં મળી જાય છે.

પહેલી નજરે તો એકબીજાને ઓળખી ન શકાયું. બીજી નજરે ય ખાલી ગઈ... ચોવીસમી- પચીસમી નજરે ઝીણકું- ઝીણકું યાદ આવવા માંડયું ને પછી તો સાંગોપાંગ યાદ આવ્યું ત્યારે ચારે આંખો હેન્ગ થઈ ગઈ. નજીક આવવું જ પડયું. પહેલ કરી લતાએ... એ જમાનાની જેમ !

''તમે.. તમે મસ્તુઉઉઉ...''ગભરાહટમાં 'તુ'બહુ લંબાઈ ગયો.

''તું લતા.. ? તું...તું અહીં ક્યાંથી ?''મસ્તુભ'ઇએ ખોંખારો રોકીને પૂછ્યું.

''હું તો આ ગાર્ડનના માળીની દીકરી છું એટલે ફૂલડાં વીણવા આઇ'તી...!''એવો જવાબ તો કોઈ ન આપે, પણ આવી ઘટનાઓમાં આપણાથી ય પહેલો સવાલ આવો ઢંગધડા વગરનો જ પૂછાઈ જાય છે કે, ''તમે અહીં ક્યાંથી ?''

''મસ્તુ... ઓહ... આજે કેટલા વર્ષે તને જોયો ? ઓહ, આઇ જસ્ટ કાન્ટ બીલિવ ઇટ.''લતાએ નીચે જોઈને અંગૂઠા વડે જમીન ખોતરવાનો પ્રયત્ન કર્યો, પણ સેન્ડલ્સ હાઇ-હિલ્સના હતા. ન ખોતરાઈ... જહે નસીબ ! પણ પંદર વર્ષની પન્ના પટેલ જેવું હવે એ કાંઈ ન શરમાય. આ ઉંમરે તો મોંઢા ય શેના ચઢાવાય... ચઢાઈએ તો ઘેર જઈને બા ખીજાય ! લતાએ કોઈ પણ સમજણ કે તૈયારીઓ વગર મસ્તુનો હાથ પકડી લીધો.
લતાએ બ્લેક જર્સી અને ખાખી પેન્ટ પહેર્યું હતું. વાળ સફેદ પણ ગરદન સુધીના જ. છૂટા અને સ્ટાઇલિશ- શેમ્પૂ કરેલા. અમેરિકામાં ૩૪ વર્ષ રહી છે અને ઇન્ડિયા સમજો ને... લગભગ દર વર્ષે એક આંટો ખરો. લતા ફ્લ્યૂઅન્ટ ઇંગ્લિશ બોલે, પણ જનમ પાછો પટેલમાં લીધો એટલે 'ફોર'કે 'ફાધર'બોલવામાં 'ફાફડા'નો 'ફ'બોલે. પણ ભલે ૮૨- થયા, સુંદરતા બરકરાર હતી. જુવાનીયાઓને લતા ઉપર નજર ચીપકાવવી ગમે એવી. 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી...'ના ધોરણે એના જમાનામાં તો લતાના નામના યુવાનોમાં સિક્કા પડતા'તા, પણ આજે ય... ૮૨-ની ઉંમરે ૬૦-વાળી ડોસીઓને કૉમ્પ્લેક્સ આપી શકે. એટલી સુંદર (અને સેક્સી પણ) લાગે!

મસ્તુભ'ઇ એવા જ. હજી એવા જ ! તબિયતના રંગીન એટલે શરીર પરફેક્ટ જળવાઈ રહેલું. ઉંમર આવી હતી, ઘડપણ નહિ. આ ઉંમરે સહેજ પણ બેફિકરાઈથી નહોતા જીવતા. કપડાં અપ-ટુ-ડેટ, દાઢી રોજ કરવાની, હેર-ડાઇ તો પહેલેથી પસંદ નહોતી. પરફ્યૂમ ફ્રૅન્ચ સિવાય તો અડે નહિ. ઇન્સર્ટ કરેલા શર્ટની બાંયો થોડી રાલ-અપ કરેલી.... ધોતિયામાં આ બન્ને સગવડો ન હોવાથી ધોતીયું એમણે ક્યારેય ન પહેર્યું. પૂણી જેવા સફેદ વાળમાં તેલ-ફેલ નાખવાનું નહિ, એટલે સહેજ પવન આવે ત્યારે ફરફરતા વાળ એમના ચેહરા ઉપર તોફાનમસ્તી છમછમાવી દેતા. પરિમલ ગાર્ડનમાં તો રોજ આવવાનું. અહીં બેસવાનું ગમતું. મોટા ભાગના મોર્નિંગ વૉકર્સ આંખને ઠંડક આપે એવા... (ભૂલ સુધાર : 'એવા'નહિ... 'એવી' ! ભૂલ પૂરી.)

જ્યારે કાંઈ કરવાનું ન હોય ને અમથુ બેસવાનું હોય, એ વૈભવ તો નિવૃત્તિ પછી જ મળે છે. ઘેર ડોસી દર બબ્બે મિનિટે 'મારો શામળિયો.... ને મારો નટવર ગીરધર...'કરે રાખે, એમાં મસ્તુભ'ઇ હવે બોર થતા હતા. કહે છે કે, '૫૬- '૫૭ની સાલમાં ડોસીની આસપાસ કોઈ શ્યામલાલ અને નટવરભ'ઇ નામના બે શામળીયા- નટવરીયાઓ હતા. ડોસીએ મચક નહોતી આપી. પણ મસ્તીયાને પઇણ્યા પછી ડોસીને રીયલાઇઝ થયેલું કે, પેલાઓને મચક આલી હોત તો સારું થાત... મસ્તુડા કરતા પેલા બે વધારે રામન્ટિક હતા... (આજની ૯૦ ટકા કાકીઓની આ જ ફરિયાદ છે, પણ કહેવાય કોને ?... કોઈ પંખો ચાલુ કરો) એ દાઝમાં ડોસી આજે ય, 'મારો શામળીયો... ને મારો નટવર ગીરધર...'કરતી હશે, એવો ડાઉટ મસ્તુભ'ઇને પડતો,પણ એવો કોઈ સીરિયસ ડાઉટ પણ નહિ ! ડોસી ડોસી થઈ ગઈ હતી, મસ્તુભ'ઇ ડોસા નહોતા થયા. એમને જીંદગીની રંગીનીયત ચાલુ રાખી હતી. ચરીત્ર જીવનભર ચોખ્ખું, પણ એનો એ ય અર્થ નહિ કે, સુંદર સ્ત્રીઓ ગમે નહિ. એ તો કહેતા, ''જ્યાં સુધી તમને સ્ત્રીઓ જોવી ગમે છે, ત્યાં સુધી જ જીવનમાં પૂરબહાર છે... બાકીના બુઢ્ઢાઓ કેવા ખખડી ગયા છે, એવો ટોણો મારીને મસ્તુભ'ઇ આંખ મીચકારીને બાજુના કોઈ ડોહા પાસે તાળી ય લેતા... હઓ !

આવા પુનર્મિલનોના જાણકારો કહે છે કે, બન્ને પાર્ટીઓ પહેલાં તો એકબીજાની હથેળી હાથમાં લઈને રમાડવા માંડે છે. પછી શરમાઈ શરમાઈને એકબીજા સામે ક્ષણો સુધી જોયે રાખવાનું અને આટલા વર્ષોમાં એકબીજાને કેટલા મીસ કર્યા તે, આંખોના એસ.એમ.એસ.થી જણાવી દેવાનું હોય છે. આનાથી આગળ વધી શકાતું નથી. આજુબાજુ પબ્લિક હોય ને ? લતીને જોઈને મસ્તુની આંખોમાં ચમક આવી. એ જમાનો હતો કે, બન્ને એકબીજાની પૂરેપૂરા નજીક આવવા માંગતા હતા, પણ જાય ક્યાં ? હોટલવાળાઓ એમ કંઈ રૂમ આપે નહિ. કોઈ ફ્રેન્ડના ઘેર જવાય નહિ, બહુ બહુ તો ઉજ્જડ એવા કમ્પના હનુમાન વિસ્તારમાં સાયકલ પર જઈ, ઝાડ પાછળ લુકછુપ સંતાઈને બબ્બે ત્રણ ત્રણ સેકન્ડના ચુંબનો કરી લેવાતા. આવા અધૂરા રહેવામાં શરીર કાબૂ બહાર જતું રહે છે, પણ મનને કાબુમાં રાખવું પડે છે... નહિ તો આવા કિસ્સાઓમાં શાહીબાગ પોલીસનો રેકોર્ડ બહુ સારો નહિ !

ઉભા રહેવાને બદલે બન્ને બાંકડે બેસી ગયા. 'તારે છોકરા-છૈયા કેટલા છે ને તું ક્યાં રહે છે', એ બધી માથાઝીંકમાં બેમાંથી એક ય ન પડયા. શબ્દોની એહમીયત નહોતી. પરિમલ ગાર્ડન બેમાંથી એકના ફાધરે બનાવ્યું હોય, એમ બન્ને આસપાસનું ગાર્ડન ભૂલી ગયા હતા. સ્પર્શ અપ્રતીમ આનંદ આપી રહ્યો હતો. માત્ર સ્પર્શ હોત તો, અનુભૂતિ ભાઈ-બહેનની હોત... અહીં તો હથેળીઓને દાયકાઓ પછી જોબ મળી હતી. ચારે ય ગતિપૂર્વક કામે વળગી હતી.

''મસ્તુ... તું હજી...''

''જસ્ટ શટ અપ, લતા... હજી એટલે શું ? તારો મસ્તુ હજી પૂરબહારમાં છે,  લતી... ગુમાવ્યું એટલું ગુમાવવું નહિ હાથમાં અને લતી... તું હજી અન્જાય કરી શકે એમ છે ને ?''જવાબમાં પેલું 'ચલ હટ્ટ'વાળુ સ્માઇલ અને નીચે જોઈ જવાનું. શરમાવાની તો ઉંમર નહોતી કે પછી, ''હાય હાય... આવું શું બોલે છે ?''એવા નાટકો કરવાનો ય તબક્કો નહોતો. એકબીજાની ઉંમરને કારણે બગીચાઓ હજી એવી જ ખુશ્બુઓ રેલાવી શકે કે કેમ, એટલું જ જાણવું હતું ને જણાઈ ગયું. બન્ને એકબીજા સામે લુચ્ચું હસી પડયા. અફ કૉર્સ, હાથમાં હાથ જોઈને મોર્નિંગ વૉક કરવા નીકળેલા લોકોમાંથી કોક મલકાતું હતું, કોક બુઢ્ઢાઓની જાહેર નફ્ફટાઈ જોઈને મ્હો મચકોડતું હતું તો કોકને વધારે ઇન્ટરેસ્ટ પડતો ને આગળ જઈને,'હવે આગળ આ બન્ને શું કરે છે ?'એ જોવા ઘડીભર થંભી જતા.

'૫૬ની સાલ જેવો એ જમાનો નહતો કે, ક્યાંય જઈ ન શકાય. ઉંમર અને સ્ટેટસ જોઈને હવે તો હોટેલવાળા ય કોઈ ડાઉટ ન રાખે. બન્નેએ ત્યાં જ નક્કી કરી લીધું કે, ક્યાં મળીએ છીએ ! લતા પહેલી વખત ૧૬ વર્ષ જેવું શરમાતી હતી ને મસ્તુભ'ઇ ખૂબ ઝડપથી આગળની ઘટનાઓ ધારવા માંડયા હતા... ખીલખીલાટ થઈ ને !

સાંજે ઘેર ગરબડ થઈ ગઈ. વિરાટ ઉર્ફે વીરૂ મસ્તુનો પુત્ર થાય. જેવો ઑફિસથી આવ્યો ને નહાઇ-ધોઇને બહાર નીકળ્યો કે, તરત પપ્પાને પોતાના રૂમમાં બોલાવી લીધા. ચેહરો ગુસ્સામાં ય હતો,પણ ફાધરની આમન્યાને કારણે ગુસ્સો છાતીમાં રાખવો પડયો, મ્હોં ઉપર નહિ ! મમ્મી પડી ગયા હતા ને વિરાટ મારતી ગાડીએ પપ્પાને લેવા પરિમલ આવ્યો હતો. ત્યાં જે દ્રષ્ય જોયું, એનાથી પહેલા ચોંકી ગયો, પછી ધાગધાગો થઈ ગયો ને લોકોને એ દ્રષ્યો જોઈને મશ્કરીના અંદાઝમાં વાતો કરતા સાંભળ્યા, એ પછી ગુસ્સાથી થરથરી ગયો.

બાપ-દીકરા વચ્ચે બધી વાતો થઈ. દીકરો ગુસ્સામાં ને બાપ સ્વસ્થ અને શાંત. મસ્તુભ'ઇએ જે ચાર- પાંચ વાતો કરી (ખુલાસા નહિ !) તે સઘળાનો સાર આ મુજબ હતો :

''હું ૬૦નો થઈ ગયો પછી આજે ૮૩ની ઉંમર સુધી મર્યો નથી, એ મારી સિદ્ધિ નહિ, તો મારો વાંક પણ નથી. જસ્ટ બીકોઝ... હું તમારા બધાની નજરમાં ઘરડો થઈ ગયો, એટલે બધેથી 'તમને બધાને રાજી રાખવા'મારે નિવૃત્તિ લઈ લેવાની ? હું રંગીન જર્સી અને જીન્સ કેમ ન પહેરી શકું ? સીસીડી-માં કોઈની સાથે હું કેમ બેસી ન શકું ? શરીર મારું, જાળવણી મારી, લાઇફ સ્ટાઇલ મારી, તો પછી મારી નિવૃત્તિ સમાજ નક્કી કરી આપે ? તમારા બધા જેટલા વર્ષો અમારી પાસે ન રહ્યા હોય, પણ જેટલા રહ્યા હોય એ ખુશમીજાજ બનીને જીવી જઈએ એમાં સમાજ શું કામ વચમાં આવે ? સાલા તમે લોકો તમારી ઉંમર પ્રમાણે વર્તો તો યુવાન અને અમે કરવા જઈએ તો ''કાકા, તમે હવે ઘરડા થયા.. ? અને વિરાટ બેટા... આપણા બન્નેના કેસમાં તો હું તને ય કહી શકું એમ નથી કે, 'બુઢ્ઢા હોગા તેરા બાપ...''

સિક્સર

- શું અમદાવાદમાં મન ફાવે ત્યાં લારીઓ ઊભી રાખો કે મન ફાવે એમ વાહનો પાર્ક કરો, એવી કોઈ જગ્યા ખરી ?

- આવી જાઓ સરદાર પટેલ કાલોનીના બાવલા પાસે ! કોઈ નામ નહિ લે !

અમદાવાદના એ થીયેટરો (૩)

$
0
0
કૃષ્ણ, સેન્ટ્રલ, પ્રતાપ, એડવાન્સ, રૂપમ ટોકીઝની સફર કરી. આજે બીજા કેટલાક

અશોક ટોકીઝ

બીજા રજવાડાઓ યુદ્ધના મેદાનની માટીમાં ખૂંપી ગયા હોય, ત્યારે સોરઠનો કોઈ વીર યોદ્ધો રણભૂમિમાં દેહમાંથી પિચકારીની જેમ છૂટતી લોહીની ધારાઓ ખમી જઈને એકલો જીવિત અને વિજેતા રહ્યો હોય, તેમ રીલિફ રોડ પર આજે ય રૂપમની જેમ એકલી અશોક ટોકીઝ રાજપુતાણીની વીરતાથી અસ્તિત્વ માટે  લડી રહી છે... (સાંભળ્યું છે કે, 'અશોક'નું નામોનિશાન મીટાવવું મુશ્કેલ જ નહિ, અસંભવ છે!)

ફિલ્મ જોવાનું કહીને હું તમને કોઈ મંદિરે લઈ જઉં, તો કેવી હિચકી આવી જાય? પણ અશોક ટોકીઝમાં એવી જ રીતે જવાતું. ઘી-કાંટા ચાર રસ્તા ઉપર આવેલી આ ટોકીઝમાં જતા પહેલા મોટું મંદિર આવે. પૈસા તો બન્નેમાં નાંખવા પડે, પણ મંદિરમાં સસ્તામાં પતે, જ્યારે અશોક ટોકીઝવાળા તો આપણા દેવી-દેવતાઓના દર્શન કરવાનો ચાર્જ રૂ. ૧, રૂ. ૧.૨૦ અને રૂ. ૧.૪૦ જેટલો જંગી લેતા હતા. બહાર મોટું ચોગાન. જેટલી ભીડ આ ચોગાનમાં હોય, એટલી બહાર ફિલ્મના ગીતોની ચોપડી વેચનારાને ત્યાં હોય. અશોક સિનેમાની પાછળનો ભાગ બાજુની રીગલ ટોકીઝના પાછલા ભાગ સાથે અથડાઉ-અથડાઉ કરે, ત્યાં પણ ચોપડીવાળો જામેલો. શહેરના બીજા થીયેટરોની જેમ દાખલ થવાનું ક્યાંથી અને ફિલ્મ પતે ત્યારે છુટવાનું ક્યાંથી, એ બધું રેલ્વે સ્ટેશનથી સીધા ફિલ્મો જોવા આવતા આજુબાજુના ગામોના પ્રેક્ષકો માટે હેરતભર્યા પ્રયોગ જેવું લાગતું.

શંકર-જયકિશનના સંગીતમાં રફી સાહેબના દિલડોલ ગીતોમાં બનેલી ફિલ્મ 'સ્ટ્રીટસિંગર'અશોક ટોકીઝમાં રીલિઝ થઈ, ત્યારે એનો હીરો ચંદ્રશેખર આવ્યો હતો. ફિલ્મના હીરો કરતા આપણે વધુ સારા લાગીએ છીએ, એ ભાન એ દિવસે ઘણાને થયું હતું.

દારાસિંઘની ફિલ્મ 'લૂટેરા'એ ટોકીઝમાં સિલ્વર જ્યુબિલી કરી, એ સિનેમાવાળા માટે જ નહિ, શહેર માટે ય મોટી ઘટના ગણાઈ કારણ પહેલું એ કે, અનેક વર્ષો પછી આ થીયેટરે રજત જયંતી જોઈ હતી. હેલનની પહેલી ફિલ્મ, જેનો હીરો શ્યામ આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઘોડા ઉપરથી પડીને મરી ગયો હતો, તે ફિલ્મ 'શબિસ્તાન'અહીં આવી હતી. એ ફિલ્મે કે બીજી કઈ ફિલ્મે રજત જયંતી કરી હતી, તેની તો નથી ખબર (સ્વ. વિનોદ મેહરાની પહેલી ફિલ્મ 'પરદે કે પીછે'એ મને ખ્યાલ છે ત્યાં સુધી આ સિદ્ધિ અશોક ટોકીઝમાં મેળવી હતી.)

કમનસીબે, અહીં થર્ડ-રેટની જ ફિલ્મો આવતી, એટલે ઓડિયન્સ પણ આપણને પોસાય નહિ એવું. બિલકુલ બાજુમાં આવેલી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલને અશોક ટોકીઝ કદી નડી નથી... ક્યારેક ટોકીઝવાળાએ માસ્તરોને કહેવા જવું પડતું કે, જરા ધીમે ભણાવો... મહીં શમ્મી કપૂર અને માલાસિન્હાઓ ડાયલોગ્સ પણ માસ્તરોની જેમ બોલવા માડયા છે.

રીગલ ટોકીઝ

રીલિફ ટોકીઝે અમદાવાદના પ્રેક્ષકોને પહેલી વાર એરકન્ડિશન બતાવ્યું, તો રીગલ ટોકીઝ સિવાય કોઈએ દાદરો ચઢ્યા વગર ઉપરના માળે જવાય, એવી લિફ્ટ પહેલી વાર જોઈ હતી. જૂના બ્રિટિશ ઓપેરા થીયેટરોની જેમ રીગલમાં પણ બાલ્કનીથી ય ઉપરના દરજ્જાના ઝરૂખા ધનિક પ્રેક્ષકો માટે બનાવાયા હતા. જેનો ઉપયોગ કેટલાક યુગલો તો ફિલ્મ જોવા માટે પણ કરતા! આજે તો નાની ઢીચકી છતવાળા ડ્રોઈંગ-રૂમોવાળા ફલેટો જ બને છે, ત્યારે ઊંચી સીલિંગના મકાનો તો હવે જોવા ય નહિ મળે, એ જોતાં રીગલ ટોકીઝ ભવ્ય ઊંચાઈઓને આંબતી હતી. રાજ કપૂરની ફિલ્મોના સેટ જેવો વિશાળ હોલ ને એની વચ્ચે અપર સ્ટોલ્સમાં જવાનો એવો જ ભવ્ય દાદર. દાદર પાસે ટિકીટબારી ને એની બાજુમાં પ્રેક્ષકો જેને જોવા ખાસ ઊભા રહેતા, તે લિફ્ટનો દરવાજો. પ્રેમનાથની પત્ની બિના રોય અને શમ્મી કપૂરની ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ' (ગમ-એ-હસ્તિ સે બસ બેગાના હોતા, ખુદાયા કાશ મૈં દીવાના હોતા - રફી, સંગીતઃ રોશન) જોવા હું 'રૂપિયાવાળી'ની લાઈનમાં ઊભો ને છેલ્લી ટીકિટ મને મળી ને બારી બંધ થઈ ગઈ. આ છેલ્લી ટીકિટવાળો મામલો મને ઠેઠ 'લવ ઈન ટોક્યો'વખતે નડયો. મારી આગળવાળો છેલ્લી ટીકિટ લઈ ગયો, એ કારણે આ સિનેમા મને કાયમ યાદ રહી ગયું.

સિનેમા 'ડી ફ્રાન્સ

કૃષ્ણ ગ્રૂપના થિયેટરોની મૂળ જનેતા ગાંધી રોડ પરની આ ટોકિઝના નામમાં આ 'ડી વળી શું હતું, તેની ઘણાને આજે ય ખબર નથી. અનુવાદમાં ફ્રાન્સનું સિનેમા, એવું થાય. ગુજરાતમાં થીયેટર સંસ્કૃતિના પ્રણેતા સ્વ. ડાહ્યાભાઈ શાહ હતા. કહેવાય તો કૃષ્ણ ગ્રૂપ, પણ અમદાવાદમાં કૃષ્ણ સિનેમા તો તા. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ થયું, એ પહેલાં ગાંધી રોડ ઉપર ૧૯૨૩ના જુલાઈ મહિનામાં સિનેમા 'દ ફ્રાન્સ સ્વ. ડાહ્યાભાઈએ સ્વ. માણેકલાલ પટેલની સાથે ભાગીદારીમાં શરૂ કરીને ૧૯૩૧માં થીયેટરના સ્વતંત્ર માલિક બન્યા. પાટણમાં ય કૃષ્ણ ટોકીઝ શરૂ કરીને અમદાવાદના ઘીકાંટા ઉપર ૧૯૪૭-ના જુલાઈ મહિનામાં નોવેલ્ટી ટોકીઝ શરૂ કરી. રીલિફ ટોકીઝ મે ૧૯૫૧માં શરૂ થઈ. ગોમતીપુરની ઉષા ટોકીઝ થોડા વર્ષો પછી શરૂ થઈ હોવાનું મુંબઈના ફિલ્મ ઇતિહાસવિદ શ્રી અમૃત ગંગરે નોંધ્યું છે. ઈન ફેક્ટ, સિનેમા 'દ ફ્રાન્સ વધુ મશહૂરી પામી સેકન્ડ રન હિંદી ફિલ્મો બતાવવામાં. દેવ આનંદની બધી બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મો અહીં રીપિટમાં આવે, ત્યારે નજીકના માણેક ચોકમાં આવેલી બી. ડી. કોલેજની છોકરીઓ કેમ જાણે દેવ આનંદ ભાઈ થતો હોય એમ 'એ ચલો ચલો... દેવલાનું 'ફન્ટુશ'આયું છે.'કોલેજના પ્રિન્સિપાલ એસ. આર. ભટ્ટ સાહેબ ભણતરના ભોગે છોકરીઓ ફિલ્મ જોવા જાય, તેના સખ્ત વિરોધી હોવાથી શો ના ટાઈમે પટાવાળાને સિનેમા પર મોકલતા. જે છોકરીઓ કોલેજ બન્ક કરીને આવી હોય, તેને કોલેજ પાછી લઈ જવાનું કામ પટાવાળાનું હોવાથી, કહેવાય છે કે એ દિવસોમાં આ કોલેજના પ્રિન્સિપાલ કરતા પટાવાળાની નોકરી માટે વધુ અરજીઓ આવતી...!

આ સિનેમાની પતલી ગલીમાં સિનેમાના લાકડાના દરવાજા પડતા, જેની ગપોલીમાંથી એક આંખે જેટલી દેખાય એટલી ફિલ્મ જોઈ લેનારા શોખીનોને ઉપર ભગવાન અને નીચે થીયેટરના લાલાનો ડર રહેતો.નવા રંગરૂપ સાથે થીયેટર નવું બન્યું, ત્યારે 'કલ્પના ટોકીઝ'નામે ઓળખાયું.

મૉડેલ ટૉકીઝ

સિનેમા 'દ ફ્રાન્સથી સ્ટેશન તરફ આગળ આવો તો વચમાં મોડેલ ટોકીઝ આવે અને પાંચકૂવે ઈંગ્લિશ ટોકીઝ. મોડેલમાં વ્હી. શાંતારામની ફિલ્મ 'નવરંગે'૫૨-સપ્તાહ પૂરા કર્યા હતા. વિશાળ હાઈટ-બોડી ધરાવતા આ થીયેટરની સીડીનો દિવાલો ઉપર 'નવરંગ'ના જાયગેન્ટીક હોર્ડિગ્સ મૂકવામાં આવેલા, એ મને યાદ છે. અશોક કુમાર, સુચિત્રા સેન અને ધર્મેન્દ્રની ફિલ્મ 'મમતા'આવી, તેના પહેલા દિવસે બ્લેકમાં ટિકીટ વેચનારાઓ ઉપર પોલીસે રેડ પાડી. બ્લેક કલાકારો અમારી ખત્રી પોળ સામે જ હોવાથી ભાગતા-દોડતા અમને છોકરાઓને મફ્તમાં ટિકીટો આપીને નાસી ગયા. અમે છોકરાઓ ભાગમભાગ ટોકીઝમાં પહોંચ્યા ને તરત ઈન્ટરવલ પડયો. પણ રૂ. ૨.૫૦ની અપર સ્ટોલ્સની ટિકીટ મફતમાં મળે, તે ય પહેલા દિવસે પહેલા શો ની અને તે ય લાઈનમાં ઊભા રહ્યા વગર... અમને બધા છોકરાઓ એ દિવસે મક્કમ હતા કે, દેશમાં બ્લેક તો ચાલુ જ રહેવું જોઈએ! એ જમાનામાં મોર્નિંગ અને મેટિની શોનું ચલણ હતું. મોડેલ ટોકીઝે સાતે સાત દિવસ દેવ આનંદની ફિલ્મો 'ફન્ટુશ, પોકેટમાર, સરહદ, ટેક્સી ડ્રાયવર, નવ દો ગ્યારહ, એક કે બાદ એક અને હમદોનોં મોર્નિંગ શોમાં રજુ કરી હતી. મોડેલ કદાચ એક માત્ર થીયેટર હતું, જે પ્રેક્ષકોનું તડકા-વરસાદથી સંપૂર્ણ રક્ષણ કરતું. આખા એક બોક્સ જેવી બાંધણી હોઈ, એક વાર અંદર ગયા પછી વરસાદ કે તાપ... કોઈ ફિકર નહિ! આમ તો શહેરમાં ગાડીઓ ગણ્યાગાંઠયા પાસે હતી, છતાં ય આ એક ટોકીઝ એવી હતી, જ્યાં પાર્કિંગ સરળતાથી મળતું.'

કે. એલ. સાયગલ સાહેબની એમની એક ફિલ્મના 'પ્રીમિયર શો'માટે મોડેલ ટોકીઝમાં પધાર્યો ત્યારે ચાલતા ચાલતા આખા ગાંધી રોડનું ચક્કર માર્યું હતું.

ઈંગ્લિશ ટૉકીઝ

નામ ઈંગ્લિશ ટોકીઝ, પણ અહીં ઈંગ્લિશ સિવાયનું બધું મળે... 'ઈગ્લિશ'એટલે વ્હિસ્કી-ફિસ્કી નહિ, પણ આ શબ્દ સાથે કોઈ તાલમેલ બને, એવું ઈંગ્લિશ અહીં કાંઈ જોવા ન મળે. સિનેમાની બહાર નેપકીનની સાઈઝના તળેલા પાપડવાળાઓ મોટા સુંડલા લઈને ઊભા હોય... દસ પૈસાનો એક! ઈન્ટરવલ પતે પછી લગભગ દરેક પ્રેક્ષક દાંતથી કચડકચડ પાપડ ચાવતો અંદર આવે અને આખા થીયેટરમાં ડાયલોગ્સ કરતા પાપડના અવાજો બુલંદ આવે. હતું બહુ નાનકડું થીયેટર પણ કહેવાય છે કે, અમદાવાદનું સૌથી જૂનું થીયેટર આ હતું. મારો માહિતીદોષ હોઈ શકે. પટ્ટાબાજ એટલે કે તલવારબાજને નામ મશહૂર થયેલા એ સમયના હીરો રંજનની ફિલ્મ 'હકદાર'મેં અહીં જોયેલી, જેમાં મુકેશનું રૂપકડું ગીત, 'મૈં હૂ દીવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભીં કહે ગાતા ચલા દિલ કા તરાના...'મારું ગમતું ગીત હતું.

નોવેલ્ટી ટૉકીઝ

ઘીકાંટામાં દાખલ થાઓ, એટલે પહેલી બે ચીજો મશહૂર. એક અહીંનો ફાફડાવાળો અને એની સામે જતી ગલીની પેલે પાર આવેલી નોવેલ્ટી સિનેમા. અહીં વહેલા પહોંચવાનો આનંદ થતો. ખૂબ વિશાળ કમ્પાઉન્ડને કારણે ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો એકબીજાને જોઈને રાજી થતા. મને લાઈફ ટાઈમ આ થીયેટર એટલા માટે યાદ રહી જશે કે, ૧૯૬૦માં અહીં 'મુગલ-એ-આઝમ'કૃષ્ણ સિનેમાની સાથે સાથે રીલિઝ થયું, ત્યારે ટીકીટના દર તો રૂ. ૧, ૧.૪૦ અને ૧.૬૦ જ હતા, પણ બ્લેકમાં આંકડો રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયો હતો. મારા પિતાશ્રી સ્વ. ચંદુભાઈ દવેના મિત્ર શ્રી રમણભાઈ ભાવસાર પહેલા દિવસની છેલ્લા શોની ટીકીટ લઈને આવ્યા, ત્યારે સાથે જવા માટે મેં ફક્ત જીદ નહિ, તોતિંગ તોફાન કર્યું. એ બન્ને મિત્રો થીયેટરના માલિકો હોત, તો ય વધારાની ટિકીટ મેળવી શકે એમ નહોતા. સ્કૂટર પર બન્ને જણા નીકળી ગયા ને મને કેવું શૂરાતન ચઢ્યું તે ગાંધી રોડની ખત્રી પોળથી દોડતા દોશીવાડાની પોળ, રતન પોળ, કૃષ્ણ સિનેમા અને છેલ્લે ઘીકાંટા પર નોવેલ્ટી ટોકીઝમાં ત્યારે પહોંચી ગયો, જ્યારે હજી આ બન્ને સ્કૂટર પર પહોંચ્યા નહોતા. ખૂબ સિદ્ધિનું કામ કર્યું હોય અને હવે તો મને લઈ ગયા વગર છુટકો જ નહિ, એ ધારણાથી હજી સ્કૂટર પાર્ક કરી રહેલા ફાધર પાસે જઈને કહી દીધું, 'હું આવી ગયો છું.'બે વિરાટ થપ્પડો પડી. એક હાથની ચંદુભાઈએ મારેલી અને બીજી રમણ કાકાના શબ્દોની, જેમણે ફાધરને ટોણો માર્યો, 'છોકરાને સારી ટ્રેઈનિંગ આપી છે...!''બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...'તો આ ઘટના પછી ભાવિ પત્નીની શોધમાં ય ગાવાનું આવ્યું, પણ નૂતન-સુનિલ દત્તની ફિલ્મ 'મિલન'અહીં જોઈ ત્યારે ચિંતા ઓછી થઈ હતી કે, કોક દિવસ આપણું ય ક્યાંક ગોઠવાશે તો ખરું...!

પ્રકાશ ટૉકિઝ

ઘીકાંટા ઉપર જ આવેલી પ્રકાશ ટોકીઝ હું ભૂલતો ન હોઉં તો મોટા ભાગે 'ભારત ભુવન'થીયેટરના નામે ઓળખાતી. મીના કુમારી, ધર્મેન્દ્રની ફિલ્મ 'ચંદન કા પલના'ની 'રૂપિયાવાળી'લેવા મને યાદ છે, ત્રણેક કલાક લાઈનમાં ઊભા રહેવું પડયું હતું. દરેક થીયેટરની જેમ અહીં પણ અંદર જે ફિલ્મ ચાલતી હોય તેના ફોટા શો-કેસમાં મુકેલા જોનારો ચોક્કસ વર્ગ હતો. અહીં ઊંચા ઓટલા જેવી જગ્યા ઉપર શો-કેસ મૂકાતું. કમ્પાઉન્ડ તગડું હતું અને ચોમાસામાં પ્રેક્ષકો પલળીને અંદર જાય, એની તમામ વ્યવસ્થા સિનેમા તરફથી વિના મૂલ્યે ગોઠવાઇ હતી. નવા રંગરૂપ સાથે પ્રકાશની કાયાપલટ થઈ. 'પાકીઝા'અહીં આવ્યું, ત્યારે વળી એક રેકોર્ડ સર્જોયો. ભારતમાં આજ સુધી રીલિઝ થયેલી કોઈ પણ ફિલ્મને આ સિદ્ધિ વરેલી નથી. નોર્મલી અત્યંત ફાલતું અને રદ્દી કાગળમાંથી જ દરેક સિનેમાની ટિકીટો છપાતી અને એની ઉપર રબ્બર સ્ટેમ્પથી આજની તારીખ છપાય. 'પાકીઝા'માં દરેક ટિકીટ ઉપર શોની તારીખ પણ છપાયેલી આવી હતી. મતલબ, પડી રહેલી ટિકીટો ફેંકી દેવાની. કાગળ પણ બેનમૂન અને મીનાકુમારીના ફોટાવાળી રંગીન છાપકામ સાથેની એ ટિકીટ હતી.

એક આડવાત : આટલા બધા થીયેટરોની વચ્ચે રસ્તા ઉપર એક પોલીસ ચોકી હતી. ઘણીવાર એને ય થીયેટર સમજીને સ્ટેશનથી સીધા ઘીકાંટા આવેલા મુસાફરો 'એકસ્ટ્રા ટિકીટ છે...?'માંગવા અહીં આવી જતા. કહે છે કે, એ પ્રેક્ષકો નિરાશ ન થતા...! મામૂલી વળતર લઈને મિત્રો અહીંથી પણ ટિકીટ અપાવી શકતા.

લાઈટ હાઉસ

ગેસ્ટ હાઉસ, ઓપેરા હાઉસ, ટાવર હાઉસ, પાવર હાઉસ કે 'દવે હાઉસ'ની જેમ લાઈટ હાઉસ નામ પણ સુવિખ્યાત હતું. વધારે બન્યું જીતેન્દ્ર મોટા ભાગે બબીતાની ફિલ્મ 'ફર્ઝ'અહીં એક વર્ષ ચાલ્યું માટે. હોરર અને ક્રાઈમની જ ફિલ્મો બનાવતા નિર્માતા અને વિલન એન. એ. અન્સારીની ફિલ્મ 'ટાવર હાઉસ'અહીં ખાસ્સું ચાલી હતી. 'મૈં ખુશનસીબ હૂં, મુઝકો કિસી કા પ્યાર મિલા'અને 'અય મેરે દિલે નાદાન, તુ ગમ સે ન ઘબરાના...'ગીતોએ રેડીયોની જેમ અહીં પણ ધૂમ મચાવી હતી. ઈવન, 'લાઈટ હાઉસ'નામની ફિલ્મ પણ અહીં જ આવી હતી. એક તો સાંકડો રોડ અને સામે એક સાથે બે થીયેટરો, એલ.એન. અને લક્ષ્મી... એટલે ધક્કામુક્કીમાં ત્રણમાંથી આપણે ક્યા થીયેટરમાં જવાનું છે, તેની મજાકો થયે રાખતી. 

(આવતા અંકના ફિલ્મના રિવ્યુ ચાલુ રહેશે)

ઍનકાઉન્ટર : 20-10-2013

$
0
0
* મલ્લિકા શેરાવતે એની પસંદગીના 'ધી મોસ્ટ ઍલિજીબલ મૅરીડ મૅન'તરીકે તમારૂં નામ દીધું હોત તો?
- એક ભારતીય પુરૂષ એક ભવમાં બીજો ભવ કદી કરતો નથી.... ડિમ્પલની બા ખીજાય !
(અમરસિંહ વાઘેલા, ન્યુયૉર્ક-અમેરિકા)

* ફિલ્મોના હીરો હીરોઇનોને ઉચકીને ફરવાનું કારણ?
- પેલી હવે પછીના બે-ત્રણ વરસ જ ઉચકાય એવી રહેવાની છે ને.....!
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* ભગવાન ઉપર એક ફૂલ ચઢાવવાને બદલે ભક્તો ઢગલાં કેમ કરે છે?
- એક અમથું ફૂલ બજારમાં મળે નહિ.... તો બાકીના નાંખે ક્યાં?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* પ્રજ્ઞાચક્ષુઓ સપના જોઇ શકે ખરા?
- જુએ નહિ.... માણે!
(અજય વ્યાસ, બિલખા)

* નરેન્દ્ર મોદીનું બ્રહ્મ વાક્ય, 'હું ખાતો નથી ને ખાવા દેતો નથી.'પણ ખાધા વિના તો કેમ ચાલે?
- હા, તે એ બાબતે કોંગીજનો ય ક્યાં વિરોધ કરે છે?
(છગન લાડવા, ભાલકા-વેરાવળ)

* શૅક્સપિયરે કહ્યું હતું, ''નામમાં શું છે?''પણ તમારૂં નામ 'અશોક'ને બદલે બીજું હોત તો ઍનકાઉન્ટરમાં આટલી જમાવટ થાત?
- શૅક્સપીયર ખોટું બોલતો હતો.....! કેમ એણે પોતાનું નામ બદલીને 'શંકરલાલ'ન રાખ્યું?
(શશીકાંત મશરૂ, જામનગર)

* શરદ પવાર પર ખૂબ ગુસ્સો આવે છે. શું કરવું?
- જે આખો દેશ કરે છે.... લાચારી!
(મયૂરી ભાવેશ વોરા જોરાવનગર)

* બીજા હાસ્યલેખકો અને તમારા વચ્ચે શું ફેર છે?
- એ બધા પાસેથી હું કાંઇક શીખ્યો છું... મારી પાસેથી એમને કંઇક શીખવું પડે, એવું બન્યું નથી!
(રમેશ સુતરીયા 'ટ્રોવા'મુંબઇ)

* બી.આર.ટી.એસ.માં ઍનાઉન્સમૅન્ટ ત્રણ ભાષામાં કેમ થાય છે?
- હવે એ લોકો 'બ્રૅઇલ લિપીમાં'ય કરવાના છે.
(જે.એમ.સોની અમદાવાદ)

* તમને અડવાણી અને આસારામ વચ્ચે શું સામ્ય લાગે છે?
- બન્નેને એમના ભક્તો નડયા !
(ધીમંતરાય નાયક, બારડોલી)

* તમે સંત તુલસીદાસની જેમ પત્નીની પાછળ-પાછળ ફર્યા છો ખરા?
- કોની પત્નીઓ હતી, એ બધું અત્યારે તો યાદ ન હોય ને!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* આપને સવાલો પૂછનારા 'સોળે સાન...'વાળા છે કે, 'સાઠે બુધ્ધિ નાઠી'ની બહુમતિમાં છે?
- તમે એ બન્ને ઉંમરોની વચ્ચેવાળા લાગો છો!
(સુરેન્દ્ર પારેખ, વલસાડ)

* આપ મને બિરબલનો પુર્નજન્મ લાગો છો....
- પ્રમોશન ગયું ત્યારે ...! હું શહેનશાહ અકબરના વહેમમાં ફરતો હતો!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* સફેદ ટ્રીમ દાઢી-મૂછોનો ક્રૅઝ કેમ વધી ગયો છે?
- તમારી માહિતી અધૂરી છે. આ ક્રૅઝ કેવળ પુરૂષો પૂરતો જ ચાલુ છે!
(જગદીશ આર.શાહ, રાજકોટ)

* આમાં ખોટા ઍનકાઉન્ટરો બદલ તમારી ધરપકડ કેમ ન થાય?
- તે ત્યાં ય કયે 'દિ સાચા થાય છે?
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* અન્નદાન, ભુદાન કે લક્ષ્મીદાન...સાચું દાન ક્યું?
- ભીખુદાન.
(કાંતિલાલ ખખ્ખર, રાજકોટ)

* કુદરત આખી દુનિયા ઉપર રૂઠી છે....કારણ અને ઉપાય?
- હાલમાં તો મારા એકલા ઉપર રૂઠી છે... મકાન રીનોવેટ કરાવું છું તે !
(મહેશ એમ. દેસાઇ, વલસાડ)

* હું મલ્લિકા શેરાવતને લઇને મોરેશિયસ જાઉં .... આપનો કોઇ સંદેશ?
- મલ્લિકાનો ટેસ્ટ કેટલો ઊંચો ગયો કહેવાય....'મોદીથી મફત સુધી'.....!
(મફતલાલ પ્રજાપતિ, રાજકોટ)

* શા માટે નદીના મૂળ અને ઋષિના કૂળ જોવાતા નથી?
- ગૂગલ આવડતું હોય તો બધું જોવાય!
(સલમાબાનુ મણીયાર, વિરમગામ)

* દેશના લાડકા સંગીતકાર જયકિશન દક્ષિણ ગુજરાતના વાંસદાના હતા... તેમનું સ્મારક ક્યારે થશે?
- જોડી તૂટવા ન દો. સ્મારક થાય તો એકલા જયનું નહિ, શંકરનું પણ સાથે હોવું જોઇએ. એ બન્નેને ચાહકોએ જુદા નથી જોયા!
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* ગળા ઉપર રંગીન ખેસ લટકાવીને ફરતા રાજકારણીઓ એ જ ખેસનો ફાંસો બનાવીને પ્રજાને પહેરાવે છે... સુઉં કિયો છો?
- એમાં એમનો સંદેશો છે કે, પ્રજાના શરીર પર અમે આટલું જ કપડું રહેવા દઇશું.
(રમાગૌરી ભટ્ટ, ધોળકા)

* હાસ્યલેખનમાં શું બ્રાહ્મણોની મૉનોપૉલી છે?
- આમાં તો રહેવા દો!
(કિરીટ એમ. દેસાઇ, કડિયાદરા)

* સ્ત્રી એના અડીયલ પતિને સીધો કેવી રીતે કરી શકે?
- એણે પોતે વાંકા વળવાનું બંઘ કરી દેવાનું!
(દિપક આશરા, ગાંધીનગર)

* 'તારી ભલી થાય ચમના....'એવું તમે અવારનવાર લખો છો. અર્થાત?
- હવે તમારી ય થાય!
(ટી.એસ.પરમાર, આણંદ)

* તમે કુંભમેળામાં ગયા છો?
- કપડા પહેરીને ગયો'તો!
(ધીમંત ભાવસાર, બડોલી)

* 'ઍનકાઉન્ટર','ફિલ્મ ઇન્ડિયા'અને 'બુધવારની બપોરે'..... ત્રણમાંથી તમારી ફૅવરિટ કૉલમ કઇ?
- અફ કૉર્સ. 'બુધવારની બપોરે'. હું ફિલ્મ સ્ટારો જેવો જવાબ નથી આપતો કે, ''મેરે લિયે તો તીનોં પ્યારી હૈ...'
(સંગીતા મેહતા, મુંબઇ)

ગાડીની ચાવી ગાડીમાં રહી જાય ત્યારે...

$
0
0
આ વખતે તો મારી પોતાની જ પત્નીનો ફોન આવ્યો કે, ''અસોક.. હું આંઇ પ્રલ્લાદનગરમાં ફસાણી છું... તમે જલ્દી હાઇલાં આવો... આપણી કારની ચાવી કારમાં રઇ ગઇ છે ને હું બા'ર ઊભી છું...!'

રહી ગઇ છે ને જે અંદર હોવી જોઇતી'તી, એ બહાર ઊભી છે. વાઇફ અંદર ભરાઇ ગઇ હોત તો ખાંસી-ઉધરસનું બહાનું- ફાનું કાઢીને આપણે ઘટનાસ્થળે જવાનું ય માંડી વાળીએ, પણ અહીં તો એ બહાર ઊભી છે ને ચાવી અંદર રહી ગઇ છે, એટલે વ્યવહાર સાચવવા ય જવું પડે. આપણામાં કહેવત છે ને કે, કોકના સારા પ્રસંગે ન જઇએ તો ચાલે, પણ માઠા પ્રસંગે તો જવું જ જોઇએ.

લેખના પહેલા વાક્યમાં લખ્યા મુજબ, આવું વાંચીને આશાસ્પદ ગોરધનો એટલે હસબન્ડોઝે મારી ઇર્ષા કરવી ખોટી છે. ગામ આખાની વાઇફો એમની ગાડીઓ બંધ પડે ત્યારે મને બોલાવે છે, એ સાચું પણ એમાં હું રૂપાળો રાજકુમાર લાગતો હોઇશ, માટે બોલાવતીઓ હશે, એવા જીવો બાળવાની જરૂર નથી. મૂળ તો દેખાવમાં હું કાર-મિકેનીક જેવો વધારે લાગું છું અને મને કાંઇ બી રીપૅર કરતાં આવડે, એવો અમારા સર્કલમાં ભ્રમ, એટલે આવા નિમંત્રણો આવે. કોકની વાઇફ સારી હોય તો વળી રીપેર કરી બી આલીએ..! આમાં પાછું બહુ ઊંડા ઉતરાતું નથી હોતું. ઘેર ઘેર ગાડીઓ રીપૅર કરવા ના જવાય. આપણો બી એક ટેસ્ટ હોવો જોઇએ... આઇ મીન, ગાડીની ક્વોલિટી જોઇને પહોંચવાનું હોય. જૂની ને ખખડી ગયેલી ગાડીઓમાં હેલ્પ કરવા આપણે નવરા નથી.

ગાડી તો બહુ દુરની વાત છે, મને તો ઘરમાં વીજળીનો બલ્બ બદલતા ય નથી આવડતો, પણ કોક અબળાનો સાદ સંભળાય તો, મારતે ઘોડે પહોંચી જવાનું. આપણે ક્યાં બોનેટો ખોલીને ગાડીઓ રીપૅર કરવાની છે... ત્યાં જઇને ''શું થયું? શું થયું''એવું બે વાર બોલીને સીધો મિકેનીકનો ફોન મારી દેવાનો.. એ આવે ત્યાં સુધી પેલી સાથે રોડની એક સાઇડમાં ઊભા રહી જઇને ''બાકી, ઘેર બધા મઝામાં?''થી વાતો શરૂ કરવાની. ત્યાં સુધી મિકેનિકે ય આવી ગયો હોય. એ બહાને ધીરે ધીરે સંબંધ વધે... (મિકેનિક સાથે નહિ, પેલાની વાઇફ સાથે! માર્ગદર્શન પૂરૂં)

સંબંધ ડેવલપ કરવાનું કારણ એ કે, કોક વાર આપણી ગાડી બગડી હોય તો એ એના ગોરધનને આપણી મદદ કરવા મોકલે આ તો એક વાત થાય છે!

તો ય મેં ચાન્સ લીધો. પૂછ્યું કે, ''આજુબાજુ કોક ઊભું હોય તો એની મદદ લે ને...!''

''અસોક, મદદું લેવાય એવી નથ્થી.. આંઇ ટોળું ભેગું થઇ ગીયું છે મદદું કરવા... તમે કિયો એની મદદ લઉં..!''

હવે બાજી હાથમાંથી જતી હતી. કોક સાલો ફૂલટાઇમ મદદ કરી જશે તો મને તો કોઇ આશ્રમમાં સાધક તરીકે ય નહિ રાખે! હું પહોંચ્યો.

''અસોક... કાંય થીયું જ નો'તું...! હું તો આની કોરથી કમાડ ખોલીને ગાડીમાં ગરવા જાતી'તી, તીયાં કમાડું ખૂયલાં જ નંઇ... બે-તઇણ વાર કમાડું ખેંચી જોયા, તો ગાડી હઇલી, પણ ઇ નો ખૂયલાં..!''અમારા જામનગર- રાજકોટ સાઇડમાં ગમે તેવી ભણેલી-ગણેલી સ્ત્રી હોય, દરવાજો ગઢનો હોય કે કારનો... એને કમાડ જ કહે! રીવર્સમાં નહિ લેવાની.. ''વાંહે જાવા દેવાની!''''શ્ટિયરિંગ''માં શશી કપૂરવાળો 'શ'બોલે ને એકલો શશી કપૂર બોલવો હોય તો, ''સસી કપૂર.''

''અસોક... મારાથી તો નો ખૂયલું, પણ ઓલા ભા'આય ઊભા છે, ઇ કિયે, ''આન્ટી, પિચ્ચોતેર દિયો તો હમણાં દરવાજો ખોલી દઉં...!'' (સાલો પહેલા મને મળ્યો હોત તો દોઢસો હું આપત.. દરવાજો નહિ ખોલવાના!.. પચાસ બીજા.. એને 'આન્ટી'કહેવાના!'')

આ આપણી એક આદત છે કે, વાઇફ મુશ્કેલીમાં હોય ત્યારે દિલો-દિમાગથી નહિ વિચારવાનું.. કિડનીથી વિચારવાનું. મોટા ભાગના ગોરધનોને હૃદયરોગના હુમલા કે બ્રેઇન-હેમરેજો થવાનું કારણ શું? વાઇફોના સવાલોના રોજ જવાબો આલવાના! આમાં કિડની ફેઇલ જાય તો હવે તો કિડની-દાતાઓ મળી રહે છે... બ્રેઇન કે હૃદય કોઇ બે દહાડા ય વાપરવા આલતું નથી!

''જો ડાર્લિંગ...તું સહેજ પણ ચિંતા કરીશ નહિ. હું કંઇક કરૂં છું.'' (તમે નોંધ્યું! ત્યાં બધે, ''આપ''અને અહીં ''તું''.. ઘરના એ ઘરના! આ આપણી સંસ્કૃતિ છે. ઘરનાને ગમે નામે બોલાવો... બહાર તો વિવેક-વિનય દાખવવો જ જોઇએ! સુઉં કિયો છો?) કહે છે કે, ભાવનગર અને પાલિતાણા બાજુ બહુ સારા માઇલાં વરો થાય છે. ત્યાં વાઇફની ગાડીને આવું કાંઇ થયું હોય તો, વાઇફને રીક્ષા કરીને ઘેર મોકલી દે અને રાજા હરિશ્ચંદ્ર રાણી તારામતિને શોધવા જંગલ જંગલ ભટકવા માંડયા હતા (એ જમાનામાં એન્ડ્રોઇડ ફોનો નહોતા!) એમ ભાવનગરના ધણીઓ ચારે કોર ઠેબાં ખાતા ખાતા મિકેનીકને શોધવા જાય ને લોથ થઇને મોડી રાત્રે ઘેર પાછા આવે. આપણી બાજુના ગોરધનો આવી હિંમતો ન કરે. વાઇફને ફોન પર જ સમજાવી દેવાની કે, આજુબાજુમાં ક્યાંકથી બે ફૂટની ફુટપટ્ટી લઇ આય ને કારની બારીના કાચમાંથી ફૂટપટ્ટી નીચે ઉતાર.. લૉક ખુલી જશે.

આમાં ઘટના સ્થળે તાબડતોબ તો ફૂટપટ્ટા ય ક્યાંથી મળવાના હોય.. પણ એટલી તો વાઇફને તૈયાર કરવી જ પડે. નહિ તો આપણે સાલા નરોડા બેઠા હોઇએ ને પેલી પ્રહલાદનગરમાં ગાડી બગાડીને બેઠી હોય તો ગાન્ડા થઇ ગયા છીએ કે, નરોડાથી ૪૦ કી.મી.નું પેટ્રોલ બાળીને એની મદદ કરવા ઘાંઘા થઇ જઇએ? નેવર.. ફ્રેન્ડસ નેવર ડૂ ધેટ! વાઇફોને ગાડી ચલાવવા આપીએ છીએ તો બેઝિક રીપેરિંગ પણ એમણે જ શીખવું પડે...

નહિ તો હાલત મારા જેવી થાય.. ! હું કેવો લાચાર થઇને પહોંચી ગયો! પહોંચ્યો તો હેરાન થયો ને? આટલી મોંઘા ભાવની ગાડી... અંદરથી લૉક થઇ ગઇ હોય ને બહાર આપણે મજબૂર ને બેસહારા થઇને ઊભા હોઇએ, એમાં સમાજમાં આપણું કેવું ખરાબ દેખાય? મેં નાનું છોકરું કેલિડોસ્કોપ જોતું હોય, એમ બે હાથનાં નેજવા કરીને કાચની અંદર જોયું. હૅલનની માફક ચાવી ઝૂમતી- લટકતી હતી. માણસો આવી હાલતમાં અંદર શું કામ ડાફરીયા મારતા હશે, તેની મને ચોક્કસ ખબર નથી, પણ તો ય આપણે માર્યા, બીજું કરી પણ શું શકાય?

''અસોક... આપણે કાચ તોડી નાંખીએ તો?''પત્નીએ સૂચન કર્યું. બેઝિકલી હું સર્જનનો માણસ, વિસ્ફોટનો નહિ, એટલે મેં ના પાડી. (સાચું કારણ એ હતું કે કાચ તોડો એટલે બીજા બે હજારની ઉઠે..! આપણી તો સાલી આખી ગાડી વેચવા કાઢો તો ય કોઇ બે હજાર આલે એવું ન હોય.. કોઇ પંખો ચાલુ કરો!!)

'તો એક કામ કરીએ. આપણે આંઇથી તમારી ગાડીમાં ઘરે વયા જાઇએ. મારી ગાડી ભલે આંઇ પડી રઇ.. કોક મિકેનિકભા'યને બોલાવીને પાછા આંઇ આવીએ..!''અમારા કાઠીયાવાડમાં રામ જાણે આખું સૌરાષ્ટ્ર એકબીજાનું ફક્ત ભાઇ-બેન જ થતું હોય એમ ગમ્મે તેની પાછળ 'ભાઇ'તો લગાવવાનું જ! ''એ દૂધવાળા ભા'આય.. ઓલા જમાદાર ભાઆ'યને કિયો કે, 'આ ગુન્ડાભાઆ'યને આંઇથી પકડી જાય!''

ચાવીનું અંદર રહી જવું અમારા માટે કાંઇ નવી વાત નથી. અનેકવાર વાઇફને બાથરૂમના દરવાજા તોડીને બહાર કાઢી છે. અનેક વાર હું ફ્લાઇટના વૉશરૂમમાં પૂરાઇ ગયો હોઉં ને મહીંથી ખોલતા આવડતું ન હોય! ઘરનો દરવાજો લોક થઇ ગયો હોય તો મિસ્ત્રીને ય બોલાઇ લઇએ, પણ રોગને ઊગતો જ ડામી દેવાની જાણકારી હોવા છતાં ફ્લાઇટોના વૉશરૂમોમાં મિસ્ત્રીઓને સાથે થોડા લઇ જવાય છે! આ તો એક વાત થાય છે.

મારે ગાંધીનગરમાં આમ તો ઘણી ઓળખાણો, પણ આવામાં તો કોઇ મદદમાં ન આવે ને?

અમે બંને ત્રસ્ત થઇને ઊભા હતા. એલ્યુમિનિયમની પટ્ટી બારીના કાચમાંથી નીચે ઉતારવાથી ઘણે ભાગે તો લૉક ખુલી જતા હોય છે, પણ આવડયું નહિ એમાં ત્રણ ફૂટપટ્ટીઓ તો મહીં રહી ગઇ. હું તો પ્રવાસનો શોખિન એટલે એક વખત મિકેનિકો સુતા હોય છે એમ ગાડીની નીચે એકાદ વખત સૂઇ આવ્યો, પણ દરવાજો ન ખૂલ્યો. ગાયત્રી મંત્રો તો બંનેના ચાલુ હતા. હું ટેન્શનમાં હોઉં, ત્યારે અનેકવાર મારા પોતાના લમણા ઉપર ઉંધો હાથ ટેકવીને બેસતો હોઉં છું. કહે છે કે, એમ કરવાથી ટેન્શન ભલે દૂર ન થાય, પણ તમારૂં ધ્યાન તો બીજે વળે! કવિ નર્મદે તો બધી કવિતાઓ લમણે હાથ મૂકીને જ લખી છે. ઘણા સાહિત્યકારો મગજને બદલે ગાલથી વિચારતા હોય છે, એટલે એ લોકો લમણાંને બદલે ગાલ ઉપર એક આંગળી અડાડીને ફોટા પડાવે છે.. પણ કહે છે કે, ફાયદો ચોક્કસ થાય છે...

ઉપસ્થિત પ્રેક્ષકો સલાહો ઉપર સલાહ આપે જતા હતા. અમે બંનેએ જ્યુસ મંગાવીને ય પીધો. પણ દરવાજો ન ખૂલ્યો.

એક નાનું ટેણીયું આવ્યું. મારો હાથ પકડીને પાછળ લઇ ગયું. પાછળનો દરવાજો ખુલ્લો જ હતો.

બસ્સોનું ટોળું અમારા બંને પર મજાકમાં હસતું હસતું વિખરાઇ ગયું...

સિક્સર

- અજીતસિંહજી, તમે સ્ટેશન પર મને લેવા આવો, ત્યારે તમારી ગાડી હું ઓળખીશ કેવી રીતે?

- બહુ સિમ્પલ છે... મારી ગાડી ૧૮,૩૭૬ કિ.મી. ચાલી છે. બહારથી મીટર જોઇ લેવાનું!

'અખંડ સૌભાગ્યવતી' ('૬૩)

$
0
0
આશા પારેખની પહેલી ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી

ફિલ્મ : 'અખંડ સૌભાગ્યવતી' ('૬૩)
નિર્માતા : રજબ શયદા
દિગ્દર્શક : મનહર રસકપૂર
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતો-સંવાદ : બરકત વીરાણી 'બેફામ'
થીયેટર : રીગલ (અમદાવાદ)
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ : ૧૫૧ મિનિટ્સ
કલાકારો : આશા પારેખ, મહેશ દેસાઈ, આગા, અરવિંદ પંડયા, ચંદ્રવદન ભટ્ટ, નિહારિકા ભટ્ટ, પદ્મારાણી, ઉમાકાંત દેસાઈ, નંદિની દેસાઈ, પ્રતાપ ઓઝા, શમ્મી, નર્મદા શંકર અને દેવિકા રોય.

ગીતો :
૧. તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી.................લતા મંગેશકર
૨. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે..................મુકેશ
૩. ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ.............કમલ બારોટ, મન્ના ડે
૪. નૈન ને નૈન મળે જ્યાં છાના......................મુકેશ, સુમન કલ્યાણપુર
૫. વેરણ થઈ ગઈ રાતડી, મારા તે ચિત્તનો ચોર રે...............લતા મંગેશકર
૬. સળગે છે સુહાગ સજનવા, સળગે છે સુહાગ.................લતા મંગશકર
૭. હો બીજ બનીને માથે મારે બેસવું..................સુમન કલ્યાણપુર, મુકેશ

જામનગરમાં મારા મુકુંદમામા ખીજાય ત્યારે મામીની સામે જોઇને અચૂક ગાય, ''તને સાચવે સાબરમતી, અખંડ સૌભાગ્યવતી... હોઓઓ !''

ઇતિહાસ ગવાહ છે ક, નાટક કે ફિલ્મોમાં આપણા શુદ્ધ સાહિત્યકારો પ્રવેશ્યા છે, ત્યાં મોટો દાટ જ વાળ્યો છે. 'અખંડ સૌભાગ્યવતી'એનો તોતિંગ દાખલો. આપણા વાર્તાકાર રજબ શયદાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું, સુવિખ્યાત ગઝલકાર બરકત વીરાણીએ ફિલ્મની વાર્તા, સંવાદ અને ગીતો લખ્યા. બીજા વાર્તાકાર વિઠ્ઠલ પંડયા સહદિગ્દર્શક હતા. આ બધાએ ભેગા મળીને કોઈ કમાલ ન કરી. સાહિત્યકારો ફિલ્મી સંવાદો લખે, એમાં કાવ્યાત્મકતા ઉપરાંત પુરુષોના સંવાદોમાં પણ સ્ત્રૈણ્યપણું દેખાઈ આવે. પ્રેમિકાને પેલો 'આપ અત્રે શાને કાજે પધાર્યો છો?'આવા સંવાદો એ જમાનાની બધી ગુજરાતી ફિલ્મોમાં આવતા. અહીં તો 'બેફામ'જેવા સિદ્ધહસ્ત શાયરની કલમ ચાલી હોવા છતાં આખી ફિલ્મ, તેની વાર્તા કે એકે ય સંવાદમાં 'બેફામપણું'દેખાયું નથી. 'ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહિ ખોલું હું...'ગીતની પ્રથમ બે પંક્તિઓ કવિ મનસ્વી પ્રાંતિજવાળાએ લખેલી છે.

ફિલ્મની ઉજળી બાજુ આપણા દિગ્દર્શક મનહર રસકપૂર છે. સારી ફિલ્મો બનાવવા ઉપર એમની હથોટી બેસી ગઈ હોવાથી એમનું દિગ્દર્શન સારું જણાય છે. આ દિગ્દર્શકે ગુજરાતી ફિલ્મોને નામ અને ગૌરવ અપાવ્યા, તે મનહર રસકપૂરે રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણને લઈને ગુજરાતી ફિલ્મ 'મેંહદી રંગ લાગ્યો'બનાવ્યું અને હિન્દી ફિલ્મોની ગુજરાતી અભિનેત્રી આશા પારેખને લઈને 'અખંડ સૌભાગ્યવતી'બનાવ્યું. બન્ને હિંદી ફિલ્મોની જેમ જ ગુજરાતના થીયેટરોમાં સુપરહિટ ગયા. સંગીતકારો ભલે જુદા જુદા હતા, પણ બન્ને ફિલ્મો આજે પણ એમના સુમધુર સંગીતને લઈને મશહૂર છે. 'મેંહદી રંગ લાગ્યો'માટે તો મનહર રસકપૂરને રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણનને હાથે 'શ્રેષ્ઠ દિગ્દર્શક'નું પારિતોષિક મળ્યું હતું.

વચમાં મનહરભાઈ બહારવટે પણ ચઢી ગયા હતા અને 'જોગીદાસ ખુમાણ'અને 'કાદુ મકરાણી'જેવી ફિલ્મો બનાવીને ખૂબી એ ખરી કે, ડાકૂવાળી બન્ને ફિલ્મો ય ચાલી બહુ. તદ્ન સામાન્ય સ્તરના દિગ્દર્શકો અને મનહર રસકપૂર વચ્ચેનો ઉઘાડો તફાવત આ ચારે ફિલ્મોના નામો પરથી જ ખબર પડી જશે. મનહરભાઈની ફિલ્મો સંસ્કારી ઘરના લોકો જોઈ શકે અને તેઆ એ પરંપરાના હતા, ત્યાં સુધી જળવાયેલી રહી. આજે તો પાનના ગલ્લાવાળા કે ટાયર-પંક્ચર બનાવનારાઓ ય ગુજરાતી ફિલ્મો બનાવવા માંડયા છે, એટલે સ્તર વિશે પૂછી શકાય એવું નથી. મનહરભાઈએ પોતાની સાથે ગુજરાતી ફિલ્મોનું સ્તર પણ જાળવી રાખ્યું... કારણ ખબર છે?

મનહર રસકપૂર આટલા લાંબા નામમાં એક માત્ર 'પૂ'જ આડો ફાટયો, નહિ તો જેવું કાના-માત્ર વગરનું નામ, એટલી જ કાના-માત્ર વિનાની આ સરળ ફિલ્મ, 'અખંડ સૌભાગ્યવતી.'

પોરબંદરના ડો. પ્રવિણ ગોસ્વામીને આ ફિલ્મ બહુ ગમી ગઈ હતી, એટલે એની સીડી મને મોકલાવી. આ કોલમ ગુજરાતી ફિલ્મો માટે નથી, તેમ છતાં 'મેંહદી રંગ લાગ્યો'જેવી ગુજરાતને ગૌરવ અપાવનારી બીજી કોઈ ફિલ્મ હશે, તો ચોક્કસ લખીશું, પણ એ ય સારી હશે તો. પરિણામ તમારી નજર સામે છે.

મુંબઈ રહેતા એમના નાના ભાઈ શ્રી અરુણ રસકપૂર કાયમ આ કોલમ વાંચે છે. તેમણે આપેલી માહિતી મુજબ, ફિલ્મ 'અખંડ સૌભાગ્યવતી'મુંબઈના મોહન સ્ટુડીયોમાં બન્યું હતું.

ફિલ્મનો હીરો મહેશ દેસાઈ મનહર દેસાઈનો નાનો ભાઈ. આ મનહર દેસાઈ કોણ, એ પૂછવું ન પડે, એ માટે મીના કુમારી માટે મનહર દેસાઈએ પરદા પર તલત મેહમુદના અવાજમાં જે ગીત ગાયું હતું, તે ફિલ્મ 'મદહોશ'નું 'મેરી યાદ મેં તુમ ના, આંસુ બહાના, ન જી કો જલાના, મુઝે ભૂલ જાના...'અર્થાત મનહર દેસાઈ 'મદહોશ'ના હીરો અને પાછળથી સાવ ફાલતુ હિન્દી ફિલ્મોમાં એનાથી ય વધુ ફાલતુ રોલ કરીને જીવન ગુજારો કરતા હતા, એ મનહરના ભાઈ એટલે આ ઓલિવર દેસાઈ, એટલે કે, મહેશ દેસાઈ. બન્ને ભાઈઓ ક્રિશ્ચિયન હતા.

આશા પારેખનું બેકગ્રાઉન્ડ અમદાવાદના પાલડી પાસે આવેલા પિરાણા ગામનું, જ્યાં એના હિન્દુ વાણીયા પિતા દાઉદી વ્હોરા મુસ્લિમ પત્ની સાથે રહેતા હતા. ઓપી નય્યર અને આશા પારેખની કૂંડળીમાં કોક ગ્રહ સરખો હોવો જોઈએ કારણ કે, બન્નેની પહેલી ફિલ્મ હળવદના બ્રાહ્મણ દલસુખ પંચોલીની ફિલ્મ 'આસમાન'હતી.

આગાના આગમન સાથે ઓફિસની જે ટાયપિસ્ટ ઉપર તે લટૂડો-પટૂડો થઈ જાય છે, તે એક સમયની અભિનેત્રી કિમી કાતકરની મમ્મી છે. લાંબી સીકવન્સના ગુજરાતી સંવાદો આગા સહેજ પણ બિનગુજરાતી ન લાગે, એવી સાહજીકતાથી બોલી શકતો. ફિલ્મમાં એની કોમેડીમાં થોડો ય દમ નથી, પણ એ સમયની હિન્દી ફિલ્મોમાં પણ જે કાંઈ હસવું આવતું, તે કોમેડીયનોની બેવકૂફીભરી હરકતોથી વધારે આવતું. સંવાદોમાં કોઈ ચમક નહોતી. આ બતાવે છે કે, હાસ્ય કેટલી દુષ્કર ચીજ છે. આમ ગમે તેટલો મોટો સાહિત્યકાર હોય, હાસ્યની બે વાતો લખવી, એના ગજાનું કામ હોતું નથી, પરિણામે, તદ્ન ફાલતું સંવાદો લખીને એ લોકો એક્સપેક્ટ કરે કે, એણે સરસ કામ કર્યું છે. પ્રજાને હસાવવી એટલી સહેલી હોત, તો આજે ઘેર ઘેર હાસ્યલેખકો રમતા હોત!

ફિલ્મની વાર્તા અતિ સામાન્ય સ્તર અને ઈમ્પોસિબલ ઘટનાઓથી બનેલી હોવાથી એનો ઉલ્લેખ ટાળું તો સારું. આશા પારેખ અને મહેશ દેસાઈ બન્ને ધનિક પરિવારના છે. પ્રેમલગ્ન કરે છે, પણ લગ્ન થાય તે પહેલા વિલન અરવિંદ પંડયા અર્થ વગરનું છટકું ગોઠવીને આશા ઉપર અનૈતિકતાનો આક્ષેપ લગાવે છે કે, એ બીજા પુરુષના પ્રેમમાં છે અને એક બાળકની માતા છે. આટલું જાણવા છતા મહેશના માતા-પિતા ક્યા મેળના આ લગ્ન કરાવી આપવા દીકરા મહેશ ઉપર જબરદસ્તી કરે અને એની સામે ઝૂકી જઈને મહેશ લગ્ન પણ કરે, એ બધું ઉટપટાંગ વાતો છે. ગુજરાતી ફિલ્મોની પદ્મારાણી એ વખતે '૬૩ની સાલમાં પૂરજોશ જુવાન હતી. દેખાતી પણ હતી ગ્લેમરસ, એટલે દિગ્દર્શકે એને વેમ્પનો ટચુકડો રોલ આપ્યો છે. યસ. પોતાના રોલ પૂરતી જસ્ટિફાઈડ એક્ટિંગ એક માત્ર અરવિંદ પંડયા કરી શક્યા છે. રાજ કપૂરની ફિલ્મ 'ગોપીચંદ જાસુસ'ની હીરોઈન ભાવના ભટ્ટના મમ્મી ડેડી ચંદ્રવદન ભટ્ટ અને નિહારિકા ભટ્ટે 'મેંહદી રંગ લાગ્યો'ના રોલનું કેવળ એક્સટેન્શન કર્યું છે. આશા પારેખની સાસુ શેને માટે એને સળગાવવા માંગે છે, તેનું કોઈ વ્યાવહારિક કારણ પણ દેખાતું નથી ને છેલ્લે પોતાનો ગૂન્હો કબુલી કેમ લે છે, એ પણ સમજની બહાર છે. દુઃખ એક જ વાતનું થાય કે, આ બધું આપણે જેને આજે ય ખૂબ ચાહીએ છીએ, તે 'બેફામ'ની કલમે લખાયું છે, પણ ભૂંસાયું કાંઈ નથી. 'બેફામ'તો ય કેટલું થાકી જવું પડયું, નહિ તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી...'

ફિલ્મનું ઈન્ડોર શૂટિંગ શ્રી અરૃણ રસકપૂરના જણાવ્યા મુજબ મોહન સ્ટુડીયોમાં થયું હતું, પણ લગભગ બધું આઉટડોર અમદાવાદમાં થયું છે, એટલે મારી જેમ '૬૩ની સાલનું અમદાવાદ પણ જોઈ ચૂકેલા શહેરીઓ માટે એક નોસ્ટેલ્જીક ફીલિંગ આ ફિલ્મ જોવાથી ચોક્કસ મળે. કોઈ માની શકે, આશા પારેખ અમદાવાદના ત્રણ દરવાજા પાસેથી ગાડી લઈને પસાર થાય છે, ત્યારે શહેર કેવું ખાલીખમ્મ હતું કે આખા રસ્તા ઉપર કોઈ ભીડ જ નહિ...! બેકડ્રોપમાં એ વખતની ગુજરાત યુનિવર્સિટી દેખાય છે. બહારના બસ સ્ટેન્ડ પર હીરો મહેશ કુમાર અને હીરોઈન આશા પારેખ વાત કરે છે, ત્યાં અ.મ્યુ.ટ્રા.સ.ની બસ નં. ૫૬ અને ૫૭ના બોર્ડ વંચાય છે. બન્ને બસો અમને એટલે વહાલી લાગે કે, ગાંધી રોડ પર આ જ બસ નં. ૫૭માં અમે યુનિવર્સિટી જતા. જૂનું અમદાવાદ જોવાનો શોખ હોય તો એ સમયની ગુ.યુનિનું મકાન, શાહીબાગ અન્ડરબ્રીજ, તાજો બનેલો નેહરુબ્રીજ, ત્રણ દરવાજા, બાલ વાટીકા અને કાંકરીયું તળાવ દેખાય છે. હવે તો બહું ઓછાને યાદ રહ્યું હશે કે, કાંકરિયા તળાવ પર ક્વોલિટી રેસ્ટરાં હતી, એ સિવાય આજનું કોઈ સ્ટ્રક્ચર વિદ્યમાન નહોતું. કોઈપણ ગુજરાતી ફિલ્મ હોય એટલે કાંકરીયાનું 'વન-ટ્રી હિલ'અને કહેવાતો ઝૂલતો પૂલ બતાવવાનો જ, જે એકે ય વાર ઝૂલ્યો નથી.

ફિલ્મમાં સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું, પણ આસિસ્ટન્ટ લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા ને તો ય એકે ગીતમાં શકરવાર નહિ! એની સામે અવિનાશ વ્યાસની 'મેંહદી રંગ લાગ્યો'ના તમામ ગીતો આજે ય લોકજીભે રમે છે. ફિલ્મમાં પ્લેબેક હિન્દી ગાયકોનું જ લેવાયું હોવા છતાં, શાંતિથી બેસીને સાંભળવાનું ગમે, એવું કોઈ ગીત 'તમને'લાગતું હોય, તો મને જણાવજો. ગુજરાતી ફિલ્મોમાં તો આજ સુધી, આપણને જોવો ગમે એવો તો એક પણ હીરો આવ્યો નથી ને જે આવ્યા છે, તે જોઈને આજે પણ ખૂન્નસ ચઢી જાય એવા હીરો આજની ફિલ્મોમાં પણ આવતા રહ્યા છે. હીરોઈન આશા પારેખ હોવા છતાં... કદાચ એ સમયે નવી નવી હોવાને કાણે એક્ટીંગની કોઈ કમાલ જોવા મળી નથી, જે 'મૈં તુલસી તેરે આંગન કી'કક્ષાની હોય! આ એ હીરોઈન છે, જેણે આ ફિલ્મમાં નૂતન જેવી સમર્થ હીરોઈનની પણ અભિનયમાં બરોબરી કરી હતી.

ટોમ-બોયઝ ટાઈપના રોલમાં આશાની કોઈ સાની નહોતી, એક્સેપ્ટ તનૂજા! આશાની જોય મુકર્જી સાથેની ફિલ્મ 'ઝીદ્દી'ભલે ગણાઈ ગઈ મનોરંજક ફિલ્મમાં, પણ આવા રોલમાં (અને ફિલ્મના અંતે મેલોડ્રામામાં) એ ઈક્વલી સુપર્બ હતી. ટૂંકમાં, ગુજરાતી ફિલ્મ 'અખંડ સૌભાગ્યવતી'ખાસ ડીવીડી મંગાવીને જોવી પડે, એટલી ખાસ ફિલ્મ નથી.

ઍનકાઉન્ટર - 27-10-2013

$
0
0
* ક્યારેક તમે કરેલી 'હળી'નું સાંબેલું થઈ જાય ત્યારે બા નથી ખીજાતા ?
- બાએ આ વિશ્વનો ઉત્તમોત્તમ સુપુત્ર પેદા કર્યો છે, એટલે બીજાની બાઓ ખીજાય છે, મારી નહિ !
(અમરસિંહ વાઘેલા, ન્યુયોર્ક-અમેરિકા)

* તમે વારંવાર ડિમ્પલનો ઉલ્લેખ કરો છો, પણ ડિમ્પલ તમને ઓળખે છે ખરી ?
- હવે તો અક્ષય, સની અને અનીતા ય ઓળખવા માંડયા છે !
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* તમે કોઈ 'દિ તમારી પત્નીના વખાણ કરો છો ખરા ?
- બેશક. બીજો કોઈ વખાણ કરી જાય એ પહેલા હું કરી લઉં છું.
(સ્વીટી ચંદારાણા, વડોદરા)

* નારીનું સન્માન ત્યાં દેવોની પણ કૃપા રહે, પણ નારીનું અપમાન થાય ત્યારે દેવો શું કરે છે ?
- આ નર-નારીના ભેદમાંથી બહાર આવવા જેવું છે. અપમાન તો કોઈનું પણ અસહ્ય હોવું જોઈએ ને ?
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ'એવું કહેનાર પુરૂષોની બુદ્ધિ ક્યાં હોય છે ?
- આવું માનતો હોય, એ પુરૂષની બુદ્ધિ તો સ્ત્રીના કે એના પોતાના પગની પાનીએ પણ ન હોય !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* અશોક કાકા, મારે તમને કંઈક લખવું છે. તમારો સંપર્ક કહેશો ?
- ashokdave_52@yahoo.com પણ 'એનકાઉન્ટર'નો એકે ય સવાલ આમાં નહિ પૂછી શકાય !
(બકુલ મોલાડીયા, જતના ખેરવા-સુરેન્દ્રનગર)

* આપ અમેરિકા કેમ નથી આવતા ?
- ત્યાં બધું ઓબામા સંભાળે જ છે ને... મને એમના ઉપર વિશ્વાસ છે... છતાં ય માર્ચ મહિનામાં હું અમેરિકા આવું છું, ત્યારે એમને મળી લઈશ.
(પલ્લવી એમ. પટેલ, ન્યુજર્સી-અમેરિકા)

* કળીયુગના યોદ્ધા કામદેવે છોડેલા કામબાણ કોને નહિ વાગ્યા હોય ?
- આને માટે નગરપાલિકાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં વેળાસર તપાસ કરાવવી સારી.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* ધર્મને નામે ધતિંગ કરીને નાચતા બાવાઓનો ભક્તો કેમ વિશ્વાસ કરતા હશે ?
- ધર્મોને આંધળાની માફક માનતા લોકો જ આ દેશના ખરા દુશ્મનો છે. અત્યારે ધર્મ નહિ, દેશને પ્રાથમિકતા આપવાનો સમય આવ્યો છે. બે વર્ષ હરિભજન નહિ કરીએ, તો શ્રીકૃષ્ણ કે શ્રી મહાવીર સ્વામી ઘરડા નથી થઈ જવાના... પણ બે વર્ષ દેશને બાજુ પર રાખીશું, તો બધાનો વંશ ખત્મ થઈ જાય, એ દિવસો દૂર નથી.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* પ્રેમ એક બંધન છે, તો મુક્તિ શેમાં ?
- વધારે ગુજરાતી તો આવડતું નથી, પણ આપણે ત્યાં સ્મશાનને 'મુક્તિધામ'કહે છે ખરા !
(દિશા મૌલિક ગઢીયા, રાજકોટ)

* ગુંડાઓ કાળાં કપડાં પહેરે છે ને નેતાઓ સફેદ... આવું કેમ ?
- તમને બાવાઓ યાદ ન આવ્યા ? ઓકે...ઓકે તમને એ ત્રણે વચ્ચે થોડો ફરક લાગ્યો હશે !
(પિયૂષ પી. પટેલ, ગાંધીનગર)

* આપ એસ.ટી.માં આપના પિતાશ્રી સ્વ. ચંદુભાઈ સાથે નાટકો માટે આવતા હતા, ત્યારે હતું કે, તમે નાટયક્ષેત્રે આવશો... કેમ ન આવ્યા ?
- મને નાટકોમાં સમજ પડવા માંડી હતી, એટલે ?
(જયહિંદ એમ. દેસાઈ, અમદાવાદ)

* રીસેપ્શનના કાર્ડમાં લોકો ડિનરનો ટાઈમ જ કેમ જોઈ લેતા હોય છે ?
- બીજું કાંઈ જોઈ આવવાની આપણને પરમિશન હોતી નથી.
(ઓમકાર જોશી, ગોધરા)

* ઘણા શાયરો મૂળ હાસ્યકવિ હતા ને શાયર થઈ ગયા... તમારે કેમનું છે ?
- હું તો કરૂણ સાહિત્ય લખતો હતો, જે વાંચીને બધાને હસવું આવતું હતું, એમાં ને એમાં...
(કનુ એન. બારોટ, અમદાવાદ)

* અદાલતોમાં અન્યાય થતો નથી, એ વાત સાચી ?
- રાશિદ મસૂદ, લાલુ યાદવ, આસારામ... આ બધા જેલ ભેગા થયા, એટલે દેશની જ્યુડિશીયરી પર શ્રધ્ધા વધી છે !
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* વીતેલા જમાનાના ખલનાયકોના નામે, 'પ્રાણ', 'જીવન', 'ઉલ્લાસ'કે 'સજ્જન'હતા... કંઈ સમજાયું નહિ !
- 'મનમોહન'માં તમને કાંઈ સમજાયું ?
(જે.એમ. સોની, અમદાવાદ)

* ધર્મનો સદુપયોગ ક્યારે થયો કહેવાય ?
- ધર્મ દેશના કામમાં આવે ત્યારે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* અમદાવાદમાં વાંદરાઓનો ત્રાસ વધી જવાનું કારણ શું ?
- પૂર્વજો છે... ખબર કાઢવા આવે છે !
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* ગાંધીજી આજના રાજકારણીઓ માટે કેટલા પ્રસ્તુત છે ?
- યૂ મીન... સોનિયા ગાંધીજી... ?
(પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

* તમારી સફળતા પાછળ પત્નીનો હાથ છે કે કોઈ અન્ય સ્ત્રીનો ?
- બહુ ખબર નથી, પણ એ બન્ને જણીઓ અંદરઅંદર ગુસપુસ-ગુસપુસ કરતી હોય છે !
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

* અમારા સવાલોના ઘણા વખતથી જવાબ કેમ નથી આવતા ?
- મોબાઇલ નં. કે સરનામું લખ્યા વગરના સવાલો ને સ્થળ નથી.
(અ. રહેમાન બોગલ, ગોધરા)

* મારી તો સાઇઠે બુદ્ધિ નાઠી છે... તમારે કેમનું છે ?
- નાસવા માટે ય હોવી તો જોઈએ ને ?
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* પોલીસો પહેલા ચડ્ડી પહેરતા હતા... હવે પાટલૂન પર કેમ આવી ગયા ?
- તમને વાંધો એ બેમાંથી શેમાં છે ?
(દિલીપ જે. ધંધૂકીયા, અમદાવાદ)

* લગભગ તમામ પોલીસોના પેટ ફૂલી કેમ ગયા હોય છે ?
- ઘેર જઈને છોકરાઓને ગલીપચી કરવાની ગમ્મત પડે માટે.
(હર્ષદ ભટ્ટ, શહેરા-પંચમહાલ)

* જોય મુકર્જી અને વહિદા રહેમાનની ડબ્બામાં પડી રહેલી ફિલ્મ 'લવ ઈન બોમ્બે'રજુ થવાનું છે...
- મને ડર લાગે છે કે, ફિલ્મના પ્રમોશન માટે હીરો-હીરોઈન અમદાવાદ આવતા હોય છે... હવે ?
(પરેશ નાયક, નવસારી)

* ડિમ્પલ હવે ઘરડી દેખાવા માંડી છે...
- હું ય ક્યાં તમને ૧૬-વરસનો લાગ્યો ?
(મેઘાવી હેમંત મહેતા, સુરત)

મારો ચીન પ્રવાસ

$
0
0
મને બહુ લાંબા અંતરના પ્રવાસની હૉબી નથી. કહે છે કે, એમાં પછી પાછા નથી અવાતું. ‘‘એ તો બહુ દૂર... દૂઉઉઉ..ર’ ના પ્રવાસે ઉપડી ગયા છે,’ એવું મારા માટે કોઇ કહે એ મને જ નહિ, મારી બાને ય ન ગમે. બા ખીજાય!

પણ હું મધ્યમ માર્ગનો માણસ. ‘મધ્યમ માર્ગ’નો મતલબ એવો નહિ કે, ભરચક ટ્રાફિકવાળા સીજી રૉડની વચ્ચે ચાલવાનો હું આગ્રહી હોઇશ. એવું નથી. હું બહુ સીધો માણસ છું.  ‘સીધા માણસ’નો અર્થ એવો પણ નહિ કે, જ્યાં જઉં, ત્યાં અક્કડ અને ટટ્ટાર ચાલતો હોઇશ અથવા તો કોઇની રૂપિયાની નૉટ પડી ગઇ હોય તો કોઇ જુએ નહિ એમ એ લેવા હું વાંકો ય ન વળું. ‘‘અકડ કિસ બાત કી પ્યારે...’’ એવું જમીન પર પડેલી નૉટ ઉઠાવતા પહેલા આવો નમ્ર બની જઉં છું. નમ્રતાનો એવો અર્થ પણ નહિ કે........

હવે મૂળ વાત પર આવો, દવે સાહેબ. લેખ હજી શરૂ જ થયો છે, એના બીજા ફકરામાં જ તમે સાબિત કરી દીધું કે, તમે એક નંબરના અડવીતરા, અકડુ અને ૪૨૦ – બ્રાન્ડના માણસ છો.... ફિશિયારીઓ બંધ કરો અને મૂળ વાત પર આવો!

ગુજરાતી સાહિત્યના સમારંભોમાં મેં ક્યારેય પ્રવચનો આપ્યા નથી, એટલે મૂળ વાત પર આવતા મને ઝાઝો સમય નહિ લાગે. મૂળ વાત મારા ચીન–પ્રવાસની હતી, તે પતાવીને આપણે મૂળ વાત પર આવીશું.
અમદાવાદમાં મારા ઘર–નારણપુરાથી બોપલ બહુ દૂર પડે, તો પણ ચીન જવાનું સસ્તું પડે... રસ્તામાં ટ્રાફિક–જામ  પોલીસના પ્રોબ્લેમો નહિ ને! એટલે હું ચીન જઇ આવ્યો. જવું તો હતું મણીનગર જ, પણ ટ્રાફિક–જામ અને જ્યાં ને ત્યાં બ્રીજો ખોદાતા હોવાથી, ગાડીનો ‘યુ–ટર્ન’ લેવા છેક દિલ્હી સુધી જવું પડ્યું. ત્યાં પહોંચ્યા પછી ઘેર પાછા આવવા માટે આળસી જવાયું ને, ‘‘આટલે સુધી આયા છીએ, તો ચલો ચીન જતા આવીએ’’, એ વિચાર આવ્યા પછી ચીન ગયો.

એક જોતા અમેરિકા જવા કરતા ચીન જવામાં આબરૂ વધારે સચવાઇ જાય...... ચીનાઓ આપણું ગુજરાતી સમજે નહિ ને આપણે ચાયનીઝ ના સમજીએ. લૉસ બન્નેનો સરખો છે. અમેરિકામાં ઇંગ્લિશ બોલવું પડે ને ધોળીયાઓ હજી આપણા લૅવલના ઇંગ્લિશ સુધી પહોંચી શક્યા નથી, એમાં લૉસ એ લોકોનો છે. કહે છે કે, આપણા પટેલો અને બ્રાહ્મણો અમેરિકા જઇને વસ્યા પછી અમેરિકનો નવી ડિક્શનૅરી કાઢવાના છે. હવે તો ઓબામા ય ‘શિકાગો’ને બદલે ‘ચિકોગા’ બોલવા માંડ્યા છે. ‘‘ઇટ ઇઝ વૅરી ઇઝી’’ના બન્ને ‘ઝ’માં હવે અમેરિકનો ‘ઝપાટા’ ‘ઝ’ બોલતા થઇ ગયા છે.

પુરાણ કાળમાં આજ્ઞાંકિત સુપુત્ર શ્રવણે અંધ માં–બાપને પોતાના ખભે કાવડમાં બેસાડીને યાત્રા કરાવી હતી. પણ હું હજી બધું દેખતો હોવાથી મારા સુપુત્ર સમ્રાટે કાવડને બદલે વિમાનમાં બેસાડીને અમને ચીનની યાત્રા કરાવી.

ચીન માટે મારે અમદાવાદથી દિલ્હીની, દિલ્હીથી નેપાળની, નેપાળી ઝૅન્ગડૂની, ઝૅન્ગડૂથી બીજિંગની, બીજિંગથી શાંગહાઇની અને શાંગહાઇથી શૅન યાન્ગની ફ્લાઇટો પકડવાની હતી. અગાઉના જમાનામાં આવા ઠેકડા ટારઝન મારતો! ટારઝનને ઝાડે–ઝાડના વિઝા કઢાવવાના ન હોવાથી દોરડે દોરડે લટકીને મંઝિલો તય કરી શકતો. આજ સુધી અનેક લોકોએ મને લટકાવ્યો છે, એટલે લટકવા ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. પણ ચીન જવામાં એવો વાંધો આવે એમ નહોતો. આપણો પ્રેમ અને ચીનનો માલ... બન્ને સરખા. ‘ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક...!’

ચીન પહોંચતા પહેલા તેનઝિંગ નૉર્ગે અને સર ઍડમન્ડ હિલેરી કરતા ય ઊંચી સિધ્ધિ મને મળી. એ લોકો તો માઉન્ટ ઍવરેસ્ટની ૨૯–હજાર સમથિંગ ફૂટની ઊંચાઇ સુધી જ પહોંચ્યા હતા, કારણ કે, એનાથી ઉપર કોઇ ટોપકું જ નથી. અમને તો ફ્લાઇટમાં ઍરહૉસ્ટેસે કીધું, હવે પછીની ૨૦–જ સેકન્ડમાં તમારી ડાબી બાજુએ ધી ગ્રેટ માઉન્ટ  ઍવરેસ્ટ જોવા મળશે. અર્થાત, અમે ઍવરેસ્ટથી પણ એક હજાર ફૂટ આડે અને ઊંચે ઊડ્યા. ટીવી–અખબારોમાં ભેદભાવો તો રહેવાના. હું આસારામના આશ્રમની ઉપરથી ઊડ્યો હોત, તો મને અંદર કરી દીધો હોત, પણ આવડા મોટા ઍવરેસ્ટની ઉપરથી ઊડવા છતાં એકે ય છાપામાં તમે મારો ફોટો જોયો? ભેદભાવો તો રહેવાના જ!

ચીનના માલનો પહેલો અનુભવ બીજિંગના ઍરપોર્ટ પર થયો. અમારે ઍરપૉર્ટના વૅઇટિંગ–લાઉન્જમાં રાત આખી પસાર કરવાની હતી. ખાલીખમ ઍરપોર્ટ, સૂનસાન શાંતિ અને વિશાળ લાઉન્જની પેલે પાર વૉશરૂમ હતો. વાત અચાનક ઉપડી હોવાથી મારે ઉતાવળ ખૂબ હતી. દૂરથી ‘વોશરૂમ’નું પાટીયું વાંચીને મને પહેલો વિચાર આવ્યો, ‘‘ચલે જા, ચલે જા, ચલે જા, જહાં પ્યાર મિલે, જહાં પ્યાર મિલે.... હોઓઓઓ!’’

એસ.ટી. બસ સ્ટેશને છુટું પડી ગયેલું કોઇ નમણું બાળક બોલ્યા–ચાલ્યા વિના ખૂણામાં ઊભડક બેઠું હોય, તેમ બીજિંગના ઍરપોર્ટનો આ વૉશરૂમ ખૂણામાં પડ્યો હતો. ખાલીખમ્મ અને એકદમ ચોખ્ખો! ચોખ્ખો હતો છતાં ખાલીખમ હતો કે ખાલીખમ હોવાને કારણે ચોખ્ખો હતો.... ગૉડ નોવ્ઝ....!
ત્યાં સફાઇ–કામદાર સિવાય બીજું કોઇ નહોતું. મને જોતા જ એ ચીનો સમજી ગયો કે, હું અહીં કેમ આવ્યો હોઇશ! જો કે, આવું તો ઇન્ડિયાના સફાઇ કામદારો ય સમજી જતા હોય છે કે, ટૉઇલેટમાં આપણે કાંઇ પત્તા રમવા તો ન આવ્યા હોઇએ ને? મને નવાઇ લાગી હતી કે, કેમ જાણે ચીનાના ગુજરાતી જમાઇરાજ આવ્યા હોય, એટલું બધું એ મને મને માન આપવા માંડ્યો. ખૂબ હસીને આવકાર આપ્યો. વૉશ–બૅઝિન પર લઇ જઇને મારા હાથમાં હૅન્ડ–વૉશ સાબુની બૉટલ આપી, એ ય પોતાના શર્ટથી સાફ કરીને! હાથ લૂછવા નૅપકીન આપ્યો.

આ લોકોમાં ઊંધું હોય. આપણે ત્યાં વૉશરૂમમાં આવું બધું કરી આવ્યા પછી હાથ ધોવાના હોય ને ચીનાઓમાં પહેલા! પછી હોય છે કે નહિ, તેની મને ખબર નથી. હશે, મેં કીધું. કોઇની પર્સનલ લાઇફમાં આપણે પડવું નહિ. ચીનો મને હસતો હસતો ટૉઇલૅટ તરફ લઇ ગયો. ઇમરજન્સી હોવાથી એને આઘો ખસેડીને હું અંદર જવા માંગતો હતો, પણ સાહેબ, આગતા–સ્વાગતા તો જુઓ.... એક ચાયનીઝ ગાભા વડે એણે દરવાજો સાફ કર્યો. એ સ્પ્રે લઇને આવ્યો હતો. કમોડ ઉપર સુગંધીદાર સ્પ્રે છાંટ્યું. મને એમ કે હવે બેસવાનું હશે. ચીનાએ મને રોકીને ગાભા વડે કમોડ લૂછ્યું. હવે મારો સંયમ હદ વટાવતો હતો.... પૂરેપૂરી ન વટાવે, એ માટે મારાથી અકળામણમાં ગુજરાતીમાં બોલાઇ ગયું, ‘‘અલ્યા ભ’ઇ, ઝપ ને હવે.... આઘો ખસ.’’ એ ખસ્યો અને હું ચીનના વિવેક–વિનય અને ચોખ્ખાઇના ગુણગાન ગાતો મારો પ્રોજૅક્ટ પતાવતો મહીં બેઠો રહ્યો.

બહાર આવ્યા પછી જોયું તો એ દરવાજાને અડીને ઊભો હતો. ફરી એ જ પહોળા જડબાં સાથે એણે તો હસવાનું ચાલુ કરી દીધું. મેં હજી ચાયનીઝ પૈસા વટાવ્યા નહોતા, એટલે ખિસ્સામાં જે હતું તે ૪–૫ રૂપિયાનું પરચૂરણ ‘ટીપ’ તરીકે એના હાથમાં પકડાવી ચાલતી પકડી. મારો નાનપણથી આ નિયમ. કામ પૂરૂં થયા પછી ઘટનાસ્થળે કાચી સેકન્ડે રોકાવાનું નહિ.

ચીનો ગીન્નાયો. હસવાનું તાબડતોબ બંધ કરીને, એણે મારૂં પરચૂરણ પાછું આપ્યું. આપણને એમ કે, અહીં આવો રિવાજ હશે કે, જઇ આવીને આપણને ટીપ એ લોકો આપે! હું સમજ્યો નહિ, એમાં એ ખીજાણો. ચીની ભાષામાં રાડારાડ કરવા માંડ્યો. હું ગુજરાતીમાં સ્પષ્ટતાઓ આપવા માંડ્યો. એ વધુ ખીજાયો કે, એને શંકા પડી ગઇ કે, આ લુખ્ખો કાંઇ આપવાનો નથી, એટલે મારો હાથ પકડીને પુરૂષોના યુરિનલ્સ સાફ કરી અપવાનો મને ગુસ્સાથી ઇશારો કર્યો. વાત હવે સ્પીડ પકડી રહી હતી. મને ઈંગ્લિશમાં ગાળો બોલતા આવડતી નથી, બાકી ગુજરાતીમાં આપણી માસ્ટરી, બૉસ! લોહી તો ખાડીયાનું ને! પછી તો આપણે ય.... યૂ નો, વૉટ આઇ મીન....!

નસીબજોગે, મારો પુત્ર સમ્રાટ ત્યાં આવી ચઢ્યો. એ ત્યાં રહેલો છે, એટલે કામચલાઉ ચાયનીઝ આવડે છે. એના કારણે, વૉશરૂમમાં જ બે મહાન દેશો વચ્ચે મારામારી થતા રહી ગઇ.

શેનયાન્ગ પહોંચ્યા પછી એક માત્ર પ્રશ્ન તો ભાષાનો જ. ચીનાઓ ઈંગ્લિશ ન બોલે–ન સમજે, એ સમજી શકાય, પણ ત્યાંના તો એકે ય પાટીયા ઉપર ઈંગ્લિશ અક્ષરો ય જોવા ન મળે. જો કે, મને તેનઝિંગ ને હિલેરી યાદ આવ્યા કે, એ લોકો માઉન્ટ ઍવરેસ્ટ ચઢતી વખતે, ઍવરેસ્ટનું ટોપકું કઇ બાજુ આવ્યું, એવું પૂછતા’તા...? નહોતા પૂછતા, તો મેં પણ મારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે... ને ન્યાયે પૂછવાનું માંડી વાળ્યું.

ચીનમાં રહેવાનો મોટો ખતરો જમવાનો. એ લોકો માટે મટન–મચ્છી સ્વાભાવિક હતા, પણ એ સિવાઇ કાંઇ ન મળે. શાક–સબ્જી ફક્ત બાફેલી ને ચીનાઓ તેલ–મરચું તો નૉન–વૅજમાં ય કાંઇ ખાતા નથી, ત્યાં કાંદા–લસણ તો જય જીનેન્દ્ર...! મેં બારે બાર દિવસના રોકાણ દરમ્યાન જાતે વઘારેલો ભાત ખાધે રાખ્યો.

ચીનાઓ મળતાવડા બહુ. ત્યાં એ દ્રષ્ટિએ સ્ત્રી–પુરૂષનો ફરક નથી. તમને લાગતી સર્વોત્તમ સુંદર સ્ત્રીઓ પણ સામે ચાલીને તમને બોલાવે, સ્માઇલ આપે, ચાયનીઝમાં કંઇ બોલે.... જવાબમાં આપણે ગુજરાતીમાં સીધું જ પૂછી લઇએ ને, ‘‘સાલી, અત્યાર સુધી ક્યાં હતી....? ઇન્ડિયામાં જનમ લેવામાં તારી બા ખીજાતી’તી....?’’ એ ય કાંઇ ન સમજે અને કાંઇક બોલીને હસતી હસતી જતી રહે. ચીનાઓ મોંગોલિયન આંખો ધરાવે છે, એટલે આપણી આંખો એમને બહુ સુંદર લાગે! (મારી ય લાગી હતી, એના ઉપરથી વિચારી લો ને, એ લોકોનો ટેસ્ટ કેવો હશે?’ આ તો એક વાત થાય છે!)

બાર–દિવસમાં ભાગ્યે જ કોઇ ચીનાના પેટ ઉપર ફાંદ લટકતી જોઇ. સ્ત્રીઓ પણ પંજાબી સાથળોવાળી નહિ, સપ્રમાણ બૉડી, પણ હાઇટમાં બધી ઢીચકી. કારણો કેવા ચોખ્ખા છે! તેલ–ઘી તો અડવાનું નહિ. મરચું–મીઠું ય આપણે શરમાઇ જઇએ એટલું નામનું જ. દરેક ચીના કે ચીનીના ખભે થર્મોસ લટકતું હોય, જેમાં એ લોકો જેને ગરમ ચા કહે છે, એ ચા. ગરમ લ્હાય પાણી ભરેલા થર્મોસમાં લીલી ચા ની નામની બે–ત્રણ પત્તીઓ હોય. આવા રોજના ૧૦–૧૨ થર્મોસ પી જવાના. ગરમ પાણી આટલું બધું પીવાય, એટલે રોજ સવારે પેટ સરળતાથી સાફ આવે. ચરબી વધે નહિ. મહેનત પુષ્કળ અને ચાલવામાં તો એક એક ચીનો આખું ચીન ફરવા જેટલું ચાલી નાંખતો હશે.... પછી પેટો ક્યાંથી વધે? ટ્રાયલ પૂરતું હું એક થર્મોસ ગટગટાવી ગયો ને પછી ટમી ઉપર હાથ ફેરવી જોયો, ‘કાંઇ ઘટ્યું છે?’ નહોતું ઘટ્યું.

બાકી શૉપિંગ કરવા જાઓ, ત્યાં ભરાઇ પડો. કોઇ માનશે તો નહિ, પણ ત્યાંના શૉપિંગ મૉલ્સમાં બ્રાન્ડેડ ચીજોનો ય જંગી ભાવતાલ કરવો પડે. કોકા કોલાની બૉતલ એક જગ્યાએ (ભારતીય ચલણ પ્રમાણે) ૭૦–રૂપિયાની મળે, તો બીજે ૧૨૮ રૂપિયાની. ત્રીજે તપાસ અને ભાવતાલ કરો તો ૧૩–રૂપિયામાં ય મળી જાય.

આપણે આમ તો પાછા સજ્જન માણસો, એટલે ચીનમાં બીજું બધું શું શું કર્યું, તે તો કહેવાય નહિ, પણ ચીની ચીની ચીની ૧૨–દિવસ ભર માથમાં વાગવાગ કર્યું, ત્યારે મારૂં ભારત બહુ યાદ આવતું હતું. એક ધોળીયો ય જોવા ન મળે, ત્યાં ગુજરાતી ગોતવો ક્યાંથી? હાલત એ થઇ ગઇ કે, ઇશ્વર કરે, કમ–સે–કમ એક ઇન્ડિયન જોવા મળી જાય.

શાંગહાઇથી સીધી દિલ્હીની ફ્લાઇટ હતી, એટલે ઉમળકો વધવા માંડ્યો કે, કમ–સે–કમ આ જગ્યા એવી છે જ્યાં ઇન્ડિયનો જોવા મળશે. વિરાટ ઍરપૉર્ટ પર વૉકિંગ–ઍસ્કેલૅટર્સ ઉપરે ય હું ઝડપથી ચાલતો હતો. દૂરથી ૧૨–નંબરના આપણા ગૅટ પર ૩–૪ સરદારજીઓ બેઠેલા જોયા. મન પ્રફૂલ્લ–પ્રફૂલ્લ થઇ ગયું.

ત્યાં પહોંચતા જ બહુ ઉમળકા સાથે મેં એ લોકોને ઝૂકીને ‘સત શ્રી અકાલ, પાપે’ કીધું.

સામો જવાબ હસીને આપવાને બદલે એમાંના વયોવૃધ્ધ સરદારજીએ મને બોલાવીને મારા હાથમાં ચાયનીઝ રૂપિયાની નોટ પકડાવી દીધી! કોક બોલ્યું ય ખરૂં કે, ‘યહાં ભી સાલે ભિખારી લોગ કહાં સે આ જાતે હૈં....?’’

(વડોદરાથી પ્રગટ થતાં ફિલીંગ્સના દિવાળી–અંકમાં પ્રકાશિત)

બસ...આમાંથી અડધું કરી નાંખો !

$
0
0
આજકાલ નવી અવળચંડાઇ શરૂ થઇ છે. ઘેર કોઇ આવ્યું હોય ને આપણે જે કાંઇ નાસ્તો, ડ્રિન્કસ કે આઇસક્રીમ ઑફર કરીએ, એટલે મેહમાનો આપણી છાતી નહિ, થાળી ચીરાઇ જાય એવી અવળચંડાઇ કરે છે, ''ઓહ..ના ના...આટલું બધું નહિ...આમાંથી અડધો ભલે અંદર પડયો રહ્યો !''

આપણે પહેલેથી કહેવડાવ્યું હોય કે, તમારા માટે સરસ મજાની ખાંડવી બનાવી છે...તમારી મનપસંદ, એટલે પેટો ભરી ભરીને ના આવતા ! જમવાની તો ધડ કરીને ના પાડી દીધી હોય. સમજ્યા કે, અગાઉ એ લોકો આપણા ઘેર જમી ગયા હોય, એટલે બીજી વાર તો કોઇ એવી હિંમત ન કરે...! એ માફ, પણ આપણે તો ફૂલ નહિ પણ ફૂલની ખાંડવી જેટલો જ માલ બનાવ્યો હોય, એ ચાખવા જેટલી ડીસન્સી તો બતાવવી જોઇએ કે નહિ ? એક ડૉઝ લીધા પછી દર્દીને પણ દવાખાને બેસી રહેવું પડે છે, કોઇ રીઍક્શન આવતું નથી, એ જોવા ! હું તો કહું છું કે, ભલે ને ચાવવામાં સોપારીના કટકા જેવી આપણે ખાંડવી બનાવી હોય, પણ પ્રેમથી બનાવી છે ને...એટલે ખાઇ જવી જોઇએ...સુઉં કિયો છો ?

ખાંડવીઓનું તો કેવું છે કે, જીવ બાળવા જેવું છે. વધેલી ખાંડવી અમેરિકા આપણી દીકરીના ઘેરે ય મોકલાવી ન શકીએ. ઘરના બધા તો વર્ષોથી દાઝ્યા હોય, એટલે આ વખતની પણ દાઝેલી ખાંડવી મજાલ છે કોઇ હોઠ પણ અડાડે ? મહેમાનો આપણા ભગવાન કહેવાય, એટલે ઘરના ત્રણ-ચાર મૅમ્બરો મેહમાનનું નાક દબાવી રાખીને મોંઢા વાટે માલ સગેવગે કરી રાખે ! આજે કાંઇ જબરદસ્તી થોડી કરી શકાય છે કે, ''હવે ના પાડો છો...મારી કેટલી બધી ખાંડવી બગડે!''

એ અમારા ફૅમિલીનું કૌશલ્ય છે કે, યુધ્ધ જેવા આગ્રહો કરી કરીને અમારા ઘરે કોઇને જમવા બોલાવીએ ને એ લોકા એવું સમજે કે, અમને એમના ઉપર પ્રેમો ઉભરાઈ આવ્યા છે...! વાસ્તવમાં તો આગલી રાતનો માલ ખૂટાડવાનો હોય....! બે તપેલાં ગરમ કરતા વાર કેટલી ? આ તો એક વાત થાય છે!

પણ આવો માલ અમારે ત્યાં બને છે, માટે આવું થતું હોય પણ વાચકો, તમારા ઘરે તો સારા સારા ઘાણો જ ઉતરતા હોય ને ? છતાં ય અનુભવ તમને ય હશે કે, મેહમાનો અડધું કાઢી નાંખવાની હઠો પકડીને આવ્યા હોય છે ! અડધીયાઓ સમજતા નથી કે આપણે બનાવતી વખતે બધું આખું બનાવ્યું હોય છે, અડધું-અડધું નહિ ! એ લોકોની આદત મુજબ, અડધું કઢાવી જ નાંખવાના છે, એ ધારણાએ આપણાથી પિરસવામાં અડધી ગ્રીલ્ડ-સૅન્ડવિચ, અડધી કાપેલી દાળઢોકળી, અડધા ફાડેલા ગુલાબજાંબુ કે અડધો જ્યુસ આલીએ તો હાળા પીવાના છે ? બીજું કાંઇ નહિ, પણ નાસ્તામાં ફક્ત સેવ-મમરા જ મૂકવાના હોય તો સેવ તો સમજ્યા, પણ મમરા અડધા-અડધા ફાડીને કેવી રીતે મૂકવા ? કેમ જાણે આપણે એંઠું આલતા હોઇશુ ? કોઇ પંખો ચાલુ કરો, ઈ !

જે કાંઇ પિરસીએ, એમાંથી અડધું કરી નાંખવાનું કારણ શું ? શક્ય છે, એ લોકો સાબિત કરવા માંગતા હોય કે, આવી ખાંડવીઓ તો અમારા ઘેર રોજ બને છે. ખાંડવી અમારે મન કોઇ નવી નવાઇ નથી, પણ એમાં ફાટીપડયાઓ આપણી ખાંડવીનું જધન્ય અપમાન કરી નાંખે છે.

જેમ કે, આ કારણ સાવ કાઢી નખાય એવું ય નથી કે, પોતે આવા બહુ બધા આઇસક્રીમો કે ખાંડવીઓ ખાઇ ચૂક્યા છે, એ બતાવવું જરૂરી છે, નોર્મલી, આઇસક્રીમ બધાને ભાવતો હોય ! એટલે ના પાડવાથી આપણા જ અંતરમનમાં એમને માટે અહોભાવ થાય કે, ''ઓ હાય...આ લોકો માટે તો આવા આઈસક્રીમો રોજના થયા...એમણે બહુ બધું જોયું છે ! આપણા આઇસક્રીમોની તો એમને કિંમતે ન હોય !

મેહમાન બનીને જઇએ તો, અમારા કાઠીયાવાડમાં તો આજે ય રાહ જોવાય કે, ફૂટેલાઓ નાસ્તાપાણીમાં શું કાઢશે ? વર્ષોથી ડબ્બે-ડબ્બા ભરી રાખ્યા હોય ગાંઠીયા, સેવ, મમરા અને મગસના લાડુના....આપણે જઇએ એટલે શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રની જેમ થાળી પકડીને ગૃહલક્ષ્મી આવે. છેલ્લે એક મમરો વધ્યો ન હોય, એટલા ઝનૂનથી અમે તૂટી પડીએ. એ લોકોને ય જુનું બધું ખાલી કરવાનું હોય એટલે ગળચી પકડી પકડીને આગ્રહો કરે કે, ''કેમ કાંઇ ખાધું જ નહિ ? થોડું તો હજી લેવું જ પડશે...'' (આપણે 'થોડું'નહિ, 'વધારે'ની રાહમાં બેઠા હોઇએ !) એટલે આમ આપણને તતડાવી-તતડાવીને આગ્રહો કરે ને પેટીનો માલ સાફ થતો જાય !)

પણ એવી મેહમાનગતી કેવળ કાઠીયાવાડમાં આજે બચી છે...(કેટલાક ઘરોમાં તો મેહમાનોને તાજો ગરમ નાસ્તો આપવાનો રિવાજે ય શરૂ થયો છે !) પણ બાકીના ગુજરાતમાં ફેશન જોર પકડતી જાય છે....નાસ્તા-પાણીમાં જે કાંઇ આવે કે હફ્ફ દઇને ના જ પાડી દેવાની, ''ના ના....આટલું બધું નહિ...અડધું કાઢી લો !''

અડધું કઢાવીને બાકીનું બાંધી આપવાનું મેહમાનો નથી કહેતા કે, ચલો બાકીનું ઘેર જઇને ખઇશું. પાછા ઘરેથી કાંઇ ખાઇ-પીને ન આવ્યા હોય ને આપણે પિરસેલું ભાવતું પણ હોય, પણ હવે બધા આવા સોટા પાડવા માંડયા છે ને આપણે ના પાડીએ તો ગામડીયા લાગીએ, એ કારણે અડધું કાઢી નંખાવવાની ફેશન જોર મારતી હોય !

પ્રશ્ન એ થાય કે, નાસ્તાપાણી સિવાય બીજા બધામાં ય લોકો અડધું કઢાવી નાંખતા હશે ખરા ? દરજીએ પ્રેમપૂર્વક પૈસા લઇને સુંદર મજાનો લેંઘો સિવી આપ્યો હોય, ત્યારે આ લોકો આવો વિવેક કરતા હશે ?, ''ના ના ગદાણી સાહેબ...આટલો લાંબો લેંઘો ના હોય...હમણાં જ ઘેરથી પહેરીને આવ્યો છું...આમાંથી એક બાંય ઓછી કરી નાંખો ! આટલો બધા ના હોય !''

લગ્નની પ્રથમ રાત્રીએ કોઇ દુલ્હો દુલ્હનને આખાને બદલે ફક્ત અડધો જ ઘુંઘટ કાઢવાની રીક્વૅસ્ટ કરે છે ? ''ઓહ ના ના સૌભાગ્યલક્ષ્મી...આટલો બધો નહિ...? હું બહારથી હમણાં જ બહુ મોટા ઘુંઘટો જોઇને આવ્યો છું...અડધો પ્લીઝ...ઢાંકી દો !'' (આવા તો બહુ ઘુંઘટો જોઇ નાંખ્યા...એ સાચું પણ હોય તો ય આ શુભ પ્રસંગે આવું બાફી ન મરાય...સુઉં કિયો છો ?)

ઈન ફૅક્ટ, હવે તો ગુજરાતીઓમાં મેહમાનોને ફક્ત જમવા નથી બોલાવતા....''ડ્રિન્કસ''સાથે જમવા બોલાવાય છે. આ ડ્રિન્કસ જ એવી ચીજ છે, જેમાં કદી આખું પિરસાતું નથી...અડધું ય નહિ, અડધાનું ય અડધું આપવાનું હોય છે. વ્હિસ્કી એ કોઇ છાશ નથી, કૂંવરજી કે આખો ગ્લાસ ભરીને અપાય ! ડ્રિન્કસ સાથે મન્ચિંગ તો હોય, પણ પછી ફૂલ ડિનર પણ હોય અને એમાં કોઇ અડધું કઢાવતું નથી. આનું નામ વિવેક. આનું નામ વિનય.

કહેવાનો મતલબ એટલો કે, અડધું કઢાવી લેવાની આ ખૂંખાર પધ્ધતિ ગુજરાતમાંથી બંધ કરાવવી હોય, તો એકલું લુખ્ખું-લુખું જમવા ન બોલાવો....સાથે મહેફીલ ડ્રિન્કસની રાખો....ભલે બા ખીજાય !

સિક્સર

FM રેડિયોના તમામ આર.જે.ઓએ દિલ્હી પહોંચી જવું જોઇએ. કેવું મધુરૂં, અસ્ખલિત અને કાનને ગમે એવું આ આરજેઓ બોલતા હોય છે ! હું તો તમામ આર.જે. નો ફૅન છું. દાદુઓ (સૉરી, અહીં દાદીઓ નહિ લખાય !) બે મહિના દિલ્હી જઇ આવો...ત્યાં કોઇનું મોઢું ખોલાવવું પડે એમ છે!

'અપના દેશ' ('૪૯)

$
0
0
ફિલ્મ : 'અપના દેશ' ('૪૯)
નિર્માતા : રાજકમલ કલામંદિર
દિગ્દર્શ : વ્હી. શાંતારામ
સંગીત : પુરુષોતમ
ગીતકાર : દીવાન શરર અને મિર્ઝા ગાલિબ
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : પુષ્પા હંસ, ઉમેશ શર્મા, કે. દાતે, સુધા આપ્ટે, મનમોહન કૃષ્ણ, ચંદ્રશેખર, સતીષ વ્યાસ, દીવાન શરર, કૃષ્ણ ગોયલ, પરશુરામ અને તિલોત્તમા.


ગીતો :

૧. કોઈ ઉમ્મીદ બર નહિ આતી - પુષ્પા હંસ
૨. મેરી ખુશીયોં કે સવેરે કી - પુષ્પા હંસ
૩. તોહે દિલ કી કસમ - પુષ્પા હંસ
૪. અપના દેશ હૈ આજ સે - મનમોહનકૃષ્ણ-કોરસ
૫. જયહિંદ કહો દેખો તિરંગે મેં - ઉમેશ શર્મા-કોરસ
૬. દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ - પુષ્પા હંસ
૭. બેદર્દ જમાના ક્યા જાને - પુષ્પા હંસ
૮. હુઆ કરતી હૈ દિલ મેં એક ઉલઝન - (?)
૯. દિલ ગવાં બૈઠે લગાને સે પહેલે - પુરુષોત્તમ

જાણું છું, જે ફિલ્મ જોવાની તો બાજુ પર રહી, પણ આવી કોઈ ફિલ્મ ઉતરી હશે, એનું નામ પણ સાંભળ્યું ન હોય, એવી ૧૯૪૯માં બનેલી ફિલ્મ 'અપના દેશ'વિશે લખેલું કોણ વાંચશે? હીરો હીરોઈન પુષ્પા હંસ અને ઉમેશ શર્મા કરતા તો સાઈડમાં કામ કરી ગયેલા મનમોહન કૃષ્ણ, દીવાન શરર, ચંદ્રશેખર અને બહુ બહુ તો ફિલ્મ 'નવરંગ'ને કારણે યાદ રહી ગયેલા કાકા કે. દાતેને આપણે તો ઓળખીએ. વળી, એનું એકે ય ગીત કે ગાયક કોઈ મશહુર નથી, તો પછી આ ફિલ્મ વિશે લખવાની જરૂર શી પડી?

શાંતારામને કારણે...! વ્હી. શાંતારામને કારણે જરૂરત પડી...!!

આ માણસના સર્જનો સમાજ સુધી ઝાઝા ન પહોંચ્યા પણ એણે જે કાંઈ બનાવ્યું, તે સર આંખો પર બનાવ્યું. શાંતારામની તો કોઈ પણ ફિલ્મ યાદ કરો ને! કોઈમાં કશું તો ગમેલું નીકળે જ. આ ફિલ્મ 'અપના દેશ'બોક્સ ઓફિસ પર તો પિટાઈ ગયેલી ફિલ્મ હતી અને સાચું પૂછો તો ગીતો ખૂબ સારા હોવા છતાં આપણા સુધી ક્યારેય પહોંચ્યા પણ નહોતા. બિનાકા ગીતમાલા શરૂ થયું, તે પહેલાંની આ ફિલ્મ પતી ગઈ હતી ને એકલું રેડિયો સીલોન પુષ્પા હંસના ગીતો ક્યારેક ક્યારેક વગાડતું હતું. અને એ પણ, મેરેથોન દોડમાં સૌથી છેલ્લા નંબરે આવેલા દોડવીરનું છાપા-બાપામાં કાંઈ નામ-બામ ન આવે... ને આવે તો એટલું આવે કે, He too ran…! એમ આ ફિલ્મ કે તેના ગીતો માટે ય મેક્સિમમ... They too ran...! લખાય.

જ્યારે જમાનો કેસેટોનો હતો. ત્યારની મારી પાસે પુષ્પા હંસના ગીતો વાળી ફિલ્મ 'અપના દેશ'ની કેસેટ પડી હતી. ફ્રેન્કલી કહું તો, તનમનમાં છવાઈ જવાય એવો કોઈ કંઠ નહતો પુષ્પાનો, પણ સાંભળવા બેસીએ તો ગમે તો ખરો જ. એ સમય એવો હતો કે, સહુ નૂરજહાંના પડછાયામાં ગાતા (પુરુષો નહિ, સ્ત્રી-ગાયકોની વાત થાય છે!) પુષ્પા હંસ પણ બાકાત નહિ. હિંદી ફિલ્મોમાં એનું પ્રદાન નહિવત-નહિવત, પણ પંજાબી ફિલ્મો અને ગીતોમાં એની સજ્જતાએ એને 'પદ્મશ્રી'એવોર્ડ અપાવ્યો, 'કલ્પના ચાવલા એક્સેલેન્સ એવોર્ડ'અને પંજાબમાં ઘર ઘરમાં અપાતા ય અનેક એવોર્ડ મળ્યા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફઝીલ્કામાં તા. ૩૦ નવેમ્બર, ૧૯૧૭ના રોજ જન્મેલી પુષ્પા હજી હમણા ૯૪ વર્ષની ઉંમરે (૮ ડીસેમ્બર, ૨૦૧૧ નવી દિલ્હી) ગૂજરી ગઈ. મુંબઈના ૭૮ RPM ના રેકોર્ડ સંગ્રાહક કચ્છી શ્રી નારણભાઈ મૂલાણીને ત્યાં પુષ્પા હંસની ઘણી ઉઠક-બેઠક હતી. અહીં આવીને ક્યારેક ક્યારેક ગાતા પણ ખરા. પુષ્પા હંસે શાસ્ત્રીય ગાયકીની તાલીમ લાહૌરના પટવર્ધન ઘરાણામાં દસ વર્ષ સુધી લીધી હતી.

ઓકે. એક હીરોઈન તરીકે પુષ્પા કેમ ન ચાલી, એનું આશ્ચર્ય અને આઘાત સહુને થવો જોઈતો હતો... ન થયો...! કારણ... કોઈ બે-ચાર ફિલ્મોથી વધારે એ ચાલી જ નહિ. નહિ તો ઇન્ડિયન સુંદરીઓને ખાટલે મોટી ખોડ કે, હાઈટના વાંધા અને નબળા બાંધા! આ તો નખશીખ પંજાબણ હતી ને વ્હી. શાંતારામની આ ફિલ્મ 'અપના દેશ'માં એને જોઈ, ત્યારે જીવો બળી ગયા કે, આટલી સુંદર સ્ત્રી ફિલ્મોમાં ચાલી કેમ નહીં? અદ્ભૂત હાઈટ. એને અનુરૂપ પરફેક્ટ ફિગર અને મીઠડો અવાજ... એક્ટિંગમાં જોકે, મોટા વાંધા હતા, પણ સો વ્હૉટ? આપણે ત્યાં તો બધીઓ આવા વાંધાવાળીઓ જ ચાલે છે! પુષ્પી તો સોહરાબ મોદીની મેગ્નમ ઓપસ ફિલ્મ 'શીશ મહલ'માં પણ સાયરા બાનુની મમ્મી નસીમ બાનુ અને દાઉદવાળા 'ભાઈ'ઈકબાલ મિરચીની સાસુ નિગાર સુલતાનાની (હીના કૌસર નિગારની દીકરી થાય!) સાથે ત્રીજી હીરોઈન તરીકે હતી. આ બધું કોણ, કોનું શું થાય, એ બધું જાણવાની ઘણીવાર ગમ્મત પડી જાય છે. આગળ દાંતવાળો ટીનુ આનંદ કોમેડિયન આગાનો જમાઈ થાય તો 'થ્રી ઇડિયટ'પછી આપણા બધાનો લાડકો બનેલો હીરો શર્મન જોશી પ્રેમ ચોપરાનો જમાઈ થાય! પ્રેમનાથ રાજ કપૂરનો સાળો થાય, એ તો ગામ આખું જાણે છે, પણ પ્રેમનાથ સાળો થતો હોય તો રાજેન્દ્રનાથ અને નરેન્દ્રનાથ પણ રાજ કપૂરના સાળા જ થાય, ને રાજ કપૂર એ ત્રણેનો ભેગો બનેવી થાય, એ ઘણાના ગળે હજી ઉતરતું નથી!

ઘણાને ગળે બીજી પણ એક વાત નહિ ઉતરે કે, વ્હી. શાંતારામ મારા મતે કેવળ શ્રેષ્ઠ સર્જક જ નહિ, શ્રેષ્ઠ ભારતીયો પૈકીના એક હતા. એ ઘણા લોકો કહેશે કે, વ્હી. શાંતારામ પ્રાંતવાદી અને ટીપીકલ ઠાકરે-બ્રાન્ડના મરાઠી માણુસ હતા. ન છુટકે જ એમની ફિલ્મોમાં બિન-મરાઠી કલાકાર લેવાય. પણ એવી આવડત, એવો પ્રાંતપ્રેમ કે એવી જરૂરત ગુજરાતીઓમાં નથી, એટલે શાંતારામની કે બાળ ઠાકરેની ટીકા કરવી ઉચિત નથી. શાંતારામની તમામ ફિલ્મોમાં ભારતીયતા અને ભારતીય સંસ્કૃતિ છલોછલ છલકતી હોય. આ ભારતીયતા શું ચીજ છે, એ મારા તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને તો ચિત્રો દોરીને સમજાવી-બતાવવી પડે, કારણ કે આપણે ભારતીય છીએ, એનું ભાન પરદેશ ગયા પહેલાં પડતું ય નથી. એ તો વિદેશ જઈએ ને ત્યાં ધોળીયાઓ નજર સામે આપણને મનોમન હડધૂત કરતા જોઈએ ત્યારે ખબર પડે, ઈન્ડિયન હોવું શું ચીજ છે! (જાપાનમાં રહેતા આપણા ગુજરાતી કમ્પ્યુટર જીનિયસ સુરતના જયેશ જરીવાલાએ હમણાં વાત કરી કે, સમગ્ર જાપાનમાં કેવળ ત્રણ જ વ્યક્તિ વિશેષ મશહૂર છે. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ત્રીજું નામ તો તમે ય સાંભળ્યું ન હોય... જસ્ટિસ રાધાવિનોદ પાલ (બેંગોલી ઉચ્ચાર, રાધાબિનોદ). જયેશના કહેવા મુજબ, એક પણ જાપલો એવો નથી જેણે આ ભારતીયનું નામ સાંભળ્યું ન હોય. ઈન ફૅક્ટ, બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના યુદ્ધ ગુનાહોની તપાસ માટે એક આંતરરાષ્ટ્રીય તપાસ સમિતી નિમાઈ હતી, જેમાં એક માત્ર ભારતીય રાધાવિનોદ પણ હતા. તમામ સભ્યોમાંથી એકમાત્ર જસ્ટિસ રાધાવિનોદે એવું જજમેન્ટ આપ્યું હતું કે, તમામ જાપાનીઝ ગુન્હેગારો નિર્દોષ છે. બસ, આ ચુકાદા ઉપર જાપાનીઝો આજ સુધી રાધાવિનોદનું નામ ભૂલ્યા નથી અને જાપાનના અનેક શહેરોમાં એમની પ્રતિમાઓ મૂકાઈ છે.

આઝાદી પહેલા ભારત દેશનો તમામ નાગરિક દેશનું મૂલ્ય સમજતો હતો. ફિલ્મ 'અપના દેશ'માં એક દ્રશ્યમાં હીરો અને તેના કુટુંબીજનો ભારતમાતાના તિરંગાને પ્રણામ કરીને દેશભક્તિનું ગીત ગાય છે, ત્યારે એમના તનબદનમાં તરવરાટ ને ચેહરા ઉપર દેશભક્તિની ખુમારી જોઈને અડોસપડોસના લોકો ય ભારે ઉંમગથી આ ગીતમાં જોડાઈ જાય છે. હવે આજે આવું દ્રષ્ય... એક તો પોસિબલ નથી ને માનો કે, બતાવીએ તો કોઈ માને ય નહિ કે, એક દેશભક્તિનું ગીત ગાવામાં આટલો બધો ઉમળકો શેનો વેડફી નાંખવાનો? ને કોઈ વેડફતું ય હશે?

'અપના દેશ'૧૯૪૯માં બની હતી. ફિલ્મ 'નવરંગ'માં મહિપાલના પિતા બનતા ચરીત્ર અભિનેતા કેશવરાવ દાતેને એ ફિલ્મમાં જોઈને એ વખતે તો મોટા ભાગના પ્રેક્ષકો કહી દેતા હતા કે, 'સ્વાભાવિક એક્ટિંગમાં આની તોલે તો અશોક કુમારો કે (આજના સંદર્ભમાં) અમિતાભ બચ્ચનો ય ન આવે, એટલો સારો એક્ટર. શાંતારામનો ખૂબ લાડકો હોવાને કારણે એમની તમામ ફિલ્મોમાં આ કે. દાતે હોય જ. નાના પળશીકરની જેમ કે. દાતે ય જન્મ્યા ત્યારથી જ આટલા બુઢ્ઢા લાગતા હશે, માટે 'નવરંગ'પહેલાની ફિલ્મોમાં ય એ કાયમ બુઢ્ઢા જ રહ્યા... ત્યાં સુધી કે, શાંતા આપ્ટેવાળી ફિલ્મ 'દુનિયા ના માને'માં એ શાંતાનો બુઢ્ઢો પતિ ભર યુવાન ઉંમરે બને છે!

કેશવરાવ જન્મ્યા તો ઠેઠ ૧૮૮૯માં મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાના આદિવારા ગામે હતા ને ગૂજરી ગયા ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૭૧ના રોજ. વ્હી. શાંતારામની તો સમજો ને, એકોએક ફિલ્મમાં એમણે મજબૂત રોલ મળ્યા હતા. યાદી જુઓ, પ્રતિભા, કંકુ, ડો. કોટનીસ કી અમર કહાની, તૂફાન ઔર દિયા, દો આંખે બારહ હાથ, નવરંગ, સ્ત્રી, ગીત ગાયા પથ્થરોં ને, સહેરા, ઝનક ઝનક પાયલ બાજે. પહેલી ફિલ્મ તો ૧૯૩૪માં એટલે કે ફિલ્મો બોલતી થઈ (ટોકી) ૧૯૩૧માં ને આમણે '૩૪માં બનેલી ફિલ્મ 'અમૃત મંથન'માં રાજ્યગુરુનો કિરદાર કર્યો હતો. આમાં ૧૯૩૯માં બનેલી ફિલ્મ 'અધૂરી કહાની'તો સાહિત્યકાર બહેનો ઈલા આરબ મેહતા અને વર્ષા અડાલજાના પિતાશ્રી આપણા સમર્થ ગુજરાતી વાર્તાકાર ગુણવંતરાય આચાર્યએ આખી કહાની લખી હતી, જેના હીરો પૃથ્વીરાજ કપૂર અને હીરોઈન દુર્ગા ખોટે હતા.

ફિલ્મનો હીરો ઉમેશ શર્મા છે, પણ શાંતારામની ફિલ્મોનો હીરો એમની પોતાની જ નકલ હોય. દેવ આનંદ અને વ્હી. શાંતારામ બને સર્જકોની મોટી મુશ્કેલી એક જ. હીરો તરીકે પોતે જે સ્ટાઈલથી સંવાદો બોલે, એ દિગ્દર્શક તરીકે ફિલ્મના તમામ પાત્રો પાસે એ જ ટોન, અદાયગી અને હાવભાવથી બોલાવે... સ્ત્રી પાત્રો ય આ બન્ને હીરાઓ જેવું જ બોલે. એમાં ય શાંતારામની પોતાની સંવાદ બોલવાની પદ્ધતિ અત્યંત સ્ત્રૈણ્ય હતી. બોલતી વખતે આંખની એક ભ્રમર ઊંચી નીચી કરતા રહેવાનું, તફાવત કશો ન લાગે. અહીં ઉમેશ શર્મા નામનો હીરો વ્હી.ના અન્ય હીરાઓની જેમ શરીરે રોબસ્ટ એટલે કે સ્નાયુબદ્ધ છે. (મહિપાલ, ગોપીકૃષ્ણ કે જીતેન્દ્ર આ કેટેગરીમાં ન આવે!) છાતી આગળ ને પેટ અંદરવાળા આ બધા હીરાઓ મૂળ તો દેખાવમાં ય શાંતારામની પ્રતિકૃતિ લાગે.

જન્મ્યો ત્યારે લાઈફમાં કદાચ છેલ્લી વાર હસ્યો હશે, તે બારમાસી રોતડો મનમોહનકૃષ્ણ અહીં તો સો-કોલ્ડ યુવાન અને એમાં ય પાછા વિલનનાં પાત્રમાં છે. ('બારમાસી રોતડો...'આ સાલું 'મનમોહન'નામમાં જ કાંઈ ગરબડ હશે?)

બધા જાણે છે કે વ્હી. શાંતારામની ફિલ્મોના ટાઈટલ્સ અનોખા અંદાજથી રજુ કરવામાં આવતા. 'અપના દેશ'માં પણ દેશભક્તિના રંગે રંગાયેલી યુવતીઓ શેરીમાં તોરણો ઝૂલાવે છે, એમાં તોરણની એક એક હાર ઉપર ટાઈટલ્સ દેખાતા રહે. એક તોરણ ખસતું જાય અને બીજું આવે. એ જ રીતે, શાંતારામ ટેકનિકમાં પણ એ સમયના તો તમામ ફિલ્મ સર્જકોથી આગળ હતા... (હા, બોમ્બે ટોકીઝ અને ન્યુ થીયેટર્સ પાસે પણ શાંતારામ જેવી ટેકનિક આવી નહોતી. પછીથી રાજ કપૂર આ ક્ષેત્રનો માસ્ટર ગણાયો.) શાંતારામની ફિલ્મોના સેટ્સની ડીઝાઈન્સ, લાઈટિંગ, સ્વચ્છ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટોગ્રાફી તેમ જ વાર્તા કહેવાનું કૌશલ્ય ગજબનું. દિગ્દર્શનના ઝીણા નકશીકામનું એક દૃષ્ટાંત જીવનભર દેશભક્તિના રંગે રંગાયેલા કે. દાતે મનમોહનકૃષ્ણને ત્યાં મુનિમજીનું કામ કરે છે. આવો ઉમદા માણસ લાંચ લીધા પછી કેવો નર્વસ થઈ જાય અને એના સ્વચ્છ ચરીત્ર ઉપર કાળો પડછાયો લાગી ગયો, એ દર્શાવવા વ્હી.એ કે. દાતેના અડધા ચેહરાને પ્રકાશમાં બતાવ્યા પછી ફરતો ફરતો ટેબલ-ફેન એમના ચેહરાને અંધારાથી ઢાંકી દે છે... જેને સીધી ભાષામાં, 'મ્હોં કાળું કર્યું'કહેવાય!

ફિલ્મની વાર્તા પકડ જમાવી રાખે એવી તો છે જ, કારણ કે, એ જમાનામાં હિંદી ફિલ્મોમાં થ્રિલર જવલ્લે જ દેખાતું. આ એક થ્રિલર છે. પ્રામાણિક કે. દાતે પત્ની અને ત્રણ મોટા સંતાનો સાથે મધ્યવર્ગી છતાં દેશદાઝના જૂનુનવાળું સાદું જીવન જીવે છે. છેવટે હીરોને ફસાવવા મનમોહનકૃષ્ણ અને ટોળકી ત્રાગું કરે છે. ઈલ્ઝામ હીરો ઉપર આવે છે, જેને છોડાવવા હીરોઈન અદાલતમાં આવીને ભાવિ ગોરધનને છોડાવી જાય છે.

ફિલ્મના ગીતો દીવાન શરરે લખ્યા છે. દીવાન '૫૦ના દાયકાની તો અનેક ફિલ્મોમાં ચમક્યા હતા. અહીં પણ ન્યાયાધીશની ખુરશી પર બેઠા છે. ફિલ્મ 'ચા ચા ચા'અને 'સ્ટ્રીટ સિંગર'નો હીરો ચંદ્રશેખર ભ્રષ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના બહુ નાના રોલમાં છે. ઘણા મને સલાહ આપે છે કે, જેમ બ્રાહ્મણ લખો પછી 'ગરીબ'લખવાની જરૂર નથી તેમ, 'પોલીસ'લખો પછી 'ભ્રષ્ટ'લખવાની ય જરૂર નથી. ૯મી જુલાઈ, ૧૯૨૨ના રોજ જન્મેલા ચંદ્રશેખરની છેલ્લી ફિલ્મ '૩-ઈડિયટ્સ'હતી, એ હિસાબે એક્ટિંગનો કેટલો મોટો સ્પાન થયો? હજી હમણાં એના ફલેટમાં ચોરી થઈ હતી અને રોકડ રૂ. ૨૨,૦૦૦ ચોરાયા, ત્યારે ખબર પડી કે, એમના ઘરમાં ચોરી જવા દેવું ખાસ કાંઈ નહોતું.

ફિલ્મનું સંગીત પુરુષોત્તમનું છે. કોઈ જાણીતું નામ નહિ, પણ આ ફિલ્મમાં એમણે દિલડોલ સંગીત આપ્યું છે. તમામ ગીતો પહેલીવાર સાંભળવા છતાં, કોઈ ગીત અધૂરું છોડવું નહિ ગમે.

... ફિલ્મ પણ...!

ઍનકાઉન્ટર: 03-11-2013

$
0
0
* બુધ્ધિશાળી પુરૂષો પણ સુંદર સ્ત્રીને જોઇને ભાન કેમ ભૂલી જાય છે ?
- કારણ કે, એ બુધ્ધિશાળી છે.
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* મહામૂર્ખ દિગ્વિજયસિંહના બફાટો વિશે શું માનો છો ?
- કોંગ્રેસમાં આવા તો અનેક દિગ્વિજયસિંહો છે.
(ગૌરી  કાચા, અમદાવાદ)

* ભારતમાં જાપાનીઝ ચીજો વખણાય છે. જાપાનની કન્યા મેળવવા શું કરવાનું ?
- જાપાનીઝ માં-બાપ લઇ આવવાના !
(રજાહુસેન બચુભાઈ, મહુવા)

* તમે રાજકારણીઓ વિશે ખુલ્લેઆમ લખો છો. તમને એમની બીક નથી લાગતી ?
- ભાજપ અને કોંગ્રેસ બંને કપડાં પહેર્યાં વગરના પક્ષો છે. નાગાની એક ગૅરન્ટી હોય છે કે, એ આપણાં કપડાં કાઢી લેતો નથી. અહીં તો બંને નાગા ફરે છે ને આપણા ય કાઢી લે એવા હોય છે !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* તમને રૂબરૂ મળવા શું કરવું ?
- રૂબરૂમાં હું બહુ બોરિંગ માણસ છું!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* માણસોને અમુક ઉંમર પછી જ સંસારમાંથી રસ કેમ ઊડી જાય છે ?
- માણસોને એવું હશે...! મને તો એવું કાંઇ નથી..!!!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* કેદારનાથ હોનારત વખતે મીડિયાએ મૃતકોને બદલે રાજકીય નેતાઓને મહત્વ કેમ વધુ આપ્યું ?
- પ્રજાને ખબર પડે કે, જવા જોઇતા હતા, એ બાકી રહી ગયા છે !
(પલક બગડા, લીલીયા મોટા)

* અગાઉના સમયમાં પ્રજાજનો બાળકોને ભણવા ઋષિમુનીઓના આશ્રમોમાં મૂકતા... હવે એસી-સ્કૂલોમાં મૂકે છે. મતલબ ?
- મતલબ એ જ કે, એ જમાનાના જંગલોમાં એસી ફિટ નહોતા થતા.
(હરેશ કુબાવત, પાલિતાણા)

* નિવૃત્ત સરકારી અધિકારી રોફ જમાવી શકે ખરો ?
- નોકરી નીતિથી કરી હોય તો ખરો વટ નિવૃત્તિ પછી પાડી શકે છે અને પ્રજા આદર પણ આપે છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* વૃધ્ધાશ્રમો સમાજનું કલંક કે આજના સમયની જરૂરિયાત ?
- તમારે જવું હોય ત્યારે કહેજો ને....! આપણે પૂરી ઓળખાણ છે !
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

* અમારા જૂનાગઢનો વિલિંગ્ડન ડૅમ છલકાયો હતો... સુઉં કિયો છો ?
- અત્યારે તો મળે કે નહિ, તેની ખબર નથી પણ હું આવું છું ત્યારે જૂનાગઢનો 'કાવો'સરસ છલકાતો હોય છે.
(પ્રણવ ઠાકર, જૂનાગઢ)

* આપની કઈ નાકામ હસરતો પૂરી થઇ નથી ?
- પૅરિસના આયફલ ટાવર પર બેસીને બેનઝીર ભુટ્ટો સાથે દાળવડાં ખાવાનું સપનું મનમાં જ રહી ગયું ! ડિમ્પલને દાળવડા ભાવતા નથી !
(જગદિશ આર. શાહ, રાજકોટ)

* દવે સાહેબ, તમે કેટલું ભણ્યા ને કેટલું ગણ્યા છો ?
- મારા માટે તમારો અભિપ્રાય સુધર્યો લાગે છે !
(એચ. બી. લાલવાણી, થર્મલ)

* રાજા રામમોહનરાયે સતીપ્રથા બંધ કરાવી, એ અંગે શું માનો છો ?
- બંધ ન કરાવી હોત તો બે વખત દેશ બચી ગયો હોત !
(કલ્પના શાહ, વડોદરા)

* તમે નમ્ર બનીને અમારો સવાલ ઊડાવી દો છો, પણ વાંચતા વાંચતા હસાવી દે, એવો સ્વ. જ્યોતીન્દ્ર દવે પછી બીજો કોઇ હાસ્યલેખક તમારી તોલે ઊભો રહે એમ નથી. આવું મારી જેમ અનેકને કહેતા સાંભળ્યા છે.
- દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે.
(ડૉ. શીલિન જી. પટેલ, મુંબઇ)

* કોઇકે 'આર્ટ ઑફ લિવિંગ'શરૂ કર્યું છે. અશોક દવે 'આર્ટ ઑફ  LEAVING'ક્યારે શરૂ કરશે ?'
- 'શ્રી'અશોક દવેની આગળ હજી બીજા ચાર 'શ્રી'મૂકાવી આપો, તો હમણાં શરૂ કરી દઉં...
(ભરત ડી. સાંખલા, ડીસા)

* એક લેખમાં તમારા લખવા મુજબ, તમારી પત્ની તમને ઉંદર સાથે કેમ સરખાવે છે ?
- એ ભગવાન શ્રી ગણેશની પૂજક છે.
(અમૃત ડી. નાગડા, મુંબઇ)

* મહારાષ્ટ્રમાં ડાન્સ-બાર ફરી શરૂ કરવાના સમાચારથી લાખો ગુજરાતીઓ ગેલમાં આવી ગયા, આપનું કેવું છે ?
- આ તમે માહિતી આપી રહ્યા છો ક્યારે, ઇર્ષા કરી રહ્યા છો ?
(સંજય પવાર, વડોદરા)

* આંસુ, સાસુ અને ચોમાસું... ક્યારે વરસી પડે તે કહેવાય નહિ. સાચું ?
- આંસુ અને સાસુ નકલી હોય....
(જયંતિ એ. પંચાલ, અંકલેશ્વર)

* સિંહણ ચાર બચ્ચાંને જન્મ આપે તો ય છાપામાં ફોટો અને કૂતરી સાત-આઠ બચ્ચાં જણે તો કાંઇ નહિ..!
- ....સ્પષ્ટ કરશો, તમે જીવ સિંહણ માટે બાળો છો કે કૂતરી માટે ?
(ઘનશ્યામ આચાર્ય, ભડલી-જસદણ)

* સાંભળ્યું છે કે, તમે કોઇ પરદેશીને છોડી દીધી હતી...?
- ના. છેલ્લા ૩૭-વર્ષથી એને પરણ્યો છું.
(અવનિ પી. જોશી, અમદાવાદ)

* પત્ની શંકા કરવા માંડે તો શું કરવું ?
- 'ઍટૅક ઇઝ ધ બેસ્ટ ફૉર્મ ઑફ ડીફેન્સ...!'
(હાતિમ એ. કાગળવાલા, થાણા-મહારાષ્ટ્ર)

* સવાલ પૂછનારનું સરનામું અને મોબાઇલ નંબર વગર તમે જવાબ આપતા નથી, પણ એ સરનામું કે નંબર  છાપતા તો નથી.
- તમારૂં રેશન-કાર્ડ મોકલાવજો. બધી વિગતો છાપીશું.
(લહેરીકાંત જે. જોશી, મુંબઇ)

* આપનો ફોટો 'ઍનકાઉન્ટર'માં નથી છાપતા ?
- લોકો જોઇને નહિ, વાંચીને હસે માટે.
(જગદિશ હિમતરામ જાની, મુંબઇ)

* 'હરણ'અને 'અપહરણ'વચ્ચે કેટલો ફરક ?
- 'અપ-હરણ'નું 'ડાઉન-હરણ'ન થાય !
(યોગેશ આર. જોશી, હાલોલ)

* તમે શું કોંગ્રેસના પ્રખર ટીકાકાર અને ભાજપના મજબુત સમર્થક છો ?
- કૉંગ્રેસની બેવકૂફીઓ પર હસવું આવે છે. પોતે દેશ માટે શું કરી શકે તેમ છે, એની વિગતો આપવાને બદલે છેલ્લા દસ વર્ષથી એની પાસે નરેન્દ્ર મોદી સિવાય બોલવાનો કોઇ વિષય જ નથી. ૨૦૧૪-ના ઈલેકશન પછી ભાજપના હાથમાં સત્તા આવશે, એ પછી દેશ કેવો ચલાવે છે, એના ઉપર મારૂં કે તમારૂં સમર્થન હોય !
(શ્રીમતી પી. વાય. જોશી, સુરત)

એનકાઉન્ટર - 10-11-2013

$
0
0
૧. 'આપ ગુજરાતના સર્વોત્તમ હાસ્યલેખક છો', આ નિરીક્ષણ સાથે શું આપ સહમત છો?
- સહેજ પણ નહિ... પણ ગુજરાતના સાડા પાંચ કરોડ વાચકો મારી સાથે સહેજ પણ સહમત થતા નથી, બોલો!
(પ્રિયા પી.પટેલ,સુરત)

૨. શુ ઉત્તરાયણ આપનો મનપસંદ તહેવાર ખરો?
- હતો એક જમાનામાં ... પણ જેને જોવા અગાસી ઉપર વહેલી પરોઢથી તંબૂ તાણ્યા હોય, એ બધીઓને સાલા એની બાજુના ધાબાવાળાઓ લપટાઇને લઇ ગયા'તા... અમારે લચ્છા મારવાના અને પિલ્લું વાળવાના દહાડા આવેલા.... આજે ૪૦-વરસ પછી એ જ ડોસીઓને જોઉ છું, ત્યારે 'ઇશ્વર આપણી રક્ષા કરે છે,'એ વિધાન પર વિશ્વાસ બેસે છે. 'હાશ.. આપણે બચી ગયા.'
(પૂર્વી એમ.પ્રધાન, વડોદરા)

૩. મારી ઉપર પૈસા અને પ્રેમનો વરસાદ થાય, એ માટે મારે શું કરવું જોઇએ?
- મંદિરની બહાર ઊભા રહેવું જોઇએ.
( સંદીપ એચ.દવે, જુનાગઢ)

૪. 'ગુરૂ' (અફઝલ) ને ક્યાં સુધી આપણે દક્ષિણા આપે રાખવાની ?
- એને ફાંસી આપવાથી ડરતા કોંગ્રેસના જે કોઇ લાગતા-વળગતા હોય, એ બધાને દક્ષિણા મળે રાખે છે, ત્યાં સુધી તો ચાલુ જ રાખો.
(સલમા મણીયાર, વિરમગામ)

૫. ચાલુ કથાએ કથાકારો સ્ત્રી-પુરૂષોને બધાની વચ્ચે નચાવતા હોય છે, તે કેટલે અંશે યોગ્ય છે ?
- બહેનજી, હજી તો તમે ભક્તોની મર્યાદાઓ જોઇ નથી... એ લોકો જે કૃત્ય બારી-બારણાં બંધ કરીને કેવળ ઘરમાં જ કરી શકે, એ કથાકાર કહે તો બધાની વચ્ચે કરી બતાવે, એવા ધર્માંધ હોય છે.
(રમાગૌરી એમ.ભટ્ટ, ધોળકા)

૬. આખું વિશ્વ પ્રેમથી ચાલે છે, કિંતુ પ્રેમીઓ મળે, એ સહુને કેમ સાલે છે?
- ''બાપાનું રાજ ચાલે છે?''એવી ફિકર કરીને પ્રેમીઓ મળતા હોય તો, બધું ચાલે ને બધું સાલે છે..!
(મધુકાંત જોષી, રાજકોટ)

૭. નેતાઓ ખુરશી માટે કેમ લડે છે ?
- ખભે ખાખી પટ્ટો પહેરીને મીટિંગની બહાર ઊભું રહેવું ન પડે માટે.
(કમલેશ સ્વદાસ, રાજકોટ)

૮. સ્ત્રીઓ પોતાનું વજન ઘટાડવા કેમ આટલી ઉત્સુક હોય છે?
- 'બીજાનું'વજન ઉતારાવીને એમને શો ફાયદો ?
(આશુતોષ સાંખલા, ડીસા)

૯. ઉત્તમ અભિનેતાઓ કે ગાયક-સંગીતકારો આપણી વચ્ચેથી જતા રહ્યા.. નેતાઓ કેમ નથી જતા?
- એમાંનો એકે ય ઉત્તમ હોય તો જાય ને!
(ડો.સુરેન્દ્ર દોશી, રાજપિપળા)

૧૦. જૂની કહેવત 'પારકા બૈરા સૌને ગમે', એ હજી ચાલુ જ છે ?
- હા, એ તો આપણને પારકું બૈરૂ ગમે, પછી જ પૂરી થાય ને!
( પરેશ નાયક, નવસારી)

૧૧. અશોકભાઇ, આપની દ્રષ્ટિએ આજ સુધીનો શ્રેષ્ઠ નેતા અને શ્રેષ્ઠ અભિનેતા કોણ?
- નેતા પૂજ્ય ગાંધી બાપૂ અને અભિનેતા- ડો.મનમોહનસિંઘ.
(ડી.કે.માંડવીયા,પોરબંદર)

૧૨. દેશમાં રામરાજ્ય તો નથી, છતાં દેશનો વહિવટ રામભરોસે કેમ ચાલે છે?
- રામ જાણે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૩. ઇન્સાનીયતની કદર ન થાય તો શું માનવું?
- એ જ કે, આપણે અથવા કદર કરનારે, ઇન્સાન બનવાની હજી વાર છે.
(ચંન્દ્રકાંત જાની, જામનગર)

૧૪. દરેક પ્રેમકથાનો અંજામ હંમેશા કરૂણ જ કેમ આવે છે?
- અમારે તો એવું કાંઇ નહોતું થયું..! અમે તો એની સાથે પરણ્યા જ નહોતા!!
(કેશવ કટારીયા, રાજકોટ)

૧૫. ૨૧મી સદીમાં સ્ત્રીઓને વધુ પ્રાધાન્ય મળવું જોઇએ, એ વાત સાથે તમે સહમત છો ?
- ગાંડાઓનું કાંઇ નક્કી નહિ ! એ તો ગમે તેની સાથે સહમત થાય, બોલો!
(નિત્યના જે.દેસાઇ, વડોદરા)

૧૬. ગુજરાતમાં દારૂબંધી કેમ સફળ થતી નથી ?
- સફળ કરાવીને તમારે કામ શું છે ?
(રસિક જે. ધામી, જેતપુર)

૧૭. નરેન્દ્ર મોદીજી સદભાવના ઉપવાસ પછી હવે ક્યા ઉપવાસ કરશે?
- હવે એ બધું ગુજરાત કોંગ્રેસ કરશે.
(સેજલ રમેશ ગાંધી, સુરેન્દ્રનગર)

૧૮. ત્રીજું વિશ્વ યુધ્ધ થાય તો એમાં તમારો રોલ શું હશે?
- ૬૦-ઉપરની ઉંમરનાઓને આ લોકો સેનામાં ભરતી કરતા નથી...એટલે પછી ઘેર જ લડવાનું ચાલુ રાખીશું!
(રોશની પટ્ટણી, પાટણ)

૧૯. નબળા લોકોના શરીરમાં 'માતા'પ્રવેશ કરે છે, તો સશક્તોના શરીરમાં ભારતમાતા કેમ નહિ?
- સો કરોડની વસ્તીમાં બસ્સો કરોડ દેવી-દેવતાઓ હોય, ત્યાં દુશ્મનો જ રાજ કરે.
(હર્ષા ખીરસરીયા, મોટા ગુંદા-જામનગર)

૨૦. વિદેશ પ્રવાસોના દેશના અબજો રૂપિયા ખર્ચી નાંખનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સામે કોઇ ઇન્કવાયરી થશે ખરી?
- 'સમરથ કો નહિ દોષ ગુસાંઇ..'
(મૂળશંકર રાજ્યગુરૂ, ભાવનગર)

૨૧. સ્ત્રીઓ મેઇક-અપ પાછળ આટલો બધો ખર્ચો કેમ કરતી હશે?
- એમાંની અનેક ... મેઇક-અપ કર્યા પછી તો સ્ત્રી લાગતી હોય છે!
(અજય જાડેજા, ભાવનગર)

૨૨. હાસ્યલેખકના જીવનમાં ટ્રેજેડી કઇ હોય છે ?
- ઇંગ્લિશ મીડિયમમાં ભણતા પૌત્ર-પૌત્રીઓને ગળે ઉતારવું પડે કે, તમારા દાદા લેખક છે!
(ડો.દીપક સી.ભટ્ટ, બોડેલી)

૨૩. આપને કોઇ અભિનેત્રીનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કઇ અભિનેત્રી પસંદ કરો અને ક્યો સવાલ પૂછો?
- હજારવાર કહ્યુ છે, ડિમ્પલ કાપડીયા સિવાય બધી અભિનેત્રીઓ મારે મન સાળી અને સાસુ સમાન છે. ડિમ્પ્સને એક જ સવાલ પૂછું, ''કાકા તો ગયા.. હવે આ ડોહા ફાવશે?''
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

૨૪. મારા ગોરધન મને કાયમ કીધા કરે છે કે, 'હું તો લગ્ને લગ્ને કૂંવારો છું, તો મારે શું સમજવું ?
- એની આ વાત કદાચ સાચી પણ હોય, હો? તમે સુઉં કિયો છો?
(ભારતી કાચા, મોરબી)

૨૫. આજ સુધી તમે કોની હ્યુમરથી સૌથી વધુ પ્રભાવિત થયા છો?
- બે જ વ્યક્તિ એક મારા સ્વ. પિતાશ્રી ચંદુભાઇ અને બીજા સુરતના શ્રી અજીતસિંહજી 'બાપુ'.
(પ્રયાગી મહેતા, ભાવનગર)

'મીયાં, બીબી રાજી' ('૬૦)

$
0
0
ફિલ્મ   :    'મીયાં, બીબી રાજી' ('૬૦)
નિર્માતા   :    અનુપમ ચિત્ર
દિગ્દર્શક   :    જ્યોતિ સ્વરૂપ
સંગીત   :   સચિનદેવ બર્મન
ગીતો   :    શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ   :    ૧૪-રીલ્સ
થીયેટર   :    રીગલ (અમદાવાદ)
કલાકારો    :    કામિની કદમ, મેહમુદ, શ્રીકાંત ગૌરવ, સીમા સરાફ



ગીતો
૧.સુન મેરી સજની રે, છી બાબા ક્યા કહેતે હૈં        - મુહમ્મદ રફી
૨.પ મ ગ મ... તૂને લે લિયા હૈ દિલ અબ ક્યા હોગા    - ગીતાદત્ત-રફી
૩.ખુલી હૈ આંખ મગર, ખ્વાબ હૈ વો હી કા વો હી...    - સુમન કલ્યાણપુર
૪.સુન લે મુરલીયા, આઈ મૈં છુપ કે        - સુમન કલ્યાણપુર
૫. પિયા બિન નાંહી આવત ચૈન... હો મિલ ગયે    - મહેન્દ્ર કપૂર, આશા
૬. હો રાજા મોરે ડોલી લે કે આજા    કમલા સિસ્ટા    - રફી
૭. મૈં હૂં ભોલા વ્યાપારી, લાયા હૂં ચીઝેં પ્યારી પ્યારી...    - મુહમ્મદ રફી

મોટા ભાગે તો બહુ ઘટીયા ફિલ્મો બનતી હતી, '૫૦, '૬૦ કે '૭૦ના દાયકાઓમાં. એકાદી વળી સારી નીકળી જાય તો ભયો ભયો. આ આખા આરોપમાં બે ચીજો નોંધવા જેવી છે. એક તો મોટા ભાગની ફિલ્મો ઘટીયા બનતી હોય તો, આપણને બધાને એવી ફિલ્મો ગમતી હતી કેમ? મોટાભાગની ફિલ્મો રજત જ્યંતિ ઉજવણી એ જમાનામાં આવો ખ્યાલ નહોતો આવતો કે, આ ફિલ્મો ફાલતુ છે. એ વખતે તો ગમતી જ હતી... અપવાદો હોઈ શકે! એનું કારણ અત્યારે એ રીતે ગોઠવી રહ્યો છું કે, ફિલ્મો સિવાય આપણી પાસે મનોરંજનનું બીજું કોઈ સાધન પણ નહોતું. અમદાવાદ એકલું ભદ્રના દરવાજે પૂરું થઈ જતું. રીક્ષાઓ પોસાય એમ નહોતી. ગાડી તો પૂરા શહેરમાં માંડ કોઈ ૨૦-૨૫ લોકો પાસે હતી. ક્રિકેટનો શોખ બધાને, પણ એ ય જોવા ન મળે... રેડિયો પર કોમેન્ટરી સાંભળવાની. ઈંગ્લિશ કોઈને આવડતું નહોતું, એટલે 'ઈન્ડિયા ૩૫ ફોર ૩...'એટલે એટલી ખબર પડતી કે, ઈન્ડિયા એટલે આપણે અને ૩૫ રનમાં આપણી ત્રણ વિકેટો રાબેતા મુજબની પડી ગઈ છે.

સિનેમા એક માધ્યમ એવું હતું કે જોનારાઓ કે ફિલ્મ બનાવનારાઓ બેમાંથી કોઈને લાંબી બુદ્ધિ દોડાવવી પડતી નહોતી. હીરો-હીરોઈન આંખના જોવા ગમે એવા હતા, એમનું જોઈને કપડાં કેવા પહેરવા કે બગીચામાં જઈને પેલી સાથે બેસવું કેવી રીતે અથવા તો પ્રસ્તાવ મૂકતી વખતે ફાધરની સામે મૂન્ડી નીચી રાખીને રાજેન્દ્ર કુમારની જેમ કહેવું કેવી રીતે કે, 'બાપુજી, હું ગોદાવરી સાથે લગ્ન કરવા માંગું છું...'ધૅટ્સ ઓલ.

અને આવી ય ફિલ્મો ગમવાનું બહુ તગડું કારણ ઓલમોસ્ટ દરેક ફિલ્મોનું ઊંચા ગજાંનું સંગીત હતું. એમાં રતિભારે ય ફેર ન પડે. આજ સુધી ફિલ્મો ભાગ્યે જ કોઈ યાદ રહી છે, સંગીત ફિક્સ ડીપોઝિટની જેમ વ્યાજ આપતું આપતું આજે પણ આપણા હૃદયની બેન્ક તગડી કરતું રહ્યું છે.

આ ફિલ્મ 'મીયાં, બીબી રાજી'પણ ચોક્કસપણે ફાલતુ ફિલ્મ હતી, પણ પાછી એવી ફાલતુ નહિ કે, અધવચ્ચે છોડીને ઊભા થઈ જવું પડે. મેહમુદ ઑલમોસ્ટ હીરો હતો. ઑલમોસ્ટ એટલા માટે કે, ટૅકનિકલી હીરો તો શ્રીકાંત ગૌરવ હતો, જે હીરો કમ ને ટાયર-પંકચરવાળા જેવો વધારે લાગતો હતો. આપણે ત્યાં બહુ બોલાતો તકીયા કલામ છે, 'ક્યાંથી આવા ને આવા ઉપાડી લાવો છે...?'એ કલામ આ શ્રીકાંતને જોઈને પડયો હશે!
હીરોઈન કામિની કદમ હતી. એનું સાચું નામ 'માણેક કદમ'હતું. રાજેન્દ્ર કુમાર સાથે એની ફિલ્મ ૧૯૫૮માં 'તલાક'આવી હતી, જેનું ગીત તમને ગમે છે, 'મેરે જીવન મેં કિરન બનકે ઉભરને વાલે, બોલો તુમ કૌન હો...' (સી. રામચંદ્ર, મના ડે, આશા ભોંસલે) એ પછી રાજેન્દ્ર કુમાર સાથેની ફિલ્મ 'સંતાન'આવી (બોલે યે દિલ કા ઈશારા આંખોને મિલ કે પુકારા... દત્તુ ઠેકાનું મદમસ્ત ગીત હતું.) એ પછી વસંત દેસાઈની ફિલ્મ 'સ્કૂલ માસ્તર'માં એ આવી. 'ઓ દિલદાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમ્હેં...?'અને છેલ્લે ગીતા બાલી સાથે સલિલ ચૌધરીવાળી ફિલ્મ 'સપન સુહાને'માં એ હતી. ('...કે ઘૂંઘટ હટા ન દેના ગોરીયે કે ચંદા શરમ સે ડૂબેગા...') રાજેન્દ્ર કુમાર બહુ સદી ગયો હશે કે એની સાથે ફિલ્મ 'માંબાપ'માં પણ એ હીરોઈન હતી. 'લે લો લે લો દુઆયેં માંબાપ કી, સર સે ઉતરેગી ગઠરી, પાપ કી...'યસ. હતી એ હીરોઈન મટિરીયલ. સરસ હાઈટ બોડી અને ચેહરો સુંદર.

કામિની ૩૦ જૂન, ૨૦૦૦ના રોજ ગુજરી ગઈ. મરાઠી અભિનેત્રી હતી.

અત્યારે નવાઈ લાગી શકે ખરી કે, એ જમાનામાં મેહમુદ હીરો તરીકે આવતો હતો. અહીં એની હીરોઈન મરાઠી તખ્તા અને ફિલ્મોની એક સમયની હીરોઈન સીમા સરાફ હતી, જે પાછળથી રમેશદેવને પરણીને સીમાદેવ બની. આ પતિ-પત્નીને તમે રાજેશ ખન્નાની ફિલ્મ 'આનંદ'માં મિસીસ અને ડો. કુલકર્ણીના કિરદારોમાં જોયા છે. કૅન્સરગ્રસ્ત ખન્નાને બચાવવા માટે સીમાદેવ ખન્નાને લઈને મૌની બાબા પાસે લઈ જાય છે, એ સીમા. 'કહાં ઊડ ચલે હો, મન પ્રાણ મેરે, કીસે ખોજતે હૈં મધુર ગાન મેરે...'એ ફિલ્મ 'ભાભી કી ચૂડીયા'ના આશા-મુકેશના યુગલ ગીતમાં હીરો શૈલેષ કુમાર સાથે આ ગીત સીમા દેવે ગાયું હતું.

જાડી મનોરમા સરપ્રાઈઝીંગલી અહીં ચીસાચીસ વગરના રોલમાં છે ને એ ય કૉમેડિયન ડૅવિડ (ડૅવિડ અબ્રાહમ ચેઉલકર)ની પત્ની હોવા છતાં. ડૅવિડ ઈન ફૅક્ટ, અહીં કૉમેડી નથી કરતો ખલનાયક પિતાના રોલમાં છે. જીવનભર કુંવારો રહેલો ડેવિડ બેવફા ફિલ્મનગરીથી ત્રાસીને છેલ્લા દિવસો કૅનેડામાં કાઢ્યા હતા. એ યહૂદી (જ્યૂ) હતો. હીરોના ફાધરના રોલમાં, એક જમાનામાં અનેક ફિલ્મોમાં આવતા ખૂબ સારા કલાકાર નિરંજન શર્મા છે. સારી પર્સનાલિટી પણ હતી. ફિલ્મની ફાલતું વાર્તા કંઈક આવી હતી :

મેહમુદ અને કામિની કદમ ભાઈ બહેન છે. સ્કૂલ ટીચર તરીકે નોકરી કરતી કામિની નિરંજન શર્માના છોકરા શ્રીકાંતના પ્રેમમાં છે. શ્રીકાંતની બહેન સીમા મેહમુદના પ્રેમમાં છે. મતલબ, ભાઈ-બહેનો સામસામે પ્રેમો કરી બેઠા છે. બન્નેના પિતા દહેજના લાલચી છે. ફિલ્મ દહેજ ઉપર હોવાથી ચારે ય પંખીડાઓના લગ્ન દહેજને કારણે અટકે છે. મેહમુદ સીમાદેવ આપઘાત કરવા જાય છે. એ ન કરે માટે બન્ને ફાધરો એગ્રી થઈ જાય છે. વાર્તા પૂરી.

સાલું... ફિલ્મનું ટાઈટલ વાંચ્યા પછી એક આશા ઊભી થતી હતી કે, માં-બાપ દહેજના ભૂખ્યા છે, તો છેલ્લે એન્ડ એવો આવશે કે, બન્ને પાર્ટીઓ દહેજ માટે ભૂખાવડીઓ થતી રહે ને આ બાજુ 'મીયાં, બીબી રાજી, તો ક્યા કરેગા કાજી'ને સાર્થક કરવા માં-બાપને લટકતા રાખીને ચારે ય પાર્ટીઓ લગ્ન કરી લે. એને બદલે તો એ જમાનાની બધી ફિલ્મોની જેમ, ચારે ય જણા માં-બાપની સંમતિની રાહ જોયે રાખે છે. તારી... સોરી, તમારા બધાની ભલી થાય ચમના/ચમનીઓ... માં-બાપને પરાણે રાજી કરવા આપઘાતનું જ નાટક કરવાનું હોય તો આ દહેજ-ફહેજનું નાટક કરવાની જરૂર જ ક્યાં છે?

મોટું દુઃખ પહોંચાડે છે, મારા ખૂબ ગમતા સંગીતકાર સચિનદેવ બર્મન! સમજ્યા કે, ૧૯૫૮થી ૧૯૬૨ના ચાર વર્ષો દરમ્યાન લતા મંગેશકર સાથે ઝઘડો થઈ જતા, બન્ને એકબીજા માટે કામ કરતા નહોતા, એટલે દાદાને આશા અને સુમન કલ્યાણપુરને લેવા પડતા. પણ તો ય, એ બધી ફિલ્મોમાં ય એમના સંગીતમાં કોઈ ફરક પડયો નથી... એક આમાં જ માર ખાઈ ગયા અને બહુ ફાલતુ ગીતો બનાવી નાંખ્યા. જુઓ, વગર લતાએ પણ આ ચાર વર્ષોમાં લહેર કેવી અદ્ભૂત કરાવી છે? આ ફિલ્મોના ગીતો યાદ કરો, જેમાં લતા નહોતી. 'સોલવા સાલ, કાલા બાઝાર, લાજવંતિ, ચલતી કા નામ ગાડી, કાલાપાની, સુજાતા, કાગઝ કે ફૂલ, ઈન્સાન જાગ ઉઠા, મંઝિલ, બમ્બઈ કા બાબુ. મીયાં બીબી રાજી, અપના હાથ જગન્નાથ, બેવકૂફ, એક કે બાદ એક અને બાત એક રાત કી... છેક '૬૨ની સાલમાં લતા સાતે સમાધાન થતા ફિલ્મ 'ડો. વિદ્યા'માં 'પવન દીવાની, ન માને ઉડાયે મોરા ઘૂંઘટા...'થી નવી ઈનિંગ્સ શરૂ થઈ.

ફિલ્મ 'મીયાં બીબી રાજી'માં તો એક સુમનનું 'છોડો છોડો મોરી બૈયા, સાંવરે, લાજ કે મારી મૈં તો પાની પાની હુઈ જાઉં...'જાણીતું બન્યું. મને તો 'ખ્વાબ હૈ વો હી કા વો હી...'ખૂબ ગમે છે, પણ મારા એકલાના ગમવાથી શું થાય? એ સમયની બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મો જોતા આજ બેશક કંટાળો આવે. ટૅકનિકલી ફિલ્મો ઘણી નબળી હતી. જેમ કે, દરેક હીરો-હીરોઈનના મોંઢા ઉપર તમે પકડી પાડી શકો, એવા મૅક-અપના થપેડા દેખાય. આઉટડોર શૂટિંગમાં રીફલેક્ટરોનું અજવાળું તમે પકડી શકો. રીફ્લેક્ટર એટલે સૂર્યપ્રકાશમાં સીધે સીધા દ્રષ્યો ઝડપે, તો મોંઢા ઉપર કાળો છાંયડો તરત દેખાય. રીફ્લેક્ટરો એટલે લગભગ ૫-૭ ફૂટના ચોરસ બોર્ડ ઉપર ચાંદીના વરખ જેવો કાગળ ચોડયો હોય, જેના ઉપર અથડાઈને સૂર્યપ્રકાશ હીરો-હીરોઈન ઉપર રીફ્લેક્ટ થાય, એટલે તડકો યથાવત રહે, પણ છાંયડો ગાયબ થઈ જાય. અહીં 'તૂને લે લિયા હૈ દિલ અબ ક્યા હોગા...'ગીતમાં બોટમાં બેઠેલા સીમા-મેહમુદ ઉપર રીફ્લેક્ટરોની આઘાપાછી સ્પષ્ટ દેખાઈ જાય છે, જે ન દેખાવી જોઈએ. મૅક-અપના થપેડા પણ જરૂરત કરતા વધારે ઉપસી આવ્યા છે.

એક કૉમેડી તો આજે ય બધી હિંદી ફિલ્મોમાં થતી દેખાય છે. હીરો-હીરોઈનને એમના મમ્મી-પપ્પા લગ્નનો પ્રસ્તાવ મૂકે, એટલે મોંઢા મચકોડી જ નાંખવાના. હાળાઓને ગમતું બધું હોય, પણ 'ઓહ પાપા, મેરી શાદી કે બારે મેં આપ સોચ ભી કૈસે સક્તે હૈં...?'એવો એકાદ ડાયલોગ આ ફિલ્મના હીરોની જેમ મારી દેવાનો. અલ્યા ચમના... બાપ તારો છે. એ તારી શાદી માટે નહિ સોચે તો શું ભારતના વડાપ્રધાનની શાદી માટે સોચવાનો છે? ખોટો ડાયો સુઉં થાસ...?

એક અફસોસ શીલા વાઝના નામનો થઈ જાય. એ જમાનાની અનેક ફિલ્મોમાં શીલા આવી હતી. ભારોભાર સૌંદર્ય (ભારોભાર એટલે સૅક્સી) છતાં કોઈ ફિલ્મોમાં એને પૂરતી જગ્યા ન મળી. ફિલ્મનું 'છોડો છોડો મોરી બૈંયા, સાંવરે...'તમે યૂ-ટયૂબ પર જોશો, તો ય ખ્યાલ આવશે કે આ છોકરી તો હીરોઈનો કરતાં ય વધુ સુંદર હતી... છતાં ચાલી કેમ નહિ? આ જ ગીતના અંતમાં ઢોલકની થાપ સાથે એ ગીત પૂરું કરવા, બન્ને હાથમાં પોતાનો દુપટ્ટો લહેરાવતી દોડી જાય છ, એ ઉપરથી આજકાલ એક સરસ જાહેરખબર ટીવી પરની યાદ આવી ગઈ. ફિલ્મનો યુવાન ડાયરેક્ટર આઉટડોરમાં હીરોઈનને 'એક્શન'કહે છે, એ સાથે જ પાછળ જોયા વગર હીરોઈન બન્ને હાથમાં દુપટ્ટો ઊંચો કરતી આગળ દોડી જાય છે, એ જ વખતે ડાયરેક્ટરની મમ્મીનો ફોન આવતા શૉટ તો કટ થઈ જાય છે, પણ પેલી ભોળીને કોઈ કહેતું નથી કે, શૉટ કૅન્સલ છે, તું પાછી આવ... પેલી બસ... દોડે જ જાય છે.
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>